ક્રિમિનલ માઈન્ડ Dr.Chetan Anghan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ક્રિમિનલ માઈન્ડ

ક્રિમીનલ માઈન્ડ

"તું વાત ગોળ ગોળ ના ઘુમાવ, વાત માં મોણ નાખ્યા વગર સીધી વાત કર." પી. એસ. આઈ પટેલે ખબરી નાથુ ને સહેજ ખિજાયેલા સ્વરે કહ્યું. પી. એસ. આઈ પટેલ પોતાની લાલટાવર ચોંકી માં બેઠા હતા, સાંજ નો સાત નો સમય હતો અને એના મોબાઈલ ફોન ની રિંગ વાગી, સ્ક્રીન પર નામ નાથુ ખબરી નું હતું, પટેલ ને થયું કે કોઈ લટકતા કેસ ની માહિતી હાથ લાગી હશે એટલે જણાવવા ફોન કર્યો હશે પણ વાત કંઈક અલગ જ હતી.

"સાહેબ! ગોળ, ચોરસ કે ત્રિકોણ જે આકાર આપવો હોય તે તમે આપી દેજો પણ હું તો તમને માહિતી આપી દઉ છું. "

"ઇન્ફોર્મેશન પાક્કી છે ને?" પટેલે ફરી કન્ફર્મ કરતા પૂછ્યું

***

ઘેરા અંધારા માં વીંઝાતો પવન અંધારા ને વલોવી ને વધારે ઘેરો બનાવી રહ્યો હતો, મંદિર ની પાછળ ની નદી કિનારાનો વગડો સુનસાન હતો, ખોબા જેવડું નાનું ગામ વિજાપુર, ગામ ને છેડે ખળખળ વહેતી રળિયામણી નાની નદી, નદી ના કિનારે નાનું પણ સુંદર પૌરાણિક મહાદેવ નું મંદિર, મંદિર માં સંત જેવા સંતોષી જીવ વાળા પૂજારી મૂળજીબાપુ અને એની પત્ની સુનંદા છેલ્લા ત્રીસ-પાંત્રીસ વર્ષ થી પૂજા કરે અને ગામ લોકો દાન માં જે આપે એમાં ગુજરાન ચલાવે. એના ધર્મ પ્રત્યે નું ઊંડાણ અને વાત કરવાની સાહજીકતા થી પ્રભાવિત થઇ ને ગામ લોકો મુળજીબાપુ પાસે વારે તહેવારે સત્સંગ કરવા આવતા. ચારેક વર્ષ પહેલા ક્યાંક થી અઘોરી સાધુ અહીં આવી ચડેલા, આવ્યા ત્યારે બીમાર હતા, ગામ લોકો એ અને મુળજીબાપુ એ એની ખુબ સેવા કરી ને એને સાજા કરી દીધેલા, એને આગળ જવાનું હતું કે કેમ એતો કોણ જાણે પણ ગામલોકો ના અહોભાવ માં એણે ત્યાંજ કાયમી વસવાટ કરી નાખેલો, એ પણ મૂળજી બાપુ સાથે રહેવા લાગેલા. પૂજા માં મદદ કરે ને સાથે રહે. એ ગામ માં નટુબાપુ તરીકે જાણીતા થઇ ગયેલા.

નદી ના પટ અને મંદિર વચ્ચે ની ખુલ્લી પડતર જમીન માં આંકડા અને બાવાળીયા ઉગી નીકળેલા. આ પડતર જમીન એટલે લુખ્ખા, મવાલી, દારૂડિયાઓ, જુગારી, નવરાઓ નો અડ્ડો. 'ગામ હોય ત્યાં ઉકરડો હોય જ' એ કહેવત મુજબ આ ગામનો કચરો સાંજ થાય ત્યારે અહીંયા જમા થતો. આજે રાત ના દસેક વાગ્યા હશે. મંદિર માં કોઈ નહોતું ને નટુબાપુ રોજ ના નિત્યસમયે મંદિર ના બારણાં બંધ કરવા આવેલા એમાં મંદિર ની પછીત ની દીવાલે ચાર મિત્રો વચ્ચે સંવાદ થતો હતો, વાત પર થી સમજી ગયેલા કોઈ કાંડ થવાનો છે.

