Featured Books
શ્રેણી
શેયર કરો

તુ મુસ્કુરાયે વજાહ મે બનુ ભાગ-1

પ્રસ્તાવના

તે દિવસે બરોબર રાતના બાર વાગ્યે મને એક મૅસેજ મળ્યો, મેં ચૅક કર્યું તો તેમાં એક ડોક્યુમેન્ટ ફાઇલ હતી, હજી મેં ડોક્યુમેન્ટ ફાઇલ ઑપન નો’હતી કરી ત્યાં બીજો મૅસેજ મળ્યો, ‘મી. લેખક કઈ વિચારતા નહિ, આજે હું પુરા દિવસમાં તમને પાર્ટ વાઇઝ ઍક નૉવેલ મોકલીશ’ મેં તે ડોક્યુમેન્ટ ઑપન કર્યું અને…..

ભાગ-1

તુ મુસ્કુરાયે વજાહ મે બનું

પાર્ટ-1

(મને રાત્રે 12:00 વાગ્યે મળ્યો હતો)

તાપીમૈયાના આશિર્વાદથી જ્યાં લોકો હંમેશા મોજમાં જ રહેતા હોય, અબજો હીરાઓ ચળકાટ પામી દેશ વિદેશ સુધી પોતાની કિંમત વધારી રહ્યા હોય. આખા એશિયાખંડનું સૌથી મોટું કાપડ બજાર બારેમાસ વેપારીઓ અને કામદારોની મેદનીથી ગીચ રહેતું હોય, ડુમ્મસ, સુવાલી અને ઉભરાટના દરિયા લોકોને કુદરતી આનંદની અનુભૂતિ કરાવતા હોય, જલારામનો લોચો ને જોશીના ખાજા, મોહનની મીઠાઈ તો રાજાની લસ્સી, જ્યાં પ્રખ્યાત છે રાંદેરની આલુપુરી અને ગિતાંજલીના ગાયત્રીના ખમણ એવા હીરા, કાપડ અને ખાણી પીણી માટે વખણાતાં રંગીલા સુરતમાં બે દિવસ મન મુકીને વરસેલો વરસાદ આજ જાણે આરામ પર ઉતર્યો હોય એવું લાગે છે.

આકાશ એકદમ સ્વચ્છ બની ગયું છે અને સૂરજદાદાએ પણ જાણે આજ ખુશ થઇને દર્શન દીધા છે. સુરતના જકાતનાકા સિટિબસના બસસ્ટેન્ડમાં બેસીને એક છોકરો કોઈની રાહ જોઈ રહ્યો છે. વાઈટ પ્લેઇન ફોર્મલ શર્ટ, નીચે બ્લેક કલરનું ફોર્મલ પેન્ટ, ડાબા હાથમાં ફાસ્ટટ્રેકની વૉચ અને જમણા હાથમાં બાંધેલો કાળો દોરો, સ્ટાઈલિશ હેર કટ, બ્લૅક ગૉગલ્સ અને ફોર્મલ શૂઝ, હાથમાં રહેલો એનો મોબાઈલ પણ જાણે એની સાથે કોઈની રાહ જોતો એની આંગળી અને અંગુઠા વચ્ચે ફરી રહ્યો હતો. ક્લિન શૅવ અને ગાલ પર હોઠથી થોડેક દૂર એક કાળો તિલ.

ત્યાંથી પસાર થઈ રહેલા હર કોઈની નજર એક વાર તો આ વ્યક્તિ પર પડતી જ હતી અને કોઈ કોઈ છોકરીઓની નજર તો વારે વારે ત્યાં જ જતી રહેતી હતી. અરે ન ચાહવા છતાં પણ તેના માદક પરફ્યૂમની સ્મેલ એની તરફ જોવા માટે મજબૂર કરતી હતી.

આ એટ્રેકટિવ પરસન બીજું કોઈ નહીં મિત્રો પણ એ આપણા સહુનો પ્રિય હીરો મેહુલ જ હતો. જેને એક જ વર્ષમાં બધાના દિલમાં પોતાનું એક આગવું સ્થાન બનાવી લીધું છે. માત્ર 19 વર્ષની ઉંમરમાં top 50 માં બીજા ક્રમે આવવું એ કંઈ નાની માં ના ખેલ તો નથી જ. મેહુલે પોતાની વૉચમાં ટાઈમ જોયો. 11:37 AM થયા હતા.

મેહુલ જેની રાહ જોઈ રહ્યો હતો એ કોઈ એટલી ખાસ વ્યક્તિ ન હતી. એ હતી માત્ર મેહુલની સ્ટૉરીની વાંચક અને મેહુલના લખાણ ની ચાહક. પરંતુ આટલી બધી રાહ જોવાનું કારણ એક જ હતું કે મેહુલ તેને પહેલીવાર જ મળવા જઇ રહ્યો હતો. મેહુલ પોતાના મોબાઇલમાં લાસ્ટ ડાયલ નામ પર પાછો કૉલ કરે છે.

"હેલો મેઘા, ક્યાં છે યાર તું?! હું ક્યારનો રાહ જોઉ છું બકુ... "

સામેના છેડેથી એકદમ મીઠો અને મસ્તી ભરેલો અવાજ આવ્યો, જે સાંભળીને હંમેશા મેહુલના ચહેરા પર સ્માઇલ આવી જતી.

