ડેવિલ એક શૈતાન Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડેવિલ એક શૈતાન

પ્રસ્તાવના

ડેવિલ નો અર્થ ગુજરાતી માં કરીએ તો દાનવ કે રાક્ષસ એવો થાય. જ્યારે કોઈ વ્યક્તિ હેવાનીયત ની બધી હદ ને વટાવી જાય ત્યારે એ મનુષ્ય મટીને ડેવિલ બની જાય છે. આ નવલકથા પણ એવા જ વ્યક્તિ ને મધ્ય કેન્દ્ર માં રાખીને છે જે છે તો એક મનુષ્ય પણ એના કરેલા કાર્યો દાનવ ને પણ શરમાવે એવા છે.

વિજ્ઞાન પણ હવે ભૂત પ્રેત અને અગોચર વિશ્વ ની શક્તિઓ માં વિશ્વાસ ધરાવે છે. આ દુનિયા સિવાય પણ બીજી દુનિયા અસ્તિત્વ ધરાવે છે એ વાત હવે પુરવાર થઇ ગઇ છે અને બધા એ વાત ને સ્વીકારતા પણ થયા છે. આ નવલકથા લખવા પાછળ નો મૂળ હેતુ તો વાંચક મિત્રો ને મનોરંજન મળી શકે એજ છે. આ નવલકથા ના પાત્રો કે ઘટનાઓ હકીકત માં અસ્તિત્વ ધરાવતા નથી.

ડેવિલ હકીકત માં નથી છતાં એ વાંચક મિત્રો ને એની હાજરી નો પળે પળે અહેસાસ થતો રહેશે. ડર, રહસ્ય, રોમાંચ, કત્લેઆમ, ભૂત-પ્રેત અને છેવટ સુધી જકડી રાખતી અદ્ભૂત નોવેલ આપ સૌને અવશ્ય પસંદ આવશે એવી આશા. નવલકથા ના પાત્રો ને આપ ઓળખતા હોય એવું લાગશે. જો તમને ક્રાઈમ, સસ્પેન્સ અને હોરર બેઝ વાંચન ગમતું હોય તો આ નોવેલ તમારા માટે પેરફેક્ટ છે. બેકફૂટ પંચ અને આખરી દાવ નોવેલ ને આપ સૌનો જે પ્રેમ મળ્યો એના કરતા પણ વધુ પ્રેમ આ નોવેલ ને પણ મળશે એવી આશા.

આ નવલકથા લખવાની પ્રેરણા પુરી પાડવા બદલ મારા ફેમિલી મેમ્બર, મારી નાની બહેન નો ખુબ ખુબ આભાર.. આ ઉપરાંત મારા ખાસ વાંચક મિત્ર એવા વર્ષા બેન, પદ્મશ્રી બેન, અંકિતા, કેતુલ, જૈનમ, રાજેન્દ્ર, ફલક સિકંદ, પુનિત, રીતુ અને શંભુ માતા નો પણ હું ઋણી છું. સૌનો પ્રેમ મળી રહે એવી આશા થી આપ સૌને અર્પણ કરું છું "ડેવિલ-એક શૈતાન"...

- જતીન. આર. પટેલ

***

ડેવિલ- એક શૈતાન:

ભાગ ૧

રાધાનગર શહેર ગુજરાત ની દક્ષિણે આવેલું એક નાનકડું નગર હતું. શહેર ની વસ્તી લગભગ ૪૦ હજાર આજુબાજુ. આ શહેર માં થી ઘણા લોકો વિદેશો માં વર્ષો થી રહેતા હતા આ કારણ થી આ શહેર ની સમૃદ્ધિ આંખે ઉડીને વળગી જાય એવી હતી. રાધાનગર માં દરેક પ્રકાર ની નાની મોટી સુવિધાઓ ઉપલબ્ધ હતી જેવી કે હોસ્પિટલ, અદ્યતન બસ સ્ટેશન, જાહેર લાઈબ્રેરી, બગીચા, પોલીસ સ્ટેશન વગેરે...