"એલા સંજયા! જો આપણે પ્લાન બનાવવો પડશે, કાચું કપાય જાય તો તકલીફ પડશે અને પછી લેવાના દેવા થઇ જશે, " રાજુ સંજય ને કહી રહ્યો હતો. ત્યાં બાજુ માં બેઠેલો અનીલ બગડ્યો"એલા સંજય! તે માહિતી તો બરાબર મેળવી લીધી છે ને કે માલ ક્યાં છે?"

"મારા ભાઈઓ! ધીરજ રાખો! મેં પાક્કી માહિતી મેળવી લીધી છે માલ ક્યાં છે, કેટલો છે અને કેટલા રૂપિયા છે, કેટલું સોનુ છે. અને તમને તો ખબર છે પાક્કી ઇન્ફોર્મશન ના હોય ત્યાં સુધી આ સંજયો એક ડગલું આગળ ના વિચારે. " સંજય એ આત્મશ્લાઘા કરી.

"તો આપણે ક્યાર નું ગોઠવવું છે?, કઈ વિચાર્યું છે?"ખુબ જ શાંત રહેતો ગોવિંદ બોલ્યો.

"જો ભાઈઓ! આપણને કંઈ ઉતાવળ નથી, આપણે ધીરે ધીરે માહિતી મેળવતા રહીએ, જે દિવસે મોકો મળે એટલે લાગ જોઈ ચાંપો મારીશું" સંજય અનુભવી ગુનેગાર ની જેમ વાત કરતો હતો.

" ચાલો તો પછી આપણે છુટા પડીએ અને બે દિવસ પછી પાછા અહીં મળીશું અને આગળની માહિતી અને પ્લાન વિષે ચર્ચા કરીશું" ગોવિંદ જાણે કોઈ મોટા પ્રોજેક્ટ ની યોજના બનાવતો હોય એમ બોલ્યો. બધા એ એની વાત માં સહમતી આપી છુટા પડયા. નટુબાપુ પણ સાંભળી ને આભા થઇ ગયા, તેણે બે દિવસ પછી ફરી આવવાનો નિર્ણય કર્યો.

***

"હા બોલો ઇન્સપેક્ટર અજિત ક્યાં પહોંચ્યા?" કોલ રિસીવ કર્યો એટલે ઇન્સપેક્ટર પટેલે પોતાના ખુફિયા કેસ વિષે સીધુ જ પૂછી લીધું.

"સાહેબ, ખીચડી હજુ મૂકી છે, સમય આવે પાકશે"

"ખીચડી પાકવી જ જોઈએ, ઇન્ફોર્મેશન પાક્કી છે, કઈ કાચું કપાયું તો ખાખી ના સન્માન પર આંચ આવશે.

"ડન સર!અમે જીજાન લગાવી દઈશું, આરોપી પિંજરા ના સળિયા ગણવા માંડશે. "

"થેટ ઇઝ ધ સ્પિરિટ મેન, કિપ ઈટ અપ"કહી ને પટેલ એ ફોન મૂકી દીધો.

***

બે દિવસ પછી ફરી પેલા ચાર મિત્રો મંદિર ની પછીતે ભેગા થયા, નટુબાપુ પણ રાહ જોઈને જ બેઠા હતા.

"સાંભળો ભાઈઓ! શેઠ શેઠાણી આગલી અગિયારસે કંઈ જાત્રા એ જવાના છે અને પાંચ દિવસ પછી પૂનમેં આવવાના છે. ઘરમાં દીકરો અને એની વહુ જ ઘરે હશે, આ પાંચ દિવસ દરમિયાન જો દીકરો ને વહુ ક્યાંક બહાર જાય તો આપણું કામ થઇ જાય. " સંજય માહિતી લઇ આવ્યો

"પણ તું કયા શેઠ ની વાત કરે છે એ તો કહે?" રાજુ એ પૂછ્યું.

"નામ નું શું કામ છે, એ સમય આવે જણાવી દઈશ" સંજય બોલ્યો

"ત્યાં માલ કેટલો છે અને આપણે કઈ રીતે માલ મેળવવો છે એતો કહે?"

"શેઠ ના ઘર માં કોઈ ના હોય ત્યારે એના ઘર ની પાછલી દીવાલે બારી છે એ લોખંડ ની ગ્રીલ તોડી ને પ્રવેશવાનું અંદર લાકડા ના કબાટ માં તિજોરી છે એ તોડી ને પૈસા અને સોનુ લઇ ને નીકળી જવાનું" સંજય એ માહિતી આપી.

