મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 32 Hardik Kaneriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 32

ઝાલા અને ડાભી, મંજુલા સહાય નામની મહિલા કૉન્સ્ટેબલને લઈ નેહાને મળવા ગયા. ડૉકટરે તેમને જણાવ્યું, “નેહા અહીં દાખલ થઈ ત્યારે તેને હેમરેજ થયું હતું. અમે તાત્કાલિક રીતે સર્જરી કરી નાખી, પણ તે કૉમામાં ચાલી ગઈ હતી. ગઈ કાલે જ તે કૉમામાંથી બહાર આવી છે. તેને ભાનમાં આવ્યાને અત્યારે અઢાર કલાકથી વધારે સમય વીતી ચૂક્યો છે, છતાં તે સંપૂર્ણ સ્વસ્થ થઈ નથી. કેટલાક કિસ્સામાં આવી સર્જરી પછી દર્દી ટૂંકા કે લાંબા ગાળાની જાગૃતી ગુમાવી દે છે, પૂછેલા પ્રશ્નોના ગમે તેવા જવાબ આપે છે, ભૂતકાળની કેટલીક વાતો ભૂલી જાય છે. કદાચ નેહા સાથે પણ આવું થાય. ઉપરાંત, તેને થાક વર્તાય છે અને તે થોડી થોડી વારે ઊંઘી જાય છે. માટે, તેને તાણ અનુભવાય તેવા પ્રશ્નો ન પૂછતાં.”

“પ્રયત્ન કરીશું.” ઝાલાએ ટૂંકો જવાબ આપ્યો.

****

નેહાને આઈસીયુમાંથી સ્પેશ્યલ રૂમમાં ખસેડવામાં આવી હતી, તેના માતા-પિતા રૂમમાં હાજર હતા.

“હેલ્લો મિસ નેહા, આપની તબિયત હવે કેમ છે ?” ઝાલાએ રૂમમાં પ્રવેશીને પૂછ્યું.

“સારું છે.” નેહાનો ચહેરો ચીમળાઈ ગયો હતો, દર્દી માટેના દૂધિયા કપડાંમાં તે દૂબળી લાગતી હતી. પલંગથી દૂર રહેલા ટેબલ પર પારદર્શક પ્લાસ્ટિક બૅગમાં દવાઓ, સિરિંજ અને નીડલ પડ્યા હતા. તેની બાજુમાં ગ્લુકોઝ અને દવાની નાની મોટી બૉટલો તેમજ મિલ્ટનનો થર્મોસ ગોઠવાયા હતા.

“વડોદરા પોલીસનો આભાર.” નેહાએ સાવ ધીમા અવાજે કહ્યું.

ઝાલા અને ડાભીએ એકબીજા સામે જોયું.

“મમ્મી કહેતા હતા કે તે દિવસે પોલીસ સમયસર ન પહોંચી હોત તો હું જીવતી ન બચી હોત.” નેહા તંદ્રાની અસર હેઠળ હોય તેવું લાગતું હતું.

“અમારે તમને પ્રશ્નો પૂછવા છે, પણ તમને ઠીક લાગતું હોય તો જ.” ઝાલાએ સૌજન્ય દાખવ્યું.

“એમ તો વાંધો નથી, પણ મને ઊંઘ આવે છે.” નેહાએ તેના પપ્પા સામે જોયું. તેઓ ઊભા થઈને નેહા પાસે આવ્યા અને તેના માથા પર હાથ ફેરવવા લાગ્યા.

“આપ પૂરતો આરામ કરી લો, અમે ફરી આવીશું.” મંજુલાને ત્યાં જ રહેવાની સૂચના આપી ઝાલા અને ડાભી બહાર નીકળ્યા.

નેહાએ જયારે કહ્યું કે તેને ઊંઘ આવે છે ત્યારે તેની આંખો ખરેખર ઘેરાતી હતી, પરંતુ તેણે આંખો મીંચી ત્યારે તેની આંખો સામે દ્રશ્યો તરવા લાગ્યા. થિયેટરના પડદાં પર ઝીલાતાં દ્રશ્યોની જેમ તેના નેત્રપટલ પર ઘટનાઓ ભજવાવા લાગી. હમણાં થોડા સમય પહેલા આવતી ઊંઘ ખો આપીને ચાલી ગઈ અને ભૂતકાળના ટુકડા બંધ આંખે દેખાવા લાગ્યા.

****

25 ઑક્ટોબર, 2017 (આરવીની લાશ મળી એ દિવસે)

નેહાનો મોબાઇલ રણક્યો, તેણે નામ જોયું અને રોમાંચ અનુભવ્યો. ફોન વિશેષે કર્યો હતો.

દેખાવને મિલકત ગણો તો નેહા નાદાર હતી, માટે તેને કોઈ બૉયફ્રેન્ડ ન હતો. આરવી પાછળ ફરતાં રહેતાં વિશેષને જોઈ તે વિચારતી કે મારી પાછળ પણ કોઈ ઘેલું હોય તો કેવું સારું. વિશેષના વર્તનને સતત નીરખતી રહેતી તે, તેના પ્રત્યે ખેંચાણ અનુભવવા લાગી હતી. કૉલેજમાં થયેલા વિશેષ અને આરવી વચ્ચેના હંગામા બાદ તેણે તેમની વચ્ચે મધ્યસ્થી કરાવવાનો પ્રયાસ કર્યો હતો. તેનાથી, તે વિશેષને વધુ સારી રીતે ઓળખતી થઈ હતી અને તેનું વિશેષ પ્રત્યેનું ખેંચાણ એકતરફી પ્રેમમાં પરિણમ્યું હતું. નેહા હવે વિચારવા લાગી હતી કે આરવી વિશેષને ભાવ ન આપે એ જ સારું છે. ધીમે ધીમે વિશેષને પણ અંદેશો આવી ગયો હતો કે નેહાને તેના માટે ‘વિશેષ’ લાગણી છે, પરંતુ તે તેની સાથે એક મિત્રની જેમ વર્તતો. તેના હ્રદયમાં નેહા માટે ખાસ સ્થાન ન હતું.

“સાલ મુબારક હેન્ડસમ, આજે મારી યાદ કેમ આવી ?” નેહા મસ્તીખોર અવાજમાં બોલી.

“મારે તારું કામ પડ્યું છે.” વિશેષના અવાજમાં ડર વર્તાયો.

“બોલ.”

“આરવી અહીં વડોદરા આવી છે. ગઈ કાલે રાત્રે સવા અગિયારે હું તેને મળવા ગયો હતો.”

“એટલો મોડો ?” નેહાને વિશેષ પર દાઝ ચડી પણ તે ચૂપ રહી. ક્યારે ચૂપ રહેવું, ક્યારે વળ ખાવો અને ક્યારે ઘા કરવો એનું તેને પૂર્ણત: જ્ઞાન હતું ; આખરે તે એક સ્ત્રી હતી.

“મને ખબર છે કે આરવી બાર-એક વાગ્યા સુધી જાગતી હોય છે એટલે હું જાણી જોઈને મોડો ગયો હતો. પછી, બલર બંગલોની બહાર પહોંચી મેં તેને ફોન કર્યો હતો. મારો જૂનો નંબર તેણે બ્લૉક કરી દીધો છે, એટલે ફોન ન લાગ્યો, પણ મેં બીજા સિમકાર્ડનો ઉપયોગ કર્યો. તેણે ફોન ઉઠાવ્યો એટલે મેં તેને બહાર આવવા વિનંતી કરી. તે દરવાજો ખોલીને બહાર આવી. મેં કહ્યું, “હું તને ખૂબ ચાહું છું, તું પ્લીઝ મને ઇગ્નોર ન કર...” પણ, તેણે કહ્યું, “હું ગિફ્ટ શોપમાં વેચાવા મૂકાયેલી વસ્તુ નથી કે જેને પસંદ પડું તેની થઈ જાઉં, તું મને પ્રેમ કરે છે તો શું થઈ ગયું ? હું કોઈ બીજાને પ્રેમ કરું છું. અને આમેય, આપણી વચ્ચે ક્યારેય કંઈ હતું જ નહીં. એટ લીસ્ટ, મારા તરફથી તો નહીં જ ! અને તારા જેવા કેટલાંય છોકરાં મને ચાહે છે તો શું હું એ બધાને ચાહવા માંડું ? કોઈ ખાનદાન છોકરીને આટલી મોડી રાત્રે મળવા ન જવાય એનું ય તને ભાન નથી ?” તેના ઍટિટ્યૂડથી મને ખૂબ ગુસ્સો આવ્યો. મારાથી બોલાઈ ગયું, “તું જેને પ્રેમ કરે છે એનો હું જીવ લઈ લઈશ.” આ સાંભળી તે વધુ છંછેડાઈ. મને કહે, “હવે, હું તને જેલના સળિયા ના ગણાવું તો કહેજે. આજ સુધી હું તને અવગણતી રહી એટલે તારી હિંમત આટલી વધી ગઈ છે. તેં કરેલા લવ મેસેજ અને કૉલ રેકૉર્ડિંગ્સ મેં હજુ સુધી સાચવી રાખ્યા છે. કાલે જ તારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરું છું કે નહીં ! છાપામાં રોમિયો તરીકે ફોટો છપાશે અને દુનિયા સામે ફજેતી થશે એટલે ભાન આવશે.” તેની ધમકીથી મને ડર લાગ્યો, છતાં “થાય તે કરી લેજે” કહીને હું નીકળી ગયો. લગભગ પાંચ જ મિનિટની એ મુલાકાત હતી. પણ, પછી મને ઊંઘ ન આવી. મને લાગ્યું કે આરવી ખરેખર પોલીસ કમ્પ્લેન કરશે તો ?”

“તું ચિંતા ન કર, આરવી ગુસ્સામાં આવું બોલી ગઈ હશે.” નેહાએ કહ્યું, મનોમન તે ખુશ થઈ હતી.

“તો ય તું તેને ફોન કરીને સમજાવજે કે આવું કંઈ ન કરે.” વિશેષે વિનંતી કરી.

“ઠીક છે. પણ, તારે એક પ્રૉમિસ આપવું પડશે.”

“શું ?”

“કે તું આરવીને ભૂલી જઈશ. જેને તારી કદર નથી એની પાછળ પડવા કરતા જે તને ચાહે છે એની કદર કરને !” નેહાએ ‘ઇન સ્વિંગર’ ફેંક્યો હતો, વિશેષ પાસે ‘ક્લીન બોલ્ડ’ થયા સિવાય કોઈ રસ્તો ન હતો. “પ્રૉમિસ.” તેણે કહ્યું.

થોડી વાર બંને છેડે ચુપકીદી છવાઈ. વિશેષ ફરી બોલ્યો, “નેહા, હું જાણું છું કે તું મને....” તે અટક્યો, નેહાની ધડકન તેજ થઈ. “તું મને...” વિશેષે દોહરાવ્યું, પરાકાષ્ઠાની અનુભૂતિ થતી હોય તેમ નેહાએ એકદમ ધ્રૂજારી અનુભવી. “આપણે રૂબરૂ મળીએ ત્યારે વાત.” વિશેષે ફોન કાપી નાખ્યો.

ત્યારે નેહા જાણતી ન હતી કે આરવી મરી ચૂકી છે. વળી, તે આરવીને ફોન કરે તે પહેલા જ ડાભીનો ફોન આવ્યો હતો, તેમણે તેને આરવીની મોત વિશે જણાવ્યું હતું. આશ્ચર્ય પામેલી નેહાએ આ સમાચાર વિશેષને આપવા તેને ફોન જોડ્યો હતો, પરંતુ વિશેષનો ફોન બંધ આવતો હતો. પછી, ડાભી અને ઝાલાએ નેહાની મુલાકાત લીધી ત્યારે, વિશેષ સાથેની વાતચીતનો ઉલ્લેખ કરવો કે નહીં એ બાબતે તે મૂંઝવણ અનુભવતી હતી. જોકે, વિશેષની બાતમી મળતા જ પોલીસવાળા ઉતાવળે ભાગ્યા હતા અને આખી વાત નેહાના પેટમાં ધરબાઈ રહી હતી.

એક તરફ નેહાને શંકા પડતી હતી કે આરવીની હત્યામાં વિશેષનો હાથ તો નથી ને, તો બીજી તરફ તેને લાગતું હતું કે વિશેષ નિર્દોષ છે. ઝાલા અને ડાભીના ગયા પછી પણ નેહા વિશેષને સતત ફોન કરતી રહી હતી, પરંતુ તેના કોઈ ખબર મળતા ન હતા. આખો દિવસ ઉચાટમાં વિતાવ્યા બાદ મોડી રાત સુધી તેને ઊંઘ આવી ન્હોતી. અર્ધજાગૃત અવસ્થામાં બેડ પર લંબાયેલી નેહાએ લેન્ડલાઇનની ઘંટડી સાંભળી ત્યારે રાતના બાર વાગ્યા હતા. તે આંખો ચોળીને ઊભી થઈ અને ફોન ઉઠાવ્યો. રિસીવર કાને અડાડતા જ તે ચોંકી, સામે છેડે વિશેષ હતો.

ક્રમશ :

(મર્ડરર’સ મર્ડર નોવેલમાં મુખ્ય ગુનેગાર કોણ હશે તે વિશે અનુમાન કરી આપ આ જ લેખકે લખેલું અને બહુ વખણાયેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક “કારસો” જીતી શકો છો. વાર્તાના પચાસ પ્રકરણ સુધીમાં આપ ધારણા કરીને જણાવી શકશો કે મુખ્ય વિલન કોણ છે. આપની તે ધારણાનો જવાબ નોવેલ પૂરી થતાં સુધી આપવામાં આવશે નહીં. વળી, એક વાચક પોતે જણાવેલા મુખ્ય વિલનનું નામ બદલશે અથવા એક કરતાં વધુ વિલનનું નામ લખશે તો તેને ક્વિઝ માટે ડિસ્ક્વૉલિફાઇ ગણવામાં આવશે. છેલ્લા બે પ્રકરણમાં મુખ્ય વિલન ખુલ્લો થશે ત્યારે ગુનેગારના સાચા નામ ધારનાર વાચકોના નામનો ડ્રો કરવામાં આવશે અને કોઈપણ ત્રણ વાચકને હાર્દિક કનેરિયાએ લખેલું તથા અમોલ પ્રકાશને પ્રકાશિત કરેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક ‘કારસો’ ભેટ આપવામાં આવશે. તો ધ્યાનથી વાંચતા રહો મર્ડરર’સ મર્ડર અને મુખ્ય વિલન વિશે ખાતરી હોય તો કમેન્ટમાં તેનું નામ લખી “કારસો” જીતવાનો પ્રયત્ન કરો.)