એક ચાલ તારી
એક ચાલ મારી
- લેખક -
પિન્કી દલાલ
( 7 )
‘બદરી, બાબા કો બુલાવ...’
મોડી સવારના બહારગામથી આવેલા ગુરુનામે હજુ ઘરમાં પગ નહોતો મુક્યો ને હૂકમ છોડ્યો. ગુરુનામના અવાજમાં રહેલી કરડાકી સાંભળી વર્ષો જુનો વિશ્વાસુ બદરી સહેમી ગયો. નક્કી આજે ફરી બાપ-દીકરાની જબરજસ્ત જામી જવાની...
ટેબ્લોઇડમાં છપાયેલી સ્કુપ જેવી પિક્ચર સ્ટોરી જોઇને ગુરુનામ વિરવાનીના મગજ પર જાણે સાત - સાત હેલિકોપ્ટર્સ એક સાથે લેન્ડિંગ કરી રહ્યાં હોય એવો ત્રાસ એમના ચહેરા પર સ્પષ્ટ ચિતરાઇ ગયો હતો.
પોતે બે-ચાર દિવસ બહારગામ શું જાય ફરી એની એ જ રંગીનિયત પર ઊતરી ન આવે તો એ ગૌતમ નહીં. ટેબ્લોઇડના ફોટોગ્રાફર-રિપોર્ટરે માત્ર ગૌતમ – સલોનીના ફોટા જ નહીં, બલકે એમનાં લાંબા સમયથી ચાલી રહેલા સિક્રેટ અફેરની વાત પણ એવી ઝીણી ઝીણી વિગત સાથે ટાંકી હતી કે હાણે એ તમામ સ્થળે, સમયે એમની સાથે ફર્યો હોય !
ગુરુનામ વિરવાની જુનવાણી વિચારસરણીવાળા માણસ એવું તો જરાય નહીં, પણ કામ ને કારકિર્દીના ભોગે દીકરાની રંગીનિયત એમને હંમેશા અકળાવી જતી.
‘બદરી, ખડે કથા હો, બાબા કો બુલાવ...’
પોતાના હૂકમનો અનાદર કરતો હોય એમ બદરીને સ્થિર ઊભેલો હોઇ ગુરુનામે ધૂંધવાઈને એને કહ્યું. આમ પણ ઘડિયાળ એક વાગ્યાનો સમય દર્શાવી રહી હતી, છતાંય નવાબજાદા તૈયાર નહોતા.
‘સા’બ...’ બદરી થોડાં ચિંતિત સ્વરે બોલ્યો. એના અવાજમાં હળવો કંપ વરતાઇ રહ્યો હતો:
‘સા’બ, બાબા તો કલ ભી નીચે આયે હી નહીં. સો રહે હૈં...’
‘વ્હોટ !’ હવે આશ્ર્વર્યનો આંચકો અનુભવવાનો વારો ગુરુનામનો હતો.
‘બદરી, તું એમ કહે છે કે ગૌતમ કાલે આખો દિવસ અને રાત ઊંઘતો રહ્યો છે ? ને તમે કોઇએ મને જણાવવાની તસ્દી નથી લીધી ?
ગુરુનામનો હાથ અનાયાસે છાતીની ડાબી બાજુ ચંપાયો. અચાનક જ લાગ્યું કે હ્રદયમાં બેસાડેલું પેસમેકર એક બીટ ચૂકી ગયું છે. આમ પણ ઍરપોર્ટ પર એમના ઇશ્કજાદાની પરાક્રમકથા ટીવીચેનલો પર જોતાં જ ચઢેલાં ગુસ્સાએ હાર્ટ બીટ વધારી દીધાં હતા. ગુસ્સાથી ફાટ ફાટ થતાં મગજને કાબૂ કરવું મુશ્કેલ થઇ ગયું હતું. એમાં તો વકીલમિત્ર ચોપરાને પણ એમણે અડફેટમાં લઇ લીધેલા.
આ ચોપરા પણ નકામો છે. ગુરુનામને પોતાના અંતરંગ, વ્યવસાયિક વકિલમિત્ર પર રોષ ચઢ્યો હતો.
ચોપરાને હંમેશા હું વધુ પડતો સ્ટ્રીક્ટ બાપ લાગું છું, પણ એને શું ખ્બર કે મારું ફરજંદ શું ચીજ છે !
કારમાંથી ચોપરાને ફોન કર્યો તો સામેથી એ જ ઠાવકાઇભર્યો સૂર :
‘ગુરુનામ, ઘરે તો પહોંચ, પછી સાંજે મળીએ. આઇ થિંક, હવે હું માનું છું કે તું સાવ ખોટો પણ નથી.... પરંતુ હજી કહું છું કે સંતાન મોટાં થાય પછી એમની સાથે મિત્ર જેવો વ્યવહાર જરૂરી છે. હા, એ માનું છું કે આજની પરિસ્થિતિ જરા વિકટ છે, પણ મારું માને તો હમણાં ફોન પર ફાયરિંગ ન કરીશ, ઘરે જા, ફ્રેશ થા... ગૌતમ તો નહીં હોય. સાંજ સુધીમાં આપણે કોઇ સ્ટ્રેટેજી વિચારી લઇશું.’