"માલ કેટલો છે?" અનીલ એ પૂછ્યું

"દસેક લાખ રોકડા અને ચાર-પાંચ લાખ નું સોનુ હશે. " સંજયે કહ્યું

"આ ગ્રીલ, કબાટ અને તિજોરી કોણ અને કેવી રીતે તોડશે?"

અનીલે આદતવશ પ્રશ્નો ની જડી વરસાવી દીધી.

"ગ્રીલ આપણે શીણી થી તોડી પાડીશુ અને કબાટ અને તિજોરી ની ચાવી રતના પર છોડી દેશું. " સંજયે કહ્યું. રતન ગામ નો ડુપ્લીકેટ ચાવી બનાવવાનો ધંધો કરે છે અને સંજય નો દોસ્ત છે.

"સંજયા!પણ ઓરીજીનલ ચાવી વગર ડુપ્લીકેટ ચાવી કેમ બનાવીશું?" રાજુ એ પૂછ્યું

"તેના માટે મેં શેઠ ના નોકર રઘુ ને ફોડવાનો નિર્ણય કર્યો છે" સંજય પૂરતી તૈયારી કરી ને આવ્યો હતો.

"પૈસા હાથ માં આવ્યા પછી તેનું શું કરવાનું?"ગોવિંદે મન ની મૂંઝવણ રજુ કરી.

"પૈસા ગભાકાકા ની વાડી ની પાછળ નહેર ના ખાડા માં દાટી દઈશું. એ પછી આપણે ગામમાં પોતપોતાનું કામ ચાલુ રાખીશું. પોલીસ તપાસ દરમિયાન પૂછપરછ માં બધા કોઈ સરસ બહાનું બતાવી દઈશુ. બધાએ બહાનું સરસ બનાવવાનું. અને કદાચ અલગ સ્ટેટમેન્ટ લે તો આપણે એક સરખી જ વાત થવી જોઈએ. કેટલાક મહિનાઓ પછી બધા ચોરી ભૂલી જાય અને પોલીસ ફાઇલ બંધ કરી દે પછી આપણે પૈસા અને સોનાનો ભાગ પાડી લઈશું. ” સંજયે પોતાની કેફિયત રજુ કરી.

“તો પછી આપણે પાછા ચાર દિવસ પછી સોમવારે મળીએ એ ત્યાં સુધી માં ઘટતી બધી જ તૈયારી પુરી કરી દઈએ. રઘુ ને મળી લઈએ, ગભાકાકા ની વાડી ની પાછળ ની જગ્યા જોઈ લઈએ. ”ગોવિંદ શાંતિથી બોલ્યો.

નટુબાપુ એ વાત સાંભળીને મનોમન વિચારવા લાગ્યા કે આ ક્યા શેઠ ની વાત કરતા હતા, ગામના લગભગ બધા શેઠ ને નટુબાપુ ઓળખતા હતા, અંતે સોમવારે પાછા આવી ને વાત સાંભળવાનો નિર્ણય કરી ને નટુબાપુ ઘર તરફ વળ્યાં.

***

નટુબાપુ ચાંપતો પહેરો રાખતા હતા, રોજ મંદિર ના દરવાજો વહેલો બંધ કરવા આવે અને મોડે સુધી બેસે. સંજય કે એના સાથીઓ આવે એની રાહ જોતા હતા. સોમવારે સંજય ને મંદિર ની પછીતે સૌથી પહેલા આવ્યો, થોડીવાર આમતેમ આંટા માર્યા, પછી અનીલ, ગોવિંદ અને છેલ્લે રાજુ પણ આવ્યો.

નટુબાપુ બરાબર ધ્યાન રાખીને બેઠા હતા, બધાની વાત બરાબર સંભળાય અને તે લોકો જોઈ ના શકે તેમ બેઠા હતા.

"જો ભાઈઓ બધી તૈયારી થઇ ગઈ છે, શેઠ નો દીકરો અને એની વહુ કોઈ કામે બહાર જવાના છે, આપણે તે સમયે હાથ મારીએ. "સંજયે પ્રશ્નસૂચક નજરે બધાની સામે જોયું.

"સંજય! આમાં આપણી કોઈ ભૂલ થાય તો આખી જિંદગી જેલમાં જ વિતાવવી પડે" અનીલે બૉમ્બ ફોડ્યો.

