ડણક
A Story Of Revenge.
પ્રસ્તાવના
'દિલ કબૂતર' અને 'રૂહ સાથે ઈશ્ક' નવલકથા ની ભરપૂર સફળતા બાદ મારાં સર્વે વાંચકો માટે ફરીવાર એક લવ સ્ટોરી લઈને આવી છું, જેનો વિષય અને કથા વસ્તુ એકદમ અલગ છે.
"ડણક" શબ્દનો અર્થ થાય ગર્જના અને એ પણ વન કેસરી ની ગર્જના. જૂનાગઢ નાં ગીર ની પાવન ભૂમિ પર આકાર લેતી આ સુંદર નવલકથા માં પ્રેમ, સાહસ, બદલો, મિત્રતા નો અનોખો સંગમ છે. ક્યારેક હસાવતી તો ક્યારેક રડાવતી.. ડર ના અહેસાસ હેઠળ ક્યારેક રુંવાડા ઉભા કરી દેતી આ નોવેલ મારાં દરેક વર્ગ નાં વાંચક ને અવશ્ય પસંદ આવશે.
'જો પ્રેમ તમને પાગલ ના બનાવી મૂકે તો એનાં સાચાપણાં પર શક તો થાય જ'.. પ્રેમ માં પાગલ બની જતાં એક યુવક ની બદલા ની કથા છે 'ડણક'. જેમ જેમ નવલકથા આગળ વધશે એમ એમ એનાં પાત્રો તરફ નો તમારો પ્રેમ અને આત્મીયતા વધતી જશે. હવે આગળ શું બનશે એ જાણવાની બેતાબી દરેક વાંચક ને અવશ્ય થશે. અને આનો અંત તમને વિચારતાં કરી મુકશે કે કોણ સાચું હતું અને કોણ ખોટું હતું.. ?
આ નવલકથા નો વિચાર મારો હતો પણ એને સાક્ષાત કરવામાં અને જરૂરી અન્ય માહિતી પૂરી પાડવામાં મારા મોટાભાઈ જતીન પટેલ નું યોગદાન રહેલું છે.. એમની મદદ વગર આટલી સુંદર કથાવસ્તુ ને રજૂ કરવાનો વિચાર પણ અશક્ય હતો.
તો આપ સર્વે વાંચકો માટે રજૂ કરું છું પ્રેમ અને બદલા ની દિલચસ્પ કહાની 'ડણક: A Story Of Revange.. 'દિલ કબૂતર ' અને 'રૂહ સાથે ઈશ્ક' ની જેમ આ નોવેલ ને પણ આપ સૌ નો પુષ્કળ પ્રેમ મળશે એવી આશા. !!
-દિશા. આર. પટેલ
***
ડણક
A Story Of Revange
ભાગ:૧
આ એશિયા ના એકમાત્ર સિંહો ની વસ્તી ધરાવતાં ગીર પ્રાંત ના નાનકડાં એક વિસ્તાર માં રાત એની ચરમ પર હતી.. દૂર દૂર સુધી એકદમ સ્મશાનવત શાંતિ પથરાયેલી હતી. જંગલ લાગતાં એ વિસ્તાર માં અત્યારે ફક્ત તમરાં નો તીણો અવાજ કાને પડી રહ્યો હતો.. હજુ અગિયારસ થઈ હોવાથી આકાશ ના ચંદ્ર ની પણ રોશની જોઈએ એવી તીવ્ર નહોતી. છતાં પણ થોડું ઘણું તો દેખાય એટલો પ્રકાશ તો હતો જ.
અચાનક ઝાડીઓ માં કંઈક સળવળાટ થયો અને એમાં થી આગિયા ના જેમ ચમકતી આંખો દ્રશ્યમાન થઈ. લગભગ બાર થી પંદર જેટલી ચળકતી આંખો ચમકારા મારી રહી હતી. ત્યાં ઝાડીઓ પાછળ અત્યારે નાના બાળક ના રડવાનો આવે એવો અવાજ સતત આવ્યાં કરતો હતો.