રાધાનગર માં દરેક ધર્મ અને નાત જાત ના લોકો હળીમળી ને રહેતા હતા. રાધાનગર શહેર ની એક બીજી ખાસિયત એ હતી કે અહીં ગુનાખોરી નું પ્રમાણ નહિવત હતું. શહેર ના પોલીસ સ્ટેશન માં કર્મચારીઓ નિરાંત ની જિંદગી પસાર કરતા હતા.

એસીપી અર્જુન ની બદલી ૧ મહિના પહેલા જ રાધાનગર માં થઈ હતી. આમ પણ બદલી અને એસીપી અર્જુન ને જૂનો નાતો હતો. છેલ્લે સુરત માં પોતાના કામ થી અર્જુન લોકો માં ખૂબ ફેમસ હતો. પણ એક પ્રામાણિક માણસ હંમેશા સમાજ ના વગદાર લોકો ને આંખ ના કણ ની જેમ ખૂંચતો જ રહેતો હોય છે. અર્જુન ના લીધે જ મોટા મોટા વેપારીઓ ના ૨ નમ્બર માં ધંધા બંધ થઈ ગયા હતા એટલે એમને નેતાઓ ને રજુવાતો કરી અર્જુન ની બદલી અહીં રાધાનગર માં કરાવી દીધી હતી.

રાધાનગર માં અર્જુન ના ભાગે કંઈ કામ જ નહોતું. એની પ્રેમિકા પીનલ જોડે એના લગ્ન થઈ ગયા હતા એટલે હવે એ પણ અર્જુન ની જોડે રાધાનગર માં જ રહેતી. અર્જુન ના કામ થી અત્યંત પ્રભાવિત થઈ ને સુરત માં અર્જુન ના જોડે કામ કરતા નાયકે પણ પોતાનું ટ્રાન્સફર ૨-૩ દિવસ પહેલા રાધાનગર કરાવી લીધું હતું.. નાયક કહેતો જ્યાં જ્યાં એના રામ જશે ત્યાં ત્યાં એનો આ દાસ હનુમાન પાછળ પાછળ આવી જવાનો..

રાધાનગર માં આવ્યા પછી અર્જુન અને નાયક જાણે કે વેકેશન પર હોય એવું લાગી રહ્યું હતું.. આ શહેર માં કોઈ ફંક્શન હોય ત્યારે પોલીસ ને ત્યાં નામ પૂરતી હાજરી આપવી પડતી એજ એક કામ હતું... પણ કહેવાય છે ને નીરવ શાંતી આવનારા વાવાઝોડા ની દસ્તક પણ હોય.. આવું જ એક વાવાઝોડું રાધાનગર ના લોકો ની જિંદગી હરામ કરવા આવવાનું હતું.. જેનાથી બધા એ અજાણ હતા.. જેની શરૂવાત તો અર્જુન ના રાધાનગર આવ્યા ના ૧૫ દિવસ પહેલા થઈ ગઈ હતી.. !!!!

***

આ ઘટના ની શરૂઆત આજ થી લગભગ ૪૫ દિવસ પહેલા રાધાનગર શહેર ની ઉત્તર દિશા માં આવેલા એક કબ્રસ્તાન માં બની.. આ જગ્યા એ હિન્દુ લોકો માં જે સમાજ માં દફનવિધી કરવામાં આવતી હોય એના માટે નગરપાલિકા એ અલાયદી ફાળવેલી હતી..

રાત નો ભેંકાર અંધકાર હતો.. શિયાળા ની મોસમ ની શરૂવાત થઈ ગઈ હતી.. શહેર ની બહાર આ કબ્રસ્તાન આવ્યું હોવાથી ત્યાંનું વાતાવરણ વધુ બિહામણું ભાસતું હતું.. કબ્રસ્તાન ની આજુબાજુ વિશાળ વડ ના વૃક્ષ પથરાયેલા હતા જેની પર હજારો ની સંખ્યા માં વાગોળો વસવાટ કરતી.. આ વાગોળો રાત્રે અહીં તહીં ઊડતી રહેતી. કુતરા, ઘુવડ તથા અન્ય નિશાચર પક્ષી ઓ ના અવાજ થી સન્નાટો વધુ ને વધુ ભયંકર બની જતો હતો.. !!!

આજે સાંજે ૭ વાગ્યા પછી આ કબ્રસ્તાન માં એક વ્યક્તિ ની દફનવિધી કરવામાં આવી હતી.. આ માણસ નું નામ નાગેશ હતું. નાગેશ ના લગ્ન નહોતા થયા માટે એ એકલો રહેતો હતો. નાગેશ ૩૫ વરસ ની ઉંમર ધરાવતો પહેલવાન જેવા મજબૂત બાંધા નો યુવક હતો... કોઈ અગમ્ય કારણોસર એને આત્મહત્યા કરી લીધી હતી.. આગળ પાછળ કોઈ હતું નહીં એટલે સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ એ પોલીસ ની હાજરી માં એની દફનવીધી પૂર્ણ કરી હતી... !!

નાગેશ ના મૃત્યુ ને હજુ ૧૨ કલાક થી પણ ઓછો સમય થયો હતો.. રાત ના ૧:૩૦ વાગ્યા હતા.. કાચા પોચા હૃદય નો માણસ તો આ કબ્રસ્તાન માં ૫ મિનિટ ઉભો રહે તો અહીં ના વાતાવરણ ની ભયાનકતા થી જ એનું હૃદયરોગ ના હુમલા ને લીધે મોત પણ થઈ જાય.. દૂર દૂર સુધી માનવ વસ્તી અસ્તિત્વ ધરાવતી નહોતી અને અત્યારે કોઈ માણસ આવે એ વાત અશક્ય સમાન હતી.. !!!

અચાનક એક ગાડી કબ્રસ્તાન ના ગેટ ને વટાવી અંદર ની બાજુ પ્રવેશ કરે છે.. ગાડી નો રંગ પણ અંધારા ની જેમ કાળો હતો.. ગાડી ની અચાનક બ્રેક વાગે છે અને એ બ્રેક ના અવાજ થી જાણે શાંતિ માં ભંગ થાય એવું ભાસતું હતું.. એક કાળો ઓછાયો ગાડી માં થી નીચે ઉતરે છે.. ગાડી માંથી ઉતરનાર વ્યક્તિ એ પગ ના ઘૂંટણ સુધી લાંબો ઓવરકોટ પહેરેલો હોય છે.. એના માથા પર એક મોટી કાળા રંગ ની હેટ હોય છે, હાથ માં રબર ના મોજા અને પગ માં કાઉબોય પહેરે એવા લાંબા સૂઝ.. !!!

ગાડી માંથી ઉતરી એ પાછળ ની બાજુ જઇ ગાડી ની ડેકી ખોલે છે.. જેમાંથી એ પાવડો લઈ ને નાગેશ ને જ્યાં દફન કરવામાં આવ્યો હોય એ જગ્યાએ પહોંચે છે અને કબર પર રાખેલા ફૂલો ને એકબાજુ કરી પાવડો હાથ માં પકડે છે અને લાગી જાય છે કબર ને ખોદવા માં.. !!!

ખોદતાં ખોદતાં વચ્ચે એ વ્યક્તિ થોડો અટકી જાય છે અને હાંફ ચડી હોવાથી એ નીચે બેસી ને થોડો સમય પસાર કરે છે.. અત્યારે એ માણસ થોડો થાકી ગયો હોય એવું લાગતું હતું.. ચેહરો તો દેખાતો નહોતો પણ એની આંખો ની ચમક બિલાડી જેવી લાગી રહી હતી.. !!!

ધીરે ધીરે એનો શ્વાસોશ્વાસ નિયમિત થતા એને પાછો પાવડો હાથ માં લીધો અને ખોદવાનું ચાલુ કર્યું. પાવડા નો ટિક ટિક નો અવાજ પણ અત્યારે વિચિત્ર બિહામણા સુર રેલાવી રહ્યો હતી. થોડું ખોદયા બાદ એ અટકી ગયો અને પાવડો સાઈડ માં મૂકી હાથ વડે માટી દૂર કરવા લાગ્યો.. ૫ મિનિટ સુધી અટક્યા વિના એને માટી દૂર કરવાની પ્રક્રિયા ચાલુ રાખી.. થોડા સમય માં એની આંખો ની ચમક અને ચેહરા પર નું હાસ્ય વધુ નિખરી ઉઠ્યું કેમકે હવે લાશ એની આંખો ની સામે સ્પષ્ટ હતી.. !!

આત્મહત્યા કરવાવાળો નાગેશ મજબૂત બાંધો ધરાવતો હોવાથી એ ને બહાર કાઢવામાં ઓવરકોટ વાળા માણસે ભારે જહેમત ઉઠાવવી પડી.. જયારે લાશ ખાડા માંથી બહાર આવી એટલે ઓવરકોટ પહેરેલા એ માણસે માટી વડે એ કબર ને હતી એમ પુરી દીધી અને ફૂલો ને હતા એમ પાછા મૂકી દીધા.. !!!

ત્યારબાદ એને ઓવરકોટ ના ખિસ્સા માંથી કાંઈક પ્રવાહી પદાર્થ કાઢ્યો જેનો છંટકાવ એને પેલી લાશ પર કર્યો અને પછી માથું ઊંચું કરી આકાશ સામું જોઈ કાંઈક બબડયો.. ૫-૭ મિનિટ કાંઈક આહવાન કર્યા બાદ એને લાશ ને મહાપરાણે ઊંચી કરી અને કાર ની ડેકી માં લાવી ને મૂકી દીધી.. !!

ત્યારબાદ એ પાવડો પણ લેતો આવ્યો જેને લાશ ના જોડે મૂકી ડેકી ને બંધ કરી દીધી અને કાર માં બેસી ને કાર ને શક્ય એટલી વધુ ઝડપે ચલાવી ને ત્યાંથી દૂર જતો રહ્યો.. જ્યારે એ લાશ પર કંઈક વિધી કરી રહ્યો હતો ત્યારે શાંત કબ્રસ્તાન માં જાણે કે હલચલ મચી ગઇ હતી એવું લાગી રહ્યું હતું.. વાગોળો અને ઘુવડ ના અવાજ વધી ગયા હતા.. કાળા પડછાયા ઓ કબ્રસ્તાન ના ઉપર ના આકાશ માં આમ થી તેમ ભટકતા જોવા મળી રહ્યા હતા.. જ્યારે એ રહસ્યમયી માણસે બબડવાનું બંધ કર્યું એવું જ બધુ પાછું હતું એમ ને એમ થઈ ગયું.. !!!

***

નાયક ના રાધાનગર આવ્યા ના ૩ દિવસ થઈ ગયા હતા અત્યારે એ એસીપી અર્જુન ના પ્રાઇવેટ કેબીન માં બેઠો બેઠો ચા અને ગરમાગરમ ભજીયા ની મજા માણી રહ્યો હતો..

"સાહેબ તમારું ટ્રાન્સફર અહીં થયું આમ તો એ સારું થયું.. અહીં તો આપણ ને બિલકુલ શાંતિ છે.. કોઈ ગુનો થતો જ નથી એટલે આપણે તો લીલાલેહર.. "નાયકે કાંદા નું ગરમ ભજીયું મોઢા માં મુકતા કહ્યું..

"નાયક મને ખબર તો હતી કે સુરત માંથી વહેલું મોડું ટ્રાન્સફર તો થશે જ પણ અહીં રાધાનગર માં તો આ પોલીસ સ્ટેશન અને પોલીસ જાણે કે નામ ની હોય એવું લાગે છે.. મારે અહીં આવે ૧ મહિના ઉપર સમય થયો પણ એક ખિસ્સું કાપવાનો પણ પ્રસંગ નથી બન્યું.. ખરેખર અહીં ના લોકો શાંતી ના દૂત હોય એવુ લાગે છે"ચા ની ચૂસકી ભરતા ભરતા અર્જુને કહ્યું..

"સાહેબ હું તો કહું છું તમે પીનલ ભાભી જોડે ઘરે જ રહેતા હોય તો એ બિચારા પણ ઘરે બોર થઈ જતા હશે.. અહીં કોઈ કામ છે નહીં.. કોઈ એવી વાત હશે તો હું બધું જોઈ લઈશ અને તમારી જરૂર હશે તો કોલ કરી બોલાવી લઈશ.. પછી બધું ઓલ રાઈટ.. "પોતાની ટેવ મુજબ નાયકે કહ્યું.. વાત ના અંતે ઓલરાઇટ બોલવું એ નાયક ની ટેવ ગણો તો ટેવ અને કુટેવ ગણો તો કુટેવ.

"નાયક તારી વાત તો સાચી છે પણ મારુ જમીર મને આમ કરતા રોકે છે.. ડ્યૂટી ના ટાઈમે તો હું અહીં જ રહેવાનો"અર્જુને મૂછો ઉપર હાથ ફેરવતા કહ્યું.

"ડ્યૂટી કરવી તો કોઈ તમારા જોડે થી શીખે"નાયકે કહ્યું..

"હા હવે પાણી ચડવાનું રહેવા દે અને ભજીયા ની પ્લેટ આ તરફ કર.. "અર્જુને સ્મિત સાથે કહ્યું..

નાયક અને અર્જુન કલાક જેટલું બેઠા અને અલક મલક ની વાતો કરી.. પછી પીનલ નો ફોન આવ્યો કે ટિફિન રેડી છે એટલે અર્જુને કોન્સ્ટેબલ સુરેશ ને ટિફિન લેવા મોકલ્યો. પીનલ ના હાથ માં જાદુ હતો એનું બનાવેલું જમવાનું લાજવાબ હોય એવું અર્જુન બધા ને કહેતો.. ટિફિન આવી ગયું એટલે નાયક અને અર્જુને સાથે મળી ભોજન ને ન્યાય આપ્યો અને પાછા કેબીન માં બેસી ગયા.

આમતો અર્જુન ને વાંચન નો શોખ નહોતો પણ અહીં બીજું કોઈ કામ નહોતું અને પીનલ ના સહવાસ માં આવ્યા પછી એના કહેવાથી અર્જુને પોલીસ સ્ટેશન માં જ પુસ્તકો નો ખડકલો કરી દીધો હતો અને ફ્રી ટાઈમ માં જુદા જુદા પુસ્તકો વાંચતો. અત્યારે પણ એ હરકિસન મહેતા ની "મુક્તિ બંધન"વાંચી રહ્યો હતો.. અને નાયક મોબાઈલ માં કેન્ડી ક્રશ ગેમ માં પોતાના વપરાયા વગર ના મગજ ને વાપરી રહ્યો હતો..

અચાનક એક કોન્સ્ટેબલ હાથ માં એક કવર લઈ અંદર આવ્યો.. અર્જુન ના હાથ માં એ કવર મૂકી ને એ બોલ્યો.

"સાહેબ ટપાલી હમણાં આ કવર આપી ગયો"

"કોનું છે આ કવર.. કોને મોકલાવ્યું?"અર્જુને પેલા કવર લઈને આવેલા કોન્સ્ટેબલ ને પૂછ્યું..

"ખબર નથી સાહેબ.. ઉપર કોઈ એડ્રેસ નથી.. "કોન્સ્ટેબલ એ કહ્યું..

"જા તું જઇ શકે છે"અર્જુને કહ્યું.. કોન્સ્ટેબલ અર્જુન ને સલામ કરી ને બહાર નીકળ્યો..

અર્જુને કુતુહલ પૂર્વક એ કવર જોયું.. લીલા રંગ ના એ કવર પર મોકલનાર વ્યક્તિ નું કંઈ નામ નહોતું.. અર્જુને કવર ખોલ્યું તો અંદર એક લેટર હતો.. જેને જોઈ અર્જુન ની બેતાબી આ લેટર ને વાંચવાની ઓર વધી ગઈ.. અર્જુન લેટર ખોલતો જ હતો એટલા માં પોલીસ સ્ટેશન માં લેન્ડલાઈન ની રિંગ વાગી..

"ટ્રીન ... ટ્રીન... ટ્રીન... ટ્રીન... "અવાજ સાંભળી અર્જુને લેટર સાઈડ માં મુક્યો અને ફોન નું રીસીવર હાથ માં લીધું..

"હેલ્લો કોણ.. ?"અર્જુને પૂછ્યું..

"સાહેબ... ખૂન... ખૂન... થઈ ગયું છે.. "સામે થી ડર ના માર્યા કાંપતો અવાજ સંભળાયો..

"કોનું ખૂન?.. અને કઈ જગ્યા એ?.. તમે કોણ બોલો?.. "અર્જુને ઉપરાઉપરી સવાલો નો મારો ચલાવ્યો..

"સાહેબ મારુ નામ તિલોક છે.. હું અત્યારે શહેર માં જે રેલ્વે સ્ટેશન ની પાછળ નો વિસ્તાર છે.. ત્યાં એક જૂનો ચબૂતરો છે એની બાજુ માં આવેલી ઝાડી ઓ આગળ થી હું વાત કરું છું. ઝાડીઓ માં ૨ જણા ની લોહી થી નીતરતી લાશો પડી છે... તમે જલ્દી આવો.. મને બહુ બીક લાગે છે..

"હું ૧૦-૧૫ મિનિટ માં આવું.. તું ત્યાંજ રહેજે.. ક્યાંય જતો નહીં. "અર્જુને આટલું કહી ફોન ને પોતાના મુળ સ્થાને મૂકી દીધો..

"સાહેબ કોનો ફોન હતો.. ??અને કોનું ખૂન થયું?"નાયકે ખૂન શબ્દ સાંભળ્યો ત્યાર થી એ બેતાબ બન્યો હતો શું બન્યું છે એ જાણવા.. !!

"એ બધી વાત પછી જણાવું.. તું જલ્દી એક ટીમ રેડી કર આપણે હમણાં જ નીકળવું પડશે.. "અર્જુને કહ્યું.

"ઓલ રાઈટ.. સર"આટલું કહી નાયક જલ્દી થી બહાર નીકળ્યો..

બહાર જઈ નાયકે ૩ કોન્સ્ટેબલ ને જોડે આવવા કહ્યું અને પછી જીપ ચાલુ કરી અને એસીપી અર્જુન ને બૂમ પાડી.. અર્જુન અત્યારે માથે પોલીસ ટોપી પહેરીને બહાર આવ્યો. ફિટ બોડી, આકર્ષક દેખાવ અને ક્લીન શેવ ચેહરા પર અણીયારી મૂછ એને હીરો જેવો લૂક આપી રહી હતી. અર્જુન ના જીપ માં બેસતા ની સાથે જ નાયક બધા ને લઈ નીકળી પડ્યો રાધાનગર શહેર માં બનેલા પેહલા ખૂન કેસ ની તપાસ કરવા.

***

કોણ હતું એ ઓવરકોટ પેહરેલ વ્યક્તિ? કબર ખોદી લાશ બહાર કાઢવા પાછળ એનો હેતુ શું હતો?અર્જુન ને મળેલા લેટર માં શું લખેલું હતું? એ લેટર કોને મોકલાવ્યો હતો? કોનું ખૂન થયું હતું અને કોને કર્યું હતું? આ બધા રહસ્ય જાણવા વાંચતા રહો ડેવિલ-એક શૈતાન નો નવો ભાગ આવતા મંગળવારે.. આ નોવેલ અંગે નો આપનો અભિપ્રાય મારા whatsup નમ્બર 8733097096 પર જણાવી શકો છો..

-જતીન. આર. પટેલ