Featured Books
શ્રેણી
શેયર કરો

કઈક ખૂટે છે!!! - (૧૦) સ્થિત પ્રજ્ઞ

(10)

સ્થિતપ્રજ્ઞ

“ગીતા માં સ્થિતપ્રજ્ઞ પુરુષ નું ખૂબ સુંદર વર્ણન છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિ માં પણ આવેગ ને નાથવો. આવેશ માં લીધેલા નિર્ણય હંમેશાં થોડો ઘણો પસ્તાવો લાવેછે. અને ક્યારેય જીવમાત્ર ને હાનિ પહોચે તેવા પગલા થી તો દૂર જ રહેવું ...... આત્મહત્યા તો કાયર નું કામ છે......”

તાળીઓ નો વરસાદ ... અને પ્રોફેસર રમણ દવે ના વ્યાખ્યાન બાદ તેમની સાથે ફોટોગ્રાફ લેવા પડાપડી

“જેમ મહાભારત માં શ્રીકૃષ્ણ નો સખા શિષ્ય તેમની શિક્ષા –સલાહ થી પક્વ હોઈ અન્ય યોદ્ધાથી જુદો તરી આવેછે તેમ શિક્ષિત વ્યક્તિ અન્ય અક્ષિક્ષિત – અલ્પ શિક્ષિત લોકો કરતાં સ્વાભાવિક રીતે અલગ તરી આવે. માનસિક સામર્થ્ય – મક્કમ મનોબળ અને પવિત્ર પારદર્શી પણ સાબુત દિલ તેનાં અનિવાર્ય અંગ છે અને જો નહી,તો તેના શિક્ષણ માં, તેના ઘડતર માં કઈક ખૂટે છે. ”

તાળીઓ નો વરસાદ ...વ્યાખ્યાન સમાપ્તિ સાથે રમણ દવે ના ઓટોગ્રાફ માટે પડાપડી.

સમય સ્થળ બદલાતાં રહેતાં પણ અંગ્રેજી વિષય ના પ્રોફેસર ના વાણી પ્રવાહ ને મળતો પ્રતિસાદ એવો ને એવો જ રહેતો.

અંગ્રેજી સિવાય પ્રોફેસર ને માતૃભાષા પર પણ પકડ સારી. અને સ્વાધ્યાય પરિવાર માં જોડાયેલા એટલે ધાર્મિક પ્રવચન ને કોઇપણ વિષય સાથે વણી લેવાની ટેવ પડી ગયેલી. ઘણા કાર્યક્રમ માં તેમનાં વ્યાખ્યાન ગોઠવતાં અને તેને લીધે જ કાર્યક્રમ માં લોકો ની ભીડ જામતી.પત્ની રંભા ખરેખર સુંદર અને આનંદી સ્વભાવની. ‘શયનેશું રંભા’ ઉક્તિ સાકાર કરતી હોય તેવી પત્ની સાથે લાવણ્યમય સંસાર માણવામાં દવે સાહેબ ને ઝાઝો રસ નહી રહેલો. લગ્નજીવનની શરૂઆત નાં પાંચેક વર્ષ સક્ષાત કામ-રતિ નું જોડું લાગે તેવી રીતે હરતા-ફરતા આ યુગલ ને કોઈ ની નજર લાગી કે પછી નસીબ પર ટોપલો ઢોળવો ખબર નહી. પણ સંતાન ઝંખના ની તીવ્રતા ની સીમાએ પ્રોફેસર ની મનોવૃત્તિ વૈરાગશતક માં અટવાઈ –ગૂંચાઈ ત્યાં એ ધર્મ-આધ્યાત્મ ના શરણે ગયા.

મૂળ ચરોતર ના એક નાના ગામ ના ખેડૂત પુત્ર પ્રોફેસર દવે વર્ષોથી કોલેજ માં નોકરી ને લીધે અમદાવાદ રહેતા. વર્ષો ના શહેરી જીવન થી ટેવાયેલ પ્રોફેસર ને ગામડા ની જીવન શૈલી ખાસ પસંદ નહી. પણ સગાં-સંબંધી, જુના મિત્રો,પડોશીઓ વગેરે સાથે તેમને ઘરોબો સારો.બન્ને વેકેશન માં અચુક થોડા દિવસ તે વતન માં જઈ રહેતા. અલબત્ત રંભા નો ગામડે આવવા અણગમો રહેતો. શરૂઆત માં થોડી આનાકાની બાદ રંભાએ રમણ ને એકલા જવાની સલાહ આપેલી. અને રમણે એ સલાહ અપનાવી દીધેલી. અલબત્ત દિવાળી અને કોઈ નજીક ના સગાં-સંબંધી ને ત્યાં લગ્ન-અવસર હોય તો રંભા અવશ્ય આવતી.

