એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 26 Pinki Dalal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 26

એક ચાલ તારી

એક ચાલ મારી

- લેખક -

પિન્કી દલાલ

( 26 )

ચોપરાનો ફોન સલોનીને ખુશ કરવાને બદલે ચિંતામાં નાખતો ગયો. આખી રાત વિચાર્યા પછી પણ કોઇ એક નક્કર કારણ ન મળ્યું વ્યગ્ર મનને કે આખરે ચોપરા મળવા શા માટે લાગે છે ?

માત્ર ચોપરા મળવા માગતા હોય તો એનો અર્થ થોડો ચિંતાજનક તો ખરો. સવારમાં વહેલી ઊઠીને ટેરેસ ગાર્ડનમાં વૉક લઇ રહેલી સલોનીના મગજમાં વિચારોનો વંટોળ ફૂંકાયો હતો. આખરે કંટાળીને સલોની હીંચકે બેસી ગઇ : હવે આ પાર કે પેલે પાર કરવાનો સમય પાકી ગયો હતો.

‘મૅમ, પાણી તો ઠંડુ થઇ ગયું...’ સલોનીના મનની વાત અનીતા પામી ગઇ હોય એમ ફરી બહાર જોવા આવી હતી. એનો ઇશારો ઠંડા પડી રહેલા ગરમ લીંબુ પાણી માટે હતો.

‘અનીતા, આ તો ગયું કામથી, બીજું લાવ...’ અનીતાની હાજરી ખટકી રહી હતી સલોનીને... ક્યાંક પોતાના મનની ગડમથલ છતી ન થઇ જાય !

સલોનીએ ઊંડા શ્વાસ ભરીને ફરી તમામ શક્યતા તપાસી લીધી. કોઇ છેડાં મળી નહોતા રહ્યા.

ચોપરાએ ફોન પર મળવાનું કારણ પણ જણાવ્યું નહોતું :

શું હોય શકે ?

સલોનીના મનમાં તમામ અટકળ ઊઠીને શમી જતી રહી. નક્કી મનને ન ગમે એવી જ કોઇ વાત હોવાની એવો સંદેશો અંદરથી મળતો હતો. એ માટેનું નક્કર કારણ હતો વિક્રમ. છેલ્લાં દસ દિવસથી અચાનક જ ગાયબ થઇ ગયો હતો. ન કોઇ ફોન કે મૅસેજ. જાણે એનું અસ્તિત્વ જ નહોતું. આ શાંતિ ડરામણી હતી. કદાચ તોફાન પહેલાંની શાંતિ તો નહીં હોય ને !

વિક્રમનો વિચાર જ સલોનીને બેચેન કરવા પૂરતો હતો :

હા, વિક્રમે જ કંઇક નવા-જૂની કરી હશે !

સલોનીના મન પર કાચપેપર ઘસાતું હોય એવો ચચરાટ ઊઠ્યો : કોઇ પોતાને અપમાનિત કરે એ પહેલાં જ શા માટે અહીંથી જતાં ન રહેવું ? શા માટે અહીં પડ્યા રહેવું ?

સલોનીના મનમાં પહેલી વાર એ વિચાર અથડાયો : સુદેશ સિંહની સંગતની અસર ?

સલોનીને પોતાને જ નવાઇ લાગી. છેલ્લાં થોડાં સમયથી પોતાનાં વિચાર-વર્તનમાં આવી રહેલું હળવું પરિવર્તન સલોનીને પોતાને જ નવાઇનું લાગતું હતું.

ચોપરા સાથે શું વાત કરવી અને વિક્રમનાં આક્ષેપોને કઇ રીતે કાઉન્ટર કરવા એની રણનીતિ સલોનીએ હવે ઘડવા માંડી ત્યાં મોબાઇલ રણક્યો.

‘હલો, ગુડ મોર્નિંગ. સલોની.’સામે છેડે ચોપરા હતા.

‘જી, ગુડ મોર્નિંગ.... હા, મને યાદ છે આજે સાંજે... ‘સલોનીના અવાજમાં રહેલી ગંભીરતામાં હળવો પાશ અવઢવને કેમ હતો એનો અંદેશો આવી ગયો હોય એમ ચોપરાને જરા આશ્ર્ચર્ય થયું.

‘ઓહ ! ધૅટ’સ ગ્રેટ ! મેં યાદ કરાવવા જ ફોન કરેલો... તો મળીએ પાંચ વાગે ? બ્લુ બર્ડ પર....’ ચોપરાએ કહ્યું સ્વાભાવિક રીતે, પણ સલોનીને ન સમજાયું :

‘એટલે ? મિસ્ટર વિરવાનીને મળવાનું છે ?’

‘હાસ્તો વળી, ઍની પ્રોબ્લમ ?’ ચોપરાના ગોરા ચહેરા પર સ્મિત રમી રહ્યું હશે એવી અટકળ સલોનીએ કરી.

‘ના.... ના, પ્રોબ્લેમ શું હોય શકે ?’ સલોનીના અવાજમાં હળવી ઠંડક હતી.

ચોપરાનો ફોન સલોનીને વિચાર કરતો કરી ગયો. ત્યાં તો અનીતા ટ્રેમાં ગરમ પાણીનું ફલાસ્ક ને ગ્લાસ લઇને આવી.

