એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 27 Pinki Dalal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 27

એક ચાલ તારી

એક ચાલ મારી

- લેખક -

પિન્કી દલાલ

( 27 )

સ્વર્ણભૂમિ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પરથી નેપાળ ઍરલાઇન્સની ફ્લાઇટ આરએ ૪૦૨ ટેકઓફ્ફ થવાની તૈયારીમાં હતી. વિક્રમને આશા નહોતી કે આ ગતિથી પરિસ્થિતિ બદલાતી જશે. આટલી ઝડપથી તો પોતે પોતાનો આ વેશપલટો કેમ કરીને જઈ શક્યો એની પણ નવાઇ હજી શમી નહોતી.

વિક્રમે વીસ મિનિટ પહેલાં જ વૉશરૂમના મિરરમાં જોયેલું પોતાનું પ્રતિબિંબ યાદ આવી ગયું : જો પોતે જ પોતાની જાતને પિછાણી ન શક્યો, તો બીજા શું ઓળખી શકવાના ? વિક્રમના ચહેરા પર હળવું સ્મિત ફરકી રહ્યું હોય એમ હોઠ એક મિલિમીટર વંકાયા.

ફોટોગ્રાફરો પહેરે એવું બેજ કલરનું મલ્ટિ-પોકેટ્સ જૅકેટ, વ્હાઇટ ટી-શર્ટ ને નીચે ચોળાયેલું દેખાતું ઓલિવ કલરનું સ્ટોનવૉશ્ડ જીન્સ, ખભે બે ભારેખમ કૅમેરાબેગ, દિવસોથી શેવ ન થઇ હોય એવી થોડી વધી ગયેલી દાઢી અને બાકી હતું એમ વિખરાયેલા ઘૂંઘરાળા વાળને બાંધતો રેડ કલરનો બન્ડાના. પહેલી નજરે તો શું, કોઇ પણ એન્ગલથી ધૂની ફોટોગ્રાફર આબેહૂબ છતો થતો હતો. એક કાનમાં કડી પહેરી લીધી હોત તો બાકી રહેલી કમી પણ પૂરી થઇ જાત.

વિક્રમે સાંજે ઉપડતી નેપાળ એરલાઇન્સ એટલે જ પસંદ કરી હતી કે પહોંચે ત્યારે ખાસ મગજમારી ન થાય.

બસ, હવે વાર હતી માત્ર સાડા ત્રણ કલાકની. એક વાર કાઠમંડુ પહોંચી જવાય પછી તો સુલેમાન સરકારની પણ ઐસી કી તૈસી... વિક્રમે આસપાસ નજર ફેરવી લીધી, રખે કોઇ મનનો વિચાર પકડી ન પાડે !

ફ્લાઇટમાં મોટા ભાગના ફ્લાયર્સ વિદેશી હતા. પોતાની દુનિયામાં મશગુલ, ત્રિભુવન ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર ફ્લાઇટ લૅંન્ડ થઇ ત્યારે વિક્રમની નજર ચારે બાજુ ફરી વળી. ઇમિગ્રેશન કાઉન્ટર પર પાસપોર્ટ જોઇ રહેલા નેપાળી ઑફિસરે ધ્યાનથી વિક્રમનો ચહેરો જોયો :

લિયામ મોન્ત્રી ?

‘યેસ, ધેટ’સ રાઇટ. ;વિક્રમે ટૂંકો જવાબ આઅપ્યો. ઑફિસરે ફરી એક વાર પાસપોર્ટ જોઇ પરત આપ્યો :

હૅવ અ પ્લેઝન્ટ સ્ટે ઇન નેપાલ...

ઍરપોર્ટની બહાર નીકળી રહેલા વિક્રમની ખુશીનો પાર નહોતો. પોતે જેને મિશન ઇમ્પોસિબલ સમજી રહ્યો હતો એ કામ તો સુલેમાન સરકારની મદદથી થોડાં કલાકમાં પાર પડી ગયું હતું. જો ગ્રાફ આ જ રીતે રહે તો તો... વિક્રમના હોઠ વ્હીસલ મારવા વંકાયા અને અચાનક મગજે ઍલાર્મ વગાડ્યું :

હેય... તું વિક્રમ નથી લિયામ છે, તારું આ ઈન્ડિયન સોન્ગ ક્યાંક બાજી પલટી ન દે...

ટેક્સી ટેકસી...’ ઍરપોર્ટની બહાર નીકળૅતાં જ સ્થાનિક ટૅક્સીવાળાઓનો હલ્લો.

‘શા’બ, ગુડ ચીપ હોટેલ...’ એક ઉત્સાહી ટેક્સી ડ્રાઇવરે કદાચ વિક્રમને દેખાવ પરથી બજેટ ટ્રાવેલર માની લીધો હોય એમ પૂછ્યું.

‘લુમ્બિની જાયેગા ?’ વિક્રમે સીધું પૂછી લીધું. જો કાઠમંડુથી બસ્સો કિલોમીટર દૂર ઇન્ડિયાની બોર્ડર પર કાલ સવાર સુધીમાં પહોંચી જવાય તો... તો !

આમ તો લુમ્બિનીથી ઇન્ડિયાનું બોર્ડર ટાઉન સનૌલી માત્ર ત્રીસ મિનિટના અંતરે હતું, પણ ભૂલેચૂકે કોઇ ટૅક્સીવાળાને સીધું સનૌલી કહે ને શકનું કારણ બની જાય તો ?

માત્ર ગણતરીની મિનિટોમાં વિક્રમે કાઠમંડુની સડક પાછળ છોડી દીધી હતી. છ કલાકના પ્રવાસ પછી લુમ્બિની આવ્યું ત્યારે થઇ રહેલા સૂર્યોદયે ઝોકે ચઢેલા વિક્રમની આંખ ખોલી.

કોઇક નાની સસ્તી હોટેલમાં રૂમ લઇ ટૅક્સીવાળાને વિદાય કરવો જરૂરી હતો.

ફ્રેશ થઇને સાથે લાવેલા મોબાઇલ ફોન ચાર્જ કરીને વિક્રમ હોટેલના ડાઇનિંગ કહી શકાય એવા રૂમમાં આવ્યો. સવારના નવ વાગી રહ્યા હતા. એક ફોન સલોનીને કરી દેવો જરૂરી હતો. છેલ્લી થોડાં દિવસથી કોઇ સંપર્ક જ નોહોતો રહ્યો. પોતે ઇન્ડિયા પહોંચી જાય ને સલોનીએ કોઇ બંદોબસ્ત જ ન કર્યો હોય તો ?

વિક્રમે ડાયલ કરેલા ફોનની રિંગ વાગતિ રહી. સામે છેડેથી કોઇએ રિસીવ ન કર્યો.

હવે ? સલોનીએ જાણીબૂઝીને પોતાનો કૉલ રિસીવ નથી કર્યો એ વાત તો નિશ્ચિત હતી. સલોની કંઇક તો ચાલ ચાલી રહી હશે... વિક્રમનો વહેમ વધૂ મજબુત થતો ચાલ્યો : ચાલ.... કેવી ચાલ.... શું હોઇ શકે એ ? વિક્રમને મૂંઝવણ થઇ આવી. અત્યાર સુધી બધું બરાબર થતું રહ્યું છે એટલે બાકીનું પણ સારું થશે. દિલમાંથી અવાજ ઊઠ્યો હોય એમ વિક્રમે કૉફીનો ઘંટ ભર્યો :

હા, પપ્પુ... મુંબઇમાં શું ચાલી રહ્યું છે એની પપ્પુ જ પૂરતી માહિતી આપી શકે....

અચાનક જ વિક્રમને પપ્પુનું નામ સ્કુર્યું ને બીજી જ ક્ષણે એણે પપ્પુનો નંબર ડાયલ કર્યો.

‘બોલો શેઠ, બહુ દિવસે યાદ કર્યો !’

બે જ રિંગમાં પપ્પુએ ફોન રિસીવ કરતાં ઉમળકાભેર જવાબ તો આપ્યો : શું ખબર વિકી શેઠના હાથ ગરમ થાય તો એનો લાભ પોતાને પણ મળે....

‘પપ્પુ, લાગે છે તું તો મને સાવ ભૂલી જ ગયો.... મારો નંબર પણ ડિરેક્ટરીમાંથી ડિલિટ કરી દીધો હતો ? ને પછી નંબર અજાણ્યો સમજીને રિસીવ કરી લીધો કે શું ?’ વિક્રમનુ આશ્ચર્ય હજી શમ્યું નહોતું,પણ પપ્પુના જવાબે એને જમીન પર લાવી દીધો.