'જુમન.. તૈયાર રહેજે.. આજે તો એમાં થી ત્રણ ચાર ને તો પાડી જ દેવાના છે.. " ત્યાં એક વિશાળ લીમડા ના વૃક્ષ પર હાજર બે જણા અંદરો અંદર વાત કરી રહ્યાં હતાં.
"હા આજે તો મારાં ભાલા ને એમનાં લોહી નો સ્વાદ નહીં ચખાડું તો થું છે મારી મર્દાનગી ને કાના ભાઈ.. !'એક હબસી જેવો લાગતો વ્યક્તિ પોતાનાં હાથ માં રહેલાં ભાલા ની તરફ જોઈને બોલ્યો. ચંદ્ર ની આછેરી રોશની માં પણ એનાં ભાલા ની ધાર ચમકી રહી હતી.
"હા ભાઈ.. પણ આજે બહુ ધીરજ થી કામ લેવાનું છે.. નાનકડી ભૂલ થઈ અને મોત પાકું છે જુમન.. "સામે હાજર છ હાથ ઊંચા અને પડછંદ કાયા ના માલિક એવાં કાના એ કહ્યું. કાના ની નજર એક પણ પલકારો માર્યા વગર હવે એ ઝાડીઓ તરફ સ્થિર થઈ હતી.
"મારો કાનો ભાઈ જોડે હોય અને મોત.. મજાક ની પણ હદ હોય મારાં ભાઈ.. તમારી હાજરી માં તો મોત પણ ડરે એટલે ડરવાની વાત તો દૂર રહી મોટાભાઈ.. "કાના ની વાત ને હવામાં ઉડાડતો હોય એમ જુમન નામનો એ હબસી બોલ્યો.
"હા બહુ મોટી આઈ કાના ભાઈ વાળી.. ચાલ હવે સામે બેઠેલા પેલાં બે ને એંધાણી આપ કે આવી ગયાં છે આપણાં શિકાર.. "કાના એ પોતાની ભરાવદાર મૂછો ને મરડતાં કહ્યું.
કાના ની વાત સાંભળી જુમને પોતાની એક આંગળી મોં માં નાંખી અને ઘુવડ ના જેવો અવાજ કાઢ્યો.. જુમન નો અવાજ સાંભળી સામે પણ શિયાળ ના જેવી લવારી ના અવાજ નો પ્રતિસાદ મળ્યો. કાનો અને જુમન જ્યાં બેઠાં હતાં એના થી થોડે દુર એક પીપળા ના ઝાડ પર બેઠેલાં વિરજી અને ગાભુ પણ જુમન ના અવાજ થી સતેજ થઈ ગયાં.
ધીરે ધીરે અંધારા ને ચીરતી એ આગિયા જેવી આંખો કાનો અને જુમન જ્યાં બેઠાં હતાં એ લીમડાના વૃક્ષ તરફ આગળ વધી રહી હતી.. એ આંખો હતી એક ઝરખ નાં ટોળાં ની.. પોતાની શિકાર કરવાની કળા અને હંમેશા ટોળાં માં રહેતાં ઝરખ તો સિંહ ને પણ ક્યારેક પીછેહઠ કરાવી દેતા એના કેટલાય ઉદાહરણ મોજુદ છે. ઝરખ ને ઘણાં હાયના પણ કહેતાં હોય છે. શિકાર સમયે નાનું બાળક રડતું હોય એવો અવાજ કરતાં ઝરખ ની પકડ બહુ મજબૂત હોય છે.
આ ઝરખ ના ટોળાં નું એ તરફ આગળ વધવાનું કારણ હતું એક મરેલી બકરી.. એ બકરી ના લોહી ની ગંધ એ ઝરખ ના ટોળાં ને આકર્ષિત કરી રહી હતી એ બકરી નાં માંસ ની મિજબાની કરવા માટે.
