Nokhi Matino Manvi books and stories free download online pdf in Gujarati

નોખી માટીનો માનવી

નોખી માટીનો માનવી

લેખક : વિકી ત્રિવેદી

#GreatIndianStories

આ વાર્તા છે એક એવા વ્યક્તિની - ગુજરાતના એક એવા પુત્રની જેના માટે ન માત્ર આપણને ગર્વ જ થાય પણ પ્રોત્સાહન મળે! આ વાર્તા છે એક એવા હીરોની વાસ્તવિક કહાની જેને ભાગ્યે જ લોકો આજે ઓળખે છે.

નામ : ત્રિભોવનદાસ કલ્યાણદાસ ગજ્જર

જન્મ : ઓગસ્ટ 1863

અવસાન : જુલાઈ 16, 1920

ટૂંકમાં પરિચય : ત્રિભોવનદાસ ગજ્જર સુરતમાં એક સુથાર પરિવારમાં જન્મ્યા હતા. તેમના પિતાજી સ્કલ્પચર આર્ટીસ્ટ હતા. મેટ્રિક સુધી ત્રિભોવનદાસે પિતાજી પાસેથી જટિલ કોતરણી કામ શીખ્યું અને પરંપરાગત કળાઓનું જ્ઞાન મેળવ્યું. એ પછી તેમને સાયન્સમાં રસ પડ્યો અને તેમણે મુંબઈની એલ્ફીનસ્ટોન કોલેજમાં એડમીશન લીધું. કેમિસ્ટ્રી મુખ્ય વિષય રાખીને બી.એસ.સી.માં તેમણે 75 % મેળવ્યા હતા. તેમની પ્રતિભા, કુશળતા અને કાર્યદક્ષતા ત્યારથી જ વિકસવા લાગી હતી. પોસ્ટ ગ્રેજ્યુએશન દરમિયાન ગજ્જર બીજા વિદ્યાર્થીઓને ભણાવવા લાગ્યા હતા.

*

ત્રિભોવનદાસ ગજ્જરે જયારે ગ્રેજ્યુએશન પૂરું કરી લીધું ત્યારે અંગ્રેજ સાશન હતું અને એ દરમિયાન ભારતની આર્થિક સ્થિતિ ભયાનક રીતે કથળી હતી. ગૃહ ઉધોગો પડી ભાંગ્યા હતા. મોટા ભાગના કારીગરો બેકાર બનવા લાગ્યા હતા. ત્રિભોવનદાસ ગજ્જર ખુદ ખૂબ હોશિયાર અને ખંતીલા હતા પરિણામે પોતે તો રોટલો રળતા થઈ ગયા પણ તેમને ભારતના લોકોને સ્વાવલંબી બનાવવા હતા. ગમે તેમ કરીને મારે મારા લોકોને પગ ઉપર ઉભા કરવા જ પડશે. સતત આ એક જ વિચાર તેમના મનમાં ફર્યા કરતો.

આખરે ગજ્જરે એક નિર્ણય લીધો. તે સુરત ગયા અને ત્યાં કોટેજ ઇન્ડસ્ટ્રી સ્કૂલની (ગૃહ/કુટીર ઉધોગ શાળા) સ્થાપના કરી. શાળામાં યુવા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક કળા કૌશલ્યો વિકસાવી તેમને સ્વાવલંબી બનાવવાનો હેતુ સિદ્ધ કરવા તેમણે એ સાહસ કર્યું પણ લાંબો સમય એ હેતુ સિદ્ધ ન થઈ શક્યો. વારંવાર ભલામણ કરવા છતાં બ્રિટિશ સરકારે તેમાં કોઈ ખાસ સહાય ન કરી અને ખાસ ભંડોળ પણ મળ્યું નહિ એટલે ગજ્જરની શાળા બંધ થઈ ગઈ.

