ડેવિલ એક શૈતાન-૧૦ Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડેવિલ એક શૈતાન-૧૦

ડેવિલ :એક શૈતાન

ભાગ ૧૦

અર્જુન ના લાખ પ્રયાસો છતાં હત્યારા નો છેલ્લો હુમલો પોલીસ સ્ટેશન પર થાય છે-પીનલ હત્યા ની પેટર્ન મુજબ આજે હુમલો થવાની વાત અર્જુન ને જણાવે છે-ભાન માં આવેલ વાઘેલા એ હત્યારા નું વર્ણન એક દૈત્ય તરીકે કરે છે-મદદ માટે ચર્ચ ગયેલા અર્જુન ને ફાધર થોમસ દિવ્ય ખંજર અને પવિત્ર પાણી આપે છે-અર્જુન અને હત્યારો દાનવ એક ગલી માં સામસામે આવી ગયા હોય છે-હવે આગળ......

ધીરે ધીરે દૈત્ય અર્જુન ની તરફ વધી રહ્યો હતો..દરેક વધતા સમય ની સાથે બંને વચ્ચે નું અંતર ઘટી રહ્યું હતું.દોડવાને લીધે એ દૈત્ય અત્યારે હાંફી રહ્યો હતો.અર્જુને એને બરાબર નો હંફાવી નાંખ્યો હતો.એ દૈત્ય ની આંખો અત્યારે અંગારા ની માફક ચમકી રહી હતી.એ આંખો માં અત્યારે અર્જુન પ્રત્યે નો એનો ગુસ્સો સ્પષ્ટ જણાઈ આવતો હતો.

જ્યારે બંને વચ્ચે નું અંતર ચાર પાંચ ફૂટ જેટલું જ રહ્યું ત્યારે અર્જુને એ દૈત્ય ને પગ થી માથા સુધી એક નજર માં જોઈ લીધો.એના પગ ના પંજા સામાન્ય માણસ ના પંજા કરતા બમણી સાઈઝ ના હતા.એનું દરેક અંગ સ્નાયુબદ્ધ અને કસાયેલું માલુમ પડી રહ્યું હતું.શરીર પર કપડાં તો હતા પણ ઠેકઠેકાણે ફાટેલા.જેમજેમ એ નજીક આવી રહ્યો હતો એમએમ અર્જુન ના દિલ ની ધડકનો વધી રહી હતી.!

અચાનક એ દૈત્ય એ થોડા દુર થી જ અર્જુન પર છલાંગ લગાવી દીધી.આતો અર્જુન ચપળતાથી એક બાજુ ખસી ગયો એટલે એ દૈત્ય નો વિશાળકાય દેહ નીચે જમીન પર પટકાયો..નીચે પડેલો એ દૈત્ય એ તરત જ કુદીને ઉભો થઇ ગયો.અત્યારે એનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો.હવે એ અર્જુન ને કોઈપણ સંજોગો માં બક્ષવાના મૂડ માં નહોતો.

એને ફરી થી અર્જુન પર હુમલો કરવાનું મન બનાવી લીધું અને દીવાલ ને ટેકે ઉભેલા અર્જુન તરફ દોટ મુકી. અર્જુને પળ નો પણ સમય ગુમાવ્યા વિના પોતાની જોડે રહેલી શીશી માંથી પવિત્ર પાણી એ દૈત્ય પર છાંટી દીધું.આ બધું એટલી ઝડપે બન્યું કે એ દૈત્ય ને કંઈ ખબર ના રહી.પવિત્ર જળ એના શરીર પર પડતા એના મુખે થી નીકળેલી પીડાદાયક ચીસો એ વાતાવરણ ને ઘમરોળી મૂક્યું.

