દેશભક્તોનું ઐતિહાસિક મિલન Krushnasinh M Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દેશભક્તોનું ઐતિહાસિક મિલન

દેશભક્તોનું ઐતિહાસિક મિલન

આઝાદ, ભગતસિંહ બેઠા છે. આઝાદ મુછ મરડી રહ્યા છે, પગ ઉપર પગ ચડાવેલો છે 'ને બીજો હાથ તે પગ પર રાજાની માફક રાખ્યો છે. ભગતસિંહ શાંત પણ ધીરગંભીર મુદ્રામાં આઝાદની સામે અદબથી બેઠા છે. આઝાદનું મો રાતું-પીળું થઇ રહ્યું છે.


આઝાદ : "ભગત ! જરા નજર તો કરો. આજના આ લોકો કેવા છે? આજે આપણો પ્રજાસત્તાક દિવસ છે અને આ લોકો હજી સુતા છે. ધ્વજવંદનમાં કોઈ દેખાતું નથી".


ભગત : "હા, પંડિતજી ! અને જે હાજર છે તેમાં પણ અમુક તો હાજર રહેવું પડે છે એટલે આવ્યા છે. સરકારી ગુલામ !"

આઝાદની આંખો વધુ લાલ થઇ, હાથ મસળવા લાગ્યા અને ગુસ્સામાં જ બોલવા લાગ્યા, "ગુલામ હે સબકે સબ. કિસીકે ચહેરે પે આઝાદી કા જશ્ન નહી દિખાઈ દેતા. સબ કે સબ ઝિંદા લાશે હે. ધત !"


ત્યાં જ આઝાદના ગુસ્સામાં ખેલેલ પહોચાડતો ચરર...ચરર...કરતો ચામડાના ચપ્પલનો અને સાથે ટક... ટક... કરતો લાકડીનો આવાજ આવે છે. એ વ્યક્તિ હજી દેખાતો નથી પણ ચપ્પલ અને લાકડીનો આ બંને વીરરસ તરફ વધુ નજીક આવતા જાય છે. આ બંનેની આંખોમાં પણ કુતુહલવશ એ અવાજની દિશામાં મંડાણી છે. ચાલતો આવતો એ વ્યક્તિ દુરથી જ બોલે છે, "અરે ભાઈ કૌન ઝિંદા લાશ બન ગયા હે?"


આઝાદ અને ભગતસિંહ તે વ્યક્તિને માન આપવા ઉભા થાય છે. બંનેના મોં પર પ્રસન્નતા નથી પણ નમ્રતા જરૂર દેખાય છે.


ભગતસિંહ : "પ્રણામ"

આઝાદ : "નમસ્કાર અહિંસા પથદર્શક !"


તે વ્યક્તિને આ શબ્દો સાંભળી થોડો ખેદ થયો, પણ છતાં સરળ, સહજ સ્વભાવ મુજબ સ્મિત કરી બંને હાથ જોડી અભિવાદન ઝીલ્યું.


વ્યક્તિ : "કેમ છો પંડિતજી, ભગતસિંહ ? લાંબા સમય પછી મળ્યા. તમને મળીને આનંદ થયો".

ભગતસિંહ : "ગાંધીજી, બેસોને !"


ત્રણે બેસે છે. આઝાદનો ગાંધીજી પ્રત્યેનો અણગમો શબ્દોમાં વર્તાયો.


આઝાદ : "આમ સ્મિત કરીને અમને મળીને આનંદ થયો એવો દંભ ન કરો તો પણ ચાલશે. તમારો વિરોધ અમને સ્વીકાર છે".


ગાંધીજી : "આ કંઇ દંભ નથી. હા ! 'અહિંસા પથદર્શક' કહી તમે જે કટાક્ષ કર્યો તેનો થોડો રંજ જરૂર થયો. પોતાના જયારે ન સમજે ત્યારે થોડો ખેદ તો થાય જ".