ઍરપોર્ટથી ઘર સુધી આવતાં સુધીમાં ગુરુનામના મનમાં ઘૂંઘવાટ ઘટવાને બદલે વધી રહ્યો હતો, પણ થોડી રાહત ચોપડાની સલાહે આપેલી, જે ઘરમાં પ્રવેશતાંની સાથે બદરીનાં નિવેદનથી વરાળ થઇને ઊડી ગઇ.
કદીય દીકરાના રૂમમાં પગ ન મૂક્તા ગુરુનામે કમને પણ દીકરાના રૂમમાં જવું જ પડે એવી હવે પરિસ્તિતિ ઊભી થઇ ચૂકી હતી.
બ્લુ બર્ડ મેન્શનના વિશાળ લિવિંગરૂમમાં ઉપર જતાં દાદર પર પહેલું પગલું મૂક્યું ને ગુરુનામને કોઇ અકળ, અકલ્પનીય અટકળ કંપાવી ગઇ.
ક્યાંક ગૌતમ
ગુરુનામને પોતાની જાત પર જ ખીજ ચઢી. જે લાગણીને પોતે નબળાઇ માનતા રહ્યા હતા એવો જ કોઇક ભાવ એમને ઘેરી રહ્યો હતો.
લિવિંગરૂમથી ગૌતમના રૂમ સુધી સો ડગલાનું અંતર ભડ જેવા ગુરુનામને કોણ જાણે કેમ હંફાવી ગયું.
ગૌતમનો રૂમ અંદરથી લોક હતો. બદરીએ હ્ળવે હળવે બારણે ટકોરા માર્યા.
‘સા’બ, ઐસે તો કલ ભી બાબા કો જગાને કી કોશિશ કી થી....’ બદરીએ દબાયેલા અવાજે કહ્યું. જેનો અર્થ થતો હતો કે હવે તો ખરેખર બારણું તોડીને પણ અંદર જવું જોઇએ.
ગુરુનામે પોતાના બ્લેઝરના પોકેટમાં રાખેલો મોબાઇલ કાઢી ગૌતમને ફોન ડાયલ કર્યો. સામે છેડે ફોન રણકતો રહ્યો, પણ કોઇ રિસ્પોન્સ નહોતો.
‘બદરી, માસ્ટર કીથી ડોર ખોલ. ન હોય તો તોડાવીને ખોલ..’
ગુરુનામને કશુક અઘટિત થયું હોવાની પ્રતીતિ પ્રબળપણે થઇ રહી હતી. બદરી દોડીને ડુપ્લિકેટ ચાવીનો ઝુડો લઇ આવ્યો. ચાવી થી ડોર ખોલતાંવેંત ગુરુનામ રીતસર અંદર ધસી ગયા.
ડ્રોઈંગ રૂમ પસાર કરી એ બેડરૂમમાં પ્રવેશ્યા ત્યારે ડબલ બેડ પર ગૌતમ ભર ઊંઘમા હોય એમ પડ્યો હતો. શરીર પર માત્ર એક વ્હાઇટ ટુવાલ હતો, જાણે શાવર લેવા જવાનો હોય એમ... બેડરૂમ ઠંડોગાર થઇ ગયો હતો. આખા રૂમમાં એરકન્ડિશનરની ચિલ્ડ હવાને લીધે બ્લેઝરમાં હોવા છતા પોતાને બે-ચાર છીંક આવી ગઇને ગૌતમ એકમાત્ર ટુવાલમાં ? એ વાત જ કોઇ થથરાવનારી ઘટના તરફ ઇશારો કરતી ગુરુનામને લાગી...
બદરીએ સાઇડ ટેબલ પર પડેલા રિમોટથી એસી ઑફ કર્યુ ત્યાં સુધીમાં ગુરનામ બેડ પર સુતેલા ગૌતમ પાસે આવી ચૂક્યા હતા. નીચા ઝૂકીને ગુરુનામે દીકરાનો ચહેરો ધ્યાનથી જોયો. ખબર નહી કેમ પણ ઘેરો ભૂખરો-ભૂરો ચહેરો અને સૂકાં હોઠ જોઇને જ ગુરુનામે તરત ફેમિલી ડૉક્ટર રૈનાને ફોન જોડ્યો:
‘ડૉકટર રૈના પ્લીઝ કમ ટુ માય રેસિડન્સ, રાઇટ નાઉ, હમણાં જ, ઇટ’સ ઍન ઇમર્જન્સી ! પ્લીઝ...’ આટલું બોલતા તો ગુરુનામના ગળામાં ડૂમો બાઝી ગયો.