"સોરી સોરી... અરે બાબુ જસ્ટ 15 મિનિટમાં તારી સામે હાજર પાકું. ”

"હું મોબાઈલમાં ટાઈમ પાસ કરીને બોર થઈ ગયો છું, જલ્દી આવને હવે"

" આવું છું બકા, આવું જ છું. જરા ધીરજ ધરને વ્હાલા. આ ઓટો રીક્ષા છે. કઈ મારા પાપાનું પ્રાઇવેટ પ્લેન નહીં અને તને કોણ કહે છે કે ફોનમાં ટાઈમપાસ કર. એકવાર મારા સુરતમાં નજર તો ફેરવ... બહુ ઇન્ટરેસ્ટિંગ છે... કદાચ તને પણ કોઈ બાબતમાં ઇન્ટરસ પડી જાય... હાહાહાહા... "

"હા હવે બહુ ડાહી થયા વગર જલ્દી આવ"

"ઓકે... જસ્ટ વેઇટ એન્ડ વૉચ ફોર ફ્યુ મિનિટ્સ ડિયર, આઈ વિલ બી ઘેર, બાય"લહેકા સાથે કૉલ કટ થયો.

મેહુલ ફોન મૂકીને બહારની તરફ રસ્તા પર નજર કરે છે. રસ્તા પર નજર કરતા જ અચાનક જ મેહુલની નજર એક દ્રશ્ય પર અટકી જાય છે. એક ઘટના બને છે, આ ઘટના રસ્તા પર નહિ પણ મેહુલની આંખોમાંથી ઉતરી એના દિલમાં બને છે. જે કાંઈક આ મુજબ હતી.

અચાનક જ એક વાઇટ સ્વિફ્ટ ડિઝાયર સામેના રસ્તા પર આવીને ઉભી રહે છે અને તેની ડ્રાઇવિંગ સીટથી 23 કે 24 વર્ષની એક છોકરી બહાર નીકળે છે અને રોડની સાઈડમાં રહેલા એક ફુટ ઉંચા વૉક વૅ પર ચડે છે.

તે છોકરી ફોનમાં કોઈ સાથે વાત કરી રહી હતી. છોકરીનો પીઠનો ભાગ મેહુલ તરફ હોવાથી તે તેનો ચહેરોનથી જોઈ શકતો. છોકરીએ ડાર્ક બ્લ્યૂ બ્લાઉઝ અને ચણિયા પર સ્કાય બ્લ્યૂ કલરની ચૂનરી પહેરેલી હતી. જેમાં તે એક અપ્સરા જેવી જ લાગી રહી હતી. જમણા હાથમાં ડાર્કબ્લુ બંગડીનો ચુડલો અને વચ્ચેની આંગળીમાં શાહી વીંટી અને ડાબા હાથમાં સોનાનું એન્ટિક ઘડાઈનું બ્રેસલેટ પહેરેલું હતું. આંખો પર બ્લ્યૂ શાઇનવાળા ગોગલ્સ પહેરેલા હતા. પેટ પર પાતળી સાંકળીવાળો કમરબંધ વીંટાયેલો હતો જે તેની કમર અને પેટને વધારે આકર્ષક બનાવતો હતો. તેના વાળમાં સ્કાયબ્લ્યૂ કલરની હાઈલાઇટ્સ કરેલી હતી. જે એના કપડાં સાથે એકદમ મેચિંગ હતી.

તેણે કાનમાં લોન્ગ ઈયરિંગ પહેરેલા હતા, એનું ફિગર એકદમ પરફેક્ટ લાગતું હતું. ના કંઈ વધારે ના કંઈ ઓછું. વધારે ભરાવદાર પણ નહીં અને ઝીરો ફિગર પણ નહીં. જાણે ભગવાને સ્કેલથી માપી માપીને બનાવી હતી. ડાર્ક બ્લ્યૂ બ્લાઉઝમાં તેની પીઠ એકદમ વ્હાઇટ માખણ જેવી સોફ્ટ લાગતી હતી અને એની કમર જોઈને મજાલ છે કોઈની કે નજર હટાવી શકે. એકદમ લચકદાર. મેહુલના મને તો નામ પણ વિચારું લીધું. રસમલાઈ. ! હાહાહાહા... !

હજુ સુધી તે છોકરી આ બાજુ ફરી ન હતી એટલે એનો ચહેરો દેખાયો ન હતો પણ એ છોકરીને જોઈને મેહુલ અને મેહુલની બાજુમાં ઉભેલી બે છોકરીઓ એકસાથે બોલ્યા ‘વાઉવ’ પેલી છોકરી મેહુલને સંભળાયું એમ બોલી અને મેહુલ મનમાં... હાહાહાહા... !!!

એટલામાં પેલી બ્લ્યૂ બૅરી પાસે બે છોકરીઓ ચાલીને આવતી દેખાય અને અચાનક જ તેમની ચાલવાની ગતિ વધી જાય છે અને મેહુલના દિલની ધડકનની ગતિ વધી જાય છે. તે બંને છોકરીઓ સીધી પેલી રસમલાઈ તરફ ધસી આવે છે અને એક મોટી સ્માઈલ સાથે સીધી પેલી બ્લ્યૂ બૅરીને હગ કરી જાય છે. મેહુલને આશ્ચર્ય થાય છે.