‘વિકી શેઠ, ભાઇ થઇને આવી બંગડીછાપ વાત ?’ પપ્પુ પારધીના અવાજમાં બરછીની ધાર જેવી તોછડાઇ હતી.

ઓહ, એટલે હજી મામલો જ્યાં અટક્યો છે ત્યાંથી તસુભાર આગળ ખસ્યો નથી... હજૂ એને પૈસા પહોંચ્યા નથી એનો રોષ રણકે છે !

એક જ ક્ષણમાં વિક્રમના મગજમાં પિક્ચર સ્પષ્ટ થઇ ગયું. : ખેર, હવે આ ઘડી સાચવી લીધા વિના પણ છૂટકો નહોતો. પોતાની પણ થોડી ભૂલ હતી–બેદરકારી હતી... પપ્પુને એનું મહેનતાણું પહોંચાડી દેવાની જરૂર હતી. આખરે છેલ્લે થોડાં સમયથી પોતે સાવ અંધારામાં રહ્યો હતો ને આ જ કારણે ! સલોની જે કુનેહથી વર્તી રહી હતી એ જોતાં તો કોઇક કારણ તો નક્કી હતું, પણ શું.... એ તો આ પપ્પુ જ કહી શકવાનો !

‘જો પપ્પુ, તું માણસ લાખ ટકાનો, પણ કયારેક આવી હરકત કરે કે લાખમાંથી એકડો જ ઊડી જાય...’ વિક્રમે મગજમાં ચઢી રહેલો પારો જાળવીને પણ કહેવાનું હતું એ કહી જ દીધું :

‘હું શું તારી પાસે મફત કામ કરાવવાનો હતો ? અરે ! એટલે જ તો તને કૉલ કર્યો છે કે બસ, હું આજકાલમાં ત્યાં આવું છું, સમજ તારો હિસાબ ચૂકતે.... તું પણ શું યાદ કરશે.’

‘એ શેઠ, યે શાણપટ્ટી કિસી ઔર કો પઢાના, મુફત મેં કામ કરને કા બંધ કિયે સાલોં બીતે.... ને વળી પહેલી વાર શું કહેલું ? માલની ચિંતા કરતો નહીં. અરે, આ પેટ્રોલના ફદિયા હજી નીકળ્યા નથી. ; સામે છેડે પપ્પુ પારધી ભારે ભડક્યો હોય એમ લાગ્યું.

‘પપ્પુ, અત્યારે વધારે કંઇ નથી કહેતો, પણ તુંય સાંભળી લે... મારું કામ કરશે તો માલામાલ થઇ જઇશ. હું બે- એક દિવસમાં મુંબઇ પહોંચુ જ છું.... તું મને એ કહે....’ વિક્રમ હજી આગળ બોલે એ પહેલાં જ પપ્પુ બગડ્યો :

‘એ શેઠ, ખાલીપીલી મગજ ના ચાટ.... મુંબઇ આવે કે ન આવે,મને જો રોકડી નહીં મળે તો ભૂલી જજે... પણ વાત તમારા મતલબની છે એ જાણી લો !’

વિક્રમના કાનની બૂટ તપીને લાલઘૂમ થઇ રહી :

એ ટકાનો ટપોરી મારે સાથે તું-તાં કરે છે ? હા, એની પસે કોઇક વાત તો હતી, જે મુંબઇ પહોંચી પૈસા ફેંકી કાઢી લેવી જરૂરી હતી.

વિક્રમ સામે પડેલા મગમાં બાકી રહેલી કૉફી એક જ ઘૂંટમાં પૂરી કરી ઊભો થયો.