ફાધર થોમસે આપેલા એ પવિત્ર જળ ની અસર ના કારણે એ હત્યારા દૈત્ય ને ખૂબ જ પીડા મહેસુસ થઈ રહી હતી.એ દૈત્ય અત્યારે પીડા થી કણસી રહ્યો હતો..આ પવિત્ર જળ એના પુરા શરીર ને જાણે સળગાવી રહ્યું હોય એવું એ દૈત્ય ના હાવભાવ થી લાગી રહ્યું હતું.

અર્જુન એ દૈત્ય પર હુમલો કરવાનું વિચારતો જ હતો એટલા માં એ દાનવે ગલી ના ખુલ્લા ભાગ તરફ ભાગવાનું શરૂ કરી દીધું.અર્જુને એને રોક્યો નહીં કેમકે અર્જુન જાણતો હતો ગલી ના સામે છેડે એની મુલાકાત કોના જોડે થવાની છે.!!!

અર્જુને જેવો જ જાની નો કોલ આવ્યો એવો નાયક ને કોલ કરી પોતાના પ્લાન વિશે સમજાવી દીધું હતું જે મુજબ અર્જુન પોતે એ દૈત્ય ને પોતાની પાછળ દોરવીને સાંઈબાબા મંદિર જોડે આવેલા ગેલેક્સી એપાર્ટમેન્ટ ની ગલી માં લાવશે.જ્યાં અર્જુન એ દૈત્ય પર પવિત્ર જળ છાંટશે..જો એ દૈત્ય ભાગવાની કોશિશ કરે તો તારે અન્ય કોન્સ્ટેબલ સાથે ગલી નો બીજો છેડો બ્લોક કરી દેવાનો છે.

અર્જુન ના પ્લાન મુજબ નાયક બીજા ચાર કોન્સ્ટેબલ સાથે ગલી ના બીજા છેડે અત્યારે મોજુદ હતો.જેવો એ દૈત્ય અર્જુન ના પવિત્ર જળ છાંટવાના લીધે બહાર નીકળવા દોડ્યો એવોજ નાયકે પણ પોતાના જોડે રહેલું પાણી એ દૈત્ય પર છાંટી દીધું.બીજા ચાર કોન્સ્ટેબલો એ પણ નાયક ને અનુસરી ને પોતાની જોડે રહેલી શીશીમાંથી પાણી એ દાનવ પર છાંટી દીધું.!

અચાનક થયેલા એક પછી એક હુમલા ના લીધે એ દૈત્ય ની પીડા અસહ્ય બની ગઈ હતી.એનું પૂરું શરીર જાણે અગ્નગોળો બની ગયો હોય એમ તપી રહ્યું હતું.એના મોંઢા માંથી દર્દભરી ચીસો સંભળાઈ રહી હતી.અત્યારે એ દૈત્ય ને સૂઝતું ન્હોતું કે હવે એ શું કરે?

ઘણા નિર્દોષ લોકો ને મોત ને ઘાટ ઉતારી દેનાર હત્યારો અત્યારે પોતાની જાત ને લાચાર મહેસુસ કરી રહ્યો હતો....!એને તડપતો જોઈ અર્જુન અને નાયક ને મનોમન આનંદ થઈ રહ્યો હતો.ધીરે ધીરે એ પવિત્ર જળ ની અસર ઘટી રહી હતી.

અર્જુને જ્યારે જોયું કે હવે એ દૈત્ય ની હાલત ધીરે ધીરે ઠીક થઈ રહી છે ત્યારે એને પળનોય વિલંબ કરવું મુનાસીબ ના સમજ્યું..અર્જુન દોડતો એની તરફ ગયો અને પોતાના જોડે રહેલું દિવ્ય ખંજર કૂદીને એ દૈત્ય ની છાતી માં ખૂંપી દીધું.અર્જુન ના ખંજર ના વાર પછી એ દૈત્ય ના મુખે થી એક કારમી ચીસ નીકળી ગઈ..આ ચીસ એટલી ભયાનક હતી કે ત્યાં ઉપસ્થિત સૌએ પોતાના હાથ વડે પોતાના કાન દબાવી દીધા.