"અલા અનીલ! આપણે બધી માહિતી મેળવીને તો કામ કરીયે છીયે, તો ભૂલ થવાની શક્યતા જ ક્યાં છે?" સંજયે બચાવ કર્યો.

"તોપણ આપણે ક્યારેય કોઈ કામ કર્યું જ નથી માટે અનુભવ વગર આપણે કોઈ ભૂલ કરીયે એ શક્યતાઓ વધારે છે"રાજુ એ કહ્યું

"તો હવે શું કરવું છે?"

" હવે કાંતો કોઈ અનુભવી ને સાથી બનાવી લેવાનો અથવા આ પ્લાન કેંસલ. "

"એવું કોણ હશે?, હું તો કોઈ ને ઓળખતો નથી અને પૂછવુ'ય કોને ? કોઈ ને પૂછવા જતા વાત નો ફજેતો થાય એ અલગ. "

"ભાઈઓ! આપણે આમાં નથી પડવું, આ આપણો ખેલ નહિ" ગોવિંદે હથિયાર હેઠા મૂકી દીધા. "ઓકે! આ પ્લાન આપણે કેંસલ કરી દઈએ. "રાજુએ કહ્યું.

નટુબાપુ બધી વાત સાંભળતા જ હતા, અચાનક બાપુ મંદિર ની પછીતે આવ્યા, બધા મિત્રોએ બાપુ ને જોઈ પ્રણામ કહ્યા, પછી વાત ને ફેરવતો હોય તેમ સંજય બોલ્યો “ બાપુ કેમ આ બાજુ?, અમે તો મિત્રો ઘણીવાર અહીંયા આમ જ મળવા આવીએ છીયે”

નટુબાપુ થોડા શાંત રહ્યા પછી બોલ્યા " શાની ચર્ચા ચાલતી હતી?, જેલ, જોખમ અને એવુ બધું?" બાપુ અડધા અજાણ્યા થતા બોલ્યા.

"એવું કંઈ નથી એતો અમે એક નાટક ની રિહર્સલ કરતા હતા" સંજય આખો અજાણ્યો થતા બોલ્યો.

"હા સંજયા! હું નાટક માં રહેવાનો નથી" ગોવિંદ અભિનય કરતા બોલ્યો.

"એલા ભાઈઓ મને તમારી બધી જ વાત ખબર છે, એટલે અભિનય ના કરો" નટુબાપુ એ કહ્યું.

"અભિનય તો નાટક માં અમે કરવાના જ હતા, પણ હવે બંધ રહ્યું" અનિલે સંજય અને ગોવિંદ નું નાટક આગળ વધાર્યું.

"એલા! મને ખબર છે કે તમે કોઈ શેઠ ને ઘરે ચોરી કરવાના હતા. " નટુબાપુ એ કહ્યું.

"ચોરી? હા હા ચોરી અમે નાટક માં કરવાના હતા. " રાજુ પણ હવે નાટક માં જોડાણો.

નટુબાપુ એ મન માં વિચાર્યું કે ચોરી માં ભલે આ લોકો કાચા રહ્યા પણ નાટક માં મારી દાળ ગળવા નહિ દે.

"જો ભાઈઓ! તમે ચોરી કરવાના હતા એ મને ખબર છે પણ કોઈએ એવું જોખમ લીધું નથી એટલે ડર ને કારણે તમે લોકો એ કેંસલ રાખ્યું"

"ના બાપુ ના, એવું તમે કોઈ ને કહેતા નહિ, એ અમે એક નાટક ની વાત કરતા હતા" સંજય છેલ્લે પાટલે બેસી ગયો.

"જો ભાઈઓ ! તમારે કોઈ અનુભવી વ્યક્તિ ની જરૂર હોય તો હું છું, હું તમારો સાથી બનવા તૈયાર છું" બાપુ એ છેલ્લો પાસો ફેંક્યો.

"શેનો અનુભવ?, અમારે તો નાટક નો અનુભવ જોઈએ, બીજી કંઈ વાત નથી" સંજયે કહ્યું.

"એલા ભાઈ તમે કોની સામે નાટક કરી રહ્યા છો?, તમે મને ઓળખતા નથી, મને આ ચોરી નો બહુ મોટો અનુભવ છે" નટુબાપુ એ સાવ ખુલ્લું કરી દીધું.

"બાપુ થઇ ને ચોરી કરો છો" ગોવિંદે મમરો મુક્યો.