વિક્રમ સનૌલી પહોંચ્યો ત્યારે દિવસ ચઢી ચૂક્યો હતો. વિઝા માટે જરૂરી કાર્યવાહી માટેની વિન્ડો ખુલી નહોતી, પણ થોડાં સ્થાનિક અને વિદેશી ટુરિસ્ટની લાઇન લાગવાની શરૂઆત થઇ ચૂકી હતી. વિક્રમ વિદેશીઓ સાથે લાઇનમાં ઊભો રહી ગયો. હવે એ હતો વિદેશી સહેલાણી ફોટોગ્રાફર. વિદેશીઓને વિઝા માટે ઝાઝી મગજમારી ન થતી હોય એમ ધારણા કરતાં જલદી વિધિઓ પતાવી વિક્રમ ઇન્ડિયાની ટેરિટરીમાં ઊભેલી એક ખખડપાંચમ બસમાં ચઢી ગયો... વિક્રમે ફરી એક વાર વૉચ પર નજર નાખી : બસ, હવે ગણતરીની કલાકોમાં જ મુંબઇ !

આ જ સમય હતો પોતાનો દારૂગોળા જેવા સંરજામને તપાસી લેવાનો... વિક્રમ પોતાની બૅગપૅકમાંથી એક એન્વલપ કાઢી તપાસી ગયો :

બસ, હવે વહેલું આવે મુંબઇ....

* * *

‘ગુડ મોર્નિંગ. મિસ્ટર સિંહ....’

સલોનીને ખચકાટ તો ભારે થઇ રહ્યો હતો, પણ સુદેશ સિંહને ફોન કરીને માહિતગાર કરવા પણ એટલું જ જરૂરી હતું.

‘યેસ, મિસ દેશમુખ.... ! થોડાં સમયથી ગાયબ થઇ ગયેલી સલોનીનો ફોન આવ્યો એના પરથી સુદેશ સિંહને એટલો તો ખ્યાલ આવી ગયો કે વિક્રમના છેડેથી જરૂર કંઇક ડેવલપમેન્ટ થયું હશે.

‘વિક્રમને ફોન આવ્યો હજી થોડી વાર પહેલાં જ, સલોનીના અવાજમાં જળવી ચિંતા છતી થઇ રહી હતી.

‘હં..., સુદેશ સિંહ હોંકારો કરીને ચૂપ જ રહ્યો જાણે સલોનીને આખી વાત કરવાની ફરજ પાડતો હોય...

’મેં ફોન રિસીવ જ ન કર્યો...’ સલોનીએ નિખાલસતાથી કહ્યું.

‘હું તમારી સાથે વાત નહોતી કરી શકી ને કે હવે શું કરવું !’

સુદેશ સિંહ વિચારમાં પડ્યો હોય એમ ઘડીભર ખામોશી છવાયેલી રહી :

‘ઓ. કે. નો પ્રોબ્લેમ, પણ હવે જો ફરી એનો ફોન આવે તો તમે વાત કરજો... ક્લિયર ?’

‘જી....’ સલોની હળવેકથી બોલી કે એના જવાબમાં કોઇ અનિશ્વિતતા હતી એ ન સમજાયું સુદેશ સિંહને.

સલોનીનો ફોન પત્યો એવો જ સુદેશ સિંહે ડાયલ કર્યો સૂર્યવંશીનો નંબર :

‘સૂર્યવંશી, સ્ટેટ ઇન્ફોર્મેશન બ્યુરોમાં પેલો નંબર ટ્રેસ થઇ રહ્યો છે ખ્યાલ છેને...’ સુદેશ સિંહે ચાહિને સલોનીનું નામ લીધા વિના કહ્યું :

‘એ નંબર પર છેલ્લો કૉલ ક્યા લૉકેશન પરથી આવ્યો એ જાણીને મને કહો.’

સૂર્યવંશી સાથે વાત કર્યા પછી સુદેશ સિંહનો શક પાકો થયો હતો : વિક્રમ નક્કી ઇન્ડિયા આવી પહોંચ્યો છે અને જો હજી નહીં આવ્યો હોય તો આવવાની તૈયારીમાં હશે એ પણ નક્કી...

સુદેશસિંહ સાથે વાત કરીને સલોની ફોન મૂકી જ રહી હતી ત્યાં અનીતા ઝડપભેર બેડરૂમમાં આવી ગઇ,એ પણ બારણે ટકોરા મારવાની તસદી લીધા વિના.

‘મૅડમ, બહાર આવો...’ બોલતાં બોલાતાં અનીતાનો ચહેરો હસું હસું થઇ રહ્યો હતો.

‘શું છે ? સવારમાં શું થયું ?’

‘અરે, બહાર તો આવો.... ચલો ‘અનીતા જેટલી ઝડપે આવી હતી એટલી ઝડપે બહાર નીકળી ગઇ, પણ સલોનીને કુતુહલતા જગાડીને....

અનીતાની પાછળ દોરવાતી સલોની લિવિંગરૂમમાં આવીને આભી થઇ ગઇ :

‘ઓહ તમે ? ન કોઇ ફોન – ન મૅસેજ ?’

‘ઓહો, દીકરીના ઘરે જવામાં એ બધી ફોર્માલિટી થોડી કરવાની હોય ? ને તારા બાબા કહે : ચલ, આજે આપણે એને સરપ્રાઇઝ આપીએ’ સુહાસિની હસીને બોલી :

‘પણ અમને ખબર નહીં કે તે અમારા માટે આવી સરપ્રાઇઝ તૈયાર કરી રાખી હશે !’

‘શું ?’ સલોનીના ગળામાં શબ્દ ગુંચવાયા.

‘અરે, આવી વાત અમારાથી છૂપાવી ? બેટા, અમે તારી પીડા ન સમજી શકીએ એટલાં ઓર્થૉડોક્સ નથી...’ ક્યારેય ઝાઝું ન બોલતા બાબાએ જે રીતે કહ્યું એ સલોનીને સ્પર્શી ગયું.

‘એ વાત સાચી કે ગૌતમના ગયા પછી તું સાવ એકલી પડી ગઇ, પણ અમને કહ્યું હોત તો અમે અહીં આવીને રહેત તારી સાથે... પરંતુ અમને એમ કે તું આ બધાથી ભાગી છૂટવા સ્વિત્ઝરલેન્ડ જતી રહેલી.’ સુહાસિની એકધારું બોલી રહી હતી.

‘આ તો આ બેબી જોઇને અમને નવાઇ લાગી ત્યારે અનીતાએ જાણ કરી કે તેં આ બાળકીને ગોદ લીધી છે !’

આટલું કહી સુહાસિની જરા વાર ચૂપ થઇ ગઇ. અનંતરાવ પણ અવાક થઇ ગયા હતા. સુહાસિનીએ જ બંને વતી કહેવાનું કહી દેવું જરૂરી સમજ્યું :

‘સલોની, મા-બાપ સાથે કોઇ આ રીતે વર્તે ? આટલા મોટા નિર્ણયમાં પણ તું અમને પૂછે સુધ્ધાં નહીં ?’

જોર જોરથી ધડકી રહેલા સલોનીના દિલે હળવો હાશકારો અનુભવ્યો :

ચલો, અનીતાએ પરિસ્થિતિ તો સાચવી લીધી, બાકી તો....

‘સલોની બેટા, આટલી મોટી વાત તેં અમારાથી છૂપાવી ?’

અનીતા આવકાર આપીને આઘીપાછી થઇ કે અનંતરાવ એ વાતચીતનો દોર હાથમાં લીધો.

ભાગ્યે જ વધુ બોલતા બાબાને વાત માંડતાં જોઇ સલોની એટલું તો સમજી જ ચૂકી હતી કે આવે આઇ-બાબાના ફાયરિંગમાંથી બચવું મુશ્કેલ છે

‘સલોની, એ તો કહે કે કેમ ન જાણ કરી અમને તારા આ નિર્ણયની ?’ સુહાસિનીએ દીકરીની લગોલગ આવીને પૂછ્યું.

સલોની માટે માતા-પિતાની આંખમાં આંખ પરોવી જોવું કપરું થઇ પડ્યું હોય એમ એ નીચી નજર કરીને ઊભી રહી.

‘સલોની, જવાબ નહીં આપે ?’ સુહાસિનીની વાતનો તંત સાધી લેતા અનંતરાવે પૂછ્યું.

‘બાબા...’ સલોનીને એક ક્ષણ માટે થયું કે દિલ ખોલીને એ બધી જ વાત કરી દે : ના એ દત્તક લીધેલી બાળકી નથી. એ તો મારી દીકરી છે, મારી પોતાની... પણ એ શબ્દો હોઠથી સરવાને બદલે આંખમાંથી બે બુંદ થઇ સરકી ગયા :

‘ઓહ ! દીકરા.’ અનંતરાવથી સલોનીના આંસુ જોવાતાં ન હોય એમ સુહાસિની તરફ જોયું. સુહાસિની જાણે એ પળની જ રાહ જોઇ રહી હોય એમ નિષ્પલક પતિ સાથે જોઇ રહી હતી :

હવે તો કહેવું છે કે નહીં ?

‘હા સુહાસ, મને લાગે છે કે હવે ખરેખર સમય આવી ગયો છે... સલોનીને પણ જાણ થવી જ જોઇએ.’

અનંતરાવ હ્રદય પર રહેલું કોઇક વજન હળવું કરવા માંગતા હોય એ રીતે બોલ્યા.

‘સલોની, સાંભળ. તારા બાબા તને કંઇક કહેવા માગે છે. સાંભળી શકીશ ? ‘સુહાસિનીએ નતમસ્તક ઊભી રહેલી સલોનીની હડપચી પોતાની જમણી હથેળીથી પસવારી ઊંચી કરી.

સલોનીની નજર સિહાસિનીના ચહેરા પર તોળાઇ રહી.

‘સલોની આપણે રહ્યાં મધ્યમવર્ગીય પરિવાર છતાં તારા સપનાં પૂરાં કરવામાં કોઇ કસર છોડી હતી અમે ?’ સુહાસિનીના અવાજમાં હળવો કંપ હતો. કદાચ ગળામાં જામી રહેલાં ડૂસકાંએ આવાજ રૂંધ્યો હતો.

‘આઇ-બાબા.... મેં ક્યારેય કોઇ ફરિયાદ કરી છે ? મને ખ્યાલ છે કે ગમે તે પરિસ્થિતિમાં તમે બંનેએ મને પ્રિન્સેસની જેમ રાખી છે, પણ આ પરી...’ સલોની આખી વાત બોલે એ પહેલા અનંતરાવે એને રોકી :

‘સલોની, પરીની વાત તો પછી કરીશું, પણ આજે અમારા મનનો એક બોજ હળવો કરી લેવા દે.’

સલોની આશ્ચર્યથી પોતાનાં આઇ-બાબાને જોતી રહી :

આજે કેમ આ બંને આ રીતે વાત કરી રહ્યાં છે ?

‘સલોની, અહીં બેસ મારી પાસે..’ અનંતરાવે પોતાની પાસે ઊભી રહેલી સલોનીનો હાથ ઝાલી પાસે બેસાડી દીધી.

‘તેં ઉચિત ન સમજ્યું કે પરીને દત્તક લેવાનો નિર્ણય અમને જણાવવો, રાઇટ ?’

‘ના, એટલે.. હું....’ સલોની શબ્દો શોધતી રહી ને અનંતરાવે વાતનું અનુસંધાન સાધ્યું :

‘તેં અમને ન જણાવ્યું એમાં તારો વાંક પણ શું કાઢવો ? અમે પણ એ જ ભૂલ કરી હતી.... તું સમજણી જ નહીં, દુનિયાદારીથી વાકેફ ને કાબેલ થઇ ગઇ, છતાંય અમને કહેવું યોગ્ય ન લાગ્યું કે સંતાન દત્તક લેવું એ તો એક સજ્જનતા છે, કોઇ પાપ કે ગુનો નથી...’

‘એટલે ? તમે શું કહેવા માગો છો, બાબા ?’ સલોનીને જાણે વિજળીનો આંચકો લાગ્યો હોય એમ એ ચમકી.

‘એટલે એ જ જે તું સમજી, સલોની’ સુહાસિનીએ વાતનો દોર હાથમાં લીધો.

કોઇક ગુનો પકડાઇ જાય પછી કાલિમા વર્તાય એવો ચહેરો અનંતરાવ દેશમુખનો લાગી રહ્યો હતો.

