સ્નેહતંતુ Dr.Chetan Anghan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્નેહતંતુ

કોરોના વાયરસની મહામારી વચ્ચે સર્જાતી હૈયાના તારને ઊંડાણેથી ઝણઝણાવી જતી કહાની.











સ્નેહતંતુ
કોરોના વાઇરસ મહામારી દુનિયાના ખૂણે ખૂણે પ્રસરી ગઈ હતી. કોમ્યુનિકેશનના આ યુગમાં આખુંય વિશ્વ નાનું થતું જાય છે એવી ગુલબાંગો પોકારતા લોકો માટે આજે પોતાના જ ઘરનો ઉંબરો વટાવીને પડોશીના ઘરમાં પગ મુકવો એ જાણે કોઈ આંતરરાષ્ટ્રીય સીમા ઓળંગવા જેટલુ કઠિન બની ગયું હતું.

આ શહેરના આ વિસ્તારને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં બૉમ્બબ્લાસ્ટની જેમ વાઇરસના કેસો ફાટી નીકળ્યા હતા. પ્રધાનમંત્રીએ લોકડાઉન જાહેર કર્યું હતું.આ લોકડાઉનમાં નિર્મળાને સૌથી મોટી તકલીફ એ હતી કે તે રતનબાને મળી શકતી નહોતી.

નિર્મળા અને રતનબા વચ્ચે પાડોશીથી વધુ કોઈ સંબંધ નહોતો પણ નિર્મળા અને રતનબા વચ્ચે લાગણીનો એક મજબૂત તાંતણો બંધાયેલો હતો. નિર્મળા તેના પતિ કૌશિક અને ચાર વર્ષના દીકરા યુગ સાથે લગભગ દસ વર્ષથી આ સોસાયટીમાં રહેતા હતા. ત્રણ વર્ષ પહેલાં પડોશમાં રમેશભાઈ તેની પત્ની રાગીણીબેન સાથે રહેવા આવ્યા હતા. રતનબા રમેશના બા હતા. રમેશના પપ્પા કેટલાય વર્ષ પહેલાં ગુજરી ગયા હતા. ત્યારથી બા ક્યારેક મોટા દીકરા દિનેશને ઘરે તો ક્યારેક નાના દીકરા રમેશના ઘરે રહેવા જતા.

આ સોસાયટીમાં રહેવા આવ્યા પછી રતનબા રોજ રાત્રે પોતાના ઓટલે પવન ખાવા બેસતા. ધીરે ધીરે આજુબાજુમાંથી કેટલીક બહેનો તેમની સાથે બેસવા આવતી. રતનબા એક એકડોય ભણ્યા નહોતા પણ એના અનુભવોમાંથી અને સાંભળેલી વાતોમાંથી નિતારેલો નિચોડ સારો એવો હતો. તેથી રતનબા પોતાના ઘૂંટાયેલા સ્વરમાં નિખાલસતાથી વાતો કહેતા ત્યારે સૌ દિગ્મૂઢ થઈ જતા. તેના સ્વરમાં પ્રગટતી લાગણીશીલતા બહેનોને અનોખી રીતે આકર્ષતી, ખાસ કરીને નિર્મળાને.

નિર્મળા અને રતનબાની વચ્ચે ક્યારે લાગણીના તાર બંધાઈ ગયા ખબર જ ન પડી. આ કોરોના મહામારી આવી અને લોકડાઉન થયું. નિર્મળા રતનબાને મળવા ન જઇ શકે તે તેને સૌથી વધારે તકલીફ પડતી હતી.

મ્યુનિસિપલ કમિશનર રોજ સોશ્યલ મીડિયામાં પ્રજાજોગ મેસેજ આપતા તેમાં કહેતા કે મોટી ઉંમરના નાગરિકો અને બાળકોની રોગપ્રતિકારક શક્તિ સાવ ઓછી હોય છે તેથી વયસ્કો અને બાળકોને આ રોગ થવાની શક્યતા વધુ હોય છે.તેથી બાળકો અને વયસ્કોની ખાસ તકેદારી લેવી અને તેઓ ઘરમાં જ રહે. તેથી રામેશભાઈએ પણ રતનબાને બહાર જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી પણ લાગણીઓને ક્યાં લોકડાઉન નડે છે.

નિર્મળા ક્યારેક બા ને મળવા તેના ઘરે જતી પણ તેના પરિવારજનોને ગમતું નહિ. તેથી નિર્મળાએ પણ જવાનું ઓછું કરી દીધું. શહેરમાં કેસોની સંખ્યા વધતી ચાલી. શહેરના અનેક વિસ્તારોમાં કોરોનાના કેસો વરસાદમાં બિલાડીના ટોપ ઊગી નીકળે તેમ ફાટી પડ્યા. બધા જ ડરેલા હતા. એમની સોસાયટીમાં પણ બે ત્રણ કેસ મળી આવ્યા. સરકારી આરોગ્ય વિભાગમાંથી એક ગાડી આવતી અને તેમાં આવેલા આરોગ્યકર્મીઓ જેને કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યો હોય તેને કહેતા કે ગાડીમાં બેસી જાવ. તે બેસી જતા. કોઈને સાથે જવાની પરવાનગી નહોતી.

બધા જ શહેરીજનો પોતાના ઘરમાં પુરાયેલા હતા. શહેરમાં રોગે ભરડો લીધો હતો. બધે જ કોરી ખાતી જડવત શાંતિ હતી. રતનબા ને બે ત્રણ દિવસથી ખાંસી આવતી હતી. ધીરે ધીરે ખાંસી વધતી ચાલી. ઘરમાં બધા જ બાથી દૂરી જાળવવા લાગ્યા.
એક દિવસ આરોગ્ય કર્મીઓ સર્વે કરવા આવ્યા. બા ને ખાંસી આવતી હતી એટલે બાનું લોહી લેવામાં આવ્યું અને કેટલીક દવા પણ આપવામાં આવી.

ત્રીજા દિવસે રિપોર્ટમાં ડર હતો એ જ થયું. રતનબા નો રિપોર્ટ પીઝીટીવ આવ્યો. ગવર્મેન્ટ હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ આવી. તેમાંથી ઉતરેલી એક બહેને રતનબાને કહ્યું “બેસી જાવ.” રતનબા તો બેસી ગયા અને ગાડી ઉપડી ગઈ. બધાને ડર હતો કે બા આવશે કે નહીં. ઘરના દરેક વ્યક્તિને અલગ ક્વોરોન્ટાઇન રૂમમાં મોકલવામાં આવ્યા. ગાડી જયારે લેવા આવી ત્યારે નિર્મળા ઘરે હાજર જ હતી પણ તેને લઈ જતા જોઈ શકી નહીં એટલે ઘરમાં જ રહી.
રતનબાને લઈ ગયા પછી નિર્મલાને ક્યાંય ચેન ન પડ્યું. આખી રાત ઊંઘ ન આવી. પડખા ફેરવતી રહી પણ મગજમાં ઉભી થયેલી વિચારોની આંધી તેને સુવા દેતી નહોતી. છેવટે નિર્મળા એક નિર્ણય પર આવી.
સવારે એ ઉઠીને ઘરનું કામ પતાવી તે રતનબાને લઇ ગયા હતા તે ગવર્મેન્ટ હોસ્પિટલ પર પહોંચી ગઈ. ત્યાં ભારે સિક્યોરિટી હતી. ચારેકોર લોકો પ્લાસ્ટિકના કવર જેવા સ્યુટ પહેરીને ફરતા હતા. ત્યાંના સિક્યોરીટીએ તેને અટકાવ્યા.

“મારે કાલે દાખલ થયેલા રતનબાને મળવું છે.”

“અહીંયા કોઈને પણ દર્દીને મળવા દેવામાં આવતા નથી.”

“મારે ખાલી એને મળવું જ નથી.મારે એની સાથે રહેવું પણ છે.”

“તમે કેમ સમજતા નથી. અહીં દર્દીની સાથે કોઈ ન રહી શકે.”

“પણ એ મોટી ઉંમરના છે, તે પોતે પોતાનું કામ એકલા નહિ કરી શકે.”

