મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 38 Hardik Kaneriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 38

મનીષાબેનને ઉઠાવી ડાભી પાછા ફર્યા ત્યારે, ઝાલા તેમની રાહ જોતાં બેઠાં હતાં.

“એવી તે કઈ લાચારી હતી કે એક મા પોતાની દીકરીનો જીવ લેવા તૈયાર થઈ ગઈ ?” ઝાલાએ લાગલું જ પૂછ્યું.

“શું ?” ઝાલાની વાત ન સમજાઈ હોય તેમ મનીષાબેને અબુધ જેવી પ્રતિક્રિયા આપી.

“તમને એમ કે દુર્ગાચરણ અને આરવી વચ્ચે ઘડાયેલી યોજના વિશે આપ જાણો છો એ વાતની કોઈને ખબર નહીં પડે. કોલ્ડ ડ્રિંકના ગ્લાસ હોય કે દરવાજા પર ચોંટાડેલું સ્ટીકર, અદલાબદલી કરવાની તમારી સિફત કાબિલે દાદ હતી.” ઝાલાએ મનીષાબેનને ઘેરવાનો પ્રયાસ કર્યો.

અમુક પળો એમ જ ચુપકીદીમાં વીતી, મંજુલા અને કિરણ મનીષાબેનની બંને બાજુએ ઊભી હતી. ઝાલાએ ઇશારો કરતા મંજુલાએ મનીષાબેનનો અંબોડો ખેંચી તેમની ગરદન પર ચાપટ મારી, અંબોડો ખેંચાવાથી તેમના વાળ ખૂલી ગયા, મંજુલાએ તે જોરથી ખેંચ્યા.

“આ બંનેને બોલવા કરતા હાથ-પગ ચલાવવા વધુ ગમે છે, એટલે જ તે પોલીસમાં છે.” ઝાલા બોલવાનું પૂરું કરે તે પહેલા કિરણે બીજી તરફથી ચાપટ લગાવી, મનીષાબેનની આંખમાં આંસુ આવ્યા.

“અમે ડઠ્ઠર ઓરતો છીએ ; આંસુ જોઈ અમને દયા નહીં, ગુસ્સો આવે છે.” એમ કહી બંને કૉન્સ્ટેબલ તેમને ધમરોળવા લાગી. આ આકરી ખાતર-બરદાસ બર્દાશ્ત કરવાનું મનીષાબેનનું ગજું ન હતું.

“મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો.” તેઓ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા. સૌએ તેમને રડવા દીધા.

“મારા પતિનું મૃત્યુ થયું ત્યારે આરવી એક વર્ષની અને અભિલાષા આઠ વર્ષની હતી. હું ત્યારે યુવાન હતી છતાં, બંને દીકરીઓના સારા ભવિષ્ય માટે મેં બીજા લગ્ન કરવાનું માંડી વાળેલું. ત્યારે કોને ખબર હતી કે હું જ મારી દીકરીના મૃત્યુનું કારણ બનીશ !

જોકે, જે પણ થયું તેના માટે આરવી સૌથી વધુ જવાબદાર છે. અભિલાષા પહેલાથી ડાહી અને કહ્યાગરી છોકરી હતી. તે બહુ નાની ઉંમરથી સ્ત્રી બની ગઈ હતી ; તેનામાં પુખ્તતા હતી, સમજણ હતી. તે મારો અને આરવીનો વિચાર કરતી, હું નોકરી પર જાઉં ત્યારે આરવીની કાળજી રાખતી, ઘરની કાળજી રાખતી, પોતાના મોજશોખ પર સંયમ રાખતી અને ખોટા ખર્ચ પર કાપ મૂકતી. જયારે, આરવી તદ્દન જિદ્દી હતી. વધતી ઉંમર સાથે પીઢ થવાના બદલે તે બગડતી જતી હતી. અલગ અલગ છોકરાઓ સાથે મિત્રતા રાખવામાં અને બેફામ પૈસા ઉડાવવામાં તેને આનંદ આવતો. તેને અંકુશમાં રાખવાનો મારો દરેક પ્રયત્ન નિષ્ફળ જઈ રહ્યો હતો, તે સ્વચ્છંદી બની ગઈ હતી.”

