(૦૨)
માસ્તર
જ્ઞાન શંકર દેવશંકર પંડ્યા વ્યવસાયે શિક્ષક આમ તો મૂળ વિષય હિન્દી પણ સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી વિષય માં પારંગત. ફરવાનો, નવું નવું જોવા-જાણવાનો તેમને ખુબ શોખ. આખા દેશ નાં જોવા જેવાં મોટા ભાગ નાં સ્થળો તેમણે જોઈ કાઢેલાં. સાથે જુની પેઢી નાં શિક્ષકો માટે સહજ એવો વાંચન શોખ પણ ખરો. દેશ દુનિયા માં બનતી સારી-નરસી ઘટનાઓ વિષે તે તેમનાં સાત ચોપડી નાપાસ પત્ની ને પણ વંચાવે. સંકુચિત જ્ઞાતિવાદ ના તે વિરોધી પણ સાથે સાથે પ્રખર ભારતીય સંસ્કાર ના હિમાયતી પણ ખરા. શરીર ખુબ મજબુત અને એટલુંજ મજબુત મન. યુવાની માં અખાડા માં કસરત કરી શરીર ક્સેલું. અને સંસાર સાગર ની બધી ઉપાધીઓ સામે ઝીક ઝીલેલી તોય હસતા ચહેરે. પ્રસન્ન વદન અને નમ્ર વર્તન જાણે એમની ઓળખ. કોઈને ઠપકો આપે તોય એવી રીતે કે સમા માણસ ને ખોટુ ન લાગે અને એ એનું વર્તન પણ બદલે. ટુક માં ભાગ્યેજ જોવા મળતો પણ બધા ઝંખે એવો પંડ્યા સાહેબ નો સ્વભાવ.
શાળા માં થી નિવૃત્ત થયા પછી ઘર નાં-બજારનાં ઘણાં કામ કરતાં રહેતા પંડ્યા સાહેબ નો જીવન મંત્ર "કટાઈ જવું એના કરતાં ઘસાઈ જવું." બધાં સંતાનો ને પરણાવી પરવારેલા પંડ્યા સાહેબ સવારે ટ્યુશન,બપોરે આરામ અને સાંજે ચાલવા જવા ના નિયમ ને માણતા. યુવાનો ને શરમાવે એવી સ્ફૂર્તિથી જીવન માણતા પંડ્યા સાહેબ. અને આટલા ગુણો છતાં ક્યાંય ઘમંડ નુ અસ્તિત્વ નહી. તેમણે પોતાનાં સંતાનો કરતાંય પૌત્ર -પૌત્રી ને ભણાવવા-સંસ્કાર આપવા માં સવાયું ધ્યાન રાખેલું. ધાર્મિક, આધ્યાત્મિક પણ ધર્માંધતા થી દૂર એવા જ્ઞાન શંકર સમાજ ના અમુક આચાર-વિચારો ને વખોડતા. હિંદુ ધર્મ માં માણસ ના મૃત્યુ બાદ બારમા-તેરમા માં થતાં લાડુ ના જમણ ને તે કુરિવાજ ગણતા. હિંદુ ધર્મ ના દરેક રિવાજ પાછળ કઈક વૈજ્ઞાનિક કારણ છે તે સમજતા જ્ઞાન શંકર પ્રેમચંદ ના ઉપન્યાસ માં રહેલી સામાન્ય માણસ ની ગરીબી નામની મજબુરી સમઝતા અને તેથી સામાન્ય માણસે પરાણે કરવા પડતા ગોદાન (ગૌ દાન) કે અન્ય કોઈ પણ દાન અને ખાસ તો મરણ જેવા પ્રસંગે માણસે ખેચાઈ ને કરવા પડતા જમણ ના તે સખ્ત વિરોધી હતા.