આઝાદ વચ્ચે જ બોલે છે, "અમે પણ એમ જ માનીએ છીએ. કદાચ એટલે જ મારાથી કટાક્ષમાં બોલાઈ ગયું. મારો હેતુ તમને દુઃખ પહોચાડવાનો ન હતો. પરંતુ ખેદ હોવા છતાં આનંદ થયાનું નાટક કેમ?"


ગાંધીજી પોતાના વ્યક્તિત્વના ટ્રેડમાર્ક સમા સ્મિત સાથે જવાબ આપે છે, "મને કોઈ પણ માતૃભૂમિભક્ત ને મળીને આનંદ જ થાય છે. એમાં પણ ૧૩ વર્ષની કુમળી વયે દેશને આઝાદ કરવાની અને અંત સમય સુધી આઝાદ રહેવાની પ્રતિજ્ઞા પર અટલ રહેવાવાળાને મળીને અને દેશ માટે ૨૩ વર્ષની તરવરતી ભરજુવાનીમાં હસતાં-હસતાં ફાંસીને માંચડે ચડી જનારને મળીને આનંદ ન થાય તો એ દુર્ભાગી જ કે'વાય".

ભગતસિંહ અને આઝાદ બંનેના મુખની વિરોધમાં તંગ બનેલી રેખાઓ આશ્ચર્ય સાથે નમ્રતાથી ઢીલી પડી. આઝાદને પોતાની વાણીની થોડી ઉદંડતા ધ્યાનમાં આવી. આઝાદ શરમાયા અને મસ્તક નમાવી મૌન જ બેઠા. પણ દેશના 'માનસ' ને જાણનારો 'માણસ' અને દેશની કોઈ સ્ત્રી પાસે એક જ પહેરણ હોઈ પોતે પણ આજીવન એક જ પહેરણમાં જ રહ્યા એવા ગાંધીજીને આ રીતે આઝાદ શરમાયા એ ઠીક ન લાગ્યું. તેમણે સ્વભાવ મુજબ જ ગંભીર બનેલા વાતાવરણને હળવું કર્યું. તેમણે પોતાની લાકડીને લાદી પર ઠપકારીને લાકડી તરફ ધ્યાન દોરતા કહ્યું,


ગાંધીજી : "પંડિતજી ! હું તો મારું શસ્ત્ર સાથે લાવ્યો છે પણ તમારું શસ્ત્ર નજરે નથી ચડતું".


ત્યાં તો આઝાદ ચમક્યા અને પોતાની બાજુમાં રહેલી પિસ્તોલ ઉપાડી અને બોલ્યા, "મારું શસ્ત્ર તો મારી સાથે જ હોય. આનો તો હું ઋણી છુ. એના લીધે જ મારી પ્રતિજ્ઞા પર હું અટલ રહી શક્યો. હું કદી જીવતો ન પકડાયો, આઝાદ જ રહ્યો".


ગાંધીજી : "ખરે જ ! પ્રતિજ્ઞા પાળવી બહુ જ કઠણ છે. હું નાનપણમાં પણ આવા પ્રતિજ્ઞાપાલન હરિશ્ચન્દ્રથી ખુબ પ્રભાવિત થયેલો".


આઝાદ ગાંધીજી સામે આશ્ચર્યભાવે જોઈ જ રહ્યા. બે ઘડી તો લાગ્યું કે શું આ એ જ ગાંધીજી છે જેમનો અમે સખત વિરોધ કરતા ! ત્યાં ફરી બે ઘડીના વિરામ પછી ગાંધીજી બોલ્યા, "પણ તમારું આ શસ્ત્ર ધીમું તો ખરું જ. મને મરતાં પહેલા 'રામ' બોલતાં ન રોકી શક્યું".