શાળા બંધ થવાને લીધે ગજ્જર થોડા હતાશ તો થયા તેમ છતાં તે ભાંગી પડે કે કામ પડતું મૂકે એ મતના ન હતા. તેઓ સતત પ્રવૃતિશીલ અને વિચારશીલ રહેતા. દરમિયાન તેમણે બીજા પ્રયત્નો ચાલુ જ રાખ્યા. થોડા સમય પછી તેમને મુંબઈ સરકારે કરાંચીની સિંધ કોલેજમાં મહિનાના 300 રૂપિયા પગાર લેખે કેમેસ્ટ્રીના પ્રોફેસર તરીકે નિમવાની દરખાસ્ત કરી અને બીજી તરફ તે જ સમયે વડોદરાની કોલેજે પણ એ જ વિષય માટે તેમને મહિને રૂપિયા 200 ના પગાર લેખે કેમેસ્ટ્રી પ્રોફેસરતરીકે નિમવાની દરખાસ્ત કરી. આમ તો સિંધ કોલેજમાં પગાર દેખીતી રીતે જ વધારે હતો પણ ગજ્જરે વડોદરા કોલેજમાં જવાનું નક્કી કર્યું. તેના બે કારણ હતા એક તો ગજ્જરને માત્ર પૈસા કમાવામાં રસ ન હતો બીજું કે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ખુદ પણ એ સમયે કુટીર ઉધોગના વિકાસ કરવાના મતમાં હતા. મહારાજા સયાજીરાવ ગાયકવાડ કોટેજ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપતા હતા એ પ્રોફેસરગજ્જરને ખૂબ ગમ્યું હતું અને તેથી જ તેઓ વડોદરા કોલેજમાં સેવા આપવા જોડાયા.

સુરતમાં શાળામાં નિષ્ફળતા મળી એટલે પ્રોફેસર ગજ્જરે વડોદરામાં વધારે ઉત્સાહથી કામ શરુ કર્યું. વડોદરા કોલેજમાં ગયા પછી પોતાના ખંત, લગન અને બુદ્ધિથી તેમણે જે રીતે કામ કર્યું એનાથી બધાના હ્રદય જીતી લીધા. સુપરવાઈઝર પણ તેમના કામ અને ખંતથી પ્રભાવિત થયા. થોડાક સમય પછી તેમને બીજા થોડાક હોશિયાર વિદ્યાર્થીઓ સાથે વિદેશ જઈને આગળ ભણવાનો ઓર્ડર મળ્યો. ત્યાં તેમને ફાર્મિંગનું શિક્ષણ લેવાનું અને ત્યાંથી પરત આવીને તેમને રેવેન્યુ કલેકટર બનાવવાનું નક્કી થયું પણ પ્રો. ગજ્જરે એ વાતનો અસ્વીકાર કર્યો.

"સુપરવાઈઝર સાહેબ મારે અહીં મારા દેશમાં જ વિકાસ કરવો છે. મારે વિદેશ નથી જવું."

"પણ મી. ગજ્જર તમારા જેવા હોનહાર વ્યક્તિએ વધારે અભ્યાસ કરીને અહીં આવવું જોઈએ જેથી વધારે લોકોને તમે શીખવી શકો." સુપરવાઇઝરે ગજ્જરને સમજાવ્યા હતા પણ ગજ્જર માટે દેશ અને દેશના લોકોથી વધારે કઈ ન હતું.

ઘણી ચર્ચા પછી ગજ્જરે પોતાના સુપરવાઈઝરને સમજાવ્યું કે મારે વિદેશ નથી જવું મને રાજ્યના પ્રિન્ટીંગ અને ડાઈ(રંગ કામ)નું કામ કરવાદો. હું અહી વિકાસ કરીશ. આખરે સુપરવાઈઝર માન્યા અને ગજ્જરને પોતાની ગણતરી મુજબ કામ કરવાની છૂટ આપી.

પ્રિન્ટીંગ અને રંગાન કામમાં જોડાયેલા પરિવારોને ગજ્જરે વિજ્ઞાનિક ઢબે ટ્રેઈનીંગ આપવાનું શરુ કર્યું. એ કામ માટે પ્રોફેસર ગજ્જરને મહારાજા સયાજીરાવ અને વડોદરાની પ્રજાનો પણ સહકાર મળ્યો.

