જાણી અજાણી વાતો - ગાંધીજીની Krushnasinh M Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જાણી અજાણી વાતો - ગાંધીજીની

વાત-૨

આશ્રમના એ રૂમમાં કંઇક ખળભળાટ થઇ રહ્યો હતો. બે આશ્રમવાસીઓ ત્યાંથી પસાર થયા અને તેમને હમેંશા શાંત રહેતા રૂમમાં આ ખળભળાટ સાંભળી થોડું અચરજ થયું. અને કેમ ન થાય ? કેમકે એ રૂમ ગાંધીબાપુ નો હતો. તેમના હરીજન સામાયિક માટેનું લખાણ હોય કે પછી આવેલા પત્રોના જવાબ લખવાના હોય એ દરેક લેખનકાર્ય તે રૂમમાં જ બેઠા બેઠા થતું. ક્યારેક સરદાર કે નહેરુ અથવા બીજી કોઈ અગત્યની વાતો હોય તો તે પત્રના જવાબ લખતા લખતા ચર્ચાતી. એ સિવાય એ રૂમ બાપુના સ્વભાવ મુજબ શાંત રહેતો. કદાચ બાપુના સંગની અસર હશે !

ઘરરર....કરતો ટેબલ ખસવાનો અવાજ આવ્યો. એ અવાજ કાનને પીડા આપે એવો હતો. ટેબલની એક પાઈ નીચે કંકર આવી ગયો હતો એટલે બોર્ડ પર કોઈ ચોકને ઘસે અને જે વિચિત્ર અસર થાય એવી જ આ અવાજની અસર હતી. બે આશ્રમવાસીઓએ આ અવાજ સાંભળી પોતાના કાન આડા હાથ દિધા. પછી બંને રૂમ તરફ ગયા. જેવા રૂમના દરવાજે પહોચ્યા કે ફરી ઘરરરર...કરતો ટેબલ ખસવાનો અવાજ આવ્યો અને કાન આડા હાથ દેતાં દેતાં આ વિચિત્ર અવાજ ને કારણે એક આશ્રમવાસીથી પીડાદાયક ઉદગાર નીકળી ગયો, "આહ્હ..!". પણ ગાંધીજીનું તે તરફ લગીરેય ધ્યાન ન ગયું.

બન્ને આશ્રમવાસીઓ ગાંધીજીની એ હરકતો જોઈ જ રહ્યા. હમેશની જેમ ગોઠણ સુધીની પહેરેલી પોતડી હતી. અને તે એક નાના નાના બાળકની જેમ કંઇક વ્યાકુળતાથી શોધી રહ્યા હતા. થોડી વાર થાય ત્યાં તેમના ગોળ ફ્રેમવાળા ચશ્માં ઉતારે અને એને સાફ કરે અને ફરી શોધવા લાગે.વચ્ચે વચ્ચે તે પોતાની સાથે જ બોલતા રહેતા, "ક્યાં હશે ? ક્યાં મૂકી દિધી હશે ?" અને વળી પાછા શોધવા લાગે. થોડી વાર થાય ત્યાં ફરી બોલે, "હજી તો એનો ઉપયોગ કરવાનો બાકી હતો." વળી આમ તેમ શોધવા લાગે. બંને આશ્રમવાસીઓને કંઇ સમજાતું ન હતું કે ગાંધીજી શું શોધે છે.