એકવાર ગામ માં શિયાળા ના સમયે રમણ દવે રોકાયેલા.કોલેજ માં વધેલી રજા ભોગવી લેવાય ને બધાને મળાય એવું વિચારી શિવરાત્રી ના ટાણે પ્રોફેસરે ગામ માં ચાર દિવસ રોકાવાય એવી ગોઠવણ કરી. રંભા અલબત્ત ન આવી, તેને ગામ માં ખુલ્લાં ખેતર ને ઝાડ-પાન થી શહેર ના પ્રમાણ માં વધુ ઠંડી સહન ના થતી. રોજ રાત્રે જમ્યા બાદ મિત્રો ની બેઠક ગામની ભાગોળે જામતી. પ્રોફેસર પ્રસંગોપાત દરેક ને સલાહ-માર્ગદર્શન આપી દેતા. અને મિત્રો અહોભાવથી તેનો સ્વીકાર કરતા. અને... એક દિવસ ....રાતે ભાગોળ પર ચોતરા પાસે ભેગા મળેલા મિત્રો સમક્ષ રમણ નો જુનો દોસ્તાર જય રડી પડ્યો. જય ની પત્ની ચારિત્રહીન થઇ ગયેલી. જય બે બાળકો ને લીધે છુટા છેડા નો નિર્ણય નહતો લઇ શકતો. કે નહતો પત્ની ની બેવફાઈ સહન કરી શકતો. તેણે પ્રોફેસર દવે સમક્ષ બળાપો કાઢ્યો. જય એ હદે ગુસ્સા માં હતો કે પત્ની નું ખુન કરી નાંખે પ્રોફેસરે તેને શાંત પાડ્યો. કોઈ આવેગભર્યું પગલું ન ભરવા સમજાવ્યો. બીજા દિવસે શિવરાત્રી ની ભાંગ પીધા પછી જયને આત્મહત્યા ની વાત કરતો સાંભળી પ્રોફેસર ખળભળી ઉઠ્યા. બે દિવસ બાદ ચોતરે તાપણી કરતાં કરતાં તેમણે નાનકડું ભાષણ કરી નાખ્યું. એજ ગીતા ના સ્થિતપ્રજ્ઞ ની વાતો. જય તો ચુપ હતો પણ થોડા દિવસ પહેલાં મુંબઈ થી સહ કુટુંબ પરત ફરેલ અને સમગ્ર વાત જાણતો ગુણીયો – ગુણવંત બોલી ઉઠ્યો. ..ગુણવંત ચાર વર્ષ પહેલાં મુંબઈ સ્થિર થયેલો. બે પુત્રો ના ભણતર અને સારી નોકરી ની તક એમ બન્ને કારણે એણે ગામ છોડેલું. પણ અચાનક નોકરી માં કઈ તકલીફ થઇ એટલે સામાન લઈ ગામભેગો થઇ ગયેલો. તેણે કહ્યું,”આમ બૈરાની જેમ રડવા ના બેસાય અને તું મરી જાય તો તારી દીકરીઓ નું શું? ને એને મારીને જેલભેગો થઉંતો? અને માન..કે... સજામાંથી બચું, તોય વગોવાઈને મરેલી માં ની દીકરીઓને કોણ પરણે? અને પરણીનેય મહેણાં તો ઉભાજ... કોઈનેય ખબર નથી. આજ કહું છું.......મારી જૈમિની પણ હાથમાં નહતી. તપાસ કરતાં ખબર પડીકે વાત આગળ વધી જશે ને મઝા નહી આવે. સમજાવવાનો કોઈ ફાયદો નહતો. અને ત્યાં ને ત્યાં રહું તો આજે એકને છોડે તો કાલે બીજો ... જે બાઇ એકવાર મર્યાદા ચુકી એનો હું ભરોસો? બહુ વિચાર્યું. મારે રોટલા ઘડનારી તો મળે પણ મારા દીકરાનું શું? આપણને આ દવે જેવું ભાષણ ના આવડે અહી તો વિચારી કાઢેલું કે સીધું પગલું જ ભરવું છે. મોટા ભાઈ ને વિશ્વાસ માં લીધા. દિવાળી પર ગામ આવ્યો ત્યારે એક દિવસ ભાભી એકલાં છે એમ કહી જૈમિની ને મોટાભાઈ ને ઘેર સુઈ રહેવા કહ્યું. એ માની ગઈ. રાતોરાત મુંબઈ જઈ ઘરનો બધો સામાન ભરી લાવ્યો. ઘર પણ માલિક ને પાછું સોપી દીધું. એને ભાડુ અગાઉથી આપીને આયેલો. બીજે દહાડે સવારે જૈમિની એ જાણ્યું કે હવે મુંબઈ ભૂલી જવાનું. મારી નોકરી માં કોઈ ગરબડ નહતી. પણ મેં જ બધાને ખોટું કહેલું. ઘરની વાતો ઉછાળી ને શું મળવાનું? આ તો તમે બધા ભાઈબંદો છો ને અ જયલો મરવા પર આઈ ગયો એટલે વળી કહ્યું. જય ની આંખો માં સુક્ષ્મ પરિવર્તન નો ભાવ દેખાયો. બધાને આ ઓછું ભણેલા ગુણીયા પ્રત્યે માન થઇ આવ્યું. ફક્ત પ્રોફેસર દવેએ તેને મુંબઈ છોડવાનો નિર્ણય ખોટો કહ્યો. યુદ્ધ છોડી ને ભાગવા જેવી કાયરતા ગણાવી. મુંબઈ માં જ રહી પત્ની ને કેમ સુધારી ન શકાય તેવો પ્રશ્ન કર્યો. મોટાભાગ ના મિત્રો ચુપ રહ્યા. કોઈએ વિરોધ ના કર્યો. આમેય પ્રોફેસર સામે કોઈ રકઝક ન કરતું.

બીજે દિવસે સવારે પ્રોફેસર પર કૉલેજ ના આચાર્ય નો ફોન આવ્યો. અચાનક કઈક કામ આવી જતાં શક્ય હોય તો આવી જવા જણાવ્યું. અને નિયત દિવસ કરતાં બે દિવસ વહેલા પ્રોફેસર અમદાવાદ પાછા ફર્યા. પત્ની ને ફોન થી જણાવ્યું નહી. આજે વળી વૈરાગ શતક ને બદલે શૃંગાર શતક યાદ કરી પ્રોફેસર પત્ની ને સરપ્રાઈઝ આપવા ના વિચાર થી વહેલી સવારે ઘરે પહોચ્યા. પત્ની હજી સૂતેલી હતી. બેડરૂમ ની લાઈટ જોઈ પ્રોફેસર સમજી ગયા. પોતાની પાસે રહેલી બીજી ચાવી થી ઘર ધીમે થી ખોલી પ્રોફેસર રમણ દવે શયન ખંડ તરફ ધસ્યા ને પોતાના ઘરમાં –પોતાના બેડ પર પોતાની પત્ની સાથે અન્ય પુરુષ સૂતેલો જોઈ થીજી ગયા. રંભા .... ત્રાડ પડી. અને પ્રોફેસર ની આવી ક્યારેય ન સાંભળેલી ત્રાડ થી પેલો અન્ય પણ પરિચિત ચહેરો તો ઝડપથી ઘર બહાર સરકી ગયો. રંભા એ માન્યા માં ન આવે એ રીતે રમણ દવે ને ઝાટકી નાંખ્યા અને પોતાની બેવફાઈ પાછળ પ્રોફેસરને જવાબદાર ગણાવ્યા. વૈરાગ શતક માં અટવાઈ ગયલા રમણ દવે કઈ સમજે-વિચારે એ પહેલાં તો રંભા એ કબૂલી દીધું કે જયારે જયારે તે ગામડે જાય ત્યારે આ રીતે તેમના ઘર માં રાસ રચાતો. અને કોઈ પણ પ્રકાર ના સંકોચ વગર કહી દીધું કે પોતે ક્યારેય આ સંબંધ છોડશે નહી. રંભા તો નાહી-ધોઈ ને તૈયાર થઇ શાક લેવા નીકળી ગઈ. ને ઘર માં જડવત ઉભેલ રમણ દવે નું મ્હો સહેજ વાંકું થયું, હોઠ બીડાયા....... ને ધબાક..... અવાજ સાંભળી પડોશી દોડી આવ્યા ત્યારે ફાટી આંખે સામેની દિવાલ તરફ નજર રહે તેમ પ્રોફેસર દવે નો નિશ્ચેતન દેહ ઢળી પડ્યો હતો. સામે ની દિવાલ પર કુરુક્ષેત્ર માં શ્વેત અશ્વ વાળા રથ પર વ્યથિત અર્જુન અને ઉપદેશ આપતા સારથી પૂર્ણ પુરષોત્તમ શ્રી કૃષ્ણ નું ચિત્ર હજી લટકતું હતું.