કઈક ખૂટે છે. - ૮ - વેગળા નખ Ranna Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કઈક ખૂટે છે. - ૮ - વેગળા નખ

(૦૮)

વેગળા નખ

“આંગળી થી નખ વેગળા.”

નખ કપાય ત્યારે આંગળી ને પીડા નથી થતી. આમ તો નખ ને આંગળી કાયમ જોડાયેલા હોય પણ નખ ને આંગળી વચ્ચે લોહી નો સંબંધ નહી. – માણસોમાંય એવું. અમુક સંબંધો સ્વાર્થ ના. માણસ મરે તો તેની ખોટ કોને પડે? થોડા દિવસ તો બધાં રડે કે રડવાનો ડોળ કરે. પણ ખોટ તો જેને લોહી ની સગાઈ હોય તેને કે પછી જેની સાથે ખરી માયા હોય એને જ પડે. તમારા દુખ થી ખરેખર કોણ દુખ અનુભવે? .... વર્ગ માં શિક્ષિકા બહેન વિચાર વિસ્તાર સમજાવતાં અટકી ગયાં જયારે એમની નજર આંસુ સારી રહેલી અનન્યા પર પડી. અનન્યા દોઢ વર્ષ ની ઉંમરે માં વગર ની થયેલ દીકરી હતી જે હવે અપર માં ની છત્ર છાયા માં પિતા ના થોડા ઘણા બદલાયેલા વર્તન ને જીરવી, જીવી રહી હતી. અનન્યા ની માં નવ્યા આત્મ હત્યા કરી મૃત્યુ પામેલી. અનન્યા ને પોતાની માં ના મૃત્યુ કરતાં અપરમા ના ઓરમાયા વર્તન નો ત્રાસ વધુ કષ્ટ આપતો.

નવ્યા અને વીર નાં પ્રેમ લગ્ન હતાં. નવ્યા કોડ ભેર સાસરે ગયેલી. વીર સાથે બધી રીતે સુખી નવ્યા ને વીર ની મોટી બહેન નો બહુ ત્રાસ હતો. ઘર ના કામ થી લઇ નવ્યા ના ઘરે થી મળેલ કરિયાવર ની બાબત માં તેની નણંદ સતત બબડ્યા કરતી.

બધી વાતે સારો અને સમજુ વીર પોતાની બહેન બાબત માં કશું બોલી ના શકતો. નવ્યા ની ફરિયાદ સાંભળી સહાનુભૂતિ દર્શાવવા ને બદલે એ ગુસ્સે થતો. મારી બહેને તારૂ શું લુંટી લીધું છે? મોટી છે... એનો હક છે મારી પર.... અને જે કઈ કહે છે એ સારા માટેજ કહે છે.. તુ નાની છે. એટલે એ તને કઈ કહે તો તારે માનવાનું. ... દર વખતે વીર નો જવાબ સરખો જ હોય પ્રશ્ન સાંભળવાની કે સમજવાની તેને જરૂર જ ન હતી. તેને માટે મોટી બહેન કહે એ શબ્દો મન ના તામ્ર પ્રત પર લખાઈ જતા. ઘર માં કઈ વસ્તુ ક્યા મુકવી થી માંડી શું વસાવવું ને શું ન વસાવવું એ બધું મોટી બહેન ના કહેવા પ્રમાણે ચાલતું. લગ્ન ના એકાદ વર્ષ માં જ નવ્યા ની ધીરજ ખૂટી ગઈ. અને પતિ પત્ની વચ્ચ્ચે ઝઘડા શરુ થઇ ગયા. વીર ને બહેન માટે જે લાગણી હતી તે તેની પત્ની ને એ હદે અન્યાય કરી રહી હતી કે નવ્યા ને તે કોક ના ઘર માં રહેતી હોય એવું લાગ્યા કરતું. નવ્યા જયારે નણંદ ની કોઈ ફરિયાદ કરે કે વીર દુર્વાસા બની જતો. અને વાત સાંભળી ઉકળી જતો. અને મોટે ભાગે કઈક ન બોલવાના શબ્દો બોલી ઉભો થઇ જતો. આવા વર્તન થી નવ્યા ને અપમાન લાગતું.