રોજ કરોડોની ઊથલપાથલ કરતા, કરોડોની ખોટથી પણ પેટનું પાણી ન હલતું એવા ભડ ગુરુનામ વિરવાનીને સામે પડેલો પાણીનો ગ્લાસ ધ્રૂજતો- ધૂંધળો થતો લાગ્યો.
ગુસ્સાની પરાકાષ્ઠાનું પરિવર્તન હવે કોઇ અજ્ઞાત ફ્ફડાટમાં થઇ રહ્યું હતું.
ક્યાંક ડ્રગ્ઝનો ઓવરડોઝ ?
પોતાની કલ્પના જ ગુરુનામને પગથી માથા સુધી થથરાવી ગઇ. ગૌતમ ડ્રગ્ઝ લે છે એવી વાતો તો પોતાના કાને પણ આવી હતી, પણ એનું પરિણામ આવું કંઇક આવશે.. આ રીતે ? એવી કલ્પના નહોતી.
દસ મિનિટ્માં જ ડૉકટર રૈનાએ આવીને નિશ્વેતન પડેલા ગૌતમનાં હાથને હાથમાં લીધો. એ સાથે જ ડૉ. રૈનાના ચહેરા પર અંકાયેલા ભાવ કહી દેતા હતા કે ગુરુનામની દુનિયા લૂંટાઈ ચૂકી હતી.
‘સોરી, મિસ્ટર વિરવાની’ ડૉ. રૈના પોતે જ ગહેરા શોકમાં હતાં. અસ્કૂટ સ્વરથી કોઈ બયાન ન કર્યુ હોત તો પણ વાસ્તવિકતા બદલાઇ જવાની હતી.
‘ગૌતમ ઇઝ નો મોર !’
સહેજ થોભ્યા પછી એમણે ઉમેર્યું :
ગૌતમે સ્લીપિંગ પિલ્સનો ઓવરડોઝ આલ્કોહોલ સાથે લીધો હશે…. કદાચ સાથે ઍન્ટિ-ડિપ્રેસન્ટ પણ...’ ડૉકટરે વાત પૂરી કરી એ સાથે જ ગુરુનામ વિરવાની જેવો શેરદિલ માણસ ઢગલો થઇ ગયો.
‘ઇટ કાન્ટ બી... ઇટ કાન્ટ, ડૉકટર !’
સવારની લવ સ્કેન્ડલની જ્યુસી સ્ટોરી હવે ચટપટી સેલિબ્રિટી ડેથની સ્ટોરી બની ગઇ હતી. કોઇ ચેનલવાળા એને સ્યુસાઈડ કહેતા હતાં, કોઇ એને ડ્રગ ઓવરડોઝને લીધે એક્સિડેન્ટલ ડેથ કહેતું હતું તો કોઇ એને કાર્ડિયાક એરેસ્ટ ગણાવતું હતું. વિશાળ એમ્પાયરના હોનહાર આશાસ્પદ, યુવાન માલિકનું અપમૃત્યુ એ વાત જ ન્યૂઝચેનલ્સ માટે બખ્ખાં કરાવનારી હતી, જેના પ્રત્યાઘાત જલદી શમવાના પણ નહોતા. વિરવાની પત્રકારો સાથે વાતચીત કરી શકે એવી હાલતમાં નહોતા અને છેલ્લે સલોની અને ગૌતમ સાથે હતાં એ વાત પણ જગજાહેર થઇ ગઇ હતી. જોકે પત્રકારો સલોનીને શોધવામાં સફળ નહોતા થયા.
* * *
‘સા’બ, કોઇ મૅમસા’બ આપકો મિલના ચાહતી હૈં’ બદરી અચકાઇ અચકાઇ ને બોલી રહ્યો હતો.
‘મને ?’ ગુરુનામને આશ્વર્ય થયું :
પોતાને કોણ મળવા માગે છે આ સમયે ?
ગૌતમના અવસાન એક પખવાડિયું વીતી ગયું હતું. જે લોકોને આશ્વાસન આપવું હતું એ પ્રાર્થનાસભામાં, ફોન પર અને ઇ-મેઇલ દ્વારા મોકલાવી ચૂક્યાં હતાં. હવે આ વળી કોણ ? ગુરુનામના મનની મુંઝવણ એમના કપાળ પર અંકાઇ રહી.
‘સા’ બ, વો મૅમસા ‘બ.’ બદરી કંઇક ગર્ભિત રીતે બોલ્યો :
‘વો હી... જો, બાબા કે સાથ થી...’
‘ઓહ !’
