મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 30 Hardik Kaneriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 30

“તેં આરવીને મારી કેવી રીતે ?” ઝાલાએ વરુણને પૂછ્યું.

“મેં આરવીને મારી નથી.”

સટાક...

વરુણ સહેજ ફંગોળાયો, તેની ડાબી આંખ પાસે ઉઝરડો થયો. ઝાલાએ તેમનો લોખંડી હાથ ચલાવ્યો હતો, તેમની આંગળીમાં રહેલ સોનાની વીંટી વરુણને આંખ પાસે વાગી હતી.

“ઘડીમાં કહે છે કે ‘ઝેર આરવીની હત્યા કરવા ખરીદ્યું હતું’ અને ઘડીમાં કહે છે કે ‘મેં આરવીને મારી નથી.’” ઝાલાએ આંખો કાઢી.

“એ વાત સાચી છે કે હું ખૂબ ગુસ્સે ભરાયો હતો અને આરવીની હત્યા કરવા ઇચ્છતો હતો, ઝેર પણ મેં આરવીની હત્યા કરવા જ ખરીદ્યું હતું, પરંતુ મેં તેને મારી નથી.”

“તેં તેને મારી નથી તો બૉટલનું અડધું ઝેર ક્યાં ગયું ? અમને બેવકૂફ સમજે છે ?” ડાભીએ વરુણના સાથળ પર જોરદાર ચીટલો ભર્યો, વરુણ ચિત્કારી ઊઠ્યો.

“મેં એવું સાંભળ્યું હતું કે નેપોલિયનનું મોત ઝેરી તમાકુથી થયું હતું. એ સિવાય, સિગારેટમાં રહેલ તમાકુને બહાર કાઢી, તેમાં સાયનાઇડ ભેળવી, તેને ફરી સિગારેટમાં ભરી કૅરેક્ટર્સની હત્યા કરવાની વાત મેં કેટલીય અંગ્રેજી નોવેલમાં વાંચી હતી. હું જાણતો હતો કે આરવી સિગારેટ પીવે છે અને આરવીની હત્યા તે રીતે કરી શકાય તો હત્યારાને પકડવો અશક્ય બની જાય.” વરુણ અટક્યો.

“તો તેં આ હેતુથી આર્સેનિક પૉઇઝન ખરીદ્યું હતું !”

“હા. મેં સિગારેટનું તમાકુ કાઢી તેમાં આર્સેનિક પૉઇઝન ભેળવી ઝેરી તમાકુવાળી સિગારેટનું બોક્સ તૈયાર કર્યું હતું.”

“તેં આ શું કરી નાખ્યું ? જિંદગી એ નોવેલના રોમાંચક પાના કે લેખકની કલ્પના નથી.” લલિતે નિસાસો નાખ્યો.

“પણ, મેં કંઈ કર્યું જ નથી. બધું તૈયાર કરી લીધા પછી મને શંકા પડેલી કે ખરેખર તેવું શક્ય છે ? આથી, મેં તે વિશે ગૂગલ પર સર્ચ કર્યું હતું. ઘણી બધી સાઇટ્સ પર ચેક કર્યા પછી ય મને તે બાબતે પુષ્ટિ ન મળી એટલે મેં તે પદ્ધતિ અજમાવવાનું માંડી વાળ્યું હતું.”

“પછી બીજી રીત શોધવા ‘સેફ વે ટુ કિલ સમવન’ લખીને સર્ચ કર્યું !” ડાભીએ જોરથી કહ્યું.

“હા. પરંતુ ઘણું સર્ચ કર્યા પછી ય મને કોઈ સલામત પદ્ધતિ ન મળી, હું હતાશ થયો. આરવીની હત્યા કરવાની યોજના મેં ત્યાર પૂરતી મુલતવી રાખી. તૈયાર કરેલું ઝેરી સિગારેટનું બોક્સ હું હાઇવે પરની કચરાપેટીમાં ફેંકી આવ્યો. પણ, અડધી વપરાયેલી ઝેરની બૉટલ મેં ફેંકી નહીં, મને એમ કે તે ક્યાંક કામ આવશે.”

