મર્ડરર'સ મર્ડર - પ્રકરણ 13 Hardik Kaneriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મર્ડરર'સ મર્ડર - પ્રકરણ 13

પોલીસની બીજી ટુકડી ભાગ્યોદય હોટલ પર પહોંચી ત્યારે, ઝાલા અને ડાભી રિસેપ્શન પરથી ચાવી લઈ પહેલા માળે પહોંચી ગયા હતા. રૂમ નંબર 13માં પૂરતી તપાસ કરવા છતાં તેમને કોઈ શંકાસ્પદ વસ્તુ હાથ ન્હોતી લાગી.

પોલીસની બીજી ટુકડીને ત્યાં જ રોકી, ઝાલા સ્ટેશન તરફ ઉપડ્યા. અડધી કલાક બાદ સુરપાલ આવ્યો અને રૂમમાંથી ફૂટપ્રિન્ટ્સ તથા ફિંગરપ્રિન્ટ્સ મેળવી રવાના થયો.

****

હેમંત અને ડાભી હરિવિલા સોસાયટી પહોંચ્યા હતા. તેમણે જોયું કે સોસાયટીના મેઇન ગેટની સામે ‘દર્શન સોસાયટી’નો ગેટ પડે છે અને તેની બંને બાજુએ કમર્શિયલ કૉમ્પ્લેક્સ આવેલા છે. ચાલીસ ફૂટનો ડામર રોડ, બંને સોસાયટીઓને લંબ નીકળતો હતો. ડાભી અને હેમંતને, તે રોડને આવરી લેતા વીડિયો રેકૉર્ડિંગની ફૂટેજ જોઈતી હતી. તે કામ બંને કમર્શિયલ કૉમ્પ્લેક્સની દુકાનોએ કરી આપ્યું. એક કૉમ્પ્લેક્સમાં ‘વિજય સેલ્સ’ નામનો ઇલેક્ટ્રોનિક્સ સાધનોનો શૉ-રૂમ હતો જયારે બીજામાં ‘એસબીઆઈ’ બેંક. તે બંને જગ્યાએ કૉમ્પ્લેક્સના સામેના રસ્તાને આવરી લેતા સીસીટીવી કૅમેરા લાગેલા હતા.

“ભગવાનની ખબર નથી, પણ આ કૅમેરા બધું જોતા હોય છે. આરવીની હત્યા કરીને બહાર નીકળેલો માણસ સોસાયટીની ડાબે કે જમણે ગમે તે બાજુ ગયો હશે, કોઈ એક કૅમેરામાં તો ઝડપાયો જ હશે. વળી, વિજય સેલ્સના કૅમેરામાં દેખાયેલો માણસ, એસબીઆઈના કૅમેરામાં ન દેખાય અથવા એથી ઊલટું થાય તો સમજવું કે માણસ હરિવિલા સોસાયટી અથવા દર્શન સોસાયટીમાં પ્રવેશ્યો છે.” ડાભીએ કહ્યું.

તેમણે દર્શન સોસાયટીના ચોકીદારની પૂછપરછ કરી. ત્યાં પણ મુલાકાતીઓની ઍન્ટ્રી, રજિસ્ટરમાં નોંધવામાં આવતી હતી. તેમણે રજિસ્ટરમાંથી ગઈ રાતના મુલાકાતીઓનું લિસ્ટ મેળવ્યું. પણ, રાત્રે અગિયાર પછી ત્યાં કોઈ આવ્યું કે ગયું ન હતું.

****

ધાર્યું કામ પાર પડે ત્યારે પત્ની પિયર ગયા જેટલો આનંદ થતો હોય છે. ડાભી અને હેમંત, રેકૉર્ડિંગની પેન ડ્રાઈવ હાથમાં રમાડતા, આનંદિત ચહેરે પોલીસ સ્ટેશન પાછા ફર્યા.

સ્ટેશનના કમ્પ્યુટરમાં તેમણે પેન ડ્રાઈવ ભરાવી અને પાછલી રાતની ફૂટેજ ચેક કરવા લાગ્યા. ફૂટેજમાં શંકા પડે એવી કોઈ હિલચાલ દેખાતી ન હતી. જે પણ વાહન કે માણસ એક કૅમેરામાંથી પસાર થતા તે અડધી-એક મિનિટ પછી બીજા કૅમેરામાંથી પસાર થતા હતા. મતલબ, કોઈ પણ રાહગીર આડો-અવળો ફંટાયા સિવાય સીધા રસ્તા પર ચાલ્યો હતો.