એકવાર તેમના કુટુંબ ને પાડોશી સાથે કઈ અણબનાવ થયો. વાત વધી ગઈ. વાંક પંડ્યા પરિવાર નો નહતો. પેલુ કુટુંબ જરા માથા ભારે. તેમણે પંડ્યા સાહેબ ના દીકરાઓ ને ગામના ચોરે આવવા લલકાર્યા. બન્ને દીકરા સજ્જન હોવા છતાં પડકાર સાંભળી જાય નહી તેવા કાયર ન હતા. પંડ્યા સાહેબે શીખવેલું કે આપણી સજ્જનતા ને કોઈ આપણી મજબુરી ન ગણવું જોઈએ. બીજે દિવસે પંડ્યા સાહેબ તો નિશાળ ગયા. પણ જીવ તેમનો ઘરે. કદાચ દીકરાઓ પેલા કુટુંબ ના માથા ભારે માણસો સામે ન ટકે તો? કદાચ એ લોકો એ બીજા તેમના જેવા ને ચોરે બોલાવી રાખ્યા હોય તો? અને મન ન લાગતાં તે શાળા માં રજા મૂકી ને સીધા બજાર માં – ચોરે પહોચ્યા. દૂર થી જ તેમને ધ્રાસકો પડ્યો જયારે ખ્યાલ આવી ગયો કે તેમણે ધાર્યા પ્રમાણે આઠ-દસ જણ અને તે પણ ગુંડા કહી શકાય તેટલી હદે માથાભારે લોકો પેલા કુટુંબ ની તરફેણ માં મારાં-મારી કરવા ના ઈરાદા થી હાજર છે. .......... અને પંડ્યા સાહેબ પેલા કુટુંબ ના છોકરાઓ પર ધસ્યા. ..........................જુવાની માં અખાડીયન રહી ચુકેલા પંડ્યા સાહેબ માટે મારા -મારી માં પડવું છેલ્લો ઉપાય હતો પણ અહી પાડોશી કુટુંબ ની દુર્જનતા પંડ્યા કુટુંબ ની સજ્જનતા પર ભારે પડી હતી અને છેલ્લો ઉપાય હવે અનિવાર્ય હતો. પણ .... આ શું........ આખા ગામ અને કદાચ આજુ બાજુ નાં ગામ માં પણ નામચીન એવા ગુંડાઓ પંડ્યા સાહેબ ને જોઈ ઝઘડામાં થી ખસી ગયા. તેમને ખબર જ ન હતી કે તેઓ જેની તરફેણ માં ચોરે આવી ચડયા એ લોકો નો ઝઘડો પંડ્યા પરિવાર સામે હતો. પંડ્યા સાહેબ ના આગમન સાથે પેલા ગુંડાઓ તો ખસી જ ગયા. પણ હવે પંડ્યા સાહેબ ની અંદર એક કેસરી ભડક્યો હતો. સાથે એમનાં દીકરાઓ પણ એટલીજ તાકાત થી ઝઝૂમી રહ્યા.