ઘણી વાર નવ્યા એ તેનાં માં-બાપ ને પણ ફરિયાદ કરેલી. પણ દરેક પ્રેમ લગ્ન ની જેમ આ કિસ્સા માં પણ તેને સંભાળવું પડેલું કે “ લગ્ન નો નિર્ણય તે જાતે લીધેલો. ત્યારે તને આ વાત ની ખબર ન હતી?”

પરણાવેલી – સાસરે રહેતી નણંદ આટલો બધો કંકાસ કરાવી શકે એ વાત નવ્યા માટે કલ્પના બહાર હતી. “તારું એકાદ છોકરું થયા પછી પરિસ્થિતિ બદલાઈ જશે” નવ્યા નાં અનુભવી ફોઈ કહેતાં. અને એ આશાએ નવ્યા એ દિવસો પસાર કરવા માંડ્યા. અનન્યા ની માતા બન્યા પછી પરિસ્થિતિ વણસી. મોટી બહેન ની અવર જવર વધી અને નવ્યા ની સહન શક્તિ ઘટી ગઈ. ઘણી વાર સવાર સવાર માં આવેલી નણંદ કઈક બોલે ને નવ્યા નો આખો દિવસ બગડી જાય. અને.... નવ્યા .......બળી ગઈ .... કેરોસીન છાંટી સળગતા ગેસ ના ચુલા પર બેસી ગઈ...સવાર માં સ્નાન કરવા નું પાણી જ મુકવા જતી હતી અને આજે ગુસ્સો પી ના શકી. .......મરી ગઈ ...અને શું ગજબ .... એણે ચીસો પણ ન હતી પાડી શરૂઆત ની થોડી ક્ષણો સુધી. પછી સહન ના થયું અને પોતાની દીકરી અનન્યા ના નામ ની છેલ્લી બુમ પાડી. અનન્યા તો નાની દોઢ વર્ષ ની બાળકી. ક્યાંક પડોશ માં કોઈ રમાડવા લઇ ગયું હશે. પછી નવ્યા એ અનન્યા નું નામ ન લીધું પણ તેના પતિ વીર ને છેલ્લા શ્વાસ સુધી આંખ માં આંસુ સાથે કહ્યા કર્યું. “મારી દીકરી ને સાચવજે. સારી રીતે પરણાવજે. જોજે કોઈ ગમે તેવા ને ન શોધી કાઢે... કુટુંબ પણ જોજે પૈસે ટકે.. ને મોટી બહેન...એ આગળ બોલી ના શકી કદાચ તેને તકલીફ પડતી હતી કે પછી હોસ્પિટલ ની મરણ શૈયા પર પણ તેને બીક હશે કે તેની વાત સાંભળી ને વીર ઉભો થઈને દર વખત ની જેમ છણકો કરી જતો રહેશે.