“જો એવું જ હતું તો, આરવીએ વડોદરા હોસ્ટેલમાં રહેવું જોઈએ એવું તમે શા માટે કહેલું ? હોસ્ટેલમાં તો વ્યક્તિ સાવ બેલગામ બની જાય, ત્યાં તેને રોકવા ટોકવાવાળું કોઈ ન હોય.” ડાભીએ પૂછ્યું.

“આરવીના લીધે અભિલાષાના ઘરમાં કંકાસ ઊભા થાય એવું હું ઇચ્છતી ન્હોતી. આરવીનો સ્વભાવ અને જીદ, અભિલાષાના સુખી સંસારમાં આગ લગાડે તેવા હતા. જોકે, લલિતના આગ્રહ સામે મારે નમતું જોખવું પડેલું. પણ, ત્યાં રહીને આરવી ઓર બગડી હતી. વડોદરા રહેવાનું શરૂ કર્યા પછી તે રાજકોટ આવી ત્યારે, મને તેના રૂમમાંથી સિગારેટના પૅકેટ મળ્યા હતા. હું જાણી ગઈ કે તે સિગારેટ પીવા લાગી છે. આ બાબતે અમારી વચ્ચે ઝગડો પણ થયો હતો.

બાદમાં, મને લાગ્યું કે તે પરણી જશે તો થોડી જવાબદાર બનશે. આથી, હું તેને અલગ અલગ છોકરાંના ફોટા અને બાયોડેટા બતાવવા લાગી. પરંતુ, તે તેના પર નજર પણ નાખ્યા વગર ના કહી દેતી. કદાચ પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું થતા સુધી તેની લગ્ન કરવાની ઇચ્છા નથી એમ વિચારી મેં ઢીલ છોડી, પરંતુ ભણવાનું પૂરું થયા પછી ય તે એવું જ કરતી રહી.

એવામાં એક દિવસ મને તેનો અવાજ સંભળાયો, તે કોઈ સાથે ફોન પર વાત કરી રહી હતી. તેણે કહ્યું, “હું તમારા બાળકની મા બનવાની છું.” મારા કાનમાં જાણે શૂળ ભોંકાયા. હું તેને સાંભળી રહી છું તે વાતથી તે અજાણ હતી. પછી, તે ગુસ્સે થઈને કહેવા લાગી, “હું જાણતી હતી કે મારા પેટમાં બાળક છે એ જાણી તમારા પેટમાં તેલ રેડાશે. એટલે જ મેં આ વાત આજ સુધી છુપાવી રાખી હતી. તમે ઇચ્છો છો કે હું ગર્ભપાત કરાવી લઉં જેથી દુનિયા ન જાણી શકે કે હું તમારા બાળકની મા બની છું, પણ પહેલા બાળકની હત્યા કરવાના બોજને મારે જીવનભર વેંઢારવો પડશે એનું શું ? હું ગર્ભપાત નહીં કરાવું. તમારે મારી સાથે લગ્ન કરવા પડશે.” મારું દિમાગ સૂન થઈ ગયું, પણ એટલું પૂરતું ન હતું. તેણે ફોન પર કહ્યું, “તેને ડિવૉર્સ આપી દો.” મને સમજાઈ ગયું કે આરવીના બાળકનો બાપ પરિણીત છે. મારા ગુસ્સાનો પાર ન રહ્યો, હું દરવાજો ખોલી તેના રૂમમાં ધસી ગઈ અને મને જોઈ તેણે ફોન કાપી નાખ્યો.

મેં પૂછ્યું, “કોની સાથે વાત કરતી હતી ?” પણ, તેણે જવાબ ન આપ્યો. મેં તેની સાથે માથાકૂટ કરી, હાથ ઉપાડ્યો, છતાં તે ચૂપ રહી. પછી, મેં બહુ દબાણ કર્યું એટલે તે સામી થઈ ગઈ. તેણે કહ્યું, “મારે શું કરવું ને શું નહીં, એનું મને ભાન છે, હું હવે નાની નથી.”

બાદમાં, અમુક દિવસ પછી, આરવીનો મૂડ જોઈ મેં તેની સાથે વાત કરવાના ફરી પ્રયત્નો કર્યા, પરંતુ મારો દરેક પેંતરો નિષ્ફળ ગયો.”

