where is maniyo? books and stories free download online pdf in Gujarati

મનિયો ક્યાં છે??

               સંજય પોતાની રુમે લોક મારીને કોલેજ જવા નીકળ્યો. તેને થયું મનીયા ને ફોન લગાવું પણ પછી થયું કોલેજમાં મળવાનો જ છે ને.પહેલા માળે આવેલી ખખડધજ સ્ટડી માટે ભાડે રાખેલી રૂમ પરથી નીચે આવીને તે કોલેજ તરફ ચાલ્યો. મૂળવતન રાજકોટ નો રહેવાસી સંજય સર જે.એમ.બી
એ.  કોલેજ માં થર્ડ યર એમબીએ કરતો હતો. કોલેજ તેની રૂમથી પાંચ મિનિટ ના વોકિંગ ડિસ્ટન્સ પર આવેલી હતી.જુના મેલા પોતાનો રંગ ગુમાવી દીધેલા જીન્સ અને આછું વાદળી રંગ નું શર્ટ અને ભીના હમણે ઓળેલ ચોંટી ગયેલા વાળ,બાજુએ પાણી ના થોડા ઉતરેલા રગેડા એ સંજયની ઓળખાણ છે. સામાન્ય રીતે કોલેજ લાઈફમાં બધા કોલેજીયન્સ બીજી બાબતો કરતા દેખાવ પ્રત્યે વધુ સભાન હોય છે જયારે એ બીફિકર હતો પોતાના દેખાવ પ્રત્યે.એની ચાલવાની ઢબ ને કારણે બેગ સાથે તેનું શરીર અજાણપણે હલતું હતું.
               એ ચાલતો ચાલતો કોલેજ ના ગેટ સુધી પહોંચ્યો.ત્યાં મનિયો નહોતો . મનિયો ઉર્ફે મનીષ મનાણી. સંજય અને મનિયા નું મૂળ વતન રાજકોટ હતું. સંજય થોડી અકળામણ સાથે ઉભો રહ્યો. થોડીવાર માં મનિયો આવ્યો. સેકન્ડયરના રાઘવ ની  બાઇકમાં ત્રણ સવારીમાં આવ્યો. એની એન્ટ્રી હંમેશા આવી જ રીતે પડતી, કોઈની પણ બાઇક માં બેસી જતો.મનીષ કોલેજ નો સૌથી બિન્દાસ્ત માણસ હતો.ઓછી ઊંચાઈ, ગોળ ચહેરો, થોડો ગોરો અને વાંકડિયા કાળા ભમર વાળ મેલાઘેલા કપડાં, સાદા સ્લીપર એ મનીયા ની ઓળખાણ હતી. તેનાથી તેની બેબાક  અને ખૂબ જ રમુજી રીતે  તેની બોલવાની ટેવ એ જ એની ઓળખાણ હતી, તે જ્યાં બેઠો હોય ત્યાં આજુબાજુ માંથી ખડખડાટ હસવાના અવાજ આવતા રહેતા, તે બોલતી વખતે  વિચારતો નહીં  પણ બોલ્યા પછી સામેના માણસ ને વિચારતા કરી દેય.સંજય ને હાશ થઇ, સંજય ને મનિયા વિના ના ચાલે.ઘણીવાર મનિયો કોલેજ માં ગુલ્લી મારશે એવી ખબર પડે તો સંજય પણ રજા પાડી દે. સંજય આમ તો સ્કોલર સ્ટુડન્ટ, સ્ટડી પ્રત્યે પૂરેપૂરો ડોમીનેટેડ પણ મનિયો એનો બીજો લગાવ હતો.
               મનિયો એટલે એકદમ બેફિકર માણસ, એને કોઈની પડી નહોતી, એ બહુ લાબું ના વિચારે, એને સંજય નું પણ બહુ નહીં પણ સંજય એની સાથે પાક્કી દોસ્તી રાખે, મનિયો લાંબુ વિચાર્યા વગર પગલાં ભરી લે.ગેટ પાસે સંજય ને મળ્યો એટલે પોતાનો હાથ ઊંચા કરી સંજય સાથે તાળી પાડી બોલ્યો"હાઈ સંજયા!"

"એલા!તને કેટલીવાર કીધું સંજયો નહીં કહેવાનું બીજા સામે કેવું લાગે?"સંજયે સહેજ ખિજાયેલા સ્વરે કીધું.

