એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 1 Pinki Dalal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

શ્રેણી
શેયર કરો

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 1

એક ચાલ તારી

એક ચાલ મારી

- લેખક -

પિન્કી દલાલ

( 1 )

‘સલોની... સલોની ગેટઅપ યાર, વી વિલ બી લેટ..’ ગૌતમે બાજૂમાં સુતેલી સલોનીને રીતસરની ઢંઢોળી.

‘પ્લીઝ, જાનુ સુવા દે....’ પિન્ક નિગ્લિજીમાં એવી જ મદહોશીમાં બિડાયેલી આંખો જાણે કોઇ હૂકમ લેવા તૈયાર જ ન હોય એમ પાંપણ ખુલીને બિડાઇ જતી હતી...

‘નો સલોની, નો. આજે તો કૅન્સલ ન જ કરી શકાય. મારે અર્જન્ટ મિટિંગ છે ને મારે એ સમજાવવાનું હોય કે એ કેટલી ઇમ્પોર્ટન્ટ છે.... ?’ ગૌતમ થોડું ચિડાઇને બોલ્યો. અને એક વખત મોહક લગતિ સલોનીની આ અદા પર હવે ચીડ ચડી રહી હતી.

ગૌતમ ને સલોની છેલ્લાં ત્રણ દિવસથી ગોવાની એક ફાઇવ સ્ટાર હોટેલમાં વીકએન્ડ મૂડ મનાવી રહ્યાં હતાં. બાકી હોય તેમ હવે સલોનીને સોમવારની સવારે પણ મુંબઇની ફ્લાઇટ પકડવાનો વાંધો હતો.

‘ગૌતમ, પ્લીઝ.... હમણાંથી તો આપણે છ મહિને પણ આ રીતે મળી નથી શકતાં.’

ગૌતમને મનાવવા સલોનીએ છેલ્લો પાસો ફેંકી જોયો, પણ ગૌતમ જેનું નામ એ એમ કંઇ બી ગ્રેડ ફિલ્મ-ટીવી સિરિયલની ઍક્ટ્રેસ મોડેલથી માની જાય ?

‘જો સલોની, આપણે ઍરપોર્ટ એક જ કારમાં નહીં જઇએ.... મારી કાર આવી ગઇ છે. તારી પણ વીસ મિનિટમાં આવી જશે. બી ક્વિક. ઓકે ? ‘

ગૌતમ પોતાના શર્ટને જીન્સમાં ટક-ઇન કરતાં કરતાં આયના સામે જોઇને બોલ્યો. એનું ધ્યાન પોતાના તરફ નહીં, બલકે આયનામાં દેખાતા બેડ ઉપર ફેલાયેલી સલોનીની કાયા પર હતું.

ગઇ કાલની રાત. જો વધુ વાર રોકાઇશ તો.

ગૌતમે મનોમન વિચારી લીધું હોઇ એમ પોતાની ટોડ બૅગ ખભે ભેરવી એ બહાર જવા લાગ્યો :

‘બેબી... સી યુ એટ ધ ઍરપોર્ટ.... ઓકે ? ‘

જવાબની રાહ જોયા વિના જ ગૌતમે હોટેલ સ્યુટની બહાર નીકળી ડોર બંધ કરી દીધો.

ડોર બંધ થવાના અવાજ સાથે જ સલોની સફાળી બેઠી થઇ ગઇ : નાઉ ઇટ’સ સિરિયસ. એ સમજી ગઇ. બીજી જ ક્ષણે સલોની શાવર નીચે ઊભી હતી. જેટલી તીવ્ર ગતિએ શાવરમાંથી પાણી સલોનીના આકર્ષક દેહને સ્પર્શી દડી જતું રહ્યું હતું એથી વધુ સ્પીડે વિચારો સલોનીના મગજમાં ઘૂમી રહ્યા હતાં.

છેલ્લાં એક વર્ષથી ગૌતમનું વર્તન બદલાઈ રહ્યું હતું. બાકી, આ એ જ ગૌતમ હતો, જે પોતાનો બર્થ-ડે સેલિબ્રેટ કરવા ઇમ્પોર્ટન્ટ મિટિંગ પડતી મૂકી માત્ર એક કૅન્ડલલાઇટ ડિનર સાથે લઇ શકાય એ માટે ઠેઠ માલદિવ્ઝ, જ્યાં પોતે એડનું શૂટીંગ કરી રહી હતી ત્યાં સરપ્રાઇઝ વિઝિટે આવી ચડ્યો હતો.