મેહુલની બાજુમાં ઉભેલી બંને છોકરીઓમાંથી એક બોલી, "માનસી, આ જાનવી અને એ લોકો પેલી છોકરી પાસે આ રીતે કેમ ??!!!"

બીજી છોકરી"હેય ભૂમિ, જાનવી અને પૂર્વી આ રીતે એક જ વ્યક્તિને જોઈને આટલા ખુશ થઇ શકે... !"

"કોને?"

"અરે ગાંડી. આપણા ઑલ ટાઈમ ફેવરીટ મેડમ ને"

"હા યાર માનસી યું આર રાઇટ. મેડમ ઇસ ઘેર. ઉભી છે શું ચાલ જલ્દી... ” બંને છોકરી દોડીને રસ્તો ક્રોસ કરીને જાય છે અને પેલી રસમલાઈને પાછળથી ચીપકી જાય છે. પણ હજુ સુધી એનો ચહેરો નથી જોઈ શકાતો યાર.

મેહુલને સમજાય છે કે આ રસમલાઈ આ છોકરીઓની મેડમ છે અને મેહુલને પણ બે ઘડી એવું થાય છે કે કાશ હું પણ એમનો સ્ટુડન્ટ હોત.... !

મેહુલ તે લોકોને જુએ છે કે તેઓ એકદમ ખુશ થઈને વાતો કરી રહ્યા છે. પેલી બ્લ્યૂ બૅરી તો કેટલી ખુશ દેખાઈ રહી છે અને ખુલીને હસી રહી છે અને પછી છોકરીઓ સહજ સ્વભાવ એટલે કે સેલ્ફી લઈ રહી છે. એટલામાં જ મેહુલની નજીક બસ આવતા દેખાઈ, ત્યાંથી પેલી છોકરીઓએ પણ બસને આવતા જોઈ અને ત્યાંથી એના ઑલ ટાઈમ ફેવરિટ મેડમ તેની રજા લઈને આવતા દેખાયા. મેહુલની હદ તો ત્યારે થઈ જ્યારે એમાંથી બે છોકરીઓ એ પેલી રસમલાઈના ગાલ પર કિસ કરી.. હાહાહાહા... એક તો બહારથી આટલો ઉકળાટ હતો જ અને અંદરખાને આમ બળતરા થઇ ઉઠી.

મેહુલ ને થયું , ‘આજ જો આ મેઘા સાથે મુલાકાત ન હોત ને તો આ રસમલાઈ જોડે લિફ્ટ ના બહાને પણ વાત તો કરી ને જ રહત’ વાત કરવામાં તો મેહુલને કોઈ ક્યારેય પહોંચી શક્યું ન હતું.

એટલીવારમાં બસ આવી પહોંચે છે અને પેલી ચારેય છોકરીઓ હસતી હસતી બસમાં ચડી જાય છે. મેહુલને થાય છે કે ક્યાંક આ બસ આગળ જાય એ પહેલા પેલી બ્લ્યૂ બૅરી ન જતી રહે. એટલામાં મેહુલ ના ફોન પર કૉલ આવે છે અને રિંગટોન વાગે છે, એ દિલ હૈ મુશ્કેલની, ડિસ્પ્લે પર ક્યુટિપાઈ નામ સીન થાય છે. 'ક્યુટિપાઇ'એટલે મેઘા. મેહુલના ચહેરા પર સ્માઈલ આવે છે અને તે ફોન રિસીવ કરે છે.

સામેના છેડેથી અવાજ આવે છે, જે વાત સાંભળી ને મેહુલ સ્તબ્ધ થઈ જાય છે.

Part-2

(મને સવારે 7:37 વાગ્યે મળ્યો હતો)

મેહુલના ચહેરા પર સ્માઈલ આવે છે અને તે ફોન રિસીવ કરે છે. સામેના છેડેથી અવાજ આવે છે, “ત્યાં સામે ઉભા ઉભા જ નજર લગાવીશ કે હવે અહીં પણ આવીશ??!"

મેહુલ બે સેકન્ડ માટે સુન્ન થઇ જાય છે અને પછી અચાનક જ ઝબકારો થતાં કંઈ વિચારે એ પહેલા બસ ત્યાંથી જતી રહે છે અને મેહુલ સામેના રસ્તા પર જુએ છે તો પેલી રસમલાઈ કારની આ બાજુ આવી કારને ટેકો આપીને પાણી પીતી ઉભેલી હતી. એક હાથમાં પાણીની બોટલ હતી અને બીજા હાથે તે મોબાઈલ પર વાત કરી રહી હતી.

મેહુલ હજુ પોતાની સુધ બુધ ખોઈને બેઠો હોય એમ બાઘાની જેમ પેલી સામે જોયા કરે છે. ફોનમાં સામે છેડેથી પાછો અવાજ આવે છે "હવે ત્યાં આવીને હું તેડી જાવ કે તું જાતે આવી જઈશ??"