-હવે આઝાદ અને ભગતસિંહ વધુ ગંભીર થયા. વિચારોના મતભેદ હોઈ શકે પણ આ પગલું તો દેશના મસ્તક પર કલંક સમાન કહેવાય. બને ક્રાંતિકારી શરમ અનુભવી રહ્યા. પાંદડું ખરે તો પણ આવાજ આવે એવી સ્મશાન શાંતિ વ્યાપી રહી. ગાંધીજીના મુખ પર હજી એ જ સ્મિત હતું પણ મુખની અમુક રેખાઓ કૈક ગમગીન દેખાતી હતી. વિંધાયાનું દુઃખ દેખાતું હતું. એક જોડી ચાખડી, એક લાકડી અને એક પોતડી પહેરીને બ્રિટીશ સત્ત્તાને પડકાર ફેંકનારને મૃત્યુનું દુઃખ હોય એવું તો ન જ બને પણ પોતાનો જયારે ઘા મારે તો બહુ કારમો હોય, બાકી આમ ત્રણ ગોળીએ ગાંધી વિંધાય નહી.


ભગતસિંહ પણ ભૂતકાળમાં સરી પડ્યા. ગાંધીજીના અસહકાર આંદોલનોમાં પોતે દોડતા તે ચિત્રો આંખ સામે એક પછી એક કોઈ ફિલ્મની જેમ ચાલવા લાગ્યા. કઈ રીતે પોતે એટલી નાની ઉમરમાં વિદેશી કપડાના બહિસ્કારમાં આગળ પડતો ભાગ ભજવતા, પોતાના મિત્રો સાથે મળી એક નાની ટોળકી બનાવી તેઓ પણ ઉત્સાહભેર ગાંધીજીના અંદોલનોમાં જોડતા. પાછળથી વિચારોમાં જુદા હોવાથી એચ.એસ.આર.એ. માં જોડાયા હતા. બે ઘડી માં તો આખી જિંદગી ફિલ્મના ટ્રેલરની માફક આંખો સામે આવી ગઈ.


એ સ્મશાન શાંતિ તોડતા ગાંધીજી બોલ્યા, "અહાહા ! જુઓ આપણો ત્રિરંગો કેટલો સુંદર છે ! કુબેર પણ કંગાળ લાગે આની સામે".


આઝાદ : "મૃત્યુ પણ મધુર લાગે એને માટે".


ભગતસિંહ : "કેવો લહેરાય છે, મુક્ત ! સ્વતંત્ર !".

ત્રણેયની આંખો ભીની થઇ ગઈ. યોગીને સમાધી લાગી હોય તેમ ત્રણેય ત્રિરંગામાં સમાધિસ્થ થઇ ગયા. ત્રણેયના મુખમાંથી અનાયાસે એક સાથે શબ્દો સરી પડ્યા,

' વંદે માતરમ '.


ત્યાં આ સમાધી ભંગ કરતો ઠાક...ઠાક...ઠાક...કરતો બુટનો અવાજ આવ્યો અને ધીમો ગણગણાટ સંભળાયો. શબ્દો સ્પષ્ટ સંભળાતા ન હતા પણ તેની ધૂન પરથી અનુમાન કરવું કઠીન ન હતું કે તે કઈ કવિતા છે ! ધીમે- ધીમે એ અવાજ સ્પષ્ટ થતો ગયો અને એ શબ્દો આ ત્રિમૂર્તિના કાન પર અથડાયા...


જોદી તોર ડાક શુને કેઉ ના અસે તોબે એકલા ચોલો રે.....

એકલા ચોલો, એકલા ચોલો, એકલા ચોલો, એકલા ચોલો રે... જોદી તોર ડાક ....

હવે ત્રણેયની આંખો અવાજની દિશામાં એ વ્યક્તિને શોધવા મથતી'તી ત્યાં તો સામેથી પહાડ ચાલતો આવતો હોય તેવો પડછંદ કાયાનો ધણી આવી રહ્યો. મિલીટરીનો ગણવેશ તેની કડક શિસ્તની ચાડી ખાતો હતો. મક્કમ મુખાકૃતિ તેની અડગતા અને ચશ્માની આરપાર દેખાતી તેની મોટી આંખોમાં તેમનો આત્મવિશ્વાસ છલકતો દેખાતો હતો. તે વીરરસ આવીને બે હાથ જોડીને ગાંધીજીને નમસ્કાર કરે છે.


