Featured Books
શ્રેણી
શેયર કરો

हमारी जब याद आये तो दो आंसु बहा लेना..... ૩ - અપરાધ

हमारी जब याद आये तो दो आंसु बहा लेना ..

અપરાધ !

હું રાજુલ અને મારો મિત્ર કેતુલ. નાનપણ થી એક જ શેરીમાં જોડાજોડ રહીએ.સાથે જ ઉછરીને મોટા થયા. નિશાળે પણ એક સાથે જ બેઠેલા અને પાટીમાં એકડો પણ સાથે જ કાઢેલો.બાલ્યાવસ્થાના તોફાનોથી આખી શેરી પરિચિત.અમારાં તોફાનો એટલે કે વડનાં વાંદરા પણ અમારાથી દૂર ભાગે.

અમારી શેરીના વયોવૃધ્ધ જોષી કાકા.ગોરપદુ કરે.શેરીના લોકોનાં સારા માઠા પ્રસંગોએ ધાર્મિક કાર્યો, તથા કથા પણ વાર્તા કરે. લગ્ન, જનોઈ,સીમંત, વાસ્તુ , નવવધુનો ગૃહ પ્રવેશ કે સત્યનારાયણની કથા પ્રસંગે લોકો તેમને જ પૂછીને કાર્ય કરે.કોઈ કન્યાનું લગ્ન થતું ના હોય,કોઈને મંગળ, શનિ કે રાહુ કેતુ નડતા હોય તો તેની વિધી વિધાન કે મંત્ર જાપ કરવાના હોય કે વિદ્યાર્થીને પરીક્ષા હોય, કે કોઇને નોકરી અર્થે બહારગામ જવાનું હોય ત્યારે જોષીકાકાની અવશ્ય મુલાકાત લે. આમ જોષીકાકાના જ્યોતિષ જ્ઞાનનો લોકો સારો લાભ લેતા.જ્યોતિષ શાસ્ત્રના નવ ગ્રહો. સુર્ય,ચંદ્ર,મંગળ,બુધ, ગુરૂ, શુક્ર શનિ અને રાહુ,કેતુ વગેરે અમે જાણીએ.તેઓનું કાર્ય શું અને ક્યો ગ્રહ પીડા કારક અને ક્યો ગ્રહ લાભકારક તેની અમને કાંઇ ગતાગમ નહિં.પણ એટલું જાણીએ કે શનિ, રાહુ,મંગળ અને રાહુ કેતુ એ સારા ગ્રહો નથી અને તે પીડા કારક છે. અમારા તોફાનોથી જોષીકાકા પણ બાકાત નહિં. તેઓ પણ અમારી ઝપટમાં આવી ગયાહતા. આથી જોષી કાકા અમને રાહુ કેતુની જોડી નું ઉપનામ આપેલું.

જોષી કાકા પણ અમારી ઝપટમાં આવી ગયા હતા.જોષી કાકાની પણ અમે ફીરકી ઉતારી હતી..તેમની લાકડી લઈને અમે રમતા ત્યારે તેઓ ગુસ્સે થતા.અમે તેમની લાકડી, તેમના જોડા, પાઘડી વગેરે સંતાડી દેતા.શરૂઆતમાં તો અમને ધાક ધમકીથી વશ કરવાનો પ્રયત્ન કર્યો પણ અમે તેમને દાદ આપી નહિં.ત્યારે અમારા દાદીમાએ તેમને ટોપીના વહેપારી અને વાંદરાની વાત કહી શીખામણ આપી કે જોષી મહારાજ છોકરાંને વાંદરા બેઉ સરખા.તેઓ ધાકધમકીને વશ ના થાય તેમને તો પ્રેમથી વશ કરાય. કથા વાર્તામાંથી ફળફળાદી અને મેવા મીઠાઈ લાવો છો તે છોકરાંઓને આપતા રહો તો છોકરાંઓ પણ રાજી અને તમે પણ રાજી.ત્યારથી જોષી કાકાએ શીખામણ માની અને અમને કથા વાર્તાની પ્રસાદી અને સત્યનારાયણનો શીરાની પ્રાપ્તી થવા માંડી.

