એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 28 Pinki Dalal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 28

એક ચાલ તારી

એક ચાલ મારી

- લેખક -

પિન્કી દલાલ

( 28 )

‘સલોની, ક્યાં સુધી આ રીતે વર્તીશ ? પોતાની સાથે લડીને કોઇ કંઇ પામી શક્યું છે ખરું ? જે કસૂરવાર તને બેહાલ છોડી ગયાં એમને વિશે વિચારી રહી હોય તો સમજ કે એ લોકો જે હોય તે, પણ એ તને જનમ આપનારાં મા-બાપ નહીં –રાક્ષસ હશે, જેમણે પોતાના નવજાત બાળકને આમ મરવા છોડી દીધું....’

સલોનીના ઉદાસીભર્યા મૌનથી સુહાસિની વિચલિત થઇ રહી હતી :

‘કહી દે, અમે મનથી બધી તૈયારી રાખીને જ બેઠાં છીએ... ભાગ્યમાં જેટલી લેણદેણ હશે એ પૂરી થઇ...’

દિવસો સુધી સલોનીને કંઇક ગુંચવાઇ રહેલી જોઇને એક સવારે બ્રેકફાસ્ટ ટેબલ પરથી અનંતરાવ ઊઠીને અખબાર લઇને બેઠા એટલે સુહાસિનીએ જે આવવાનો હોય એ વાતનો અંત આવે એમ શબ્દો ચોર્યા વગર સ્પષ્ટ પૂછી જ લીધું હતું.

‘અરે આઇ, એવું હોય કંઇ ? તું પણ બસ...’ સલોનીએ માનું મન રાખવા ખોટેખોટો જવાબ પરખાવ્યો, પણ સુહાસિની એટલું તો સમજી શકી કે કોઇક વાત સલોનીને પજવી રહી છે એટલું તો નક્કી.

ખરેખર તો સાચી વાત જાણ્યા પછી હળવાશ અનુભવવાના બદલે સલોની રીતસર સહેમી ગઇ હતી. એક તરફ પરીવાળી વાત તો અનીતાએ સાચવી લીધી, પણ હવે પેલા વિક્રમનું શું ?

વિક્રમનો વિચાર કરી રહી હતી ને મોબાઇલ ફોન રણક્યો : નક્કી વિક્રમ...

ફોન ખરેખર વિક્રમનો જ હતો : ‘ગુડ મોર્નિંગ, સલોની ડિયર...’

ક્ષણભર માટે સલોનીનું હ્રદય ધબકારો ચૂકી ગયું હતું.

આઇ-બાબા સામે જ બેઠાં હતાં. સુહાસિનીની નજર એની પર જ હતી એટલે સલોની સાહજિકતાથી વાત કરવી હોય એમ હળવેકથી ઊઠીને ટેરેસમાં આવી ગઇ.

‘અરે સલોની, ગુડ મોર્નિંગનો જવાબ તો આપ... અને હા, હું તો હવે મહેમાન છું.... મહેમાન સાથે કોઇ આમ વર્તે ?’ વિક્રમ લુચ્ચું હસી રહ્યો હશે એવી અટકળ સલોની કરી શકી.

ઓહ, એટલે વિક્રમ મુંબઇ આવી ચૂક્યો છે...

‘સલોની મને લાગે છે કે તારી સેન્સ ઑફ હ્યુમર ઝીરો થઇ ચૂકી છે, એની વે, હું પણ તને પરેશાન નહીં કરું. કામની વાત જ કરીએ. બેટર ફોર બોથ ઓફ અસ...’ વિક્રમ બોલતો રહ્યો ને સલોની સાંભળતી રહી :

‘હં..., તો ક્યારે મળે છે ? બધું રેડી તો છેને ? મારી પાસે ટાઇમ નથી. જો આજે જ વાત પતી જતી હોય તો મારે એક કલાક પણ નથી રોકાવું તારા શહેરમાં....’

‘વિક્રમ, મને થોડો સમય આપ...’ સલોની એકએક શબ્દ સંભાળીને બોલી રહી હતી સુદેશ સિંહે આપેલી દોરવણી નખશિખ પાર પાડવાની હોય એમ.

‘સૉરી સલોની, યૉર ટાઇમ ઇઝ અપ... મેં તને પૂરતો સમય આપ્યો છે- નો મોર. તું જેટલું મેનેજ કરી ચૂકી છે એ આપી દે. બાકીનું હું નેકસ્ટ ટ્રીપમાં કલેક્ટ કરીશ.’ વિક્રમે ઠંડકથી કહ્યું.

‘નેક્સ્ટ ટ્રીપ ? ‘સલોનીને આશ્ચર્ય થયું, પણ એ અવાજમાં છતું ન થાય એનું ધ્યાન રાખવું જરૂરી હતું :

‘ઓ કે, તો ક્યાં મળું ?’

‘સમોવર પર. યાદ છેને ? જહાંગીર આર્ટ ગેલેરીનો કેફે ?’

વિક્રમના અવાજમાં જૂદી જ પ્રકારની દ્રઢતા હતી :

‘સો સી યુ ધેર ટુડે ઍટ થ્રી, નો ચેન્જ અને હા, એક વધુ વાત, સલોની... જો મારી સાથે કોઇપણ પ્રકારની ચાલાકી કરવાની કોશિશ કરી તો પરિણામ શું આવશે એ મારે તને કહેવું તો નહીં જ હોય.... રાઇટ ?’

સલોની ચૂપચાપ વિક્રમને સાંભળતી રહી ને વિક્રમે જ ફોન કટ કરી નાખ્યો.

ફોન કટ કર્યા પછી વિક્રમ હોટલની રૂમના વરંડામાં આવીને સામે ઘૂઘવી રહેલો દરિયો જોતો રહ્યો. એકસાથે સેંકડો વિચારનું વાવાઝોડું એના મનને ઝકઝોરતું રહ્યું :

સલોની આવશે એ વાત તો નક્કી હતી,પણ બધો આધાર માલ કેટલો લાવે એની પર હતો. જો સારી એવી રકમ હોય તો નેપાળમાં સ્થાયી કેમ ન થવું ?

વિક્રમના મનમાં છેલ્લાં થોડાં દિવસથી રમી રહેલો વિચાર ફરી હાવી થઇ ગયો. નેપાળમાં સિક્યોરિટી જ એવી ઢીલી છે કે પોતે આખી જિંદગી ચેન-આરામથી ગુજારી શકે એમ હતો. એક નાની હોટેલ-કાફે કે ટ્રાવેલ એજન્સી કરી નાખે એટલે એક નવો જ મુખવટો પછી પત્યું... હવે આ ગુનાખોરીની દુનિયામાં ફરી પ્રવેશવું એ વિચાર જ માત્ર ત્રાસ ઉપજાવતો હતો ને ફરી સુલેમાન સરકારની ગુલામી કરવી એટલે...

વિક્રમે વૉચમાં નજર નાખી : સવારના નવ થઇ રહ્યા હતા. હજી એક સૌથી મહત્વનું કામ તો પતાવવાનું બાકી હતું એણે ઝડપભેર કપડાં બદલ્યાં અને હોટેલની બહાર નીકળી ટૅક્સી રોકી. ગમે તેમ કરીને બે કલાકમાં પાછું આવી જવું જરૂરી હતું.

કામ પતાવીને વિક્રમ હોટેલ પર પાછો ફર્યો ત્યારે ત્રણ વાગવામાં હજી વીસેક મિનિટ બાકી હતી. હવે સમય થયો હતો ફાઇનલનો.

ફોન પર નક્કી કર્યા પ્રમાણે સલોનીને હવે સમોવરમાં મળવાનું હતું,એ જ ફોટોગ્રાફરવાળો હુલિયો. ફરક એટલો હતો કે બે કેમેરાબૅગના બદલે હવે એની પાસે હતી એક કૅમેરાબૅગ અને નાની એક બ્રીફ. નિયત સમયે વિક્રમ સમોવર પર પહોંચી ગયો માંડ પચાસક માણસો સમાવી શકે એટલા નાના કેફેમાં એક કોર્નર ટેબલ પર એ બેસી ગયો. એક તરફ નજરે ચઢતો હતો ગાર્ડન અને સામે પડતું હતું એન્ટ્રન્સ. કેફેમાં જે કોઇ આવે એ પોતાની નજર બહાર ન રહે એ રીતે વિક્રમ ગોઠવાઇ ગયો.

‘મિસ દેશમુખ, ધ્યાનથી આ વાત સાંભળીને ફોલો કરવાની છે. નાની સરખી ચૂક તમને ખતરામાં નાખી શકે છે...’

સમોવર પર વિક્રમને મળવા નીકળી ચૂકેલી સલોનીને સુદેશ સિંહ લાસ્ટ મિનિટે સૂચના આપી રહ્યો હતો :

‘કેફેમાં ગયા પછી ન તો કોઇ ફોન કરશો, ન મેસેજ જોશો.. શક્ય છે એ આવે જ નહીં તો પણ કોઇ ફોન નહીં. એ ન આવે તો થોડી વાર રાહ જોઇને ત્યાંથી ઊઠીને નીકળી જવાનું. હા, જો એ આવી ગયો તો આઠ – દસ મિનિટ વાતમાં રોકી રાખજો... શક્ય છે એ આજનો રાઉન્ડ રિહર્સલ કરવા જ કરતો હોય. ઓકે ?’

સલોની ચૂપચાપ સુદેશ સિંહની સૂચનાઓ સાંભળી રહી હતી ત્યાં બહાદૂરના અવાજે વિક્ષેપ પાડ્યો :

‘મૅમ, આ ગયા કાલા ઘોડા...’

‘બહાદૂર, પાર્કિંગમાં કાર પાર્ક કરીને પણ તું આઘોપાછો થઇશ નહીં. મને કદાચ કલાક પણ થાય ને કદાચ પાંચ મિનિટમાંય પતી જાય.... ‘

સમોવરમાં પ્રવેશતાં જ સલોનીએ ચારે બાજુ નજર દોડાવી. કેફેમાં ખાસ ચહલપહલ નહોતી. થોડાં આર્ટિસ્ટ જેવા લાગતાં લોકો ચા-કોફી પીતાં ગપાટે ચઢ્યાં હોય એમ લાગી રહ્યું હતું, પણ વિક્રમ તો ક્યાંય નજરે ન ચઢયો.

સલોની એક ખાલી પડેલા ટેબલ પર બેસી ગઇ, હવે વાટ જોયા વિના છૂટકો નહોતો. પંદર મિનિટ, વીસ મિનિટ, પાંત્રીસ મિનિટ... પૂરાં પોણા કલાક સુધી વિક્રમ ન દેખાયો ત્યારે સલોનીને મન થઇ આવ્યું સુદેશ સિંહને ફોન કરવાનું :

ના, પણ એમણે ચોખ્ખી ના પાડી છે એટલે સલોનીનું મન જ એને રોકી રહ્યું.

બીજી પાંચેક મિનિટ એમ જ વીતી ગઇ. કદાચ હવે એ નહીં આવે. સુદેશ સિંહે કહ્યું એમ કદાચ એ રીહર્સલ કરતો હશે ! સલોનીએ વિચાર્યું. એ ઊભી થઇને ટેબલ પર મૂકેલી હૅન્ડબૅગ લઇ રહી હતી ત્યાં દૂર ટેબલ પર બેઠેલા આર્ટિસ્ટ જેવો દેખાતો એક શખ્સ એની તરફ ઝડપથી આવતો જણાયો. દુબળું-પાતળું શરીર, વધી ગયેલી દાઢી ને મૂછ, લઘરવઘર કપડાં

એ સલોનીના ટેબલની લગોલગ સામે આવીને ઊભો રહ્યો, છતાં સલોની એને ઓળખી ન શકી.

‘હાય સલોની, ઓળાખાણ પડી ?’ સલોની બેઠી હતી એ ટેબલ પાસે આવીને પૂછ્યું.

‘ઓહ નો.... તું ? આ શું વેશ કાઢ્યો છે ?!’

સલોની ઘડીભર અવાચક થઇને જોતી રહી ગઇ. અવાજ પરથી એ વિક્રમને ઓળખી શકી, પણ આશ્ચર્યનાં ઝટકામાં પળવાર માટે વીસરી ગઇ કે એ અત્યારે દોસ્ત નહીં, બલકે બ્લૅકમેઇલર વિક્રમ સ્સાથે વાત કરી રહી છે.

‘યેસ, હું... હવે કામની વાત... ક્યાં છે ?’ વિક્રમ ઉતાવળમાં હોય એમ લાગ્યું. એનો ઇશારો માલ સામે હતો.

‘વિક્રમ, મેં... ‘સલોનીની વાત સાંભળવામાં વિક્રમને કોઇ રસ ન હોય એમ એને અધવચ્ચેથી આંતરી :

‘સલોની, હું છેલ્લાં બે દિવસથી અહીં છું અને હવે વધું રહી શકું એમ નથી. જલ્દી કર મારી પાસે સમય નથી.’

‘વિક્રમ, એમ નહીં જવાય, તારે મારી વાત સાંભળવી પડશે...’

સલોની મક્કમતાથી બોલી.

એને કોઇ પણ સંજોગોમાં સદેક મિનિટૅ વાતમાં ઉલઝાવી રાખવો જરૂરી હતો... સુદેશ સિંહના શબ્દ સલોનીના મગજ પર તાજાં હતા.

‘સલોની, ચાલાકી કરવી રહેવા દેજે, પરિણામ સારું નહીં આવે...’ વિક્રમને કદાચ કંઇક શંકા આવી હોય એમ એ વ્યગ્ર થઇ રહ્યો હતો.

‘કોઇ ચાલાકી નથી, આ રહ્યું તારું સંપેતરુ...’

સલોનીએ પોતાની પાસે રહેલી એક નાની સેમ્સોનાઇટની વૅનિટીબૅગ ઉંચી કરીને દેખાડી.

‘ઓકે, ગુડ ગર્લ... નાઉ ગિવ ઇટ ટુ મી...’

સલોનીના હાથમાંથી બૅગ લેવા વિક્રમે ડાબો હાથ લંબાવ્યો ને એ જ ઘડીએ જમણા હાથથી પોતાની પાસે રહેલી બ્રીફમાંથી એક નાની કાચની બોટલ બહાર ખેંચી કાઢી. વિદેશી કલરફુલ અથાણાની બૉટલ લાગે એવી નિર્દોષ બોટલ હતી એ...

‘મારે પણ તને કંઇક આપવું છે, સલોની !’

આછા આશ્ર્ચર્ય સાથે સલોની ઘડીમાં બૉટલ ને ઘડીભર વિક્રમનો ચહેરો તાકી રહી :

‘વિક્રમ, સાચે સમજાતું નથી કે તું ખરેખર ઇચ્છે છે શું ?’

‘સલોની, અત્યાર સુધી હું પણ એવા જ કોઇક ભ્રમમાં રાચતો હતો કે તુ નાસમજ છે,સમજી નથી શકતી કે તારા માટે સારું-ખોટું શું છે... પણ હું ખોટો હતો-ભોળો ને મૂર્ખ પણ ખરો ! તારી બનાવટી નિર્દોષતા સાચી માનતો રહ્યો... એ પણ વર્ષો સુધી... પણ નો મોર. હવે ન તો તું એ દોસ્ત રહી છે ન તો આ તારો એક ટાઇમનો સેન્ટિમેન્ટલ ફુલ ફ્રેન્ડ વિક્રમ !’ વિક્રમના ચહેરાની લાલાશ એના દિલમાં વર્ષો સુધી ઘોળાતી રહેલી નફરત છતી કરી રહી હતી.

સલોની માત્ર આવાક થઇને સાંભળતી રહી.

‘માની લઉં કે તું સુધરી ગઇ હો અને જો મને ચૂપ કરવા માટે કિંમત ચૂકવવા અગર આ બૅગમાં માલ હશે તો પણ....’ વિક્રમે વાક્ય અધૂરું મૂકીને ફરકાવ્યું એક તુચ્છકારભર્યુ સ્મિત.

‘તો પણ... તો પણ શું ?’

‘....માય ડિયર ફ્રેન્ડ સલોની, તો પણ હું તને માફી બક્ષવાના મૂડમાં નથી.. સમજી ?’

ક્ષણભર અટકીને વિક્રમે જમણા હાથની પેલી બૉટલ સલોની સામે ઝ્લાવી.

‘બહુ ગુમાન છે ને આ રૂપનું ?’ વિક્રમના દિલમાં વર્ષો સુધી ધરબાઇ રહેલી વેરની જ્વાળા જાણે એની આંખમાંથી વરસી રહી હતી.

સલોનીએ વિક્રમનું આ રૂપ ક્યારેય નહોતું જોયું :

આ એ જ વિક્રમ હતો? પોતાના માટે કંઇ પણ કરવા તત્પર એવો દોસ્ત ?

વિક્રમ બોલ્યો ન હોત તો કદાચ સલોનીને ખ્યાલ પણ ન આવ્યો હોત કે બૉટલમાં સોનેરી પીળા રંગનું પ્રવાહી ઓલિવ ઑઇલ નહીં, બલકે એસિડ છે.

વિક્રમે બૉટલવાળો હાથ ઊંચો કર્યો સલોનીના ચહેરા પર જ બૉટલ ઢોળી દેવી હોય તેમ...

એસિડની બૉટલ જોતાં જ સલોનીની મોટી મોટી આંખોમાં આશ્ર્ચર્યની જગ્યા દહેશતે લઇ લીધી :

‘ઓહ નો, વિક્રમ... યુ કાન્ટ ડુ ધિસ ટુ મી... !’

આઘાત અને દહેશત સાથે સલોનીએ ચહેરો બે હથેળીથી ઢાંકી દીધો. બસ, હવે આ સામે રહેલા દાનવથી એને કોઇ બચાવી શકે એમ નહોતું.

એક ઘડી, બે ઘડી... સલોનીના દહેશત પ્રમાણે બૉટલનું પ્રવાહી વિક્રમે એના પર ન ઢોળ્યું એટલે ચહેરો ઢાંકી રહેલી હથેળીઓની પહેલી બે આંગળીને પહોળી કરીને ડરતાં ડરતાં સલોનીએ જોયું તો દૂર બેઠેલા આર્ટિસ્ટસના ટેબલ પરથી એમના તરફ ચાર જણ ધસી આવ્યા હતા. એકે વિક્રમનો બૉટલવાળો હાથ જકડી લીધો હતો. બીજા ત્રણે વિક્રમના શરીરને ઝાલ્યું હતું.

વિક્રમ કંઇ હજૂ સમજે-વિચારે એ પહેલાં જ એની પીઠ પર કોઇ લોખંડી ચીજ સ્પર્શી ગઇ. જેનો કરન્ટ એની પાંસળીઓને થથરાવતો ચહેરા સુધી ફરી વળ્યો હોય એમ વિક્રમનો ચહેરો પીળો પડી ગયો:

‘ડૉન્ટ મૂવ... યુ આર અન્ડર અરેસ્ટ, વિક્રમ પાલેકર...’ આર્ટિસ્ટસના સ્વાંગમાં આવેલી પોલીસટીમના ઈન્સ્પેક્ટરનો અવાજ ગુંજી ઊઠ્યો.

સલોની પોતે પણ અવાક હતી વિક્રમની જેમ જ.. સુદેશ સિંહે આવું કશું કહ્યું નહોતું...

‘સલોની, મને હતું જ...’ વિક્રમનો ચહેરો તપાવેલા લોખંડ જેવો લાલઘૂમ થઇ રહ્યો હતો. ક્રોધ, ડર, વેર... કેટલી બધી લાગણી એકસાથે વિક્રમના ચહેરા પર ધસી આવી હતી. એ તમામનો સરવાળો થઇને નીતરી રહેલી નફરત બોલકી હતી.

‘તને એમ કે આવું થશે એવો મને અંદેશો નહતો ? ‘વિક્રમને જાણે કોઇની હાજરીની પરવાહ ન હોય એમ બોલ્યો :

‘મને હતું જ સલોની, કે તું નક્કી કંઇક તો ચાલ રમશે જ... અને એટલે જ મેં પણ તૈયારી રાખી હતી..’ વિક્રમ આગળ બોલે એ પહેલાં પોલીસ ઈન્સ્પેકટર તાડુક્યો :

‘ચલ, એ શાણે, યે સબ બાદ મેં બોલના !’

આટલું કહીને પોલીસ ઈન્સ્પેકટરે વિક્રમને ગેટ તરફ ધકેલ્યો. વિક્રમ પાસે હવે કોઇ વિકલ્પ પણ નહોતો, છતાં એ પાછળ જોઇને કહેવાનું ન ચૂક્યો :

‘સલોની, હું તો ડુબ્યો-તનેય મેં ડૂબાડી છે... તારા કારનામાઓની સાબિતીઓ વિરવાનીને પહોંચી ગઇ છે !’ વિક્રમ તુચ્છકારભર્યુ હસ્યો :

‘આઇ વિલ કમ બૅક !’

સન્ન રહી ગઇ સલોની. વિક્રમે જાણે કાન પાસે બૉમ્બ ફોડ્યો હતો. જે વ્યક્તિ પોતાને એક પ્રોડક્શન કંપનીની મૅનેજિંગ ડિરેક્ટર બનાવવાની હતી એ ગુરુનામ હવે એને કોર્ટમાં ઘસડી જશે ? અને બધું જાણ્યા પછી સુદેશ સિંહ પોતાના વિશે શું ધારશે ? એના કાનમાં રહી રહીને વિક્રમના છેલ્લાં શબ્દો જ ગુંજતા રહ્યા :

આઇ વિલ કમ બૅક

* * *

ઘરે પાછી ફરી રહેલી સલોની વિચારોના વમળમાં અટવાયેલી હતી. એથી વધુ નાજૂક ઘડી તો ઘરે રાહ જોતી હતી, જેનો અણસાર આપતો વૉઇસ મૅસજ ફોનમાં ઝબકી રહ્યો હતો. મૅસેજ ચોપરાનો હતો : તાત્કાલિક મળવું છે !

‘હેલો, મિસ્ટર ચોપરા... સૉરી, હું જરા કામમાં અટવાઇ હતી....’ સલોનીએ શરૂઆત જ માફી માગવાથી કરી.

‘નો પ્રોબ્લેમ, સલોની... પણ તું છે ક્યાં ? આપણી એક SOS મિટિંગ જરૂરી છે.’ સામેથી ચોપરાએ કહ્યું સ્વાભાવિક રીતે, પણ સલોનીને એમાં વ્યંગ અનુભવાયો ગુરુનામ વિરવાની પોતાના સ્વભાવ પ્રમાણે કોર્ટમાં ઘસડી જાય તો ?

અખબારો પોતાને શું ચીતરી શકે છે એ કલ્પનાથી જ સલોનીને હાથ-પગ ઠંડા પડી જતાં લાગ્યા.

‘સલોની, આર યુ ઓકે ?’ સલોનીની ચૂપકિદી અકળાયેલા ચોપરાએ પૂછી નાખ્યું :

‘ઓકે, તબિયત બરાબર ન હોય તો અમે અલ સીડ આવીએ...’

અમે એટલે ? સલોનીના મનમાં પ્રશ્ન થયો : ઓહ નો, નક્કી આ વિક્રમવાળું જ કોકડું...’

ટ્રાફિકમાં ફસાયેલી સલોની ઘરે પહોંચી ત્યાં સુધીમાં પરિસ્થિતિનો સામનો કરી લેવાની હિંમત કેળવતી રહી. વિક્રમે જો ગુરુનામ વિરવાનીના કાન ભંભેર્યા હોત તો પરિણામની કલ્પના કરવી મુશ્કેલ નહોતી. શક્ય છે કે વિરવાની અને ચોપરા પોલીસને પણ સાથે લઇને આવી પહોંચે. મામલો બનશે ધોખાધડી. ચારસોવીસી, છેતરપિંડી... અને બાકી હોય એમ પ્રેસમાં- ટીવી પર....

સલોનીને લાગ્યું કે કોઇ ગળું ભીંસી રહ્યું છે. હવે કોઇ જ વિકલ્પ બાકી નહોતો જે થાય તે, પરિસ્થિતિનો સ્વીકાર એ જ એક રસ્તો બાકી રહેતો હતો.

સલોનીએ ઘેરી વળેલી હતાશા ને ખંખેરી નાખવાના બદલે પરિસ્થિતિને સ્વીકારી લીધી હોય એમ માથું બૅકરેસ્ટ પર નાખી આંખો મીંચી દીધી.

બમ્પર ટુ બમ્પર ટ્રાફિકને ચીરતી સલોનીની કાર અલ સીડ પર પહોંચી ત્યારે ગેસ્ટ પાર્કિંગમાં પાર્ક વિરવાનીની વ્હાઇટ પોર્શ નજરે ચઢી.

ઓહ નો, હવે વાત પૂરી. અને એ પણ આઈ-બાબાની હાજરીમાં... એ વિચાર સલોનીના દિલમાં થડકો જગાવી ગયો.

ઉપર પોતાના ટેરેસ ફ્લૅટમાં જઇને જોયું તો એ જ માહોલ હતો, જેની કલ્પના આખે રસ્તે ડરાવતી રહી હતી.

ગુરુનામ વિરવાની, અનુપમ ચોપરા અને બાબા સાથે ચા પી રહ્યા હતા.

‘આવ સલોની, તારી જ રાહ જોવાતી હતી.’ ચોપરાના ચહેરા પરથી સ્મિત ગાયબ હતું.

પોતે કોઇ ગુનેગાર હોય અને ગુનો કબુલવાનો હોય એવી મન:સ્થિતિ સલોનીની હતી.

સલોનીની નજર આઇ-બાબા પર વારાફરતી ફરી વળી. મા-બાપનાં ચહેરા પરના હાવભાવ જોઇને એ સહેમી ગઇ :

બાબાની તો આદત હતી મૂક ઠપકો આપવાની, પણ આઇ ?

સુહાસિનીનું મૌન અને આંખમાં બાઝેલો હિમ સલોનીને દઝાડી ગયાં.

‘અરે ! મિસ્ટર દેશમુખ, ભૂલ સંતાન ન કરે તો કોણ કરે ? અને હવે વિચારતાં લાગે છે કે બંનેની સૌથી મોટી ભૂલ તો એ કે એમણે મા-બાપને કહ્યા વિના જાતે જ જિંદગી વસમી બનાવી દીધી.’ ચોપરાએ મધ્યસ્થી કરી રહ્યો હોય એમ બાજી સંભાળી.

‘.... એ તો દીકરી થઇને ન બોલી શકી, પણ અમારો તો દીકરો હતો ને... તોય ન બોલ્યો !’ ક્યારના ચૂપ રહેલા ગુરુનામ વિરવાનીએ ઊંડો નિ:શ્વાસ મુક્યો.

‘સલોની, જિંદગી બધાને બીજી તક નથી આપતી, જેમ કે ગૌતમને એ ન મળી... પણ તું તો નસીબદાર છે..’

સલોની સામે જોઇને અનંતરાવ બોલ્યા સાથે એમની નજર તો ક્યારની રડું રડું થઇ રહેલી પત્ની સુહાસિની પર હતી. એક તરફ, વિરવાની કુટુંબમાં સ્વીકાર ને બીજી તરફ, લગ્ન પહેલા જ થનારા પતિને ગુમાવીને એના સંતાનની કુંવારી મા બનેલી દીકરીના નસીબ પર રડવું કે ખુશ થવું એ ન સમજાતું હોય એવા કોઇક ભાવ સુહાસિનીના ચહેરા પર હતાં.

સલોની પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરી રહી.

‘સલોની, કોનાથી ડરવાનું ? ને શા માટે ડરવાનું ?’ ગુરુનામ વિરવાની શાંતિથી બોલ્યા. બાકીનું વાક્ય ચોપરાએ પૂરૂં કર્યું :

‘એ માણસે નનામા ફોન કરીને કાન ભરવામાં કોઇ મણા નહોતી છોડી...’

ભાવવિહીન ચહેરે સૌની વાત સાંભળી રહેલી સલોની ચમકી.

‘એણે તો ગંદી વાતો ઉપજાવી કાઢેલી, પણ અમને તો ખબર હતી કે...’ ગુરુનામ વિરવાની ચહેરા સામે સલોની તાકી રહી.

‘એટલે ?’ સલોનીને એક પછી એક આશ્ચર્યના ઝટકા મળી રહ્યા હતાં.

‘કદાચ તને જાણીને નવાઇ લાગશે, પણ છેલ્લાં થોડાં સમયથી કોઇક અજાણી અમને ઇ-મેઇલ કરતી હતી. અતિશય વાહિયાત, ગંદી વાતો લખેલી. તમામ ઇ-મેઇલનો સૂર એક જ હતો કે સલોનીની આ દીકરી પરી તમારા પુત્ર ગૌતમનું સંતાન નથી... ચોપરા એકએક શબ્દ જાળવીને બોલ્યા હોય એમ સલોનીને લાગ્યું.

‘બાકી હતી એ ક્સર આજે પૂરી કરી...’ હળવેકથી ગુરુનામ વિરવાની બોલ્યા :

‘અત્યાર સુધી માત્ર ઇ-મેઇલ આવતા... આજે કોઇક વ્યક્તિ રૂબરૂ આવી એક પૅકેટ ડ્રોપ કરી ગઇ, જેમાં હતા સલોનીના થોડાં ફોટા ને કોઇકની ડાયરીનાં પાનાં...

ઓહ,તો વિક્રમ ‘સમોવર’ માં આવતાં પહેલાં સવારે આ કામ પાર પાડીને આવ્યો હતો. સલોનીના મગજમાં બત્તી થઇ.

‘... અને હા, સૌથી મહત્વની વાત તો એ કે પેલો બ્લૅકમેઇલર ગુરુનામ વિરવાનીની હેસિયતથી નક્કી અજાણ હશે, નહીંતર આવી બાલિશ હરકત ન કરે...’ ચોપરાએ પોતાનો મત રાખ્યો :

‘આ ગુરુનામ વિરવાની છે... એમ થોડી કોઇની વાત માની લે ?’

‘ખુદ દીકરાના પ્રેમના પરિણામની ખાતરી ન થઇ ત્યાં સુધી તો... મેં પણ સલોની પર શંકા જ કરી હતી. શું કરું ? સ્વભાવ છે.’ ગુરુનામ વિરવાનીએ અનંતરાવની સામે કોઇક માફી માગવી હોય એવા સૂરમાં કહ્યું.

ક્યારની ચૂપ રહેલી સલોનીએ એક હળવો ઝટકો અનુભવ્યો :

‘એટલે ? એટલે તમે ?’

‘હા સલોની, એ રિઝલ્ટ પણ થોડાં દિવસ પહેલાં જ આવ્યું અને એટલે અમે વિચાર્યું કે ગૌતમના શરૂ કરેલા પ્રોજેક્ટની જવાબદારીઓ તને જ સોંપી દેવી. આફ્ટર ઓલ, યુ આર ફૅમિલી...’ ગુરુનામના અવાજમાં હળવી ભીનાશ વર્તાઇ રહી હતી :

‘ગૌતમનો તો ખરો જ, પરંતુ હું પણ તો તારો ગુનેગાર પણ ખરો ને દીકરા,મેં તારા પર શક કર્યો, પણ મારે તો શંકાનું નિવારણ કરવું હતું. હું માનતો રહ્યો કે જો પરી ગૌતમનું સંતાન ન હોય તો ? એટલે જ તને બ્લુ બર્ડ મૅન્શનને બદલે અહીં રાખવી પડી.’

ગુરુનામ વિરવાનીને નિર્ભાર થઇ જવું હોય એમ બોલતા રહ્યા :

‘ગઈકાલે બે વાત સાથે બની. એક, મને ફરી એક ઇ-મેઇલ મળ્યો કે પરી ગૌતમનું સંતાન નથી. સલોની છેતરપિંડી કરી રહી છે અને બીજી તરફ, મળ્યો પૅટરનિટી રિપોર્ટ, જે કહે છે...’

પૅટરનિટી રિપોર્ટ ? સલોનીના હોઠ સહેજ ફફડ્યા.

ગુરુનામ વિરવાની ક્ષણેક મૌન રહ્યા. એ મૌન સલોનીને ધ્રૂજાવી ગયું. ગુરુનામે તરત જ વાતનો દૌર સાધ્યો :

‘એ પૅટરનિટી રિપોર્ટ કહે છે કે પરી મારા પુત્ર ગૌતમનું જ સંતાન છે !’

‘શું.... ?’ ગુરુનામ વિરવાનીની કબૂલાતથી સલોનીને લાગ્યું કે એ કદાચ બેહોશ થઇ જશે. ગુરુનામની નજર સલોનીના ચહેરા પર સ્થિર થઇ :

‘એમાં વસમું શું લગાડવું ? પરીક્ષાઓ તો સતયુગમાં પણ થઇ હતી, કળિયુગ છે. પરીની પૅટરનિટી ટેસ્ટનું રિઝલ્ટ કહેતું હતું કે આ પરી અમારા ગૌતમનો અંશ છે.’

સલોનીના ચહેરા પર જાણે આશ્ર્ચર્ય થીજી ગયું હતું.

‘હા, વૃંદા ક્વોલિફાઇડ નર્સ હતી, જેનું એકમાત્ર કામ હતું પરીના બ્લડ સૅમ્પલ લેવાનું...’

ગુરુનામ વિરવાનીએ જાણે કોઇ વાત છૂપાવવા ન ચાહતા હોય એમ ઉમેર્યું :

‘પૅટરનિટી ટેસ્ટના પરિણામને આવતાં છ-સાત અઠવાડિયા લાગે. એટલી રાહ જોયા વિના છૂટકો નહોતો, જે હજી ગઇ કાલે જ આવ્યો.’

થોડી ક્ષણ ચૂપકિદી છવાઇ રહી, જાણે હવા સુદ્ધાં સ્તબ્ધ થઇ ગઇ હતી. ગુરુનામે જ પરિસ્થિતિ હાથમાં લીધી :

‘સલોની, જે થઇ ગયું એ થઇ ગયું. બસ, અગ્નિપરીક્ષા સમજી લે આને, પણ આ મૂડી ગુમાવીને પ્રાયશ્ર્ચિત કરનાર દાદાને એના વ્યાજથી દૂર રાખવાનો અપરાધ તું ન કરીશ, બેટા !’

કલાક પછી ચોપરા અને વિરવાનીએ વિદાય લીધી. પછી પણ સલોનીની મનભરીને રડવાની ઇચ્છા બર ન આવી. એકલી પડવા માગતિ સલોનીને મા-બાપ એકલી છોડવા ન માગતા હોય એમ સુહાસિની પાસે બેસીને વાળ પસવારતી રહી. અનંતરાવ પણ અવાક હતા.

સંતાપ કરવાથી ગૌતમ પાછો આવવાનો નહોતો. હવે તો સલોનીએ પરી માટે કાલ ઘડવાની હતી...

* * *

બે વર્ષ પછી....

.... ત્રણ વર્ષે રૂપિયા બસ્સો કરોડની આસામી એવી પરીની બર્થ-ડે પાર્ટી પેજ-થ્રી પર ચમકી રહી હતી. ગુરુનામ વિરવાની વેંકટેશ્વર તિરુપતિ બાલાજીને પરીના વજનનો સોનાનો મૂકીુટ અર્પણ કરવાનો મનોરથ પૂરો કરવા તિરુપતિ ગયા છે... સુહાસિની અનંતરાવનો મોટા ભાગનો સમય પરીને રમાડવામાં વીતી જાય છે... સુદેશ સિંહનાં માતાજી પ્રેમાદેવીને હવે છ મહિના મુંબઇ ને છ મહિના હિમાચલ રહેવું ફાવી ગયું છે... વિક્રમ ડ્રગ્ઝની હેરાફેરી અને મૉડેલ સૌમ્યા શાસ્ત્રીના મર્ડરકેસ માટે જેલ અને કોર્ટ વચ્ચે ધક્કા ખાઇ રહ્યો છે. સુલેમાન સરકાર હાથ ધોઇને અબ્દુલની શોધમાં છે... અબ્દુલ આ દુનિયાના ક્યા ખૂણે છૂપાઈને બેઠો છે એ શોધીને શિક્ષા કરવાના મૂડમાં સુલેમાન તો વિક્રમના લોહીનો પ્યાસો પણ બન્યો છે. એને લાગે છે કે વિક્રમે પોતાનું વેર વસૂલવા પોતાને હાથો બનાવી વાપરી લીધો... સલોનીના પ્રોડક્શન હાઉસ સુહાના પ્રોડક્શનની પાંચમી સિરિયલ ઑન ઍર થવાની તૈયારીમા છે....

-અને સુદેશ સિંહ....

એડિશનલ કમિશનર ક્રાઇમમાંથી હવે પ્રમોશન પામી જોઇન્ટ કમિશનર બનેલા સુદેશ સિંહ પેજ - થ્રી પર સલોનીના સમાચાર વાંચી હળવું હળવું મલકી લે છે.

સુદેશ સિંહ તથા સલોનીની મૈત્રી થોડી વધુ સંગીન થઇ હોય એમ હવે એકમેકને મિસ દેશમુખ અને મિસ્ટર સુદેશ સિંહને બદલે સલોની અને સુદેશજી તરીકે સંબોધતાં થયાં છે... ધીમી ગતિનાં મક્કમ પગલાં કોઇક દિશામાં વળી રહ્યાં હોય એમ સુદેશ સિંહ પહેલી વાર કોઈ કોઈને અંતરંગ મિત્ર માનતા થયા છે અને પહેલી વાર પોતાને અર્થપૂર્ણ મંઝિલ મળી ગઇ હોય એવી પ્રતીતિ સલોનીને થઇ રહી છે.

બની શકે એ બંનેની અજાણતામાં જ કદાચ અકળ કુદરત વિધિનો કોઇ એવો સ્ક્રીનપ્લે પણ લખી રહી હોય, જેની જાણ એ બંનેને જિંદગીના કોઇ વળાંક પર થાય...

બાકી, આવનારી કાલ હંમેશાં સોનેરી કેમ હોય છે એ હવે સલોનીને સમજાઇ રહ્યું છે.

• • •

(સમાપ્ત)