ડેવિલ : એક શૈતાન
ભાગ-૨૩
આગળ ના પ્રકરણ માં તમે વાંચ્યું...રાધાનગર માં શૈતાની હુમલા થવાની ઘટનાઓ બને છે-અર્જુન ને લેટર મળવાનો સિલસિલો ચાલુ હોય છે-અર્જુન ના લાખ પ્રયત્ન છતાં ડેવિલ એની પહોંચ થી બહાર હોય છે-પીનલ દ્વારા ભારતીબેન ના હાથ પર ના લખાણ વિશે અર્જુન ને જાણકારી મળે છે-ડોકટર નકુલ દેશમુખ,ન્યાયાધીશ રમેશભાઈ અને હવે મેટલ કિંગ ભીમજી ભાઈ શાહ ની હત્યા થાય છે-ત્રણ મોટી હસ્તીઓ ના ખુન થવાથી મીડિયા અને મોટા નેતાઓ ના પ્રેસર થી વ્યથિત અર્જુન ફાધર થોમસ ને મળે છે-ફાધર અને અર્જુન ની મુલાકાત પર કોઈ નજર રાખી ને બેઠું હોય છે-અર્જુન પુસ્તક લેવા ચર્ચ માં પાછો આવવા બાઇક પાછું વાળે છે-હવે વાંચો આગળ. ...
આ તરફ અર્જુન ના ચર્ચ માંથી બહાર નીકળતા ની સાથે જ ફાધર થોમસ પર મોત નું સંકટ તૂટી પડવાની તૈયારી કરીને બેઠું હોય છે..જેવી અર્જુન ની ધમધમાટી ના અવાજ કરતી બુલેટ નો અવાજ થોડો ધીમો થાય છે એવુંજ ફાધર થોમસ ના કાને.."બચાવો..બચાવો "ની બુમો સંભળાય છે..
ફાધર થોમસ બુમો સાંભળીને અવાજ કઈ દિશામાંથી આવે છે એ વિશે મગજ ને થોડું કસે છે..જ્યારે એમને લાગે છે કે અવાજ ચર્ચ ની પાછળ ની દિશામાંથી આવે છે એટલે એ ઉતાવળા પગલે ચર્ચ ની પાછળ ની તરફ વધે છે...ફાધર ત્યાં જતા પહેલા સાવચેતી રૂપે હાથ માં પવિત્ર પાણી ભરેલી એક પ્યાલી પણ લઈ લે છે.
ચર્ચ ની પાછળ આવેલા ખુલ્લા ભાગ માં જઈને ફાધર જોવે છે તો એક કાળા રંગ નો શ્વાન એક પોતાની જેટલી ઉંમર ના એક વૃદ્ધ વ્યક્તિ પર હુમલો કરી રહ્યો હોય એવું લાગે છે..એ વ્યક્તિ નો ચહેરો તો ફાધર જોઈ નથી શકતા પણ આ શ્વાન નક્કી અર્જુને જણાવ્યું એજ હોવો જોઈએ.
શ્વાન ના નીચે પડેલો પેલો વ્યક્તિ હજુ વધુ જોરથી બચાવો બચાવો ની બુમો પાડી રહ્યો હતો..ફાધર થોમસ વધુ વિચાર્યા વગર એ વ્યક્તિ ની મદદ કરવાના ઉદ્દેશ થી આગળ વધ્યા..થોડું નજીક જતા ફાધરે જોયું તો કાળો ઓવરકોટ પહેરેલ એ વ્યક્તિ ને પોતે ઓળખતા હોય એવું લાગ્યું..સાથોસાથ એમને એ શ્વાન ની ચમકતી આંખો માં એક ભયાનક ચમક જોઈ..એનો ઘવાયેલો ચહેરો એ શ્વાન ને વધુ બિહામણો બનાવી રહ્યો હતો.
"આ તો એ શૈતાની કૂતરો જ છે"ફાધર થોમસ મનોમન બબડયા.. એમને વધુ રાહ જોયા વગર પોતાના જોડે રહેલ પવિત્ર પાણી એ શ્વાન પર છાંટી દેવાનું વિચાર્યું..કેમકે એમને ખબર હતી કે એકવાર આ પાણી છાંટી દીધા પછી બચવાનો જે સમય મળે એટલામાં પોતે પેલા વ્યક્તિ ને લઈ ચર્ચ માં જતા રહે તો એ શ્વાન ચર્ચ માં પ્રવેશ નહીં કરે એટલે પોતાની અને બચાવ માટે બોલાવનાર વ્યક્તિ બન્ને ની જાન સલામત રહેશે..!