પણ સંજય કહેવાનું પૂરું કરે એ પહેલાં મનિયો હીહી કરતો કોલેજ તરફ ચાલવા માંડ્યો. કોલેજ ના દાદરા ચડતો હતો તો સામે ક્લાસમેટ નેન્સી મળી.બ્રાઇટ રેડ ટોપ અને બ્લેક જીન્સ માં નેન્સી સુંદર લાગી રહી હતી. મનિયા ને મજાક સુજી,તેણે નેન્સી ને ઉભી રાખી,"હાઈ નેન્સી!હાઉ આર યુ?"

"ઓહઃ હાઈ મનીષ!ફાઈન એન્ડ યુ?"

"ફાઈન,તારું થોડું કામ હતું."મનીયા એ વાત લંબાવતા કહ્યું

"બોલને!" નેન્સી થોડી ઉતાવળ માં હતી.

 "તમે ટિફિન ક્યાંથી મંગાવો છો?"

"અમે રાજુ પાસે થી મંગાવીએ છીએ."

"આ રાજુ કોણ? નવો કોઈ આવ્યો છે?" હકીકત માં મનિયો  રાજુ ને સારી રીતે ઓળખતો હતો.

"ના જૂનો જ છે, અભિલાષા માંથી આવે છે."

"કેવુંક આવે છે?"

"સારું આવે છે, શાક ની કવોલિટી બહુ સારી હોય છે."

"અમારેય મંગાવવું છે, કેટલી રોટલી આવે છે?"

"છ રોટલી, શાક અને દાળભાત."

"ઓહઃ તું છ રોટલી ખાઈ જા છો?"મનીયા એ  બનાવટી આશ્વર્યભાવ ઉભો કરતા કહ્યું.

"ના હું અને બિનલ ટિફિનપાર્ટનર છીએ."

"તું મુક ને."અચાનક નેન્સી ને યાદ આવ્યું કે મનિયો એની ખેંચે છે એટલે પગ પછાડતી દાદરો ઉતરવા માંડી. મનિયો જોરજોર થી હસવા માંડ્યો જતી નેન્સી તરફ જોયું. નેન્સી એ પણ થોડું સ્મિત કર્યું. મનિયો દાદરો ચડી ને કલાસરૂમ માં પ્રવેશ્યો. તે હસતો હતો,આમેય કેટલાય ફ્રેન્ડ તેની જ રાહ જોઇને બેઠા હોય તેમાં તે હસતો હતો તો બધાને ખબર પડી ગઈ કે કંઈક નવું કરશે. બિનલે પૂછ્યું"શુ થયું મનીયા?" 

"બિનલ તું મને એક વાત કહે તું કેટલી રોટલી ખાય છે?"

"૨ રોટલી.પણ તારે એનું શું કામ છે?"

"હું એના પર થી બતાવી શકું છું કે નેન્સી કેટલી રોટલી ખાતી હશે."

"કેટલી?"બધા એ આતુરતાથી પૂછ્યું.

"ચાર." મનિયો બોલ્યો અને બિનલ આશ્વર્યથી જોઈ રહી.
બધા હસી પડ્યા.

થોડીવાર પછી નેન્સી પોતાનું કામ પતાવીને કલાસ માં પ્રવેશી ત્યારે મનિયો હનીસિંહ ના અંદાઝ માં ગાવા લાગ્યો. ચાર રોટી રોજની, ખાવ હું રોજની....
        ***********

મનીયા ના મગજ માં શુ ચાલતું હોય કોઈ કહી ના શકે.  પણ મનિયો બધાંને હસાવ્યા કરતો.મનીયા ને શાંતિ ના ગમે, થોડો સમય કોઈ ઘટના ના બને તો મનિયો પોતાની ઘટના ઉભી કરે,કોઈનું પણ કામ હોય તો મનિયો મોટાઉપાડે કરે. કોઈ બબાલ થઈ હોય તો મનિયો સમાધાન કરવા પહોંચી જ ગયો હોય.તેના દરેક વર્તન પરથી લાગતું કે તે આ બધું બીજા ને મનોરંજન માટે કરતો હશે.  તેની રમૂજવૃત્તિ અનોખી હોય. રસ્તા માં કોઈ ફ્રેન્ડ મળે તેના વાળ થોડા ફેશનવાળા હોય તો મનિયો તરત જ પૂછે કે આ વાળ ક્યાંથી કપાવ્યા મારે પણ કપાવવા છે.
એક રવિવારીય સાંજે  સંજય અસાઈનમેન્ટ પૂરું કરતો હતો.આખો દિવસ અસાઈનમેન્ટ માં વ્યસ્ત જ હતો, થોડો કંટાળો અને થાક લાગ્યો હતો ત્યાં મનીયા નો ફોન આવ્યો."એલા, સંજયા! શુ કરે છે?, જલ્દી કોલેજ આવીજા મારે કામ છે."

