જાણી અજાણી વાતો - ગાંધીજીની - વાત - ૩ Krushnasinh M Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જાણી અજાણી વાતો - ગાંધીજીની - વાત - ૩

ઈંગરસોલ ઘડિયાળ

વાત છે ૧૯૪૭ ના સપ્ટેમ્બર મહિનાની. નવી દિલ્હીના બિરલા હાઉસમાં આમ તો કામ વગરની કોઈની અવરજવર રહેતી નહી અને તેમ છતાં એ વિશાળ મકાનમાં હમેંશા માણસો આવ-જા કરતા. આવનાર દરેકની મુલાકાતનો સમય અને જો કોઈ સંદેશો હોય તો એ પણ ગાંધીજીના સેક્રેટરી ધ્યાન રાખતા. અમુક લોકો સાથે અવાર-નવાર મુલાકાતો કે આયોજનો થતા રહેતા હોય એ તો બાપુને સીધા મળી આવતા અને કોઈ રોકતું પણ નહી. જો કે ગાંધીજીએ કોઈ તેમને મળવા આવે તો રોકવા એવો કંઇ આદેશ નો'તો આપ્યો, પણ ઘણા લોકો બાપુને જોવા માટે પણ આવતા. એટલે એમના વ્યસ્ત જીવનમાં ખલેલ ન પહોંચે એટલે જ એમના કેહવા ખાતરના એક સેક્રેટરી હતા. જે આગંતુકને આવવાનું કારણ જાણીને અને એની અગત્યતા મુજબ ગાંધીજીને મળવાની ગોઠવણ કરતા. એ બિરલા હાઉસ આમ તો વિશાળ બંગલો હતો જે તેના માલિકે દેશની સેવા માટે ગાંધીજીને આપ્યો હતો અને એક ધોતીનું પહેરણ પહેરનાર તે 'અર્ધનગ્ન ફકિર' ને મન એ કોઈ બંગલો નહી પણ આશ્રમ જ હતો.

આજે પણ ગાંધીજી તેમના રૂમમાં કંઇક કામમાં પરોવાયેલા હતા. બીજા પણ તેમના સાથીઓ કંઇક ને કંઇક કામમાં વ્યસ્ત હતા. કોઈક હવે પછીના કોંગેસના આયોજનમાં વ્યસ્ત હતા, તો વળી કોઈક ક્યાંક ખૂણે ભેગા મળી ગાંધીજીએ પ્રાર્થનામાં કિધેલી વાતનો મર્મ સમજવા એક બીજા સાથે ચર્ચા કરતા હતા, કોઈક તો ક્યાંક આઘે ઉભો ઉભો ગાંધીજીના એ જયારે કામમાં વ્યસ્ત હોય ત્યારના તેમના વ્યક્તિત્વના રસનું પાન કરતો રહેતો. બહાર ગાંધીજીનો સેક્રેટરી બીજા સાથી સાથે કંઇક વાતો કરે છે. ત્યાં એક અજાણ વ્યક્તિ આવે છે અને એકી શ્વાસે પૂછી લે છે,"બાપુ ક્યાં મળશે ? મારે બાપુ ને મળવું છે." સેક્રેટરીએ તરત બીજા સાથે વાત અટકાવી અને કહ્યું, "બાપુ તો તેમના કામમાં છે. તમે કોણ ? અને બાપુનું શું કામ છે ?" "એ તો હું એમને જ કહીશ." આવનારે તરત જવાબ વળ્યો અને ફરી અધીરાઈથી પૂછ્યું, "બાપુ ક્યાં છે, મારે બાપુ ને મળવું છે." સેક્રેટરીએ તેને શાંતીથી સમજાવ્યો કે ગાંધીજી કંઇક કામમાં વ્યસ્ત જ હોય એટલે તમે કામ જણાવો તો તેની અગત્યયા મુજબ તમારો તેમને મળવાનો સમય ગોઠવી શકાય. આવનારે ઘણી જીદ કરી પણ સેક્રેટરીએ મળવાનું કારણ જણાવ્યા વગર મળવાની ના પાડી એટલે આવનારે ખચકાતા અને થોડી શરમ-સંકોચ સાથે માથું નીચું રાખીને તેના આવવાનું કારણ કિધું અને પોતે એ માટે ગાંધીજીની ક્ષમા માંગવા આવ્યો છે એમ જણાવ્યું.

"ક્ષમા? અરે ! બાપુ તો ભેટશે તને !" સેક્રેટરીએ આનંદ સાથે તેને તરત જ સાથે લઈને ગાંધીજીના રૂમમાં ગયો. આગંતુકે નમસ્કાર કરીને સેક્રેટરી ન સમજે તેમ શબ્દો ફેરવીને કઈંક કીધું ત્યાં તો સ્મિત છલકતું ગાંધીજીનું મોં સ્હેજ ઝાંખું પડી ગયું, આંખોમાં દુઃખ નો'તું, પણ મોં પરનું સ્મિત જતું રહ્યું. તે એકીટશે આવનાર સામે જોઈ જ રહ્યા અને ભૂતકાળમાં સરી પડ્યા.


વાત છે લગભગ એ દિવસથી છએક મહિના પહેલાની. વાયસરોય હાઉસમાં ભારતના નવા આવેલા વાયસરોયે એક અલગ અભ્યાસખંડ રાખ્યો હતો. આછા રંગે રંગાયેલો એ અભ્યાસખંડ આંખોને ઠંડક આપતો હતો. એ રૂમમાં સૌથી સારું એર કંડીશન વાયસરોયે મુકાવ્યું હતું જેથી દિલ્હીની એ કાળઝાળ ગરમીમાં પણ શાંત અને સ્વસ્થ રહીને એકચિત્તે પોતાનું કામ કરી શકે. એ એર કંડીશનની ઠંડક રૂમના દરવાજા સુધી અનુભવાતી હતી. બાજુમાં જ અલગ અલગ અનેક ફૂલછોડની સુગંધથી મઘમઘતો મુગલ ગાર્ડન હતો જેની મંદ મંદ ખુશ્બુ અભ્યાસખંડની ઠંડકમાં ભળી રૂમને તરોતાજા રાખતી હતી. એ અભ્યાસખંડના દરવાજે ભારતના છેલ્લા વાયસરોય અથવા વાયસરોયની ઈચ્છા મુજબ 'નવા હિન્દુસ્તાનને રસ્તો બતાવતા પહેલા વાયસરોય' અને છેલ્લી વાયસરીન - માઉન્ટબેટન યુગલ કોઈના આવવાની રાહમાં ઉભા છે.

આમ પણ માઉન્ટબેટનના મનમાં ઉચાટ હતો કેમકે આવનાર વ્યક્તિના ભૂતકાળના કિસ્સા તેને ખબર હતા કે કેવી રીતે એ વ્યક્તિ અંગ્રેજોની ઈચ્છા પર પાણી ફેરવી નાખતો. આજે તો એનો પહેલો પરચો પણ તેને મળી ગયો જયારે વાયસરોયે ખુદ પોતાનું અંગત વિમાન એ વ્યક્તિને બિહારથી દેલ્હી લેવા માટે મોકલ્યું અને એ વ્યક્તિએ વિમાનના બદલે હંમેશની જેમ ટ્રેનના ત્રીજા વર્ગમાં જ મુસાફરી કરી. એ વ્યક્તિની રાહમાં આ યુગલ ઉભું છે. ત્યાં તો એ વ્યક્તિ આવ્યો. આ બાજુ સૈન્યના ગણવેશમાં અદબથી સજ્જ વાયસરોય અને સામે એક પોતડી, એક ચાખડી અને એક લાકડી ને સહારે ચાલતો દેખાવે દુબળો પાતળો પણ વાયસરોયે પણ એનું અંગત વિમાન લેવા મોક્લ્યું એટલા મહત્વના વ્યક્તિ - ગાંધીજી.

માઉન્ટબેટન અને તેમના પત્ની એમનું સ્વાગત કરે છે અને ત્રણે રૂમમાં જઈને બેસે છે. એક બાજુ માઉન્ટબેટન યુગલ ખુરશીમાં ગોઠવાય છે અને સામેની ખુરશીમાં ગાંધીજી બેઠા છે. બ્રિટનના વડાપ્રધાને કટોકટીના સમયે જે કામ માટે જેને પસંદ કર્યા હતા તે વ્યક્તિથી આગંતુકના મુખના ભાવ છુપા કેમ રહે ? ગાંધીજીના મુખ પરની ખેદની રેખાઓ જોઈને માઉન્ટબેટન યુગલ થોડું મૂંઝાયું. તેમને થયું કે ક્યાંક ગાંધીજીની અગતા-સ્વાગતા માં તો કંઈક ખૂટયું નથી ને ? ક્યાંક આપણાથી કોઈ ભૂલ થઈ કે શું? તેમને થયું કે કદાચ ટ્રેનનાં ત્રીજા વર્ગમાં મુસાફરીના કારણે થાક લાગ્યો હશે. બે ઘડી કોઈએ કંઈ પૂછ્યું નહિ, પણ ગાંધીજી હજી સ્વસ્થ દેખાતાં નહતા. હજી પણ ગાંધીજી કઇંક વિચાર કરતા ખિન્ન ભાવે જ બેઠા હતા.


હવે માઉન્ટબેટનથી ન રહેવાયું. તેમણે હળવા અવાજે પૂછ્યું, “મી.ગાંધી તમારી તબિયત તો ઠીક છે ને?” ગાંધીજી હજી એમ જ બેઠા હતા. કંઈ ઉત્તર ન મળતા માઉન્ટબેટને ફરી પૂછ્યું, “મી.ગાંધી ! તમે આવ્યા ત્યારથી સ્વસ્થ નથી લાગતા. શું કારણ છે એનું? કેમ આટલા ઉદાસ છો ?” હવે ક્યારના મૌન ગાંધીજીએ માઉન્ટબેટન તરફ જોયું અને કઇંક બોલવા ગયા પણ ગળે ડૂમો ભરાઈ અવવાને કારણે શબ્દ નીકળ્યા નહિ. માઉન્ટબેટનને આ ધ્યાનમાં આવતા વેઈટરને ઈશારો કરી પાણી મંગાવ્યું. ગાંધીજીએ પાણી પીને સ્હેજ સ્વસ્થ થયા અને કહ્યું, “આજે ટ્રેનમાં આવતા સમયે કોઈએ મારી ઇંગરસોલ ઘડિયાળ ચોરી લીધી.” આટલું બોલીને ખિન્નતાની રેખાઓએ ફરી ગાંધીજીને ઘેરી લીધા. માઉન્ટબેટન પણ જોતા રહ્યા. તેમને એ સમજાઈ ગયું કે ગાંધીજીને પોતાની ઘડિયાળ ચોરાઈ તેનો ખેદ ન હતો, પણ દેશબંધવો પરની તેમની શ્રદ્ધાના અંશનો છેદ ઉડયો હતો તેનો ખેદ હતો.


“બાપુ ! મને માફ કરી દો.” ગાંધીજી ભૂતકાળમાંથી ફરી વર્તમાનમાં આવ્યા. તે એકીટશે આવનારની સામે જોઈ રહ્યા. “બાપુ ! મેં થોડાક મહિનાઓ પહેલા ટ્રેનમાં તમારી ઘડિયાળ ચોરી હતી. તે પાછી આપવા આવ્યો છું.” એટલું બોલી આવનારે બાપુની ઇંગરસોલ ઘડિયાળ ગજવામાંથી બહાર કાઢી. આવનારની આંખો નીચે નમેલી હતી અને આંખમાંથી આંસુ ટપતાં હતા. ગાંધીજીની પણ આંખો ભીની થઇ પણ તેમના મુખ પર સમાધાનની, પ્રસન્નતાની રેખાઓ વર્તાતી હતી.


“બાપુ ! મને માફ કરી દો. હવેથી જીવનમાં ક્યારેય ચોરી નહિ કરું.” એમ બોલતા બોલતા તે વ્યક્તિ ગાંધીજીના ચરણોમાં પડી ગયો. ગાંધીજીએ તેને ઉભો કર્યો અને હસતાં હસતાં કહ્યું, “અરે ભાઈ! એમાં માફી શેની ? તને તારી ભૂલ ખબર પડી, અને એથીયે વિશેષ તે ભૂલ સ્વીકારવાની જે હિંમત દેખાડી એ જ મોટી વાત છે. તને જોઈને મને વિશ્વાસ થઈ ગયો છે કે, ભારતમાં ફરી રામરાજ્ય આવશે જ”. અને ગાંધીજી એને ભેટી પડ્યા.

પછી તો ગાંધીજી એક નાના છોકરાની માફક ખૂબ આનંદમાં આવીને દરેક આશ્રમવાસીને તેમની ઇંગરસોલ ઘડિયાળ બતાવવા લાગ્યા અને એટલાં જ હોંશથી દરેકને પોતાનો ગુન્હો કબુલ કરવા આવેલ એ આગંતુક વિશે દરેકને કહેતા અને એ વ્યક્તિના વખાણ કરતા. તે દિવસે ગાંધીજી એક બાળકની જેમ ઝુમી રહ્યા હતા અને તેમની ખુશીનો પાર નહતો. આખો દિવસ આશ્રમમાં જે આવે તેને બાપુ દરેક વખતે એટલા જ હોંશથી આ પ્રસંગ કહે કે કેવી રીતે તેમની ઘડિયાળ ચોરાઈ અને એ વ્યક્તિ આજે પોતાની ભૂલ સમજી સામેથી ઘડિયાળ પાછી દેવા આવ્યો.

...ઘણા આશ્રમવાસીઓ હજી પણ એવું જ સમજતા હતા કે ગાંધીજીને તેમની વર્ષો પુરાણી ઘડિયાળ પાછી મળી તેનો ઉમંગ છે !!


* * *