“કદાચ નવ્યા એવું કહેવા માંગતી હશે કે મોટી બહેન નું ચલણ હોય તેવા ઘરથી તો મારી દીકરીને દૂર જ રાખજે” – નવ્યા અને વીર ના સંવાદ ની સાક્ષી હતી એવી નવ્યા ની નાની બહેન નરેષા ઘણી વાર કહેતી. વર્ષો વીત્યાં નવ્યા ના મરણ ને. એની દીકરી અનન્યા હવે મોટી થઇ ગઈ હતી. વીરે ફરીથી લગ્ન કરી લીધેલાં. સૌમ્યા અલબત્ત દેખાવ અને અન્ય તમામ રીતે નવ્યા કરતાં ઉતરતી હતી. પણ સંસાર રથ ચલાવવા વીર ને બીજા પૈડાની ખોટ કાયમ માટે પોસાય તેમ ન હતી. અનન્યા અલબત્ત વીર પાસે જ રહેલી. પણ અપરમા સૌમ્યા ક્યારેય નવ્યા ની ખોટ તો ના જ પુરી શકે અને અનન્યા ના નસીબ માં આજીવન એક ખોટ રહેવાની એ વાત બધાએ સ્વીકારી લીધેલી. નવ્યા ની બહેન, અનન્યા ની માસી નરેષા પોતે જાણતી હતી કે વીર ની મોટી બહેન ની સતત દખલગીરી નવ્યા ની હતાશા અને તેની આત્મહત્યા નું કારણ હતી. નવ્યા ના મૃત્યુ સમયે નરેષા પરાણે પંદર વર્ષની હતી. પણ તે બધું સમજતી હતી. અને તેના મન માં વીર માટે નફરત હતી એટલી જ નફરત તેની મોટી બહેન માટે હતી. જે પોતાની મોટી બહેન નવ્યા ની આત્મ હત્યા નું કારણ બનેલી.

અનન્યા ની વેદના તો જુદી જ હતી. નવ્યા ની કોઈ છબિ તેનાં માનસ પટ પર નહતી. કે નહતી કોઈ છબિ ઘર ની દીવાલો પર. મોટી બહેને કહેલું કે “અનન્યા જુએ ને પૂછે ...ખોટી મન માં ઝૂરે નહી સારું.” અને વીરે નવ્યા ની કોઈ છબિ દીવાલો પર રહેવા નહી દીધેલી નવ્યા ને ફોટા નો ખુબ શોખ. પોતાનાં ઘણા ફોટા તેણે મઢાવી ઘર ની દીવાલો સજાવેલી. પણ મોટી બહેન ના સુચન થી એક પણ છબિ હવે દીવાલ પર નહતી. .કોઈ યાદ જ ન હોય ત્યાં યાદ કરી ને રડવા નો પ્રશ્ન જ ન હોય પણ અનન્યા ને રડાવવા અપરમા સૌમ્યા નું વર્તન પૂરતું હતું. અનન્યા પાંચ વર્ષ ની થઇ ત્યારે વીર ફરી થી બાપ બન્યો.-સૌમ્યા ના પુત્ર નો. સૌમ્યા માટે હવે પોતાનાં પુત્ર અને અનન્યા માટે ભેદ ભાવ રહેવાનો એ વાત ની વીર ને ખબર હતી. પણ સૌમ્યા ની પોતાનું સંતાન હોય એવી સહજ ઈચ્છા આગળ એણે ચુપ રહેવું પડેલું. અનન્યા ને મન તો ગુડ્ડુ ભાઈ જ હતો. સગા-સાવકા ના ભેદ થી હજી એ અજાણ હતી.

અનન્યા મોટી થતી ગઈ તેમ તેમ સૌમ્યા નો ત્રાસ અને પોતાના બાપ ની ચુપકીદી થી અકળાઈ ગઈ. મોસાળ જતી ત્યારે પોતાની માતા વિષે અને પિતા પર ફોઈ ના પ્રભુત્વ વિષે જાણતી. નરેષા અનન્યા ને બધું કહેતી. અનન્યા નાની ઉંમર માં ઘણું સમજી ગઈ. શાળા માં ભણતી અનન્યા નાની મોટી રકમ ની જરૂર પડે ને પપ્પા હાજર ન હોય તો પડોશી પાસે પૈસા માંગી લઇ જતી. ઘર નું ઘણું કામ નાની ઉંમર થી તેને માથે આવી પડ્યું. આવાં કેટલાં ઉદાહરણ જોઈએ અપરમા નું વર્તન સમજવા?