"હા.. આ.. આ... હા આવું છું" એટલું તો મેહુલથી માંડ બોલી શકાય છે અને બને છેડેથી ફોન કટ થાય છે.

પેલી બ્લ્યુબૅરી હસવા લાગે છે. મેહુલ તેને જોયા જ કરે છે. મેહુલ મનમાં બોલે છે, ‘એની માને આ રસમલાઈ બીજું કોઈ નહિ પણ મેઘા જ છે!!! હાહાહાહા આહા... !!!

મેહુલને બે ઘડી તો નાચવાનું મન થઇ ગયું પણ તે કન્ટ્રોલ કરીને તે રસ્તો ક્રોસ કરી સામેની તરફ ગયો, જ્યાં પેલી બ્લુબેરી એની રાહ જોઈ રહી હતી. રસ્તો ક્રોસ કરતા કરતા મેહુલ મનમાં તો નાચી જ રહ્યો હતો અને મનોમન ભોળાનાથને થેન્ક્સ કહી રહ્યો હતો, ‘આજ તો મતલબ તમે કમાલ જ કરી દીધી ભોળાનાથ. ’ જેને જોઈને મેહુલ દંગ રહી ગયો હતો એ બ્લુબૅરી એને મળવા આવવાવાળી એની cutie pie મેઘા જ હતી. મેહુલ રોડ ક્રોસ કરીને સામેની સાઈડ પહોંચ્યો જ્યાં પેલી બ્લુબેરી તેની રાહ જોતી હતી. હવે મેહુલ અને તેની એ રસમલાઈ વચ્ચે દોઢ ફૂટનું જ અંતર હતું.

રસમલાઈએ એના ગૉગલ્સ ઉતાર્યા અને મેહુલ સામે આંખ મિચકારી એક મસ્ત ડિમ્પલવાળી સ્માઈલ આપી હસવા લાગી. મેહુલ તો જાણે ભાન જ ભૂલી ગયો હતો એવી રીતે એની સામે જોયા જ કર્યો. આ એ જ આંખો હતી જે મેઘા એ વોટ્સએપ પર પહેલી જ વાર મેસેજ કરેલો અને મેહુલ જોડે વાત કરી ત્યારે તેના પ્રોફાઈલમાં જોયેલી અને ત્યારે પણ આમ જ જોતો રહી ગયેલો.

એકદમ નિર્દોષ, નિઃસ્વાર્થ, માસુમ, પારદર્શક અને હંમેશાની જેમ મસ્તી ભરેલી અને કાંઈક જાદુભરી. મેઘાની આંખો હતી જ નશીલી અને આજ ઉપરથી તેને નક્કી જ કર્યું હોય મેહુલને ઘાયલ કરવાનું એમ હની બ્રાઉન કલરના લેન્સ પેરેલા હતા અને બ્લ્યૂકલરની આઈ લાઈનર અને મોરપીંછ કલરની કાજલ કરેલી હતી, મજાલ છે કોઈની કે કોઈ નજર હટાવી લે કે તેની આ આંખોમાં ડૂબ્યા વગર રહી શકે.

મેહુલને શું બોલવું એ પણ સમજાતું ન હતું. આખરે રસમલાઈએ મૌન તોડ્યું અને હાથ લંબાવીને બોલી, "હાઈ, મેઘ".

મેહુલે સ્માઈલ સાથે હાથ લંબાવ્યો અને શૅકહેન્ડ કર્યું, ત્યાં તો મેહુલના શરીરમાંથી ધ્રુજારી પસાર થઇ ગઇ. મેહુલની જીભ તો જાણે સિવાય જ ગઈ હતી. મેઘા ફરી બોલી, "હવે કઈ બોલીશ કે આમ બાઘેશ્વરની જેમ જોયા જ કરીશ?"

"હાઈઈ, તું સાચે મેઘા જ છો?!"

આટલું સાંભળતા જ મેઘા ખડખડાટ હસી પડી અને મેહુલ એને હસતી જોવામાં પાછો ખોવાઈ ગયો. કેટલું નિર્દોષ હાસ્ય હતું એનું. એ ફોન પર પણ જ્યારે હસતી ત્યારે મેહુલને બહુ જ ગમતું અને આજ તો તેની સામે સાક્ષાત હતી. તેના કમાનાકાર હોઠ જેના પર અત્યારે મેઘાએ વાઈન કલરની મૅટ લિપસ્ટિક કરેલી હતી અને તેના હોઠની શોભા વધારવા કુદરત તરફથી મળેલી બક્ષિસ જેવા હોઠની ઉપર જમણી બાજુએ અને નીચે ડાબી બાજુ એક મસ્ત નાનકડા તિલ અને ગાલમાં પડતા ખંજન જે એની સામે જોયા જ કરવા માટે મજબૂર કરતા હતા. તેના સાઈડના દાંતમાં જે થોડી થોડી જગ્યા હતી એ જાણે ભગવાને બહુ વિચારીને રાખી હતી, જે એના હાસ્યમાં ચાર ચાંદ લગાવતી હતી. મેહુલને થતું હતું કે બસ મેઘા ને આમ જ જોયા કરું. મેઘાએ ચપટી વગાડી અને મેહુલનું ધ્યાન પોતાની તરફ કર્યું.