"શુ કામ છે?"સંજય એ ધીમેથી પૂછ્યું.સંજય એટલું બોલ્યો ત્યાં તો ફોન કાપી નાખ્યો.

સંજય ને ટિફિન આવવાનો સમય થઈ ગયો હતો છતાં મનીયા નો કોલ હતો તેથી કોલેજ તરફ નીકળી પડ્યો. 
કોલેજ ના ગેટ પાસે કોઈ નહોતું. કોલેજ પુરી થયા પછી એક ગલી પડતી હતી. ત્યાંથી મનિયો આવ્યો.સંજયને તે તરફ આવવાનો ઈશારો કર્યો.
સંજય કુતુહલ ના ભાવ સાથે તે તરફ ગયો. મનિયો ગલી ની અંદર ચાલવા માંડ્યો. સંજય પણ પાછળ પાછળ ગયો. મનિયો આગળ એક દીવાલ પાસે આવીને ઉભો રહ્યો.સંજયએ અચરજ ના ભાવ સાથે પાસે પહોંચ્યો
"અહીં શુ કામ છે?"સંજયે પૂછ્યું.
" તું અહીં ઉભો રહે, હું તારો ટેકો લઈ ને આ દીવાલ કુદી જાઉં."મનિયો બોલ્યો.
સંજય વિચાર માં પડી ગયો.આ મનિયો શુ કરવા બેઠો છે, આ દીવાલ એને શુ કામ કૂદવી હશે, તેની પેલી બાજુ તો કોલેજ છે. ત્યાં તેના મગજ માં  ચમકારો થયો, અહીંથી દીવાલ ની પેલે પાર ગર્લ્સહોસ્ટેલ જવાય.તો મનિયો નક્કી ત્યાં શ્રુતિ ને મળવા જવા માંગતો હશે.શ્રુતિ મનિયા ની ગર્લફ્રેન્ડ છે.
"તે શું નક્કી કર્યું છે કે મને કોલેજ માંથી રસ્ટીગેટ કરાવીને રહીશ?"સંજય સહેજ ખિજાયેલા સ્વરે બોલ્યો.
"એલા! શ્રુતિને મેં પ્રોમિસ કર્યું  છે કે સાંજે મળવા આવીશ" મનિયો જાણે અગત્ય નું કામ સમજાવતો હોય તેમ જવાબ આપ્યો.
સંજય ધૂંધવાઈ ને ઉભો રહ્યો. મનિયો તેનો ટેકો લઇ ને દીવાલ પર ચડ્યો.પેલી બાજુ ઉતરી ગયો."
"જલ્દી આવજે, ત્યાં તાજમહેલ નથી બનાવાનો."સંજય થોડા ગુસ્સા માં બોલ્યો.
લગભગ અડધા કલાક ની રાહ પછી મનિયો પાછો આવ્યો. સંજય માં જીવ માં જીવ આવ્યો. 
"તું આ વખતે રસ્ટીગેટ થતા થતા રહી ગયો." મનિયો ખી ખી હસતો હસતો બોલ્યો.
"કેમ?"
"સંજના મેડમ જોઈ ગયેલા" મનિયા એ સહજતા થી કહ્યું.
સંજના મેડમ ગર્લ્સ હોસ્ટેલ ના રેક્ટર છે.
"પછી શું થયું?" સંજયે ગભરાયેલા સ્વરે કહ્યું.
બંને ચાલતા ચાલતા આઈસ્ક્રીમ પાર્લરે  આવ્યા.સંજયે ચોકલેટ અને મનીયા એ રાજભોગ નો ઓર્ડર આપ્યો.
બંનેનો આઈસ્ક્રીમ આવ્યો.
"પછી શું થયું?, મેડમે શુ કહ્યું?"ઘણીવાર સુધી રાહ જોયા પછી પણ મનીયાએ જવાબ ન આપ્યો એટલે સંજયે ફરી પૂછ્યું.
"થાય શુ?. મેડમને આપડે સમજાવી દીધા. મેડમે પણ કોલેજ કરી જ હોય, થોડું પ્રેમ વિશે સમજાવ્યું એટલે મેડમએ આપણને જાવા દીધા." ઘણીવાર મનિયો કોઈ પરાક્રમ કરે ત્યારે તે પોતાના વિશે બહુવચન વાપરતો.
આઈસ્ક્રીમ પૂરો થયો એટલે મનિયો ઉભો થતા બોલ્યો.
"સારું!તારું ટિફિન ઠંડુ થતું હશે, તું બિલ(આઈસ્ક્રીમ નું)
આપીને નીકળી જજે."
સંજય ડઘાઈ ને મનિયા ને જતા જોઈ રહ્યો.
*******

