મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 21 Hardik Kaneriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મર્ડરર’સ મર્ડર - પ્રકરણ 21

કૅબિનની કિચૂડાટ બોલાવતી ખુરશી પર બેસીને ઝાલા વિચારી રહ્યા હતા, ‘સવા અગિયારે આરવીને મળવા આવેલા વિશેષ માટે બલર બંગલોના દરવાજા બંધ હતા કારણ કે રામુએ તે અગિયાર વાગ્યે બંધ કરી દીધા હતા. હવે, મોડી રાત્રે યુવાન છોકરીના ઘરનો દરવાજો ખખડાવવો એટલે યમરાજના પાડાનો કાન આમળવો. માટે, વિશેષે આરવીને ફોન કર્યો હશે. અજયના કહેવા મુજબ આરવીએ વિશેષનો જૂનો નંબર બ્લૉક કરી દીધો હતો, તેથી તેણે આ બીજા સિમનો ઉપયોગ કર્યો હશે. પણ, પછી ? સુરપાલને વિશેષની ફૂટપ્રિન્ટ્સ મળી નથી એટલે એ તો નક્કી છે કે તે બંગલોમાં પ્રવેશ્યો નથી. તો શું આરવી તેને મળવા બંગલોની બહાર નીકળી હશે ?

અભિલાષાએ કહ્યું છે કે રાત્રે સવા અગિયાર પછી આરવી કોલ્ડ ડ્રિંક લેવા નીચે ગઈ હતી અને તેને પાછા ફરતા સમય લાગ્યો હતો. વિશેષે પણ આરવી સાથે એ જ સમયગાળામાં એટલે કે અગિયાર ને અઢારે વાત કરી હતી. એથી આગળ એવું ય બને કે આરવી બંગલોનો દરવાજો ખોલી, બહાર જઈ વિશેષને મળી હોય અને ફરી અંદર જતી વખતે દરવાજો બંધ કરવાનું ભૂલી ગઈ હોય. જો એવું થયું છે તો બંગલોનો દરવાજો કોણે ખોલ્યો છે એ પ્રશ્નનો જવાબ મળી જાય છે. પણ, તો પછી તે બંધ કોણે કર્યો ?’

****

ડાભી પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે ઝાલા પોતાની કૅબિનમાં બેઠા હતા. ડાભીએ તેમની પાસે જઈને કહ્યું, “સાહેબ, એક ધમાકેદાર માહિતી મળી છે.”

ઝાલાના ચહેરા પર જિજ્ઞાસા ડોકાઈ.

“આરવીએ રાજકોટની જે ગાયનેક હોસ્પિટલમાં ફોન કર્યા હતા તેનું નામ છે પ્રણવ હોસ્પિટલ. તે હોસ્પિટલ ડૉ. પ્રબોધ મહેરાની માલિકીની છે, જે ગેરકાયદેસર ગર્ભપરીક્ષણ અને ગર્ભપાત કરવા માટે બદનામ છે. પ્રબોધ અને લલિતે એક જ કૉલેજમાંથી એમબીબીએસ કર્યું હતું. રાજકોટ પોલીસે પ્રણવ હોસ્પિટલમાં પૂછપરછ કરી, પણ જૂના અને વિશ્વાસુ સ્ટાફ પાસેથી કંઈ જાણવા ન મળ્યું. પછી, તેમણે છ મહિના પહેલા પુરુષ નર્સ તરીકે જોડાયેલા એક છોકરાને ફોડ્યો. તેણે આરવીનો ફોટો જોઈને કહ્યું છે કે બે-ત્રણ મહિના પહેલા આરવીએ ત્યાં ગર્ભપાત કરાવ્યો હતો.”

થોડી ખુશબૂની આશા રાખી હોય અને અત્તરની આખી શીશી મળી જાય એમ ઝાલા ખુશ થયા, “મતલબ, આરવી પ્રેગનન્ટ હતી અને લલિત તે વિશે જાણતો હતો. કૉલ રેકૉર્ડ્સ પણ એ વાતને પુષ્ટિ આપે છે. ઓગસ્ટ મહિનાના કૉલ રેકૉર્ડ્સ જોઈએ તો પહેલા લલિત પ્રબોધને ફોન કરતો, પછી તે આરવીને ફોન કરતો અને પછી આરવી પ્રણવ હોસ્પિટલમાં ફોન કરતી. હવે બે પ્રશ્નોના જવાબ મેળવવા જરૂરી થઈ જાય છે : 1. આરવીના પેટમાં કોનું બાળક હતું ? 2. લલિત સિવાય આ વાત કોણ કોણ જાણતું હતું ?”

“હમ્મ” કહી ડાભી થોડી વાર અટક્યા અને પછી લલિત તથા અભિલાષાના દરવાજા પર મળેલા ડાઘ વિશેનો મનીષાબેનનો ખુલાસો તેમજ અભિલાષાએ તે સ્ટીકર જોયું હતું એ વાત કહી સંભળાવી.

“જો અભિલાષાએ તે સ્ટીકર આરવીના રૂમના દરવાજા પર જોયું હતું તો મનીષાબેન સાચું બોલે છે. પણ, ઘરના કોઈ સભ્યએ તે ઉખેળ્યું નથી તો સ્ટીકર ગયું ક્યાં ?”

“કદાચ હત્યારો પોતાની સાથે લઈ ગયો હોય. આમેય, મહાકાલ જ્યોતિષના કાર્ડ પર મળ્યા છે તેવા જ ફિંગરપ્રિન્ટ્સ આરવીના દરવાજા પર લાગેલા ડાઘ પાસે મળ્યા છે.” ડાભીએ અનુમાન લગાવ્યું.

“જો એવું છે તો હત્યારો રાત્રે સાડા બાર પછી આવ્યો હશે. અભિલાષાએ તે સ્ટીકર રાત્રે સાડા બારે જોયું હતું એટલે ત્યાં સુધી તો સ્ટીકર ત્યાં જ હતું. પણ, હત્યારો સ્ટીકર જેવો કચરો પોતાની સાથે શા માટે લઈ જાય ?” ઝાલાનો પ્રશ્ન કોયડા જેવો નહીં પણ કોયડાના આખા પુસ્તક જેવો હતો. “એ સિવાય ?”

“હરિવિલા સોસાયટીમાં જમણા પગે ખોડંગાતા હોય તેવા બે માણસો રહે છે. તે બંને પહેલાથી જ અપંગ છે. તેમની ફિંગરપ્રિન્ટ્સ અને ફૂટપ્રિન્ટ્સ આજે રાત્રે મળી જશે.” આટલું કહેતા ડાભીની છાતી ફુલાઈ, તેમને એમ કે સાહેબ ખુશ થશે. પણ, ઉપરી એ કુદરતે બનાવેલી એવી સાઉન્ડ સિસ્ટમ છે જેમાં કર્મચારીના વખાણની કેસેટ વાગતી જ નથી.

ઝાલાએ મોઢું બગાડીને કહ્યું, “પહેલાથી અપંગ ન હોય અને હમણાં થોડા સમયમાં જમણા પગે ઘવાયા હોય એવા કોઈ મળ્યા ?”

“હાલ પૂરતું એવું કોઈ મળ્યું નથી.”

“સુરપાલને કહી દો, મોડી રાત સુધી કામ કરવું પડે તો કરે, પણ બંનેની પ્રિન્ટ્સને રાત્રે જ મેચ કરી લે. હું કાલ સાંજ પહેલા હત્યારાને કેદ કરવા માંગું છું.”

“જી સાહેબ” કહી ડાભીએ અદબભેર કૅબિન છોડી.

****

ડાભીએ કરેલી વ્યવસ્થા મુજબ ફોરેન્સિક ટીમના બે માણસો રાત્રે સવા આઠે બંગલો નંબર 11માં પહોંચી ગયા હતા. એક ચાલીસ વર્ષનો પુરુષ હતો અને બીજો વીસ વર્ષનો યુવાન. તેમણે જ કોરુગેટેડ બોક્સનો ઑર્ડર આપવા ઇચ્છતા વ્યક્તિ અને પ્રકાશનું માર્ગદર્શન મેળવવા ઇચ્છતા યુવાનનો રોલ કરવાનો હતો. બાબુભાઈએ બોલાવ્યા હતા તે મુજબ પહેલા પ્રકાશ અને પછી મનસુખભાઈ આવ્યા અને પોતપોતાનું કામ પતાવી નીકળી ગયા. તેમના રવાના થયા બાદ તેમણે પીધેલા ચા-પાણીના ખાલી પ્યાલા લઈ, તેમની ફૂટપ્રિન્ટ્સના ફોટા ખેંચી ફોરેન્સિક ટીમના માણસો રવાના થયા.

****

સૂરજના પહેલા કિરણ સાથે ઊગી નીકળેલી 27મી ઑક્ટોબરની સવારે, તાજગીભર્યા વાતાવરણમાં ઝાલાએ આંખો ખોલી. સૂર્યનો ઝાંખો પ્રકાશ બંધ બારીના જાડા કાચમાંથી ગળાઈને રૂમમાં આવવા મથતો હતો. ‘કૂકડે-કૂક’, મસ્જિદની બાંગ કે અલાર્મની ઘંટડી સાંભળ્યા વિના જ તેમની ઊંઘ ઊડી ગઈ હતી.

ફોરેન્સિક ટીમના ફોનની રાહ જોતા તેમણે મોડે સુધી ઉજાગરો કર્યો હતો. આરવીના કેસનું ગૂંચળું ઉકેલવામાં સતત વિચારતું રહેલું દિમાગ ત્રસ્ત થઈને ભયંકર રીતે નિચોવાઈ ગયું હતું. તેમણે બે-ત્રણ વાર ફોન કરી સુરપાલને રિપૉર્ટ વિશે પૂછ્યું હતું, પરંતુ સુરપાલે કહેલું, “ફાઇનલ રિપૉર્ટ તૈયાર થશે એટલે સામેથી ફોન કરીશ.” પછી, થાકીને લોથ થયેલું શરીર પત્નીની બાહોમાં ઓર થાકીને નિદ્રાદેવીના શરણે થઈ ગયું હતું.

‘સુરપાલને રિપૉર્ટ તૈયાર કરતા ખૂબ મોડું થઈ ગયું હશે એટલે ફોન નહીં કર્યો હોય, પણ ફાઇલ તૈયાર કરી મારા ટેબલ પર મૂકી દીધી હશે. આજે આરવીનો હત્યારો જેલના સળિયા પાછળ હશે.’ એવો વિચાર કરી, બગાસું ખાઈ, આળસ મરડી, પાછલી રાતના થાકને પલંગ પર જ રહેવા દઈ, તેઓ ઊભા થયા. તેમણે ઝડપથી દૈનિક ક્રિયાઓ પતાવી અને પોતાના ફૌલાદી શરીર પર ખાખી વરદી પહેરી. આંખ ખૂલ્યાની ચાલીસમી મિનિટે તેઓ ચોકી તરફ રવાના થઈ ચૂક્યા હતા.

આજે ઝાલા બહુ વહેલા હતા. નાઇટ પેટ્રોલિંગ પર ગયેલા પોલીસકર્મીઓ નાસ્તાની લારી પર નિ:શુલ્ક નાસ્તો આરોગતા ઊભા હતા. પોલીસ સ્ટેશનમાં બહુ ઓછા માણસો હાજર હતા. પૂરના ધસમસતા નીરની જેમ તેઓ પોતાની કૅબિનમાં પ્રવેશ્યા અને ટેબલ પર જોયું. હા, ફોરેન્સિક રિપૉર્ટની ફાઇલ ત્યાં હાજર હતી. કોઈ સસ્પેન્સ થ્રિલર નોવેલના બધા પ્રકરણ વંચાઈ ગયા હોય અને ટેબલ પર પડેલી ફાઇલમાં તેનું અંતિમ પ્રકરણ છપાયું હોય તેવા ઉત્સાહથી ઝાલાએ ફાઇલ ખોલી.

તેમણે રિપૉર્ટ પર નજર ફેરવી અને રિપૉર્ટમાં લખાયેલું એક વાક્ય વાંચી આંખો બંધ કરી લીધી. તેમની ભીતરમાં તોફાન ઉમટ્યું, ‘એટલે સુરપાલે મને ફોન ન કર્યો.’ તેમણે ફાઇલને ટેબલ પર પછાડી અને પોતાની ખુરશી પર બેસી ગયા.

ક્રમશ :