કઈક ખૂટે છે - ૦૯ - નસીબ Ranna Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કઈક ખૂટે છે - ૦૯ - નસીબ

(૦૯)

નસીબ

“પપ્પા, કશ્યપ મને ગમે છે” – ઝંખના

“પણ મારે મારી દીકરી નાગર જ્ઞાતિ માં જ આપવા ની છે.” – રાકેશભાઈ

પણ પપ્પા, કશ્યપ બ્રાહ્મણ તો છે જ. નાગર નહી ને વાલમ. શો ફેર પડે છે? મને જેની સાથે મનમેળ છે, જેની સાથે મારી જિંદગી નાં ઓછા માં ઓછાં પચાસ વર્ષ કાઢવા નાં છે, એને હું પસંદ ન કરી શકું? અને કોઈ ખામી હોય તો બોલો. દેખાય છે સારો, ભણેલો છે, કુટુંબ પણ સુખી છે અને સૌથી મોટી વાત તો એ સંસ્કારી છે. એના ઘર માં કોઈ ને કોઈ પણ પ્રકાર નું વ્યસન નથી. એના ઘર માં તો બધાં તૈયાર પણ છે. અને સમાજ માં એના કુટુંબ ની છાપ પણ સારી છે. ઝંખના બોલે જતી હતી.

“પણ મારે મારી દીકરી નાગર જ્ઞાતિ માં જ આપવાની છે.” – દર વખત નો પિતા નો આ સંવાદ ઝંખના જાણતી હતી. અને મોટે ભાગે એ ચુપ પણ થઇ જતી.પણ આજે એ ચુપ ના રહી શકી. કારણ આજે જો એ ચુપ રહે તો અન્ય છોકરા સાથે મુલાકાત અને પછી લગ્ન નું પણ દબાણ થાય તેમ હતું.

“તમે પોતે આજથી ત્રીસ વર્ષ પહેલાં લવ મેરેજ કરેલ છે.” ઝંખના બોલી.

“ઝંખું ...બસ...” – રંજન બહેન બોલ્યાં.

હું નાગર નહતી. પટેલ હતી. અરે પટેલ જ છું. તો શું થઇ ગયું? મારી કોઈ ખામી છે?

પણ, તારા પપ્પા એ મારે લીધે ખુબ સાંભળ્યું છે.

જયારે તુ જન્મી ત્યારે ય બોલનાર બોલેલા કે પેલી પટલાણી ને દીકરી આવી.” – સ્મૃતિ પટ જાણે રંજનબહેન તાદ્રશ જોઈ રહ્યાં.

“અલ્યા હું તે કઈ તને આણા માં લઇ ને આવી છું?

મારી એકલી ની દીકરી છે?

અને હું નાગર ને પરણી તે નાગર જ ગણાઉ ને?

પછી મારી દીકરી તો ક્યાંથી જુદી ગણાય?

તોય હજી તારે માટે પેલી ‘પટલાણી ની દિકરી’ શબ્દ વાપરી લે છે. આ નાગરી નાત જ મને તો મન પરથી ઉતરી ગઈ.” – રંજન બહેન નો વાણી વિલાસ અટકાવી ને ઝંખના બરાડી....તો પછી મારે માટે નાગર જ્ઞાતિ નો આગ્રહ કેમ રાખો છો?

“”એટલે જ રાખું છું.” ....રાકેશભાઈ જાણે ભૂતકાળ માં સરી પડયા. તેમના પિતા બાલકૃષ્ણ દામોદર મહેતા બીજી જ્ઞાતિ ની છોકરી ને પુત્રવધુ તરીખે સ્વીકારવા તૈયાર ન હતા. અને પિતા ની મરજી વિરુદ્ધ માતાજી ના મંદિરે સાદગી થી લગ્ન કરી ને જયારે રાકેશભાઈ ઘરે પહોચ્યા ત્યારે બાલકૃષ્ણએ તેમને બીજો દરવાજો દેખાડી દીધેલો. આંખો માં પાણી સાથે રાકેશભાઈ ઘર માં થી જરુરી વસ્તુ લઇ ને નીકળી ગયેલા. ખાસ યાદ કરીને ડીગ્રી નાં સર્ટી ની ફાઈલ લીધેલી. તેમને અફસોસ એ વાત નો હતો કે પોતાના પિતા ની રુઢિગત વિચારસરણી ને લીધે પોતાની પત્ની ને ખુબ સહન કરવું પડશે. અને જુવાની નાં વર્ષો ભાડા ના ઘર બદલતા રહેવા માં વીતી જશે.