“તો તું એમ નહીં કબૂલે. તું જાણતો નથી કે અમે અહીંના રિંગ-માસ્ટર છીએ, ભલભલા જાનવરોને કૂણાં પાડતા અમને આવડે છે. આને ખાખીનો પાવર બતાવો.” ઝાલાએ કૉન્સ્ટેબલને ઇશારો કર્યો અને પોતે લલિતને લઈ બીજા રૂમમાં જવા લાગ્યા.

“સાહેબ, હું નિર્દોષ છું. મારે બધું છુપાવવું જ હોત તો હું આટલી કબૂલાત પણ શા માટે કરત ? મને જવા દો... પ્લીઝ, મને જવા દો...” વરુણની ચીસો ગુંજતી રહી.

“બધા પુરાવા તારી વિરુદ્ધમાં છે, સાક્ષાત ભગવાન ય તને બચાવી શકે એમ નથી.” અન્ય રૂમમાં જઈને ઝાલાએ લલિતને કહ્યું. તેમણે તેના આરવી સાથેના અનૈતિક સંબંધનો રામુનો એકરાર, આરવીએ રાજકોટની ગાયનેક હોસ્પિટલમાં કરાવેલો ગર્ભપાત, લલિતનું તે હોસ્પિટલના ડૉક્ટર સાથેનું કનેક્શન, આરવીના મૃતદેહમાં સક્સામિથોનિયમનું મળવું અને એ જ દવા તેના બેડરૂમમાંથી મળી છે એ બધી વાતની સ્પષ્ટતા કરી. “રીઢા ગુનેગારો સાથે પનારો પાડતા કૉન્સ્ટેબલને સુંવાળા ડૉક્ટરની ચામડી ચીરતા વાર નહીં લાગે. અને ચામડી ચીરાય પછી કબૂલવું એના કરતા પહેલા જ કબૂલી લેવું સારું.” ઝાલાએ સાનમાં ધમકી આપી.

લલિતનો ચહેરો પીળો પડી ગયો. બંને હાથની આંગળીઓ કપાળના બંને છેડે દબાવી તે ઢીલા અવાજે બોલ્યો, “તમે બધું જાણી જ ગયા છો તો હવે વાત છુપાવવાનો કોઈ અર્થ નથી. પણ, રામુકાકાએ જે જોયું તે મારા અને આરવી વચ્ચે બંધાયેલો પહેલો અને છેલ્લો સંબંધ હતો.

રામુકાકાને ચા બનાવવાનું કહી ઉપર જતી વખતે મને ખબર ન્હોતી કે આરવી ઘરમાં છે. મને લાગ્યું હતું કે ઘરમાં બીજું કોઈ જ નથી. તે દિવસે મારા શર્ટના ખિસ્સામાં શાહીનો ડાઘ પડ્યો હતો, ખિસ્સામાં રાખેલી પેનનો પૉઇન્ટ તૂટી ગયો હતો. મારા બેડરૂમમાં દાખલ થઈ મેં શર્ટ બદલવા ખમીસ ઉતાર્યું અને આરવીએ ત્યારે જ દરવાજાને ધક્કો માર્યો, મેં તે લૉક કર્યો ન્હોતો.

આરવીને પણ એવું લાગ્યું હતું કે ઘરમાં કોઈ નથી. કોણ ક્યાં જવાનું છે એ વિશે સવારે જ ચર્ચા થઈ ગઈ હતી. મૂવી જોઈને આવેલી આરવી ગરમીથી કંટાળીને નાહી હતી અને તેણે પોતાના શરીર પર ખાલી ટુવાલ વીંટાળ્યો હતો. અન્ય બહેનોની જેમ આરવી અને અભિલાષા એકબીજાના કપડાં પહેરતી હતી અને તે દિવસે આરવી અભિલાષાના કપડાં લેવા આવી હતી. પણ, મને રૂમમાં હાજર જોઈ તે ચોંકી. તેણે કહ્યું, “મને એમ કે ઘરે કોઈ નથી, મારે દીદીના કબાટમાંથી ડ્રેસ લેવો હતો.”