           ડિસેમ્બર મહિના ની કડકડતી ઠંડી પડતી હતી. સંજય પોતાની રુમે રીડીંગ કરતો હતો. એક્ઝામ નજીક આવી રહી હતી. ત્યાં મનીયા નો કોલ આવ્યો."કેમ છે બાના?"
મનિયો મૂડ માં હોય ત્યારે સંજય ને "બાના" કહેતો.
"મઝામાં!" એનો મૂડ જોઈ ને સંજય મન માં બબડયો કે મઝા બગાડવાનો થયો છે.
"આપણી બર્થડે પાર્ટી બાકી છે ને,આજ આપી દઉં છું. આવી જા કોલેજે."
સંજયે ફોન ને ચહેરા ની સામે લાવી ને ડાયલપેડ માં જોયું કે ફોન મનીયા નો જ છે ને?.સુરજ આજે કઈ દિશામાં ઉગ્યો?
"ખરેખર કે પછી ખાલી મજાક કરે છે."
"આમાં મજાક ના હોય બાના.તુંય યાદ કરતો રહી જઈશ કે શું ખવરાવ્યું છે!"
"આજ કંઈક નવજુની થવાની છે. "સંજય મનમાં બબડયો.
"ક્યારે જવાનું છે?. ક્યાં જવાનું છે?. કોણ કોણ આવવાનું છે?." સંજયે એક સાથે ઘણા પ્રશ્નો પૂછી લીધા.
"તું ને હું બાના!,અત્યારે જ જવાનું છે, તું ખાલી કોલેજ આવી જા.અને બીજી વાત નવા કપડાં જ પહેરવાના છે યાદ રાખજે." કોલેજ ની બાજુ માં સારથી રેસ્ટોરન્ટ આવેલી છે તે સસ્તી અને કોલેજીયનો ને પરવડે તેવી છે, કોલેજ બોલાવ્યો તો ત્યાં જવાનું હશે એમ વિચારીને સંજય તૈયાર થયો.
કોલેજ ના ગેટ પાસે આવ્યો ત્યાં મનિયો એકદમ નવા જ ગ્રીનિશ બ્લુ રંગ નું ટીશર્ટ અને બ્રાઇટ બ્લુ જીન્સ પહેરીને ઉભો હતો.
બંને કોલેજથી સંગમ ચોક  તરફ ચાલવા લાગ્યા. સંજય ને થયું કે સંગમ ચોક તરફ તો પવન, રંગોલી જેવી મોંઘી હોટેલો આવી છે. ભલે ત્યાં લઇ જાય પણ પછી બિલ નહીં આપે તો?.  જે થાય તે જોયું જાય નો દ્રઢ નીર્ધાર લઈને સંજય મનીયા સાથે સંગમ ચોક બાજુ ચાલવા મંડ્યો.
    સંજય એ એક-બેવાર પ્રયત્ન કર્યો પૂછવાનો કે ક્યાં જવાનું છે પણ મનીયાએ પૂછવાની ચોખ્ખી ના પાડી.
તે બંને ચાલતા ચાલતા એક પાર્ટીપ્લોટ ના ગેટ પાસે આવી મેં ઉભા રહ્યા, ત્યાં કોઈનું ભવ્ય મેરેજ રિસેપ્શન હતું. સંજય ગડમથલમાં હતો કે મનિયો મને ક્યાં લાવ્યો.
 મનિયો તો મહેમાન હોય તેમ અંદર પ્રવેશ્યો અને સંજય મેં ખેંચી ગયો. સંજય ને હવે થોડું થોડું સમજાવા માંડ્યું.મનીયા એ વગર આમંત્રણ નું જમવાનું અને પછી એમાં મને બર્થડે પાર્ટી આપવા માંગતો હતો. બંને એ ભાતભાત ની વાનગી જમ્યા. જમતી વખતે મનિયો સંજય ને કહે"આપણી સાથે રહીશ તો આમ જ મોજ કરતો રહીશ."