વીર સૌમ્યા સાથે સેટ હતો. મોટી બહેન પણ હવે વધતી ઉંમરે ઓછું આવતાં. તેમનો દીકરો હવે પરણી ગયેલો અને વહુ ને ઘર માં મદદ કરાવવાની હોઈ અવર નવાર હવે પિયર આવવું સહેલું ન હતું રહ્યું.ગુડ્ડુ પણ મોજ થી મોટો થતો ગયો. નવ્યા ની ખોટ કોને પડે?

આંગળી થી નખ વેગળા.

હા, નાનપણ થી જ ઓરમાયું વર્તન જીરવી જુવાન થયેલી અનન્યા મન માં મુરઝાતી રહેલી. સતત અવહેલના ને પક્ષાપાત સહી ઉછરેલી અનન્યા ની આંખો માં હંમેશાં એક ઉદાસી રહેતી. જયારે હસે ત્યારે ખુબ સુંદર દેખાતી અનન્યા મન ભરી ભાગ્યે જ હસતી. તેની કોઈ માંગ પુરી ન થાય ત્યારે તેની પાછળ સારા-નરસા નો ભેદ સમજવા ને બદલે તેને પપ્પા નો પક્ષાપાત કે નવી માં નો પ્રભાવ જ લાગતો અને આમ ને આમ તે પ્રેમ તરસી રહી.પોતાના પિતા માટે પણ અનન્યા ને થોડો રોષ હતો. ક્યારેક તેની ગેર વ્યાજબી વાત નકારતી ત્યારે પણ તેને અપરમા નો હાથ જ લાગતો. અલબત્ત તે સમજણ આવ્યાં પછી પિતા સાથે ઝઘડતી નહતી.

માસી અને પડોશીઓ પાસેથી અનન્યા એ જાણેલું કે તે દેખાવ માં અદ્દલ તેની માં નવ્યા જેવી હતી. એકવાર મોસાળ ગઈ ત્યારે નાની પાસે થી પોતાની માં નો ફોટો લઇ આવેલી. તેણે વીર ને નવ્યા નો ફોટો મઢાવી દીવાલ પર લગાવવાની ઈચ્છા વ્યક્ત કરેલી. અને ત્યારે જાણેલું કે નવ્યા ને ફોટા નો ખુબ શોખ હતો અને ઘણા ફોટા તેણે જાતે મોટા કરાવી દીવાલો સજાવેલી. પણ તેના મોત પછી મોટી બહેન એટલે કે અનન્યા ના ફોઈ ના સુચન થી વીરે ફોટા ઉતારી લીધેલા. હવે નવી પત્ની સૌમ્યા ને આટલાં વર્ષો પછી નવ્યા નો ફોટો નહી ગમે એમ વિચારી વીરે અનન્યા ની ઈચ્છા પુરી નહી કરેલી.

પ્રેમ તરસી અનન્યા સોળ વર્ષ ની કાચી ઉંમરે પ્રેમ માં પડી. અને અઢાર પૂરાં કરતાં તો પરણી પણ ગઈ. કન્યાદાન નરેષા માસી એ કર્યું. લગ્ન માં કોઈ નો ખાસ ઉત્સાહ ન હતો. કારણ જય કઈ ખાસ ભણેલો ન હતો કે ન હતો પૈસાદાર બાપ નો દીકરો. કોણ જાણે શું જોઈને અનન્યા ને ગમી ગયો હશે? હા, એ હતો એક નો એક. ભાઈ-બહેન નહી. વીરે લગ્ન પહેલાં બહુ વિરોધ કરેલો. અનન્યા ને સમજાવવા ખુબ પ્રયત્ન કરેલો. પણ અનન્યા ના સમજી.

“તારી માં એ મરતાં મરતાં મને કહેલું કે મારી દીકરી ને સારી જગ્યાએ પરણાવજે ...પૈસે-ટકે બધી રીતે ઘર જોજે.” – વીર .

