Devil - EK Shaitan -6 books and stories free download online pdf in Gujarati

ડેવિલ એક શૈતાન-૬

ડેવિલ-એક શૈતાન

ભાગ:૬

રાધાનગર માં એક પછી એક ઘટના ઓ માં લોકો ની લાશો મળી આવવાની ઘટના બહાર આવે છે-પોલીસ કોઈ ગુનેગાર સુધી પહોંચી નથી શકતી-અર્જુન ને રહસ્યમયી લેટર મળવાનો સિલસિલો ચાલુ હોય છે-ફાધર થોમસ દ્વારા આ બધી ઘટનાઓ પાછળ શૈતાની શક્તિ છે એવું અર્જુન ને કહેવામાં આવે છે-ફાધર ની અગમચેતી અને અર્જુન ના પ્રયાસો છતાં એક બીજી લાશ મળી આવે છે જેની હાલત પણ બહુ ખરાબ હોય છે-હવે આગળ......

કોનફરન્સ રૂમ માં અત્યારે બધા પોલીસકર્મી ઓ અને હોમગાર્ડ અર્જુન ના કહેવાથી હાજર હતા.અત્યારે આખા રૂમ માં પીન્ડ્રોપ સાયલન્સ હતો.થોડીવાર માં અર્જુન કોનફરન્સ રૂમ માં આવે છે અને બધા ની આગળ બોલવાનું ચાલુ કરે છે.

"ઓફિસર થોડા દિવસ થી આ શહેર માં એવી ઘટના ઓ બને છે જે આપણે રોકી નથી શકતા.આ હત્યા પાછળ કોણ હશે એની તો કંઈ સાબિતી આપણા હાથ માં આવી નથી.પણ મારું માનવું છે એ મુજબ આ હત્યા પાછળ કોઈ શાતિર દિમાગ નો મનુષ્ય હોવો જોઈએ કેમકે કોઈપણ જગ્યા એ સબૂત મળતા નથી."

"પણ સર આપણ ને જે મુનલાઈટ સોસાયટી ની ઘટના વખતે કાળા રંગ નું લોહી મળ્યું અને કાલ વાળી ઘટના માં રિકક્ષા ની અંદર જે પંજા ના નિશાન મળ્યા એના પર થી આપણે આગળ ના વધી શકીએ"જુનિયર કોન્સ્ટેબલ અશોકે પૂછ્યું.

"ગુડ અશોક..આ વિશે મેં પેહલા પણ વિચારી લીધું છે.એ કાળા રંગ ના લોહી ને બેંગ્લોરે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ ની જોડે તપાસ અર્થે મોકલ્યું છે અને હાથ ના પંજા પર થી ફિંગર પ્રિન્ટ કાઢવાની કોશિશ પણ કરવામાં આવી પણ એમાં ક્લિયર ફિંગર પ્રિન્ટ નથી મળી શકતી"અર્જુને અશોક ના સવાલ ને સચોટ જવાબ આપ્યો.

"તો હવે આગળ આપણે શું કરવાનું છે જેનાથી કાતિલ નું પગેરું શોધી ને આ બધી ઘટનાઓ નો અંત કરી શકાય.?" વાઘેલા એ સવાલ કર્યો.

"ઇન્સ્પેક્ટર વાઘેલા એ માટે આપણે વધુ ચોકસાઈ પૂર્વક આ શહેર ની રક્ષા માટે ના કાર્યો માં લાગી જઈશું.સૌપ્રથમ તો એ માટે ન્યૂઝપેપર મારફતે કોઈપણ વ્યક્તિ ને રાતે ૧૦ વાગ્યા પછી બહાર જવાની મનાઈ કરી દેવાની છે"અર્જુને કહ્યું.

"એ જવાબદારી મારા પર છોડો સાહેબ..હું આજે જ ન્યુઝ પેપર અને લોકલ ન્યુઝ ચેનલ દ્વારા આ સંદેશ રાધાનગર ના બધા રહેવાસીઓ ના સુધી પહોચે એની વ્યવસ્થા કરી દઉં છું"કોન્સ્ટેબલ જાવેદે કહ્યું.

"સારું તો જાવેદ એ કામ તારું..આમ પણ તારે મીડિયા ના લોકો જોડે સારા રિલેશન છે એટલે તું આ કામ બખુબી નિભાવી શકીશ એની મને પુરેપુરી ખાત્રી છે.તું અત્યારે જ એ માટે રવાના થઈ શકે છે"અર્જુને કહ્યું.અર્જુન ની રજા લઈ જાવેદ પોલીસ સ્ટેશન માંથી નીકળી તરત જ પોતાના કામ પર લાગી ગયો.