શાવરમાંથી પડતું પાણી શરીર પરથી દડીને સિન્ક્માં જતું હતું એમ જો વિચારો વહી જતા હોય તો ? સલોનીએ એક ઊંડો નિ:શ્વાસ નાખ્યો.

બહાર નીકળી ઝડપભેર તૈયાર થઈ એરપોર્ટ પહોંચ્યા વિના છૂટકો જ નહોતો. સલોની એ જ રીતે વર્તી રહી હતી, જેની ગૌતમે સૂચના આપી હતી. માત્ર પંદર મિનિટમાં ચેક-આઉટ કરીને સલોની બહાર રાહ જોતી પ્રાઇવેટ ટેક્સીમાં ગોઠવાઇ ગઇ.

નોર્થ ગોવાની આ ફાઇવ સ્ટાર હોટેલ હતી જ એટલી દૂર કે એરપોર્ટ પહોંચતાં સહેજે બે કલાક થાય.

પહેલી વાર સલોનીને ગૌતમ પર રોષ આવ્યો. આટલી દૂર હોટેલ લેવાનું કારણ પણ એ જ ને કે એમની મુલાકાત ખાનગી રહે !

જોકે ગૌતમ વિરવાની નામ જ એવું હતું કે એની હાજરી માત્ર ન્યૂઝ બની જતી. કરોડો રૂપિયાના વેપાર કરતા લિકર બેરનનો દીકરો ભલે પોતાના બળે એવું કંઈ ખાસ ઉકાળી ન શક્યો હોય, પણ ફેમિલી બિઝનેસ જ એવો હતો કે ગૌતમ અને પિતા ગુરુનામ વિરવાની હંમેશા ચર્ચાનું કેન્દ્ર બની રહેતા.

ડેબોલિમ એરપોર્ટની દિશામાં નેવું–સોની સ્પીડ પર ભાગી રહેલી ફોર્ચ્યુનરને રાત્રે પડી ગયેલા ધોધમાર વરસાદની ફિકર નહોતી. વરસાદ-પાણીનાં દિવસોમાં પણ મેડમની ફ્લાઇટ કોઇ પણ સંજોગોમાં મિસ ન થાય એ અંગેની કડક સૂચના ડ્રાઇવરને મળી ચૂકી હતી.

જિંદગી પણ આ જ રફતારે ભાગી રહી હતી ને ! સલોનીના મનનો કબજો કંઇક જુદાં જ વિચારોએ લઇ લીધો હતો. અલબત્ત, કારને દિશા અને ડેસ્ટિનેશન-મંઝિલની જાણ હતી ને પોતાને ? ગૌતમ સાથે થયેલા પરિચય પછી પાંગરેલા પ્રણયને સાડા ત્રણ વર્ષ થઇ ગયાં હતાં ને તોય લાગતું હતું કે જાણે ગઇ કાલની જ વાત છે.

પૂણેના મધ્યમવર્ગી પરિવારની છોકરી ગ્લેમરવલ્ડૅમાં સિક્કા પાડવાનું સપનું સેવે એ પગલું હિંમતવાન ગણાય. એ પછી આઇ-બાબા સાથે થતી જીભાજોડી, ઝઘડા, જિદ્દ-રિસામણાં-મનામણાં ને એક દિવસ ગૃહત્યાગ

સામાન્યપણે યાદ ન આવતાં આઇ-બાબા છેલ્લાં થોડાં દિવસથી કેટલાં યાદ આવતાં હતાં.

બાબા સરકારી અધિકારી, એ પણ સેકન્ડ ગ્રેડના, મા સ્ફૂલ ટીચર ને ઘરનું વાતાવરણ પુસ્તક, સંગીત અને કોફીની સૂગંધથી મહેકતું રહેતું. એક કિલ્લોલતો પરિવાર અને આશાભર્યા ભવિષ્યના સમણાં. જો પેલું વિક્રમવાળું પ્રકરણ ન બન્યું હોત તો ?