પોતાના મન માં ચાલી રહેલા વિચારો ને તરત અમલ માં મુકતા ફાધરે પોતાના જોડે રહેલા પાત્ર માંથી પવિત્ર જળ એ કુતરા પર છાંટી દીધું..જેની તાત્કાલિક અસર રૂપે એ શ્વાન ની ચીસો થોડીવાર માં વાતાવરણ માં ગુંજી ઉઠી..પાણી ના છંટકાવ થી થયેલી પીડા ના લીધે શૈતાની શ્વાન ઓવરકોટ પહેરેલા એ વ્યક્તિ ને મૂકી ને થોડો દુર ખસી ગયો..
એના દુર જતા ની સાથે ફાધર થોમસે જઈને પેલા નીચે પડેલા માણસ ને ઉભો કર્યો અને કહ્યું
"જ્યાં સુધી આ કૂતરો ફરીથી સ્વસ્થતા પ્રાપ્ત કરે ત્યાં સુધી આપણે ચર્ચ માં જતા રહીએ એટલે એ અંદર નહીં આવી શકે અને આપણે બન્ને સુરક્ષિત થઈ જઈશું.."
ફાધરે લંબાવેલા હાથ ને નીચે પડેલા એ વ્યક્તિ એ પકડી લીધો અને એક ઝાટકા સાથે ઉભો પણ થઈ ગયો...જેવો એ માણસ ઉભો થયો એવો જ એને ફાધર થોમસ ને જોરદાર ધક્કો મારી ને જમીન પર પાડી દીધા..
એના આ પ્રકાર ના વર્તન થી ફાધર થોમસ હતપ્રભ બની ગયા..જ્યારે ઓવરકોટ પહેરેલા એ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું અટ્ટહાસ્ય વાતાવરણ ને થથરાવી રહ્યું હતું...ફાધર થોમસ એના ક્રૂર ચહેરા ને જોતા જ રહી ગયા..અને આશ્ચર્ય ના ભાવ સાથે બોલ્યા..
"તું...એનો મતલબ આ બધી ઘટનાઓ પાછળ તું છે...?"
ફાધર ની વાત સાંભળી એ વ્યક્તિ ના ચહેરા પર એક શૈતાની ચમક પથરાઈ ગઈ અને એક પિશાચ જેવા અટ્ટહાસ્ય સાથે એને કહ્યું...
"હા હું જ છું..ડેવિલ...મારા કારણે જ આ શહેર ની શાંતિ હણાઈ ગઈ છે..લોકો ના અંદર ફેલાયેલા ડર અને ભય નું કારણ હું જ છું..મેં જ નિખિલ અને આરઝુ ની દફનાવેલી લાશ ને બહાર કાઢી ને તાંત્રિક વિધિ એ એમને પુનઃજીવીત કરેલા છે...હું જ હતો જેને એમના DNA જોડે ચેડાં કરી એમને સુપર હ્યુમન તાકાત બક્ષી હતી..તમારા વ્હાલા અર્જુન ને એ લેટરો પણ હું જ મોકલાવતો..હા હું જ છું ડેવિલ...એક દિવસ આ દુનિયા મારા આગળ ઝુકવા મજબુર થઈ જશે...હું બનીશ આ દુનિયા નો નવો અધિપતિ....."ત્રાડ નાંખીને એ ઓવરકોટ પહેરેલા વ્યક્તિ એ કીધું.
ફાધર થોમસ પણ અત્યારે એનું ભયાનક રૂપ જોઈને ઘડીભર માટે તો ડરી ગયા..પણ પોતાના ડર પર કાબુ મેળવીને એમને કહ્યું..
"પણ નિર્દોષ લોકો નું આમ લોહી રેડીને તને શું મળશે?? લોર્ડ જીસસ તારા આ અપરાધ ને ક્યારેય માફ નહીં કરે..એક દિવસ તો તારો પાપ નો ઘડો ભરાઈ જશે ત્યારે તારો સર્વનાશ નિશ્ચિત છે..હજુ પણ તક છે આ બધું મૂકીને ઈશ્વર ની શરણ માં આવી જા.."ફાધર થોમસે સમજાવટ ના સુર માં કહ્યું.