વ્યક્તિ : "પ્રણામ, બાપુ !"


ગાંધીજી : "આવો આવો નેતાજી ! ધન્યભાગ અમારા કે તમારા દર્શન થયા".

આઝાદ અને ભગતસિંહ પણ ઉભા થઈને નેતાજીને નમસ્કાર કરે છે. તેમનું અભીવાદન ઝીલતા નેતાજી કહે છે "જય હિન્દ ભાઈઓ !" ભગતસિંહ એક ખુરશી તેમને આપે છે.

નેતાજી : "પણ બાપુ ! તમે મારાથી નારાજ છો કે ?"

ગાંધીજીએ આશ્ચર્યકારક દ્રષ્ટીએ પ્રશ્ન કર્યો, " કેમ એમ કહો છો? "


નેતાજી : "તો પછી મને સુભાષ કહીને કેમ ન બોલાવ્યો? શું હજી પણ તમે મારાથી નારાજ છો?"


સુભાષબાબુ ભાવપૂર્વક દલીલ કરતાં રહ્યા, "મને થયું કે આઝાદ હિન્દ ફૌજ ની રચના કરી આપણા જ દેશબાંધવોની મદદ લઇ માતૃભૂમિને આઝાદ કરાવી શકાય અને મારો અંતરાત્મા પણ તેમ જ કહેતો હતો. તેથી જ તો મેં એ રસ્તો પસંદ કર્યો. બાપુ ! શું તમે પણ બીજાઓની જેમ જ માનો છો કે મને સત્તા લાલસા હતી? આઝાદ હિન્દ ફૌજની બનાવી અંગ્રેજોને બદલે મારે રાજ કરવું હતું? બીજાઓ તો કદાચ ન સમજી શક્યા હશે કે સુભાષ ભારતમાં નો દિકરો છે અને દિકરો તો માં ની સેવા કરે, પણ શું બાપુ તમેય બીજાની જેમ જ માનો છો? બાપુ ! સુભાષ કાર્યપદ્ધતિથી તમારાથી અલગ જરૂર હતો પણ મનથી તો હું તમને પૂજ્ય જ માનતો આવ્યો છુ".


બે હૃદય સંવાદ કરી રહ્યા છે 'ને બે હૃદય એ માણી રહ્યા છે. ગાંધીજી થોડા અકળાયા..


ગાંધીજી : "ના, ના સુભાષ એમ ન બોલ !" એક સેકન્ડ માટે અટકી ગાંધીજીએ કહ્યું, "અને જો કોઈ એમ સમજતું હોય કે તું દેશભક્ત નથી અને સત્તા લાલસુ છે તો તે બોલવાવાળા હજી દેશ્ભાક્તીમાં કાચા છે એમ હું સમજુ છુ. કોણ ભૂલી શકે કે માતૃભૂમિ માટે તું આઈ.સી.એસ. ની ડિગ્રીને ઠોકર મારીને આવ્યો હતો ! ભલે મારી કાર્યપદ્ધતિથી વિરુદ્ધ પણ હજારો થાકી ગયેલા અને ગુલામ બનીને બીજાઓ માટે લડતાં સૈનિકોમાં તે જ નવો પ્રાણ પૂર્યો હતો. તેમનામાં દેશાભિમાન જગાડનાર તું જ હતો".


ભગતસિંહ : "સુભાષબાબુ ! તમે જ તો રાણી લક્ષ્મીબાઈ રેજીમેન્ટ બનાવી સ્ત્રીઓ ને પણ દેશ માટે લડવાની પ્રેરણા આપી".


ગાંધીજી : "તું ગુપ્તવેશે આટઆટલા દેશ ફર્યો, દેશ્બંધવોમાં નવું જોમ ભર્યું, આખી ફોજ ઉભી કરી તે બધામાં તને કેટલી કઠીનાઈઓ આવી હશે એ મારા જેવા સત્યાગ્રહ કરનારને કેમ ખબર પડે?"