‘અનીતા,આજે બેબીનો મસાજ અને બાથ પતે એટલે સામાન પૅક કરવાનું શરૂ કર...’ સલોનીએ લીંબુપાણીમાં મધ ભેળવી રહેલી અનીતાને સાહજિકતાથી કહ્યું.

આ સાંભળીને ગ્લાસમાં ચમચી ફેરવી રહેલી અનીતાનો હાથ ક્ષણ માટે થંભી ગયો. એ આશ્ર્ચર્યચકિત થઇને સલોનીનો ચહેરો તાકતી રહી.

સલોનીએ કશું જ ન બન્યું હોય એમ રેડી થયેલા લીંબુપાણીનો ગ્લાસ અનીતાના હાથમાંથી લઇ હળવેકથી ચૂસકી ભરી :

આજે કે કાલે આ તો છોડવાનું જ હતું તો આજે જ શા માટે નહીં ?

‘અને હા અનીતા, સુઝીના કોઇ ખબર ? હું ફોન કરું છું ને તો અહીં ખારમાં જ ક્યાંક રહે છે ને તો તું એક આંટો મારી આવ... પૂછી લે કે ક્યારથી જોઇન કરી શકે છે ? ‘

સલોનીના મનમાં એક પછી એક વાત ક્લિયર થતી જતી હતી એમ એક પ્રકારે ધરપત પણ લાગી રહી હતી :

જે નિર્ણય કાલે લેવાનો છે એ આજે જ લઇ લેવાય તો ભાર તો હળવો થઇ.

સલોનીના રૂપને જોઇને અનીતા થોડી અચંબામાં પડી હતી, પણ એ સલોનીના સ્વભાવથી પરિચિત હતી :

મૅડમ પરિસ્થિતિ જોઇને નિર્ણય લીધો હશે એ બરાબર જ હશે.

સલોનીએ ફરી એક વાર મનભરી આ અલ સીડનું આ વૈભવશાળી ઍપાર્ટમેન્ટ જોઇ લીધું.

એ ક્યાં પોતાનું કહી શાય એવું હતું ? પણ પરીનું પહેલું ઘર....

એ વાત મન પર વધુ હાવી થાય એ પહેલાં જ સલોનીએ હીંચકાને હળવી ઠેસ મારી, જાણે એની ગતિ સાથે મનમાં ઘૂમરાઈ રહેલા વિચારોને ફંગોળી દેવા હોય ! સાંજે બ્લુ બર્ડ મેન્શનમાં પ્રવેશી રહેલી સલોનીના મનમાં અજબ શાંતિ હતી. ગુરુનામ વિરવાનીનો ફેંસલો જે હોય તે, પણ હવે એથી ક્યાં કોઇ ફરક પડતો હતો ?

આ વિષય સુદેશ સિંહ સાથે કદીય ચર્ચાયો નહોતો, પણ જો કદાચ માગી હોય તો સુદેશ સિંહ એને આ જ સલાહ આપત એવો સલોનીને વિશ્વાસ હતો.

‘ઓહ સલોની, મિસ્ટર વિરવાનીને ખ્યાલ છે કે તમે અહીં બહાર રાહ જોઇ રહ્યા છો ?’

મિટિંગ માટે જ આવી રહ્યા હોય એમ લિવિંગરૂમમાં રાહ જોઇ રહેલી સલોનીને જોઇને ચોપરા નવાઇ પામ્યા,

‘ના, ના... હું હજી આ આ ઘડીએ જ આવી... એમને જાણ કરવી તો બાકી છે.’

‘નો ઈશ્યુ, પ્લીઝ કમ...’ચોપરાએ કહ્યું તો હતું એ જ શાલીનતાથી જેવી એના વર્તનમાં હંમેશ જોવા મળતી હતી. પરંતુ એની બોડી લેંગ્વેજ જરા જૂદી લાગી સલોનીને. કદાચ વધુ નમ્ર, વધુ આત્મીય, જે જરા નવાઇ પમાડે એવી વાત હતી.

‘ઓહ, આવ... આવ, સલોની’ મૅન્શનના એક ભાગમાં આવેલી ગુરુનામની કેમ્પ ઑફિસમાં ચોપરા અને સલોની પ્રવેશ્યાં ને ગુરુનામે જે સ્મિત સાથે આવકાર આપ્યો એ વાત સલોનીને વધુ એક આશ્ર્ચર્ય આપી ગઇ : અફાટ હાઇ-વે પર ધસી રહેલી કારને મંઝિલ દેખાતી નહોતી ત્યાં અચાનક યુ ટર્ન... અચાનક ટેબલ ટર્ન કઇ રીતે થઇ ગયું ?

‘શું છે એક્ટિવિટી આજકાલ ?’

વાતાવરણને નોર્મલ કરવું હોય એમ ગુરુનામે પોતાના સ્વભાવ વિરુદ્ધ જઇ પૂછ્યું હોય એવું ચોપરાને લાગ્યું.

‘જી પ્રવૃતિમાં તો....’ સલોની થોથવાઇ ગઈ.

પોતાની પાસે કોઇ કામ નથી એ વાતની જાણ એમને ન હોય એ વાતમાં ખાસ માલ નહોતો : ‘એક ડિરેકટર ફ્રેન્ડ કહે છે કે એના મનમાં મારા માટે કોઇક રોલ છે. પણ... એ પ્રોજેક્ટ જરા’

સલોનીને થયું વધુ બોલવું નકામું છે. જુઠ્ઠાણાનો રંગ જ તકલાદી હોય, ઘડીભરમાં ન ઊડે તો જ નવાઇ... સલોનીએ ક્ષણમાં જ વાત ફેરવી તોળી :

‘આમેય અત્યારે તો પરી પણ નાની છે એટલે...’

‘હા, એ વાત તો છે. સિરિયલ કે ફિલ્મ તો ભારે ટાઇમ ડિમાન્ડીંગ હોય. એ આ તબક્કે તો હરગિજ ન થઇ શકે...’ ચોપરાએ વાત આંતરતાં ગુરુનામની સામે જોયું.

ચોપરાની આ હરકત સલોનીને ભારે હાશ કરાવી ગઇ : વાહ શું વાત છે ! આજે તો આ ચોપરા પણ ભારે તરફેણ કરવાનાં મૂડમાં લાગે છે.

‘હા, પણ કોઇ ને કોઇ પ્રવૃતિ તો જોઇએ ને... !’

ગુરુનામ વિરવાનીએ તરત જ સલોની સામે જોઇને પ્રશ્ન કરતા હોય એમ પૂછ્યું.

‘જી, હં... હા, એ તો વાત બરાબર, પણ હજી...’

સલોની આટલું તો સમજી શકી કે બંને મિત્રનાં મનમાં કોઇક વાત હતી, જેનું ચોક્કસ પ્લાનિંગ કર્યા પછી જ પોતાને મળવા બોલાવી હતી એ પણ નક્કી.

શક્ય છે પોતે જે ધારી એ વાત નહોતી,વાત કંઇક જૂદી જ હતી.

‘સલોની, સ્ટ્રેઇટ ટુ ધ પોઇન્ટ વાત કરીએ ?’

કદીય ના સાંભળવા ન ટેવાયેલા ગુરુનામ પૉઇન્ટ બ્લૅંન્ક સવાલ નહીં જ કરે એવી ખાતરી થતાં ચોપરાએ જ પૂછ્યું :

‘હજી રસ માત્ર એક્ટીંગ પૂરતો જ છે કે આ જ ટીવી-ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીઝમાં કોઇ નવી જ જવાબદારીઓ સંભાળવી તને ગમે ?’

‘જી... ? ‘સલોનીને પોતાના કાન પર વિશ્વાસ નહોતો થઇ રહ્યો કે ચોપરાએ શું પૂછી લીધું. ગુરુનામ વિરવાની સામે એણે જોયું. પ્રશ્ન ભલે ચોપરાએ કર્યો, પણ પૂછનારા ગુરુનામ પોતે જ હતા એ વાત તો હવે સાફ થઇ ગઇ હતી.

ગુરુનામની નજર સલોનીના ચહેરા પર સ્થિર હતી-એનો જવાબ જાણવા ઉત્સુક.

અવાક થઇ ગયેલી સલોનીએ તરત કોઇ જવાબ ન આપ્યો, પણ એના ચહેરા પર આવી ગયેલી રોનક અને હોઠ પર અંકાયેલું હળવું સ્મિત, આંખના ખૂણેથી છલકી રહેલી ખુશીએ એનો જવાબ બયાન કરી દીધો હતો.

ગુરુનામ વતી જાણે કહેતા હોય એમ ચોપરાએ તરત જ વાતનો દોર સંભાળી લીધો :

‘લિસન, ગુરુનામની ઇચ્છા છે કે હવે તને કંઇક જવાબદારી સોંપીએ...’

આટલું કહી ચોપરાએ ત્વરાથી ગુરુનામ તરફ જોઈને વાત આગળ વધારી :

‘સલોની, આ માટે કાલથી જરૂરી ફૉર્માલોટીઝ પર કામ કરવું પડશે. એ બધું તો ઠીક છે,એ તો મારા આસિસ્ટન્ટસ બધું સંભાળી લેશે...’ ચોપરા અને ગુરુનામે આખી યોજના પહેલાથી પ્લાન કરી લીધી હોય એમ સૂચના આપવા માંડી.

‘હા, આ માટે ઑફિસ તો અલ સીડ પાસે જ ક્યાંક શોધીશું, પણ ત્યાં સુધી બ્લુ બર્ડની ઑફિસમાંથી કામ ચલાવવું પડશે...’

વચ્ચે ગુરુનામે પણ કહેવું જરૂરી સમજ્યું :

‘યુ સ્ટાર્ટ યોર પ્લાન ઓફ ઓક્શન...’

‘પણ એટલે ? એટલે મારે કરવાનું શું ? ‘સલોનીને પોતાની ભૂમિકાનો પૂરતો અંદેશો હતો, છતાંય સ્પષ્ટતા માટે પૂછવું જરૂરી હતું.

‘ગૌતમની ઇચ્છા હતી નવી ફિલ્મ-ટી. વી. પ્રોડક્શનની... નાઉ યુ વિલ બી રનિંગ ધેટ શો... લેડી !’

ચોપરાના આ જવાબ પર ગુરુનામ જાણે મહોર મારતા હોય એમ એમણે સસ્મિત ચહેરે ડોકું ધૂણાવ્યું.

સન્ન રહી ગઇ સલોની...

જરાય અણસાર આવ્યા વગર આમ સાવ અચાનક ખુશીની હેલી આવી ચઢી હતી. આવી લાગણી તો ક્યારેય નહોતી અનુભવી. જિંદગીમાં કદાચ સૌપ્રથમ વાર આવું કંઇક બની રહ્યું હતું. સલોનીએ મનમાં મહોરી રહેલી ખુશીને કાબૂ કરવા રીતસર પ્રયત્ન કરવો પડ્યો, છતાંય ખુશી તો આંખને ખૂણેથી પણ સરકી ગઇ...

બ્લુ બર્ડ મેન્શનથી ઘરે જઇ રહેલી સલોનીના ચહેરા પર એવું સ્મિત આવીને બેસી ગયું હતું જે ન જાણે કેટલાય સમયથી વિસરાઇ ચૂક્યું હતું.

સૌથી મહેલી ખુશખબરી કોને આપવી ?

સલોનીની આંખ સામે સૌપ્રથમ સુદેશ સિંહ્નો ચહેરો તરવરી રહ્યો :

ના, આ વાત માટે સુદેશ સિંહને ફોન કરવો બાલિશ ઠેરવશે મને... તો આઇ-બાબા ?

સલોનીને પહેલી વાર સમજાયું કે પોતાની ખુશી વહેંચી શકે એટલા પણ લોકોને જિંદગીમાં પોતીકાં નથી બનાવી શકી,પરંતુ આ વાત પણ આજે એને ઉદાસ ન કરી શકી.

‘હલો, આઇ...’ દિલમાં ઊભરાઇ રહેલી ખુશી વહેંચવા એણે આઇને ફોન કરી તો દીધો, પણ ક્ષણભર પછી ખ્યાલ આવ્યો ગફલતનો...

‘અરે વાહ, આ શુભ સમાચાર ! ઊભી રહે, બાબાને આપું...’ભાવવિભોર થઇ ગયેલી સુહાસિનીએ ફોન અનંતરાવને આપ્યો.

સલોનીના હરખઘેલા અવાજને સાંભળીને જ અનંતરાવ તથા સુહાસિની ખુશ થઇ ગયેલા.

‘સલોની, તું તો હવે આવી રહી. હાથ પર ખાસ કામ નહોતું. છતાંય ઘડીભરની ફૂરસદ ન મળી તો કેમ કરીને મળવાની ? ‘સુહાસિનીએ પતિના હાથમાંથી ફોન ખેંચી કહેવા માંડ્યું.

‘ના આઇ, હું.... હું...’ સલોની કંઇક બહાનું શોધી રહી : ન કરે નારાયણ ને આઇ-બાબા હંમેશાની જેમ વિના કહ્યા-કરાવે આવી ચઢે તો પરી વિશે કહેવું શું ?

‘સલોની, તું તો કંઇ બોલતી જ નહીં, સમજી ? હવે અમે તારા નિમત્રંણની રાહ જોતાં નથી બેસી રહેવાના... હું ને તારા બાબા હવે તને મળવા આવીએ છીએ. બે- ચાર દિવસમાં ડૉક્ટરર્સ પાસે જઇ બાબાનું ફૂલ બૉડી ચેકઅપ કરવીને નીકળીએ...’

સુહાસિનીના છેલ્લાં શબ્દો સલોનીને થથરાવી ગયા :

હવે પરીનું શું કરવું ?

* * *

‘ગુસ્તાખી માફ અબ્દુલભાઇ, પર બડી ગરબડ હો ગઇ.’

બ્લુ મૂન કાર્ગો શિપના પાકિસ્તાની કૅપ્ટને સવારના પહોરમાં અબ્દુલને ફોન કરવો પડ્યો.

સવારના દસ પહેલાં આંખો ન ખોલી શકતા અબ્દુલની ઉંઘ એક જ વાક્યથી ઊડી ગઇ. એ સફાળો બેઠો થઇ ગયો.

‘હમીદ, ખુદા ના ખાસ્તા, કોઇ મનહૂસ ખબર ન સુનાના...’ અબ્દુલનું દિલ વાત સાંભળતાં પહેલાં જ પામી ગયું હોય એમ એ ચિંતામાં પડી ગયો.

‘અબ્દુલભાઇ, ક્યા હુઆ પતા હી નહીં. પર વો બંદા અપની કૅબિન સે ગાયબ હૈ... સમજ મેં નહીં આતા...’

‘હમીદ, મેં વારંવાર તને તાકીદ કરી હતી કે એના નાક-કાન કુત્તાના છે. તું ગાફેલ ના રહેના... મને આનો જ ડર હતો....’ અબ્દુલને ઍરકન્ડિશનની ૧૭ ડિગ્રી ઠંડકમાં કપાળે પરસેવો વળવા માંડ્યો :

‘એ ગયો ક્યાં ?’

જો એ શિપ પર જ હોવો જોઈએ...

ના, ખૂણે ખૂણો જોઈ નાખ્યો, અબ્દુલભાઈ ક્યાંય નથી...

‘એ ક્યાંય જઇ જ ન શકે ભાઇ, અહીં ચારે બાજુ મહાસાગર, જાય ક્યાં ?’ કૅપ્ટને પાંગળો બચાવ કરતા કહ્યું :

‘અરે ? ચેક કર, તારા કોઇ સાથીને ફોડ્યો હશે-મધદરિયે ડિંગી નાખી ઊતરી ગયો હશે.’

‘ના, એ વાત નથી. વેસલ પર ચારમાંથી કોઇ ડિંગી ગાયબ નથી...’ હમીદ પાસે જવાબ તૈયાર હતો.

‘તો એ ગયો ક્યાં ?’ અબ્દુલના મનમાં કોઇ ગડ ન બેઠી. આમ મધદરિયે વિના કોઇ ડિંગી ગૂમ થઇ જવું શક્ય જ નહીં. ગમે એવો કુશળ તરવૈયો હોય એ પણ રાતનાં અંધારામાં તો શું, ધોળે દિવસે સાગરના ઊછળતાં મોજાંમાં કૂદવાની હિંમત ન કરે... તો આ ગયો ક્યાં ?

‘હમીદ, એ વેસલ પર જ છૂપાયો હશે. બેંગકોક સુધી છૂપાછૂપી ખેલશે ને એને એમ હશે કે બેંગકોક પોર્ટ ટચ થાય કે બાજી જીતી જશે,પણ તું એક કામ કર, ખૂણેખૂણે ફરી વળ. એ શિપ પર જ છે.’

એક પણ ડિંગી ઓછી નથી એ વાતે જ અબ્દુલને ટાઢક આપી હતી !

હમીદની વાતથી એક હળવી કંપારી ફરી વળી હતી અબ્દુલના શરીરમાં.

છેલ્લાં થોડાં દિવસથી સુલેમાન સરકારનું વર્તન એમ તો રતિભાર બદલાયું નહોતું, છતાં એમાં ઉષ્માની કમી પોતાને વર્તાઇ રહી હતી. એ કંઇ પોતાના દિલમાં પડઘાતી રહેલી ગુનાહિત લાગણી કે વહેમ નહોતાં, ખરેખર તો કંઇક રંધાઇ રહ્યું હતું એટલે જ છેલ્લાં વીસ વર્ષમાં ક્યારેય ન બન્યું હોય એમ સુલેમાન સરકાર પોતાના વિના જ આઉટ ઑફ સ્ટેશન જવા નીકળી ગયો. એ તો પોતે યેનકેન રીતે જાણી શક્યો સુલેમાન સરકાર પતાયા પહોંચ્યો છે. એવું તો નહીં હોય ને કે સરકારે પોતે જ વિક્રમને ગૂલ કરાવ્યો હોય.. પોતે અહીં અંધારામં રહે ને સુલેમાન સરકાર બારોબાર વિક્રમને ત્યાં જ મળી લે !

ના, એ પણ શક્ય નહોતું લાગતું...

પોતાની જાતને આઓએલા આશ્વાસનથી થોડી રાહત અનુભવી હોય એમ અબ્દુલનો શ્વાસ જરા હેઠો બેઠો, છતાં કંઇક કશી ગરબડ હતી એવી ચેતવણી છઠ્ઠી ઇન્દ્રિય આપતી જ રહી ત્યારે અબ્દુલને થયું કે મન સંદેહવૃતિને અવગણી તો મહાઅનર્થ સર્જાઇ શકે છે. ખરેખર તો મન દ્વારા અપાયેલું આશ્વાસન કેટલું પોલું હતું અને દિમાગે મૂકેલી ગણતરી કેટલી જડબેસલાક એના લેખાં-જોખાં અત્યારે જ માંડી લેવાં જોઇએ....

સમયની નજાકત પામી ન લે એવો મૂર્ખ અબ્દુલ નહોતો. પેલો કૅપ્ટન હમીદ ગમે તે કહે, પણ પંખી પિંજરા સાથે ઊડી ગયું હતું ને પોતે હાથ ચોળતો રહી ગયો હતો. સુલેમાન સરકારે પોતે જ આખું ઑપરેશન જડબેસલાક રીતે પ્લાન કરીને પાર પણ પાડી દીધું ને પોતે ઊંઘતો વેચાઇ ગયો.

પણ શું થઇ શકે એ વિચારવું વધુ મહત્વનું હતું, પોતે કદાચ સરકારનો જમણો તો ઠીક, ડાબો હાથ પણ નહીં રહે એ હદે વાત વણસી ચૂકી હતી. ગૅન્ગમાં પોતાનું વર્ચસ્વ તો જોખમાઇ ચૂક્યું અને હવે જો સુલેમાન સરકાર ક્યાંક ગદ્દાર માનીને પોતાની ગેમ કરી નાખે તો ? એ વિચારથી જ અબ્દુલ થથરી ઊઠ્યો. પોતાનો નકાબ તાર તાર થઇ જાય અને પછી પોતાની ગેમ થઇ જાય એ પહેલાં ભાગી છૂટવું જરૂરી હતું.

સુલેમાન સરકાર જેને હંમેશ ડફોળ સમજતો હતો એ અબ્દુલે એના વોર્ડરોબના તળિયે ખાસ બનાવેલા ચોરખાનામાં છૂપાવી રાખેલી ગહેરા નીલા રંગની મખમલની એક પોટલી જાળવીને બહાર કાઢી. એની સોનેરી દોરીઓથી બાંધેલી ગાંઠ ખોલી. સફેદ સાટિનના રૂમાલમાં રૂની ગાદીમાં જડ્યા હોય એવા સાત સોલિટર ડાયમંડ પ્રકાશ પડતાં જ ઝળકી ઊઠ્યાં. એક એક હીરો દસથી બાર કૅરેટનો અને એ પણ ઍંન્ટિક, રૉઝ કટ ડાયમંડ કિંમત વેચનારની આંખ અંજાય પછી જે આંકે તે.... આ અબ્દુલ્ર આ દિવસ માટે જ તો મરણમૂડીની જેમ જાળવ્યા હતા.

હીરાની પોટલી છાતીસરસી ચાંપીને અબ્દુલે ફોન જોડ્યો. ‘ઇબ્રાહિમ, એક અર્જન્ટ કામથી મારે બહાર જવું પડે એમ છે. મારી ગેરહાજરીમાં પરિસ્થિતિ જરા જાળવી લેજે.’

અબ્દુલ આટલી સલુકાઇથી ખોટું બોલી ગયો કે સામે રહેલા ઇબ્રાહીમને લેશમાત્ર શંકા ન ઊપજી હોય એમ લાગ્યું. એ જોઇને અબ્દુલે વધુ ચોકસાઈ કરી લીધી.

અને હા, મામલો જરા પર્સનલ છે. સરકાર પૂછે તો સંભાળી લેજે. એમની ગેરહાજરીમાં મારું આમ જવું એમને હરગિજ નહીં ગમે એટલે મારા વિશે પૂછે તો હું અહીં નથી એ ન કહેતો. બાકી તો બધું હું સંભાળી લઇશ...’

ઈબ્રાહીમ સાથે વાત કર્યા પછી અબ્દુલને થોડી રાહત લાગી. હાથમાં છે ગણતરીના કલાક. એ દરમિયાન અહીંથી છટકી જવું એ એકમાત્ર વિકલ્પ હતો.

એ પછીની માત્ર વીસ મિનિટમાં અબ્દુલની ઑડી સુલેમાન સરકારના અડ્ડામાંથી સો-એક્સો વીસની સ્પીડ્થી ઍરપોર્ટ પર રહેલી ફ્લાઈટ તરફ ઘસી રહી હતી. ક્યાં જવું એ ભાવિ તો એરપોર્ટ પર રહેલી ફ્લાઈટ નક્કી કરવાની હતી.

* * *

રેયોંગ પોર્ટ પર ઊતરી ચૂકેલા વિક્રમના હ્રદયના ધબકારા રહી રહીને નોર્મલ થઇ રહ્યા હતા. આખરે એ અબ્દુલે રચેલા જાળાને ભેદી બહાર નીકળવામાં સફળ તો થયો, પણ હજી દિલ્હી દૂર હતી.

વિક્રમે હવે ભાગદોડી કરવાને બદલે શાંતિથી એક તરફ ઊભા રહીને બૅગપૅકમાંથી સિગારેટ કાઢી, પેટાવી ઊંડો કશ માર્યો :

હવે એ સુલેમાન સરકારની ટેરીટરીમાં હતો.

એટલામાં જ એના ખભા પર કોઇએ હળવેકથી બે વાર ટપલી મારી.

અચાનક જ થયેલી આ હરકત વિક્રમને ક્ષણ માટે થથરાવી ગઇ.

‘યુ વિક્રમ ?’

મોંગોલિયન ફીચર્સ ધરાવતા એક બટકા માણસે ભાંગ્યા-તૂટ્યાં ઈંગ્લિશમાં પૂછ્યું.

ઉત્તરમાં વિક્રમે ચૂપ રહેવું યોગ્ય સમજ્યું, પણ તોય પેલો બટકો કોને ખબર કેમ પામી ગયો હોય એમ બોલી ઊઠ્યો :

‘ફોલો મી...’ ઝાઝી વાતચીત કર્યા વિના એ આગળ ચાલતો થયો અને વિક્રમ પાછળ દોરવાતો રહ્યો. પોર્ટ નાનું હતું, પણ ચાલીને બહાર નીકળી શકાય એટલું નાનું પણ હોતું. કેસરી ભૂરી લાઇટનો ઉજાસ ભેદીને બસ ચાલ્યા જ કરવાનું હોય એમ સતત પચ્ચીસ મિનિટ ચાલ્યા પછી વિક્રમનાં મનમાં સંદેહ જન્મ્યો : આ કોઇક અબ્દુલની ચાલ તો નહીં હોય ને પોતાની ગેમ કરી દેવાની ? જો અહીંથી પોતે ગૂલ થયો તો કોઈ જન્મે પત્તો નહીં મળે.

પેલો બટકો તો જાણે સ્કૅટબોર્ડ પર સરકતો હોય એટલી ઝડપે ચાલતો હતો.

‘કમ ઓન ફાસ્ટ, વેહિકલ ઇઝ વેઇટિંગ ઇન નો એન્ટ્રી ઝોન...’

બીજી પાંચેક મિનિટ ચાલ્યા પછી દૂર એક પાર્ક થયેલી એસયુવી નજરે ચઢી

‘જસ્ટ, ગેટ ઇન... ફાસ્ટ...’

બટકો આદેશ આપતો હોય એવા સ્વરમાં બોલ્યો, વિક્રમ જેવો સીટ પર ગોઠવાયો કે એણે ડ્રાઇવર સીટમાં રાહ જોઇ રહેલા માણસને સ્થાનિક ભાષામાં સૂચના આપી.

ભાષા ન સમજાઇ, છતાં વિક્રમ એટલું તો કલ્પી શક્યો કે એણે પટાયા ડ્રોપ કરવાની વાત કરી હતી. વિક્રમ હજૂ કંઇક વધુ વિચારે એ પહેલા તો કાર સ્ટાર્ટ થઇ ગઇ. વિક્રમે એક નજર વૉચમાં નાખી. સવારના પાંચ વાગી રહ્યા હતા. વિક્રમે ડ્રાઇવરને પૂછી ટાઇમ સેટ કર્યો.

સિટીનું હાર્દ વટાવીને કરીને કાર હવે પટાયાના આઉટ સ્કર્ટ કહી શકાય એવા વિસ્તારમાં દોડી રહી હતી. જેમ જેમ મંઝિલ પાસે આવી રહી હતી વિક્રમના મનનો ઉચાટ વધતો જતો હતો :

સુલેમાન સરકારને પહેલી જ મિટિંગમાં ઇન્ડિયા જવું પડશે એ વાત કહેવી જરૂરી હતી. પણ અતિશય સલુકાઇથી નહીંતર આ ખેલ બગડી જતાં એક ક્ષણની વાર નહોતી લાગવાની.

વિક્રમે એ માટે મનોમન રિહર્સલ શરૂ કરી દીધું. એ માટે ઝાઝો અવકાશ ન હોય એમ દૂર લક્ઝરી રિસોર્ટ નજરે ચઢી.

‘સોનેવા કિરી...’ સ્થાનિક ડ્રાઇવરે એ દિશામાં આંગળી ચીંધી.

હં... બેંગકોકના મુખ્ય શહેરી વિસ્તારથી દૂર આ રિસોર્ટ હવે વિક્રમનો મૂકામ હતો. વિક્રમની કાર તોતિંગ ગેટ પર ઊભી રહી.

‘વેલ કમ ટુ પટૈયા, મિસ્ટર મોન્ત્રી.’

ટ્યુબ સ્કર્ટ ને ઉપર ટ્રેડિશનલ કચુંકી જેવું સીન ટૉપ પહેરેલી એસ્કોર્ટ આવકાર આપી વિક્રમને રિસેપ્શન સુધી દોરી લાવી.

‘વેલ કમ ટુ સોનેવા કિરી, મિસ્ટર મોન્ત્રી..’ થઇ રિસેપ્શનિસ્ટે એ જ નામ ઉચ્ચાર્યુ, જે નામ એસ્કોર્ટે લીધું હતું.

હવે ખેલ શરૂ થઇ ચૂક્યો હતો અને આ નવા નામ વિશે તો જો કોઇ પ્રકાશ પાડી શકે એમ હોય તો એ હતો સુલેમાન સરકાર !

ત્રીસ એકરમાં પથરાયેલ સોનેવા કિરી રિસોર્ટના તમામ વિલા- રૂમ્સ એવી રીતે ડિઝાઇન થયેલા હતા કે કઇ વિલામાં કોણ ગેસ્ટ છે એની જાણ અન્ય કોઇ ગેસ્ટને ન થાય.

એક વિલામાં વિક્રમ ને દોરી લાવેલી એસ્કોર્ટે મારકણું અર્થભર સ્મિત કરી વિદાય લીધી ને વિક્રમે બેડમાં પડતું મૂક્યું. છેલ્લાં થોડાં દિવસોનો થાક અને રાતનો ઉજાગરાના પહેરા હળવા થયા હોય એમ વિક્રમની આંખો ભારે થઇ ગઇ.

ટ્રર્રર... ટ્રર્રર... કર્કશ અવાજે રણકી રહેલા ઇન્ટરકૉમે વિક્રમની જગાડી દીધો.

‘બર્ખુરદાર, દિન ચઢ ગયા ઔર એશ ફરમા રહે હો ?’

હજી વિક્રમ હેલો બોલે એ પહેલાં સામેથી સુલેમાન સરકારનો અવાજ કાને પડ્યો :

‘રેડી હો કે આ જાઓ વિલા વન ઝીરો થ્રી... ચાય સાથ મેં પિયેંગે....’

વિક્રમ હજી ઘેનમાં હતો, પણ સુલેમાન સરકારના શબ્દોએ એક જ શબ્દમાં એલર્ટ મોડ સેટ કરી દીધો :

પોતે કામ માટે આવ્યો છે, હોલિ-ડે પર નહીં.

મારે ગણતરીની મિનિટમાં વિક્રમ સુલેમાન સરકારની વિલામાં હતો.

’તો કેવી રહી સફર ?’ સુલેમાન સરકારે વાત સ્વાભાવિક રીતે શરૂ કરી, પણ એના મનમાં ચાલતા વિચાર વિક્રમ વાંચી શક્યો હતો : માત્ર પાંચ મિનિટ ને આ એના ધંધાની વાત પર આવવાનો...

વિક્રમની ગણતરી એકદમ સચોટ હતી. સુલેમાને પોતાના ધંધાની શું વાટ લાગી છે અને વિક્રમે હવે શું શું કરવાનું છે એ વાત શરૂ કરી.

‘સરકાર, એ વાત સાચી કે હું એક વાર આવીશ પછી તમારે જોવું નહીં પડે, પણ...’ વિક્રમે હાથે કરીને વાક્ય અધૂરું મૂક્યું.

વિક્રમે ધારેલો પ્રતિભાવ જ આવતો હોય એમ સુલેમાન સરકાર થોડાં વિસ્મયથી, થોડી કુતૂહલતાથી એનો ચહેરો તાકી રહ્યો.

‘સરકાર, તમારા કામમાં કોઇ સમસ્યા નહીં આવે, પણ મારે એક વાર ઇન્ડિયા જવું બહુ જરૂરી છે...’ વિક્રમનો ખચકાટ છતો થઇ ગયો.

‘એટલે કે... એટલે...’ વિક્રમ શબ્દો ગોઠવવામાં પડ્યો ને સુલેમાન સરકારે પોતાના કાઉચ પર બાજુમાં પડેલું વજનદાર એન્વલપ ઓપાડીને ફેંક્યું વિક્રમ તરફ

વિક્રમ અચરજથી જોતો રહ્યો.

‘ખોલ...’ સુલેમાન સરકારે આદેશ આપ્યો હોય એવા ટોનમાં કહ્યું :

‘અરે ! ખોલ...’

વિક્રમે અચકાતા જોઇને એણે દોહરાવ્યું. વિક્રમ આદેશનું પાલન કરી રહ્યો હોય એન વ્હાઇટ એન્વલપ ખોલ્યું અને ખોલતાવેંત એમાંથી એક થાઇ પાસપોર્ટ સરકીને નીચે પડ્યો.

વિક્રમનું અચરજ હજી શમ્યું નહોતું. એણે નીચે પડેલો પાસપોર્ટ હાથમાં લઇ ખોલ્યો. પાસપોર્ટમાં ફોટોગ્રાફ હતો એ વિક્રમને મળતો આવતો ચહેરો અને નામ હતું લિયામ મોન્ત્રી.

‘સરકાર.... આ.... ? ‘વિક્રમના શબ્દો ગળામાંથી બહાર પણ ન નીકળી શક્યા.

‘વિક્રમ, હવે ધ્યાનથી સાંભળ.’ સુલેમાન સરકાર અત્યંત નીચા અવાજે બોલ્યો

‘તારે ઇન્ડિયા શું કામ જવું છે એ મેં તને પૂછ્યું નથી, પણ હવે જાણ્યા પછી થાય છે એક પંથ દો કાજ થશે. આપણું ઑપરેશન ઇન્ડિયામાં જ છે...’

‘સરકાર, પણ મારા નામે તો...’ વિક્રમ રૅડ કૉર્નર નોટિસની વાત કરવા ગયો ત્યાં જ સુલેમાને તેને અટકાવ્યો.

‘વિક્રમ, એ મને ખ્યાલ છે એટલે જ તું છે લિયામ મોન્ત્રી, થાઇ ફોટોગ્રાફર આર્ટિસ્ટ...’ સુલેમાન અચાનક કંઇક વિચારીને અટક્યો હોય એમ થોડી વાર ચૂપ રહ્યો. ‘હા, આર્ટિસ્ટ લિયામ મોન્ત્રીનું પહેલું ડેસ્ટિનેશન હશે લુમ્બિની, નેપાળ અને એ પછી સબ સલામતનું સિગ્નલ મળે તો બનારસ થઇને આપણું ફાઇનલ ડેસ્ટિનેશન મુંબઇ !’ સુલેમાન સરકારનો પ્લાન સાંભળીને સન્ન રહી ગયો વિક્રમ. પોતે હજી નકલી પાસપોર્ટ બનાવવાની તજવીજ વિશે વિચારતો હતો ને આ સુલેમાન સરકાર તો ખરો ફાસ્ટગન નીકળ્યો.

‘એન્વલપમાં તારા માટે પાંચ હજાર ડૉલર્સ પણ છે... વધુ રકમની જરૂર પડે તો મુંબઇમાં મળી જશે !’ એન્વલપ ચેક કરીને વિક્રમે પાસપોર્ટ પાછો ખોલીને જોયો. નકલી પાસપોર્ટમાં રહેલા ફોટોને અનુરૂપ થોડો દેખાવ સર્જવાનો હતો. ‘વિક્રમ, હવે તારા માથે જવાબદારી રહેશે આ પાસપોર્ટના લિયામ મોન્ત્રીના દેખાવ અને મેનરીઝમ આત્મસાત કરવાની. બાકી, એ માટે તો તારો સરંજામ તો તૈયાર છે.’ સુલેમાન સરકારે રિમોર્ટ કૉલબૅલ પ્રેસ કરી.

‘દિલાવર, વો સબ સામાન આ ગયા ?’ સુલેમાને કૉલબૅલનાં જવાબમાં કમરામાં આવી પહોંચેલાં યુવાનને પૂછ્યું.

‘જી સરકાર, લઇ આવું ?’ દિલાવરે અદબથી પૂછ્યું :

‘ના, એ આ સા’બની વિલામાં મોકલી દે.’ સુલેમાને આદેશ કર્યો :

‘ઓકે, વિક્રમ ? બધું તૈયાર છે. હવે બસ, સમય છે ફતેહ કરવાનો.’

પોતાની વિલા પર આવીને વિક્રમે ફરી બેડમાં પડતું મૂક્યું. જિંદગીએ પોતે જ જાણે તમામ કન્ટોલ હાથમાં લઇ લીધા હોય એમ સિક્સ્થ ગિયર સ્પીડ નક્કી કરી નાખી હતી.

આ સ્પ્પીડમાં પોતે ક્યાંક કોઇ ચૂક કરી બેઠો તો ?

વિક્રમે પોતાની સાથે રહેલી બૅગપૅકમાંથી એક એન્વલપ કાઢી તપાસી લીધું.

આ એક એવી એવી લોટરી હતી,જે લાગે તો લાખેણી હતી, પણ ન લાગે તો સલોનીની લોટરી અચૂક કેન્સલ તો કરાવી જ શકતી હતી !

***