"અરે કોની વાત કરે છે તું..આવા જ લોકો ના લીધે મારે આખી જીંદગી કેટ કેટલું સહન કરવું પડ્યું છે એની તને શું ખબર...અને હું કોઈનાથી નથી ડરતો...હું એ ડેવિલ છું જેનાથી તારા લોર્ડ જીસસ ને પણ ડરવું પડે છે..."હજુ પણ એ વ્યક્તિ ના અવાજ ની ક્રૂરતા અને ખુનન્સ ઓછું થયું નહોતું.
"રામાયણ માં પણ તારા જેવું એક પાત્ર હતું..રાવણ...એને પણ પોતાની તાકાત ઉપર અભિમાન હતું..આખરે થયું શું.. રામ ના હાથે એનો અંત થયો ને..તારો પણ અંત થશે એ પણ અર્જુન ના હાથે..."ફાધર થોમસ નો અવાજ પણ અત્યારે પહેલાં કરતા ઊંચો હતો..
"અર્જુન....અર્જુન.....એ મારું કંઈ કરી શકશે નહીં....તારું મોત પણ હવે નજીક છે...તને મારીને હું અર્જુન ને એવો માનસિક આઘાત આપીશ કે જીંદગીભર અર્જુન ને એની કળ નહીં વળે" પોતાને ડેવિલ કહેતા એ વ્યક્તિ એ ગુસ્સા થી ફાધર થોમસ સામે જોતાં કહ્યું..
"મને મારા મોત નો થોડો પણ ભય નથી..હું તો અહીં પણ પ્રભુ ની શરણ માં હતો અને ઉપર હેવન માં પણ પ્રભુ ની શરણ માં હોઈશ..પણ તારો તો આત્મા પણ નર્ક માં પીડાશે...તારો આ ખુની ખેલ તને મૃત્યુ બાદ પણ ચેન થી રહેવા નહીં દે" મોત આંખ સામે ઉભું હોવાછતાં ફાધર થોમસ ના અવાજ માં પૂર્વવત શાંતી હતી.
"તારી બધી ફિલોસોફી તારી જોડે રાખ..મને હવે કોઈનો પણ ડર નથી...તારે તારા લોર્ડ જીસસ જોડે જવું છે ને...તો સાંભળ તને ચર્ચ માંથી બહાર લાવવા જ મારે આ બધું નાટક કરવું પડ્યું હતું..હવે તને કોઈ બચાવી નહીં શકે..તારા જોડે આજે જૂનો હિસાબ ચુકતો થઈ જશે..." ખંધુ હસતા હસતા ડેવિલે કહ્યું.
આ વાતચીત દરમિયાન શૈતાની શ્વાન પણ પવિત્ર પાણી ની અસર થી થયેલી પીડા માંથી થોડો સ્વસ્થ થઈ ગયો હતો..ડેવિલે એની તરફ જોયું..અને આંખોથી ઈશારો કરી ફાધર થોમસ નો ખેલ ખતમ કરી દેવા માટે જણાવ્યું...ડેવિલ નો ઈશારો સમજીને એ શ્વાને એક જોરદાર ઘુરકવાનો અવાજ કર્યો અને ફાધર થોમસ પર તૂટી પડ્યો...બાજુમાં ઉભો ઉભો ડેવિલ આ બધો ખુની ખેલ હસતા મોઢે જોઈ રહ્યો હતો.
શૈતાની કુતરા ને ફાધર થોમસ પર હુમલો કરવાનું કહી ને ડેવિલ ત્યાંથી ચાલી નીકળ્યો...ફાધર થોમસ પણ જાણે મોત નો સહર્ષ સ્વીકાર કરતા હોય એમ પોતાના પર થયેલા ઘાતકી હુમલા થી થોડા પણ વિચલિત થયા વગર આંખો બંધ કરી પ્રભુ નું સ્મરણ કરવા લાગ્યા.
શૈતાની કુતરા એ ફાધર થોમસ ના શરીર ને પોતાના અણીદાર દાંત વડે બચકા ભરી રક્ત રંજીત કરી દીધો...એક શૈતાન જેટલી ક્રૂરતા થી એ ફાધર થોમસ નો અંત કરવા પ્રયત્ન કરી રહ્યો હતો...ફાધર ના ચહેરા અને ગળા ના ભાગે પણ જીવલેણ બચકા ભર્યા બાદ એ કુતરા નો હુમલો અટક્યો નહોતો..એને જાણે ફાધર ની ચીસો સાંભળવી હતી..એમના ચહેરા પર ડર જોવો હતો પણ પોતાના અંતિમ સમયે પણ ફાધર થોમસ ના ચહેરા પર જોવા મળેલી શાંતિ થી એને બમણા જોરથી હુમલો કર્યો હતો.
***
અર્જુન ફાધર થોમસ ના રૂમ માં ભૂલેલું પુસ્તક લેવા પોતાના બુલેટ ને પાછું વાળીને ચર્ચ તરફ લઈ જાય છે..અર્જુન ના બુલેટ નો અવાજ સાંભળી શૈતાની શ્વાન ફાધર ને છેલ્લા બે ચાર વધેલા શ્વાસ લેવા પડતા મૂકી ને ત્યાંથી નાસી છુટે છે.
અર્જુન ચર્ચ માં પ્રવેશી સીધો ફાધર થોમસ ના રૂમ માં જાય છે..જ્યાં પથારી માં ફાધર ને ના જોઈને અર્જુન ચિંતા માં આવી જાય છે અને જોર જોર થી "ફાધર...ફાધર..."નામ ની બુમો પાડે છે.
અર્જુન ને પોતાની બુમો ના પ્રત્યુત્તર માં ફાધર થોમસ નો કોઈ જવાબ ન મળતા એનો જીવ ગભરાઈ જાય છે..મન માં કંઈક ખોટું થઈ ગયું છે એવા ભણકારા સાથે અર્જુન ચર્ચ ના દરેક ભાગ ને એક પછી એક ખૂંદી વળે છે પણ ફાધર નો ક્યાંય પત્તો લાગતો નથી.
"મારે અહીં આવતાં વીસ મિનિટ જ થઈ છે છતાં ફાધર ક્યાં ખોવાઈ ગયા..?"મન માં બબડતો બબડતો અર્જુન ચર્ચ ની બહાર નીકળ્યો..
બહાર નીકળી અર્જુને ચારે તરફ નજર ઘુમાવી પણ ચર્ચ ના આગળ ના ભાગ માં કોઈ દેખાયું નહીં.. અચાનક એને જોયું કે ચર્ચ ની પાછળ જતા સિમેન્ટની દીવાલ થી બનાવેલ વરંડા નો દરવાજો ખુલ્લો છે એટલે અર્જુન વીજળી વેગે દોડીને ચર્ચ ની પાછળ ની તરફ દોડ્યો.
અર્જુને ત્યાં ખુલ્લા ભાગ માં જઈને જોયું તો લોહી થી ખરડાયેલા સફેદ વસ્ત્રો માં ફાધર થોમસ લગભગ મૃતપાય અવસ્થા માં જમીન પર પડયા હતા..અર્જુને આ દ્રશ્ય જોતા જ એનું હૃદય જાણે એક ધબકારો ચુકી ગયું..એ દોડતો ફાધર થોમસ તરફ ગયો અને એમના માથા ને પોતાના ખોળા માં લઇ લીધું..અર્જુને જોયુ તો ફાધર નો તૂટક તૂટક શ્વાસ હજુ ચાલુ હતો..એમની અધખુલ્લી આંખો એ પોતાને જોઈ લીધો હોય એવું અર્જુન ને લાગ્યું..અર્જુને ફાધર થોમસ ની આ હાલત જોઈ આંસુ ભરેલી આંખો સાથે કહ્યું.
"તમને આ શું થઈ ગયું..આ નીચ કૃત્ય કરનાર વ્યક્તિ ને હું જીવતો નહીં છોડું..કોણ હતું એ..?
"દીકરા.....અર્જુન.....હું હવે થોડા સમય નો જ મહેમાન છું...મારા પર આ હુમલો ડેવિલ દ્વારા જ કરવામાં આવ્યો છે..એ પણ...હઅ... હઅઅ... કુતરા નો ઉપયોગ કરીને..." ફાધરે તૂટતા વિખરાતા અવાજ માં કહ્યું.