ગાંધીજી એ વાતાવરણ હળવું કર્યું. ભગતસિંહ અને આઝાદે પણ ગાંધીજીની સહજતા અને સરળતા જોઈ હળવું સ્મિત કર્યું અને ગાંધીજીએ ફરી કહ્યું, "અને મેં તને નેતાજી ક્યાં કહ્યો છે? આ તો તને પ્રેમ કરવાવાળા દેશના લોકો એ જ તને આ માન આપ્યું છે. હું તો એ દેશબાંધવોના પ્રતિનિધિ રૂપે જ તને એ નામથી બોલાવતો હતો".


હંમેશની જેમ ગાંધીજીએ સરળ, પ્રેમભરી તાર્કિક વાતોથી જેમ દરેકને જીતતા તેમ ફરી સુભાષબાબુને જીતી લીધા. નેતાજીના મુખ પર અકળામણની રેખાઓનું સ્થાન સંતોષની રેખાઓએ લીધું. થોડીવાર વાતાવરણ શાંત જ રહ્યું. સુભાષબાબુ એ શાંતિ ભંગ કરતા બોલ્યા, "બાપુ ! ક્યારેક એવું લાગે છે કે આપણા દેશબાંધવો આપણું હૃદય સમજ્યા જ નહિ".


આઝાદ : "હા એ તો ત્યારે પણ ક્યાં સમજતા હતા? અંગ્રેજ અમને આતંકવાદી કહેતા તેનાથી અમને કંઇ ફેર ન પડતો, પણ જયારે છુપા વેશે ફરતા હોઈએ અને કોઈ ગામના ચોરે બેઠેલો અમને આતંકવાદી સમજતો ત્યારે વિંધાઈ જવાતું. અંગ્રેજોના કોરડાના ઘા ઝીલીને પણ મેં ઉન્હ્કારો ન કર્યો પણ આ ઘા જીરવા કથણ હતા. ચીસ તો નીકળતી પણ કોઈને સંભળાતી નહિ".


ભગતસિંહ : "એમાં આપણી પદ્ધતિનો પણ થોડો દોષ હતો. ભલે પાર્ટી દેશ અને દેશબાંધવો માટે જ પ્રજાને લુંટનારા પુંજીપતિઓ શાહુકારોને ત્યાં લુંટ ચલાવતી પણ લોકોને એ ધ્યાનમાં ન આવે. અને શાહુકારો જે લુંટ કરે તે એમને લુંટ ન લાગે. એટલે એમને પહેલા એ સમજાવવું અને આપણો હેતુ શું છે એ સમજાવવું ઘણું જરૂરી હતું".


આઝાદ : "હમમ. આપણો હેતુ સારો હતો પણ જ્યાં સુધી એ બધાને ધ્યાનમાં ન આવે એટલે નકામું. પાર્ટી એ પણ એટલે જ પાછળથી અંગ્રેજોની જ તિજોરી લુંટવાનું નક્કી કરેલું. પણ આપણા દેશમાં ગદ્દારોની ક્યાં અછત છે. રામપ્રસાદજી, અસફાક-ઉલ્લા-ખાન, રતનસિંહ જેવા નરવીરો માં ની સેવા વધુ ન કરી શક્યા".


બધા અવાક બેઠા હતા. આઝાદની આંખના ખૂણા સ્હેજ ભીના થયા.


નેતાજી : "પણ ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે સામે ચાલીને સરેન્ડર કરીને એક નવો વળાંક જ આપ્યો. લોકોને ધ્યાનમાં આવ્યું કે આ લોકો જે કરે છે તે કંઇ આતંકવાદી નથી. એ બધા આઝાદી માટે જ લડે છે".


આઝાદ : "હા, પાર્ટી નો મકસદ સામાન્ય સુધી પહોચ્યો".

