મર્ડરર'સ મર્ડર - પ્રકરણ 11 Hardik Kaneriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મર્ડરર'સ મર્ડર - પ્રકરણ 11

આરવીના બોયફ્રેન્ડ તરીકે અજય કોનું નામ લેશે તે જાણવા ઝાલા અને ડાભી આતુર બન્યા.

“બલર પરિવારનો નાનો દીકરો વરુણ આરવીનો બોયફ્રેન્ડ હતો.” અજયે કહ્યું.

“વરુણ ?”

“હા. જોકે, પાછળથી તેમનું બ્રેક-અપ થઈ ગયું હતું.”

“બ્રેક-અપ ? કેમ ?”

અજયને ખબર ન હોય તેમ તેણે માથું ધુણાવ્યું અને કહ્યું, “નેહાને ખબર હશે, તે આરવીની બેસ્ટ ફ્રેન્ડ હતી. અહીંની, વડોદરાની જ છે.”

“તારી પાસે નેહાનો નંબર છે ?”

“નથી, પણ મળી જશે.”

બાદમાં, અજયે બે ચાર જગ્યાએ ફોન કરી નેહાનો નંબર મેળવ્યો.

“હવે તું જઈ શકે છે, જરૂર પડશે તો પાછો બોલાવીશું. અને હા, વિશેષ અંગેની માહિતી મળે તો સૌથી પહેલા અહીં જાણ કરજે.”

‘ઓકે’ કહી અજય અને તેના પપ્પા રવાના થયા.

“વિશેષને છેલ્લી વાર ફોન લગાવો, ફોન ન લાગે તો ટ્રેકિંગ પર મૂકી દો, સ્વિચ ઓન કરશે એટલે તરત પકડાઈ જશે, બચીને જશે ક્યાં ?” ઝાલાએ કહેતા ડાભીએ નંબર જોડ્યો. ચહેરા પર આવેલી ચમક સાથે તેમણે ફોનનું સ્પીકર ઓન કર્યું, રિંગ વાગી રહી હતી. જાણે ફોનમાંથી વિશેષ બહાર આવી જવાનો હોય તેમ ડાભી અને ઝાલા ફોન સામે તાકી રહ્યા. થોડીવારે એક અવાજ સંભળાયો, “હલ્લો...”

“કોણ, વિશેષ ?”

“હા જી, આપ કોણ ?”

“વડોદરા પોલીસ...” ડાભી આગળ કંઈ બોલે તે પહેલા ફોન કપાઈ ગયો. ડાભીએ ફરી પ્રયત્ન કર્યો પણ ફોન સ્વિચ ઑફ આવવા લાગ્યો.

“વડોદરા પોલીસ ? શિકાર રેંજમાં ન આવે ત્યાં સુધી ફાયરિંગ ન કરવું જોઈએ.” ઝાલાએ ડાભીને ઠપકો આપ્યો અને ડાભી નીચું જોઈ ગયા. “હવે નીચું જોયા વગર નેહાને ફોન કરો, આપણે પૂછપરછ કરવા જવાનું છે.”

****

“બી-7, સરસ્વતી સોસાયટી, શુભાનપુરા, વડોદરા.” ડાભીએ સરનામું લખ્યું અને વીસ મિનિટ પછી જીપ સરસ્વતી સોસાયટીમાં પ્રવેશી. ઝાલા, ડાભી અને હેમંત ઘરમાં પ્રવેશ્યા ત્યારે સામાન્ય દેખાતી, ઘઉંવર્ણી યુવતીએ તેમને આવકાર્યા.

“સર, હું જ નેહા છું. આરવીના મૃત્યુના સમાચાર ખૂબ આઘાતજનક છે. મને તો તે વિશે ખબર જ ન્હોતી, આપે ફોન કર્યો ત્યારે ખબર પડી. જાણીને ગભરામણ જેવું થઈ ગયેલું. આમ તો મારે આરવીના ઘરે જવું જોઈએ પણ આપે કહ્યું કે આપ આવો છો એટલે બેસી રહી.” તે એકીશ્વાસે બોલી ગઈ.

“અહીં આપ એકલા જ રહો છો ?” ઘરમાં નેહા સિવાય બીજું કોઈ દેખાતું ન હતું.

“ના. મમ્મી-પપ્પા બહારગામ ગયા છે, કાલે સાંજે આવશે.”

“ઠીક છે, હું મૂળ મુદ્દા પર આવું છું. તમને જાણીને આશ્ચર્ય થશે કે આરવીની હત્યા થઈ છે.” ઝાલાએ કહ્યું.

“જો આ નેચરલ ડેથ કે આત્મહત્યાનો કેસ હોત તો તમે પૂછપરછ કરવા, અહીં સુધી લાંબા ન થયા હોત.” નેહાએ સ્વસ્થતાથી કહ્યું. અન્ય લોકોથી વિપરીત તે, પોલીસને જોઈ જરાય ગભરાઈ ન્હોતી.

ઝાલાએ હોઠ બહાર કાઢી માથું ધુણાવ્યું, “અમારે એ જાણવું છે કે આરવીને કોઈ સાથે વેર કે દુશ્મનાવટ હતી ? શું કોઈ એવું હતું જે આરવીને મારી નાખવા ઇચ્છતું હોય ?”

“બલર પરિવારના એક પુરુષ પાસે આરવીની હત્યા કરવાનું કારણ હતું.”

ઝાલા અને ડાભી ચોંક્યા, “આપ કોની વાત કરો છો ?”

“અમારી કૉલેજના પ્રિન્સિપાલ મહેન્દ્રભાઈની... તે એક નંબરનો હલકટ છે. આ દુનિયામાં ખરાબ કહી શકાય એવા ઘણાં વ્યસનની તેને લત છે. ખાસ કરીને દારૂ અને સ્ત્રીની.”

“શું ?” ઝાલા અને ડાભીનું આશ્ચર્ય બેવડાયું.

“હા. આ તો તે મૅનેજમૅન્ટનો એક્કો છે અને નેતાઓ સાથે સારાસારી રાખે છે એટલે આજ સુધી પ્રિન્સિપાલ તરીકે ટકી રહ્યો છે, બાકી તે જાનવર છે. કૉલેજની છોકરીઓને કૅબિનમાં બોલાવી દ્વિઅર્થી વાતો કરવી, છોકરી વિરોધ ન કરે તો છૂટછાટ લેવી અને શક્ય હોય તો...” નેહાના મોઢા પર ધિક્કારની લાગણી છવાઈ, તેના હાથની મૂઠીઓ વળી ગઈ. “આવું કરવામાં તેને કોઈ છોછ નથી. ઘણી છોકરીઓને તેનો ખરાબ અનુભવ થયો છે. કોલેજમાં એવું પણ સંભળાય છે કે તેનો શિકાર બનેલી એક પ્રોફેસરે વર્ષો પહેલા આત્મહત્યા કરી લીધી હતી.”

“તમે એક પ્રતિષ્ઠિત માણસ પર આળ લગાવી રહ્યા છો.” ઝાલાએ ઊંડા ઊતરતા કહ્યું.

“કહેવાતા પ્રતિષ્ઠિત માણસોને હોટેલના બંધ રૂમમાં ઉઘાડા થઈ જવાનો શોખ હોય છે. હું કોઈ સાંભળેલી વાત નથી કહી રહી, મને એ રાક્ષસનો અનુભવ થયો છે. હું કૉલેજમાં દાખલ થઈ તે દિવસોની વાત છે. સાહેબે મને તેમની કૅબિનમાં બોલાવેલી. એ માણસની મંશાથી અજાણ હું અંદર ગઈ ત્યારે તેમણે મને ખુરશી પર બેસવા કહ્યું. મેં ઓપન નેક ટી-શર્ટ પહેર્યું હતું. તેમણે મારી ઉઘાડી ગરદન અને ગરદનની નીચે જોયા કર્યું અને પોતાના હોઠ પર જીભ ફેરવીને કહ્યું, “મારું ધ્યાન રાખે એનું હું ખૂબ ધ્યાન રાખું છું.” બાદમાં તે ઊઠ્યા અને મારી બાજુની ખુરશી પર બેસી ગયા. તેમણે મારા પરિણામની વાહવાહ કરતા મારા વાંસામાં હાથ ફેરવ્યો, મારા ખભે હાથ મૂક્યો અને ખભો દબાવ્યો. હું ચોંકીને ઊભી થઈ ગઈ તો તેમણે મને ખેંચી. હું તો એકદમ ડઘાઈ જ ગયેલી ! તે દિવસે હું ખૂબ રડી હતી. તબિયત ઠીક નથી એમ કહી પછી ત્રણ દિવસ સુધી કૉલેજે પણ ન્હોતી ગઈ. બાદમાં, ધીમે ધીમે ખબર પડી કે ઘણી છોકરીઓને તે શેતાનનો અનુભવ થયો છે.”

“તમે આ વિશે કોઈને ફરિયાદ ન કરી ?”

“આજ સુધીમાં જેમણે પણ તેનો વિરોધ કરવાની હિમ્મત કરી છે તેમનું આખું વર્ષ બગડ્યું છે અથવા તેમને રસ્ટિકેટ કરવામાં આવ્યા છે.”

“તમે આ વિશે આરવીને કહ્યું હતું ?”

“ત્યારે હું અને આરવી મિત્રો ન્હોતા. આ ઘટના બન્યા પછી અમે મિત્રો બન્યા હતા. જોકે, ત્યારે પણ મને ખબર ન્હોતી કે આરવી મહેન્દ્રભાઈના દીકરાની સાળી છે. અમે ક્લોઝ ફ્રેન્ડસ બન્યા પછી મેં તેને આ વિશે જણાવ્યું હતું. ત્યારે તેણે કહેલું, “હું ઘરે રહેવા આવી ત્યારે જ દીદીએ મને તેમનાથી દૂર રહેવા ચેતવી હતી. મારે હોસ્ટેલમાં રહેવું જોઈએ એવું સૂચન કરવા પાછળ દીદીનો એક આશય આ પણ હતો. દીદી તો ઇચ્છતા જ ન્હોતા કે હું ઘરે રહું.””

“તો શું અભિલાષાને પણ એવો અનુભવ થયો છે ?”

“મેં પણ આરવીને એમ જ પૂછેલું, પણ તેણે જવાબ આપવાનું ટાળ્યું હતું. જોકે, સ્ત્રીઓમાં એક અજબ શક્તિ હોય છે, મોટાભાગના પુરુષોની નજર જોઈને જ તેને ભાસ થઈ જાય છે કે પુરુષ મેલા મનનો છે કે સાફ ? ભલે આરવીએ સ્પષ્ટપણે ન્હોતું કહ્યું, પણ દીદીને એવો અનુભવ થયો જ હશે.”

“આ બધી વાતોનો આરવીની મોત સાથે શું સંબંધ ?”

“સંબંધ છે. તે લંપટ માણસ વિશે આરવીને એવું કંઈક મળ્યું હતું જે તેને જેલના સળિયા પાછળ ધકેલી શકવા સક્ષમ હતું.”

“શું મળ્યું હતું ?”

“ચોક્કસ ખબર નથી, પણ ફેબ્રુઆરી મહિનાની વાત છે. વૅલેન્ટાઇન ડેના દિવસે આરવી ખૂબ ખુશ હતી. મને કહે, “ભૂતની ચોટલી હાથમાં આવી ગઈ. હું ધારું તો દીદીના સસરાને અબઘડી જેલના સળિયા ગણાવું. હું તેમની પાસે ઇચ્છું તે કરાવી શકું એમ છું, મને તેમની અસલિયતના પુરાવા મળ્યા છે. પેલી યુવાન પ્રોફેસરે તેમના લીધે જ આત્મહત્યા કરી હતી.” મને આશ્ચર્ય થયું. મેં પૂછ્યું, “તને કેવી રીતે ખબર પડી ?” તો કહે, “કહ્યું તો ખરું, ભૂતની ચોટલી હાથમાં આવી ગઈ. એ જયારે આ વિશે જાણશે, ત્યારે મારા પગમાં આળોટશે.” આરવી પાસે એવું તો શું આવી ગયું છે તે જાણવા મેં પછી પણ પ્રયત્નો કરેલા, પરંતુ તેણે મને જણાવ્યું ન્હોતું.

મને લાગે છે કે આરવીએ આ જ કારણથી પોતાનો જીવ ગુમાવ્યો છે. મહેન્દ્રને તેની ખબર પડી ગઈ હશે અને તેણે આરવીને ખતમ કરી દીધી હશે. ફસામણમાંથી છૂટવાનો રસ્તો ન દેખાય ત્યારે શાંત પ્રાણી પણ જીવલેણ બની જતું હોય છે, જયારે આ તો માણસ છે !”

‘આરવી પાસે એવું તો શું હતું જે મહેન્દ્રભાઈ માટે જોખમી હતું, શું આરવી મહેન્દ્રભાઈને બ્લેકમેઇલ કરતી હતી ?’ ઝાલાના દિમાગમાં પ્રશ્ન ઉદ્ભવ્યો.

ક્રમશ :