ચંદ્રશેખર આઝાદ Krushnasinh M Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચંદ્રશેખર આઝાદ

ભારત માં ને આઝાદ કરાવવા માટે ચાલેલા આઝાદીના હવનમાં માં ભોમના કેટલાયે દીકરાઓ આહુતી થઈ ગયા. તેવામાંના એક એટલે પંડિત ચંદ્રશેખર તિવારી. ગુલામીની બેડીઓમાં ગોંધાવા કરતાં બંદૂકની ગોળી થી શહીદી વહોરવાનું પસંદ કરતા ચંદ્રશેખર જીવનમાં એક જ વખત જીવતા અંગ્રેજોના હાથમાં આવેલા અને ત્યારબાદ તેમણે પ્રતિજ્ઞા કરી કે આજીવન 'આઝાદ' જ રહીશ.

27 ફેબ્રુઆરી,1931 ના દિવસે અંગ્રેજોને હાથ તો લાગ્યા પરંતુ જીવતા નહિ. તેમના જીવનનો એક પ્રસંગ જાણીએ.

***

કોર્ટરૂમ ખચોખચ ભરેલો છે, મોટાભાગે ખાલી રહેતા રૂમમાં આજે જનમેદની ઉમટી આવી છે. રૂમની બહાર પણ લાઈન લાગી છે. કોઈકના ચહેરા પર દુઃખની રેખાઓ હતી તો કોઈકના ચેહરા પર આશ્ચર્યની રેખાઓ હતી, તો વળી કોઈકના મસ્તક ગર્વથી ઊંચા હતા. બધા કંઈક ગણગણી રહ્યા છે.
વ્યક્તિ-૧ : શું એ સાચું છે કે તે હજી માત્ર તરુણ છે?
વ્યક્તિ-૨ : હા,સાંભળ્યું છે કે તે ૧૪-૧૫ વર્ષનો માંડ છે.
વ્યક્તિ-૩ : અરે ના! એ તો પાક્કો પહેલવાન દેખાય છે.મેં જોયો છે એને. મને તો યુવાન લાગે છે, પણ આવો પહેલવાન ગાંધીજીના રસ્તે ક્યાંથી?

ત્યાં જ જજ સાહેબ આવે છે. બધા કોર્ટરૂમમાં ઉભા થાય છે. પછી જજ એમની કાર્યવાહી શરૂ કરે છે.
જજ : ઓર્ડર....ઓર્ડર.. કાર્યવાહી શરૂ કરો, ગુનેગાર ને હાજર કરો.

ત્યાં તો સામેના દરવાજેથી બે પોલીસકર્મી એક ૧૫ વર્ષનાં તરુણને પકડીને લાવે છે. જેને જોવા લોકો આજે ધંધો બંધ રાખીને આવ્યા હતા તે તરુણ, વીર, પૌરુષનો પર્યાય આવી રહ્યો હતો. એની આંખોમાં નીડરતા ચમકતી હતી અને તે આવીને કઠહરામાં ઉભો રહે છે.

જજ પૂછે છે, " નામ શું છે તારું?"

જજ આટલું બોલ્યા ત્યાં તો બેઠેલા બધાનાં કાન સરવા થઇ ગયા કે શું હશે આનું નામ? કોણ છે એ? ધન્ય છે એની જનેતા, કોણ છે એના પિતા? એટલામાં ગર્જના થાય છે.

"આઝાદ" તે તરુણ બોલ્યો, "મારુ નામ આઝાદ છે."

જજ પૂછે છે, "તારા બાપનું નામ શું છે?"

"સ્વતંત્રતા" આઝાદ તેની કરડાકી મુદ્રામાં જવાબ આપે છે.

જજ ત્રીજો પ્રશ્ન પૂછે છે, "રહેઠાણ કયું છે તારું?"

આઝાદ તરત જ જવાબ દે છે, "કેદખાનું, jail." અને એ આઝાદ જજના પ્રશ્નો પર અટ્ટહાસ્ય કરવાં લાગે છે.

તેના અટ્ટહાસ્યથી કોર્ટરૂમ થરથરી ઉઠે છે. બધા આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય છે કે, આ નાદાન છોકરો મસ્તીમાં શું બોલી રહ્યો છે તેનું તેને ભાન નથી લાગતું. આમ અંગ્રેજોના રાજમાં એમના જ બનાવેલા કાળા કાયદા સામે આ રીતે પડકાર ફેંકવો એ તો 'ઉઠ, પડ પાણાં પગ ઉપર' જેવું થયું.

ત્યાં પેલો જજ આ નાના છોકરાની મસ્તી જોઈને ગુસ્સે ભરાયો અને તેણે મોટા અવાજે કહ્યું, "આ ઘમંડી છોકરાને ૧૫ કોરડા ફટકારો. હવે હું જોઉં છું કે તારું સ્વતંત્રતા નું ભૂત ક્યાં સુધી રહે છે?"

પણ હજી જેના મૂછના દોરા માંડ ફૂટ્યા હતા તે ફૂટડો તરુણ કે' છે, "જે થાય તે કરી લો જજ સાહેબ, મને તો દેશભક્તિ નો નશો ચડ્યો છે. તમારા કોરડા ની અસર હવે નહિ થાય. ૫-૧૦ કોરડા વધારી દેવા હોય તો વધારી દો. અને હાં, એક વાત ગાંઠ વળી લ્યો કે આજે આ ચંદ્રશેખર હાથમાં આવ્યો છે પણ આજે પ્રતિજ્ઞા કરુ છું કે હું આઝાદ છું અને મરતા સુધી આઝાદ જ રહીશ."

આટલું સાંભળી કોર્ટરૂમ સ્તબ્ધ થઈ જાય છે. કેમકે બધાને ખબર હતી કે પંદર કોરડા ઝીલવા એ તો ભલભલા પહેલવાનોનું પણ કામ ન હતું, ત્યાં આ તો હજી ઉગીને ઉભો થયેલો તરુણ હતો એની શું વિસાત કે એ પંદર કોરડા સહિ શકે. બેઠેલા બધાને એ છોકરા પર દયા આવવા લાગી.

એને કોરડા ફટકારવાના શરુ થાય છે. એક - એક કોરડે આઝાદના હોઠો પર એક જ નામ "ભારત માતા કી જય" અને "વંદે માતરમ". ફરી ફરીને 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ' નો જ નીર્ઘોષ સંભળાતો હતો.

ટૂંક પરિચય:
નામ : પંડિત ચંદ્રશેખર તિવારી
જન્મ : ૨૩ જુલાઈ, ૧૯૦૬. ભાવરા, અલીરાજપુર.
માતા : જાગરાની દેવી
શહીદ: ૨૭ ફેબ્રુઆરી, ૧૯૩૧. અલ્ફ્રેડ પાર્ક, અલ્લાહબાદ.
પિતા : પંડિત સીતારામ તિવારી

૧૯૨૨ માં જયારે અસહકાર આંદોલન બંધ થયું ત્યારે આઝાદે અહિંસા નો રસ્તો છોડ્યો અને રામ પ્રસાદ બિસ્મીલની HRA(Hindustan Republican Association) માં જોડાયા. કાકોરી ટ્રેન લૂંટ પછી બિસ્મીલજીને ફાંસી થઇ અને પછી HRA ને HSRA(Hindustan Socialist Republican Association) કરી. ભગતસિંહ સાથે સોંડર્સ હત્યામાં પણ સામેલ હતા.
૧૯૩૧ ની ૨૭ ફેબ્રુઆરી ના દિવસે અલ્ફ્રેડ પાર્ક માં અંગ્રેજોએ તેમને ઘેરી લીધા. આઝાદે તેમના સાથી ને છટકવામાં મદદ કરી અને તેઓ અંગ્રેજો સાથે લડ્યા. પોતાના અચૂક નિશાનાથી ત્રણને ઠાર માર્યા. અંતમાં જયારે કોઈ રસ્તો ન હતો ત્યારે તેમણે જાતે જ શહિદી વહોરી લીધી અને પ્રતિજ્ઞા પ્રમાણે આઝાદ જ રહ્યા.
આજે પણ જો આંખ બંધ કરી શાંતીથી બેસશો તો જરૂર એ શબ્દો સંભળાશે.....
" હું આઝાદ છું અને આઝાદ જ રહીશ "