પછી આઝાદ ભાવભરી અને સમ્માન ની દ્રષ્ટિથી ભગતસિંહ સામે જુએ છે. ભગતસિંહના મુખ પર નમ્રતાની રેખાઓ સ્પષ્ટ છે. આઝાદ ભગતસિંહ ને ખભે સાબાશી આપતા કહે છે, "ભગત તો ભગત છે ! ભગત ના વિચારોને લીધે જ સંગઠનની પ્રવૃતિઓ બધાને ધ્યાનમાં આવી. તેના વિચારો એકદમ સ્પષ્ટ. સાંડર્સ હત્યા પછી પણ જયારે લોકોને અમારો હેતુ ધ્યાનમાં આવતો ન હતો અને અંગ્રજ સરકાર પણ નાના મોટા ગુંડાઓ સમજતી ત્યારે પાર્ટીની ચર્ચામાં ભગતે જ કહેલું, "બહેરાઓ માટે ધમાકાની જરૂર છે." અને અમે બધા તો વિરોધ કરતા કે અરે ! મારીને મરીશું, આપણે થોડા કોંગ્રેસ પાર્ટીના છીએ તે આ રીતે સામે ચાલીને પકડાઈ જઈએ".

...અને બધાના ચહેરા પર એક હાસ્ય મોજુ ફરી વળ્યું.

ગાંધીજીએ પણ તેમના સ્વભાવ મુજબ જ વાતાવરણ વધુ હળવું કર્યું, "ભગતસિંહ, અંતે તમે પણ અંહિસા ના રસ્તે વળી ગયા !" અને બધા ખખળી પડ્યા.

ભગતસિંહ : "ગાંધીજી, હું તો માનતો જ હતો કે આ બોમ્બ કે પિસ્તોલ એ ક્રાંતિનો પર્યાય ન બની શકે, એ ક્રાંતિના હથીયાર થઇ શકે ક્યારેક ક્યારેક. મેં કોર્ટમાં પણ એ જ કહ્યું હતું કે ક્રાંતિ ની તલવાર વિચારોથી જ તીક્ષ્ણ થાય છે. એટલે જ તો અમે 'ઇન્કલાબ ઝિંદાબાદ' નો નારો ગર્વથી લગાવતા".

નેતાજી : "આપણા બધાના રસ્તા ભલે અલગ હતા પણ આપણો હેતુ તો એક જ હતો - સ્વાતંત્રતા ".

ગાંધીજી : "પણ અહિંસાના પથ પર ચાલવાની ઘણી આકરી સજા મળી છે મને તો !"

ગાંધીજી કૈક ગમગીન દેખાયા. પ્રસન્ન દેખાતો તેમનો ચેહરો ખિન્ન દેખાયો.

નેતાજી : "બાપુ ! શું થયું ? કેમ આમ ઉદાસ થઇ ગયા?"

...એક નિઃસાશો નાખતા ગાંધીજી બોલ્યા,

ગાંધીજી : "ક્યારેક થાય છે કે ઈરવીન કરાર પહેલા જ કોઈ ગોડસેએ મને ગોળી મારી દિધી હોત તો સારું થતે. ભગતસિંહને ન બચાવવાનો કલંક તો ન લાગતો".

ભગતસિંહ : "ગાંધીજી ! આ તમે શું કહો છો? આવું તો બિલકુલ ન હોય".

ગાંધીજી : "આજદિન સુધી બધા એવું જ માને છે કે હું તમને બચાવવા જ માંગતો ન હતો. તમારી દેશનિષ્ઠા પર તો હું સ્વપ્નમાં પણ શંકા ન કરી શકું, પણ હું મારા સિદ્ધાંતોથી બંધાયેલો હતો".

ભગતસિંહ : "આવું કહેવાવાળાને કંઇ ખબર નથી. એ એટલું પણ નથી જાણતો કે હું જાતે જ ફાંસીએ ચડવા માંગતો હતો. મારા પિતાજીએ પણ જયારે પીટીશન દાખલ કરી તો મેં પત્ર લખીને મારો વિરોધ નોધાવ્યો હતો, મારો ગુસ્સો, ખેદ વ્યક્ત કર્યો હતો. માનવાવાળાને જે માનવું હોય તે માનવા દો તમે એ જંજટમાં ન પડો. માનવાવાળા તો અમને આતંકવાદીઓ માનતા હતા".