ફક્ત એક કિસ્સામાં એવું ન્હોતું બન્યું. અગિયાર વાગ્યેને તેર મિનિટે વિજય સેલ્સના કૅમેરામાં દેખાયેલું પેશન પ્લસ બાઇક, એસબીઆઈના કૅમેરામાં દેખાયુ ન્હોતું. વળી, એ જ બાઇક રાત્રે અગિયાર ને ઓગણત્રીસે ફરી વિજય સેલ્સના કૅમેરામાં દેખાયું હતું. પહેલા હરિવિલા સોસાયટી તરફ જતા અને બાદમાં ત્યાંથી પાછા ફરતા બાઇકે ઘડીભર તો સળવળાટ જગાવ્યો, પણ ડાભીને કંઈક યાદ આવ્યું. તેમણે કહ્યું, “હું વિશેષના બંગલે ગયો ત્યારે ત્યાં ઘરના પાર્કિંગમાં પેશન પ્લસ પડ્યું હતું. માટે, કૅમેરામાં દેખાતું બાઇક વિશેષનું છે અને તે તો શંકાના દાયરામાં છે જ.”

તેમણે આ વાત ઝાલાને કહી. ઝાલાએ આખી વાત ધ્યાનથી સાંભળી અને પૂછ્યું, “બાઇકના જવા-આવવાનો સમય શું છે ?”

“અગિયાર ને તેર અને અગિયાર ને ઓગણત્રીસ.”

“અને હરિવિલા સોસાયટીના રજિસ્ટરમાં ?” ઝાલાએ ફરી પૂછ્યું.

ડાભીએ પોતાના મોબાઇલમાં પાડેલો રજિસ્ટરનો ફોટો કાઢી કહ્યું, “આવવાનો સમય સવા અગિયારનો અને જવાનો સવા બારનો. ઓત્તારી, આ તો મને સૂઝ્યું જ નહીં. પણ, વિશેષ અગિયાર ને ઓગણત્રીસે નીકળી ગયો હતો તો રજિસ્ટરમાં તેના જવાનો સમય બાર ને પંદરનો કેમ છે ? મતલબ, ફૂટેજમાં દેખાતું બાઇક વિશેષનું નથી.”

“ના એવું નથી. ફૂટેજમાં દેખાતું બાઇક વિશેષનું જ છે. જો કૅમેરામાં દેખાતી વ્યક્તિ વિશેષ ન હોય તો કૅમેરામાં બીજું પણ આવું રેકૉર્ડિંગ થયું હોય જેમાં એક વ્યક્તિ સવા અગિયારે હરિવિલા સોસાયટી તરફ ગઈ હોય અને સવા બારે પાછી ફરી હોય. પણ, એવું રેકૉર્ડિંગ મળ્યું નથી. 11:13 અને 11:15 – કૅમેરા તથા રજિસ્ટર બંનેમાં આવવાનો સમય એક છે. ગોટાળો ફક્ત જવાના સમય બાબતે છે. પણ, કૅમેરો ખોટું ન બતાવે. માટે, એ વાત ચોક્કસ છે કે વિશેષ અગિયાર ને ઓગણત્રીસે પાછો ચાલ્યો ગયો હતો.”

“તો પછી દુર્ગાચરણે તેના જવાનો સમય ખોટો કેમ લખ્યો ?” ડાભીએ દુર્ગાચરણ પર નિશાન સાધ્યું.

“કામના સમયે આરામ કરવાના સંસ્કાર અહીં ગળથૂથીમાં મળે છે. તમે પણ જાણો છો કે મોટાભાગની સોસાયટીઓમાં રાતપાળીના ચોકીદાર સૂઈ જતા હોય છે. કદાચ દુર્ગાચરણ પણ સૂઈ ગયો હોય... અથવા આઘો-પાછો થયો હોય. અને ત્યારે જ વિશેષ નીકળી ગયો હશે. પછી સવારે, દુર્ગાચરણે અટકળ કરીને સમય લખ્યો હશે.”

“પણ જો એવું હતું તો દુર્ગાચરણે તે કબૂલ્યું કેમ નહીં ?”

“માણસજાતને પોતાની ભૂલ ઢાંકવાની જૂની આદત છે. જોકે, મારો તર્ક ખોટો પણ હોઈ શકે છે. દુર્ગાચરણના કૉલ રેકૉર્ડ્સ કઢાવો, કદાચ કોઈ કડી મળી આવે. જો તેણે ગફલત કરી છે તો ઠીક છે, પણ કોઈ ખેલ ખેલી રહ્યો છે તો...” ઝાલાના મર્દાનગીભર્યા અવાજમાં ગેર(ઘેર)હાજર દુર્ગાચરણ માટે ચેતવણીનો ઘંટ વાગ્યો.

“સર, મે આઇ કમ ઇન ?” કૅબિનના દરવાજે ઊભેલા હેમંતે અદબભેર પૂછ્યું, તેના હાથમાં કેટલાક કાગળિયાં હતા.

“બોલ હેમંત...”

“કૉલ રેકૉર્ડ્સ આવી ગયા છે.”

“લાવ.”

હેમંતે કૉલ રેકૉર્ડ્સ ઝાલાના હાથમાં મૂક્યા અને કહેવા લાગ્યો, “આપે આપેલા પાસકોડથી આરવીનો ફોન ખોલી એક એક વસ્તુ ચેક કરી છે, તમામ ટેક્સ્ટ અને વ્હોટ્સઍપ મેસેજ વાંચ્યા છે. પણ, આપણા કામનું કંઈ મળ્યું નથી.”

“એ તો તેણે મેસેજ કે વિગત ડીલીટ કરી નાખ્યા હોય તો ય ન મળે. તમે ચૅટ ડેટાનો બૅકઅપ મેળવવા પ્રયત્ન કર્યો ?”

“હા કર્યો હતો. ફોનમાં ડેટા બૅકઅપ ઑફ રાખેલું છે.”

“કૉલ રેકૉર્ડ્સમાં કંઈ મળ્યું ?”

“ગઈ રાત્રે અગિયાર ને અઢારે આરવીને એક ફોન આવ્યો હતો જે ત્રીસ સેકન્ડ સુધી ચાલેલો. એ નંબર અત્યારે સ્વિચ ઑફ આવે છે. સિમ કોના નામ પર રજિસ્ટર થયું છે એ તપાસ કરવા સાઈબર ક્રાઇમને કહી દીધું છે. એ સિવાય ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં આરવીના ફોનથી એક લેન્ડલાઇન નંબર પર વારંવાર વાત થઈ છે. આશ્ચર્યની વાત એ છે કે આરવીએ તે નંબર પર ફોન કર્યો તે પહેલા દરેક વખતે આરવીના ફોન પર ડૉ. લલિતનો ફોન આવ્યો છે. અમે તપાસ કરી તો ખબર પડી કે તે લેન્ડલાઇન રાજકોટની ગાયનેકોલોજિસ્ટ હોસ્પિટલનો છે.”

“આરવીને ગાયનેકોલોજિસ્ટ હોસ્પિટલનું શું કામ પડ્યું હશે ? એક કામ કરો, રાજકોટ પોલીસને જાણ કરી હોસ્પિટલમાંથી વિગતો મેળવવા કહો અને ડૉ. લલિતનો ઓગસ્ટ મહિનાનો કૉલ રેકૉર્ડ કઢાવો. બીજું કંઈ ?”

“ડાભીસાહેબ સાથે વાત થયા પહેલા વિશેષે એક નંબર પર વાત કરી હતી. તે નંબર આરવીની બેસ્ટ ફ્રેન્ડ ‘નેહા’નો છે.”

“શું ?” ઝાલા અને ડાભીને ઝટકો લાગ્યો.

“આપણી પાસે નેહાનો નંબર તો છે જ, હવેથી તેની દરેક વાતચીત રેકૉર્ડ કરો અને છોકરી પર ચોવીસ કલાક નજર રખાવો.” આટલું કહી ઝાલા કાગળિયાં જોવા લાગ્યા.

“સર, વરુણ, મહેન્દ્રભાઈ, અભિલાષા, મનીષાબેન અને રામુના કૉલ રેકૉર્ડ્સ સાફ છે.”

“ઘણી વાર ચોખ્ખી દેખાતી ચટાઇ નીચે જ કચરો જમા થયો હોય છે. આ તમામ નંબર ચેક કરાવો.”

હેમંતે કાગળ હાથમાં લીધા, ઝાલાએ કેટલાક નંબર પર લાલ પેનથી રાઉન્ડ કર્યું હતું. “જી સાહેબ” કહી તે બહાર નીકળ્યો અને ડાભી તેની પાછળ ગયા.

‘આરવીનું રાજકોટની ગાયનેક હોસ્પિટલનું કનેક્શન અને નેહાનું વિશેષ સાથેનું કનેક્શન કેસને અલગ દિશામાં લઈ જઈ શકે છે.’ વિગતોના તાણા ગૂંથી રહેલા ઝાલા મનમાં બબડ્યા.

ક્રમશ :