પ્રૌઢ કહી શકાય તે ઉંમર ના સાહેબ જુવાની માં કેટલી તાકાત વાળા હશે તે તો તમાશો જોનાર ટોળાએ નક્કી કરવાનું રહ્યું. જુવાની માં એક હાથ ની હથેળીની ધાર નો ઘા કરી છોલેલા નાળીયેર ને તોડી શકનાર સુષુપ્ત અખાડીયન અત્યારે પંડ્યા સાહેબ ના દેહ માં સળવળી ઉઠ્યો. સાહિત્ય ચર્ચા દરમ્યાન વર્ગ માં દિપી ઊઠતું તેમનું સાલસ વ્યક્તિત્વ આજના તેમના રૌદ્ર સ્વરૂપ સાથે ક્યાંય મેળ ખાતું ન હતું. શિવ ના શાંત અનિકેત અને રુદ્ર સ્વરૂપ માં કઈક આવો જ ભેદ હશે. પાડોશી છોકરાઓ તો જીવ લઈ ને ભાગ્યા. અને ભાગતાં ભાગતાં ય પોતાની પંડ્યા પરિવાર ને બજાર માં લડવા આવવા પડકારવાની મૂર્ખામી પર પસ્તાયા
. પંડ્યા સાહેબ દીકરાઓ ને લઈ ને ઘરે પાછા ફર્યા ત્યારે જાણ્યું કે પાડોશી સાથે ઝપાઝપી માં પડી ગયેલાં તેમનાં ચશ્માં,પેન અને પર્સ તેમનાં આવતા પહેલાં ત્રણ જુદા જુદા છોકરાઓ (ગુંડાઓ) ઘરે આપી ગયા હતા અને સાથે સાથે પંડ્યા પરિવાર સામે ઝઘડા માં અજાણપણે આવી ચઢવા બદલ માફી પણ માગતા ગયા હતા. ગુંડા – દુર્જન પણ જેને માન આપે, જેનો મલાજો પાળે તેવા માસ્તર કેટલા મળે? અને આજે ક્યાં મળે? પેલા પડોશી કુટુંબ નુ શું થયું? સિંહ ની ઝપટ માં એકવાર આવ્યા પછી મારણ બચે તોય કેવી રીતે જીવે? કલ્પી લો. હા...જેમ એકવાર સિંહ ના ન્હોર ની તાકાત જોઈ હોય અને એ સિંહ થી દૂર રહે એમજ એ પરિવાર હવે ક્યારેય આ સજ્જન પરિવાર સાથે ઝઘડવા કે એમને હેરાન કરવાની ભૂલ ન જ કરે.
વર્ષો ની અદાવત બાદ પાડોશી કુટુંબ સાથે કોઈ સારા પ્રસંગે સંબંધ સુધરી પણ ગયો. ૭૨ વર્ષ ની વયે જયારે પંડ્યા સાહેબ મૃત્યુ પામ્યા ત્યારે એજ પાડોશી છોકરાઓ જે પંડ્યા સાહેબ ના હાથે વર્ષો પહેલાં ના ઝઘડા માં સારા એવા ધોવાઈ ગયેલા તે ચારેય છોકરાઓ તેમની સ્મશાન યાત્રા માં હતા અને તે પણ આંખ માં આંસુ સાથે. આખરે તેઓ પણ સાહેબ ના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા. તેમના ‘તેરમા’ ના જમણ દરમ્યાન તેઓ પંડ્યા સાહેબ ના અખાડાની , તેમણે યોજેલી સ્કુલ ટુર ની અને ખાસ તો તેમણે ભણાવેલ યાદ રહી ગયેલા ઇતિહાસ ની વાતો કરતા રહ્યા અને આવા માસ્તર આજના જમાના માં ન મળે તે વાત પર નિસાસો નાખતા રહ્યા. સાંભળી રહેલ બાળકો માં પંડ્યા સાહેબ ની લાડકી પૌત્રી પણ હતી. તે બે વિચાર કરતી રહી. એક તો આવા માસ્તર હવે કેમ ના મળે? અને બીજો પ્રશ્ન તેના જાણવા મુજબ બારમાં-તેરમા ના જમણ જેવા રિવાજ જો દાદા ને ન હતા ગમતા તો તેના પપ્પા એ શું કામ એ બધું ગોઠવ્યું? સમાજ ના ખોટા રિવાજ જેને પોતે પણ માનતા નથી તેને છોડવા ની હિંમત હજી પણ ક્યાં મળે છે? ૨૧ મી સદી માં આ હિંમત માટે હજી શું ખૂટે છે? અને આજના નવીન ટેકનોલોજી થી રસપ્રદ બનાવતા ભાર વિના ના ભણતર માં પંડ્યા સાહેબ નું પાત્ર દંતકથા જેવું કેમ લાગે? શું ખૂટે છે?