મેઘાએ કહ્યું, "પાગલ તને હજુ કોઇ ડાઉટ છે... !? તું બેસ કારમાં બધા ડાઉટ ક્લીયર થઇ જશે ચાલ. "

મેહુલ એને જોતો જ રહ્યો. કોઈ પણ તપસ્વીનું તપોભંગ કરવા માટે આ મેઘા કાફી હતી, અપ્સરા પણ ઝાંખી પડે જ્યારે એ હસે, જ્યારે એ બોલે, જ્યારે એ આંખો નચાવે. આમ વિચાર કરતા કરતા અને હસતા હસતા ડ્રાઇવિંગ સીટની બાજુની સીટમાં મેહુલ ગોઠવાયો. મેઘા પણ હસતી હસતી પોતાની જગ્યાએ બેઠી અને ગાડી ચાલુ કરી સાથે FM પણ.. FM ચાલુ કરતા જ ‘ઑકે જાનું’ મૂવીનું સોન્ગ આવ્યું, ‘ઇન્ના સોણા કયું રબને બનાયા. ’

એ સાંભળતા જ મેહુલના ચહેરા પર સ્માઈલ આવી ગઈ જાણે પોતે જ ફરમાઈશ કરી હોય આ સોંગની મેઘા માટે. સાથે જ મેહુલના મગજમાં એક ઝબકારો થયો ‘આ શું!? આખો દિવસ આ મેઘા ચણિયાચોલી પહેરીને મારી સાથે ફરવાની હશે?’ આમ વિચારતા વિચારતાં તેણે મેઘા સામે પ્રશ્નાર્થ નજરે જોયું.

મેઘાએ મેહુલ સામે જોયું અને બોલી, "પાગલ છો!? કોઈ આખો દિવસ આવા કપડાં પહેરીને ફરે?"

મેહુલની તો આંખો ફાટી ગઈ કે આને કેમ ખબર કે હું એજ વિચારી રહ્યો હતો!!

“અરે યાર કેટલું વિચારીશ હવે. કોઈપણ હોય એને સ્વાભાવિક છે કે પહેલો સવાલ આ જ થાય. "એમ બોલી ને મેઘા મંદ મંદ હસી રહી હતી. ત્યાં જ તેને ગાડીને અચાનક બ્રેક મારી.

મેઘાએ ગાડી બંધ કરી અને પોતાનું પર્સ લઇ બહાર નીકળતા બોલી, " ચાલ બકા"

મેહુલે બહાર આવીને જોયું તો પેન્ટાલૂન્સનો શૉરૂમ હતો. મેહુલ અને મેઘા બંને અંદર ગયા. ત્યાં બંને લેડિઝ ડિપાર્ટમેન્ટમાં ગયા ત્યારે મેહુલને ખબર પડી કે મેઘા કપડાં ચેન્જ કરવા માટે શોપિંગ કરવા અહીં આવી છે. મેહુલના મોતિયા મરી ગયા. તે મન માં બોલી રહ્યો હતો 'એ ભોળાનાથ મેં આ છોકરીના ફોટા જોયા છે અને એમાં એના નખરા પણ. આ એના કાન્હા જેવી જ છે. હવે અહીં પેન્ટાલૂન્સમાં એક કલાક પાકી. કારણ કે છોકરીઓની શોપિંગ એટલે બધું ખતમ'. મેહુલ હજુ આટલું વિચારે ત્યાં તો એક બ્લ્યૂ ફંકી જીન્સ અને બ્લૅક કલરનું પ્યોરનું લોન્ગ કુર્તુ લઈને મેઘા ટ્રાયલરૂમ તરફ જઈ રહી હતી.

મેહુલ મનમાં કહેવા લાગ્યો , 'ઓહ ગોડ... હવે ચાલુ આનું. હવે એક પછી એક ખબર નહીં કેટલા કપડાં ટ્રાય કરશે ભોળાનાથ બચાવજો'.

થોડીવારમાં મેઘા બહાર આવી. એને જોઈને મેહુલને જટકો લાગ્યો.. જેટલી એ સજેલા શણગારમાં શોભતી હતી તેટલી જ એ આ સિમ્પલ લુકમાં પણ સુંદર લાગતી હતી. પ્યોરના એ આછા કુર્તામાંથી એની પેટ અને કમર દેખાતી હતી. તેની નાભિ પાસેનો તિલ તો મેહુલને પાગલ કરતો હતો.

બહાર આવીને મેઘાએ ત્યાં સર્વિસમાં રહેલી એક ને પૂછયું... "એક્સકયુઝ મી મૅમ, વેર ઇઝ વોશરૂમ?” પેલી લેડીનો જવાબ મળતા મેઘા મેહુલની સામે જોઈને બોલી" મેહુલ, આઈ વિલ જસ્ટ કમ બૅક, હું ફેસવોશ અને મેકઅપ ચેન્જ કરી ને આવું"

"ઑકે. "મેહુલ સ્માઈલ સાથે આટલું જ બોલ્યો અને પછી મનમાં કહ્યું, "કપડાં તો જલ્દીથી ચેન્જ કરી લીધા પણ મેકઅપ!!!! એમાં તો કોઈ છોકરી ઉતાવળ કરે જ નહીં. મરી ગયો મેહુલ તું તો. બેસો હવે અડધી કલાક આરામ થી. "મેહુલ એના મોબાઈલમાં વ્યસ્ત થયો ત્યાં સાત મિનિટમાં મેઘા બહાર આવી અને મેહુલ પાસે આવીને કહ્યું... "જઈએ?"