એ કામ સારું એવું ચાલ્યું પછી એકવાર તે મહારાજાને મળવા ગયા અને કલા ભવન જેવી કોટેજ ઇંડસ્ટ્રી બનાવવાનું કેટલું મહત્વ છે તે સમજાવ્યું. સયાજીરાવ સાથે એ દિવસે ખૂબ ચર્ચા કર્યા પછી બંને છુટા પડ્યા.

એ પછી અવારનવાર સયાજીરાવ સાથે મુલાકાતો થઈ અને આખરે ૧૮૯૦માં વડોદરામાં 'કલા ભવન' સ્થાપવામાં આવી અને તેની બધી જ જવાબદારીઓ પ્રોફેસરગજ્જરે સ્વીકારી. તેના માટેનું ભંડોળ પણ તેમને આપવામાં આવ્યું.

કઈ રીતે કામ કરવું? કોની પાસે શુ કામ કરાવવું? પ્રચાર અને પ્રસાર કઈ રીતે કરવો? એ બધી જ જવાબદારીઓ અને આયોજન પ્રોફેસર ગજ્જરે ખૂબ ઉત્સાહપૂર્વક નિભાવ્યા અને માત્ર ટૂંકા સમય ગાળામાં જ 800 વિદ્યાર્થીઓ શાળામાં જોડાયા.

જેમ જેમ વધુને વધુ વિદ્યાર્થીઓ જોડાવા લાગ્યા તેમ તેમ પ્રોફેસર ગજ્જરે સખત મહેનત કરીને કાર્પેન્ટરી(સુથારીકામ), ડ્રોઈંગ(ચિત્રકામ), આર્કીટેક્ચર, બિલ્ડીંગ કન્સ્ટ્રકશન, કેમિસ્ટ્રી, ફીજીક્સ વગેરે કોર્ષ ઉમેર્યા અને દરેક કામ વિષે વિદ્યાર્થીઓને માહિતી આપવાનું શરુ કર્યું અને વિદ્યાર્થીઓમાં તેની ઝડપી અસર દેખાવા લાગી.

એ સમયે અમુક વિદ્યાર્થી ખૂબ ગરીબ પરિવારમાંથી આવતા એટલે આર્થિક નબળા વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા પણ પૂરી પાડી.

પ્રોફેસર ત્રિભોવનની પ્રબળ ઈચ્છા એ હતી કે આપણો દેશ કોટેજ ઇંડસ્ટ્રી(કુટીર ઉદ્યોગ) અને વિજ્ઞાન ક્ષેત્રે વિશ્વના બીજા દેશો સાથે સરખામણી કરી શકે. મારો દેશ ગમે તેમ કરીને દુનિયાના બીજા દેશ જેમ સદ્ધર બને એ માટે મારે હજુ ઘણું કરવાનું બાકી છે એ વિચાર સતત એમના મનમાં ડોકાયા કરતો.

વડોદરા ઇન્સ્ટીટ્યુટમાં શરુઆતના પાયાની સમસ્યાઓનું નિરાકરણ કર્યા પછી પ્રોફેસર ગજ્જરે આગળનું વિચારવાનું શરુ કર્યું. તેમને લાગ્યું કે સ્ટડી મટેરિયલ પ્રાદેશિક ભાષાઓમાં લખાવું અને છપાવું જોઈએ. અંગ્રેજીમાં, જર્મન કે બીજી ભાષામાં લખાયેલા પુસ્તકો વિદ્યાર્થીઓ સમજી નથી શકવાના એ માટે મારે કંઈક કરવું પડશે. રાત દિવસ તેમને એ જ વિચાર આવતો. જો માતૃભાષામાં ભણવા ન મળે તો કોઈ પણ વિષય આત્મસાત કરી ન જ શકાય એ વાત પ્રોફેસર બરાબર જાણતા હતા અને તે માટે તેમણે એક ડીક્ષનરી બનાવી. અલબત્ત પ્રોફેસર ત્રિભોવનદાસ ગજ્જરને જર્મન ભાષા પણ આવડતી હતી. તેમણે ગૃહ અને કુટીર ઉદ્યોગો ઉપર લખાયેલા જર્મન પુસ્તકો અને પત્રીકોના અનુવાદ કર્યા અને પોતાના ‘રંગ રહસ્ય’ નામના મેગેજીનમાં પ્રકાશિત કર્યા. એનાથી નવા વિદ્યાર્થીઓને નવી તકનીકો શીખવામાં ખુબ સરળતા સાંપડી.