વિચારને તિલાંજલિ આપવા માગતિ હોય એમ મગજનાં વિચારોને વિન્ડોમાંથી આઉટ કરવા બહારના જામી રહેલા ટ્રાફિકને સલોની જોઇ રહી.

પ્ર્રતિબંધિત વિસ્તારમાં ધરાર પ્રવેશીને ઉત્પાત મચાવવો જ હોય એમ ન ચાહવા છતાં થોડાં દૅશ્ય તાદૅશ થતાં જ ચાલ્યાં.

અમેચ્યોર ફોટોગ્રાફર વિક્રમે પોતે કોઇક મંઝિલ પામી શકે એ માટે દિલથી પ્રયત્ન કર્યા ને છતાં પોતે એનો બદલો કઇ રીતે વાળ્યો ? સલોનીના મનમાં ગુનાહિત ભાવના હાવી થવા લાગી. પ્રેમમાં વન-વે ટ્રાફિકનો અંજામ શું હોઇ શકે ? મગજને મનને સાંત્વન આપતું હોય એવો જવાબ મળ્યો : પરંતુ જો વિક્રમ ન હોત તો મોડેલિંગક્ષેત્રે પ્રવેશવાની કલ્પના પણ ન થાત....

જ્યારે પોતે મોડેલિંગની વાત જ છેડી હતી ત્યારે બાબા કેવા ભડકી ગયેલા. એ તો માની સમજદારી અને તર્કશક્તિએ મામલો જળવાઇ ગયેલો. બાકી, બાબાએ તો ત્યારે જ પોતાનાં તમામ સપનાં પર પૂર્ણવિરામ મૂકી દીધું હોત.

મુંબઇ પેઇંગ ગેસ્ટ તરીકેના પહેલા ત્રણ મહિના, વરસાદના દિવસોમાં ઓડિશન, સ્ક્રીન ટેસ્ટ માટે ખાવા પડતા ધક્કા, બસ અને ઓટો માટે લાઇન, મોઢા પર ફેંકાતો પોર્ટફોલિયો, લેન્ડ્લેડીનું નિર્લેપ વર્તન, કાળી ચા અને રોટી- પાંઉ સાથે બ્રેકફાસ્ટ, એ જ લંચ અને એ જ ડિનર

એ બધું ક્યાં કંઈ ભૂલી શકાય ? એવા સંજોગોમાં જાણે જાદુની છડી ફરીને બધું સોનેરી થઈ ગયું. એ દિવસ જ ઊગ્યો હતો કંઈક જુદો. એક સવારે દરરોજની આદત મુજબ ક્લાસિફાઈડ જાહેરખબરો જોઇ રહી ત્યાં નજર પડી હતી એક મોટી ન્યૂઝ આઈટમ પર.

એ હતી બ્લુ બર્ડ નામની લિકર કંપનીની. દર વર્ષની જેમ જ કેલેન્ડર ગર્લ માટેની વરણી શરૂ થઇ ચૂકી હતી. પણ સમાચાર એ હતા કે કોઈક અકળ કારણસર જ આ વખતે બ્લુ બર્ડના કેલેન્ડર માટે મોડેલોની વરણી ઘોંચમાં પડી હતી.

દર વર્ષે તો બ્લુ બર્ડના કર્તાહર્તા ગુરુનામ વિરવાની પોતે જ આ સિલેક્શન કરતા, પરંતુ આ વર્ષે એ ફોર્મ્યુલા વનની ગ્રાન્ડ પ્રીમાં બિઝી હતા. વિદેશમાં થઈ રહેલાં રોકાણને કારણે કેલેન્ડર માટે મોડેલોની પસંદગીનું કામ ગુરુનામના દીકરા ગૌતમ વિરવાની પર આવી પડ્યું હતું. લેન્ડલેડી ભારતીતાઇ આમ તો ભારે રીઝવર્ડ સ્વભાવની હતી, પણ ક્યારેક સલોનીને જોઇ પોતાની ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થઈ ગયેલી દીકરી યાદ આવી જતી. પોતે જ્યારે કેલેન્ડર ગર્લ્સવાળી ન્યૂઝ આઈટમ વાંચી હતી ત્યારે ભારતીતાઈએ જ સૂચન કરેલું :

આવા કેલેન્ડરમાં તું જો ચમકે તો તેને વર્ષે દહાડે બે-પાંચ કમર્શિયલ તો મળે જ મળે... પછી એ ભલે ને બ્લેડ્ની હોય કે બનિયાન-ચડ્ડીની...