****
      કોલેજલાઈફ માં સૌથી ભયંકર સમય એક્ઝામનો હોય છે. એમાંય એન્યુઅલ એક્ઝામ હોય એટલે કોલેજ ની આજુબાજુ ના વિસ્તારો માં ટ્રાફિક ઓછી થઈ જતી હોય છે, ત્યાંના બાંકડા ઓ ખાલી રહેતા હોય છે. નજીક ના કોઈ મંદિરે થોડી ટ્રાફિક વધી જતી હોય છે, હોસ્ટેલ ના રૂમ નું લાઇટબીલ વધી જતું હોય છે. રસ્તાઓ સુમસામ નજરે પડતા હોય છે. આખાય સેમેસ્ટર બાંકડે બેસી ને ચર્ચા અને ખર્ચા કરતા શુરાઓ રૂમ ની ચાર દીવાલો માં પુરાઈ જતા હોય છે.પણ મનિયો એ મનિયો હતો, એને પરીક્ષા નું કોઈ તણાવ હોય નહીં. એ કોઈ ના મળે તો એકલો રખડે પણ વાંચવા જેવું નામ નહીં. તેણે એક ફિક્સ લાઇન બનાવી લીધી હતી. કોઈ પૂછે કે એન્યુઅલ એકઝામ છે છતાં  કેમ  વાંચતો નથી?.તો મનિયો હંમેશા જવાબ આપતો.
"મન તું શીદને ચિંતા કરે, 
ક્રિષ્ણને જે કરવું હોય તે કરે.".
****
         સંજય પોતાના ભવિષ્ય પ્રત્યે ખૂબ જ ગંભીર હતો,તે તેના ભવિષ્ય માટે ઘણાબધા પ્લાન બનાવ્યા હતા, તે હંમેશા વિચારતો રહેતો. મનિયો સાવ જ બેદરકાર હતો, તેને કંઈ પડી જ નહોતી. કોલેજ નું લાસ્ટ યર લાસ્ટ સેમેસ્ટર હતું, એ પણ થોડા દિવસો બાકી હતા.પછી રીડિંગ વેકેશન પડવાનું હતું.એકવાર સંજય એ પોતાની રૂમ પર મનીયા સાથે બેઠો હતો ત્યારે  પૂછેલું. "તુએ તારા ભવિષ્ય વિશે શું પ્લાન બનાવ્યો છે??" 
"પ્લાન શુ બનાવવાનો હોય? પડે એવા દેવાશે."મનિયો કહેવતો ને હાથવગી જ રાખતો.
"અહીં કોલેજ છે અને બધા ફ્રી હોય એટલે તું થોડો દેખાય છે, એકવાર રિયલ લાઈફ માં આવ. ખોવાઈ જઈશ."
"ખોવાય એ બીજા,હું તો સફળતા ના ઊંચા શિખરો સર કરવાનો છું." મનિયો થોડા ઊંચા સાદે બોલ્યો.
"બાંકડા પર બેસીને કલાકો ગપ્પા મારવાથી સફળતાના શિખરો સર ના થાય" સંજય થોડા ભારે સ્વરે બોલ્યો.
"હું તો દુનિયા બદલી નાખીશ એકવાર ખાલી અહીંથી છૂટો તો થવાદે."
"તું બદલીશ તો ખાલી બાંકડા જ બદલીશ.બીજું કાંઈ નહીં થાય તારાથી." સંજય આજ પાછો પડવાના મૂડમાં નહોતો.
"એ તો હું મહેનત નથી કરતો, કરું તો તમે બધા ક્યાંય પાછળ રહી જાવ."
"વહેમ ને પાળવાથી દુનિયા ના બદલે."
" અને વહેમ વાસ્તવિકતા બની જાય તો?"
" તારા માટે શક્ય નથી."
"એટલે તું કહેવા શુ માંગે છે?"
"એટલે એ જ કે તું કશુંય કરી નહીં શકે,મને તો તારું ધૂંધળા ભવિષ્ય ની કલ્પના કરું ત્યારે ડર લાગે છે"
"બોલ સંજયા! પાંચ જ વર્ષ, પાંચ જ વર્ષમાં તારી કરતા ખૂબ જ આગળ વધી ને બતાવી દઉં તો"
" ઓહો! થ્રિ ઇડિયટ?, અને તું રેંચો?"
"તો લગાવ શરત."
"શરત ના હોય ભાઈ એમાં, કરી બતાવ તો તેમાં ફાયદો તારો જ છે."
"તને મારા પર ભરોસો ના હોય તો લગાવ  શરત. શરત હારી જાય તો પૈસા નથી આપવાના પણ ખાલી હાર સ્વીકારી લેવાની. અને મનીયા ને માની લેવાનો."  મનિયો હવે ઈગોફાઇટ પર આવી ગયો હતો