“તમે સમજતા કેમ નથી? અહીં તેમની કાળજી લેવા માટે કેરટેકર હોય છે. તમારે એ શું થાય છે?”

“એ અમારા પાડોશી છે. હું કેરટેકર બનવા તૈયાર છું.”
સિક્યોરિટી ઓફિસર નિર્મળાને વિચિત્ર નજરે જોઈ રહ્યો. શહેર આખું એકબીજાથી દૂર ભાગી રહ્યું હોય ત્યારે એવું કયું પરિબળ છે એક સ્ત્રી સુધી ખેંચી લાવ્યું. તેણે હોસ્પિટલના સુપ્રીડેન્ટને આ વાત જણાવી. હોસ્પિટલ સુપ્રીડેન્ટે મ્યુનિસિપલ કમિશનરને આ વાત જણાવી. કેન્દ્ર સરકારની ગાઈડલાઇન મુજબ કોઈ દર્દી સાથે કોઈ સગા સંબંધી રહી શકે નહીં.મ્યુનિસિપલ કમિશનરે સ્પષ્ટ ના પાડી. નિર્મળા નિરાશ થઇ ત્યાં ગેટ પાસે જ બેસી ગઈ. તેના મગજમાંથી રતનબાની છબી ખસતી નહોતી.

બપોરે મ્યુનિસિપલ કમિશનર હોસ્પિટલની મુલાકાતે આવ્યા ત્યારે તેણે નિર્મળાને ગેટ પર બેસેલી જોઈ. તેણે સિક્યોરિટીને એના વિશે પુચ્છા કરી. તેણે બધી માહિતી આપી. કમિશનર સાહેબ પણ આશ્ચર્ય પામ્યા. તેણે નિર્મળાને ઓફિસમાં બોલાવી. તેણે દર્દી સાથે રહેવાથી સંક્રમણ થાય છે. તેથી સાથે રહી શકાય નહીં. સરકારની ગાઈડલાઈનો વિશે માહિતીગાર કરી.

અંતે તમામ ગાઈડલાઈનો એક લાગણી સામે સાઈડલાઈન થઈ ગઈ.નિર્મલાને પીપીઈ કીટ આપવામાં આવી. તે રતનબાની હૃદયના ઊંડાણથી સેવા કરવા લાગી. રતનબાને નિર્મળા પોતાના હાથે ખવરાવતી. બા ને ખાંસી આવતી ત્યારે નિર્મળા પોતાને ચેપ લાગશે તેવો ડર રાખ્યા વગર સેવા કરતી. તેનું દરેક કાર્ય પોતાના હાથે કરવા માંડી. બાની કોઈ પડોશી દ્વારા આવી સેવા કરતા જોઈને બીજા દર્દીઓ, નર્સો, ડોકટરો અને બીજા આરોગ્ય અધિકારીઓ પણ અચંબિત થતા. બાની સેવા કરવામાં નિર્મલાને અનેરી શાંતિ મળતી.હવે બા પહેલાની જેમ રાત્રે વાતો કહેતા. એની લાગણીભરી વાતો વોર્ડમાં સારવાર લેતા બીજા દર્દીઓ પણ સાંભળતા અને એ બધાનો પણ રતનબા સાથે સ્નેહ બંધાયો. બે મીટરના અંતરની દૂરી જાળવતા દર્દીઓ હૃદયથી બાની એકદમ નજીક પહોંચી ગયા.

સમય સાપની જેમ સરી ગયો. ચૌદ દિવસ પછી રતનબાનો રિપોર્ટ કરવામાં આવ્યો. સ્નેહના સૂક્ષ્મતંતુ સામે તુચ્છ જંતુએ હાર માની. બા નો રિપોર્ટ નેગેટિવ આવ્યો ત્યારે આખાયે વોર્ડમાં આંસુની હેલી વહી. બા ને ઘરે મૂકી જવા ગાડી આવી પણ બા ગાડીમાં બેઠા નહીં. ફરી પેલી ગાઈડલાઈનો યાદ કરવામાં આવી પણ અંતે એક વધુ પીપીઈ કિટ મંગાવવામાં આવી. નિર્મળા અને રતનબા એ કોરોના વોરિયર્સની ટોળીમાં ભળી ગયા.