"તમે એ ડેવિલ ને જોયો છે ...કોણ છે હકીકત માં એ ડેવિલ..આપ મને એનું નામ જણાવો..?"રડમસ અવાજે અર્જુને પૂછ્યું..
"બેટા...ડેવિલ.… હકીકત માં… ડે...ડે… ડેથ..… છે...."આટલું કહી ફાધરે છેલ્લો શ્વાસ લીધો.
ફાધર થોમસ ની મોત થી અર્જુન નો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો..એક ભભૂકતો જ્વાળામુખી જેમ લાવા બહાર નાખે એમ અર્જુન ની આંખો માંથી અગનજ્વાળા વરસી રહી હતી..ગુસ્સા અને હતાશા માં અર્જુને પોતાના મસ્તક ને આકાશ ની તરફ કર્યું અને જોરથી બુમ પાડી..
"ડેવિલ....."
અર્જુન ની ગગનભેદી બુમ નો જાણે પડઘો પડ્યો હોય એમ ડેવિલ..ડેવિલ..ડેવિલ. નો અવાજ પુનરાવર્તિત થયો...ફાધર થોમસ ની આંખો ને પોતાના હાથ વડે બંધ કરી ને અર્જુને એમના પાર્થિવ દેહ ને નીચે જમીન પર મુક્યો...અને ફોન કાઢી નાયક ને કોલ લગાવ્યો..બે ત્રણ રિંગ વાગ્યા પછી નાયકે અર્જુન નો કોલ રિસીવ કર્યો એટલે અર્જુને રડમસ અવાજે કહ્યું.
"નાયક...તું જલ્દી થોડા કોન્સ્ટેબલો ને લઈને સેન્ટ લુઈસ ચર્ચ માં આવી જા.."
"સર..શું થયું છે..?કેમ તમે આમ વ્યથિત લાગો છો?"અર્જુન ના અવાજ માં રહેલ ગ્લાનિ ને નાયક ઓળખી ગયો હતો..
"નાયક..ફાધર થોમસ નથી રહ્યા...."આટલું બોલી અર્જુન જોર જોરથી રડી પડ્યો.
"સર..હું હમણાં જ આવું છું.."નાયકે આટલું કહી કોલ કટ કર્યો અને પછી અશોક અને બીજા ચાર કોન્સ્ટેબલો ને લઈને સેન્ટ લુઈસ ચર્ચ તરફ આગળ વધ્યો.
નાયક ને કોલ કર્યા બાદ અર્જુન થોડીવાર ફાધર ની લાશ ના જોડે જ બેસી રહ્યો..થોડીવાર પછી બે ત્રણ લોકો ને ચર્ચ માં પ્રવેશતા જોઈ અર્જુન એમને મળ્યો અને સઘળી હકીકત થી બધા ને વાકેફ કર્યા..એ લોકો ની મદદ થી ફાધર થોમસ ના પાર્થિવ શરીર ને ચર્ચ માં એમના રૂમ માં લાવી ને રાખવામાં આવ્યું..અશ્રુ ભીની આંખે અર્જુને એક ચાદર લઈને એમના લોહી થી ખરડાયેલા દેહ પર ઢાંકી દીધી..ફાધર થોમસ સાથે પહેલી મુલાકાત થી જે આત્મીય સંબંધ બંધાયો હતો એના લીધે અર્જુન ને પોતાના ઘર નું કોઈ સદસ્ય અળગું થઈ ગયું હોય એવું દુઃખ થઈ રહ્યું હતું.
અર્જુન પોતે અનાથ હતો એટલે ક્યારેય માતા પિતા નો પ્રેમ મળ્યો નહોતો પણ ફાધર થોમસ જ્યારે એના માથે પોતાનો પ્રેમભર્યો હાથ રાખતાં ત્યારે એમના વાત્સલ્ય અને સ્નેહ ની ઝાંખી અર્જુન ને થતી..અર્જુન માટે ફાધર થોમસ પિતાતુલ્ય હતા..એમની આવી વસમી વિદાય થી એ પથ્થર હૃદય નો પોલીસ ઓફિસર પણ એક નાના બાળક ની જેમ પોક મુકી ને રડી રહ્યો હતો.
