‘ગો’નો હુકમ થતા જ શેરલોક આરવીના રૂમમાં આંટા મારવા લાગ્યો, ફરતાં ફરતાં તે રૂમના પ્રવેશ પાસે ગોઠવાયેલા સ્ટડી ટેબલ નજીક ગયો. ટેબલની નીચેની લાકડાની પ્લાય અને ફરસ વચ્ચે ત્રણ ઇંચની જગ્યા હતી. શેરલોક તે જગ્યાએ માથું લઈ ગયો અને જોરથી ભસ્યો.
“વિરેન, ચેક કર ત્યાં શું છે.” અચલે શેરલોકના પાલકને કહ્યું. વિરેન ઘૂંટણ પર બેઠો અને મોબાઈલની ટોર્ચ મારી ટેબલ નીચે જોવા લાગ્યો. તેણે હાથમોજા પહેરી કંઈક બહાર કાઢ્યું અને બોલ્યો, “વિઝિટિંગ કાર્ડ છે. મહાકાલ જ્યોતિષ – સી.જે. દેસાઈ – ફોન નંબર : 97121***** - સિંધરોટ, વડોદરા.”
“શેરલોકને સૂંઘાડ.” અચલે આદેશ આપ્યો.
વિરેન તે કાર્ડને શેરલોકના નાક પાસે લઈ ગયો અને અડધી મિનિટ સુધી એમ જ રહેવા દીધું. કાર્ડમાં છુપાયેલી વાસને બરાબર યાદ રાખવા મથતો હોય તેમ શેરલોક જોર જોરથી શ્વાસ ખેંચતો રહ્યો. બાદમાં, તે જમીન સૂંઘતો સૂંઘતો આરવીના મૃતદેહ પાસે ગયો. આરવીના લબડતા હાથ પાસે ફરસ સૂંઘી તેણે જોરથી સરડકો કર્યો અને એવા જ જોરથી શ્વાસ લેતો પાછો ફરી ગયો. શેરલોક કોઈના પગલાં સૂંઘતો હોય તેમ રૂમની બહાર નીકળ્યો, લલિત-અભિલાષાના રૂમ તરફ ગયો અને દરવાજા સુધી જઈ પાછો ફર્યો. હવે, તે સીડી પાસે ગયો અને પગથિયાં ઊતરવા લાગ્યો. નીચેના દીવાનખંડમાં પ્રવેશી આજુબાજુ રસોડું, પુસ્તકાલય, વરુણ કે મહેન્દ્રભાઈના બેડરૂમ તરફ ફંટાયા સિવાય તે સીધો ઘરના પ્રવેશદ્વાર તરફ વધ્યો અને ઘરની બહાર નીકળી ગયો. ઘરનું પાર્કિંગ વટાવી તે સોસાયટીના આરસીસી રોડ પર પહોંચ્યો, થોડી વાર ગોળ-ગોળ ફર્યો અને ભસવા લાગ્યો.
“ઘરના સભ્યો સિવાય પણ કોઈ ઉપર ગયું છે. તેના પગલાં સૂંઘતો શેરલોક અહીં સુધી આવ્યો છે. એ વ્યક્તિના પગલાં અહીંથી આગળ મળતા નથી.” વિરેને કહ્યું.
“ઉપર આવેલ વ્યક્તિએ પોતાના ખિસ્સામાંથી કોઈ વસ્તુ કાઢી હશે અને ખિસ્સામાં રહેલું કાર્ડ સરકીને નીચે પડી ગયું હશે. તેના પર કોઈનું ધ્યાન ન પડ્યું અને હલકું હોવાથી તે ટેબલ નીચે ચાલ્યું ગયું. વળી, તે વ્યક્તિ પાસે કોઈ વાહન હોવું જોઈએ. અહીંથી તે એ જ વાહનમાં બેસી રવાના થઈ ગયો હશે. અને હા, તે પેલા બાથરૂમમાં ગયો નથી, નહિતર શેરલોક પગલાં સૂંઘતો બાથરૂમમાં ચોક્કસ જાત.” અચલે કહ્યું.
“નોકરે કહ્યું છે કે તેણે ઘરના સભ્યો સિવાય કોઈને ઉપર જવા દીધા નથી. વળી, ઘરના દરવાજા રાત્રે અગિયાર વાગ્યે બંધ થઈને સવારે જ ખૂલ્યા છે. તમારા કહેવા મુજબ તે વ્યક્તિ આરવીના બાથરૂમમાં પણ નથી ગઈ, તો એવું ન બને કે આ કાર્ડ આરવી લઈને આવી હોય અથવા પહેલાથી જ ત્યાં પડ્યું હોય !” ઝાલાએ કહ્યું.
“એ શક્ય નથી. શેરલોક કાર્ડમાં છુપાયેલી વાસ પકડીને મૃતદેહ સુધી ગયો અને પછી તે જ પગલાં સૂંઘતો અહીં સુધી આવ્યો. જો કાર્ડ પહેલાથી જ પડ્યું હોય અથવા ઘરનું કોઈ સભ્ય લઈ આવ્યું હોય તો શેરલોક ગૂંચવાઈ જાય અથવા જે તે સભ્યને ભસવા લાગે. બીજું એ કે ઘરમાં દરરોજ પોતું થતું હશે. જો આ કાર્ડવાળો માણસ કાલે પોતું થયા પહેલા આવ્યો હોય તો તેના પગલાં ભૂંસાઈ ગયા હોય. માટે, આ માણસ ગઈ કાલનું પોતું થયા પછી જ આવ્યો છે.” અચલે ચોખવટ કરી અને આસપાસ નજર ફેરવી ઉમેર્યું, “આટલી હાઈ-ફાઈ સોસાયટીમાં પણ કૅમેરા નથી.”
“પણ, ચોકીદાર છે. તેણે અમને રોક્યા હતા, રજિસ્ટરમાં નામ, ફોન નંબર, ગાડી નંબર, કયા બંગલામાં જવું છે વગેરે વિગતો નોંધીને જ પ્રવેશવા દીધેલા. માટે, કોઈ બહારના માણસે સોસાયટીમાં પ્રવેશ કર્યો હશે તો તેની વિગતો પણ ચોપડે નોંધાઈ હશે. ચોકીદારને બોલાવી લાવ.” ઝાલાએ હુકમ આપ્યો. હેમંત તાબડતોબ દોડ્યો.
“યાદ કરીને કહો, કાલે કોઈ મહેમાન, ઉપર આરવીના રૂમ સુધી ગયા હતા ?” ઝાલાએ રામુને પૂછ્યું.
“સાહેબ, દિવાળીની રજાઓ છે એટલે કોઈ ને કોઈ આવતું રહે છે, પણ કાલે... હા, સવારે દસેક વાગ્યે ડૉક્ટર સાહેબના માસા-માસી આવ્યા હતા, બપોર પછી વરુણભાઈના મિત્રો અને સાંજે મોટા સાહેબના મિત્રનું કુટુંબ. પણ, કોઈ ઉપર ગયું નથી. બધા નીચે દીવાનખંડમાં બેસીને ચાલ્યા ગયા હતા. એક વરુણભાઈના મિત્રો તેમના બેડરૂમમાં બેઠા હતા.” રામુકાકાએ કહ્યું.
“કોના બેડરૂમમાં ?”
“વરુણભાઈના...”
“ઘરમાં દરરોજ પોતું થાય છે ? ઘણી જગ્યાએ ઉપલા મજલે આંતરે દિવસે પોતું થતું હોય છે.”
“એ તો ઉપરના માળનો ખાસ ઉપયોગ ન થતો હોય તો ચાલે. અમારે તો દરરોજ કચરા-પોતું થાય છે. બપોર પહેલા બધી સાફ-સફાઈ થઈ જ જાય.”
“એનો મતલબ સ્પષ્ટ છે કે કાર્ડ હત્યારાના ખિસ્સામાંથી જ નીકળ્યું છે. આપણને પહેલું પગથિયું મળી ગયું, પણ આગળ ગિરનાર ચડવાનો છે કે એવરેસ્ટ તે હવે ખબર પડશે.” અચલ આગળ કંઈ કહે તે પહેલા હેમંત ટૂંકા કદના માણસને લઈ હાજર થયો.
એ ગોરા આદમીએ પગમાં કાળા રંગના સેફટી શૂઝ પહેર્યા હતા. ઘેરા વાદળી રંગના કપડાં અને એવા જ રંગની ટોપી સાથે પ્રમાણસર મૂછો ધરાવતો આદમી નેપાળી લાગતો હતો. તેના હાથમાં સ્ટમ્પ જેવડો દંડો હતો. તેના કપડાં અને ટોપી પર “વિશ્વાસ સિક્યોરિટી એજન્સી” લખ્યું હતું. સોસાયટીએ ચોકીદારીની જવાબદારી “વિશ્વાસ સિક્યોરિટી એજન્સી”ને સોંપી છે એ સમજતા ઝાલાને વાર ન લાગી.
“રાત્રે સોસાયટીની ચોકી કોણ તમે કરો છો ?”
“નહીં સા’બ, મેં તો સુબહ કો આતા હૂં. મેરા ડ્યુટી સાત સે સાત હોતા હૈ. રાત કો કંપનીને દુર્ગાચરણ કો રખા હૈ. મૈ આકે ઉસસે ઓવર લેતા હૂં ઓર વો નિકલ જાતા હૈ.” ચોકીદારે જવાબ આપ્યો.
“કોઈ ગાડી કે માણસ પ્રવેશે ત્યારે શું પ્રોસિજર ફોલો કરો છો ?”
“સા’બજી, રજિસ્ટર બુક મેં ગાડી નંબર, આને વાલે મેં સે કિસી એક કા નામ, ફોન નંબર, કિતને બંદે હૈ, કિસકે ઘર જાના હૈ, કિતને બજે આયે હૈ, કબ તક રુકે મતલબ કિતને બજે વાપિસ ગયે, સબ લિખતે હૈ. હા, રાત કો ગ્યારહ બજે કે બાદ કોઈ આતા હૈ તો યે સબ લિખને કે અલાવા ઉનકો જિનકે વહાં જાના હોતા હૈ ઉસ ઘર મેં સિક્યોરિટી કૅબિન સે ફોન કરકે પૂછતે હૈ. ફોન પે હાં બોલે તો હી આને વાલે કો અંદર જાને દેતે હૈ.”
“જાવ રજિસ્ટર લઈ આવો.” ઝાલાએ હુકમ કર્યો.
ચોકીદાર જઈને રજિસ્ટર લઈ આવ્યો. ઝાલાએ પાછલા દિવસનો ડેટા ચેક કર્યો.
“રાત્રે અગિયારને પંદરે એક માણસ આવ્યો છે. નામ છે – વિશેષ વાસુ. તે જેને મળવા આવ્યો હતો તેનું નામ છે : અજય માકડિયા, બંગલા નંબર – 34. વિશેષ રાત્રે સવા બારે પાછો ગયો છે. ડાભી, આ વિગત નોંધી લો અને રજિસ્ટરના પેજનો ફોટો પણ ખેંચી લો.” આટલું કહી ઝાલાએ નેપાળીને પૂછ્યું, “તમારી પાસે દુર્ગાચરણનો નંબર છે ?”
“હા સા’બ, કભી કભી ઓવર દેને-લેને મેં ઉપર-નીચે હો જાએ તો ફોન કરના પડતા હૈ.” કહી નેપાળીએ પોતાનો મોબાઈલ કાઢ્યો અને ડાભીને દુર્ગાચરણનો નંબર લખાવ્યો. ડાભીએ ‘વિશ્વાસ સિક્યોરિટી એજન્સી’નો નંબર અને સરનામું પણ લખી લીધા. નેપાળી ફરી સોસાયટીના દરવાજે ચાલ્યો ગયો.
“ડાભી, ઘરના બધા સભ્યોના છેલ્લા ત્રીસ દિવસના અને આરવીના છેલ્લા છ મહિનાના કૉલ રેકૉર્ડ્સ કઢાવો.”
“યસ સર.” ડાભીએ અદબભેર કહ્યું અને રામુને પૂછી ઘરના બધા સભ્યોના નંબર લખી લીધા. કામ પૂરું થતા જ ડાભીએ ડાયરી બંધ કરી અને પેન ઉપલા ખિસ્સામાં મૂકી. એટલામાં ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના માણસો આવી પહોંચ્યા.
ક્રમશ :
(રેટિંગ આપવાનું ભૂલશો નહીં. આપને આ નોવેલ વાંચવાની ખૂબ મજા આવતી હોય તો આપના મિત્રો-કુટુંબીઓ અને સંબંધીઓને તે વાંચવાનું કહેજો.)