ભારતીતાઈની એ વાત પાછળ વ્યંગ હતો કે કટુતા કે પછી કડવી સચ્ચાઈ એ સલોનીને સમજાઈ તો નહોતી, પરંતુ સમજવી પણ ક્યાં હતી ?

યેસ, વ્હાય નોટ…? ભારતીતાઈને જવાબ આપવાની પરવા કર્યા વિના જ સલોનીએ સાઈબર કાફેમાં જઈ બાયોડેટા તથા પોર્ટફોલિયોના થોડાં પિક્ચર્સ ઈ-મેઈલ કરી દીધાં હતાં.

ગણતરીના દિવસ પસાર થયા ને સલોનીનો મોબાઈલ રણક્યો હતો:

‘કોલિંગ્ ફ્રોમ બ્લુ બર્ડ્ઝ...’

એ કોલ હતો આમંત્રણ આપતો-સલોનીની વરણી કેલેન્ડર ગર્લ તરીકે થઈ છે એની જાણ કરતો... સલોનીને થતું કે બાબા-મા આ વાત જાણી ખુશ તો હરગિજ નહીં થાય. મા-બાબાને ખુશ કરવા જરૂરી હતાં. કોઈ માનવંતી સિદ્વિથી, પણ સ્ટેપિંગ સ્ટોન તરીકે આ ઓફર પણ્ કોઈ ખોટી તો નહોતી જ...

ત્યારે ક્યાં ખબર હતી કે એક કેલેન્ડર ગર્લ માટે શરૂ થતી મંઝિલ એને ક્યાં લઈ જવાની હતી !

‘મેડમ, આગે એક્સિડન્ટ હુઆ હૈ, રાસ્તા બ્લોક હૈ...’ ડ્રાઈવરે સલોનીના વિચારનાં વાદળો ક્ષણભર વિખેરી નાખતાં કહ્યું.

‘ઓહ, કૈસે ભી કરો, મેરા એરપોર્ટ પહુંચના બહોત જરૂરી હૈ...’ સલોનીના સ્વરમાં ક્યાંકથી નરમાશ આવી ગઈ, પરંતુ આગળ - પાછળ ખસક્વાની કોઈ ગુંજાઈશ જ નહોતી. ગણતરીની મિનિટમાં પાછળ દસ-બાર કાર ઊભી રહી ગઈ હતી. ઉપરથી વરસાદ શરૂ થયો. વાદળની ગહેરી ભૂખરી ઝાંય કહેતી હતી : ઝટ કર, નહીં તો કલાક પછી એવું તોફાન જામવાનું છે કે કદાચ એરપોર્ટ જ બંધ થઈ જાય...

સલોની નિ:સહાય દ્રષ્ટિથી આજુબાજુ જોતી રહી.

એરપોર્ટ પર ગૌતમની વ્યગ્રતા વધારી રહ્યા હતા ઘડિયાળના કાંટા. એરપોર્ટ પર મૂકાયેલાં ટી. વી. પર ચાલી રહેલા ન્યૂઝ વરતારો આપી રહ્યા હતા કે કદાચ મહારાષ્ટ્ર, ગોવા સહિત સમગ્ર દક્ષિણ ભારત પર વરુણદેવ પૂરા જોરથી ત્રાટકવાની તૈયારીમાં છે.

અહી બોર્ડિંગની સૂચના આપવામાં આવી રહી હતી ને બીજી તરફ, સલોનીનો પત્તો જ નહોતો. એનો મોબાઈલ પણ સ્વીચ ઓફ જ આવી રહ્યો હતો. હવે નિર્ણય ગૌતમે લેવાનો હતો કે એ સલોની માટે એરપોર્ટ પર રાહ જુએ કે પોતાની નિયત ફ્લાઈટ પકડી મુંબઈ પહોંચી જાય. અલબત્ત, એક વાત નક્કી હતી કે જો પોતે એકલો મુંબઈ પહોંચી જાય તો સલોનીના મનમાં પડી રહેલી શંકાની ગાંઠ મજબૂત થઈ જવાની હતી.