થોડીવાર માં તો એ દૈત્ય ના દેહ માંથી એક કાળા રંગ ના ધુમાડા જેવી વસ્તુ ઉપર ની તરફ ગઈ અને તેજ લીસોટા સાથે આકાશમાં વિલીન થઈ ગઈ.અર્જુન,નાયક અને બીજા કોન્સ્ટેબલ ફાટી આંખે આ દ્રશ્ય ને જોઈ રહ્યા હતા.અત્યારે એ દૈત્ય નો નિશ્ચેતન દેહ જમીન પર પડ્યો હતો.થોડીવાર માં તો એક ગજબ ની ઘટના બધા એ એમની સગી આંખે નિહાળી જેના પર બીજા કોઈ માટે તો વિશ્વાસ કરવો અશક્ય હતો.

અર્જુને જેવો ખંજર નો ઘા કરી એ દૈત્ય ને મોત ને ઘાટ ઉતાર્યો એવોજ એના શરીર માં ફેરફાર થવાનો શરૂ થઈ ગયો.એક પછી એક એના શરીર ના દરેક અંગ પોતાના મુળ સ્વરૂપ માં આવતા જણાયા. ધીરે ધીરે એ દૈત્ય એક માનવ ના દેહ માં પરિવર્તિત થઈ ગયો.

અર્જુને એ દૈત્ય ના દેહ ને સીધો કર્યો અને ખંજર ને બહાર કાઢી ને સાફ કરી ને પોતાના ખિસ્સામાં મૂકી દીધું.અર્જુન અને નાયક અત્યારે એ દૈત્ય ના આ માનવદેહ ને બારીકાઈ થી જોઈ રહ્યા હતા.

"સાહેબ આ તો નાગેશ છે..."કેશવ કરીને એક કોન્સ્ટેબલ એ જ્યારે એ દૈત્ય નો માનવરૂપી ચહેરો જોતાવેંત જ કીધું.

"કોણ નાગેશ..તું કઈ રીતે ઓળખે આ નાગેશ ને?"અર્જુને એ કોન્સ્ટેબલ ની સામે જોઇને કહ્યું.

"સાહેબ આ માણસ નું નામ નાગેશ છે, ૩ મહિના પહેલા કોઈ અગમ્ય કારણોસર એને આત્મહત્યા કરી હતી..એના આગળ પાછળ કોઈ છે નહીં એટલે સામાજિક સંસ્થાઓ એ મળી ને એની દફનવિધી પૂર્ણ કરી હતી."કોન્સ્ટેબલ કેશવે કહ્યું.

"તારે કોઈ ભૂલ તો નથી થતી ને કે આ નાગેશ જ છે..?"નાયકે એની વાત સાંભળી ને સવાલ કર્યો.

"હા સાહેબ ૧૦૧% આ નાગેશ જ છે કેમકે જ્યારે આને દફન કરવામાં આવ્યો ત્યારે પોલીસકેસ હોવાના લીધે દફનવિધી વખતે હું પણ ત્યાં હાજર હતો" કેશવે કહ્યું.આ વાત કહેતા એ બિલકુલ એની વાત પર ચોક્કસ જ હતો.

કેશવ ની વાત સાંભળી અર્જુનને મગજ માં કોઈએ અત્યારે હજારો વોલ્ટ નો કરંટ દોડતો કર્યો હોય એવું લાગી રહ્યું હતું.!અર્જુન એ નાયક ને કેશવ જોડે જઈ જ્યાં નાગેશ ની દફનવિધી કરાઈ હતી એ જગ્યાએ જઈને હકીકત શું છે એ જાણવા આદેશ આપ્યો...

નાયક કેશવ અને બીજા એક કોન્સ્ટેબલ ને લઈને નાગેશ ની દફનવિધી જ્યાં કરવામાં આવી હતી એ સ્થળ ની મુલાકાત લેવા માટે નીકળી પડ્યો.અર્જુને કોલ કરી જાવેદ,અશોક અને જાની ને આ વિશે જણાવી દીધું.અડધા કલાક માં તો મોટાભાગ ના પોલીસ સ્ટાફ ના લોકો ત્યાં હાજર હતા.

અર્જુને જ્યારે કઈ રીતે આ દૈત્ય ને મોત ને ઘાટ ઉતાર્યો એની વાત બધા ને કરી ત્યારે બધા ના મોં ખુલ્લાનાં ખુલ્લા રહી ગયા.અર્જુન ના પરાક્રમો વિશે બધા એ ઘણું સાંભળ્યું હતું આજે એમની નજર સમક્ષ એમને નિહાળી પણ લીધું.ત્યાં આવેલા ઘણા લોકો નાગેશ ને ઓળખતા હતા એવી જ્યારે અર્જુન ને ખબર પડી ત્યારે એના મગજ માં એક જ સવાલ ઘૂમતો હતો કે "જો આ નાગેશ જ હોય તો મૃત્યુ પછી એ આ રીતે દૈત્ય ની શકલ માં જીવિત કઈ રીતે પાછો આવ્યો?"

અર્જુને નાગેશ ની લાશ ને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની ફટાફટ વ્યવસ્થા કરાવી ને બધા પોલીસકર્મીઓ ને પોલીસ સ્ટેશન આવી જવા માટે કહી દીધું.

અર્જુન અત્યારે પોલીસ સ્ટેશન માં પોતાની કેબીન માં બેઠો બેઠો મારબલો સિગરેટ ના કસ ખેંચીને પોતાની જીત ની ખુશી વ્યક્ત કરી રહ્યો હતો.રાધાનગર ની શાંતિ ને હણનારો આજે એના હાથે હણાઈ ગયો છે એ વાત એના મન ને રાહત આપી રહી હતી.

થોડીવાર માં નાયક અર્જુન ના કેબીન માં પ્રવેશ કરે છે.નાયક ના ચહેરા પર થી અર્જુન સમજી જાય છે કે હકીકત માં આ દૈત્ય નાગેશ જ હતો.

"સાહેબ નાગેશ ની લાશ ત્યાં નથી"નાયકે ખુરશી માં બેસતા જ કહ્યું.

"એ તો નાયક તારો ચહેરો જોઈ સમજી જ ગયો હતો કે તું કંઈક અતિ ગંભીર ખબર લઈને પાછો આવ્યો છે"અર્જુને નવી સિગરેટ સળગાવતા કહ્યું.

"સર,જો આ નાગેશ જ દૈત્ય હતો તો હવે આપણે ખુશ થવું જોઈએ કે આપણે એ હત્યારા દૈત્ય નો ખાત્મો બોલાવી દીધો છે."નાયકે સ્મિત સાથે કહ્યું.

"સાચી વાત છે તારી નાયક..છેલ્લા મહિના થી રાતે બરાબર ઊંઘ આવતી નહોતી...હવે થી હું ચેન થી ઊંઘી શકીશ..કાલે સવારે બધા ને જણાવી દો કે હત્યારો દૈત્ય હવે હયાત રહ્યો નથી."અર્જુને ગર્વ થી પોતાની મૂછો મરડતા કહ્યું.

"ઓકે સર...તમે આરામ કરો...હું બહાર જઈને સ્ટાફ ના સભ્યો જોડે થોડા ગપ્પા મારુ."અર્જુન ની રજા લઈ નાયક કેબીન માંથી બહાર નીકળી જાય છે.

નાયક સામે અર્જુન પોતાના મનમાં શું ચાલી રહ્યું છે એના ભાવ દર્શાવવા માંગતો નહોતો કે ભલે એ દૈત્ય નો ખાત્મો બોલી ગયો હોય પણ ઘણા એવા સવાલો ના જવાબ હજુ પણ મેળવવા ના બાકી જ રહી ગયા. નાગેશ ની લાશ ને દફન કરવામાં આવી હોય તો કેમ એ અત્યારે દૈત્ય રૂપે જીવિત અવસ્થા માં મળી આવ્યો.?હકીકત માં નાગેશ જ એ દૈત્ય હતો જેને આગળ બનેલી બીજી ઘટનાઓ ને અંજામ આપ્યો હશે?પોતાને મળેલા લેટર નાગેશ જ મોકલાવતો કે બીજું કોઈ? આવા તો ઘણા વિચારો કરતા કરતા અર્જુન ની આંખ ક્યારે લાગી ગઈ એની એને ખબર જ ન રહી.

સવાર પડતા તો આખા શહેર માં વાત ફેલાઈ ગઈ કે એસીપી અર્જુને રાધાનગર શહેર માં થતા હત્યાઓના હત્યારા ને મોત ને ઘાટ ઉતારી દીધો છે.આખા શહેર માં અર્જુન ના નામ ની વાહ વાહ થઈ ગઈ.પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી એ દૈત્ય ની બોડી નો નાશ કરી દેવામાં આવશે એની જાહેરાત થઈ.રાધાનગર શહેર ના લોકો ને હવે નિરાંત થઈ હતી.ધીરે ધીરે બધા ની જીંદગી થાળે પડી રહી હતી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ માં નવું તો કંઈ ના આવ્યું પણ ડોક્ટરો ને નાગેશ ની બોડી માંથી એવું જ લોહી મળ્યું જે પ્રકાર નું કાળુ લોહી પોલીસ ને મુનલાઈટ સોસાયટી ની ઘટના વખતે મળ્યું હતું.અર્જુન ની હાજરી માં નાગેશ ની બોડી નો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો.

ફાધર થોમસ દ્વારા પણ અર્જુન ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા.આ વાત ને હવે ૧૫ દિવસ જેટલો સમય વીતી ગયો.રાધાનગર માં એ દૈત્ય ની હત્યા બાદ કોઈપણ પ્રકાર ના હુમલા ની કોઈ ઘટના બની નહોતી જે એ વાત ની સાબિતી આપવા કાફી હતી કે આગળ થયેલા ખુની હુમલા પાછળ નાગેશ ના એ દૈત્ય સ્વરૂપ નો જ હાથ હતો.

અર્જુન આ બનાવ ના ૧૫ દિવસ પછી પોતાની કેબીન માં બેઠો હતો ત્યારે અર્જુન ને કોન્સ્ટેબલ સુરેશ આવીને એક કવર આપી ગયો..કવર ને જોઈને અર્જુન ના ચહેરા ના ભાવ માં ભારે ફેરફાર થયો.આ એવું જ હતું જે એને પહેલા કોઈ અજ્ઞાત વ્યક્તિ દ્વારા અવારનવાર મોકલવામાં આવતું હતું.જ્યારે જ્યારે આવું કવર મળતું ત્યારે એની અંદર ના લેટર માં કંઈક એવું લખેલું વાંચવા મળતું જેનો રાધાનગર માં થયેલા હુમલા સાથે કોઈનો કોઈ સંબંધ હતો.!

દૈત્ય ની હત્યા પછી અર્જુન ને એવું હતું કે આ લેટર નો સિલસિલો બંધ થઈ જશે. પણ આજે આવેલા આ કવરે એનો એ ભ્રમ તોડી નાંખ્યો હતો.અર્જુને સુરેશ ને બહાર જવા નું કીધું અને કવર ના અંદર હાથ નાંખી ને એમાં રહેલો લેટર બહાર કાઢ્યો.

અર્જુન ની નજર અત્યારે લેટર વાંચવામાં સ્થિર થઈ ગઈ...આ વખતે લેટર માં ટાઈપ કરેલું હતું.

"શાબાશ અર્જુન...શત્રુ તારા જેવો હોય તો લડાઈ ની ખરેખર મજા આવે.!પણ એક વાત તું ભૂલતો નહીં સૂર્ય ક્યારેય આથમતો નથી..આથમે છે તો પૃથ્વી."લી. ડેવિલ

નીચે પહેલા ના જેવું જ ખોપરી નું નિશાન.

ફરીવાર લેટર ના શબ્દો અટપટા હતા જેનો કોઈ તો અર્થ નીકળતો પણ શું એ સમજવું બહુ અઘરું હતું..લેટર મળ્યો છે એનો અર્થ એવો થાય કે હત્યારો હજુ જીવિત છે...પણ જો હત્યારો જીવિત હોત તો આટલા દિવસ થી શાંત કેમ છે? અને પોતે એ દૈત્ય ને મોત ને ઘાટ ઉતાર્યો છે તો આ લેટર કેમ અત્યારે મોકલાયો હતો..અર્જુન ના મગજ માં અત્યારે વિચારો ના ઘોડા પુરઝડપે દોડી રહ્યા હતા.કંઈ વધુ ના સૂઝતા અર્જુને સિગરેટ નું પેકેટ કાઢ્યું અને એક સિગરેટ સળગાવી અને એના એકપછી એક કશ મારવા માંડ્યા.

લેટર મળ્યા ને ૩-૪ દિવસ વીતી ગયા છતાંપણ કોઈ અનહોની ઘટના રાધાનગર માં ના બની એનો મતલબ અર્જુને એ કાઢ્યો કે એને મળેલો લેટર દ્વારા કોઈ વિકૃત મગજ નો વ્યક્તિ એને હેરાન કરવા કરવા માંગતો હશે. અર્જુને લેટર વાળી વાત ને વધુ સિરિયસલી ના લેતા અર્જુને એ લેટર ને આગળ આવેલા લેટર જોડે મૂકી દીધો.

અર્જુન ને લેટર મળ્યો એના ૫ દિવસ પછી અર્જુન માં ટ્રાન્સફર પહેલાં બનેલી એક ઘટના ફરી થી પુનરાવર્તન પામી જેનું પરિણામ રાધાનગર ના લોકો એ હજુ ભોગવવાનું બાકી હતું.

રાધાનગર માં આજે આરઝુ કરી એક મુસ્લિમ મહિલા નું ૩૦ વરસ ની નાની ઉંમરે વીજ કરંટ લાગવા થી મૃત્યુ થયું હતું.એની લાશ ને વિધિવત મુસ્લિમ ધર્મ પ્રમાણે દફનાવામાં આવી હતી.

રાત ના ૨ વાગવામાં ૧૦ મિનિટ જેટલી વાર હતી..જાન્યુઆરી મહિનો ચાલુ હોવાથી હજુપણ ઠંડી નો પ્રભાવ સારા એવા પ્રમાણ માં હતો..,કબ્રસ્તાન શહેર થી વધુ દુર તો નહોતું પણ માનવવસ્તી કબ્રસ્તાન થી લગભગ ૧ કિમિ જેટલી દુર હતી.

તમરાઓનો તીણા અવાજ અને થોડા થોડા સમયે આવતા કુતરાઓ ના ભસવાના તો ક્યારેક રડવાના અવાજો વાતાવરણ ને વધુ બિહામણું બનાવી રહ્યા હતા.ચિબરી અને ઘુવડ ના અવાજો ઘણી વાર શાંતી અને સન્નાટા ને દૂર કરતા ત્યારે કબ્રસ્તાન ની ભયાનકતા વધુ ભયાનક ભાસતી હતી..

આ બધા વચ્ચે એક કાર કબ્રસ્તાન ના ગેટ પાસે આવી ને ઉભી રહી.કાર ની હેડલાઈટ ના પ્રકાશ માં એક કાળો પડછાયો ઉતરીને કબ્રસ્તાન નો વિશાળ ગેટ ખોલતો જોવા મળે છે.કબ્રસ્તાન નો જુનો પુરાણો લોખંડ નો ગેટ ખડખડ કરીને વિચિત્ર અવાજો કરતો કરતો ખુલે છે ત્યારે એનો અવાજ અતી ભયંકર મહેસુસ થઈ રહ્યો હોય છે.!

ગેટ ખોલીને એ વ્યક્તિ પાછો કાર માં બેઠો અને કાર ને ચલાવીને કબ્રસ્તાન ની અંદર ની તરફ લઈને આવ્યો.આરઝુ કરીને દફનાવામાં આવેલી મહિલા ની કબર ની જોડે કાર ને બ્રેક કરી ને એ વ્યક્તિ કાર માંથી હેઠે ઉતર્યો.

કારમાંથી ઉતરનાર વ્યક્તિ નો એ જ હતો જેને નાગેશ ની લાશ ને કબ્રસ્તાન માંથી કાઢી હતી.એના માથે મોટી હેટ હતી અને શરીર પર પગના ઘૂંટણ સુધી લમ્બો લેધર નો ઓવરકોટ.એ વ્યક્તિ એ કાર ની ડેકી માંથી પાવડો,કોદાળી કાઢ્યા અને આરઝુ ની કબર જોડે આવી ને મૂકી દીધા.

એ વ્યક્તિ નો ચહેરો અત્યારે સ્પષ્ટ નહોતો દેખાઈ રહ્યો પણ એની આંખો અત્યારે ભયાનક શૈતાન ની માફક ચમકી રહી હતી.સૌપ્રથમ તો એને આરઝુ ની કબર પર થી ફૂલો ની ચાદર ધીરે થી દૂર કરી અને બાજુ માં રાખી દીધી.પછી લાગી ગયો કબર ખોદવા ની પ્રક્રિયા માં.

પાવડા અને કોદાળી નો ઉપયોગ કરી એ જેમ જેમ કબર ખોદી રહ્યો હતો એમ એમ કુતરાઓ ના ભસવાનો અવાજ વધુ તીવ્ર થઈ રહ્યો હતો.ટક ટક કરી ને કબર ખોદવાનો અવાજ પણ અત્યારે ચિત્ર વિચિત્ર લાગી રહ્યો હતો.

થાક ના લીધે ઓવરકોટ પહેરેલો એ માણસ ક્યારેક અટકી પણ જતો પણ એને પોતાનું કબર ખોદવાનું કામ બંધ ના જ કર્યું.આખરે ૧ કલાક જેટલું ખોદકામ કર્યા બાદ એના ચહેરા પર ના થાક ની જગ્યાએ ભેદી મુસ્કાન ફરી વળી.

એને લાશ ને કબર માંથી બહાર કાઢી અને ફરીથી માટી નાંખીને એ કબર ને પૂર્વવત જેમ હતી એમ વ્યવસ્થિત કરી દીધી.ફૂલો ની ચાદર ને કબર પર ગોઠવી એ વ્યક્તિ લાશ જોડે આવ્યો.લાશ પર એક સફેદ કપડાંનું આવરણ હતું જે દૂર કરીને એ વ્યક્તિ પલોઠી વાળી ત્યાં જ બેસી ગયો.

વિજકરંટ થી થયેલા મોત ના લીધે આરઝુ નો ચહેરો જુલસી ગયો હતો.આખું શરીર કાળુ પડી ગયું હતું અને માથા ના વાળ ઠેકઠેકાણે થી બળી ગયા હતા.અત્યારે એની લાશ ખૂબ જ ડરાવની લાગી રહી હતી.

પેલા ઓવરકોટ વાળો વ્યક્તિ લાશ પાસે બેસીને કંઈક મંત્રોચ્ચાર કરવા લાગ્યો..જેમ જેમ એના મંત્રોચ્ચાર આગળ વધી રહ્યા હતા એમ એમ કબ્રસ્તાન ના આકાશ માં કાળા પડછાયા ઉડતા જોવા મળી રહ્યા હતા.એમાંથી ઘણા પડછાયા ધુમાડા સ્વરૂપે આરઝુ ની લાશ જોડે આવતા અને ગાયબ થઈ જતા.એ ઓવરકોટ પહેરેલો માણસ વચ્ચે વચ્ચે લાશ ઉપર કંઈક છાંટતો પણ રહેતો.જ્યાં સુધી એની મંત્રવિધિ ચાલી ત્યાં સુધી કબ્રસ્તાન માં હલચલ મચી ગઇ.કાગડા,કૂતરા અને અન્ય નિશાચર પક્ષીઓ વારંવાર બિહામણા અવાજો કાઢી રહ્યા હતા.

થોડીવાર પછી એ વ્યક્તિ એ પોતાની મંત્રવિધિ અટકાવી દીધી અને આરઝુ ને લાશ ને ઉપાડી ને કાર ને ડેકી માં રાખી દીધી.ત્યારબાદ એને પાવડા અને કોદાળી ને પણ ગાડી માં રાખી દીધા.ત્યારબાદ એને એકવાર આકાશ સામે જોયું અને ગાડી ચાલુ કરીને એને કબ્રસ્તાન ની બહાર લાવી ને ઉભી કરી દીધી.ગાડી ને ઉભી રાખ્યા બાદ એ નીચે ઉતર્યો અને કબ્રસ્તાન નો ગેટ પહેલાં હતો એમ બંધ કરી ગાડી માં બેઠો.

ગાડી માં બેસવાની સાથે એને ગાડી ના એક્સીલેટર પર પગ રાખી એને ભગાવી મૂકી કબ્રસ્તાન થી દૂર. એના જતા ની સાથે જ કબ્રસ્તાન માં પૂર્વવત શાંતી પ્રસરી ગઈ.આ બધા વચ્ચે એક કાળો પડછાયો જાણે એ કાર નો પીછો કરતો હોય એમ કાર ની પાછળ પાછળ દોરવાયો.

કબ્રસ્તાન થી નીકળેલી એ કાર એક જૂની પુરાણી ઇમારત આગળ આવી ને ઉભી રહે છે.આ ઇમારત ભલે જુની પુરાણી લાગી રહી હોય પણ એની ભવ્યતા જોનાર ને આંજી નાંખે એવી હતી.ચાર પાંચ એકર માં ફેલાયેલી એ હવેલી જેવી ઇમારત એની વિશાળતા ના લીધે રાત ના સમયે વધુ બિહામણી લાગી રહી હતી.

કારમાંથી ઉતરી એ વ્યક્તિ એ હવેલી નો ગેટ ખોલ્યો અને કાર ને અંદર લાવી પાછો બંધ કરી દીધો.અડધો કિલોમીટર જેટલું ચલાવ્યા બાદ ઓવરકોટ પહેરેલ એ વ્યક્તિ એ કાર ને મુખ્ય ઇમારત આગળ લાવી ને અટકાવી દીધી. કારમાંથી ઉતરી એને ડેકી ખોલી આરઝુ ની લાશ બહાર કાઢી એ લાશ ને પોતાના ખભે નાંખી ને અંદર પ્રવેશ્યો.

To be continued........

આરઝુ ની લાશ ને ચોરી ને લાવનાર વ્યક્તિ કોણ હતી?જો દૈત્ય નાગેશ જ હતો તો અર્જુન ને લેટર કોને મોકલાવ્યો? રાધાનગર શહેર પરથી મુસીબત દુર થઇ ગઇ હતી?જો નાગેશ ને દફનાવામાં આવ્યો હતો તો એ જીવિત કઈ રીતે થઈ ગયો? આવા ઘણા બધા સવાલો ના જવાબ જાણવા વાંચતા રહો ડેવિલ:એક શૈતાન નો નવો ભાગ આવતા સપ્તાહે.આ નોવેલ અંગેનો આપનો અભિપ્રાય મારા whatsup નમ્બર 8733097096 પર જણાવી શકો છો.

ઓથર: જતીન. આર.પટેલ