‘તું માંડ દસ દિવસની હોઇશ....’ અનંતરાવ ભૂતકાળ તાજો કરી રહ્યા :

હું તે વખતે લોનાવલામાં પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટમાં હતો ને સુહાસ હજી બી. એડ કરી રહી હતી. સખત વરસાદની આગાહી હતી ને હું ઑફિસેથી ઘરે આવવા નીકળ્યો. વરસાદ હજૂ શરૂ નહોતો થયો, પણ હાડકાં થીજાવી નાખે એવો ઠંડો પવન ફૂંકાવાનો શરૂ થયો. ઘરે પહોંચવાની ઉતાવળ હતી ને ત્યારે જ મારું સ્કુટર બગડ્યું. કેમેય કરી ચાલુ જ ન થાય. સ્કુટરને સડકની એક તરફ પાર્ક કરીને મિકેનિક શોધવા નિકળેલો અને મિકેનિક તો ન મળ્યો ને મળી તું....’

બીજી પળે અધુરું મૂકેલું વાક્ય તરત જ ફરી ઉપાડી લેતાં અનંતરાવ બોલ્યા

‘રસ્તાની એક તરફ ઝાડની ઓથમાં ગાભામાં વીંટાળીને કોઇક છોડી ગયેલું તને. ભૂખથી રડી રહેલું બાળક બીજી બાજુ શરૂ થઇ રહેલો ગાજવીજ સાથે વરસાદ.’ અનંતરાવનો અવાજ તૂટી રહ્યો હતો. સુહાસિનીએ પાસે આવીને પતિના ખભે હાથ મુક્યો જાણે હિંમત બંધાવતી હોય.

‘સુહાસ, યાદ છે ? હું આને ઘરે લાવ્યો ત્યારે રડી રડીને એટલી તો થાકી ગયેલી કે રડતા રડતા વચ્ચે ખાંસતી હતી.’

‘સલોની, અમને પરણ્યાને ઝાઝો સમય નહોતો. એવું પણ નહોતું કે અમને બાળક નહોતું થયું એટલે તને લઇ આવેલા....’ સુહાસિનીએ વાત આગળ વધારી :

‘ન જાણે કોણ પથ્થરદિલ મા તને ત્યાં આમ છોડી ગયેલી ! ન જાણે કેટલો સમય ત્યાં ઠંડકમાં પડી રહી હશે તે તું કફથી ઠસાઇ ગયેલી. અમને થયું કે એક વાર તું સાજી થાય પછી પોલીસમાં રિપોર્ટ કરીશું, જરૂર પડે તો અખબારમાં જાહેરખબર પણ આપીશું, પરંતુ એવું કંઇ ન કર્યું. પાંચ-સાત દિવસમાં જ માયા એવી બંધાઇ ગઇ કે પછી મનોમન ફફડાટ થવા લાગ્યો કે કોઇ આ બાળકીનો દાવો કરતું આવી પહોંચશે તો ? એટલે અમે બંનેએ મળીને નિર્ણય લીધો... બાબાએ બદલી માગી લીધી ને આવી ગયા પુણે. બસ, પછી તો તું અમારી જ દીકરી હતી ને.... દત્તક લેવાનો પ્રશ્ન જ ક્યાં હતો ?!’

સ્તબ્ધ થઇ ને સલોની તકતી રહી ગઇ :

અનંતરાવ દેશમુખ, સુહાસિની દેશમુખ....

આ સામે ઊભેલી બે વ્યક્તિ, જેમને એ પોતાના સર્વસ્વ માનતી રહી એ એનાં કોઇ નહોતા ! આ આખી દુનિયામાં પોતે સાવ એકલીઅટૂલી ? તો પોતે કોણ હતી?

સલોનીના મન પર જાણે કોઇએ હથોડો વીંઝયો હોય એવી શૂન્યતા એ અનુભવી રહી હતી :

વિક્રમ, આશુતોષ, ગૌતમ સાથે સંબંધ બનતા-તૂટતા રહેલાં ત્યારે ઊંડે ઊંડે એક હાશકારો હતો કે એના મા-બાપની દીકરી તો હતી ! એ મા-બાપ, જેમણે પોતાનાં સુખ માટે શું શું જતું કર્યું ? અને આજે એ સંબંધ આમ સાવ અચાનક તૂટી ગયો ?

સલોનીના મનમાં કંઇક તૂટી ગયું :

વાંક કોનો હતો ? દેશમુખ દંપતીનો ? ના, એ લોકો કદાચ એને જિંદગીભર કહેત પણ નહીં તો પોતાને જાણ પણ ક્યાં થવાની હતી !