એ બે પળમાં મારી નજર તેના અડધા ઉઘાડા દેહ પર ફરી વળી. તેના ભીના લાંબા વાળ સુંવાળા માંસલ બદન સાથે ચીપકી ગયા હતા. તેની ગરદન અને ગરદનની નીચેના ભાગમાં પાણીના બુંદ જામ્યા હતા. તેણે ડીલ લૂછ્યું હતું છતાં શરીરનો કેટલોક ભાગ ભીનો દેખાતો હતો અને એ ભીની ત્વચા ચમકી રહી હતી. શરીરને તંગ રીતે વીંટાળેલો સફેદ ટુવાલ જાંઘના ઉપરી ભાગ સુધી જ પહોંચતો હતો અને ખુલ્લી દેખાતી જાંઘ તથા પગ અદ્ભુત દેખાતા હતા. ટુવાલનું દબાણ આવવાથી ઉન્નત બનેલા સ્તનયુગ્મ ટુવાલની બહાર ડોકિયું કરવા મથતા હતા અને સ્તનયુગ્મની દર્રા વધુ ઊંડી દેખાતી હતી. તે હજી નાહી જ હતી તેથી તેણે કોઈ શણગાર સજ્યો ન હતો, છતા તેની આંખો જાદુ પાથરતી હતી. તેના આછા ગુલાબી હોઠ તસતસતું ચુંબન કરવા આહ્વાન કરતા હોય એવું લાગતું હતું.

મેં પણ મારું જૂનું ખમીસ ઉતારેલું હતું અને નવો શર્ટ પહેર્યો ન્હોતો. જેમ હું તેને નીરખી રહ્યો હતો તેમ તે મારા કસાયેલા શરીરને જોઈ રહી હતી. મારા સ્નાયુબદ્ધ હાથ અને પહોળી છાતી પર નજર કરીને તે બોલી, “સારું, હું મારો જ ડ્રેસ પહેરી લઉં છું.” એમ કહી તે ગાલ તથા હોઠ સુધી પહોંચેલી વાળની લટને માથા પર લઈ ગઈ. આમ કરવામાં તેના હાથ ઉપર ખેંચાયા અને તેની કાખ ખુલ્લી થઈ, મેં ઉત્તેજનાની ઝણઝણાટી અનુભવી. તે જવા માટે પાછી ફરી પણ મને લાગ્યું કે હું તેને જોયા જ કરું. સાચું કહું તો હું ભાન ભૂલ્યો હતો. મેં કહ્યું, “ડ્રેસ લેવા આવી છો તો લઈ લે ને, હું ક્યાં તને ખાઈ જવાનો છું.” તે અટકી. પાછા ફરી પોતાના બંને હાથ કમર પર મૂકી તેણે લટકો કર્યો, “અને કદાચ ખાવા આવો તો ?”

પછી, તે મારા રૂમમાં પ્રવેશી. તે કબાટ પાસે ગઈ અને વૉર્ડરોબ ખોલ્યો. મારું ધ્યાન તેની ખુલ્લી સુંદર પીઠ પર ગયું, લાંબા વાળના છેડે લટકતા પાણીના બુંદ તેના ખુલ્લા વાંસાને ચૂમી ભરતા દદડી રહ્યા હતા. હું સ્તબ્ધ બની તેની સુંદરતાને નિહાળી રહ્યો હતો કે તેણે અચાનક ચીસ પાડી, ‘ગરોળી’ કહી તે એકદમ પાછળ કૂદી.

હું ભૂલી ગયો હતો કે બપોરે ઇમરજ્ન્સીમાં ભાગવાનું થયું ત્યારે ફરસ પર પડેલી નિખિલની રમકડાંની ગરોળી મેં જ કબાટમાં મૂકી હતી. આરવી તે રમકડાંની ગરોળીને સાચી માનીને ચોંકી હતી.

હવે, તે ‘ગરોળી’ કહીને પાછી હટી ત્યારે તેના પગ પાછળ પલંગ સાથે ટકરાયા અને તેણે બૅલેન્સ ગુમાવ્યું. હું તેની પાસે જ ઊભો હતો, બૅલેન્સ ગુમાવેલી આરવીને સમાલવા મેં તેને પકડી. અચાનક થયેલી હડબડીમાં તેનો ટુવાલ ખૂલી ગયો અને અડધું ઢંકાયેલું શરીર સાવ અનાવરણ થઈ ગયું.

મેં તેને પકડી હતી, તેના ભીના દેહ અને વાળમાંથી સાબુની આહ્લાદક ખુશબૂ આવતી હતી. બીજી જ પળે મેં સારાસારનો વિવેક ગુમાવ્યો અને તેની લીસી સુંવાળી ગરદન પર હોઠ ચાંપી દીધા, તેણે કોઈ વિરોધ ન કર્યો. પછી તો એ જ થયું જે નહોતું થવું જોઈતું.

તમને એવું લાગતું હશે કે હું આ બધું વર્ણન શા માટે કરી રહ્યો છું, પણ હું જણાવવા માંગું છું કે તે દિવસે સંજોગો જ એવા સર્જાયેલા કે મારી જગ્યાએ કોઈ અન્ય પુરુષ હોત તો તે ય ત્યાં લપસી પડત. આ તો રામુકાકા આવ્યા ત્યારે હું ફરી ભાનમાં આવ્યો અને મને મારી ભૂલનો અહેસાસ થયો. જે કંઈ પણ થયું તે અમે જાણી જોઈને ન્હોતું કર્યું, આવેગની અસર હેઠળ થઈ ગયું હતું. આજે પણ મને મારા કર્યાનો પસ્તાવો છે ; એટલા માટે નહીં કે રામુકાકા તે જોઈ ગયા હતા, પણ એટલા માટે કે અમારી વચ્ચે જે થયું તે નિંદનીય હતું ; મેં અભિલાષાનો વિશ્વાસ તોડ્યો હતો.”

ક્રમશ :

(મર્ડરર’સ મર્ડર નોવેલમાં મુખ્ય ગુનેગાર કોણ હશે તે વિશે અનુમાન કરી આપ આ જ લેખકે લખેલું અને બહુ વખણાયેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક “કારસો” જીતી શકો છો. વાર્તાના પચાસ પ્રકરણ સુધીમાં આપ ધારણા કરીને જણાવી શકશો કે મુખ્ય વિલન કોણ છે. આપની તે ધારણાનો જવાબ નોવેલ પૂરી થતાં સુધી આપવામાં આવશે નહીં. વળી, એક વાચક પોતે જણાવેલા મુખ્ય વિલનનું નામ બદલશે અથવા એક કરતાં વધુ વિલનનું નામ લખશે તો તેને ક્વિઝ માટે ડિસ્ક્વૉલિફાઇ ગણવામાં આવશે. છેલ્લા બે પ્રકરણમાં મુખ્ય વિલન ખુલ્લો થશે ત્યારે ગુનેગારના સાચા નામ ધારનાર વાચકોના નામનો ડ્રો કરવામાં આવશે અને કોઈપણ ત્રણ વાચકને હાર્દિક કનેરિયાએ લખેલું તથા અમોલ પ્રકાશને પ્રકાશિત કરેલું સસ્પેન્સ થ્રિલર પુસ્તક ‘કારસો’ ભેટ આપવામાં આવશે. તો ધ્યાનથી વાંચતા રહો મર્ડરર’સ મર્ડર અને મુખ્ય વિલન વિશે ખાતરી હોય તો કમેન્ટમાં તેનું નામ લખી “કારસો” જીતવાનો પ્રયત્ન કરો.)