“મારી માં એ તો એ પણ કહેલું કે મોટી બહેન નું રાજ હોય એ ઘર થી તો દૂર જ રાખજે, મને બધી ખબર છે....(નરેષા એ કરેલ અર્થઘટન અનન્યા ના માનસ પટ પર અંકિત હતું) અનન્યા પહેલી વખત પિતા સાથે ઝઘડી રહી હતી. અને આજે તમને મારી માં યાદ આવી? એટલું બધું હતું તો મરવા કેમ દીધી? અને તમારી બહેને કહ્યું તો એનો ફોટો પણ ભીત પર નથી રહેવા દીધો? પૈસો નહી હોય તો કમાઈ લઈશું. પણ મારે મારી મારી માં ની જેમ મરવા નો વારો નહી આવે.

દીકરી ના શબ્દો સામે વીર હારી ગયો.

લગ્ન સંપન્ન થયાં.

અનન્યા ની જીદ હતી,”કન્યાદાન કરવા પપ્પા એકલા બેસે, અપર માં સૌમ્યા સાથે નહી.”

સૌમ્યા ની નારાજગી અને સમાજ ના લોકો ને વાતો કરવા મુદ્દો મળે એ બંને બીકે વીરે રસ્તો કાઢ્યો કે કન્યાદાન તેની ફોઈ કરશે.

અનન્યા એ ચોખ્ખી નાં પાડી. અપર માં કરતાં પોતાની માં ના મોત નુ કારણ ફોઈ તેના માટે વધારે ધ્રુણાસ્પદ હતી. એટલે માસી નો વારો આવ્યો.

પણ વીર ને જય પસંદ ન હતો એટલે લગ્ન પણ સાદગી થી થયાં.

લગ્ન માં અનન્યા ને કઈ ખાસ આપ્યું પણ નહી. અલબત્ત કરિયાવર બાબતે બોલનાર અનન્યા ને સાસરે કોઈ ન હતું. અનન્યા કામ માં પણ અપરમા ની છત્ર છાયા માં ઘડાયેલી એટલે કામ બાબતે તેને ટોકવી જ ન પડતી. અનન્યા જય ના પ્રેમ માં સુખી હતી. પિયર આવતી પણ ઓછું. સૌમ્યા કે વીર ઉમળકા થી બોલાવે તો ને? સૌમ્યા એ લગ્ન કરી ગયેલી દીકરી નો એક ફોટો સુદ્ધાં દીવાલ પર ના રાખ્યો.કન્યાદાન કરવા પપ્પા એકલા બેસે એ અનન્યા ની જીદ તેનાં સ્વમાન પર ઘા કરી ગયેલી. અને શ્રાદ્ધ કે તિથી વખતે હાર ચઢાવવા પુરતો ય નવ્યા નો ફોટો તો વીરે રાખ્યો જ ન હતો. “આંગળી થી નખ વેગળા”

ભાઈ ગુડ્ડુ ને પોતે નાનપણ માં ઉચકી ને ફરતી. પિયર જાય ત્યારે એ ધારે તો બસસ્ટેન્ડ લેવા આવી શકે તેનું બાઈક લઇ ને, પણ ગુડ્ડુ ન આવતો. અને અનન્યા વેકેશન માં ના જાયતો ગુડ્ડુ પણ યાદ કરી ના બોલાવતો. પણ છતાં અનન્યા ખુશ હતી. જય તેને ખુશ રાખતો. સમજતો અને સૌથી વધુ તો તેને સાચવતો. સંસાર ચક્ર માં અનન્યા પરોવાઈ ગઈ. બે દીકરા ની માતા બની ગઈ.

જય ધીમે ધીમે ધંધો વિકસાવતો ગયો. કિસ્મતે સાથ આપ્યો અને લગ્ન નાં દસ વર્ષ પછી નવા બંગલા માં શિફ્ટ થતી અનન્યા પાસે પોતાની કાર હતી. હવે તે હસતી.. ખુલ્લા મને હસતી.

તેના નવા ઘર માં તેની ખુબસુરત મમ્મી નવ્યા ની છબિ પણ હવે તો હતી ને ....