આઝાદ : "દેશ આઝાદ થયાના આટલા વર્ષો પછી પણ સરકારી કાગળિયા પર ભગત, સુખદેવ, રાજગુરુ શહીદ નહિ, આતંકવાદી અને હત્યારા છે. એટલે તો ક્યારેક હજી પિસ્તોલ ઉપાડવાની ઈચ્છા જાગી જાય છે. ગોરા રંગના હોય એટલે જ અંગ્રેજ એવું કોણે કિધું?"

નેતાજી : "શાંત આઝાદ ! એમને કોઈના પ્રમાણપત્રની જરૂર નથી. એમની માતૃભૂમિનિષ્ઠા એ કોઈ સરકારી કાગળીયાની મહોતાજ નથી".

સુભાષબાબુ નો ચંદ્ર જેવો શીતળ ચેહરો એકાએક તપી ગયો. ગુસ્સો પ્રગટ કરવા એમની આંખો જ કાફી હતી. શબ્દોને બહુ કષ્ટ આપવો ન પડતો એમણે. આ આંખો એક સમયે જેના નામથી દુનિયા ધ્રુજતી એવા હિટલરની આંખોમાં આંખો પરોવીને વાત કરતી. ત્યાં ગાંધીજીના શબ્દોએ સુભાસબાબુનો ભાવાવેશ તોડ્યો.

ગાંધીજી : "અન્યાય તો તને પણ ક્યાં ઓછો થયો છે સુભાષ ! તારું અને મારું હૃદય લોકો સમજ્યા નથી. હું 'રાષ્ટ્રપિતા' શબ્દનો ધારક તો ન જ થઇ શકું એમ સ્પષ્ટ માનું છું, પણ તે પ્રેમથી આપેલા એ શબ્દને લોકોએ મારી સાથે જોડ્યો પણ તને સાથે યાદ ન કર્યો. તારા જીવનના રહસ્ય બાબતે બધા નીરસ જ રહ્યા અથવા કહો કે જાણીજોઈને રહયા".

નેતાજી : "એ તો સારું બાપુ ! જ્યાં સુધી સસ્પેન્સ હોય ત્યાં સુધી ઈન્ટરેસ્ટ જળવાઈ રહે".

...અને બધા હળવું મલકાઈ ગયા. એ મુસ્કાન પાછળ બધાના મનમાં ક્યાંક તો ખેદ હતો કે દેશવાસીઓ તેમને જ સમજી નથી શક્યા. વિચારોનો વિરોધાભાસ તો તે સમયે એ બધાને પણ માન્ય હતો. એક રોમની જૂની કહેવત હતી ને કે, 'All Road lead to Rome.' તે જ રીતે કહી શકાય કે, All paths lead to Freedom. દરેક પોતાની વિચારધારા મુજબ એ રસ્તે આગળ વધતો, પોતાના સિદ્ધાંતો પર વિશ્વાસ રાખી યા હોમ કરીને કુદી પડતો આઝાદીના હવનમાં હોમાવા. દરેક નો હેતુ એક જ - માતૃભૂમિની આઝાદી. પરંતુ તેમના મનનો એ ખેદ ક્ષણના સો માં ભાગમાં જ છેદ થઈ ગયો જયારે ચારેય ની નજર હવામાં લહેરાઈ રહેલા તિરંગા પર સ્થિર થઇ. તેને લહેરાતો જોઇને ચારેય ફરી વાર સમાધિસ્થ યોગીની જેમ તેમાં એકરૂપ થઇ ગયા. તે ચાર મટીને એક થઇ ગયા. કેસરી, શ્વેત, લીલો અને વાદળી રંગો એક થઇ ગયા- તે ત્રિરંગો થઇ ગયો.