* * *

જે ક્લાસમાં ચાલીસ મિનિટની ઊંઘ કાઢીને જાગેલા ગૌતમે વિન્ડોમાંથી નીચે નજર નાખી.

ભર બપોરને ધુમ્મસભર્યા વાતાવરણે સાંજમાં ફેરવી નાખી હતી. મુંબઈ એરપોર્ટ પર તો જાણે દરિયો ઘૂઘવતો હોય એવો વ્યુ ફ્લાઈટમાંથી નજરે ચઢતો હતો.

થેન્ક ગોડ, પોતે નીકળી આવ્યો. વાતાવરણની અસર ફ્લાઈટ પર પડી રહી હતી. પાઈલટ ભલે કુશળ હોય, પણ એરપોર્ટના રન-વે પર ભરાયેલાં પાણીની ગહેરાઈ પામી શકે તેવો કીમિયાગર પણ નહોતો એટલે લેન્ડિંગ વખતે જ એરક્રાફ્ટે જબરજસ્ત આંચકો અનુભવ્યો. પ્રવાસીઓના શ્વાસ અદ્વર થઈ ગયા.

પ્લેનના લેન્ડિંગ સાથે જ ટર્મેક પર થોડી દોડાદોડી મચી ગઈ. પ્રવાસીઓને તાત્કાલિક ઉતારી લેવામાં આવ્યા. ગૌતમ એરપોર્ટ લાઉન્જમાં પહોંચ્યો ત્યારે એરપોર્ટનો સ્ટાફ એક જ વાત ચર્ચી રહ્યો હતો.

થેન્ક ગોડ, ગોવાથી આવેલી ફ્લાઈટ આબાદ રીતે અક્સ્માતમાંથી ઉગરી ગઈ... !

ગૌતમના શરીરમાંથી હળવી કંપારી પસાર થઈ ગઈ. આ ન્યૂઝ જેવા ચીફ સાંભળશે તે સાથે એ ગાજવીજ સાથે પોતાના પર તૂટી પડવાના અને બાકી રહેલી ખોટ સલોની પાછાં આવતા જ પૂરી કરી નાખવાની...

શોફર ડ્રિવન બ્લેક મેબેકે જેવી બાન્દ્રાની પોશ લોકાલિટીમાં આવેલા બ્લુ બર્ડ વિલા તરફ ટર્ન લીધો કે ગૌતમે પોતાની રિસ્ટ્વોચ પર નજર નાખી. બહાર ભલે સાંજ ઘેરાયેલી હોય એવું વાતાવરણ હતું, પણ હજુ બપોરના બે જ થવા આવ્યા હતા.

ચીફ આ સમયે ઘેર નહીં જ હોય !

ગૌતમ પોતાની જાતને આશ્વાસન આપતો હોય એમ વિચારી રહ્યો: અરે, ઘરે નહીં હોય તો ન્યૂઝહોલિક ચીફે પોતાની ઓફિસમાં જો આ સમાચાર જોયા પણ હશે તોય ડ્રાઈવરને કાર કાઢવાનો આદેશ આપી દીધો હશે.

એ ખરું કે આજે પોતે વાંકમાં છે, પણ દર વખતની જેમ નાની-મોટી બહાનાબાજીથી કામ પતે એવું લાગતું નથી... ગૌતમ સ્વગત સંવાદ કરતો રહ્યો ને ત્યાં સુધીમાં તો કાર પોર્ચમાં આવી ગઈ.

ગૌતમ કારમાંથી ઊતરીને સડસડાટ પોતાના રૂમ તરફ જઈ રહ્યો હતો ને પીઠ પર સત્તાવાહી અવાજ ચાબૂકની જેમ વીંઝાયો:

‘અત્યારે આવવાની ઉતાવળ પણ શું કામ કરી? ગોવામાં મોસમ ખૂબસૂરત છે, બીજા બે-પાંચ દિવસ રોકાઈ જતે ને !’

ગૌતમના પગ ત્યાં જ થીજી ગયા.

ઓહ નો, ચીફ ઘરે હતા. પોતાની રાહ જોતા કેમ્પ ઓફિસમાં જ બેઠા હતા.

ઈન્ડિયાની અગ્રગણ્ય બ્રુઅરી બ્લુ બર્ડના સર્વેસર્વા એવા ગુરુનામ વિરવાની દીકરાની ફિકરમાં સોમવારે ઓફિસ ન જતાં પોતાના ઘરમાં જ બનાવેલી એક બેઝ ઓફિસમાંથી મોનિટરિંગ કરી રહ્યા હતા, જે વાત જ એક હળવા ધરતીકંપ જેવી હતી.

‘સોરી ચીફ, મને ખબર નહીં તમે કેમ્પ ઓફિસમાં જ બેઠા છો... મને તો એમ કે તમે ઓફિસમાં હશો. આજે મન્ડે છે, ઓપનિંગ ડે ઓફ ધ વીક. તમે એ દિવસે કેમ્પ ઓફિસમાં હો... પણ તમે ઘરે ? ઈમ્પોસિબલ... એટલે સીધો રૂમમાં જઈ રહ્યો હતો.’

સ્કૂલમાં હોમવર્ક કર્યા વિના આવેલા વિધાર્થી પકડાઈ જાય ને જે દલીલો કરે એવી મૂર્ખતાભરી વાત ગૌતમ કરી રહ્યો હતો ને ગુરુનામ વિરવાનીએ જાણે કંઈ સાંભળ્યું જ ન હોય એમ બહાર નીકળી લિવિંગરૂમમાં માત્ર ને માત્ર પોતાને માટે જ રાખવામાં આવેલી યુરોપિયન સિંહાસન જેવી ચેર પર જમાવ્યું. જમાવતાંની સાથે જ પાસે પડેલું રિમોટ કંટ્રોલ કોલબેલ દબાવી.

ચી.... ચી... ચી... ચી... કોલબેલનો અવાજ જાણે ગૌતમની વાહિયાત દલીલને કહી રહ્યો હતો :

જસ્ટ, શટ અપ...

‘ચીફ, આઈ એમ સોરી પ્લીઝ...’ચીફના કડપથી પરિચિત ગૌતમ મનોમન થથરી ગયો હતો : એક તો મોસ્ટ ઈમ્પોટન્ટ મિટિંગમાં હાજર ન રહેવું. કદાચ એટલે જ મિટિંગ કેન્સલ થઈ ગઈ હશે. નહીંતર આ સમયે ચીફ ઘરે હોય ખરાં ?

ગૌતમની અટકળ સાવ ખોટી પણ નહોતી. મામૂલી કારકુની કરનારા ગુરુનામ વિરવાનીએ પોતાની મહેનત ને કાબેલિયતથી બેહજાર કરોડનું એમ્પાયર વિકસાવ્યું હતું. ગુરુનામ પાસે મૂડી હતી માત્ર બે-ત્રણ વાતની. એક તો માણસની પરખ, મોકો ઝડપવાની કુનેહ અને દીર્ઘદ્રષ્ટિ. આ જ શક્તિઓ ક્યારેક પોતાના લોહી માટે એમની રાત ની ઊંઘ ઉડાડી દેતી હતી. જમાનાના ખાધેલ ગુરુનામ વિરવાની સાઠની નજદીક હોવા છતાં લેટ ફોર્ટીઝ પહોંચેલા લાગતા. એક તરફ અઢળક લક્ષ્મીકૃપા, એને પરિણામે લખલૂંટ ઐશ્વર્ય, જે ગુરુનામ વિરવાનીમાં ફળ્યાં હતાં જાજરમાન વ્યક્તિ રૂપે. નાની ઉંમરમાં જ વિધુર થયેલા ગુરુનામ વિરવાની ઘારત તો કોઇ બોલીવૂડ સુંદરીને પરણી શક્યા હોત, પણ ગૌતમને સાવકી મા મળે એ જ ખયાલ ગુરુનામ ને વિચલિત કરી નાખતો હતો અને એટલે જ પુત્ર માટે પોતે ક્યારેક બીજા લગ્ન હરગિજ નહીં કરે એવી પ્રતિજ્ઞા પોતે પોતાની મેળે જ સવારની પૂજામાં ઈશ્વરની સાક્ષીએ લઈ લીધેલી ને....

  • ને આ નબીરો ?
  • ગુરુનામ મગજમાં દાવાનળ ઊકળી રહ્યો હતો, પણ એની કોઇ એંધાણી આંખો પરથી મળતી નહોતી, પરંતુ ગૌતમ તો પોતાના પિતાને સાંગોપાંગ જાણતો જ હતો. આ જ એમનું રૌદ્ર સ્વરૂપ હતું, જેમાં લેવામાં આવેલા નિર્ણયો ચટ્ટાનની જેમ અફર રહેતા.

    ‘ચીફ, આઈ નો. મારાથી ફરી એ જ ભૂલ થઈ ગઈ છે, પણ પ્રોમિસ, હવે એ રિપીટ નહીં થાય... પ્લીઝ, ગિવ મી વન મોર ચાન્સ …પ્લીઝ.’

    ગૌતમ પોતાના પિતાને નાના બાળકની જેમ રીતસર કરગરી પડ્યો.

    ‘ગૌતમ, તને ભાન છે કે આજે તેં શું ગુમાવ્યું છે ?’ ગુરુનામે લાઈમ ટીની ટ્રે લઈને પ્રવેશેલા જૂના સેવક બદરીની હાજરીમાં જ વાત માંડી એ ગૌતમને કઠ્યું.

    ‘ચીફ, લેટ હિમ ગો.’ ગૌતમે પોતાનો અણગમો સ્પષ્ટ કરતાં કહ્યું, જે કદાચ ગુરુનામે સાંભળીને પણ ન સાંભળ્યું કરતાં બોલવાનું ચાલુ જ રાખ્યું :

    ‘આજે જે મિટિંગ હતી એના પર તારી કામિયાબીનો સિતારો ચમકવાનો હતો, પણ મને લાગે છે કે તું ક્યારેય નહીં સુધરે... મને તો હવે થાય છે કે મેં જમાવેલું આ સામ્રાજ્ય તું આગળ ન વધારે તો કંઈ નહીં, પણ જાળવી શકશે નહીં એ ચિંતા મને રાત-દિન કોરી ખાય છે...’

    ગૌતમના હાથની મુઠ્ઠીઓ રોષના આવેશમાં ભિડાઈ રહી. આ બદરીનો બચ્ચો પણ ચીફ માટે લાઈમ ટીનો કપ તૈયાર કરવાના બહાને હટવાનું નામ લેતો નહોતો. બાપ-દીકરાની અંગત વાત સાંભળવાનો આવો ઉમદા મોકો ક્યાં મળે એ ટકાના માણસને ?

    ‘ડેડી, પ્લીઝ...’ ગૌતમ ધૂંધવાયો, પિતાનો રોષ સ્વાભાવિક હતો,પણ આમ નોકર સામે ઠપકો-શિખામણ…?’

    ‘બદરી જા, હું કરી લઈશ.’ દીકરાનો આ લાલઘૂમ ચહેરો જોઈ ગુરુનામે સિફતથી બદરીને વિદાય કર્યો.

    ‘જો ગૌતમ, તારું આમ અપસેટ થવું આજે પહેલી વાર થોડી શાંતિ આપી ગયું છે કે તું સમજતો તો થયો કે તું જે કરી રહ્યો છે એ ખોટું છે... ‘આજની મિટિંગ જ કેન્સલ થઈ ગઈ, પણ જો એ ન થઈ હોત તો તારી એવિએશન કંપની શરૂ થયા પહેલાં જ ગ્રહણથી ઘેરાઈ જાત. તને ખબર છે કે જે કંપની સાથે આપણે મિટિંગ કરવાના છીએ એમને બીજી ત્રણ પાર્ટી અપ્રોચ કરી ચૂકી છે. એવામાં તારો આવો અનપ્રોફેશનલ અપ્રોચ કેવી ખોટી છાપ ઊભી કરશે?’

    પહેલી વાર ગૌતમને સામે બેઠેલો બાપ હંમેશની જેમ ડિક્ટેટર ન લાગ્યો. ચીફની વાત તો સાચી હતી. માત્ર ને માત્ર મોજમજા જિંદગીનું એકમાત્ર ધ્યેય તો ન જ હોવું જોઈએ, પણ આ વાત સમજાયા પછે પણ લાંબા સમય સુધી મગજ પર ટકતી જ નહોતી.

    જો કે ગૌતમને ખયાલ નહોતો કે આ વખતે ગુરુનામ દીકારા સાથે કરેલો વ્યવહાર વકીલમિત્ર ચોપરાની સલાહ અનુસાર હતો. એમણે એક નવી ટેકનિક આરંભી હતી.

    ‘ગૌતમ, એક વાતનું ધ્યાન રાખજે…’ ગુરુનામે સાઈડ ટેબલ પર પડેલા ચિરૂટના બોક્સમાંથી એક ચિરૂટ ઊંચકી કટ કરીને લાઈટરથી સળગાવી. પછી ચિરૂટનો ઊંડો કશ ભરતાં કહ્યું. ગૌતમ પિતાની ચિરૂટની ધૂમ્રસેર વાતાવરણમાં ભળતી જોઈ રહ્યો હતો. એનું ધ્યાન આ વખતે માત્ર ને માત્ર પિતાની વાત પર હતું.

    કદાચ આ વાત સૌપ્રથમ વાર બની રહી હતી. વકીલ ચોપરા સાવ ખોટો તો નહીં... ગુરુનામે દીકરાની વર્તણુંક જોતાં મનોમન નોંધ લીધી. પોતે દર વખતે વધુ પડતા આકરા થઈને પણ બાજી બગાડી નાખી હોય એમ બની શકે... જે હવે સુધારી લેવી જોઈએ.

    ‘સફળતા સાત રંગની હોય છે અને એટલે જ ભારે આકર્ષક હોય છે. જે દિવસે આ સફળતાનો જાદુ ઓસરી જાય એ દિવસથી તમારી આસપાસ રહેલાં રંગોનો જાદુ પણ ગાયબ થઈ જશે... વિચારી લે તારે શું જોઈએ છે- કલરફુલ સક્સેસ કે પછી બાપની વિરાસત પર નભતા એક ઐયાશી નબીરાની ઈમેજ ?’

    કોઈક ફિલોસોફરની અદાથી ગુરુનામ શાંત સ્વરે દીકરાને જે કહેવાનું હતું એ કહી રહ્યા હતા, સાથે સાથે એ જોવાનું ન ચૂક્યા કે દર વખતની જેમ આ વખતે શિખામણ પોતાના ચિરૂટના કશથી ઊઠતી ધૂમ્રસેર સાથે ઊડી જાય છે કે નહીં... !

    ગૌતમને હંમેશા અણગમતી લાગતિ પિતાની શિખામણ કોણ જાણે કેમ આ વખતે વાજબી લાગતિ રહી. કારણ હતું ચીફનું બદલાયેલું વર્તન. અન્યથા, આ જ પિતા પોતાની આવી ગુસ્તાખી માટે દિવસો સુધી આખું બ્લુ બર્ડ મેન્શન માથે લઈ લેતા !

    પોતે જે કર્યું એ યોગ્ય તો નહોતું એ અહેસાસ થતાંની સાથે જ ગૌતમની સામે સલોનીનો ચહેરો તરવરી ગયો :

    સ્ટુપિડ બીચ... એના જેવી અપસ્ટાર્ટ છોકરી પોતાના લક્ષ્યાંકને રોળી નાખશે ?

    ગૌતમને એ વાતનો ખયાલ પણ આવી ગયો હતો કે સામે બેઠેલા જમાનાના ખાધેલ બાપે પોતે કોની સાથે કઈ હોટેલમાં રોકાયો હતો એ તમામ વિગત જાણતા હોવા છતાં કેટલી સિફતથી જે કહેવાનું હતું એ કહી દીધું હતું.

    હવે નિર્ણય પોતે લેવાનો હતો કે કારકિર્દીના પાયાના ઘડતરનો આ સમય વેડફી દે કે પછી પિતાના નકશેકદમ પર આગળ વધે... !

    * * *