એક આશ્રમવાસીએ કિધું, "બાપુ ! શું થયું ?" પણ ગાંધીજીના કાને તે શબ્દો પહોચ્યા જ નહી. તે તેમના કામમાં એટલા મગ્ન હતા કે થોડીવારથી બે આશ્રમવાસી ત્યાં આવીને ઊભા છે એનું પણ તેમને ભાન ન હતું. "બાપુ ! શું શોધો છો ? શું ખોવાઈ ગયું છે?" બીજો આશ્રમવાસી થોડા મોટા અવાજે ગાંધીજીનું ધ્યાન દોરવા બોલ્યો. અવાજ સાંભળી ગાંધીજી એ એક ક્ષણ પુરતું તે દિશામાં જોયું અને ફરી પાછા શોધવા લાગ્યા. તેમને ફરી વાર બોલાવવાનું આશ્રમવાસીઓને ઉચિત ન લાગ્યું. તે બંને એમ જ ગાંધીજીની હરકતો જોતા રહ્યા. ગાંધીજીની વ્યાકુળતા તે જોઈ શકતા હતા. ત્યાં ગાંધીજી તેમની તરફ જોઇને બોલ્યા, "મારી અગત્યની વસ્તુ મળતી નથી. હું મારી વસ્તુ પણ સાચવી નથી શકતો. હજુ તો એનો ઉપયોગ બાકી હતો." ફરી તે શોધવા લાગ્યા. તેમની આવજની વિહવળતા જોઇને આશ્રમવાસીઓને થયું કે નક્કી કોઈ અગત્યની વસ્તુ ખોવાઈ છે.

એક આશ્રમવાસીએ કિધું, "બાપુ ! શું હતું? અમે પણ મદદ કરીએ શોધવામાં."

"કોઈ સરકારી કાગળો હતા બાપુ ?" બીજા આશ્રમવાસીએ પૂછ્યું. "ના" તેમની તરફ જોયા વગર જ બાપુએ જવાબ આપ્યો. "કોઈ કારોબારી હિસાબ હતો બાપુ?" નવો પ્રશ્ન થયો. "ના, ના." જોયા વગર જ જવાબ આપ્યો અને તે ગણગણ્યા, "હજી તો તેનો પુરેપુરો ઉપયોગ કરવાનો બાકી હતો. ક્યાં મૂકી હશે મેં?" આશ્રમવાસીઓ પણ મુંજાયા કે એવી તે કઈ કિમતી વસ્તુ છે જે આટલી વ્યાકુળતાથી બાપુ શોધતા હશે !

"બાપુ ! તો શું ખોવાઈ ગયું છે? અમને પણ કહોને ! અમે પણ મદદ કરીએ." આશ્રમવાસીએ ભાર દઈને પૂછ્યું. ગાંધીજીએ થોડીવાર કોઈ પ્રત્યુત્તર ન આપ્યો. પેલા બન્ને જણ ત્યાં ગાંધીજી પાસે ગયા અને ઉભળક પગે બેઠા. ગાંધીજીએ પોતાને વસ્તુ મળી ન હતી તેથી ચિંતાતુર આવજે કિધું, "હું જેનાથી દરરોજ લખું છુ એ મારી પેન્સીલ ક્યાંક મુકાઇ ગઈ છે. ક્યારનો શોધું છું પણ મળતી નથી." પેલા બે જણને થોડું આશ્ચર્ય થયું અને બંનેએ એકબીજા સામે હાશકારા સાથે 'હાશ ! પેન્સીલ ખોવાણી હતી. બીજી કોઈ અગત્યની વસ્તુ નહી.' એ ઉદગારો મનમાં જ રાખીને એકબીજા સામે જોયું. "સારું થયું તમે આવી ગયા. મને તો ક્યારનીયે મળતી નથી. હવે આપણે ત્રણેય સાથે શોધીશું તો મળી જશે. હવે બહુ વાર નહી લાગે." ગાંધીજીના આ શબ્દો સાંભળીને ગરમ તવી પર પાણીનું ટીપું નાખો 'ને બીજી જ ક્ષણે બાષ્પ થઇ જાય એમ બંનેના મુખ પરનો હાશકારાનો ભાવ ઉડી ગયો.

બધાને ખબર કે ગાંધીજી કંઇક ને કંઇક નવા પ્રયોગો કરતા જ હોય. પણ આ વાત આ બંને ને થોડી વધુ પડતી લાગી એટલે એકે કિધું, "બાપુ ! એ પેન્સીલ તો સાવ થોડી જ વધી હતી અને..."

