ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ. - 19 Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટર્નિંગ પોઇંટ ઇન એલ.એ. - 19

ટર્નિંગ પોઇંટ ઇન એલ..

પ્રકરણ ૧૯

તારી પસંદગીની મહોર

યુનિવર્સલ સ્ટુડિયોના વર્ગમા ઍક્ટિંગવર્ગમાં પરી સાથે પ્રથમ આવ્યો અને તેનો રૂપા સાથે પરિચય કરાવ્યો, “આમચા માણુસ પ્રથમ. પ્રોજેક્ટ ૩૦માં તારો હીરો. તે પણ તારી સાથે ભણશે.”

રૂપાએ પ્રથમ સાથે હાથ મિલાવ્યા અને કહ્યું, “વેલ કમ ઓન બોર્ડ.

પછી પરીને પૂછ્યું, “તારી સાથે ક્યારે મુલાકાત થઈ?”

“કાલે રાત્રે ૩ વાગે તે લોસ એન્જેલસ ઊતરી ગયો હતો. હજી જેટ્લેગ છે પણ યુનિવર્સલમાં ભણવાનું આકર્ષણ એને અહીં લઈ આવ્યું. પ્રિયંકામેમે મને ફોન કરી તેને લઈ જવા કહ્યું, અને ટીમને મેળવવા અહીં લાવી છું.”

“લેક્ચર શરૂ થતાં હજી દસ મિનિટ છે ત્યાં સુધી કૉફી પીવી હોય તો કૅન્ટીનમાં જઈએ.” રૂપાએ ફોર્માલિટી કરી. પ્રથમ આમ તો નાટકનો જીવડો એટલે અદા મારીને કહ્યું, “હા ચાલો જઈએ.”

પરીને ફેસ–ફીચર તો ગમ્યાં પણ અલયની જેમ તરત તે ના ગમ્યો. રૂપાએ પણ કહ્યું, “થોડાક દિવસ આપ એને અમેરિકન થવા.. આ દેશી માણસ વધુ છે.” કૉફી આવી. પિવાઈ પણ ગઈ અને પોતપોતાના ક્લાસમાં ગયાં.

અમેરિકન અંગ્રેજીમાં તેને સમજતાં શરૂઆતમાં તકલીફ પડશે તેવો અંદાજો તો હતો પણ તે તો બહુ સરસ રીતે સમજતો હતો અને પ્રશ્નો પણ પૂછતો હતો. એટલે એક બાબતની હાશ થઈ. આમેય પ્રિયંકાજી કંઈ કાચું કાપે તેવાં તો નહોતાં જ. આ વખતે ઘટના અપાતી હતી અને ડાયલૉગ લખવાના હતા અને પછી તે ભજવવાના પણ હતા.

અંગ્રેજીમાં અમેરિકન ઉચ્ચારણ પ્રથમના આવતા નહોતા પણ ડાયલૉગ ડિલિવરી સચોટ હતી..ભાવો અને છટા પણ સરસ આવતી હતી. ત્રણ કલાકના અંતે લંચબ્રેક પડ્યો ત્યારે પ્રોફેસર માર્ક તેને સોમાંથી સો માર્ક આપી ચૂક્યા હતા અને પ્રિયંકા મેમને કહી ચૂક્યા હતા કે આ ઍક્ટર પણ રૂપાની જેમ જ તમારી એસેટ બનશે. પ્રિયંકા મેમનો જવાબ હતો..તે સ્ટેજનો સફળ કલાકાર છે તેથી કૅમેરા સામે તેને તકલીફ નહિ જ પડે. હા અંગ્રેજી ફિલ્મ માટે ESL cource કરવા પડશે. બપોરે રૂપા સાથે પ્રથમ પ્રિયંકા મેમના પ્રોડક્શન યુનિટ પર પહોંચતાં પહેલાં થોડીક પર્સ્નલ હાઇજીનની વસ્તુ લેવા ગયો. થોડાં કપડાં લીધાં અને દાઢી કરીને તૈયાર થઈ ગયો. સફેદ જર્સી અને રોયલ બ્લ્યૂ પેન્ટમાં પાંચ જ મિનિટમાં તૈયાર થઈને આવી ગયો.

અમેરિકન પ્રણાલીથી તે વાકેફ હતો એટલે કૅન્ટીનમાં ક્વિક સેન્ડવીચ લંચ બનાવી ઓરેંજ જ્યૂસ સાથે ઝડપથી ખાઈ લીધું. પ્રિયંકા મેમ ફ્રી થયાં ત્યારે તારીખોમાં ક્લૅશ થતો હતો તેથી પરી પહેલા ૧૫ દિવસ જ પ્રોજક્ટ ૩૦માં હતી..પછી તે અમેરિકન સિરિયલમાં સક્રિય થવાની હતી.