થોડીવાર માં તો નાયક અને બીજા કોન્સ્ટેબલ પણ આવી ગયા..નાયક ને વળગીને અર્જુન ઘણો સમય સુધી રડતો રહ્યો..પોતાના સિનિયર ઇન્સ્પેક્ટર નું આવું લાગણી સભર હૃદય પણ છે એ જોઈ નાયક ની જોડે આવેલા બીજા કોન્સ્ટેબલ આશ્ચર્ય પામી ગયા.
"નાયક...ડેવિલે ફાધર થોમસ નો પણ જીવ લઈ લીધો..અને હું કંઈ ન કરી શક્યો..હું એક તમાશો જોતો હોય એમ હાથ પર હાથ ધરી બેસી જ રહ્યો છું...હું આજે જ મારી પોસ્ટ ઉપર થી રાજીનામુ આપી દઈશ.."અર્જુને આંસુ લૂછતાં કહ્યું.
"સર..નાના મોઢે મોટી વાત કરવા જઈ રહ્યો છું..પણ તમે અત્યારે ગુસ્સા અને હતાશા માં કોઈ એવું પગલું ના ભરશો જેનો નિર્ણય તમે થોડી સેકન્ડો માં જ લીધો હોય.."પોતાના સિનિયર ઇન્સ્પેક્ટર ને સમજાવતા નાયકે કહ્યું..
"પણ જો હું કોઈને બચાવી શકતો ના હોય તો મારો પોલીસ ઓફિસર તરીકે નો ચાર્જ સંભાળવો જ ખોટો છે..."અર્જુન ના શબ્દો માં નિરાશા સાફ સાફ છલકાઈ રહી હતી.
"હા તો આપી દો રાજીનામુ..જતા રહો બીજા શહેર માં..મૂકી દો રાધાનગર શહેર ના લોકો ને એમના હવાલે..ફાધર થોમસ ના હત્યારા ને પોતાના મન નું ધાર્યું કરવા દો..."અર્જુન ના નિરાશાજનક શબ્દો સાંભળી નાયકે ઉંચા અવાજે કહ્યું.
"નાયક..બસ હવે બહુ થયું.."અર્જુને ગુસ્સા માં કહ્યું.
"હા મારો અવાજ ઉંચો થઈ ગયો હોય તો મને માફ કરી દો..પણ તમે જો રાજીનામુ આપી ને આ શહેર છોડી ને દુર ચાલ્યા જશો તો તમારી જાત ને ક્યારેય માફ કરી શકશો..? કોઈપણ પરિસ્થિતિ થી ભાગવા થી એ બદલાઈ નહીં જાય પણ એનો મકકમ મને સામનો કરવાથી એમાં ફરક જરુર આવશે.."નાયકે અર્જુન ના ખભે હાથ મૂકી કહ્યું.
નાયક ના શબ્દો એ અર્જુન ને અંદર સુધી હલાવી નાંખ્યો હતો..નાયક ની વાત સાંભળી અર્જુન ને થયું કે પોતે કેટલો મતલબી અને કાયર છે જે આ શહેર ના લોકો ને એમના હાલ પર મુકી ને દુર જવાની વાત કરી રહ્યો છે..ફાધર થોમસ ના હત્યારા ને જ્યાંસુધી મૃત્યુ શૈયા પર નહીં સુવડાવું ત્યાં સુધી હું રાધાનગર ને નહીં છોડું.. ભલે ને મારા લોહીની છેલ્લી બુંદ પણ આ ભગીરથ કાર્ય માટે ખર્ચ કરવી પડી કેમ નથી જતી..એમ વિચાર કરી અર્જુને કહ્યું.
"હા નાયક..તું સાચો છે..હું થોડો સમય માટે સ્વાર્થી બની ગયો હતો..પણ હવે હું જ્યાંસુધી ડેવિલ નો ખુની ચહેરો દુનિયા સામે લાવીને એનો અંત નહીં કરું ત્યાં સુધી જંપીને નહીં બેસું" અર્જુન ની આંખો અને ચહેરા ના ભાવ માં અત્યારે આત્મ વિશ્વાસ છલકાઈ રહ્યો હતો.
"સાહેબ અમે બધા આપની જોડે છીએ..અને હું તો તમારી કાબેલિયત અને હિંમત નો હંમેશા સાક્ષી રહ્યો છું..જે રીતે તમે મોત ની પરવાહ કર્યા વગર નિખિલ અને આરઝુ ના દૈત્ય સ્વરૂપો ને મોત ને ઘાટ ઉતર્યા છે એ મેં મારી સગી આંખે જોયું છે" નાયકે કહ્યું.