તેમના અનુવાદિત પુસ્તકો અને પત્રિકાઓને લીધે પહેલા કરતા પણ વધારે વિદ્યાર્થીઓ ઝડપથી તૈયાર થવા લાગ્યા. ધીમે ધીમે કલા ભવનમાંથી ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓની માંગ વધવા લાગી. પાંચ વર્ષમાં તો કલા ભવન પ્રોફેસર ગજજરની આત્મા જેવી બની ગઈ. જેમ જેમ વિદ્યાર્થીઓ તૈયાર થવા લાગ્યા તેમ તેમ પ્રોફેસર ગજ્જરનો ઉત્સાહ વધતો ગયો.

પણ આખરે આ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિચારીને ઝડપથી વિકાસ કરતા ગજ્જરને જોઇને અમુક લોકોને ઈર્ષા થવા લાગી. અમુક નજર પ્રોફેસર ઉપર પડી અને ગજ્જર અમુક લોકોની આંખમાં કાંકરાની જેમ ખૂંચવા લાગ્યા. તેમાં માત્ર બ્રિટિશરો જ નહીં આપણા ગુજરાતના પણ લોકો હતા જે ગજ્જરની પ્રિસિદ્ધિ જોઈ શકતા નહિ. ઘણો સમય ગજ્જરે એવા લોકોને અવગણે રાખ્યા - પણ એવા ઈર્ષાળુ લોકોની ખોટી જાહેરાતો અને અફવાહોને લીધે પ્રોફેસર ગજ્જરને ૧૮૯૬માં ઇન્સ્ટીટયુટમાંથી રીઝાઈન કરવું પડ્યું.

આમ બીજી વખત પણ પ્રોફેસર ગજ્જરને સામે પૂરે તરવાનું આવ્યું છતાં ગજ્જર એમ હારીને બેસી રહે તેવા ન હતા. એ મુબઈ ગયા. મુબઈમાં તેઓ વિલસન કોલેજમાં ફરી કેમેસ્ટ્રી પ્રોફેસર તરીકે જોડાયા. ત્યાં પણ તેમણે પોતાની કુશળતા અને નિપુણતા બતાવવી શરુ કરી દીધી. તેમણે શિક્ષણ ક્ષેત્રે સુધારા અને પાઠ્યક્રમનું અધુનીકીકરણ કરવાના સખત પ્રયત્નો કર્યા. એ માટે ઘણી ચર્ચાઓ કરી ઘણા લોકોને સમજાવ્યા. તેમણે પોતે પણ એ દિશામાં ઘણો અભ્યાસ કર્યો.

ગજ્જર વિલસન કોલેજમાં હતા એ સમય દરમિયાન મુબઈમાં એક દુઃખદ સ્થિતિ ઉભી થઇ હતી. મુંબઈમાં ભયંકર પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો અને કોઈ દવા અસરકારક ન નીવડી. લોકો બીમારીમાં ઝડપથી મરવા લાગ્યા. એ સ્થિતિમાં ઘણા વિજ્ઞાનીઓએ પ્રયત્નો કર્યા પણ કશું જ ફેર ન પડ્યો. પ્લેગમાં હજારો લોકો મરવા લાગ્યા. હોસ્પિટલોમાં મૃત શરીર અને જીર્ણ થયેલા દેહ જોઈને પ્રોફેસર ગજ્જરને ખૂબ લાગી આવ્યું અને તેમણે પણ એ દિશામાં પ્રયત્નો શરૂ કર્યા. આખરે ગજ્જરે એવી દવા શોધી જે અસરકારક નીવડી.

એ સમયે કેટલાક અધિકારીઓ અને મિત્રોએ દવાનું પેટન્ટ લઈને ઝડપથી પૈસા કમાવાનું સૂચન કર્યું પણ ગજ્જરે ના પાડી. તેમણે સીધી જ દવાઓ દુનિયા સામે લોકો માટે રજુ કરી કારણ કે તેમનો હેતુ પૈસા કમાવવાનો ન હતો માત્ર લોકોના જીવ બચાવવાનો હતો.