આજે સાઇનિંગ સેરીમની હતી, જેમાં ત્રણે જણાંને પહેલા ૯૦ દિવસ કામ કરવાનું હતું પણ પરી પાર્ટટાઇમ હતી અને સળંગ પણ નહોતી. સૌને કહાણીની ફાઇલ મળી. પહેલે દિવસ થનારા શૂટિંગનાં દૃશ્યો મળ્યાં અને કવર પણ. અમેરિકન નિયમો પ્રમાણે કોને કેટલું મળ્યુંની ચર્ચા નહોતી. “પ્રેમદીવાની રાધા” ભારતમાં અને વિદેશમાં વેચાઈ ગઈ હતી અને પ્રમોશનોનાં પરિણામો સફળ આવ્યાં હતાં. સેન્સરમાંથી નીકળે એટલે તરત તે રિલીઝ થવાની છે. પહેલા પાનાને વાંચી તૈયાર થવા માટે ૩૦ મિનિટ અપાઈ હતી. સાથે સાથે મેકઅપ અને સાજશૃંગાર થતા હતા.

સેટ રાજમહેલ જેવો તૈયાર થયો હતો અને રાજનર્તકીના રોલમાં રૂપા હતી અને રાજકુમારના પાત્રમાં પ્રથમ હતો. રૂપાને ફ્ક્ત ઝાંઝર ખણખણાવવાનાં હતાં. આખો ડાયલૉગ પ્રથમે બોલવાનો હતો. ગળામાં શ્વાસ ભરીને રાજકુમારની અદામાં પ્રથમ બોલવા લાગ્યો –

“રાજનર્તકી, એમ ન વિચારીશ કે હું અન્ય રાજઘરાનાના રાજકુંવરની જેમ તને ભોગવીને જતો રહીશ. કે સ્વર્ણમુદ્રાઓનો ઢગલો કરીને થનારાં સંતાનો સાથે તને છોડી દઈશ. ના. તારું સ્થાન તો મારા હૃદયમાં છે. તારા ઝાંઝરનો રણકાર સ્પષ્ટ કહે છે, તને મારા ઉપર વિશ્વાસ નથી..પ્રિયે વિશ્વાસ કર.. વિશ્વાસ કર..”

એક પણ કટ વિના મુહૂર્ત શૉટ પૂરો થયો તે નવાઈ હતી. પ્રિયંકા મેમે શૂટિંગ જોયું. દૃશ્ય સમજ્યાં અને પરીનો પણ ખભો થાબડ્યો. રૂપાના ભાગે ખાસ રોલ નહોતો તો પણ પરી તેના ચહેરાની ભાષા કંડારતી હતી. તેના ચહેરા ઉપર અક્ષર નહોતો..તે દૃશ્યમાં ગળાડૂબ હતી.

પરી, તું અને રૂપા મને હવે લાગે છે કે, મારા મનનાં ઊંડાણોને સરસ રીતે સમજી લો છો. જ્યાં જેવી જરૂર હતી તેવો રણકાર મારા કહ્યા વિના નીકળતો જતો હતો. ઘડિયાળ હજી ૨ બતાવતી હતી. બીજો શૉટ તૈયાર કરવાના સિગ્નલ સાથે તેમને તૈયારી કરવા ૧૫ મિનિટ આપી. પરી બોલી, “રૂપાભાભી, સાંભળ્યું ને મેડમે તમારા કામને કેટલું વખાણ્યું?”

હું ગુગલમાં જોતી હતી. અભિનય બોલ્યા વિના પણ થાય અને તેમાં તેમણે નગારાના તાલ ઉપર ચહેરાના બદલાતા ભાવો સાથે ચારેક મિનિટનો વીડિયો જોયાનું યાદ આવ્યું. અને આજના મ્યુઝિક સાથે ભાવભંગિમાઓ બનાવી.. મને પણ મઝા આવતી હતી.. પ્રથમનો ડાયલૉગ આ ભાવભંગિમાઓમાં જાન પૂરતો હતો. ખાસ તો એ જ્યારે બોલ્યો, પ્રિયે વિશ્વાસ કર, ત્યારે તો હું પણ એના ડાયલૉગમાં ગળાડૂબ હતી..તારો કૅમેરા મને બરોબર કંડારતો હતો.

પ્રિયંકા મેમ આ બધું સાંભળતાં હતાં અને તેથી બોલ્યાં, “તમારી પેઢીને ખાલી ધ્યેય જ બતાવવાનું હોય છે. પછી રસ્તો તો આપમેળે શોધી નાખો છો.”

પરીને પૂછતાં પ્રથમ બોલ્યો, “માફ કરજો, મને પણ થોડી જાણવાની ઇચ્છા થઈ એટલે પૂછું છું .. તમે એવું બોલ્યા કે રૂપા ભાભી, એટલે?”

“હા. મારી ભાભલડી છે આપની હીરોઇન.. મારો ભાઈ અક્ષર ડાકટરીનું ભણે છે સાન એન્ટોનીઓમાં.. તેઓ ઘણા સમયથી ડેટિંગ કરે છે. ભણતર પૂરું થશે પછી તેઓનાં લગ્ન થશે.”

“આપે મારા વિશે તો પૂછી લીધું. હવે તમારો પણ પરિચય આપો, ખરું ને પરી?”

“હું રાઇસ યુનિવર્સિટિનો એમ. બી. એ. છું. નાટક્નો ખૂબ જ શોખ તેથી ભણ્યો અને ડિપ્લોમા ઇન ડ્રામેટિક્સ કર્યું અને ટેલેંટ સર્ચમાં સ્વીકારાયો. ફિલ્મ અને નાટક્માં અઘરું સ્ટેજ પરનું કામ છે ..ફિલ્મોમાં કટ કહી ભૂલ સુધારી શકાય છે તેથી હું એક પ્રયત્ન જ કરું છું. મને શ્રદ્ધા છે, મને બ્રેક મળશે જ.

“પછી ભારતમાં રહેવું છે કે અમેરિકામાં?”

“બ્રેક મળશે તો અમેરિકામાં.”

“પ્રિયંકા મેમના પ્રોજેક્ટમાં સફળતા તો નક્કી જ હોય છે.”

“તો પછી અમેરિકા બોર્ન છોકરી શોધીને અહીં જ સ્થિર થઈ જઈશ.”

પરી સામે પરવાનગી માંગતી નજરે રૂપાએ જોયું.. પરીએ નજર ના મિલાવી એટલે રૂપાએ વાત આગળ ના ચલાવી.

બીજો સેટ રેડી હતો. શૂટિંગ ચાલુ થવા માંડ્યું. પરીની નજરમાં દ્વિધા હતી. આ તો અમેરિકામાં ભણેલો છે. પાછો મંબઈનો છે. આવું જ પાત્ર મમ્મી શોધતી હતી ને..તેની નજર શૂટિંગ કરતાં કરતાં તેની સારી અને નરસી વાતો શોધવા માંડી.. અલય સાથે તેનું મન સરખામણી કરવા માંડ્યું. તેનું મન અને હૃદય દ્વિધા અનુભવતું હતું..

સાંજે મા સાથે વાત કર્યા પછી નિર્ણય લઈશ અને આજે ને આજે ક્યાં કશું થવાનું છે..ઉપરવાળાએ જે નિર્ધાર્યું હશે તે થશે.. સાંજે ઘરે પહોંચતાંની સાથે મમ્મી બોલી, “પ્રથમ કેવો છે?”

“સારો. પણ તું જે રીતે પૂછે છે તે રીતે હજી તેના વિશે બહુ માહિતી નથી ભેગી કરી.”

“જો પ્રિયંકાબહેને પપ્પાને એ વિશે અંદાજો આપ્યો છે. રાઇસ યુનિવર્સિટિમાં તે એમ. બી. એ. થઈને અહીં આવ્યો છે. અમેરિકામાં સાત વર્ષથી છે. ફિલ્મમાં કામ કરતાં પહેલાં સ્ટેજ ઉપર બહુ કામ કર્યું છે. ભુલેશ્વર પાસે તેનાં મમ્મી અને પપ્પા રહે છે. સ્ટેજ કૉમ્પિટિશનમાં ટૉપ થઈને વીનર તરીકે આપણી પાસે અહીં આવ્યો છે. મારે તેને મળવું છે. તું તેને અહીં લાવજે પણ તારી પસંદગીની મહોર વાગ્યા પછી.”

“આપણા ઍપાર્ટમેન્ટમાં જ ત્રણ મહિના માટે રોકાયો છે. મારાથી જલદી તે દિશામાં નિર્ણય નહીં અપાય. અલયની જેમ પહેલી નજરે મને ગમ્યો નથી. વધુ તો શું કહું? પરી સહજ ભાવથી બોલી.

***