"હા સર..અમે બધા તમને અમારો રોલ મોડલ માનીએ છીએ..અમે અમારી જાત ને ધન્ય સમજીએ છીએ કે તમારા જેવા કાબેલ અને ફરજ નિષ્ઠ ઓફિસર ના હાથ નીચે કામ કરવાનો મોકો મળ્યો.."અશોકે કહ્યું.
"તમારો ખુબ ખુબ આભાર..તમારા સર્વ ના સહયોગ થી હવે એ ડેવિલ નો અંત જરૂર આવશે.."અર્જુન ની આંખો માં ગજબ ની ચમક હતી.
"અમે હંમેશા ખડેપગે આપની પડખે ઉભા છીએ..અમારો જીવ પણ હવે જ્યાંસુધી ડેવિલ નો ખાત્મો નહીં થાય ત્યાં સુધી રાહત ની પ્રાપ્તિ નહીં જ કરે..."નાયકે કહ્યું.
"નાયક ફાધર નો અંતિમ સંસ્કાર પુરી શ્રદ્ધા અને લાગણી સાથે થવો જોઈએ..હું એક પુત્ર ના જેમ એમની અંતિમવિધિ કરીશ"અર્જુને ફાધર થોમસ ના નિશ્ચેતન દેહ ની તરફ જોતા કહ્યું.
અર્જુન ની વાત સાંભળી બધા ઓફિસર માં થોડો જોશ ઉભરાયો અને બધા લાગી ગયા ફાધર થોમસ ની અંતિમવિધિ ની તૈયારીમાં.
બીજા દિવસે લોકો ના દર્શન માટે ફાધર થોમસ નો દેહ એક કાચ ની પેટી માં રાખવામાં આવ્યો..રાધાનગર સિવાય પણ આજુબાજુ ના શહેરો અને ગામડા માંથી લોકો આ મહાન સંત પુરુષ ના અંતિમ દર્શન કરવા આવ્યા હતા.અર્જુન પણ ત્યાં હાજર હતો.
લોકો ની ભીડ વચ્ચે અર્જુન ની નજર એક વ્યક્તિ પર પડી..એ વ્યક્તિ નો ચહેરો પોતે ક્યાંક જોયેલો હોય એવું અર્જુન ને લાગ્યું..અર્જુને પોતાના મગજ પર થોડું જોર આપતા એને યાદ આવ્યું કે પીનલે આપેલા પેલા પુસ્તક ની પાછળ ના પેજ પર આ વ્યક્તિ નો ચહેરો હતો..એનો મતલબ કે આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ડોકટર આર્યા છે.."ઓહ માય ગોડ.. ગ્રેટ..ડોકટર આર્યા ને ઉપરવાળા એ જરૂર મારી મદદે મોકલ્યા હોવા જોઈએ.."ભગવાન નો મનોમન આભાર માનતો અર્જુન ડોકટર આર્યા તરફ આગળ વધ્યો....
***
To be continued.....
ડોકટર આર્યા ની મદદ થી અર્જુન ડેવિલ સુધી પહોંચી શકશે? ડેવિલ નો નવો શિકાર કોણ હશે? આખરે ડેવિલ છે કોણ? ફાધર થોમસ ડેવિલ ને કઈ રીતે ઓળખતા હતા? ડેવિલ નામ ના વ્યક્તિ નો ભુતકાળ શું છે? બિરવા અર્જુન નો પ્રેમ મેળવી શકશે કે નહીં...? આવા ઘણા સવાલો ના જવાબ માટે વાંચતા રહો ડેવિલ એક શૈતાન..નવો ભાગ આવતા સપ્તાહે...
આ નોવેલ અંગે વાંચકો ના ભરપુર અભિપ્રાયો મળી રહ્યા છે..વાંચક મિત્રો નો ભરપૂર પ્રેમ આ નવલકથા ને મળી રહ્યો છે..ડેવિલ નો અર્થ ભલે શૈતાન થતો પણ આ નવલકથા મારા માટે મસીહા નું કામ કરી રહી છે..આપ પણ મારા whatsup નમ્બર 8733097096 પર આપના અભિપ્રાય આપી શકો છો.
ઓથર :- જતીન. આર. પટેલ