(૦૬)
ઈજ્જત
'ક્ષમા માતૃત્વ’ નામના વોર્ડ માં પાસ-પાસે ના પલંગ માં સુતેલી બે પ્રસુતા વાત કરી રહી હતી. વાત કરતાં બળાપો કાઢી રહી હતી એમ કહેવું વધુ બંધ બેસે . જોગાનુજોગ બન્ને ની આ પ્રથમ સુવાવડ જ હતી. ભાવના અને છાયા વચ્ચે આમ તો કોઈ પ્રકારે સરખામણી કરવી શક્ય નહી. ભાવના ભણેલી – પોસ્ટ ગ્રેજ્યુએટ સંપન્ન પરિવાર ની લાડલી દીકરી. જીવન નાં પચિસ વર્ષ વૈભવ માં ઉછરેલી. છાયા માંડ બાર ધોરણ ભણી શકેલી સાધારણ પણ ન કહી શકાય તેવા પરિવારની. છાયાએ દીકરી ને જન્મ આપ્યો એ જ દિવસે ભાવના એ પણ પુત્ર રત્નને. બન્ને નાં લગ્ન પહેલાં અને લગ્ન પછી ના જીવનધોરણ માં ઘણો તફાવત. ન પહેલાં ની કોઈ ઓળખાણ, ન પછી મૈત્રી જળવાયા ની શક્યતા.પણ સ્ત્રીઓ જયારે શરૂઆત ના લગ્નજીવન માં સાસરે પડતી તકલીફો ની વાત કરે તો લગભગ વ્યથા-કથા સરખી જ લાગે. સ્ત્રીઓ ને બહેનપણી બનાવતાં વાર નહી અને વેરી કરતાંય. પણ અહી આપણે પ્રસુતિ દર્દ ઉપડ્યા પછી સરકારી દવાખાના માં દાખલ થયેલી અને સુવાવડ બાદ ચાર-પાચ દિવસ માટે સાથે રહેતાં મિત્ર ભાવે વાતો કરતી બે સ્ત્રીઓ ની વાત પર નથી અટકવું. એમની વાત માં શું હશે? નવી બોટલ માં જુનો દારૂ? વર્ષોથી ચાલી આવતી લાગણી ઘવાયાની ને માંગણી ન સંતોષાયાની વાતો? દહેજ કે ઘરકામ ના કકળાટ નો ધુમાડો ગંધાય એ પહેલાં વાત બદલવાની આશા રાખીએ.
છાયાને પુત્રી લક્ષ્મી તરીકે હરખ થી વધાવાશે તેવી આશા હતી પણ ઠગારી નિવડી. તેના પિતા સામાન્ય નોકરી કરતા હોઈ સાસરિયાં ની વહેવારના નામે ચલાવેલી જૂની દહેજ નામ ની ડાકણ ને ભગાડી શકતા નહી. જેને કદી સંતોષ ન થતો તેવી સાસુ નાં મહેણાં અને કચકચ છાયાને હવે કોઠે પડી ગયેલી. ભાવના એ અફસોસ કર્યો કે તેના પિતાને પૈસાનો કોઈ પ્રશ્ન જ નથી. તે પોતે પણ નોકરી કરતી હોઈ આર્થિક રીતે પિતા કે ભાઈ ને ભારે પડવાની નહતી. ઉલટું તેનો પિયર પક્ષ તો સાસરી ની સરખામણી એ ખુબ સમૃદ્ધ ગણાય. સમાજ ના દબાણ નો કોઈ પ્રશ્ન જ નહતો. છતાં તેના પિતા તેને સાસરી નું ઘર છોડી દેવાના અને પિયર પાછી આવી જવાના નિર્ણય માં સુર ન પુરાવતા. ભાવના ને હિમાલય જેવો પ્રશ્ન હતો પતી ની વફાદારીનો.
ભાવના નો પતિ શુભમ ગુટખાનો બંધાણી હતો. લગ્ન પછી ભાવના ને ખબર પડી કે તે સિગારેટ પણ પીતો. વ્યસનને નફરત કરતી ભાવના એ આ ચલાવી લેવું પડ્યું. .... સિગારેટ જેવા સામાન્ય કારણ ને લઈ પિયર ભેગા થઇ જવા માં સમાજ માં આપણી જ ઈજ્જત જાય..... મા ની શિખામણ પાછળ ભાવના ને તેને લાડ લડાવનાર પિતાની મુક સંમતિ પણ સમજાઈ. ભાવના ને વ્યસન કરતાંય લગ્ન પહેલાં – ઇન્ટરવ્યુ માં પુછવા છતાં શુભમે સિગારેટ ની વાત નહી કરેલી એ વાત નો વિરોધ હતો જે પિતાની મજબુર આંખો જોઈ શમી ગયો. લગ્ન બાદ નાની નાની વાત માં શુભમ ના બુમ બરાડા ભાવના ને અસહ્ય લાગતા. ઘણી વાર તેની મમ્મી ને કહેતી. પિતા ને ઘેર કદી ‘ના’ નહી સંભાળનાર ભાવના હવે સાસરી માં સામાન્ય વાતો માટે નન્નો સાંભળવા લાગી. તેનો શ્વાસ જાણે રૂંધાઇ જતો. કહે કોને? મહિને પિયર જાય ત્યારે છુટ્ટા મ્હો એ રડી પડતી ભાવના ને માં નો તકિયા કલામ સંભળાતો .... પહેલાં પાંચ વર્ષ તો આવું જ ચાલે. એકાદ છોકરું આયા પછી શુભમ કુમાર નો સ્વભાવ પણ શાંત થઇ જશે.
અને એ જ આશા એ ભાવના એ ગૃહત્યાગ ના વિચાર ને તત્કાલીન મોકૂફ રાખી બાળક લાવવા નો નિર્ણય વધાવેલો. પણ બાળક ના જન્મ પહેલાં તેને શુભમ ના વ્યભિચારી જીવન ની ખબર પડી. આવનાર બાળક ને શુભમ નું નામ સુદ્ધાં ન આપવા ના અફર નિર્ણય સાથે એ પિતા ને – પોતાના ઘરે પાછી ફરી. પણ સમાજ માં બાળક ની કોઈ ઈજ્જત નહી રહે ...એ જીવનભર એકલો પડી જાય .... પિતા વગર નું બાળક વધુ વંઠી જાય.....ભવિષ્ય માં એ તને જ પુછશે....એને પડતી નાની મોટી તકલીફો માટે તને નફરત કરશે ... વગેરે સલાહો ના મારા થી પાછી ફરી.
“શુભમ ની પૂરી તપાસ તો કર....કદાચ તે જે જાણ્યું છે એ ખોટું પણ હોય.” ભાવના ના ભાઈએ સાસરે પાછી ફરતી બહેન ને વ્હાલ થી કીધેલું. “આમતો પપ્પા બરાબર જ કહેતા હોય છે પણ જો તને શંકા છે એવું હશે તો હું તને સાથ આપીશ.” અને છેલ્લે ઉમેરેલું,”જરૂર પડે સમાજ ને ઈજ્જત બધું બાજુએ, હું હિંમત દેખાડીશ”
અને બાળક ના જન્મ સમયે શંકા સાચી સાબિત થઇ ગયેલી. ભાવના એ ભાઈને કહેલું. પણ એણે નવજાત ભાણા માટે લાવેલી વસ્તુઓ નો ઢગલો બતાવવામાં ભાવના નું ધ્યાન બીજી બાજુ દોરેલું. ભાવના સમજી ગયેલી કે ભાઈ પિતાની ઉપરવટ નહી જઈ શકે. હવે ગમે તે થાય તોય ભાવના એ સાસરી માં જ રહેવું પડશે. વ્યસન ને વ્યભિચાર બધું શુભમ ના છણકા ને બરાડા સાથે ચલાવી – પચાવી લેવું પડશે. ભાવના સંપન્ન શિક્ષિત પરિવાર ની સમાજ અને ઈજ્જત નામ પાછળ ડોકાતી ખોખલી મજબુરી સ્વીકારી શકતી ન હતી. શિક્ષિત સંપન્ન પરિવાર પણ દીકરી ને બધાં દુષણ વેઠી લેવાની સલાહ આપે? શું ખૂટેછે? ઈજ્જત? કોની? કયા સમાજમાં? ભાવના ની ભીતર સમુદ્ર ખળભળાટ કરતો.
નવજાત બાળકો લાંબી નીંદર ખેચતાં ભાવના છાયા ની મજબુરી સમજી પણ પોતા ના પરિવાર ની નહી. પોતે આર્થિક પગભર હતી. અને છતાં કેમ બધું વેઠવું?છાયા વ્યથા ના મારણ કરતી વાતો વચ્ચે પણ હસી પડી. પછી કહ્યું,”તારા પ્રશ્ન નો જવાબ સામે નો ફોટો આપશે. તેણે સામેની દીવાલ પર લટકતી એક ફોટોફ્રેમ સામે આંગળી કરી....
સામે એક સુંદર – મોર્ડન ડ્રેસ માં સજ્જ પહેલી નજરે સંપન્ન લાગે તેવી સ્ત્રી અને દેવપુત્ર હોય તેવા બાળક ની તસ્વીર હતી. નીચે નામ લખ્યું હતું,’ક્ષમા ભગવાનદાસ પટેલ’ છાયા એ જણાવેલ વાત મુજબ ગામ ના ગર્ભશ્રીમંત એવા ભગવાનદાસ પટેલ ની પુત્રી ક્ષમા એ આત્મ હત્યા કરેલી. ક્ષમા અમેરિકા જઈ એમ.બી.એ કરી આવેલી. શ્રીમંત કુટુંબ માં પરણાવેલી. ભગવાનદાસે તેના લગ્ન માં પુષ્કળ ખર્ચ કરેલું. બ્રહ્માંડ માં થી કોઈ દિવ્ય જીવ આવ્યો હોય તેવા સુંદર ત્રણ વર્ષ ના પુત્ર ને લઇ જીવન ટુંકાવતા પહેલાં ક્ષમા ચાર વાર પિયર પાછી આવેલી. પણ ભગવાનદાસે તેને સમજાવી પાછી મોકલેલી. અને ચોથી વાર ક્ષમા એ સાસરે જવાને બદલે કૂવો પુરવાનું પસંદ કરેલું. છાયાએ વિચારમગ્ન ભાવના ને પૂછ્યું,”બોલ હવે તને તારા પપ્પા ની મજબુરી સમજાય છે? જો ભગવાનદાસ પરણાવેલી દીકરી ને ના રાખે તો તારા ને મારા બાપ નું શું ગજું? ભગવાનદાસ પણ ભણેલા છે પણ સમાજ સામે લડવાની હિમત કઈ ડિગ્રી આપે?
ક્ષમા ના પતિ નું નામ? –ભાવિની એ પૂછ્યું.
છાયા:ખબર નહી. ભગવાનદાસ એને એટલી હદે ધિક્કારે છે કે આ હોસ્પિટલ માં આ વોર્ડ બંધાવવા તેમણે ક્ષમા ની પાછળ દાન કર્યું તોય ક્ષમા ભગવાનદાસ પટેલ નામ લખાવવું પસંદ કર્યું છે.
ક્ષમા જો અમેરિકા માં હોય તો ક્યારેય આત્મહત્યા ના કરે.... છાયા બબડી. ત્યાં તો ચાલે આપણે અહી લોકો જીવવા ના દે. પડ્યું પાનું નિભાવી લેવાનું. ચાલ હવે વાત બદલ. આપણે બેય ક્યાર નાં આંસુ પાડીએ છે..
હોસ્પિટલ માં થી રજા લઈ બન્ને સ્ત્રીઓ છુટી પડી. અને ખોખલા પણ સંપન્ન અને કહેવાતા શિક્ષિત સમાજ ની પ્રતિષ્ઠા જાળવવા ભાવિની કમને પોતાના દીકરા ને લઇ ત્રણ મહિના પછી સાસરે પહોચી. છાયા સાથે ક્યારેક ફોન પર વાતચીત કરી લેતી પણ ધીમે ધીમે તે ઓછી થતી ગઈ પણ પેલું ક્ષમા પ્રકરણ ભાવિની ને બરાબર યાદ રહી ગયેલું. ભાવિની ની સહન શક્તિ ની કસોટી કરતો હોય તેમ શુભમ હવે બુમ બરાડા સાથે એકાદ થપ્પડ લગાવતો થઇ ગયેલો. ભાવિની મન થી બહુ ક્રાંતિકારી હતી. તેને અમેરિકા કે અન્ય દેશની સ્વચ્છંદતા સામે વિરોધ હતો એટલોજ ભારતીય પુરુષપ્રધાન સમાજ ના ખોટા અત્યાચાર સામે.
પોતાના પિતા કે ભાઈ ની બીક તે હવે સમજી ગયેલી. અને એટલેજ એક દિવસ ફોન માં મમ્મી ને રડતાં રડતાં પોતાની દર્દ દાસ્તાન કહેતાં કહેતાં તે આંખો મીચી બોલતી હતી ત્યારે ક્ષમા ભગવાનદાસ પટેલ નો ... સુંદર સ્મિત મઢ્યોચહેરો તેની સમક્ષ તરવરી ઉઠ્યો. ભાવના ને ખબર પણ ન હતી કે તે પોતે ડીપ્રેશન નો શિકાર થઇ ચુકેલી હતી. અને તેણે પોતાના એક વર્ષ ના કાળજા ના ટુકડા ને લઇ નહેર માં ઝંપલાવ્યું.
શરૂઆત માં કહ્યું તેમ નવી બોટલ માં જુનો દારૂ. આવી તો કેટ કેટલી ક્ષમા ને ભાવના રોજ રોજ અચાનક વિદાય લેછે. પણ અહી એક નવી વાત કહી દઉં. ક્ષમા ને તો ભાઈ ન હતો પણ ભાવના ના ભાઈ સમર્થે પોતાની ઓળખાણ,પૈસા,બુદ્ધિ બધું લગાવી શુભમને જેલ ભેગો કરી દીધો. પિતાની પરવાનગી ની હવે તેને જરૂર ન હતી. શુભમ કદાચ જેલ માં થી વહેલો મોડો છૂટે તોય તેને કોઈ બીજી વાર પરણવા તૈયાર ન થાય તેવી સ્થિતી ઉભી કરી દીધી. પૈસા નો તો પ્રશ્ન જ ન હતો. અખબાર માં પૈસા આપી ને મોટા-મોટા લેખ પોતાની બહેને સહન કરેલા અત્યાચાર અંગે સમર્થે છપાવ્યા. તેમાં સમાજ માં હો હા થઇ ગઈ. શુભમ ના નાના ભાઈ ને પણ કોઈ કન્યા આપવા તૈયાર ન હતું.
બહેન ના મોત નો તેણે પ્રતિશોધ મેળવી લીધો હતો. અને તેને એ વાત નું ગૌરવ હતું. એક દિવસ બજાર માં તેને છાયા મળી ગઈ. હોસ્પિટલ માં એકવાર જોયેલા સમર્થ ને ઓળખવા માં છાયા ને વાર ન લાગી. એણે બૂમ મારી સમર્થ ને ઉભો રાખ્યો. નજીક જઈ એક જ પ્રશ્ન પૂછ્યો,”આ હિંમત પહેલાં કેમ ના દેખાડી? સહેજ સાહસ કર્યું હોત,બહેન ને પાછી જવા મજબુર ન કરી હોત તો એ ડિપ્રેશન માં આવી .... કઈ ના થાત” “બહેન ગઈ ત્યાં કઈ ઈજ્જત રહી?”સમર્થ નું પ્રતિશોધ નું ગૌરવ ઓગળી રહ્યું ત્યાં તેના કાને પીઠ ફેરવી ગયેલી છાયા ના શબ્દો અથડાયા “પૈસાદાર ને ભણેલા લોકો માંય હિમ્મત ખૂટે છે તો ગરીબ તો શું .......... .