આટલું કહેતાં મનીષાબેન ગળગળા થઈ ગયા. બે પળ અટકી, ગળું ખોંખારી તેઓ ફરી બોલ્યા, “હું આરવી માટે ચિંતિત હતી, જો તે પોતાની જીદ પર અટલ રહે અને ગર્ભપાત ન કરાવે તો તેની અને મારી બંનેની બદનામી થાય, દુનિયાના લોકો માટે અમે ચર્ચાનો વિષય બની જઈએ. અને આવું થાય તો કયો સારો મુરતિયો તેની સાથે લગ્ન કરવા તૈયાર થાય ? જોકે, પાછળથી તેણે મને જણાવ્યું કે તેણે ગર્ભપાત કરાવી લીધો છે. મને નિરાંત થઈ. પણ, તે નિરાંત ટૂંકા સમય માટે હતી.

દિવાળી કરવા અમે વડોદરા આવ્યા ત્યારે બેસતા વર્ષની સાંજે હું અને આરવી હરિવિલા સોસાયટીની બહાર ચક્કર મારવા જઈ રહ્યા હતા. હું તેને કહી રહી હતી કે મારો ફોન બગડી ગયો છે, મારો અવાજ સામેવાળાને સંભળાતો નથી અને લાલ બટન દબાવું તો ય કૉલ ચાલુ રહે છે. મારી એ વાત સોસાયટીનો ચોકીદાર સાંભળી રહ્યો હતો. તેણે અમારી પાસે આવી કહ્યું કે તેનો પડોશી ફોન રિપૅરિંગનું કામ કરે છે અને તે મારો ફોન રિપૅર કરાવી લાવશે. મારી પાસે બીજો ફોન હતો એટલે મેં તેને તે ફોન સિમકાર્ડ સાથે જ આપ્યો. મેં વિચારેલું કે ફોન રિપૅર થઈ ગયા પછી તેમાંથી વાત થશે તો ખબર પડશે કે ફોન બરાબર રિપૅર થયો છે કે નહીં.

બીજા દિવસે તેનો ફોન આવ્યો. તે કહેવા લાગ્યો, ‘નવું સ્પીકર નાખી દીધું છે, પણ ફોન કાપવાનું બટન બદલી શકાયું નથી.’ વાત પૂરી થયા પછી હું ફોન કાપવા જતી જ હતી કે તેનો અવાજ સંભળાયો, “આરવીજી, આપ યહાં ?” આરવીનું નામ સાંભળી મને આશ્ચર્ય થયું, તેની બાજુથી ફોન કપાયો ન્હોતો. આરવી ત્યાં શા માટે ગઈ છે એ જાણવાની જિજ્ઞાસાથી મેં ફોન ચાલુ રાખ્યો. ફોનને કાન પાસે રાખી હું તેમની વાતો સાંભળતી ગઈ અને મારા હોશ ઊડતા ગયા.”

ક્રમશ :

(મર્ડરર’સ મર્ડર નોવેલમાં મુખ્ય ગુનેગાર કોણ હશે તે વિશે અનુમાન કરી આપ આ જ લેખકે લખેલું અને બહુ વખણાયેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક “કારસો” જીતી શકો છો. વાર્તાના પચાસ પ્રકરણ સુધીમાં આપ ધારણા કરીને જણાવી શકશો કે મુખ્ય વિલન કોણ છે. આપની તે ધારણાનો જવાબ નોવેલ પૂરી થતાં સુધી આપવામાં આવશે નહીં. વળી, એક વાચક પોતે જણાવેલા મુખ્ય વિલનનું નામ બદલશે અથવા એક કરતાં વધુ વિલનનું નામ લખશે તો તેને ક્વિઝ માટે ડિસ્ક્વૉલિફાઇ ગણવામાં આવશે. છેલ્લા બે પ્રકરણમાં મુખ્ય વિલન ખુલ્લો થશે ત્યારે ગુનેગારના સાચા નામ ધારનાર વાચકોના નામનો ડ્રો કરવામાં આવશે અને કોઈપણ ત્રણ વાચકને હાર્દિક કનેરિયાએ લખેલું તથા અમોલ પ્રકાશને પ્રકાશિત કરેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક ‘કારસો’ ભેટ આપવામાં આવશે. તો ધ્યાનથી વાંચતા રહો મર્ડરર’સ મર્ડર અને મુખ્ય વિલન વિશે ખાતરી હોય તો કમેન્ટમાં તેનું નામ લખી “કારસો” જીતવાનો પ્રયત્ન કરો.)