એક અધિકારીએ તો કહ્યું હતું, "આ દવા જો પેટન્ટ નહિ કરાવો મી. ગજ્જર તો શક્ય છે કોઈ બીજાના નામે પણ કાલે પ્રસિદ્ધિ આવે."

"શક્ય છે પણ અત્યારે પેટન્ટ કરાવવાનો સમય નથી. લોકોના જીવ બચાવવા એ જ સાયન્સની સૌથી મોટી સિદ્ધિ છે. નામ કે પૈસા કમાવવા જરૂરી છે પણ આવી પરિસ્થિતિમાં નહિ." ગજ્જરે સ્પષ્ટ શબ્દોમાં કહીને દવા લોકોના જીવ બચાવવા માટે પ્રજામાં મૂકી હતી. એ દવાથી હજારો લોકોના જીવ બચાવી શકાયા હતા.

એ પછી ૧૮૯૮માં પોતાના ખર્ચે તેમણે ટેકનોકેમિકલ લેબોરેટરી નામની ખાનગી લેબોરેટરી બનાવી. ધીમે ધીમે તેમણે લેબોરેટરીનો વિકાસ કર્યો અને પછી તો મુંબઈ યુનિવર્સીટી અને ગ્રાન્ટ મેડીકલ કોલેજ બંને સંસ્થાઓએ પોતાના વિદ્યાર્થીઓ માટે ગજ્જરની એ લેબોરેટરી સંસ્થાને માન્યતા આપી.

૧૮૯૮માં જયારે ગજ્જર લેબોરેટરીના વિકાસમાં વ્યસ્ત હતા ત્યારે એકાએક જ એક એવી ઘટના ઘટી જેનાથી ગજ્જર આખીયે દુનિયામાં પ્રખ્યાત થઇ ગયા. એ ઘટના મુંબઈના એસ્પેલેનેડ રોડ ઉપર ઘટી જ્યાં રાણી વિક્ટોરિયાનું પુતળું હતું. કોઈકે રાતોરાત રાણી વિક્ટોરીયાના પુતળા ઉપર કાળો રંગ કરી નાખ્યો હતો. એ રંગ કોઈ પણ રીતે કાઢી શકાય તેમ ન હતો. હોહા મચી ગઈ હતી. બ્રિટીશ સરકારે તાત્કાલિક પુતળું સાફ કરવાનો પ્રયાસ કર્યો પણ નિષ્ફળ રહ્યા. આખીયે દુનિયામાંથી નિષ્ણાતોને બોલાવી લવરાયા પણ એકેય નિષ્ણાત રંગ કાઢી ન શક્યો.

આ વાત પ્રોફેસર ગજ્જરને સાંભળવા મળી અને તેમણે રંગ કાઢી આપવાની વાત કરી. સરકારે તાત્કાલિક ગજ્જરને બોલવડાવ્યા અને પૂતળાના એક ભાગમાંથી રંગ કાઢવાનું કહ્યું. ધોતી અને કાળા કોટમાં મોટી મૂછોવાળા પ્રોફેસર ગજ્જર એ કામ કરી શકશે જે દેશ વિદેશના વિજ્ઞાનીઓ નથી કરી શક્યા એ પ્રશ્ન બ્રિટીશરોના મનમાં થયો હતો એટલે જ પહેલા માત્ર એક ભાગનો રંગ કાઢવા કહ્યું. પણ ગજ્જરે એક હિસ્સાના જ નહિ આખાય પુતળાનો રંગ થોડાક જ દિવસોમાં સાફ કરી નાખ્યો. અંગ્રેજ અધિકારીઓ તેમનાથી પ્રભાવિત થયા. મુબઈમાં એ સમાચાર ફેલાઈ ગયા કે પ્રોફેશર ગજ્જરે રાણી ઇક્ટોરીયાના પુતળા ઉપર લગાવેલો કાળો રંગ કાઢી નાખ્યો જે વિદેશના વિજ્ઞાનીકો પણ કાઢી નહોતા શક્યા.