ગુરુનામના હાથની મુઠ્ઠી સખત રીતે વળી ગઇ. બ્લેકમેઇલ કરવા આવી હશે કે પછી મારી સહાનુભૂતિ લઇ પૈસા પડાવવા ? જમાનાના ખાધેલા ગુરુનામે સલોની સાથે શું ડીલ કરવી એની ચાલ મનમાં ગોઠવવા માંડી.
પાંચ જ મિનિટમાં બદરીની પાછળ સલોની ગાર્ડનમાં પ્રવેશી. વ્હાઇટ સલવાર –કુરતા અને શિફોન જ્યોર્જેટની ચુન્નીથી ઢાંકેલું માથું. જો પોતાને ખબર ન હોત કે આ જ સલોની છે તો કદાચ ઓળખી સુદ્ધાં ન શક્યા હોત એટલી દૂર્બળ અને નિસ્તેજ લાગી રહી હતી. બદરીસિંહ અંદર દોરી લાવ્યો સલોનીને.... અદબ વાળી એક તરફ જરા અંતર રાખી ઊભો રહી ગયો.
સલોની હવે ગુરુનામ વિરવાની સામે ઊભી હતી. એ વિરવાની જેને પોતે હંમેશા અખબાર મેગેઝિનમાં છપાતા ફોટોગ્રાફસ, ન્યૂઝ, ટીવી ચેનલ્સ અને ગૌતમની વાત પરથી જાણ્યા-પિછાણ્યા હતાં. કોઇક અકળ શિસ્તથી પ્રેરાઇને સલોનીએ વિરવાની સામે હાથ જોડી પ્રણામ કર્યા. ગુરુનામ દ્વિધામાં હતાં.
આ એ જ છોકરી હતી ? ફોટોગ્રાફ અને સિરિયલોમાં દેખાતી ? ગ્લેમર વિના વધુ સારી લાગી રહી છે... એ વાત વિરવાનીની ચકોર આંખે નોંધી લીધી.
બેસો... બોલ્યા વિના જ ગુરુનામે સલોનીને સામે પડેલી ચૅર પર બેસવાનો ઇશારો કર્યો. થોડી ક્ષણ કશું બોલ્યા વિના જ પસાર થઇ ગઇ.
‘બદરી, તું જા...’ ગુરુનામે પોતાના વિશ્વાસુ નોકરને જવા કહ્યું એ વાત જ સલોનીને અંદરખાને શુભ શુકન જેવી લાગી.
'તો ગૌતમ છેલ્લે તારી સાથે હતો એમ ને... ?
ગુરુનામે વાતચીતનો દોર પોતાના હાથમાં લેતા પૂછ્યું. જવાબમાં સલોનીએ માત્ર માથું ધુણાવવું મુનાસિબ માન્યું.
‘એવું તે શું થયું તમારી વચ્ચે કે મારે મારો દીકરો ગુમાવવો પડ્યો ? ‘
ગુરુનામના અવાજમાં તીખારા હતી, રંજની કડવાશ પણ ખરી, છતાં સ્વસ્થતા ભારોભાર હતી. સલોની ગળું ખોખારી હિંમત ભેગી કરતી હોય એમ હળવેથી ટટ્ટાર થતાં બોલી :
‘સોરી, મિસ્ટર વિરવાની...’
એક દીર્ઘ શ્વાસ ભરીને કંઇક હિંમત ભેગી કરી રહી હોય એમ સલોની બોલી.
ગુરુનામ વિરવાની કંઇક રોષથી, કંઇક કુતુહલતાથી સલોનીના ચહેરા પર બદલાતા ભાવ વાંચવાની કોશિશ કરી રહ્યાં હતાં.
‘મને માફ કરી દો, પ્લીઝ... હું જ જવાબદાર છું આ તમામ માટે.’ સલોનીની આંખોમાં બાંધી રાખેલો બંધ તોડીને આંસુને વહી જવું હોય એમ એ વરસી પડ્યાં, સાથે સાથે એ ભીનાશ ભીંજવી ગઇ હોય એમ અવાજ રૂંધાતો રહ્યો.
ગુરુનામની આંખમાથી ધીરે ધીરે રોષની માત્રા ઘટીને હવે અનુકંપામિશ્રિત ભાવ અંજાવા લાગ્યો હતો.
‘જરા વિગતવાર વાત કરું ?’
સલોનીએ કંપતા સ્વરે પૂછ્યું. ગુરુનામે ઉત્તરમાં મસ્તક ધુણાવીને ગ્રીન સિગ્નલ આપ્યા વિના કોઇ વિકલ્પ પણ નહોતો.
‘હું ને ગૌતમ વર્ષોથી પ્રેમમાં હતાં. એ તો કદાચ આપ જાણો જ છો.’ કહેલી કેફિયતની નોંધ ગુરુનામના મગજે લીધી કે નહીં એ ખાતરી કર્યાં પછી સલોની થોડી મોકળાશથી બોલી રહી હતી.
‘ગૌતમને ડર હતો કે કદાચ તમે અમારા આ સંબંધને ક્યારેય મંજૂરી નહીં આપો. ગૌતમની આ આશંકા કેટલી સાચી હતી એ તો મને નથી ખબર, પણ મારા માટે એ કશ્મક્શ હતી, કારણ કે હું એક નાના શહેરની, મધ્યમવર્ગીય પરિવારની દીકરી. અહીં સુધી પહોંચવું એ જ એક સિદ્ધિ કહેવાય તો પછી અહીથી સરકી પડવું કેવું દુ:સ્વપ્ન... ! તમે તો કલ્પના કરી શકો છો ને !’
સલોનીએ જોયું કે ગુરુનામ એકચિત્તે એની વાત સાંભળી રહ્યા હતાં.
‘કદાચ તમને નહીં ખબર હોય મિસ્ટર વિરવાની, પણ તમે અમારા સંબંધને ક્યારેય નહીં સ્વીકરો એ વાત ગૌતમને દિન-રાત ખાઇ જતી હતી. એણે મને ઘણી વાર કહ્યું પણ ખરું કે જો હું આ ક્ષેત્રે ન હોત તો કદાચ તમે મંજૂરી આપો પણ ખરા.... પરંતુ હું એ ન કરી શકી. પછી જે થયું તે...’ અસ્ખલિતપણે બોલી જતી સલોની ક્ષણભર માટે રોકાઇ. ગુરુનામ વિરવાની પોતાની વાત સાંભળી રહ્યાં છેને એ જોવા કદાચ.
‘અને હું પ્રેગ્નન્ટ...’ સલોનીએ હળવા ડૂસકાં સાથે વાક્ય અધુરું મૂકી દીધું.
ગુરુનામને લાગ્યું કંઇક જાણે તુટી ગયું ને એની ઝીણી ઝીણી કરચ આખા શરીરમાં ઘૂસી ગઇ છે. એ કસર એમની આંખમાં ઊતરી આવ્યા વિના ન રહી. ગુરુનામે કંઇક કહેવા હોઠ ઉઘાડ્યા....
‘ના, પ્લીઝ... મને બોલી લેવા દો.’ સલોની ગુરુનામને બોલવાનો જાણે એકેય મોકો આપવા માંગતિ નહોતી.
‘ગૌતમ ખુશ હતો, બહુ ખુશ... અને વ્યગ્ર પણ... એને ડર હતો કે તમે કદાચ કયારેય અમને માફ ન કરો. બસ, એ મુલાકાત છેલ્લી બની રહી, કારણ કે મેં એને સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે લગ્ન ન કરી શકીએ તો મારી પાસે માત્ર ને માત્ર એક જ વિકલ્પ બાકી રહે છે, એ છે અબોર્શન આખરે તો એની ઇજ્જત ને મારી કરિયરનો સવાલ હતો, પણ મિસ્ટર વિરવાની... મને સાચે જ ખબર નહોતી કે ગૌતમ આટલી હદે સેન્સિટિવ હશે... અને એટલે મને એવી તો કલ્પના પણ કઇ રીત હોય કે હું ગૌતમને છેલ્લી વાર જોઇ રહી છું.. !
સલોનીના ડુસકાં હવે દીર્ઘ હીબકાંમાં પલટાઇ રહ્યાં હતાં. પોતાના રુદનને રોકવાની તમામ નાકામ કોશિશ કરતી સલોની એકએક વાક્ય પછી સ્વસ્થ સ્વરે વાત કરવાના પ્રયત્ન કરતી રહી, જે સદંતર નિષ્ફળ જ પૂરવાર થઇ રહ્યા હતાં.
જિંદગીમાં કદાચ સૌપ્રથમ વાર ગુરુનામ વિરવાનીને લાગ્યું કે ચોપરા સાવ સાચું કહેતો હતો. બાળપણમાં જ મા ગુમાવી બેઠેલા દીકરાને કેળવવાના મોહમાં પોતે વધુ પડતા જ કઠોર થઇ ગયો. પોતે જ પોતાના લોહીની પરખ ન કરી શક્યો. એક તરફ આવનાર સંતાનનો મોહ અને બીજી તરફ, પિતાનો ખોફ એ બે વચ્ચે રહેંસાઇ ગયો મારો ગૌતમ ! પોતાનો વાંક ક્યારેય ન માનનારા ગુરુનામના કાળજામાં ચીરા પાડી ગયો પસ્તાવો. દીકરાના અપમૃત્યુ માટે જવાબદાર આ છોકરીને લેખવી કે પોતાની સખ્તાઇ અને સ્વાભવને ?
ગુરુનામના મસ્તકમાં જાણે વિચારોનો વંટૉળ ફૂંકાયો.
‘એક મિનિટ, લેડી આઇ મીન સલોની,તમે એમ કહેવા માંગો છો કે ગૌતમનુ બાળક હજી.... તમે હજી અબોર્શન નથી કરાવ્યું.... એમ જ ને ?’ ગુરુનામનું મગજ હવે બીજા ટ્રેક પર ચાલી રહ્યું હતું.
ગુરુનામના પોઇન્ટ બ્લેન્ક પ્રશ્ન સામે સલોની નિરુત્તર જ રહી. અલબત્ત, ઢળી ગયેલી આંખોએ જવાબ આપી દીધો હતો, જેનો સીધો અર્થ થતો હતો :
હા, નથી કરાવ્યું.
થોડી ક્ષણ ભારેખમ મૌન પથરાયેલું રહ્યું.
‘પણ હું કઇ રીતે માને લઉં કે આ બાળક ગૌતમનું જ હશે ? ‘
ગુરુનામ વિરવાનીમાં રહેલો ચાલક ઉદ્યોગપતિ ફરી સજીવન થઇ ગયો. હવે છંછેડાવાનો વારો સલોનીનો હતો.
‘એક્સક્યુઝ મી, મિસ્ટર વિરવાની...’
સલોનીની આંખોમાં રહેલાં આંસુ એક જ ક્ષણમાં વરાળ થઇ ગયા. એની જગ્યા રોષે લઇ લીધી. સલોનીની આંખોમાં ચિત્તા જેવી ચમક હતી, અને એના માથે સવાર હતી કોઇ વીફરેલી વાઘણ.
‘મિસ્ટર વિરવાની, તમે શું સમજ્યા? હું અહીં તમારી પાસે તમારા દીકરાના ભાવિ સંતાનના હક્ક માટે આજીજી કરવા આવી છું ? હું તો આવી હતી માત્ર માફી માંગવા, મારા ગિલ્ટની મૂકી્તિ માટે.. ને તમે શું સમજ્યા ? તમારા ગળે પડવા આવી છું ?’
એકશ્વાસે બોલાયેલાં આ વાક્યો પછી સલોની થોડીક ક્ષણ અટકી ને ફરી એ ઝડપથી વાતનો દોર સાધી લીધો:
‘અને હા, મિસ્ટર વિરવાની, જરૂર પડી હોત તો હું પેટરનિટી ટેસ્ટ પણ આપત, જેમાં સાબિત થઈ જાત કે મારી કૂખમાં આકાર લઇ રહેલા બાળકનો પિતા કોણ છે ને એ એ જ છે અમારા પ્રેમ ની સાબિતી... તમે ધારો છો એવા હલકા ઉદ્દેશ સાથે હું અહીં નથી આવી ! ‘
સલોનીનો ચહેરો તમતમીને લાલાશ પકડી રહ્યો હતો :
‘મારી તો અપોઈન્ટમેન્ટ ફિક્સ છે ગાયનેક ડોક્ટર અસીમા ત્રિપાઠી સાથે, પરંતુ મને થયું કે જે કારણ ગૌતમના અપમ્રૂત્યુ માટે નિમિત્ત બન્યું એ જો તમને કહી માફી નહીં માગું તો આખી જિંદગી મને પીડશે...’
એકધારું બોલવાથી સલોનીને હાંફ ચડી આવી, પણ એના અવાજમાં રહેલો સચ્ચાઈનો રણકો ગુરુનામના દિલ ને રણઝણાવતો ગયો.
ઝંઝાવાત સર્જાઈ રહ્યો ગુરુનામનાં દિલ અને દિમાગમાં. પોતે પોતાના લોહી ને સમજી ન શક્યા ન એની ચાહતને... પોતાના જ વંશ ને પોષી રહેલી આ છોકરીને પણ કેવી ખોટી સમજી લીધી ?
‘બેટા, દુ:ખ ના લગાડીશ, પણ આ દુ:ખી પિતાનું મન રાખવા મેટરનિટી ટેસ્ટ આપીશ ?’ ગુરુનામે જરા અચકાઈને પૂછ્યું. હજી એમને શત-પ્રતિશત વિશ્વાસ આખી આ ઘટના પર બેસી રહ્યો નહોતો. પોતાની આ વાત બોમ્બ જેવું કામ કરશે. આ છોકરી–સલોની પગ પછાડી આવી એવી જ જતી રહેશે, પણ આ તમામ અટકળ ખોટી પાડવી હોય એવી શાંતિથી સલોની એક જ શબ્દ બોલી:
‘જરૂર... કેમ નહીં ? તમને એથી શાંતિ મળતી હોય તો ચોક્કસ આપીશ !’
હવે આભા થઇ જવાનો વારો ગુરુનામનો હતો. માણસ પારખવાની શક્તિ પર ભારે નાઝ અનુભવતા ગુરુનામને સલોની અવાજમાં સચ્ચાઈનો રણકો સ્પર્શી ગયો.
‘તો એક વધુ વાત પૂછી લઉં ?’ ગુરુનામે સલોની સામે યાચકનજરે જોઈને પૂછ્યું:
‘તો એ બાળકના દાદા કહેવાડવાનો હક્ક મને આપશે, દીકરા ?’
સલોની કશું ન બોલી શકી. લાગણીંનીએ ગૂંચ જાણે ગળામાં આવીને ફસાઈ ગઇ હતી. એના મૌનનો અર્થ ગુરુનામે પોતાની રીતે કર્યો અને ગુરુનામનો ડાબો હાથ આશીર્વાદ આપવાની મુદ્રામાં સલોનીના માથા પર સ્પર્શ્યો. આખરે તો પોતાના આખરી અંશને પોષનારી આ સ્ત્રી દીકરાની ચાહત જ હતી ને !
બ્લુ બર્ડ મેન્શનના ભવ્ય લિવિંગરૂમમાં તાજાં સજાવવામાં આવેલા વ્હાઈટ ઓર્કીડના ફૂલ વચ્ચે શોભી રહેલા ગૌતમના પોટ્રેટ પાસે સલોનીને દોરી લાવ્યા ગુરુનામ. એમની સજળ આંખો પોતાને છોડી અનંત યાત્રાએ ચાલી ગયેલા દીકરાના હસતા ચહેરાને એકટશે તાકી રહી.
‘બેટા, ક્યારેક તો બાપ પાસે હ્રદય ખોલ્યું હોત ! તું માનતો હતો એટલો બેજવાબદાર અને પથ્થરદિલ બાપ હું ક્યારેય નહોતો, પણ...’
ગુરુનામ વિરવાનીની આંખોની ભીનાશ ગળે ડૂમો થઇ બાઝી રહી. જે દીકરો કહી ન શક્યો એ વાતને તર્પણરૂપે પણ સ્વીકારવી રહી.
ગુરુનામ વિરવાનીએ આંખના ખૂણેથી બાજુમાં ઊભી રહેલી સલોનીને ફરી જોઈ લીધી. વ્હાઈટ સલવાર-કુરતામાં મેકઅપ વિનાની, ક્રુશ દેખાઈ રહેલી... આ મારા પૌત્રને...
ગુરુનામ આગળ વધુ વિચારી ન શક્યા. માત્ર સલોનીના માથે હાથ પસવારી જાણે આખરી સહમતિ આપી દીધી.
સલોનીના શરીરમાં ગુરુનામ વિરવાનીનો સ્પર્શ કંપન પેદા કરી ગયો. સલોની નિષ્પલક નજરે ગુરુનામ વિરવાનીના ચહેરાને જોતી રહી. વિરવાનીના ચહેરા પરનું હળવું સ્મિત એની માફીનું સાક્ષી હતું
સલોનીની કોરીધાકોર આંખો ગૌતમના પોટ્રેટ પરથી હટવાનું નામ લેતી નહોતી એ વાત પણ ગુરુનામની અનુભવી આંખથી અજાણી ન રહી.
છેલ્લાં પખવાડિયાથી બ્લુ બર્ડ મેન્શનમાં છવાયેલા ગમગીનીના સામ્રાજ્ય ને કોઇ ઓછું કરી શકે એવું નહોતું, છતા અચાનક થયેલા સલોનીના આગમનથી ગુરુનામને દિલમાં ઊંડે ઊંડે એક આશ્વાસન મળતું રહ્યું કે આખરે ગૌતમનાં ઉછેરમાં રહી ગયેલી ખોટ પૂરવાનું એક કારણ તો મૂકતો ગયો હતો ને દીકરો...
સલોનીને પોર્ચ સુધી વળાવવા આવેલા ગુરુનામ પાસે કોઇ શબ્દ નહોતા, પણ એમની આંખના ભાવને પરાણે દબાવી રાખેલાં આંસુ સલોનીની સ્વીક્રૂતિ પર મહોર મારવા પૂરતા હતાં.
સલોનીને લઈને બ્લુ બર્ડ મેન્શનમાંથી મર્સિડીઝ નીકળી ત્યારે પાછળની સીટમાં
માલિકણની અદામાં બેઠેલી સલોનીને આખી દુનિયા બદલાઇ ચૂકી હતી.
* * *
‘શર્મા, બસ યે શોટ ફાઈનલ કર દો.’
આશુતોષે પોતાના આસિસ્ટન્ટને સૂચના આપતાં આપતાં શર્ટના ઉપલા પોકેટમાં રાખેલું ટ્રિપલ ફાઈવનું પેક હજી હાથમાં લીધું ત્યાં મોબાઈલ રણક્યો. સ્ક્રીન પર ચમકી રહેલો નંબર તદ્દન અજાણ્યો હતો. હળવી અવઢવ સાથે આશુતોષે એ રીસીવ કર્યો. ‘હાય..., આશુતોષ...’ સામે છેડેથી ઉમળકાભર્યો પરિચિત અવાજ આશુતોષ ને અચરજ પમાડવા પૂરતો હતો.
‘અરે ! તું... ! વ્હોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ, સલોની. તું છે ક્યાં ? આશ્ચાર્યમિશ્રિત આનંદની છોળ આશુતોષના અવાજમાં છલકાઈ ગઈ.
‘આઉટ ઓફ ઈન્ડિયા છું, આશુતોષ, લગભગ ચારેક મહિનામાં ઈન્ડિયા પાછાં ફરવાનો પ્લાન છે, પણ મેં ફોન કર્યો છે એક જુદા જ કારણે...’
સલોનીના સપાટ અવાજમાં ન હતો કોઇ આરોહ-અવરોહને સ્થાન હતું ન તો ઉમળકાને... સલોનીનાં બે-ચાર વાક્ય આષુતોશની કુતૂહલવ્રુત્તિને ઉશ્કેરી રહ્યાં હતાં.
આશુતોષ, આર યુ રેડી ટુ ટેક અ ચેલેન્જ ? મારી પાસે એક સોલિડ પ્લાન છે.
સલોની બોલી તો હતી હળવાશથી, એની વાતમાં રહેલું વજન આશુતોષ અનુભવ રહ્યો.
‘એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર-ડિરેક્ટર તરીકે ચેલેન્જ લઈ શકે તું ? બોલ... !’ જાણે પડકાર ફેંકતી હોય એવા ટોનમાં સલોની પૂછી રહી હતી.
‘અરે, પણ... મેઈન પ્રોડ્યુસર-ફાઈનાન્સર કોણ છે ?’
આશુતોષના પ્રશ્નનો ઉત્તર જાણે તૈયાર હોય એમ એમ સલોની બોલી:
‘સલોની ગૌતમ વિરવાની !’
‘અરે,પણ.. અરે... ‘સામે પ્રશ્ન કરવા માગતા આશુતોષના શબ્દો એના ગળામાં જ અટવાયેલાં રહ્યા. છેલ્લાં એક જ વાક્ય પછી આગળ જાણે કોઇ ચર્ચા ન કરવી હોય એમ સલોનીએ સામે છેડેથી કોલ ડીસકનેક્ટ કરી નાખ્યો, જેની ધાર પણ આશુતોષને થોડી ક્ષણ પછી વાગી.
* * *
આલ્પ્સના ભૂખરાં-ભૂરાં સામ્રાજ્ય પર બર્ફીલી ચાદર ઓઢીને ઢબૂરાયેલાં નાનકડા સ્વીસ વિલેજ ઝરમટના વિરવાનીઝના પ્રાઈવેટ શેલેમાં ફાયરપ્લેસમાં પ્રજવળી રહેલી જ્વાળા સલોનીનાં તન-મન ને હૂંફ આપી રહી હતી. આરામદાયક રોકિંગ ચેરને પગના બળે હળવે હળવે ઝુલાવી રહેલી સલોનીએ આશુતોષનો કોલ કટ કર્યા પછી કોર્ડલેસ ફોન સાઈડટેબલ પર ગોઠવીને ઓઢી રાખેલી ગરમ શાલને વધુ કસી છાતીસરસી વીંટાળી.
એક ઊંડો શ્વાસ સલોનીએ લીધો. હજી મહિનાની વાર હતી એના આગમનની જેના અવતરણ સાથે સલોનીની જિંદગી ત્રણસો સાઠ ડિગ્રીએ બદલાઈ જવાની હતી. પોતાના પૂર્ણેપણે વિકસિત ઉદર હળવે હળવે હાથ પસવારતી સલોનીનાં મગજમાં કેટલાંય દ્રશ્ય એક્શન રિપ્લે થઇ રહ્યાં હતાં.
પોતે આટલી સલૂકાયથી આ મંઝિલ સુધી કઇ રીતે આવી ગઈ…! ગૌતમ જીવિત હોત તો ? એ પ્રશ્ર્નનો સાચો ઉત્તર દિલ તો જાણતું હતું, પણ ગુરુનામ વિરવાની જેવા મહારથી પોતાની વાત માની ગયા. !
સલોનીના શરીરમાંથી હળવી કંપારી પસાર થઈ ગઈ :
ધારો કે ગુરુનામ વિરવાની પેટરનિટી ટેસ્ટની વાત પર અફર રહ્યાં હોત તો ?
સલોનીની નજર સામેથી આશુતોષ સાથે વિતાવેલી થોડી રાત પસાર થઈ ગઈ.
સલોની ક્યાંય સુધી સામે ટેબલ પર પડેલી તસવીરમાં રહેલા ગૌતમને તાકતી રહી. જાણે ગૌતમને જ પૂછી રહી હતી :
ગૌતમ, હજી પણ તને હું બી ગ્રેડ એક્ટ્રેસ લાગું છું ?!
***