સલોનીનું મન હતાશાથી ભરાતું ચાલ્યું :

જેમને મા-બાપ સમજ્યાં એ લોકો સાથે કોઇ લોહીની સગાઇ નહોતી ને જેની સાથે લોહીની સગાઇ હતી-પોતાનો જ જે અંશ હતો એ પરીને પોતે ‘દત્તક બાળકી’ તરીકે ઓળખાવતી હતી.

કુદરતની આ કેવી મજાક ? કુદરતની મજાક કે રમત ? સલોનીને મનમાં જ પ્રશ્ન ઊઠ્યો :

પરી પોતાનો અંશ તો ખરી, પણ એનો પિતા કોણ ? ગૌતમ કે પછી...

એ વિચાર સાથે જ જાણે હજાર કળોતરા વીંછી એકસાથે ડંખ્યા હોય એવી તેજાબી બળતરા સલોની અનુભવી રહી.

‘સલોની, અમને દોષી માનીને કોસી રહી છે તું ?’

સલોનીની વ્યથાના કારણથી અજાણ સુહાસિનીએ પોતાની કેફિયત આપવી જરૂરી સમજી હોય એમ બોલતી રહી.

‘જો બાબા તને ઘરે ન લાવ્યા હોત તો ઝાડની નીચે દરમાં રહેલી ચટમંકોડીઓએ તને ફોલી ખાધી હોત. હા,અમારી એ ભૂલ ખરી કે અમે તારા માતા-પિતાને શોધવાનો પ્રયત્ન સુદ્ધાં ન કર્યો,પણ... જો બેટા, તને જન્મ આપનારીને જ તું ભાર લાગી એટલે તો આમ તરછોડાયેલી રસ્તામાં પડી હતી ને તું ?’

સલોની એકધારી સુહાસિનીને જોતી રહી :

આ જન્મ ન આપનારી સ્ત્રી પોતાની માંદગીમાં, પરીક્ષા વખતે સાથે સાથે રાતોની રાત જાગતિ એ મા નહોતી તો કોણ હતી ? ને આ જન્મ ન આપનારી વ્યક્તિ, પોતાના મોજશોખ કે આરામ વિશે વિચાર સુધ્ધાં ન કરીને માત્ર પોતે સારામાં સારી કેળવણી પામી શકે એ માટે રાતદિન એક કરનારા પિતા ન હોય તો કોણ હોઇ શકે ?

-જયારે પોતે ? પોતાના જ અંશને દત્તક લેખાવે છે ? સલોનીને થયું :

આ જ સમય છે, કહીં ફે બધી વાત મા - બાપને પણ કોને ખબર કેમ, મનની વાત હોઠ સુધી આવીને પાછી વળી ગઇ.

* * *

‘સલોની, સાચી વાત આટલી બધી વસમી લાગી ? હજૂય તને અમારી સામે કોઇ રોષ છે ? જે હોય કહી દે, અમે બધી તૈયારી રાખીને જ બેઠાં છીએ.’ દિવસો સુધી સલોનીને કંઇક ગુંચવાઇ રહેલી જોઇને એક સવારે બ્રેકફાસ્ટ ટેબલ પરથી અનંતરાવ ઊઠીને અખબાર પકડીને બેઠા એટલે સુહાસિનીએ સીધે સીધું પૂછી લીધું. ‘અરે આઇ, એવું હોય કંઇ ? તું પણ બસ...’ સલોનીએ માનું મન રાખવા ખોટેખોટો જવાબ પરખાવ્યો, પણ સુહાસિની એટલું તો સમજી શકી કે કોઇક વાત સલોનીને પજવી રહી છે.

ખરેખર તો સાચી વાત જાણ્યા પછી હળવાશ અનુભવવાના બદલે સલોની રીતસર સહેમી ગઇ હતી. એક તરફ પરીવાળી વાત તો અનીતાએ સાચવી લીધી, પણ હવે પેલા વિક્રમનું શું ? વિક્રમનો વિચાર કરી રહી હતી ને મોબાઇલ ફોન રણક્યો : નક્કી વિક્રમ...

‘ગુડ મોર્નિંગ, સલોની ડિયર...’

સલોનીનો સંદેહ સાચો હતો. સામે છેડે વિક્રમ જ હતો.

ક્ષણભર માટે સલોનીનું હ્રદય ધબકારો ચૂકી ગયું...

***