“બાલકૃષ્ણ નું નસીબ જ ખરાબ કહેવાય નહી તો આના કરતાંય સારી છોકરી આપણી જ્ઞાતિ માં થી મળી રહે.” પડોશી ભાનુમતિ બહેન ના શબ્દો સૌથી વધુ ભોકાયેલા રાકેશભાઈ ના દિલ માં. એ મન માં વિચારતા કે બીજી જ્ઞાતિ ની છોકરી ઘર માં વહુ થઇ ને આવી એમાં વળી નસીબ શેનું ખરાબ? અને રંજન તો અપ્સરા જેવી હતી. નાગર ની નાત માં કઈ અલગ નહતી પડવાની. અને રૂપાળી ના હોય તોય શું? જેને પરણવાનું છે એને ગમે છે ને? મનમેળ છે ને? પણ કશું બોલાયું હતું એમનાથી. બાલકૃષ્ણ કરતાંય તેમનાં પત્ની નર્મદા વધારે ખીજાયેલા હતાં. આમેય ભાનુમતિ બહેન બાલકૃષ્ણ ની માસી ની દીકરી થાય. હવે પડોશી ફોઈ ને શું કહેવું?

રાકેશભાઈનાં માતા નર્મદા બા જીવ્યા ત્યાં સુધી એમને અફસોસ રહેલો. આસ પાસ ની સ્ત્રીઓ એ એમના મનમાં ઠસી દીધેલું કે એમનો દીકરો બીજી જ્ઞાતિ ની છોકરી પસંદ કરી ને છેતરાઈ ગયો. એ સ્ત્રીઓ ની જ્ઞાતિ ના નામે થતી વકીલાત પાછળ નુ મૂળ કારણ ઈર્ષા છે કે સારો વર એમની કોઈ કુટુંબી છોકરી માટે ન મળતાં બીજી નાત ની છોકરી ના નસીબ માં ગયો. એ સત્ય રાકેશભાઈ પોતાનાં માં-બાપ ને નહી સમજાવી શકેલા.. તેમનું ભણતર તેમનાં માં-બાપ ને તર્ક શાસ્ત્ર ન હતું સમજાવી શકતું. નાનકડી ઝંખના ને ખુબ વ્હાલ થી રમાડતાં નર્મદા બા રાકેશભાઈ ને કહેતાં,” જો જે આ કોઈ ત્રીજી નાત ના શોધી લાવે. નાગર જેવી નાત નહી.”

અને પોતાની બા ના શબ્દો યાદ કરી ને કે પછી પડોશી ફોઈ ભાનું મતિ બહેન ના શબ્દો યાદ કરી ને ખબર નહી પણ રાકેશભાઈ મનોમન નિર્ધાર કરી ચુકેલા કે પોતાની દીકરી ને નાગર જ્ઞાતિ માં જ પરણાવશે.

“મારાં માટે નાગર જ્ઞાતિ નો આગ્રહ કેમ?” ફરી ઝંખના બોલી. અને રાકેશભાઈ ની જાણે તંદ્રા તૂટી. ત્રીસ વર્ષ પહેલાં દાદા-દાદી અભણ હતાં. ત્યારે તમે હિંમત દેખાડી અને આજે કશ્યપ બ્રાહ્મણ છે. ફક્ત પેટા જ્ઞાતિ અલગ છે જેને હવે કોઈ પૂછતું પણ નથી. અને સીધો છોકરો છે......કોઈ વ્યસન નથી.

“તુ અમારી મરજી વિના જાતે લગ્ન કરી લે તો તારી મરજી પછી મારે કોઈ જવાબદારી નહી” – રંજન બહેન બોલ્યાં.

તમે કોઈ અજાણ્યો શોધી લાવશો અને કોઈ પ્રશ્ન થયો તો?- ઝંખના

તો મારી જવાબદારી. પણ, હાલ તો , મારે મારી દીકરી નાગર જ્ઞાતિ માં જ આપવી છે....એ જ જુના રાકેશભાઈ ના સંવાદ સાથે આજે પણ વાત નો અંત આવ્યો.

ચર્ચા નો કાયમ માટે અંત આવ્યો. કશ્યપ નુ કુટુંબ ખરેખર સંસ્કારી હતુ. કોઈ ની છોકરી ને એનાં માં-બાપ ની મરજી વિરુદ્ધ ભગાડી ન લવાય, એમની લાગણી દુભાય અને એ ખોટુ એવું લગભગ બધાએ નક્કી કર્યું. અને ઝંખના ને પણ તેમણે સમજાવી.

થોડા મહીના પછી રાકેશભાઈ જ્ઞાતિ નો કોઈ વર શોધી લાવ્યા. ઝંખના એ પણ ____ને મળી ને ‘હા’ પાડી. ધામ ધૂમ થી સગાઈ કરી. .અને સગાઈ પછી ઝંખના બે-ચાર વાર છોકરાને મળી. ખુદ રંજન બહેન તથા રાકેશભાઈ ને એવું લાગ્યું કે છોકરા માં દમ નથી. ઉપરથી સિગારેટ ના વ્યસન ની ખબર પડી. ____ ના કરતાં તો કશ્યપ વધારે સારો હતો. ચબરાક પણ ખરો. અને કોઈ વ્યસન નહી.... રંજન બહેન પતિ સમક્ષ કબુલ્યા વગર ન રહી શક્યાં. અલબત્ત ઝંખના સામે કશ્યપ ની વાત સુદ્ધાં ન નીકળી. શિક્ષિત માં-બાપ માં પણ સંતાન ની પસંદગી બરાબર હતી. એ કબુલવા નિખાલસતા તો ખૂટે જ છે.કે પછી સ્વમાન ઘવાય છે.

સગાઈ કરેલા છોકરા નુ નામ જાણી ને શું કરીશું? બીજે જ મહિને સગાઈ રાકેશભાઈ એ ફોક કરી. નિર્ણય એમનો જ હતો. પણ એમણે ખાસ કોઈને કારણ ના જણાવ્યું. સસરા ને ભાવિ જમાઈ માં દીકરી ને સાચવવાની ત્રેવડ નહી દેખાઈ હોય. કશ્યપ તો કદાચ તૈયાર હોત પણ રાકેશભાઈ નાગર ની જ્ઞાતિ માં જ દીકરી પરણાવવા માંગતા હતાને....

એક સગાઈ તૂટે એટલે ફરી બીજું ઠેકાણું શોધતાં થોડી વાર લાગે. ....વાર લાગી પણ મળ્યું. ______ સારું કમાતો. હતો દેખાય પણ રસિયો નાગર. સગાઈ સાદગી થી કરી. પણ લગ્ન માં રાકેશભાઈ એ નાગર ની નાત માં વટ પાડી દીધો. એક ની એક દીકરી હતી. રાકેશભાઈ ના જમાઈ નુ નામ જાણી ને શું મળશે? લગ્ન ની રાત્રે તેને ખેંચ આવી – એપીલેપ્સી ની સારવાર ચાલુ હતી. ઉચ્ચતમ નાગર પરિવારે વાત છુપાવેલી. બીજે દિવસે રોષ થી ભભૂકેલી ઝંખના પિયર આવી ગઈ. રાકેશભાઈ એ વેવાઈ ને કોર્ટ માં ઢસેડ્યા. સારા માં સારો વકીલ રોકી લીધો. ચુકાદો તેમની તરફેણ માં આવ્યો. વર પક્ષે પાંચ લાખ ઝંખના ને આપવા પડયા. અને ઝડપથી છુટા છેડા પણ મળી ગયા.

એક વાર સગાઈ તૂટી અને બીજી વાર પણ એક દિવસ પતિ ને ઘેર રોકાઈ આવેલી ઝંખના ડીવોર્સી ગણાઇ ગઈ. ‘કદાચ દીકરી ના નસીબ માં જ દુખ છે’ એમ માની માં-બાપે મન વાળ્યું.

એકાદ વર્ષ બાદ ઝંખના માટે સારો વર મળી ગયો. રાકેશભાઈ એ બરાબર તપાસ કરેલી. પિયુષ સરળ સ્વભાવ નો હતો. પત્ની પહેલી સુવાવડ માં મૃત્યુ પામી અને બીજવર ગણાઇ ગયો. સાદગી થી લગ્ન લેવાઈ ગયાં. અને ઝંખના સંસાર માં ગોઠવાઈ ગઈ. ઈશ્વર પણ હવે વગર વાંકે ઝંખના ને સંતાપવા હતો માંગતો.

“અમારો રાકેશ કેટલો નસીબદાર...ત્રણ ત્રણ વાર નાગર ની નાત માં થી વર મળી ગયા...”- વૃદ્ધ અને અશક્ત થઇ ગયેલાં ભાનુ મતિ બહેન .. બા ફોઈ ઓટલે બેસી વાતો કરી રહ્યાં હતાં.

,