આખાય વિશ્વના સમાચાર પત્રો અને મેગેજીનમાં પ્રોફેસર ગજ્જર અને રાણી વિક્ટોરિયાના પૂતળાની વાત છપાઈ. અને આખીયે દુનિયામાં વિશ્વવ વિખ્યાત કેમિસ્ટ (રસાયણ શાસ્ત્રી) તરીકે પ્રોફેશર ત્રિભોવનદાસ ગજ્જરનું નામ નોધાયું. બ્રિટીશરો ત્યારથી પ્રોફેસર ગજ્જરને માનવા લાગ્યા હતા. એ ઘટના પછી બ્રિટીશ અધિકારીઓ ગજ્જરનું સન્માન કરવા લાગ્યા. દેશના અને વિદેશના વિજ્ઞાનીઓ સાથે તેમની મુલાકાત થઇ.

એ પછી ગજ્જરે એવું એક સંશોધન કર્યું જેનાથી પૈસા અને વધુ પ્રખ્યાતી બંને મળ્યા. ગજ્જરે પીળા પડી ગયેલા મોતી ઉપરથી દાગ કાઢી અને ફરીથી ચમકાવી નાખવાની એક નવી પદ્ધતિ વિકસાવી. ત્યારે ભારતના પ્રખર રસાયણ શાસ્ત્રી આચાર્ય પ્રફુલ્લ ચંદ્ર રોયે આ અદભુત સમાચાર સાંભળીને ગજ્જરને અભિનંદન પાઠવ્યા હતા.

આ તકનીક વિકસાવીને ગજ્જરને એક લાખ રૂપિયા મળ્યા હતા. એ મૂડીમાંથી ગજ્જરે ‘એલેમ્બિક કેમેસ્ટ્રી વર્કસ’ નામની એક સંસ્થા વડોદરામાં ઉભી કરી. સંસ્થા ઉભી કરવા તેમના વિદ્યાર્થી શ્રીકોટી ભાસ્કરે ખુબ સહકાર આપ્યો. સંસ્થા બનાવ્યા પછી શ્રીકોટીને જેર્મનીમાં સપેસીયાલીઝ કોર્ષ કરવા માટે મોકલ્યો.

શ્રીકોટી જર્મનીમાં અભ્યાસ કરતો હતો ત્યારે પ્રો. ગજ્જરે ગોવર્ધનરામ ત્રિપાઠીની સરસ્વતીચંદ્ર નવલકથા વિષે સાંભળ્યું અને તેમણે એ વાંચી અને ‘કલ્યાણ વિલેજ’ના કોન્સેપ્ટથી(આયોજન) તેઓ ઈમ્પ્રેસ થયા. ગજ્જર ગોવર્ધનરામ ત્રીપાઠી સાહેબને વ્યક્તિગત મળ્યા અને કલ્યાણ વિલેજના વિચાર આયોજન ઉપર ખુબ ચર્ચાઓ કરી. પછીથી પ્રોફેસર ગજ્જર અને ગોવર્ધનરામ ત્રિપાઠી ખુબ ઉમદા મિત્રો બન્યા. મુંબઈમાં તેમણે અંધેરીમાં એક નવી સ્કીમ શરુ કરી. લોકોના કલ્યાણ માટે તેમણે કુટીર ઉદ્યોગ અને ટ્રેડીશનલ કળાઓના વિકાસ માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું.

પણ આખરે પ્રોફેસર ત્રિભોવનદાસ ગજજરના જીવનમાં એ જ થયું જે માનવ જાતિમાં થતું આવ્યું છે. તેમના આટલા બધા સંશોધનો અને સખત મહેનતથી તેમની સંપત્તિ સારા એવા પ્રમાણમાં વધી હતી. ગજજરની સંપત્તિને લીધે પરિવારમાં ઝઘડા શરુ થયા અને છેક કોર્ટ સુધી વાત ગઈ. જોકે ગજ્જર કેસ તો જીતી ગયા પણ માનસિક શાંતિ અને ઘણા બધા રૂપિયાની ખુવારી થઇ. ગજ્જરને આ ઘટનાથી ખુબ દુ:ખ થયું. તેમને ખુબ આઘાત પણ લાગ્યો.

અને તે જ સમયે એક બીજો આઘાત તેમને મળ્યો. તેમની પત્ની પણ ગુજરી ગયા. નસીબનુંચક્ર એકાએક જ તેમના વિરુદ્ધ ફરવા લાગ્યું. તેઓ એકલા પડી ગયા અને હતાશ થઇ ગયા.

પત્નીના મૃત્યુ પછી પ્રોફેસર ગજ્જર ક્યારેય પહેલાની જેમ આનંદી અને ઉત્સાહી ન રહી શક્યા. દુઃખ, હતાશા તેમની ઘેરી વળી. તેઓ સાવ એકલા પડી ગયા. પરિવારના લોકોએ તો પહેલેથી જ કેસ કરીને તેમને આઘાત આપ્યો હતો અને એકાએક પત્ની પણ ગુજરી ગઈ એટલે પ્રોફેસર પોતાના વિષય પોતાના કામમાં બરાબર ધ્યાન આપી ન શક્યા. ત્યારથી તેમની લેબોરેટરી પણ અસ્તવ્યસ્ત થવા લાગી.

અને એ જ ગાળામાં એક બીજા આઘાતજનક સમાચાર આવ્યા. તેમનો વિદ્યાર્થી શ્રીકોટી ભાસ્કર પણ ગુજરી ગયો. પહેલા પત્ની અને પછી માનીતો વિદ્યાર્થી એમ બે બે પોતાના નજીકના વ્યક્તિઓને માત્ર ટૂંકા સમયમાં ખોઈ નાખ્યા પછી તો પ્રોફેસર ગજ્જર વધુ ઉદાસ રહેવા લાગ્યા.

તેમનું મન કામમાં લાગતું નહી છતાય પોતાની સંપત્તિ અને સ્વાસ્થ્ય અલેમ્બીક કેમિકલના કામને સ્થિર અને નિરંતર ચલાવવા વાપરતા રહ્યા.

ધીમે ધીમે દુ:ખી જીવન અને ચિંતાને લીધે તેમનું સ્વાસ્થ્ય કથળ્યું. તેઓ ઉત્સાહી વ્યક્તિમાથી એકાએક જ ઉદાસ બની ગયા. અને તેના લીધે ધીમે ધીમે તે અનિંદ્રાના રોગનો ભોગ બન્યા. તેઓ એકલવાયું જીવન જીવવા લાગ્યા.

થોડાક સમય પછી તેમની ગાંધીજી સાથે મુલાકાત થઇ અને ગાંધીજીએ તેમને બાકીનું જીવન શાંતિથી અને આનંદથી જીવવાની સલાહ આપી.

આમ તો ગજ્જર પોતે જ પોતાના ડોક્ટર હતા પણ પોતાનું જીવન બચાવી ન શક્યા. પોતાની માનસિક શાંતિ અને શારીરિક સ્વાસ્થ્ય તેઓ ટકાવી ન શક્યા. ૧૬ જુલાઈ ૧૯૨૦ ના દિવસે તેમનો મહાન આત્મા સ્વર્ગે સીધાવ્યો.

અવસાન પહેલા તેમણે પોતાની સખત મહેનતે ભેગી કરેલી સંપત્તિ લોકોના કલ્યાણ માટે અને પોતે બનાવેલી લેબોરેટરી નેશનલ મેડીકલ કોલેજને ભેટ આપીને દુનિયા છોડી દીધી.

પ્રોફેસર ત્રિભોવનદાસ ગજ્જર માત્ર નામ જ પ્રોત્સાહનથી ભરેલું છે. તેમના વિષે વાંચવા માત્રથી પણ પ્રોત્સાહન મળે છે પણ તેમની પાછળની જિંદગી ખુબ કરુણ રહી હતી તે ખુબ દુ:ખદ વાત છે. આપણે આવા મહાન વૈજ્ઞાનિક અને ગુજરાતના અનોખા પુત્રને ભાવભીની શ્રદ્ધાંજલિ આપીએ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED