ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ. - 21 Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ. - 21

ટર્નિંગ પોઇંટ ઇન એલ..

પ્રકરણ ૨૧

સ્ક્રિપ્ટ

પ્રિયંકાએ બે સખીઓના ચુંબનદૃશ્યને જોયું અને તેનામાં રહેલો બિઝનેસ શૉમેન જાગી ગયો. તેણે પંડિતને કહ્યું, આ તસ્વીરનો આપણે લાભ કેવી રીતે લઈ શકાય? પંડિતે આજુબાજુનું બૅકગ્રાઉન્ડ સાફ કરી એ તસ્વીરને વૉટર કલરમાં તૈયાર કરી પ્રોજેક્ટ ૩૫ માટે લેસ્બિયન કલાકારની જિંદગી ઉપર ફિલ્મ બનાવવાની તૈયારી કરી લીધી જેથી રૂપાને નવું કામ અને પરી નાયક તરીકે ફિલ્મમાં આવે. અમેરિકન બૅકગ્રાઉન્ડમા બનતી આ ફિલ્મને સેન્સરમાંથી પાસ કરાવવી અઘરી છે પણ “ગુપ્તજ્ઞાન” ફિલ્મની સફળતાએ તેને એક રસ્તો બતાવ્યો હતો અને તે ચિત્રને જ્ઞાનની પરિભાષા આપીને રજૂ કરવું તેમ વિચારી સ્ક્રિપ્ટ રાઇટિંગ કરવી શરૂ કરી. અને બન્ને સખીઓને પંડિતે બનાવેલ સ્કૅચ બતાવ્યો.

રૂપા તો કાપો તો લોહી ન નીકળે તેવી થઈ ગઈ. પરી કહે, આ ફિલ્મ ન ચાલે તેવી તો શક્યતા જ નથી પણ રૂપાની કારકિર્દી આગળ ખોડંગાઈ જાય તેવી શક્યતા ખરી. આ ચર્ચા ચાલતી હતી અને તેને અક્ષરની યાદ આવવા લાગી. પરી તેનો રોલ ભજવતી પણ તેના જેવી અસરકારક રીતે નહીં. પણ હવે તો જાતે જ નિર્ણય લેવાનો હતો..તેને રહી રહીને લાગતું હતું તે લેસ્બિયનજીવન માટે તૈયાર નહોતી. અને સૌથી મોટો ભોગ તો એ એવી જવાબદારીઓથી ભાગવા જતી હતી જેને તે બચપણથી ઝંખતી હતી. નાનું પોતાનું ‘સંતાન’. પરી સાથે થોડી નાજુક ક્ષણો વિતાવ્યા પછી હવે તેને કંટાળો આવતો હતો...પરી મિત્ર તરીકે શ્રેષ્ઠ પણ અંગત જીવનમાં તેને ઊબકા આવતા હતા.ચુમાચાટી પણ તેને ઝંકૃત કરતી નહીં તેથી પ્રિયંકા મેમને આ પ્રોજેક્ટ ૩૫ના વિષય માટે તેણે નારાજગી બતાવી ત્યારે પરી ગુસ્સાથી તમતમતી હતી.

પરીને તેણે કહ્યું, “મને ક્લાસમાં રસ છે માસમાં નહીં. અને જે છે તેનાથી વિપરીત બતાવીને વિકૃતિને પોષવી નથી.”

પરી કહે, “પણ તે રસ્તે તો આપણે ચાલી રહ્યાં છીએ.”

રૂપા કહે, “ના, હું નહીં..નાજુક ક્ષણે હું ઢળી પણ મારી સમજણ મને કોસે છે. અક્ષરને માટે આ સજા નથી; આ સજા તો મને થાય છે. મારામાં રહેલી માને થાય છે. મને આ રસ્તે નાનકડી મારી ઢિંગલી નહીં મળે.”

પરી કહે, “તું તો ફસકી પડી!”

રૂપા કહે, “ના. બહુ વિચાર કર્યા પછી મારી સમજણે મને કુદરતના ન્યાયને માનવાની ફરજ પાડી. હું સ્ત્રી છું તે બાબતનો તને જેટલો અફસોસ છે તેટલો અફસોસ નથી બલ્કે મને તો સ્ત્રી હોવાનો ગર્વ છે. મારી ઢિંગલીને બરોબર મારી માની જેમ જ લાડ કરીશ.”

“અક્ષરને તું માફ કરી દઈશ?”

“મેં તને કહ્યું ને, આ સજા તેને માટે નથી. તેની જગ્યાએ તેણે જે કર્યું તે તો પુરુષનો ભ્રમર સહજ સ્વભાવ છે. તેને સજા આપવા માટે આખી જિંદગી પડી છે.”

પરીના ચહેરાના રંગો બદલાઈ રહ્યા હતા. તેને રડવું હતું પણ રડાતું નહોતું. તેનું મનગમતું રમકડું તેનાથી છિનવાઈ જતું લાગતું હતું.. મિત્ર તરીકે તેણે પરીને વહાલથી સહેલાવી અને કહ્યું, “આ ઉંમરે આપણા મનને વાળવાનું અને આપણા નિર્ણયોને ચકાસવાનું કઠિન કામ આપણે કરવાનું હોય છે..તું બધી રીતે અક્ષય થઈ શકે પણ ઈશ્વરદત્ત ન્યાય આપણે સ્વીકારવો જ રહ્યો..તું માસી થઈ શકે..ફોઈ થઈ શકે પણ બાપ ના જ થઈ શકે.”

પરીની આંખો અશ્રુમય થતાં જ રૂપાએ તે આંસુ ચૂમતાં કહ્યું, “બાકી બધું જ કબૂલમંજૂર પણ ઈશ્વરે તાણેલી મર્યાદાની લીટી આપણે માનવી જ રહી.”

થોડીક ચૂપકીદી પછી પરીએ પૂછ્યું, “પ્રિયંકા મેમને તું શું કહીશ?”

“પરી, પ્રિયંકા મેમને તો જે કહેવાનું હતું તે કહ્યું, પણ તેની આડઅસર તારા ઉપર આવતી હતી..તેથી અત્યારે સ્પષ્ટતાથી ખુલાસો કર્યો.. આપણે ભૂલ કરીએ અને તે ભૂલ સુધારવી આપણે જ રહી ને? મારી તું સખી વધુ છે ત્યાં કોઈ ગેરસમજ ના ચાલે.”

“મને પણ અક્ષરને હું અન્યાય કરતી હોય તેવું લાગતું હતું.. મારું મન પણ બળવો તો કરતું જ હતું.” પરીએ એકરાર કરતાં કહ્યું.

બન્ને સખીઓ આટલા ખુલાસા પછી સ્વસ્થ થઈ. પરી વિચારવા લાગી, અક્ષર કેવો નસીબદાર છે? બદદાનત હોવા છતાં સજા આપનારાઓ જ રખેવાળ બની ને ઊભા છે. કળિયુગમાં આવા સાથીદાર મળે તે તો સારું નસીબ જ કહેવાય.

પરીનો હાથ હાથમાં લઈ રૂપા બોલી, “જો બેના, ફોટોગ્રાફી પ્રોફેશન છે અને ઓબ્જેક્ટને અંગત નજરે મૂલવવું એ એક પ્રકારની માનસિક નબળાઈ છે તેવું ગુગલ દેવ કહેતા હતા.”

પરીએ હકારમાં માથું હલાવતાં કહ્યું, “ગુગલદેવે કંઈ સુઝાવ આપ્યો હતો?”

“સુઝાવ તો એ જ કે આ નબળાઈ છે તેવું જાણો એટલે તેને તાબે નહીં થવાનું.. ઈશ્વરે તાણેલી મર્યાદાની લીટી આપણે માનવી જ રહી..”

“પછી?”

“પછી? કુદરતના ન્યાયને સ્વીકારી પુરુષ સાથીને શોધવો.”

“તને છોડી દેવી એમ સ્પષ્ટ બોલ ને!”

“હા, એમ જ તો વળી..સાહ્યબો ક્યારે આવે છે ?” તેના હાથના પંજાને વહાલથી સહેલાવતાં રૂપા બોલી,.

“આ વીકમાં તો ચોક્કસ આવશે.. પણ મારા કરતાં તો તને વધારે ખબર હોય ને?”

“હા પણ આ વખતે તેની સાથે ફોન પર વાત નથી કરી..તેના ઉપર ગુસ્સે હતી ને?” રૂપા દબાતે અવાજે બોલી. “તારામાં અટવાતું હતું ને મારું મન તેથી.”

“પછી કેવી રીતે બહાર નીકળી?”

“મન મક્કમ કરી લીધું.. ઢિંગલી જોઈએ છે કે નહીં અને મનનો જવાબ હતો, પરી જેવી ઢિંગલી તો સાહ્યબો જ મને આપી શકે. તેથી નિર્ણય તરત જ લેવાઈ ગયો. વળી પહેલો પ્રેમ તો મારો સાહ્યબો જ ને?”

પરી જોતી રહી અને અક્ષરના નસીબની ઈર્ષા કરતી રહી.

રૂપા બોલી, “પ્રિયંકા મેમને ફોન પર સંદેશ આપીને કહી દીધું કે ભલે તે વિષય નવતર હોય પણ વિકૃત છે તેથી તે બન્ને તે ચિત્રમાં કામ કરવાનાં નથી.. વિષય બદલો અથવા અમને બદલો.

પ્રિયંકા મેમે તો તે છબી વાઇરલ કરી દીધી હતી..

મેઘા પરીના ફોન ઉપર અને જાનકી રૂપાના ફોન ઉપર ગરજતી હતી. પ્રોજેક્ટ ૩૫માં મહેનતાણું પાંચગણું મળવાનું હતું. ઍડલ્ટ ફિલ્મ બનશે એવી જાહેરાત હતી.

સાહ્યબો તો જાહેરાત જોઈને સ્તબ્ધ જ થઈ ગયો. પરી રૂપા કરતાં વધુ આક્રમક હતી..છબીનું રૂપાંતરણ એટલું બધું આકર્ષક હતું કે બન્ને સખી ગાઢ પ્રેમમાં દેખાતી હતી.

પ્રિયંકા મેમનો ફોન આવ્યો અને તે કહે, “આ ઍડલ્ટ મુવી થશે અને તમે માનો છો તેટલાં કે તેવાં ગંદાં દૃશ્યો નહીં હોય. રિલીઝ પહેલાં તું તારા કુટુંબ સાથે બેસીને તે મુવી જોઈ શકીશ.”

“મને કોઈ પણ રીતે મારું નામ બગડે કે સાહ્યબો વિફરે તેવું કશું જ નથી જોઈતું મેમ ! અને આ તસ્વીર જાહેરાતમાં મૂકવાની ના પાડી હતી ને..તમે મને અને પરીને તક્લીફમાં મૂકી રહ્યાં છો..પરીને પણ તેનો ભવિષ્યમાં કોઈ સાહ્યબો હોઈ શકે ને?.”

પ્રિયંકા કહે, “તારી તો હજી કારકિર્દીની શરૂઆત છે જ્યારે મારું તો નામ છે જ અને તે બગડે તેવું કોઈ જ જોખમ હું નહીં લઉં તે તો તું સમજે છે ને?”

“મેમ, તમારી તો કદાચ એકાદ ફિલ્મ ફ્લોપ જાય તો તમને વાંધો ન આવે; અમને તો બેધારી તલવાર છે.” પરી બોલી.

“તમારો કોન્ફરન્સ કૉલ છે?”

“હા મેમ. બીજા ફોન ઉપર બન્ને મમ્મીઓ અને પપ્પાઓ છે.”

“અને સાહ્યબો?”

“સાહ્યબો તો આ પ્રસિદ્ધ થયેલા ચિત્રના દૃશ્યથી ભારે અપસેટ છે. તે તો ઘસીને ના જ કહે છે. તમારી જગ્યાએ બીજું કોઈ હોત તો તે તો દાવો જ કરી દેવાના મૂડમાં છે.”

“સાંભળો. લગભગ વીસ વર્ષ પહેલાં “ગુપ્તજ્ઞાન” નામનું ફિલ્મ આવ્યું હતું. તેને માટે પણ આવું જ કહેવાતું પણ ફિલ્મ રિલીઝ થયા પછી તે હવા ઓગળી ગઈ અને શ્રેષ્ઠ જાણકારી આપતી ફિલ્મ તરીકે તે ઘણી ચાલી.”

થોડા મૌન પછી રામઅવતારે સ્ક્રિપ્ટ વાંચવા માંગી. સાંજે રૂપાને આપશે કહી ફોન ડિસ્કનેક્ટ થયો.

***