હોળી, ધુળેટીના તહેવારો આવે, એટલે હોળાષ્ટક શરૂ થતાં ત્યારથી હોળી પ્રગટાવવા ઘેર ઘેર ફરી લાકડાં તથા જુનાં ફર્નીચર વગેરે ભેગા કરી શેરીના ચોકઠામાં બેગા કરીએ.જેને ઘેર ઢોર ઢાંખર હોય તેઓ ઢોરનાં છાણમાંથી છાણા બનાવે અને તેના હારડા બનાવે.દરજી હોળી ઉપર ધજા માટે નાની નાની ધજા પતાકા બનાવે શેરીમાં કેટલાક કંજુસ વડીલો પણ હોય. તેઓ આનાકાની પણ કરે. આ લોકોને નજરમાં રાખી તેમનાં સંડાસના બારંણાં ઉતારી હોળીમાં હોમી દઈએ. (અમારા સમયમાં સંડાસ-ટોયલેટ-ઘરમાં રાખવું તે નિષેધ ગણાતું તેથી ઘરની બહાર ઘરથી થોડે દુર રાખતા) શેરીના નાકે અમારી ટોળી 'કાકા હોળીનો પૈસો, હોળીનો પૈસો કરી 'કરી હોળીનું' ફંડ ઈરેઝન ' કરતાં અને હોળીને બીજે દિવસે-ધુળેટીના દિવસે- રંગે ગુલાલે રમી નાહી ધોઈ પરવારી શેરીના બધાં છોકરાંઓ ભેગા થઈ આ 'ફંડના નાણાંમાંથી ઉજાણી (પાર્ટી ) કરતાં. આ બધા તોફાનોમાં કેટકાલ તોફાનો અમારા ના હોય તો પણ અમારે નામે ચડી જતાં, કારણ કે અમે નામચીન થઈ ગયા હતા. જોકે અમે પણ તેનો વગર 'ક્રેડીતે 'ઉધાર મળતો માલ સ્વીકારી ગૌરવ અનુભવતા.

હસી ખુશીના બાલ્યકાળના દિવસો ક્યારે પુરા થયા કૈં યાદ નથી. સ્કૂલ કૉલેજમાં પણ અમે આમારૂં - ટ્રેડનેમ - રાહુ –કેતુ સાથે લઈને દાખલ થયા.અમારી જોડી રાહુ-કેતુ તરીકે જ પ્રચલિત થઈ .કૉલેજની સ્પોર્ટ પ્રવૃતિ હોય કે નાટ્ય પ્રવૃતિ અમે સદા અગ્રેસર રહેતા. કોલેજનો સુવર્ણ કાળ પુરો થયો. યુ.પી.એસ.સી.ની પરીક્ષા પણ સાથે આપી.પણ રે ! કિસ્મત ! વિધાતાને અમારી જોડી મંજુર નહિં હોય . રાજુલ ઉચ્ચ કેટેગરીમાં પાસ થયો, હું નાપાસ થયો. તે સારી નોકરીએ લાગી ગયો. હું નોકરીના ફાંફાં મારતો રહ્યો.

નોકરીના સમય બાદ પણ અમારી રોજની મુલાકાત તો ચાલુ જ હતી. વસંતના વાયરા વિંઝાવા લાગ્યા.વસંતનો વાયરો અમને પણ સ્પર્શી ગયો.અમે પણ અમારા ગૃહસંસારમાં સ્થિર થયા. હું તો સામાન્ય ક્લાર્ક જ રહ્યો. મારી સ્થિતિ તેનાથી જોઈ જતી નહોતી. મને જોઈ તે દુઃખી થતો. ધીરેધીરે ડીપાર્ટમેન્ટની પરીક્ષાઓ પાસ કરતાં તે ગેઝેટેડ ઑફીસર થઈ ગયો. તેની બદલી વડોદરાથી અમદાવાદ થઈ. કુટુંબ ભાવનાનો મોહ છુટતો નહોતો અને અમદાવાદ જુદું મકાન રાખી રહેવું નહોતું. ગુજરાત ક્વીનની સુવિધા ઉપલબ્ધ હતી. સવારે ક્વીનમાં જવું અને સાંજે તે જ ટ્રેઈનમાં પાછા આવવું.

એક દિવસ સાંજે નોકરીએથી બારોબાર મારે ઘેર આવ્યો. મારા હાથમાં ફોર્મ મુકી કહ્યું આ ફોર્મ ભરીને મને આપ.

.પણ આ શું છે ? મને કંઇ સમજાવ તો ખરો કે આ શું છે ?

અરે ! મુરખ લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે, મ્હો ધોવા ના જતો. મારા જ ડીપાર્ટમેન્ટમાં મારે માણસો લેવાના છે.'મોસાળમાં જમવાનું ને મા પીરસનાર.અને અઠવાડિયામાં તો મારા હાથમાં તેની સહિ કરેલો એપોઈન્ટમેન્ટ લેટર. હું તો છક થઈ ગયો.અને તે શુભ ઘડીથી તેની જ ઓફીસમાં તેના હાથ નીચે જોડાઈ ગયો.

રોજ સવારે અમે બંન્ને સાથે 'ક્વીન'માં નીકળીએ અને સાંજે પાછા આવીએ. અપ-ડાઉન કરનારાઓનો સ્પેશીયલ ડબ્બો. રોજ જતાં આવતાં અમે એક બીજાની સગવડ સાચવવા માટે જગા રોકી રાખતા. તે ઓફીસર હોવાથી તેને જરા મોડું થાય જ્યારે અમે તો સાડાચાર વાગ્યાથી તૈયાર થઈને બેઠા હોઈએ. અને તે ગોઝારો-કાળમુખી દિવસ આવી ગયો.

અમે તો રેસ્ટરૂમમાંથી પરવારી તૈયાર થઈને બેઠા હતા. તે મીટીંગમાં હતો. મીટીંગ પુરીકરી તે ઝડપથી આવ્યો, તે રેસ્ટરૂમમાં બાથરૂમ જઈ મોંઢું ધોઈ માંથું ઓળી તે તૈયાર થવા ગયો. ટાઈમ થઈ ગયો હતો તે બહાર આવે તેની અમે રાહ જોતા હતા. તેને વાર થઈ, તેથી રેસ્ટરૂમનું બારણું ઠોકી તેને કહ્યું ભટિયા હું જાઉં છું તું આવ કારણ કે ટાઈમ થઈ ગયો છે;

ઓફીસમાં તે અમારો ભટ્ટ સહેબ હતો, પણ અમે શેરીમાં, ઑટલાપરિષદમાં તેને ભટિયો કે ભોટિયો કહેતા.અને બીજા મિત્રો સાથે હું સ્ટેશને પહોંચી ગયો અને તેની જગા રોકી રાહ જોતો રહ્યો.સમય થયો અને ગાડીએ વ્હીસલ મારી અને ટ્રેઈન ઉપડી. બારીમાંથી હું જોતો જ રહ્યો.જોતો જ રહ્યો...... જોતો જ રહ્યો…. જોતો જ રહ્યો….

હું આજ સુધી તારી વાટ જોઉં છું ભટિયા તું કેમ પાછો ના આવે ! મને તારી યાદ સતાવે. !

ઑ ભટિયા તું કેમ પાછો ના આવે !........ તું કેમ પાછો ના આવે !........

અમદાવાદમાં તેના ઘણાં સગાંસંબંધી રહે.અને તેથી કોઈને ત્યાં કાંઇ પ્રસંગ હોય તો તે તેમને ત્યાં રાત રોકાઈ જતો, અને મારી મારફતે ઘેર સંદેશો મોકલાવી દેતો. બીજે દિવસે બારોબાર ઓફીસમાં હાજર થઈ જતો.આથી મેં વિચાર્યું કે તે રોકાઈ ગયો હશે.ઘેર આવી ફ્રેશ થઈ જમવા બેસી ગયો. જમીને ઉઠ્યો અને તેના મીસીસે ઘેર આવી પુછ્યું કેતુલભાઈ, રાજુલ નથી આવ્યા ? મેં જણાવ્યું કે તેને મોડું થવાથી તે ટ્રેઈન ચુકી ગયો છે. એટલે રોકાઈ ગયો હશે.કાલે ઓફીસમાં મળશે.અને તેઓ વિદાય થયા.તેના ઘરનાં સઘળા સભ્યોએ મારી વાત માની મન મનાવ્યું. શંકાનું કોઈ કારણ નહોતું કારણ કે તે ઘણી વાર આમ રોકાઈ જતો

અમારી ઓફીસ અમદાવાદ લાલદરવાજા બહુમાળી બિલ્ડીંગમાં બીજે દિવસે રવીવારની રજા.ઓફીસ બંધ.સોમવારે ઓફીસ શરૂ થતાં સફાઈ કમદારો સવારે ઓફીસમાં ઝાડુ મારી ટેબલ ખુરશી ફાઈલો વગેરે વ્યવસ્થિત કરે, રેસ્ટરૂમની સાફસુફી કરે. ધીરે ધીરે સ્ટાફ આવવા માંડે.સફાઈ કામદાર રેસ્ટરૂમ સાફ કરવા ગયો ત્યારે બંધ હોવાથી તે બીજા કામે વળગ્યો.ત્રણ ચાર જણા રેસ્ટરૂમમા જઈ બંધ જોઈને પાછા આવ્યા, અને ચણભણ શરૂ થઈ કોણ ગયું છે ? હજુ કેટલીવાર! બારણાની ઠોકાઠોક ચાલી અંદરથી કોઈ અવાજ આવે નહિં.આખરે લોકોની ઠોકાઠોકથી બારણું તુટી ગયું. તમાશાને તેડું થોડું હોય ? બારણું તુટ્યું. થોડીવાર પહેલાનો ઉશ્કેરાટ, ગાળાગાળી, અપશબ્દોની વણઝાર વગેરે એકદમ શાંત. વાતાવરણમાં સન્નાટો છવાઈ ગયો આખી ઑફિસને ધ્રુજાવનાર શ્રી ભટ્ટ સાહેબનો એક હાથમાં ઓફીસ ફાઈલ અને બીજા હાથમાં તેમની બેગ સાથે નિશ્ચેતન દેહ લાચાર, નિઃસહાય હાલતમાં લોક નજરે પડ્યો. વાતાવરણમાં સન્નાટો છવાઈ ગયો એક ભયંકર ચીસ લોકટોળાંમાંથી ઊઠી વાતાવરણમાં શાંતિ છવાઈ ગઇ. ગણગણાટ શરૂ થયો, અને ઘડી પહેલાનો ઉશ્કેરાટ શાંતિપૂર્ણ સહાનુભૂતિમાં પરિણમ્યો અરે ! ભટ્ટ સાહેબ ! ટોળામાંથી એક ચિત્કાર ઉઠી શમી ગયો.ચારે બાજુ લોકોનાં ટોળાં.શું થયું છે તે જાણવા માટે ધસી આવ્યાં. ગભરાતા ગભરાતા હું ઓફીસ આગળ આવ્યો ચારે બાજુ નજર દોડાવી કોઇ જાણકાર મળે તો તેને પુછી જોઉં, અને લોકો મને ઘેરી વળ્યા.

કેતુલ ,આપણા ભટ્ટ સાહેબે આપઘાત કર્યો.

હેં ! હોય નહિં ? શનિવાર સુધી તો તેઓ અને હું સાથે જ હતા. ક્યાં કર્યો અને ક્યારે કર્યો ?

અરે અહિં રેસ્ટરૂમામાં તેમની લાશ પડી છે. પૉલીસ આવી છે અને ઈન્વેસ્ટીગેશન ચાલે છે.

એટલામાં ટોળામાંથી ,કોઈએ મારી સામે આંગળી ચીંધી, આ કેતુલ આવ્યો, ઈન્સ્પેક્ટર

તેને પુછો. તે તેમનો ખાસ મિત્ર છે. તે બધું જાણતો હશે.

લોકો મારી સામે શંકાની નજરે જોવા લાગ્યા.

ઈન્સ્પેક્ટર મારી પાસે આવ્યા અને મારી પુછપરછ શરૂ કરી.મેં બધી વાત કરી. શનિવારે

ઓફીસ પછી તે રેસ્ટરૂમમાં ગયા અને તેમને બહાર આવતા વાર થઈ તેથી તેમને બારણું ઠોકી હું જાઉં છું. કહી હું નીકળી ગયો.ત્યારબાદ શુ થયું તેની મને જાણ નથી.

ઈન્સ્પેક્ટરે મારૂં નિવેદન નોંધી અને રજા આપી.અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી .

પોસ્ટમોર્ટમનો રીપોર્ટ આવ્યો કે શરીર ઉપર કોઈ જાતની ઈજાના નીશાન નથી. પર્સમાંથી દવાની થોડી સ્ટ્રીપ મળી આવી છે.જે સામાન્ય રીતે ઈમર્જન્સીમાં હાર્ટપેશન્ટ્સ ઉપયોગ કરે છે. મૃત્યુ કુદરતી માસીવ હાર્ટ એટેકથી થયું છે તેથી આ કેસ આપઘાતનો કે ખૂનનો નથી.તે સ્પષ્ટ થાય છે. લાશ તેના સગાં વહાલાંને સુપ્રત કરવી .

' શો મસ્ટ ગો ઓન 'ભટ્ટ સાહેબની જગ્યાએ નવા સાહેબની નીમણુંક થઈ. ૧૫ દિવસની મારી ગેરહાજરીની નોંધ લેવાઈ.નવા આવેલા મહેતા સાહેબે પૂછપરછ કરી ગેરહાજરીના કારણની તપાસ કરી.સહકર્મચારીઓએ મારા તથા ભટ્ટ સાહેબના સંબધોથી તેમને માહિતગાર કર્યા; અને જણાવ્યું કે ભટ્ટ સહેબના અવસાનથી તેને સખત આઘાત લાગ્યો છે; અને તે હવે રાજીનામું આપી છૂટો થવા માંગે છે.

શ્રી મહેતા સાહેબ ભલા અને લાગણીશીલ સ્વભાવના હતા.સહકર્માચારી સાથે તેઓ મારે ઘેર આવ્યા મને સાંત્વન આપી કારણ પૂછ્યું.

સાહેબ મારાથી ત્યાં બેસી કામ નહિં થાય. ભટ્ટ સાહેબ મારી નજરોથી દૂર નહી થાય અને કામમાં મારૂં ચિત્ત ચોંટશે નહિં.

ભાઈ, તમારી વાત સાચી છે; પરન્તુ ઘરસંસાર ચલાવવા માટે નોકરી તો જરૂરી છે. નોકરી વગર શું કરશો ?

બીજે અઠવાડિયે મારા મિત્ર ઘેર મળવા આવ્યા. મારા હાથમાં વડોદરાની ઓફીસનો ટ્રાન્સફરનો ઓર્ડર આપ્યો અને જણાવ્યું કે મારી ૧૫ દિવસની રજા મંજુર કરી છે.

આજ પણ હું પશ્ચાત્તાપની આગમાં શેકાઈ રહ્યો છું.મનોમન હું અપરાધભાવ (અં.ગિલ્ટિ કન્સાઇન્સ ) અનુભવી રહ્યો છું.કાશ ! હું તેની રાહ જોવા રોકાઈ ગયો હોત તો તેને બચાવી શક્યો હોત ! (દુર્ઘટના ૧૯૯૧)

સમાપ્ત

લેખકઃ- ઉમાકાન્ત વિ.મહેતા.

૨૦, મીડો ડ્રાઈવ

ટૉટૉવા એન જે (૦૭૫૧૨)

ન્યુ જર્સી (યુ.એસ.એ.)

ફોનઃ- (૧) ૯૭૩ ૯૪૨ ૧૧૫૨

(૨) ૯૭૩ ૩૪૧ ૯૯૭૯

(મો) ૯૭૩ ૬૫૨ ૦૯૮૭

e mail:- >mehtaumakant@yahoo.com<