"પણ એનાથી હજુ લખી શકાય એમ હતું." પેલો માણસ આગળ બોલે એ પેલા જ ગાંધીજી વચ્ચે જ બોલ્યા.

"બાપુ ! તમે ક્યારનાયે શોધો છો એ પેન્સીલ અને એ હજુ મળી નથી. એ એક કટકા પાછળ આટલો બધો તમારો કિંમતી સમય વેડફાયો. હું બીજી પેન્સીલ લઇ આવું છું." બીજાએ વળી ગાંધીજીને તર્ક સમજાવ્યો.

"એનો હજુ પુરેપુરો ઉપયોગ થયો નહતો. વસ્તુ નો થવો જોઈએ એટલો ઉપયોગ કરવો જ જોઈએ. આમ ફેંકી ન દેવાય. એટલે આપણે એ જ પેન્સીલ નો ટુકડો શોધીશું." ગાંધીજીએ કોઈ તર્ક લગાવ્યા વગર જ વ્યવહારિક વાત કરી.

હવે પેલા બન્ને જણા સમજી શકતા ન હતા કે એ જ પેન્સીલનો ટુકડો વાપરવા પાછળ બાપુનો શું પ્રયોગ હશે કે શું તત્વજ્ઞાન હશે ! ગાંધીજી તો ફરી પાછા આમતેમ શોધવા જ લાગ્યા હતા. એ બંનેને આટલી બે પૈસાની પેન્સીલ માટે બાપુનો આગ્રહ બરાબર ન લાગ્યો. એમને બરાબર ન લાગે એથી શું ? એમ તો કેટલાય ને બાપુનો શરૂઆતમાં અહિંસક વિરોધ પણ બરાબર લાગ્યો ન હતો પણ સમય જતાં અણધારી સફળતા ગાંધીજીને મળી હતી. એવી કેટલીયે વાતો ગાંધીજીની હતી જે પેહલી વારમાં ઘણાને ગળે ન ઉતરતી. અહિયાં પણ તેવું જ થયું. પેલા બંને જણની બુદ્ધીમાં એ વાત ગોઠવાઈ નહી. પણ ગાંધીજીને કેમ કેહવું ? કેમકે બાપુ એક વાર જે નક્કી કરે એ કરીને જ બેસે એ પણ એમને ખબર હતી. પણ તેમાંથી એકે ધીરજ ખૂટતા પૂછી જ લીધું,

"બાપુ ! આ બે પૈસાની પેન્સીલ માટે આટલો ઉત્પાત કેમ ? એ ટુકડામાં એમ પણ શું બચ્યું હતું? એને શોધવાનો શું અર્થ? મને આમાં કઈ બુદ્ધિગમ્ય નથી લાગતું. એવું તે એમાં શું હતું ?"

ગાંધીજીએ પોતાના વ્યક્તિત્વના ટ્રેડમાર્ક સમા હળવા સ્મિત સાથે કહ્યું, "એ એક પેન્સીલ બનાવવા પાછળ અગણિત માનવ કલાકો વપરાય છે. પેન્સીલ બનાવવી એ પણ એક કળા છે. જો આપણે એનો પુરેપુરો ઉપયોગ ન કરીએ તો એ કારીગરોની કળાનું અને તેની મહેનતનું અપમાન કહેવાય. એટલે આ રીતે કોઈનું અપમાન મને પોસાય તેમ નથી. વાત અહિયાં પેન્સીલની કિંમતની નથી, પણ માનવશ્રમની કિંમતની છે. એટલે આપણે પેન્સીલ નો એ ટુકડો જ શોધીશું."

એટલું બોલીને ગાંધીજી ફરી પેન્સીલનો એ જ કટકો શોધવા લાગ્યા.

* * *