લગભગ સાત થી આઠ ઝરખ ધીરે ધીરે બકરી ની લાશ પડી હતી ત્યાં એકદમ નજીક આવી ગયાં.. હવે એ ઝરખ નું ટોળું કાનો અને જુમન બેઠાં હતાં એ જગ્યા ની બિલકુલ નજીક હતું. અંદરો અંદર ઝઘડતાં ઝરખ ચિત્ર વિચિત્ર અવાજ કરીને અત્યારે બકરી ની ફરતે ટોળું વળીને ઊભાં હતાં.
કાના એ જુમન ની તરફ જોયું અને આંખો ના ઈશારા થી કંઈક સૂચન આપ્યું.. કાના નો ઈશારો સમજી જુમને ગાભુ અને વિરજી ને પોપટ નો અવાજ કરી તૈયાર રહેવા માટે જણાવી દીધું. જુમન નામનો એ હબસી દરેક પશુ પક્ષી ના અવાજ કાઢી શકતો એ એની જન્મજાત કળા હતી.
ઝરખ બકરી ની લાશ ને ચૂંથી રહ્યાં હતાં.. વગર મહેનતે હાથ માં આવેલા શિકાર ની જયાફત ઉડાડવામાં વ્યસ્ત ઝરખ ના એ ટોળાં ના કાન હજુપણ આજુબાજુ ની નાના માં નાની હિલચાલ ને સાંભળવાની કોશિશ માં હતાં.. પણ કાનો અને એનાં મિત્રો પણ કંઈ કાચા શિકારી નહોતાં.. એ પણ શક્ય બને એમ ધીરજ રાખી આજે એ ઝરખ ના ટોળાં નો શિકાર કરવાની તૈયારી કરીને આવ્યાં હતાં.
ઝરખ ના આ ટોળાં નો શિકાર કરવા કાના અને એના મિત્રો ને કેમ આવવું પડ્યું એ માટે થોડાં ભુતકાળ માં જઈએ..
વર્ષે લાખો સહેલાણીઓ થી ધમધમતું ગીર નું વિશાળ જંગલ એશિયન સિંહો ના લીધે દેશ વિદેશ ના લાખો પ્રવાસીઓ ને પોતાની તરફ આકર્ષતું રહ્યું છે.. લોકો ગીર ફોરેસ્ટ ની મુલાકાત લઈ એની મનમોહક સુંદરતા અને વનકેસરી નાં દર્શન કરી ખૂબ ખુશ થાય છે.. પણ ગીર માં વસતાં લોકો માટે હકીકત કંઈક અલગ જ હોય છે.
સાસણગીર વિસ્તાર માં આવેલાં ગામો જેવા કે કંકઈ, રાવટા, કુટિયા, જાવંત્રી, થોરડી, ઘંટવાળ, થાનવી નાં લોકો માટે લોકો ને લાગતી બાહ્ય સુંદરતા હકીકત માં કેટલી ભયાનક હતી એતો એમને જ ખબર હતી. આ ગામ માં વસતી મોટાભાગ ની પ્રજા મધ્યમ થી સામાન્ય કહી શકાય એવી આર્થિક સ્થિતિ માં જીવે છે.. એમનાં જોડે ભૌતિક સુખ સગવડો પ્રમાણ દુનિયાનાં બીજાં લોકો કરતા થોડી ઓછી છે.
આ લોકો માટે આજીવિકા નું સાધન છે ખેતી અને પશુપાલન.. અને 'જે પોષતું એ મારતું એ ક્રમ નથી કુદરતી' આ વિધાન ને સાર્થક કરતી ઘટના ત્યાં ના લોકો ની રોજીંદા જીવન નો ભાગ હતી.. સિંહ, વરુ, ઝરખ, દીપડા કે શિકારી કુતરાઓ દ્વારા પોતાનાં પાલતુ દુધાળા ગાય, ભેંશ, બકરી કે ઘેટાં જેવાં જનાવર નો શિકાર થઈ જવો એ તો સામાન્ય બાબત હતી. ક્યારેક ક્યારેક તો દીપડા અને વનકેસરી નાં શિકાર માં મનુષ્ય પણ આવી જતાં એ ઘટના પણ સામાન્ય જેવી જ હતી.
'જે લડશે એ જ ટકશે'આ વિધાન ને ત્યાં ના લોકો એ જીવન માં ઉતારી લીધું હતું.. અને આજે પણ ઝરખ નો શિકાર કરવા નીકળેલા એ નવયુવકો આ જ વિધાન ને પુરવાર કરવામાં લાગ્યાં હતાં.
ત્રણ દિવસ પહેલાં ની વાત છે જ્યારે વારંવાર થતાં ઝરખ ના હુમલા ને લીધે ખુવાર થતાં પોતાનાં દુધાળા પશુધન ની રક્ષા માટે એ ઝરખ નાં ટોળાં નો શિકાર કરવા માટે આજુબાજુ ના દરેક ગામ ની રાવટા ખાતે પંચાયત ભરાઈ.. આજુબાજુ ના ગામ ના ઘણાં પુરુષો અને મહિલાઓ એ પંચાયત માં ભાગ લેવાં ત્યાં ઉપસ્થિત હતાં.
લોકો એ કરેલાં વર્ણન અને શિકાર ની એકસરખી ઢબ ઉપર થી અનુભવી અને ઘરડાં લોકો એ તારણ કાઢ્યું કે કોઈ ઝરખ નું ટોળું છે જે આ બધાં શિકાર ને અંજામ આપી રહ્યું હતું. સર્વાનુમતે બધાં ની સહમતિ થી એવો ઠરાવ પસાર થયો કે એ ઝરખ ના ટોળાં ને મારી એમનો ખાત્મો બોલાવનાર ને રૂપિયા પાંચ હજાર નું ઈનામ આપવામાં આવશે.
ત્યાં ના લોકો માટે પાંચ હજાર આમ જોવા જઈએ તો બહુ મોટી રકમ હતી, છતાં કોઈએ પંચાયત ની વાત માની શિકાર કરવાની તૈયારી ના બતાવી કેમકે ઝરખ નું ટોળું કેટલું મોટું છે એની જાણ વગર એમના શિકાર પર જવું એ હાથે કરી મોત ને ખુલ્લું આમંત્રણ આપવા બરાબર હતું એ વાત ત્યાંના લોકો સારી પેઠે જાણતાં હતાં. એટલે કોઈને રૂપિયા ની લાલચ પણ આ કામ માટે તૈયાર ના કરી શકી એટલે થોરડી ના સરપંચ દવજી ભાઈ એ હાકલ કરી કહ્યું.
"અરે આ પંથક માં કોઈ ભડવીર નથી જે આ કામ કરી શકે.. કોઈ ના અંદર આ સોરઠ ની ધરા નું લોહી વહેતુ નથી જે આપણાં દુધાળા પશુધન પર હુમલો કરતાં આ ઝરખ ના ટોળાં ને હણી શકે.. "
દવજીભાઈ ની વાત સાંભળી ત્યાં હાજર બધાં બધાં યુવકો ના ચહેરા શરમ થી ઝૂકી ગયાં.. કોઈ ના માં કંઈ બોલવાની હિંમત નહોતી.. એ લોકો ના આવાં નંખાયેલા ચહેરા જોઈ ઘંટવાળ ના સરપંચ વિલાભા એ પોતાના પહાડી અવાજ માં કહ્યું..
"અરે આ એ ભૂમિ છે જ્યાં ચૌદ વરસ ની દીકરી એક સિંહ ની સામે પડી હતી એ પણ ખાલી એક ડાંગ લઈને અને તમે બધાં આમ બાયલા ના જેમ ચૂપ બેઠાં છો.. શું કોઈ એવો વીર નથી જેને એની માં નું ધાવણ ધાયું હોય"
ચાબખા જેવા શબ્દો સાંભળી ટોળાં માં બેસેલાં રાવટા ગામ ના જ એક જુવાન ગાભુ નું મગજ છટક્યું અને એ ઉભો થઈ ને બોલ્યો..
"એ ઝરખ ના ટોળાં નો શિકાર કરવાની જવાબદારી મારી.. હજુ આ ધરા પર ના લોકો ની મરદાનગી પર સવાલ કરવો ખોટો છે સરપંચ જી"
સુકલકડી બાંધા ના અને ડરપોક પ્રકૃતિ ના ગાભુ ની વાત સાંભળી ત્યાં હાજર ટોળાં માં હાસ્ય નું મોજું ફરી વળ્યું.. રાવટા ગામ ના સરપંચ રામજી ભાઈ એ ગાભુ તરફ જોઈ કહ્યું..
"ગાભુ આમ જોશ માં આવી ખાલી વાતો કરવાથી કંઈ ના વળે.. તને ખબર છે તું શું બોલી રહ્યો છે.. કેવી રીતે કરીશ તું એકલો ઝરખ ના એ હિંસક ટોળાં નો શિકાર.. આમ શું કરવા બધાં વચ્ચે પોતાનો મજાક બનાવે છે?"
"સરપંચ સાહેબ જવાબદારી મેં ઉઠાવી છે એમનાં શિકાર ની પણ શિકાર કરશે મારો ભેરૂબંધ મારો દોસ્ત કાનો.. મારો યાર કાનો આહીર.. "કાના નું નામ સાંભળી બધાં ની બોલતી બંધ થઈ ગઈ કેમકે બધાં જાણતાં હતાં કે જો કાનો આ કામ હાથ માં લેશે તો એને પૂરો કરે છૂટકો. આગળ પણ આજુબાજુ ના ગામ માં આવેલી નાની મોટી આફતો વખતે કાનો વગર નિમંત્રણે પહોંચી જતો.
"કોણ છે આ કાનો.. રામજીભાઈ તમે ઓળખો છો આ કાના ને.. ?"દવજીભાઈ એ રામજીભાઈ તરફ નજર કરીને કહ્યું.
"અરે દવજીભાઈ કાનો.. કાનો તો અમારાં ગામ નું નાક છે. એની હિંમત અને સાહસ આગળ તો ઘણીવાર મારું માથું પણ ઝૂકી જાય છે.. ખરો વીર છે આ કાનો.. "રામજીભાઈ એ કાના ના વખાણ કરતાં કહ્યું.
"તમે કહો છો તો પછી આપી દો ઝરખ ના ટોળાં ના શિકાર ની જવાબદારી આ ગાભુ અને એનાં દોસ્ત કાના ને"વિલાભા એ સહમતિ આપતાં કહ્યું.
આજુબાજુના ગામ ના બીજા સરપંચો ની સહમતિ મળતાં રામજીભાઈ એ ઊંચા અવાજે કહ્યું.
"હા તો ગાભુ જો તમે એ ઝરખ ના ટોળાં ના શિકાર ની જવાબદારી તમને સોંપવામાં આવે છે, તમે એ ટોળાં નો ખાત્મો કરી એમને પંચ વચ્ચે હાજર કરશો તો તમને તમારું નક્કી કરેલું ઇનામ મળી જશે.. "
"પાંચ દિવસ ની અંદર એ ટોળાં નું નામોનિશાન મિટાવી દેવામાં આવશે.. જય સોમનાથ.. "ગાભુ એ હાકલ કરી અને એનાં પ્રત્યુત્તર માં ત્યાં હાજર બધાં એ હાકલ કરી "જય જય સોમનાથ.. "
કાનો એ દિવસે એક કામ થી જૂનાગઢ ગયો હતો એ આવ્યો એટલે ગાભુ એ કાના ને મળી બધી વાત કરી.. બીજો કોઈ હોત તો આમ પોતાને પૂછયાં વગર આમ મોત સામે લડવાની વાત સ્વીકારવા બદલ ગાભુ પર ગુસ્સો કરે પણ આ તો કાનો હતો.
ગાભુ ની પુરી વાત સાંભળ્યા પછી કાના એ પોતાની ભરાવદાર મૂછો ને તાવ આપતાં કહ્યું.
"અલ્યા.. ગાભુ તને આમ જોશ કેમ નો ચડી ગયો કે તું મારા નામે આ સાહસ કરવાની જવાબદારી લેતો આવ્યો.. "
"અરે ભાઈ એ બધાં સરપંચ આ ધરતી પર કોઈ ભડવીર કે મર્દ વધ્યો નથી એમ કહેતાં હતા એટલે મારાં થી સહન ના થયું.. તું હાજર હોત તો તમે જાતે જ ઊભાં થઈને આ જવાબદારી માથે લઈ લેત.. તું નહોતો તો તારા વતી મેં કહી દીધું. "ગાભુ એ કહ્યું.
"ગાભુ તે કહી દીધું છે તો જોયું જશે.. મારો દોસ્ત જો આખા ગામ વચ્ચે બોલી ને આવ્યો છે તો હવે એના દરેક શબ્દ નું માન રાખવાની જવાબદારી મારી થઈ પડે છે. હવે એ ઝરખ ની જીંદગી ના થોડાં જ દિવસો બચ્યાં છે.. પણ ઇનામ ના પાંચ હજાર મારાં.. "ગાભુ ના ખભે હાથ રાખી કાના એ હસતાં હસતાંકહ્યું.
"હા ભાઈ તારા .. "કાના ને ગળે લગાવી ગાભુ એ કહ્યું.
બસ પછી કાના એ જંબુર ગામમાં વસતાં પોતાનાં સિદી જાતિ ના હબસી મિત્ર જુમન ને ઝરખનાં મૃતદેહ આપવાની લાલચ આપી પોતાની સાથે ભેળવી લીધો. વર્ષો થી જંબુર માં વસતાં મૂળ આફ્રિકન એવાં હબસી લોકો પોતાની શિકાર કળા માટે પ્રખ્યાત હતાં.. કાના ને ખબર હતી કે ઝરખ ના માંસ ની લાલચ માં જુમન એને ના નહીં પાડી શકે. આગળ પણ બે ત્રણ વાર જુમન કાના ની મદદ કરી ચુક્યો હતો.
કાના ની હિંમત અને ખુમારી ની ઘણી સાહસ કથા ઓ સાંભળવાના લીધે કિસા ગામના મહિલા સરપંચ લીલાબેન નો દીકરો વિરજી પણ કાના ને મળ્યો અને ઝરખ ના એ ટોળાં ના શિકાર માટે પોતે પણ કાના ની મદદ કરવા માંગે છે એવી રજૂવાત કાના ની સામે કરી.
"તારું સ્વાગત છે દોસ્ત.. ચલો હવે એ વાત તો પાકી કે એ ઝરખ ના ટોળાં નો અંત તો નજીક છે.. "વિરજી ને ગળે લગાવી કાના એ કહ્યું.
કાના ની વાત સાંભળી વિરજી પણ આજે ખૂબ ખુશ હતો.. ગામ ની મદદ માં પોતાનો પણ થોડો ઘણો ફાળો હશે એ વિચારી એનાં મન માં ઉમંગ હતો.
પોતાનાં મિત્રો સાથે શિકાર માટે ની થોડી ઘણી તૈયારી કરી પોતાની ભાભી અને મોટા ભાઈ ને પગે લાગી કાનો નીકળી પડ્યો હતો શિકાર કરવા.
અત્યારે એ શિકારી એવું ઝરખ નું ટોળું સામે ચાલી કાના નો શિકાર થવા આવી પહોંચ્યું હતું. !
***
વધુ આવતાં ભાગે..
કાના ના આવા અપ્રિતમ સાહસ પાછળ નું કારણ શું હતું? શું કાનો અને એનાં મિત્રો ઝરખ નાં ટોળાં નો ખાત્મો બોલાવી શકશે કે એમનો જ ખાત્મો થઈ જશે.. એ જાણવા વાંચતા રહો ડણક નો બીજો ભાગ આવતાં સપ્તાહે.
-દિશા. આર. પટેલ