"ચાલો તમે બધા મંદિર માં ચાલો, હું તમને આખી વાત જણાવુ" બાપુ બધા ને મંદિર માં લઇ ગયા. મંદિર માં કોઈ નહોતું. બાપુ બેઠા, બધા ને બેસાડ્યા પછી વાત ચાલુ કરી.

" સીતારામ બાપુ! અમે તો ખાલી નાટક ની વાત કરતા હતા. તમને કંઇક ગેરસમજણ થઇ લાગે છે. " અનીલ મંદિર માં આવતાવેંત બોલ્યો.

" ભાઈ તું વાત તો સાંભળ, પછી નક્કી કરજે કે તમારું નાટક હતું કે પ્લાન હતો"

"ચાલો બાપુ હું રજા લઉં છું, મારા બાપુજી બોલાવતા હશે" ગોવિંદ ગભરાટ માં ઉભો થઇ ને જતા બોલ્યોનટુબાપુ એ ઝડપથી ઉભા થઈ એનો હાથ પકડી ને બેસાડયો.

"જો ભાઈઓ મારી વાત સાંભળી લો પછી તમે બધા છુટ્ટા!"

"બોલો બાપુ, જલ્દી બોલજો" સંજય ના શબ્દો માં ઉતાવળ હતી. "

"ચાર વર્ષ પહેલા હું મિસ્ત્રી કામ કરતો હતો. " બાપુ એ વાત માંડી.

"મિસ્ત્રી કામ કરતા જે આવક થાય એ અમે પાંચ દોસ્તો મળી ને દારૂ ને બીજા વ્યસનો માં ઉડાવી દેતા હતા. મારુ મન રોજરોજ ની મજૂરી માં લાગતું નહોતું, મારે ઝડપથી પૈસા કમાવવા હતા. હું કોઈ મોકા ની રાહ જોતો હતો.

એકવાર એક ઘરે મિસ્ત્રી કામ કરતો હતો ત્યારે મને ત્યાં કોઈ ચાર પાંચ મિત્રો બેન્ક માં ચોરી કરવાના પ્લાન ની વાત કરતા હતા. હું સંભાળી ગયો, મેં તેને તેના પ્લાન માં મને ભેળવવા ની વાત કરી, એમણે મને પ્લાન માં ઇન્વોલ્વ કરી લીધો, ફૈઝાબાદ માં બેન્ક ઓફ અલાહાબાદ ની હેડ બ્રાન્ચ માં અમે લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો. નિશ્ચિત સમય અને તારીખે અમે બેન્ક માં લૂંટ માટે એક વેન ભાડે કરી. પ્લાન અમારો બરાબર હતો પણ નસીબ ફૂટલા હતા, જે દિવસે બેન્ક લૂંટ કરી ત્યારે બેન્ક માં કોઈ પોલીસવાળો કોઈ કારણસર હાજર હતો, અમે રિવોલ્વર ની અણી એ બધાને ડરાવી દીધા પણ પેલો પોલીસવાળો ના ડર્યો, એણે લાગ જોઈને મારી પર એટેક કર્યો, મેં ગુસ્સા માં એના પર ગોળી ચલાવી દીધી, અમે ત્યાંથી ભાગી ગયા, બીજા દિવસે પેપર માં સમાચાર માં ખબર પડી કે પોલીસ નું મૃત્યુ થયું, અમે અમારા રોજ ના ધંધે લાગી ગયા. બે ત્રણ દિવસે પોલીસ શોધતી શોધતી મારા બીજા સાથીદારો ને પકડી ગઈ, હું એટલે બચી ગયો કેમકે મેં પેલા સાથીઓને મારુ ખોટું નામ આપ્યું હતું, પણ મને ડર લાગ્યો કે પોલીસ ચહેરા નો સ્કેચ બનાવશે તો હું પકડાઈ જઈશ. "

“આ બાપુ ખોટી સ્ટોરી બનાવી રહ્યા છે, આપણને ખોટા વાતું માં ફસાવી દેશે. સંજયા ! મને તો આ પોલીસ ના માણસ લાગે છે, " ગોવિંદ ડરતા બોલ્યો.

"ભાગતો ભાગતો હું અહીં આવી ચડ્યો, ક્યાં રોકાવું એ નક્કી નહોતું, ગમે તે ગામ રોકાતો તો વહેલી સવારે કોઈ ને કીધા વગર નીકળી જતો, પણ અહીંયા આવ્યા પછી મને ભયંકર તાવ આવી ગયેલો. શરીર નંખાઈ ગયેલું, ગામલોકો એ સેવા ખુબ કરી. થોડા દિવસ પરાણે રોકાવું પડ્યું હતું. પછી મુળજીબાપુ સાથે મન લાગી ગયુ તો રોકાઈ ગયો. "

"બાપુ આ ક્યાર ની વાત છે?" ગોવિંદે પૂછ્યું. બાપુ ની વાત સાંભળી દરેક ના ચહેરા પર કંઈક અલગ ભાવો હતા.

"બરાબર ચાર વર્ષ પહેલા ની. " નટુ બાપુ બોલ્યા.

"ઓકે! ચાલો રજા લઈએ, કાલે વિચારી ને વાત કરું' સંજયે વાત વીંટો વળતા કહ્યું

બીજે દિવસે લાલટાવર પોલિસ ચોંકી માં એક ધમધમાટ હતો. પટેલ સાહેબ ઓર્ડર ઉપર ઓર્ડર આપી રહ્યા હતા. કોઈક ઓપરેશન પાર જવાની તૈયારી માં હતા, ચાર ઇન્સપેક્ટર ખાસ સાથે રાખ્યા હતા. ચાર જીપ ભરી ને રસાલો વિજાપુર ગામ ની સિમ પર આવેલા મંદિર પર આવી ને ઉભો રહ્યો. નટુ બાપૂ મંદિર માં જ હતા. જીપ માંથી ઉતારતા પોલીસ ના રસાલા ને તેણે જોયો. એમાંના ખાખી વર્દીધરી ચાર ઇન્સપેક્ટર ના ચહેરા સામે જોયું અને બાપુ ના ચહેરા નો રંગ ઉડી ગયો. બે ત્રણ પોલીસ આવી ને બાપુ ને એરેષ્ટ વોરંટ બતાવ્યું, બાપુ ને પકડી ને જીપ માં બેસાડી દીધા. પટેલ સાહેબ મૂળજીબાપુ ને બધી વિગત સમજાવી. નાથુ ખબરી ને બાપુ સાથે વાત કરતા કંઈકે વાત માં બાપુ એ અલાહાબાદ બેંક ની ચોરી નો અછાડતો ઉલ્લેખ્ કરેલો. એટલે પટેલ સાહેબે આખું છટકું ગોઠવેલું. એ જાણતા હતા ક્રિમિનલ માઈન્ડ ક્યારેય પોતાનો ક્રિમિનલ અભિગમ છોડતો નથી. એ ગમે તેવી શાંતી માં પણ તેને પોતાની ક્રાઇમ કરવાની એક “કિક” હોય છે, એનો સમય ના હોય ત્યાતે તેની કિક ને દબાવી દે પણ જેવો મોકો મળે ત્યારે તે પાછો ક્રાઇમ તરફ વળી જાય છે, એટલે ઇન્સપેક્ટર અજિત, રૂપસિંઘ, જયરાજ અને વિક્રમ ને અનુક્રમે સંજય, અનીલ, ગોવિંદ અને રાજુ બનાવી મંદિર ના પછીતે ગોઠવ્યા હતા, તેને ખબર હતી કે બાપુ દસ વાગે મંદિર ના દરવાજા બંધ કરવા આવે છે, ત્યારે ઇસ્પેક્ટર અજિત અને ટીમ જોર થી બાપુ ને સંભળાય તેમ વાતો કરતા. શેઠ ની ઘરે ચોરી નો ફેક પ્લાન બનાવ્યો. એમાં બાપુ ધીરે ધીરે ફંસાતા ગયા, ગઈ રાત્રે બાપુ એ એની ચોરી વિષે માહિતી આપી ત્યારથી જ અલાહાબાદ બેન્ક રોબરી વિથ મર્ડર કેસ ની ફાઇલ ફૈઝાબાદ થી ત્યાંના ઇન્સપેક્ટર સાથે વાત કરી ને મંગાવી લીધી હતી. અલાહાબાદ બેન્ક રોબરી નો મુખ્ય આરોપી વીકી હતો પણ એનો સ્કેચ પ્રમાણે નટુબાપુ જ હતા. અંતે અલાહાબાદ બેન્ક રોબરી વિથ મર્ડર નો નાસતો ફરતો મુખ્ય આરોપી પકડાઈ ગયો.

***