"હા! ચાલ."સંજયે કહ્યું.
" આજે ચોવીસ સપ્ટેમ્બર છે. આવનારા પાંચ વર્ષ માં મનિયો સંજય કરતા ઘણો આગળ નીકળી જાય તો મનિયો જીત્યો અને સંજયો પોતાને હારી ગયો માનશે." મનિયો એનાઉન્સ કરતો હોય તેમ ઊંચા સાદે બોલ્યો. 
"ડન."સંજયે ટુંકમાં જવાબ આપ્યો.
એ પછી સંજયના એ રુમ માં નીરવ શાંતિ થઈ ગઈ.આ ઘટના પછી કોલેજ ના બાકીના દિવસો પુરા કર્યા. પછી રીડીંગ વેકેશન હતું.
એ પછી સંજયને ઘણીવાર મનીયા ને મળવાનું થયું પણ શરત વિશે ક્યારેય કંઈ બોલ્યો નહીં. 
           એ પછી એકઝામ પૂર્ણ થઈ એટલે બધા પોતપોતાના વતન ની વાટ પકડી. એક તરફ દુનિયા બદલી નાખવાનું ઝનૂન ફૂંફાડા મારતું હોય અને બીજી તરફ આનંદ,મસ્તી,સેલિબ્રેશન અને એન્જોયમેંટ છોડી ને વાસ્તવિક જિંદગી તરફ જવાનો, કોલેજ છોડવાનો સમય એ દરેક કોલેજીયન ની જિંદગીનોં સૌથી કપરો સમય હોય છે.
          સંજય અને મનિયો પણ પોતાના વતન રાજકોટ ભણી નીકળી પડ્યા.સંજય નું મન પેલી શરત ની આસપાસ ઘુમરાતું રહેતું હતું, સંજયે જઈને તરત પોતાના રિઝલ્ટ અને જ્ઞાન ના જોરે સારી બેન્ક માં કેશિયર તરીકે સારી નોકરી મળી ગઈ.મનિયો કેટલાય મહિના રખડતો રહ્યો. એ સંજય ને ઘણીવાર મળતો, ક્યારેય પેલી શરત ની વાત નહોતો કરતો. તે થોડો તકલીફ માં હોય તેવું સંજય ને લાગતું. સંજયને મનીયા ની આંખમાં જ્વાળામુખી જેવી આગ ઓકતી મહત્વકાંક્ષાઓ દેખાતી.તે હજુ એટલો જ રમુજી હતો. સંજય નું કેશિયર માંથી બ્રાન્ચ મેનેજર માં પ્રમોશન થયું સાથે મનીયા એ એક નાની ફૂડપ્રોડક્શન ની કંપની ખોલી, બંને ની જિંદગી રેલવે ના બે પાટા ની જેમ ચાલી રહી હતી.
           એકાદ વર્ષ માં મનીયા ની કંપની ને જબ્બર ખોટ કરી. કંપની બંધ કરી. પણ મનીયાનો મઝાક કરવાનો સ્વભાવ માં ફરક ના પડ્યો.તે અને સંજય વારેતહેવારે મળતા  રહેતા. બંને પોતપોતાના સમાજ ની સારી છોકરી જોઈ પરણી ગયા.
મનીયા ની જિંદગી માં ઉત્તર ચડાવ આવ્યા, સંજય તેને કોઈ નોકરી જોઈન કરી લેવાનું સમજાવતો પણ મનિયો કંઈ જવાબ ના આપતો.
      કોલેજ છૂટ્યા ને બે વર્ષ પછી સંજય રાજકોટ ની સારી બેન્ક નો બ્રાન્ચ મેનેજર હતો, આકર્ષક સેલરી હતી, પોતાનું ઘર હતું, પોતાની ગરીબી માંથી એક સારી એવી આર્થિક સ્થિતિએ પહોંચી ગયો હતો.જયારે  મનિયો નિષ્ફળ ગયો હતો, પોતાની હમણે જ બંધ કરેલી ફૂડ પ્રોડક્શનની કંપની ના કર્જ માં ડૂબેલો હતો, તેની આર્થીક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી.સંજય તેને જરૂર હોય તો મદદ કરવાનું કહેતો પણ મનિયો ના પાડી દેતો.
            થોડા સમય પછી મનીયા એ કાપડ નો નવો શોરૂમ ચાલુ કર્યો. પેલા નું દેવું હજુ  ભરપાઈ કરી નહોતો રહ્યો અને આ નવા બિઝનેસમાં બીજું દેવું કર્યું. એ સંજય ને તો જરાય ના રુચ્યું પણ એ એને સમજાવી ના શક્યો.
      સંજય નો કાપડ નો શો રૂમ રાજકોટ ના શ્રેષ્ઠ લોકેશન પર હતો. થોડા સમય માં જ તેના શોરૂમ પર ઘરાકી જામવા લાગી. એક વર્ષ માં તેની તેની શોરૂમ ની ભાડેની દુકાન ઘર ની થઈ ગઈ. ધીરે ધીરે મનીયા એ રાજકોટના પોશ એરિયા માં મકાન લીધું. મનિયો અને સંજય નિયમિત રીતે મળતા રહ્યા.તે પોતાની પ્રગતિ વિશે કહેતો.તેના બંગલા ના વાસ્તુ વખતે જ્યારે સંજય મનિયા ને મળ્યો તયારે જોઈને આભો થઈ ગયો. ભવ્ય રંગરોગાન કરેલા અને કલરફુલ લાઇટિંગ થી સજાવેલા બંગલો અને અરમાની નું ગ્રીનીશ ડાર્ક કલર ના બ્લેઝર માં મનીયા નું વ્યક્તિવ દીપી ઉઠ્યું હતું.  સંજય એ એક વાત  નોંધી હતી કે ધીમે ધીમે મનિયાએ મઝાક કરવાનું લગભગ બંધ કરી દીધું હતું. સાથે સાથે સંજયએ મનિયા ને ક્યારે મનિયો કહેવાનું છોડીને મનીષ કહેવાનું શરૂ કરી દીધું તે ખબર જ ન પડી.મનિષે એકાદ વર્ષમાં રાજકોટ શહેરમાં જ બીજા બે શોરૂમ ખોલી નાખ્યા . સંજય મનીષ ની પ્રગતિ થી ખૂબ ખુશ હતો.
       આખરે એ દિવસ આવી ગયો. સંજય ને થયું કે મનિયો તે શરત ને ભૂલી ગયો હશે. પણ  ચોવીશ સપ્ટેમ્બર ના ચાર દિવસ પહેલા જ મનીયાનો ફોન આવી ગયો કે તે અને સંજય ચોવીસ તારીખે સાંજે સાતેક વાગ્યે રાજકોટ ની સૌથી મોંઘી "રેસ્ટોરન્ટ બ્રાઇટ હાઈટ" માં મળશે. સંજય જેવા સામાન્ય બેન્ક મેનેજર ને આવી મોંઘી હોટલ પરવડે નહી પણ સંજય મળવાનો ઉદેશ સારી રીતે જાણતો હતો તેથી કાંઈ બોલ્યો નહીં.
        તે દિવસે સંજય થોડો વહેલા રેસ્ટોરન્ટમાં પહોંચી ગયો.પહેલાં માળે આવેલી રેસ્ટોરન્ટ ના રોડ સાઈડ ના ગ્લાસ સાઈડ ટેબલ પર તે મનિયા ની રાહ જોઈ રહ્યો. 
ધીમા ધીમા સંગીત અનોખી લાઇટિંગ અને આહલાદક વાતાનુકુલીન હોલ ની શાંતિ વચ્ચે સંજય ભૂતકાળ માં મનીયા ની અને પોતાની જિંદગીના ચડાવ-ઉતાર નીરખી રહ્યો.ક્યાં પેલો કોલેજ માં રમુજી, બીજાને મદદ કરવા તત્પર, હસાવતો રહેતો મનિયો અને ક્યાં મોટો બિઝનેસમેન મનિષ મનાણી.
                  હોટલ ના ના પાર્કિંગ માં શાઇનિંગ બ્લુઇશ ડાર્ક રંગની લક્ઝરીયસ વોલ્વો આવી ને ઉભી રહી. તેના દરવાજો ખુલ્યો અને મનિયો ઉર્ફે મનિષ મનાણી નીકળ્યો. તેનું સહેજ સ્મિત સહ ચહેરો, તેના વ્યક્તિત્વ થી અંજાઈને આજુબાજુ ના માણસો એકવાર નજર કરવા મઝબુર થયા. તે તેની આત્મવિશ્વાસથી ભરપૂર ગતિથી દાદરો ચડીને રેસ્ટોરન્ટ માં પ્રવેશી મારી સામે આવીને બેસી ગયો. તેણે ઝડપ થી વેઈટરને બોલાવીને જમવાનો ઓર્ડર આપી દીધો.મનિષે જમી લીધા સુધી શરત વિશે એકપણ શબ્દ ના બોલ્યો. સંજય જાણતો હતો કે હવે શું બનવાનું છે પણ મૌન રહ્યો.
જમી લીધા પછી મનીષ પોતાના રંગ માં આવ્યો.
"તને શરત યાદ છે સંજય?" મનિષે પહેલીવાર સંજય ને સંજય કહી બોલાવ્યો.
"હા! યાદ છે, એ પણ યાદ છે કે આજે ચોવીસ સપ્ટેમ્બર છે."
" તો શરત મુજબ હું જીતી ગયો છું. આજે હું પંદરેક કરોડ ની પ્રોપર્ટી ધરાવું છું. ત્રણ મોટા કાપડ ના શોરૂમ છે. લકઝરીયસ કાર ધરાવું છું, મારા અંદાઝ પ્રમાણે હું તારા કરતા આગળ છું." એટલું બોલી ને એ સંજય સામે જોઈ રહ્યો.
સંજય પણ મનિષ ને બોલતા જોઈ રહ્યો.તેની આંખો માં અલગ જ ભાવ હતા.તે થોડી વાર નિરુત્તર રહીને બોલવાનું ચાલુ કર્યું.
"જો મનીષ આજથી પાંચ વર્ષ પહેલાં મારી રૂમ પર આપણે શરત રાખી ત્યારે હું કંઈ લખતો હતો, તે જેવી શરત રાખી તે મેં અક્ષરશઃ લખી નાખી" એમ કહીને સંજય એ ઉપર ના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢી  અને બંને વાંચવા માંડ્યા.
"આજે ચોવીસ સપ્ટેમ્બર છે. આવનારા પાંચ વર્ષ માં મનિયો સંજય કરતા ઘણો આગળ નીકળી જાય તો મનિયો જીત્યો અને સંજયો પોતાને હારી ગયો માનશે-મનિયો"
 "હા બરાબર છે! અને શરત પ્રમાણે મારી સંપત્તિ વધારે એટલે હું જીત્યો."
પણ સંજય ની આંખમાં કંઈક સ્મિત દેખાતું હતું. તેના ભાવ રહસ્યમય હતા.
"નહીં મનીષ તું ધ્યાનથી વાંચ, એમાં લખ્યું છે કે મનિયા ની સંપત્તિ જો સંજય કરતા વધારે હોય તો મનિયો  જીતી જાય પણ અહીં મનિયો ક્યાં છે?.મનિષ આશ્ચર્યસહ ભાવ સાથે જોઈ રહ્યો. "તું છો એ તો મનીષ મનાણી છો, જે પેલો વંડી ઠેકતો, કોઈની પણ બાઇક માં પૂછ્યા વગર ચડી જતો, ગમે ત્યારે રૂમ પર ટપકી પડતો, રમૂજ કરાવતો, હસાવતો, જોક્સ બનાવતો, જોક્સ જીવતો મનિયો ક્યા છે?"
" અને મને તો એ પણ યાદ નથી કે છેલ્લે તું ક્યારે હસ્યો હતો. તને કેટલા લોકો હવે મનિયો કહીને બોલાવે છે?."
"મહત્વકાંક્ષાની દોડ માં તું તારી મંઝીલે તો પહોંચી ગયો છો પણ ત્યાં પહોંચ્યો એ તું નથી રહ્યો, તું એ તો છે જે તું બનવા માંગતો હતો પણ એ નથી જે ઘરેથી નીકળ્યો હતો........ "સંજય ના મોં માંથી શબ્દોની અને મનીષ ની આંખ માંથી અશ્રુ ની અવિરત ધારા વહેતી રહી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED