ડણક
A Story Of Revenge.
ભાગ:13
(શ્રાવણ માસ ના પરબડાં કરવા પોતાને ગામ ગયેલી સેજલ નિયત સમયે પાછી ના આવતાં ચિંતિત કાનો ગાભુ સાથે કિસા પહોંચે છે.. જ્યાં જઈને ખબર પડે છે કે સેજલ તો સવારે વહેલી જ નીકળી ગઈ હોય છે. આ સાંભળતા જ કાનો વધુ ચિંતાતુર થઈને સેજલ ની શોધખોળ માં લાગી જાય છે. આખરે સેજલ મળી જાય છે પણ મૃત અવસ્થામાં.. સેજલ ના હિંસક પશુ ના હુમલા માં થયેલ અપમૃત્યુ થી કાનો પાગલ જેવો બની જાય છે. હવે વાંચો આગળ.. )
"કાચી રે માટીનું કોડિયું આ કાયા
ઝબકી ઝબકીને બુઝાવાનું રે…
જાનકીનો નાથ પણ જાણી શક્યો નહી
કાલે સવારે શું થવાનું?"
ઘણીવાર આપણાં હાથ માં કંઈ હોતું નથી.. ઉપરવાળો જે આપણાં ભાગ્ય માં લખે એ જ થવાનું હોય છે.. જન્મ અને મૃત્યુ આપણાં હાથ માં નથી એ વાત નો સ્વીકાર દરેકે કરવો જ રહ્યો.. પણ કાનો કેમેય આ વાત સ્વીકારવા તૈયાર નહોતો.. !! કાનો ધીરે ધીરે પોતાની માનસિક અવસ્થા ગુમાવી રહ્યો હતો.
આ તરફ આ એક મહિના માં કિસા, રાવટા, જાવંત્રી, ઘંટવાળ માં હિંસક પશુ નાં હુમલામાં સેજલ પછી બીજાં બારેક લોકો નાં મોત થયાં હતાં.. જેમાં સાત તો બાળકો નો સમાવેશ થતો હતો. ઘણાં બધાં ઢોર ઢાંખર ની પણ અર્ધ ખવાયેલી લાશો મળી આવી હતી.. સમગ્ર પંથક ડર અને ભય ના માહોલ વચ્ચે જીવી રહ્યો હતો.. કોઈને સમજાતું નહોતું કે આટલી મોટી સંખ્યામાં માણસો પર હુમલો કોણ કરી રહ્યું હતું..
હુમલા ની રીત ભાત અને જે રીતે સૂતાં બાળકો ને ઘોડિયા માંથી લઈ જઈ એમનું મારણ થયું હતું એ પર થી તો બધાં ને એવું લાગતું કે કોઈ માનવભક્ષી દીપડો આ બધું કરી રહ્યો છે. હવે તો લોકો એકલાં રાતે નીકળતાં પણ ડરતાં હતાં.. અચાનક બપોરે ઘંટવાળ ગામ નો કિશન નામ નો ભરવાડ દોડતો ગામ માં આવ્યો અને ગામ ને ચોરે બેસેલાં ગામ નાં વડીલો જોડે જઈને બોલ્યો.
"ત્યાં.. ગામ ની બહાર ટેકરી જોડે.. અરજણ . "
"શું અરજણ.. શું થયું અરજણ ને.. અને તું કેમ આમ હાંફી રહ્યો છે?"કિશન ની વાત સાંભળી બધાં એ એકસાથે પૂછ્યું.
"સિંહ.. એક સિંહ છે ત્યાં.. જેને અરજણ ને મારી નાંખ્યો.. હું અને અરજણ ગાયો ચરાવતાં હતાં.. અરજણ ગાયો ને લઈ પાણી પીવડાવવા ગયો ત્યાં જ એક વિશાળ સિંહ એની પર તૂટી પડ્યો અને એને ફાડી નાંખ્યો.. હું કંઈ કરી શકું એમ નહોતો એટલે જીવ બચાવી ને નાઠો.. "રડતાં રડતાં કિશન બોલ્યો.
"શું સિંહ.. સિંહે અરજણ પર હુમલો કર્યો.. ?"બધાં આશ્ચર્ય મીશ્રીત ભાવ સાથે બોલ્યાં.
"હા ત્યાં સિંહ છે.. એ પણ જેવો તેવો નહીં.. જીવતો જાગતો દૈત્ય છે.. એને મારી નાંખ્યો મારાં મિત્ર અરજણ ને.. "કિશન ના અવાજ માં સાફસાફ ડર વર્તાઈ રહયો હતો.
"ચાલો આપણે ત્યાં જઈને જોતાં આવ્યાં.. "કિશન ની વાત સાંભળી એક વડીલે કહ્યું.
એમની વાત સાંભળી બધાં પોતપોતાની ડાંગ હાથ માં લઈ કિશન ની પાછળ પાછળ જ્યાં અરજણ પર હુમલો થયો હતો એ જગ્યા એ પહોંચી ગયાં.. ત્યાં જઈને બધાં એ જોયું તો કિશન ના કહ્યા મુજબ કોઈ સિંહ તો નહોતો પણ અરજણ ની ખવાઈ ગયેલી લાશ પડી હતી. બહુ ખરાબ દશા માં અરજણ દેહ દેખાઈ રહ્યો હતો.. બહુ ક્રૂર રીતે એનું મારણ કરવામાં આવ્યું હતું. આ દ્રશ્ય અને કિશન એ આંખો થી દેખેલી આ ઘટના પર થી બધાં સમજી ગયાં કે સમગ્ર પંથક માં એકપછી એક થતાં હુમલાઓ પાછળ દીપડો નહીં પણ માનવભક્ષી સિંહ છે.. !!
વનકેસરી ખુદ યમદૂત બની સમગ્ર પંથકમાં કાળો કેર વર્તાવી રહ્યાં છે એ વાત વાયુવેગે આજુબાજુ ના દરેક ગામ માં ફેલાઈ ગઈ.. દીપડો, ઝરખ, શિકારી કૂતરાં સુધી તો બધું ઠીક હતું પણ જો આ બધાં હુમલા અને હત્યા ઓ પાછળ જો સાચેજ કોઈ સાવજ કરી રહ્યો હોય તો પછી ડરવું જરૂરી હતું.. કેમકે જો સિંહ માણસ નું લોહી ચાખી જાય તો એની ક્રૂરતા અને ભૂખ ઓછી થવાને બદલે દિવસે ને દિવસે બેવડાતી જાય છે અને માનવ પર થતાં હુમલા ની ઘટનાઓ નો સીલસીલો આમ જ ચાલુ રહેશે એ નક્કી હતું.
ઝરખ નાં ટોળાં વખતે જે રીતે આજુબાજુના ગામ ના સરપંચ એક ગામ માં મળ્યાં હતાં એમ ફરીવાર તેઓ બધાં કિસા ખાતે એકઠાં થયાં.
થોરડી નાં સરપંચ દવજીભાઈ એ સભા નું સુકાન સંભાળ્યું અને કહ્યું..
"અહીંયા હાજર આજુબાજુ નાં બધાં ગામ નાં સરપંચ શ્રી, અગ્રણી ગ્રામ જનો, અને આ સભા માં હાજર દરેક ભાઈ બેન ને મારાં નમસ્કાર.. આપણે અહીંયા કેમ હાજર છીએ એ વિશે તો તમે બધાં અવગત જ છો.. અત્યાર સુધી તેર તેર લોકો પર હિંસક પશુ દ્વારા હુમલા થયાં અને એ દરેક ને બહુ ક્રૂર રીતે મારી નાંખવામાં આવ્યાં.. ભગવાન એ દરેક ની આત્મના ને શાંતિ આપે.. "
"આ બધાં હુમલા પાછળ માનવભક્ષી દીપડો હોવાની આપણા સૌની ગણતરી ઘંટવાળ માં અરજણ નામનાં એક ગોવાળ પર થયેલાં હુમલા પછી ખોટી પડી છે.. એનાં એક ભેરુ એ પોતાની સગી આંખે જોયું કે એક વિશાળકાય દૈત્ય આકાર ધરાવતાં વનકેસરી એ અરજણ પર હુમલો કરી એને મારી નાંખ્યો.. હવે આગળ શું કરીશું એ વિશે આપને રાવટા ના સરપંચ રામજીભાઈ કહેશે.. "આટલું કહી દવજીભાઈ બેસી ગયાં.
"જોવો ભાઈઓ અને બહેનો.. દીપડો કે ઝરખ હોત તો એકવાર આપણે એનો મુકાબલો કરી શકીએ પણ જ્યારે કોઈ સાવજ માણસ ના લોહી નો તરસ્યો થાય ત્યારે એને અટકાવવો મુશ્કેલ બની જાય છે.. આજ થી ત્રીસેક વર્ષ પહેલાં આવા જ એક માનવભક્ષી સાવજે ચાલીસેક લોકો ને મોત ને ઘાટ ઉતારી મૂક્યાં હતાં.. મહા મુશ્કેલી થી એનો ખાત્મો થયો.. આ સાવજ પણ અરજણ ના ભેરુ ના કહ્યા મુજબ એટલો જ ખૂંખાર અને ક્રૂર છે.. માટે એનો ખાત્મો ના થાય ત્યાં સુધી સાવધ રહેવું જરૂરી છે.. "
"આજ થી જ દરેક ગામ માં દસ દસ માણસો ની ટુકડી બનાવી પોતપોતાનાં ગામ માં ચોકી પહેરો ભરશે.. અમે આજે જ વન ખાતા ની ટીમ ને જાણ કરીએ કે ગમે તે કરી ને આ હિંસક બનેલાં વનકેસરી ને ઠેકાણે પાડે અથવા પકડી લે.. "રામજીભાઈ એ કહ્યું.
"પણ વનખાતા ની ટીમ તો ક્યારે આવશે અને ક્યારે આ સાવજ પર કાબુ મેળવશે.. એનાં કરતાં તો તમે તમારા ગામ નાં કાના આહીર ને આ સિંહ નો શિકાર કરવાની જવાબદારી સોંપો ને.. "કાના ની અત્યાર ની મનોદશા થી અજાણ એવાં જાવંત્રી નાં ઉપ સરપંચ જીવા ભા એ કહ્યું.
"કાનો હવે એ કાનો નથી રહ્યો જેવો તમે કલ્પી રહ્યાં છો.. એ ઝરખ ના ટોળાં નો શિકાર કરનાર કાનો અત્યારે પોતાની જાત ને પણ સંભાળી શકવા સક્ષમ નથી.. આ ગામ ની દીકરી એવી સેજલ જોડે કાના ને પ્રીત બંધાઈ હતી અને પોતાની દીકરી ની ખુશી માટે સેજલ ના પિતા માનસિંહે એનાં કાના જોડે ધામધૂમ થી લગ્ન કરી આપ્યાં.. પણ વિધિ ની વક્રતા તો જુઓ.. આ ગામ માં જ આજ થી દોઢેક મહિના પહેલાં થયેલાં હુમલા માં સેજલ નું અપમૃત્યુ થતાં કાનો અત્યારે અર્ધપાગલ બની ગયો છે.. નહીં તો વનખાતા ને આ મામલામાં વચ્ચે નાંખવાનું આવતું જ નહોતો.. મારો કાનો બધું સંભાળી લેત.. "કાના ની અત્યાર ની સ્થિતિ વિશે વાત કરતાં રામજી ભાઈ બોલ્યાં.
"હા કાનો જો અત્યારે ઠીક હોત તો ચોક્કસ આ માનવ હત્યારા સાવજ ને એનાં અંજામ સુધી પહોંચાડી દેત.. એની પત્ની નાં વિરહ માં એ ભડવીર અત્યારે સાવ પાગલ થઈ ગયો છે.. બાકી મારો દોસ્તાર શેર ને માથે સવાશેર જરૂર સાબિત થાત.. "વિરજી એ કહ્યું.. હવે લીલાબેન ની જગ્યા એ વિરજી જ કિસા ગામ માં સરપંચ ની જવાબદારી સંભાળતો.
"તો આજે જ આપણે સંધાય મળીને વનખાતા ની ઓફીસ જઈને આ સાવજ ને જેમ બને એમ વહેલી તકે કાબુ માં લેવાનું કહે.. કેમકે આમ આપણાં છોરૂડાઓ અને ઢોર ઢાંખર ની લાશો જોવી હવે સહ્ય નથી.. "ઘંટવાળ ના સરપંચ વિલાભા કહ્યું.
"હા પણ દરેક વ્યક્તિ ને એક સૂચન કે કામ વગર ગામ ની બહાર જવું નહીં.. અને એમાં પણ કોઈએ રાત્રી નાં સમયે તો ભૂલ થી પણ નીકળવું નહીં.. ઘર નાં કમાડ વાખી ને રાખવા.. અને દરેક યુવકો એ પોતાની ફરજ સમજી લોકો ના રક્ષણ માટે કાર્યરત રહેવું.. હવે આ સભા બરખાસ્ત થાય છે.. આશા રાખીએ કે વનખાતા ની ટીમ સત્વરે આપણી તકલીફ નું નિવારણ કરે.. "દવજીભાઈ એ કહ્યું.. એમની વાત સાંભળી બધાં પોતપોતાનાં ઘર તરફ પાછાં વળ્યાં. અને બધાં સરપંચ સાસણગીર વનવિભાગ ની ઓફિસે જવા નીકળ્યાં.
***
એ દિવસે વનવિભાગ નાં મુખ્ય અધિકારી કે. ડી બુચ સાહેબે ત્યાં પહોંચેલા સરપંચ ના સમૂહ ને પોતે તાત્કાલિક ધોરણે કોઈ પગલાં લઈ એ માનવભક્ષી સાવજ ને પાંજરે પુરશે એવું આશ્વાસન આપી પાછાં મોકલ્યાં.
પંથક નાં દરેક ગામ માં યુવકો ની જુદી જુદી ટોળકી બનાવવામાં આવી જે એક પછી એક જુદાં જુદાં સમયે ચોકી પહેરો ભરતી અને પોતપોતાનાં ગામ નું રક્ષણ કરતી.. રાતભર હવે ગામો માં પ્રવેશવાના રસ્તા પર તાપણું કરી હાથ માં ડાંગ અને તીક્ષ્ણ હથિયારો સાથે ગામ ના યુવકો ની ફોજ ખડી રહેતી.. આ બધાં વચ્ચે વન વિભાગ ની ટીમ પણ આવી પહોંચી હતી.
વનવિભાગ ની ટીમ દ્વારા અલગ અલગ હુમલા ઓ ની જગ્યા નોંધી ને તારણ કાઢવામાં આવ્યું કે કિસા, રાવટા અને જાવંત્રી ગામ માં જે પાણી નો વ્હેળો છે ત્યાં થી બધી મારણ થયેલી લાશો મળી આવી છે જે પર થી માલુમ પડે કે માનવભક્ષી સાવજ આટલા માં આજુબાજુ જ ક્યાંક હાજર રહેતો હશે.
હવે સાવજ ને પકડવા માટે એક લોખંડ નું પાંજરું બનાવાયું અને એમાં એક બકરી નું બચ્ચું એને ફસાવવા માટે બાંધવામાં આવ્યું.. પાંજરામાં જેવું કોઈ પ્રવેશ કરે એવો જ એનો પગ નક્કી કરેલી જગ્યાએ પડતાં એક દોરી કપાઈ જતી જેનાં લીધે પાંજરા નો ખુલ્લો દરવાજો નીચે પડે અને અંદર પ્રવેશેલો સિંહ પુરાઈ જાય એવી ગોઠવણ હતી.. આવાં ત્રણ પાંજરા નક્કી કરેલી અલગ અલગ જગ્યા એ ગોઠવવામાં આવ્યાં.. વનવિભાગ ની ટીમ ને વિશ્વાસ હતો કે કોઈ એક પાંજરે તો એ હત્યારો સાવજ પુરાશે.
ગામ લોકો ને પણ વિશ્વાસ હતો કે વનવિભાગ ની ટીમ આ માનવભક્ષી બનેલાં સાવજ ને પીંજરે પુરવામાં સફળ થશે.. પણ સવાર પડતાં જ્યારે વનવિભાગ ની ટીમ અને ગામ નાં લોકો જ્યારે એમને ગોઠવેલાં પાંજરા ની મુલાકાતે પહોંચ્યા ત્યારે એમને જે જોયું તે જોઈ એમની આંખો ફાટી ને ફાટી રહી ગઈ.
બે પાંજરા તો એમ ના એમ હતાં અને અંદર સિંહ ને ફસાવવા રાખેલી બકરીઓ પણ સહી સલામત હતી. પણ જાવંત્રી અને રાવટા ની વચ્ચે ના જંગલ માં જે પાંજરું રખાયું હતું એ પાંજરું અત્યારે તૂટેલી હાલત માં હતાં.. એનાં સળિયા બળપૂર્વક તોડી નાંખવામાં આવ્યાં હતાં. અંદર બકરી નાં નામે વધ્યા હતાં ખાલી હાડકાં.
કઈ રીતે કોઈ સિંહ લોખંડ નું આ મજબૂત પાંજરું તોડી શકે એ વાત હજુપણ વનવિભાગ ના અધિકારીઓને ગળે ઉતરતી નહોતી.. આવાં જ પ્રયાસો વનવિભાગ ની ટીમ દ્વારા બીજા ત્રણ વખત કરવામાં આવ્યાં.. પણ દર વખતે સિંહ પાંજરામાં આવતો તો હતો પણ એ અંદર બાંધવામાં આવેલી બકરી નું મારણ કરી પાંજરું તોડી નીકળી જતો.. આખરે એ લોકો પણ એ માનવભક્ષી સાવજ ની તાકાત નો અંદાજો લગાવી ચૂક્યાં હતાં.. ગામલોકો ના સવાલો ના એમની પાસે કોઈ જવાબ નહોતાં એટલે "અમે હજુ વધુ મજબૂત પાંજરું અને રેન્જર ની ટીમ સાથે પાછા આવીશું "એવું કહીને વનવિભાગ ની ટીમ ના સદસ્યો સિંહ ના આતંક થી ત્રસ્ત એ લોકો ને એમનાં હાલ પર છોડી ચાલ્યાં ગયાં. !!
***
વનવિભાગ ના લોકો જ્યાં સુધી પોતાનાં ગામ માં હતાં ત્યાં સુધી એ પંથક ના દરેક ગામ માં કોઈ અણસાજતો બનાવ ના બન્યો.. જેથી મહિના થી ભય ના ઓથર નીચે જીવતાં લોકો એ રાહત નો શ્વાસ લીધો. પણ જે દિવસે વનવિભાગ ની ટીમ ગઈ એ દિવસે રાતે સાવજ ના આતંકે રાવટા ગામ ને પોતાની ભીંસ માં લઈ લીધું. પણ આ વખતે સાવજે ખાલી હાથ જવા પડવાનો વારો આવ્યો.
બન્યું એવું કે ગામ ની ભાગોળે ગોવિંદ નામનો એક હરિજન પોતાનાં પરિવાર સાથે રહેતો હતો.. ગરીબી ની અસર એનાં ઘર પર પણ જણાતી હતી.. ઘર ના નામે માટી અને ઘાસ ની બનેલી જુનીપુરાણી દીવાલો અને પતરું નાંખી તૈયાર કરાયેલી છત હતી.. ગામ ની મધ્ય માં તો ગામ ના યુવકો આખી રાત જાગતાં હતાં પણ ગામ ને છેવાડે ઘર હોવાથી ગોવિંદ ને પોતાનાં ઘર નું રક્ષણ કરવા જાતે જ જાગવું પડે એમ હતું.
મધ્ય રાત થવા આવી હતી.. ચારેકોર ઘોર રાત્રી નું સામ્રાજ્ય પથરાઈ ગયું હતું.. તમરા અને ધુવડો નો અવાજ જ્યારે પણ રાત્રી ની નીરવ શાંતિ ને ચીરતો ત્યારે સમગ્ર શરીરમાંથી ભય નું લખલખું પસાર થઈ જતું
પોતાનાં બે બાળકો, પત્ની અને વૃદ્ધ માં ને ઘર માં સુવડાવી ગોવિંદ ઘર ની બહાર ચોકી પહેરો ભરતો હતો.. રાત ની ઠંડક અને દિવસ નો થાક એનાં પર હાવી થઈ ગયો અને એની આંખ લાગી ગઈ. અચાનક કુતરાઓ નો ભસવાનો અવાજ વધવા લાગ્યો અને ગોવિંદે આંખ ખોલી તો એનું આખું મોં ની અંદર નું થૂંક પણ જાણે સુકાઈ ગયું હોય એવું એને લાગ્યું.
એના થી લગભગ વીસેક ડગલાં દૂર બે આંખો ચમકી રહી હતી.. અને એ આંખો ધીરે ધીરે પોતાની તરફ આગળ વધી રહી હોય એવું ગોવિંદ ને લાગી રહ્યું હતું.. વચ્ચે વચ્ચે આવતી ધીમી ડણક પર થી એ સમજી ચુક્યો હતો કે સાક્ષાત યમદૂત પોતાના આંગણે પધારી ચૂક્યાં હતાં.. ગોવિંદે મહાપરાણે હિંમત ભેગી કરી જોડે પડેલી ડાંગ હાથ માં લીધી.. હુંકાર કરી હાકલ કરવા તો ગયો પણ ગળા માં થી અવાજ નીકળે એ પહેલાં સાવજે કુદકો લગાવી એને ભોંયભેગો કરી દીધો.
કંઈ પ્રતિકાર કરે એ પહેલાં તો એની ડાંગ ક્યાંય દૂર પડી હતી.. પોતાને બચાવવા ની બુમ પાડે તો ઘર માં થી એની પત્ની અને બાળકો બહાર આવે તો એમને પણ જીવ ગુમાવવો પડે એમ વિચારી ગોવિંદ ચૂપ રહ્યો.. સાવજ ના ન્હોર એની છાતી માં ઊંડા ઉતરી રહયાં હતાં.. મોત પોતાની આંખો સામે છે એ જોઈ ડર ના માર્યા ગોવિંદ બેભાન થઈ ગયો.
સવારે જ્યારે એની પત્ની રમલી એ ગોવિંદ ને લોહી થી ખરડાયેલો જોયો તો ડરીને જોર જોર થી બુમો પાડી બધાં ને ભેગાં કર્યાં.. અને ગોવિંદ ના ચહેરા પર પાણી છાંટી એને ઉભો કર્યો.. ગોવિંદે જ્યારે જણાવ્યું કે એનાં પર સાવજે હુમલો કર્યો હતો.. ત્યારે લોકો ને એ જોઈ આશ્ચર્ય થયું કે જો સાચે માં સાવજે ગોવિંદ પર હુમલો કર્યો હોય તો ગોવિંદ અત્યારે જીવતો કઈ રીતે છે.. ??
ચમત્કાર જેવી આ વાત આખા ગામ આ વાયુવેગે પ્રસરાઈ ગઈ કે માનવભક્ષી સાવજ નાં હુમલા માં ગોવિંદ નો આબાદ બચાવ થયો.. કોઈ આને દૈવી શક્તિ નો ચમત્કાર કહેતું તો કોઈ ગોવિંદ ની નાત હલકી છે એટલે એનું લોહી સાવજ ને નહીં ગમ્યું હોય એવી કારણ વગર ની વાતો કરતું. તો અમુક તો ગોવિંદે આ વાત ઉપજાવી કાઢી છે એવું પણ કહેતી.
ગામ ના કુવે પાણી ભરી રહેલી સ્ત્રીઓ પણ આ ઘટના વિશે અલકમલક ની વાતો કરી રહી હતી.. આ બધી સ્ત્રી ઓ ના ટોળાં માં ગાભુ ની પત્ની અને સેજલ ની સખી રેખા તથા કાના ને પોતાનો સર્વસ્વ માનતી હિરલ પણ હતી. રેખા અને હિરલ એકબીજાને સારી રીતે ઓળખતી હતી અને બીજી સ્ત્રીઓ ની હાથપગ વગર ની વાતો સાંભળી ગુસ્સે થઈ રહી હતી.
"આ બધી બાયું ને લોકો ની પંચાત કરવામાં થી ફુરસત જ નથી.. "હિરલ બોલી.
"હવે આ એમનો સ્વભાવ છે.. આપણે શું કરી શકીએ એમાં... પણ હિરલ તને શું લાગે છે.. શું હકીકત માં સાવજ આવ્યો હતો.. ??" રેખા એ કહ્યું.
"હા રેખા સાવજ આવ્યો હતો અને એને જ ગોવિંદ પર હુમલો કર્યો હતો.. ગોવિંદ ખોટું નથી બોલી રહ્યો.. એની છાતી પર પડેલાં ઊંડા ઘા તો એ જ દર્શાવી રહ્યાં હતાં કે એ સાચું બોલી રહ્યો હતો.. "હિરલે રેખાની વાત નો જવાબ આપતાં કહ્યું.
"તો પછી ગોવિંદ જીવતો કઈ રીતે બચી ગયો.. . ?" રેખા એ બીજો સવાલ કર્યો.
"કેમકે એ સાવજ નો મુકાબલો અસલી સાવજ સાથે થયો હતો.. " હિરલે કહ્યું.
"મતલબ કંઈ ખબર ના પડી.. "રેખા એ માથું ખંજવાળતા કહ્યું.
"ગોવિંદ જીવતો છે એનું કારણ છે કાનો.. . કાનો આહીર.. "હિરલે ગર્વ થી કહ્યું.. કાનો નામ બોલતાં એની આંખો ની ચમક વધી ગઈ હતી.
"કાના ભાઈ.. પણ કાના ભાઈ તો અત્યારે ગાંડા જેવી હાલત માં ફરે છે.. એમને ગોવિંદ ની જીંદગી બચાવી એવું તું કઈ રીતે કહે છે.. ?"રેખા એ ધીરે થી પૂછ્યું.
"આ જો.. કાના ના હાથ ની ચાંદી ની નાગ દેવતા ના ચિત્ર ની અંગૂઠી.. હું સવારે જયારે ગોવિંદ ની બૈરી રમલી એ બુમો પાડી ત્યારે ત્યાં જ હતી.. મને ગોવિંદ ના આંગણા માં થી આ અંગૂઠી મળી.. જે કાના ની છે એ વાત માં મીનમેખ નથી.. કાના એ કઈ રીતે એ સાવજ ને ભગાડ્યો ખબર નહીં.. પણ ગોવિંદ જીવે છે એ ચમત્કાર નું કારણ છે કાનો... "હિરલે કહ્યું.
"હા આમ પણ કાના ભાઈ ની હિંમત અને તાકાત આગળ તો આખા પંથક ને પાણી ભરવું પડે.. પણ સેજલ નાં મૃત્યુ પછી જો ને બિચારાં ની કેવી હાલત થઈ ગઈ છે.. આતો સારું થયું સેજલે કહેલી એક વાત મેં કોઈને કહી નથી.. નહીં તો ના જાણે કાના ભાઈ પર શું વિતત.. " રેખા બોલી.
"શું વાત હતી એવી કે જે સેજલે તને કહી પણ તું કાના ભાઈ ને ના કહી શકી.. મને જણાવ.. ક્યાંક એવું બને કે એ વાત કાના ભાઈ ની આ સ્થિતિ ને સુધારવાનું કામ કરી જાય.. અને જો કાનો ઠીક થઈ જાય તો આ ભય અને ડર ની અસર નીચે જીવતાં આ ગીર પંથક ના ગામો ને એ માનવભક્ષી સાવજ થી છુટકારો મળી જાય.. "હિરલે વાત જાણવાની કોશિશ રૂપે કહ્યું.
"પણ.. રહેવા દે જૂની વાતો ને ખોલી ને શું ફાયદો મારી બેન.. "રેખા એ કહ્યું.
"ક્યારેક અમુક જૂની વાતો તમારાં વર્તમાન અને ભવિષ્ય પર એવી અસર છોડી જાય જેની કલ્પના પણ ના કરી હોય.. બોલ રેખા.. જો સેજલ ના સમ છે જો તું મને ના કહે કે સેજલે તને એવું તે શું કહ્યું હતું જે તું કોઈને જણાવી ના શકી.. "હિરલે કહ્યું.
"તું આટલી જીદ કરી રહી છે તો સાંભળ.. . "આટલું કહી રેખા એ ભુતકાળ માં ખોવાઈ ગઈ હોય એમ વાત કહેવાનું શરૂ કર્યું.
વધુ આવતાં અંકે..
સેજલે રેખા ને મર્યા પહેલાં કઈ વાત કહી હતી.. ? એ વાત જાણ્યાં પછી હિરલ શું કરશે.. ? ગોવિંદ નો જીવ સાચેજ કાના એ જ બચાવ્યો હતો.. ?? આખરે બદલો કોની સાથે લેવાનો હતો.. ? જાણવા વાંચો ડણક :A Story Of Revange નો નવો ભાગ આવતાં સપ્તાહે.
માતૃભારતી એપ પર આપ મારી બીજી નોવેલ દિલ કબૂતર પણ વાંચી શકો છો... આભાર... !!
-દિશા. આર. પટેલ