"અત્યારે આપણે પોલીસ સ્ટેશન માં જ એક હેલ્પલાઇન નમ્બર ની સુવિધા ચાલુ કરી દઈએ જેના પર કોઈપણ સંદિગ્ધવ્યક્તિ કોઈની પણ નજર માં આવે તો એના વિશેની માહિતી આપણા સુધી પહોંચાડી શકે." નાયકે કહ્યું.

"હા,નાયક તારો આ પણ એક સારો વિચાર છે..તું એ માટે ની વ્યવસ્થા કર અને પોલીસ સ્ટેશન ના કન્ટ્રોલ રૂમ નો એ માટે ઉપયોગ કરી શકે છે અને આ વિશે ની વ્યવસ્થા આપણા દ્વારા કરવામાં આવી છે એ વિશે નું આખા શહેર માં માઇક વાળી જીપ ફેરવી એ વિશે એનાઉન્સમેન્ટ કરવી દે."અર્જુને નાયક ને ઉદ્દેશી ને કહ્યું.

"એ હેલ્પલાઇન નમ્બર પર કોણ હાજર રહેશે?"વાઘેલા એ કહ્યું.હકીકત માં એની ઈચ્છા પોલીસ સ્ટેશન માં જ રહેવાની હતી.કેમકે જ્યારથી એને કાળુ ની લાશ જોઈ હતી ત્યારથી એની માનસીક દશા બહુ ખરાબ હતી.

"એ માટે તમે અને બીજા કોઈ ૨ જુનિયર પોલીસ સ્ટેશન માં જ હાજર રહેજો"અર્જુને કીધું.અર્જુન વાઘેલા ના મન માં ઘુસી ગયેલા ડર વિશે જાણી ગયો હતો એટલે વાઘેલા ને પોલીસ સ્ટેશન માં જ રાખવાનું અર્જુને મુનાસીબ સમજ્યું.

"ઓકે સર,હું મારી ફરજ પુરી નિષ્ઠા થી નિભાવીસ"વાઘેલા એ કહ્યું.અત્યારે એ મનોમન હરખાઈ રહ્યો હતો.

"તો મિત્રો આજ રાત થી જ્યાં સુધી કાતિલ પકડાય નહીં ત્યાં સુધી આપ સર્વે પુરી લગન થી કામ કરવા કટિબદ્ધ બની જાઓ.એક બીજી વાત તમને જણાવી દઉં કે જે વ્યક્તિ નો આ બધી ઘટના પાછળ હાથ છે એ માનસિક બીમારી નો શિકાર છે.બીજી વાત એ કે એ વ્યક્તિ ની તાકાત તમારા અને મારા કરતાં ઘણી વધુ હોઈ શકે છે.માટે આંખ નું મટકું એ માર્યા વગર આપણે બધા એ હવે આગળ ધ્યાન રાખી ને કામ કરવું પડશે. ઇટ્સ ફિનિશ ફ્રોમ મી.તમારા કોઈ ના મન માં કોઈ સવાલ હોય તો જણાવી શકો છો.

"સર અમને એ કાતિલ જોવા મળે તો ડાયરેકટ શૂટ કરવાનો કે પહેલા તમને ઈન્ફોર્મ કરવાના?" બધા ના મન માં ચાલતા સવાલ ને સુરેશે પૂછી લીધો.

"તમને કોઈને એ કાતિલ જેવો પણ જોવા મળે એવો એને ત્યાંજ ઠાર કરી દેવાનો છે..પણ ધ્યાન થી.. ભૂલ થી કાતિલ સમજી કોઈ નિર્દોષ ની હત્યા ના થઇ જાય."અર્જુને સૂચન આપતા કહ્યું.

ત્યારબાદ બધા પોલીસ કર્મીઓ ત્યાંથી બહાર નીકળ્યા અને પોતપોતાની પોસ્ટ ને અનુરૂપ કામ માં લાગી ગયા.જાવેદે બખુબી પોતાનું કામ નિભાવ્યું હતું.બધી ચેનલો પર રાતે બહાર નીકળવાની મનાઈ છે એવી ખબર દેખાડવામાં આવી.પોલીસ ની જીપ માં માઇક બાંધી ને એને આખા શહેર માં ફેરવવામાં આવી જેમાં પોલીસ સ્ટેશન નો હેલ્પલાઇન નમ્બર આપવાનું સુચન કરવામાં આવ્યું.