એ સાંભળતા અને મેઘાને જોતા મેહુલને બીજો જટકો લાગ્યો. તેણે આંખોમાં ડાર્ક બ્લૅક આઈ લાઈનર અને કાજલ કરેલું હતું. ડાર્ક પિચ કલરની મૅટ લિપસ્ટિક.. બીજો કોઈ જ મેકઅપ નહીં. ચહેરો તો ભગવાને ચાંદ કરતાં પણ તેજસ્વી આપ્યો હતો... જેને કોઈ ક્રિમ કે ફાઉન્ડેશનની જરૂર ન હતી. તેના ગાલ એટલા સોફ્ટ હતા કે સ્પર્શ કરતા પણ લાલ થઇ જાય. એકદમ બોલ્ડ લાગતી હતી મેઘા આ સિમ્પલ લૂકમાં. એક ત્રાંસી નજર કરી સ્માઈલ સાથે મેહુલ મનમાં બોલ્યો, "શી ઇસ અનબિલિવેબલ યાર... આટલી જલ્દી!!!. "

મેહુલને કોઈનો કૉલ આવ્યો એટલે એ વાત કરવા શોરૂમની બહાર નીકળ્યો અને વાત કરવા લાગ્યો. મેઘા જેન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં ગઈ અને ત્યાંથી એક બ્લૅક જીન્સ અને ગ્રે ટીશર્ટ લઇને શોપકીપરને પેક કરવા માટે આપ્યા. મેઘાએ બિલ પૅ કર્યું અને બન્ને ત્યાં થી નીકળ્યા.

કાર પાસે પહોંચીને મેઘાએ કારની પાછળની સીટમાં બેગ્સ મૂકી અને પોતાના સેંડલ કાઢીને બ્લૅક કલરની હિલ્સ પહેરી. મેહુલ ફોનમાં વાત કરતો કરતો એને જોતો જ રહ્યો. બન્ને પોતાની સીટ પર ગોઠવાયા ત્યાં સુધીમાં મેહુલનો કૉલ પણ પૂરો થયો. ગયાડી આગળ ચાલવા માંડી અને અચાનક જ..... )

***

Part-3

(મને બપોરે 12:50 વાગ્યે મળ્યો હતો)

બન્ને પોતાની સીટ પર ગોઠવાયા સાથે મેહુલનો કૉલ પણ પૂરો થયો. ગાડી આગળ ચાલવા લાગી અને અચાનક જ FM ચાલુ કરતા આવ્યું, ‘જગ ઘૂમીયા થારે જેસા ના કોઈ’ મેહુલ ફરી હસવા લાગ્યો.

મેહુલે વૉચમાં ટાઈમ જોયો તો એક વાગવા આવ્યો હતો. મેઘા અને મેહુલ વાતો કરતા કરતા સ્ટેશન તરફ આગળ વધી રહ્યા હતા.

"હવે તું કહીશ કે આ ચણિયા ચોલી ના નાટક શું હતા? કે પછી આ લેખકને ઈમ્પ્રેસ કરવા માટે હતો આ અપ્સરાનો શણગાર ?!" એમ કહી મેહુલે મેઘા સામે આંખ મારી. મેઘાએ મેહુલ સામે જોઈ આંખો નચાવી અને પછી ડ્રાઇવિંગ પર ધ્યાન આપતા કહ્યું, "એક જાપટ પડશે ને લેખક મહાશયને તો એની બધી હેકડી નીકળી જશે. "હજુ મેઘાનું વાક્ય પૂરું થાય ત્યાં જ મેહુલ અચાનક જ બોલી પડ્યો, " ઓ તેરી!!, સાવ ભૂલી જ ગયો યારરરરર. બહુ કરી. કેમ ભૂલી શકાય મારાથી એ” “અરે અરે... !! મેઘાએ કહ્યું, " એ વ્હાલા કેમ એટલો બધો ટેન્સનમાં આવી ગયો? શુ ભૂલી ગયો?બોલને અહીં મળી જશે યાર. ડૉન્ટ વરી. "

મેહુલે કહ્યું, "તો ઠીક છે આગળ ક્યાંય લેમીનેશન વાળાની દુકાન આવે તો ગાડી ઉભી રાખજે તો મારે લેમીનેશન પેપર લેવું છે. "અને મેઘા સામે જોઈ ને હસવા લાગ્યો. મેઘાએ મેહુલને હાથ પર એક ચમાટ મારી અને કહ્યું, "ભૂતડા તને તો સાચે બહુ મારવાની જરૂર છે. " મેહુલ પોતાના ફ્લર્ટીંગ અંદાજમાં પોતાના હાથ પર હાથ ફેરવીને બ્લશ કરવા લાગ્યો અને કહ્યું, "હાયે... કેટલા વર્ષો જૂની મનોકામના આજ પુરી થઈ. થેન્ક્સ ભોળાનાથ.. થેન્કયું સો મચ"

મેઘાએ હસતા હસતા કહ્યું, "બસ હવે ડોફા, નાટક બંધ કર તારા નહી તો હજુ એક તમાચો પડશે અને સાંભળ, ચાલ પેલા કંઈક જમી લઈએ યાર મને બહુ જ ભૂખ લાગી છે. અને તું પણ તો સવારનો ભટકે છે. પેલા પેટ પૂજા કરીએ પછી ક્યાં જવું એ વિચારશું. "

મેહુલે થોડું ફિલ્મી સ્ટાઇલ માં કહ્યું, " જો હુકુમ રાની સાહીબા"

મેઘાએ ત્રાંસી નજરે મેહુલ સામે જોયું અને બંને હસવા લાગ્યા. ત્યાંથી બંને અવધ રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા. વરસાદી વાતાવરણ અને પાછો બપોરનો સમય હોવાથી બહુ ટ્રાફિક ન હતું . એકદમ શાંત વાતાવરણ હતું રેસ્ટોરન્ટ નું. બંને એક કોર્નરના ટેબલ પર બેઠા. મસ્ત ધીમું ધીમું મ્યુઝિક વાગી રહ્યું હતું. મેઘાએ મેનુકાર્ડ મેહુલ તરફ કરતા કહ્યું, ”ટુડે યુ આર માય ગેસ્ટ સો પ્લીઝ ઓર્ડર ઍઝ યુ લાઈક”

મેહુલે કહ્યું, " એ ચાપલી આવા બધા ડાહ્યાવેળા તને નથી શોભતા એટલે તારી ફોર્મલિટી બંધ કર અને અહીંની જે ફેમસ ડિશ હોય એ ઑર્ડર કર"

મેઘા હસવા લાગી અને બોલી, "કોઈએ સાચું કહ્યું છે ગધેડાને ગુંધરી ન હોય એમ તને પણ મહેમાનનવાઝી ન હોય. "

"હા હો ભલે ચંપા" બંને હસવા લાગ્યા.

મેઘાએ કહ્યું, " ઠીક છે ચાલ તો અનલિમિટેડનો જ ઓર્ડર કરું એટલે મજા આવશે. "મેઘાએ ઓર્ડર કર્યો અને વેઈટર મિક્સ બીન્સ સૂપ સર્વ કરી ગયો. ત્યારબાદ સ્ટાટર્સમાં ચીલી પોટેટો, નૂડલ્સ, હરા ભરા કબાબ અને પાસ્તા સર્વ થયા. બંને વાતો કરતા કરતા અને હસતા હસતા જમવાની મજા લઇ રહ્યા હતા. મેઘાએ કહ્યું , " હા તો મિસ્ટર તમે શું પૂછતાં હતાં કે આ ચણિયાચોલી ના શું નાટક હતા એમ ને!!!”

"હમમ"

"બકા એમાં એવું હતું કે હું ઘરે મમ્મીને એવું કહીને નીકળી છુ કે આજ મારી ફ્રેન્ડની સગાઈ છે અને આજે આખો દિવસ અમે બધી ફ્રેન્ડ્સ મોડે સુધી સાથે ફરવાના છીએ. આખો દિવસ બહાર રહેવું હતું એટલે કંઈક સોલિડ બહાનુ જ કાઢવું પડે ને બકા. એટલે ફ્રેન્ડની સગાઈનું ગપ્પુ માર્યું અને તેના કારણે મારે ચણિયાચોલી પહેરીને આવવું પડ્યું. તો સમજ્યા મિસ્ટર બુધ્ધુ. "

મેહુલે ત્રણ તાળી પાડી અને મેઘાના આઈડિયાને માન આપ્યું અને બંને હસવા લાગ્યા. મેઘાને જોઈને મેહુલ વિચારતો હતો કે 'યાર આ બીલ્લુ(મેઘા)ને હું ફર્સ્ટ ટાઈમ મળી રહ્યો છું. પરંતુ એવું જરાય લાગતું જ નથી કે અમે ફર્સ્ટ ટાઈમ જ મળ્યા છીએ. કેટલી અનોખી, કેટલી બિન્દાસ છે. એકદમ આસાનીથી કોઈની પણ સાથે હળીમળી જાય એવી છે. એનામા કોઈ વાતનું અભિમાન પણ જરાય નથી દેખાતું. અને તેનું વર્તન પણ કોઈ હાઇફાઈ છોકરી જેવું નથી. જ્યારે એ હાઇફાઈ ફેમિલીમાંથી બિલોન્ગ કરે છે છતાં પણ કેટલી ડાઉન ટુ અર્થ છે. લવલી યાર.. 'ત્યાર પછી મેઈનકોર્સમાં વેજ તુફાની અને ચીઝ પનીર મસાલા સાથે ગરમા ગરમ કુલચાનો બંને લૂફત ઉઠાવી રહ્યા હતા.

મેઘાએ કીધું, " મેહુલ શરમાતો નહીં હો વ્હાલા. સુરત બહુ મોટું છે ફરવા માટે બહુ એનર્જી જોઈશે. "

મેહુલે વળતો જવાબ આપતા કહ્યું, "હા હો મારી વ્હાલી, નહીં જ શરમાવ કારણ કે મને કોઈ મહાન વ્યક્તિએ કહ્યું છે કે જે એના પેટનું સારું ન કરે એ કોઈનું ન કરે. એટલે હું તો દબાવીને જ જમવાનો છું. ચિંતા ના કર. "

"ઓહ જેણે પણ કીધું એને સાચે જ સાચું કીધું છે. બહુ મહાન લાગે છે એ કેહવા વાળા. "

"હા હો બહુ જ, વાત જ જવા દે એનો તો મહીમા અપરંપાર છે બકુ"

"એક જાપટ મારીશ ને મેહુલિયા તો તારી બધી વાયડાઈ અહીં જ રહી જશે. હા મેં જ કીધું'તું તને એવું. મને યાદ છે પણ એમાં કાઈ ખોટું થોડી કિધેલું યાર. "

"અરે, બકુ હું તો મજાક કરું છું"

"હમમમમમ તો ઠીક. "

"હમમ એજ ને યાર મજાક કરું છું એટલું પણ નહી સમજતી, તું કઈ મહાન બહાન નથી. ખોટા વહેમમાં ન રહેતી હો. "મેહુલની વાત સાંભળી મેઘા એ મેહુલ સામે ખોટો ગુસ્સો કરી નાક ફુલાવ્યું અને મોં મચકોડી કહ્યું, "બહુ સારું હો ડાહ્યા. " બંને સ્માઈલ કરવા લાગ્યા.

આખરમાં બંનેએ ચોકલેટ આઈસ્ક્રીમ પૂરું કર્યું ત્યાં બિલ આવ્યું. મેઘાએ બિલ મેહુલ તરફ ધકેલ્યું અને ત્રાંસી ડોક કરી ને સ્માઈલ કરી.

મેહુલે કહ્યું, "હવે આમાં કંઈ મહેમાન જેવું નહીં આવતું તારે બિલાડી?"

મેઘાએ ડચકારો બોલાવીને ના પાડી હસવા લાગી. મેહુલે બિલ પૅ કર્યું અને વેઈટરને ટીપ આપી. બંને ફરી ગાડીમાં આવીને બેઠા. મેઘાએ કાર ચાલુ કરી. સાથે સોંગ પણ સ્ટાર્ટ થયાં.

મેઘાએ એમ. એસ. ધોનીનું નું જબ તક સોંગ ચાલુ કર્યું અને બંનેના ચહેરા પર ફરી એક મસ્ત સ્માઈલ આવી ગઈ. ગાડી સ્ટેશન થઈને રિંગરોડના બ્રિજ પર દોડવા લાગી.. ઘડિયાળમાં સમય થયો હતો 2:39 pm.

અઠવાગેટ પાસે પહોંચતા મેઘાનું ફેવરિટ સોંગ આવ્યું. બમ ડિગી ડિગી. મેઘા ડોલવા લાગી અને વાતો કરતા કરતા બંને અઠવાગેટ પાસ કરીને પીપલોદ રોડ પર આગળ વધ્યા. મેહુલ કંઈક વિચારી રહ્યો હોય એવું મેઘાને લાગ્યું અને જાણે સમજી ગઈ હોય એમ પોતે પણ થોડી ગંભીર થઇ ગઈ અને કંઈ જ બોલ્યા વગર કારને લેકવ્યુ ગાર્ડનના આગળના સર્કલથી રાઇટ સાઈડ ફ્લોરલ પાર્ક તરફ વાળી અને અચાનક બ્રેક મારી. મેહુલને અચાનક કાર સ્ટોપ કરવાનું રિઝન સમજાયું નહીં. તેને મેઘા સામે જોયું. મેઘાએ તેને સ્માઈલ આપ્યા વગર જ કંઈક કહ્યું અને આંખના ઈશારે જ તેની સાઈડથી બહાર જોવા કહ્યું. મેહુલે બારી તરફ ચહેરો કર્યો ત્યારે કાન પાસે આવીને મેઘાએ કંઈક કહ્યું, જે સાંભળી અને જોઈને મેહુલની આંખો ખુલ્લી જ રહી ગઈ.

(ક્રમશઃ)

આ બધા પાર્ટ મને સમયના અંતરે મળેલા અને બીજો પાર્ટ ક્યારે આવે તેની રાહમાં પૂરો દિવસ હું બેચેન રહ્યો હતો. કોણ હતું એ?, શા માટે મને આમ પાર્ટ વાઇઝ સ્ટૉરી મોકલી રહ્યું હતું?, આગળ શું થયું હશે?, બધું જાણવા આગળના ભાગની રાહ જોવી પડશે.

એક વિચાર બધાને આવ્યો હશે, માતૃભારતીમાં સ્ટૉરી પબ્લિશ કરવા માટે તેણે મને આ સ્ટૉરી આપી હશે, પણ ના માતૃભારતી પર સ્ટોરી અપલોડ કરવાનો વિચાર મારો છે અને એનું કારણ છેલ્લે ખબર પડશે. ત્યાં સુધી વિચારતા રહો આગળ શું થયું હશે.

- Mer Mehul