કાળુ ની હત્યા બાદ અર્જુને એક સરસ કામ ઉપાડી લીધું.આખા શહેર ના ભિખારી અને ઘર વિહોણા લોકો માટે શહેર ની શાળા ઓ અને જાહેર સ્થળો એ રાત પૂરતી રહેવાની સગવડ કરી આપવાનું ચાલુ કરી દેવાયું. ભલે રાધાનગર માં ઉપરાઉપરી આ ગોઝારી ઘટનાઓ બની ગઈ પણ અર્જુન તથા એના પુરા સ્ટાફ થી શહેરીજનો સંતુષ્ટ હતા.

કાળુ ની હત્યા ના બીજા દિવસ થી જ પોલીસ ની ટીમ દ્વારા સુંદર કામગીરી નું આયોજન રાબેતા મુજબ કરવામાં આવ્યું.હોમગાર્ડ અને પોલીસ ના કુલ મળીને ૬૫-૭૦ જેટલા પોલીસકર્મી ઓ હાલ રાધાનગર શહેર ની સુરક્ષા માટે પોતાની ફરજ ઉપર ખડેપગે હાજર હતા.

અત્યારે ૬-૬ માણસો ની જુદી જુદી ૧૦ ટીમો શહેર ના અલગ અલગ ખૂણે પહેરો ભરી રહી હતી.કોઈપણ કાળે કોઈપણ પ્રકાર ની ભૂલચુક થવાની શકયતા નહિવત હતી.અર્જુન અત્યારે ભૂખ કે ઊંઘ ની પરવા કર્યા વગર આ રાધાનગર શહેર ની સુરક્ષા માં લાગી ગયો હતો.

ચાર ચાર દિવસ વીતી ગયા પણ શહેર માં કોઈ પણ પ્રકાર ની ખરાબ ઘટના ના બની એટલે બધા પોલીસકર્મી એ રાહત નો શ્વાસ લીધો.વાઘેલા ને તો સૌથી વધુ જલસા હતા.જુનિયર કોન્સ્ટેબલો ફોનલાઈન પર હાજર રહેતાં અને પોતે ખુરશી માં પડ્યો પડ્યો નસકોરા બોલાવતો એ એનો નિત્યક્રમ બની ગયો હતો.

ફાધર થોમસે પણ ફોન કરી અર્જુન ના કામ ની પ્રસંશા કરી પણ સાથે સાથે થોડી પણ ગફલત ના થાય એની કાળજી રાખવાનું પણ સૂચન કર્યું.પીનલ તો અર્જુન ની ગેરહાજરી માં પોતાનો મોટા ભાગ નો સમય ભારતી બેન અને પુસ્તકો જોડે પસાર કરતા શીખી ગઈ હતી.

કાળુ ની મોત ને છ દિવસ જેટલો સમય વીતી ગયો હતો,૨ દિવસ માં બેંગ્લોર થી મુનલાઈટ સોસાયટી માં બનેલી ઘટના વખતે મળેલા કાળા લોહીનો ફોરેન્સિક રિપોર્ટ પણ આવી જવાનો હતો પછી કાતિલ ને પકડવા ની દિશા માં પહેલું પગલું ભરી શકાશે એવો અર્જુન મેં દ્દઢ વિશ્વાસ હતો.

રાત ના ૧૨ વાગે અર્જુન બીગ સ્ક્રીન થિયેટર જોડે પોતાની જીપ લઈને હાજર હતો.આખા શહેર માં અત્યારે આ એકજ સ્થળ એવું હતું જ્યાં થોડા ઘણા લોકો ની ચહલપહલ હતી.રાત નો છેલ્લો શો પતી જતા અત્યારે બધા લોકો પોતપોતાના ઘર તરફ પાછા વળ્યા હતા.શિયાળો હોવાથી અત્યારે મુવી જોવા આવેલા લોકો ની સંખ્યા ખુબ ઓછી હતી.

સાંજે અર્જુને હળવા નાસ્તા જેવું જ કર્યું હોવાથી અત્યારે એને કકડીને ભૂખ લાગી હતી.બધા લોકો પોતપોતાના ઘર તરફ ગયા એટલે અર્જુને પોતાના જોડે હાજર બધા સ્ટાફ ને પોતાની જોડે નાસ્તા ની લારી ઉપર આવવા કહ્યું.અર્જુન ની વાત સાંભળી બધા સ્ટાફ કર્મી ઓ ખુશ થયા કેમકે એમને પણ ક્યારનીયે ભૂખ લાગી હતી પણ અર્જુન ની હાજરી માં કશું ખાવા માટે જવાની કોઈની હિમ્મત ના ચાલી.

"બધા માટે ગરમાગરમ આલુ મટર સેન્ડવીચ બનાવી દો"અર્જુને બીગ સ્ક્રીન થિયેટર ની જોડે આવેલા ફેમસ સેન્ડવીચ સેન્ટર ની બહાર રાખેલા ટેબલ પર બેસતા કહ્યું.

આમતો સેન્ડવીચ સેન્ટર નો માલિક એને બંધ જ કરવા જ જતો હતો પણ એસીપી અર્જુન ને જોઈ એ પાછો પોતાના કામે લાગી ગયો.નાસ્તો પતાવી ને અર્જુને દુકાનવાળા ભાઈ ને સેન્ડવીચ ના પૈસા ચૂકવ્યા.પેહલા તો એ ભાઈ એ પૈસા લેવાની આનાકાની કરી પણ અર્જુને જ્યારે કહ્યું કે એ ક્યારેય કોઈની મહેનત નો પૈસો મફત માં લેતો નથી ત્યારે એ ભાઈ એ અર્જુન જોડે થી પૈસા લઈ લીધા...

બીજા પોલીસવાળા તો ક્યારેય પૈસા ચૂકવતા જ નહીં પણ એક એસીપી હોવા છતાં અર્જુન નો આવો સ્વભાવ જોઈ દુકાનવાળા ભાઈ અને અર્જુન જોડે હાજર પોલીસ કોન્સ્ટેબલો ને અર્જુન માટે ભારોભાર માન ઉપજી આવ્યું.

નાસ્તો પતાવી ને અર્જુન પોતાના સ્ટાફ જોડે પાછો પોતાની જીપ માં આવીને બેઠો.જેવો એ ડ્રાઇવર સીટ માં બેઠો એટલે એને પોતાની બેઠક નીચે કંઇક હોય એવું મહેસુસ થયું.અર્જુને ઉભા થઇ ને જોયું તો ત્યાં એક કવર પડ્યું હતું અંધારા ને લીધે એ પહેલાં જોઈ શક્યો નહોતો.

આ એવુંજ કવર હતું જે અર્જુન ને પહેલાં કોઈ અજાણ્યા માણસ દ્વારા મોકલવામાં આવ્યું હતું.અર્જુને જીપ ની અંદર ની લાઈટ ચાલુ કરી અને ફટાફટ કવર ને ફાડીને અંદર હાથ નાંખ્યો તો એક લેટર મળ્યો જેની આશા અર્જુન ને જ્યારનું કવર જોયું ત્યાર ની હતી જ.

અર્જુને લેટર હાથ માં લીધો અને એને ખોલી ને અંદર નું લખાણ વાંચવાનો પ્રયત્ન કર્યો.

"મિસ્ટર અર્જુન તમારા કામ થી હું ખૂબ પ્રભાવિત છું. પણ આખા શહેર ની રક્ષા કરવાના ચક્કર માં તમે તમારા ઘર ની રક્ષા કરવાનું તો ભૂલી જ ગયા. -ડેવિલ"

નીચે પેહલા ના લેટર માં હતી એવીજ ખોપરી ની નિશાની.સેમ એવુંજ ટાઈપિંગ.દરેક લેટર નો કોઈ ને કોઈ અર્થ જરૂર નીકળતો.પેહલા તો આ કવર અહીં કોણ મૂકી ગયું છે એ શોધવા અર્જુને જીપ માં થી નીચે ઉતરી આજુ બાજુ નજર કરી પણ કોઈ દેખાયું નહીં.

આખરે અર્જુને પાછો લેટર હાથ માં લીધો અને લેટર પર નું લખાણ ફરી થી વાંચ્યું તો એના હૈયા માં ફાળ પડી ગઈ એને તાત્કાલિક પોતાની જીપ ને પોતાના ઘર તરફ હંકારી મૂકી...!!!

અત્યારે એના મગજ માં પીનલ પર કોઈ મુસીબત આવી ગઈ હોવા ની શંકા એ ઘર કરી લીધું હતું.અર્જુને પોતાનો મોબાઈલ કાઢ્યો અને પીનલ ને કોલ કર્યો.ઉપરા ઉપરી ત્રણ ચાર વાર પ્રયત્ન કરવા છતાં પીનલે ફોન ના ઉપાડ્યો એટલે અર્જુન ના મગજ માં પીનલ કોઈ તકલીફ માં મુકાઈ ગઈ છે એ વાત ના ભણકારા વાગી રહ્યા હતા.

અર્જુન પોતાની જીપ ને ફૂલ સ્પીડ માં ભગાવી ને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો.જીપ માં બેસેલા બીજા પોલીસ વાળા ને પણ શું બન્યું કે સાહેબ આટલી ચિંતા માં ફૂલ સ્પીડે ગાડી ભગાવી રહ્યા છે એ પૂછવાની ઈચ્છા થઈ પણ કોઈએ કંઈ પૂછ્યું નહીં.

અત્યારે પોલીસ ની જીપ ૧૦૦-૧૨૦ ની ગતી એ રોઝ ગાર્ડન ટાઉન માં સ્થિત અર્જુન ના મકાન તરફ આગળ વધી રહી હતી.જેમ જેમ સમય પસાર થઈ રહ્યો હતો એમ એમ અર્જુન ના દિલ ની ધડકનો વધુ ને વધુ તેજ થઈ રહી હતી.રસ્તા માં મળેલી પોલીસ ની ૨ ટીમ ને પણ અર્જુન દ્વારા ફૂલ સ્પીડે ડ્રાઇવ કરીને જવું અજુગતું લાગ્યું હતું પણ પ્રોટોકોલ મુજબ એ લોકો પોતાની જગ્યા અત્યારે છોડી શકે એમ નહોતા.

રોઝ ગાર્ડન ટાઉન શહેર ની ગીચતા થી દૂર આવેલી વિશાળ સોસાયટી હતી જેમાં અતિ ભવ્ય બંગલોઝ નું નિર્માણ કરવામાં આવ્યું હતું.આખી સોસાયટી ની રચના ખૂબ સુંદર હતી.અર્જુને આ સોસાયટી નું ૧૦ માં નમ્બર નું મકાન ભાડે રાખ્યું હતું.અત્યારે બીગ સ્ક્રીન થિયેટર થી રોઝ ગાર્ડન ટાઉન સુધીનો ૨૫ મિનિટ નો રસ્તો અર્જુને ૧૫ મિનિટ માં કાપી નાંખ્યો હતો.!

જોરદાર સ્પીડ સાથે અર્જુને પોતાની જીપ ને સોસાયટી ના મુખ્ય દ્વાર ની અંદર વાળી. અર્જુન દ્વારા એટલી સ્પીડ માં ટર્ન લેવામાં આવ્યો હતો કે અંદર બેસેલા પોલીસવાળાઓ એ તો માંડ માંડ પોતાની જાત ને બેલેન્સ કરી.અત્યારે એમને એવું લાગી રહ્યું હતું કે અર્જુન પોલીસ ની જીપ નથી ચલાવતો પણ ફોર્મ્યુલા વન રેસિંગ ની કોઈ કાર ચલાવી રહ્યો હોય.એમના મન માં એક વાત બીજી પણ ચોક્કસ હતી કે કંઈક તો એવું હતું એ લેટર માં જે બહુ ખતરનાક હતું.

જેવો બંગલા નમ્બર ૧૦ આવ્યો એટલે અર્જુને જીપ ની બ્રેક જે એટલી જોરદાર હતી કે જીપ ના રબર ના ટાયર RCC ના બનેલા રોડ પર ઘસડાવા થી એમાંથી રીતસર ના ધુમાડા નીકળી ગયા.અર્જુન દોડીને બંગલા ના ગેટ સુધી આવ્યો અને જોર જોર થી પીનલ પીનલ એવી બુમો પાડવા લાગ્યો...!!!

To be continued..........

પીનલ અત્યારે કઈ મુસીબત માં હશે? શું બીજી કોઈ ઘટના શહેર માં બની હશે? લેટર મોકલનાર વ્યક્તિ કોણ હતી,શું આ બધી ઘટનાઓ સાથે એને કોઈ સંબંધ હતો? ફોરેન્સિક રિપોર્ટ માં શું આવશે? અર્જુન કાતિલ ને પકડી શકશે કે નહીં? આ બધા સવાલો ના જવાબ મેળવવા વાંચતા રહો ડેવિલ એક શૈતાન નો નવો ભાગ આવતા મંગળવારે.. આ નોવેલ અંગેનો આપનો અભિપ્રાય મારા whatsup નમ્બર 8733097096 પર આપી શકો છો.

ઓથર:- જતીન.આર.પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED