Featured Books
શ્રેણી
શેયર કરો

કઈક ખૂટે છે!!! - (૦૩) શિક્ષક ની દીકરી

(૦૩)

શિક્ષક ની દીકરી

મારે અહી થી ઝેરોક્ષ નથી કઢાવવી મને મટીરીયલ ઘરે લઇ જવા દે. મારા ઘર નજીક સસ્તા ભાવે નીકળી જશે. રચના બોલી.

પણ કેટલા નો ફેર પડે? આમ પાંચ-દસ રૂપિયા માટે કંજુસાઈ કેમ કરે છે? – રોશની.

તને ના સમઝાય ઘર કેમ નું ચાલે. મારા પપ્પા શિક્ષક છે. તારા પપ્પા ની જેમ ધીકતો ધંધો નથી.એકલે હાથે કમાતા શિક્ષક ને કરકસર તો કરવી પડેને?

રોશની કાયમ વિચારતી. કે રચના ભણવા ની બાબત માં કેમ આમ કરે છે? ફેશનેબલ કપડાં અને અન્ય વસ્તુ ખરીદવા માં કે દર મહિને પાર્લર માં કરવાના ખર્ચ માં ક્યાંય ના વિચારતી રચના એક ચોપડી લેતાં કેમ ખચકાય છે? જો ખરેખર પૈસા નો પ્રશ્ન હોય તો પછી એ વાટ અન્ય બાબતો - કપડાં ની ખરીદી કે મેક-અપ -પાર્લર માં કેમ લાગુ નથી પડતી?

હવે વાત કરીએ રચના ની. રચના ના પપ્પા તો શિક્ષક. હાઇસ્કુલ માં પહેલાં શિક્ષક અને પછી આચાર્ય થયેલા જોષી સાહેબ સાચા અર્થ માં વંદનીય શિક્ષક. સરસ્વતી માતા જાણે તેમની જીભે વસે. તેમના ઘર માં કાયમ અભ્યાસ ને લગતી કે સાહિત્ય ને લગતી કે પછી આધ્યાત્મિક વાતો ચાલતી હોય. સંતાનો ના અભ્યાસ માટે તેઓ હંમેશાં સભાન. ઘર માં આવુ વાતાવરણ છતાં અભ્યાસ માં જ પૈસાની ગણતરી. બીજી બાબતે નહી. ગમે તેવી ભીડ પડે પણ કોઈ દિવસ જોષી સાહેબ નાં પત્ની એટલે કે રચના ની મમ્મી રચના ના પાર્લર ખર્ચ ને કાપે નહી.. અને એનાથી તદ્દન વિપરીત રચના એ ભણવા ની બાબત માં કાયમ કંજુસાઈ ની આદત પાડી દીધેલી. અથવા એનાં મમ્મી એ આદત પડાવેલી. કોઈ કહે જ નહિ કે આ શિક્ષક ની દીકરી છે. શાળા માં શિક્ષકો તેને તેના પપ્પા ને લીધે – એક શિક્ષક ની દીકરી તરીખે ઓળખતા. પણ રચના ને એનો કોઈ ગર્વ નહી. ભણવા માં ખુબ હોશિયાર રચના ઓછી મહેનતે સારા માર્ક્સ લાવી દેતી. તે તેની બૌદ્ધિક ક્ષમતા. પણ ક્યારેય વધારાનાં પુસ્તકો લાઈબ્રેરી માં થી લઇ વાંચવા નો તેને ઉમળકો નહી. હા, રસોઈ શો જોવો એ છોડે ય નહી. રોશની તેને ઘણી વાર કહેતી કે તુ તો નસીબ થી જ સારા માર્ક્સ લાવી દે છે. રચના કહેતી ‘એ તો મારી ટેલેન્ટ છે’. અને બન્ને બહેનપણીઓ હસી પડતી.

આર્ટસ માં ગ્રેજ્યુએશન કરી રહેલી રચના નવલકથા ખરીદવા ને બદલે ઝેરોક્ષ કાઢવી વાંચે. પણ દર મહિને બ્યુટી પાર્લર માં ફેશિયલ તો અચૂક થાય. ગામડે થી કોઈ સગું આવે કે તેમને શોપિંગ થી માંડી હરવા ફરવા માં રચના કંપની આપવા તૈયાર. પરીક્ષા માથે હોય તોય ચિંતા નહી. ઉજાગરા કરી ને વાંચી લે. પણ સગા ને ખોટું ના લાગવું જોઈએ. રચના અને તેની મમ્મી નો એક મત. કોઈ ટોકે કે પરીક્ષા છે તો રચના ને વાંચવા દો તો તરતજ શ્રીમતી જોષી તાડૂકે,”પરીક્ષઓ તો આવતી જ રહેશે. પણ આપણા સમાજ માં અને નાત માં આપણી પ્રેસ્ટિજ બંધાય એ ય જોવું પડેને?” આ વિધાન સાંભળી ગયેલી રોશની એ ક્યારેય ત્યાર પછી રચના ને ટોકવા નું સાહસ નહી કરેલું. એ મનોમન બબડી રહેતી “કેવી બેદરકાર છે. કોઈ કહેજ નહી કે શિક્ષક ની દીકરી. સમાજ માં થી ઉપડતા ધાર્મિક સ્થળ ના પ્રવાસ એ પરીક્ષા નજીક હોય તોય છોડતી નહી. શ્રીમાન અને શ્રીમતી જોષી નું એમ માનવું હતું કે આવા નાના-મોટા મેળાવડા માં છોકરી ને બધાં ઓળખતાં થાય. છોકરી કોઈ ના ધ્યાન માં રહે.અને એમાંથી જ ક્યાંક ભવિષ્ય માં લગ્ન નું ગોઠવાઈ જાય.

શાળા કક્ષા એ કામ લાગેલી ટેલેન્ટ નો પનો કોલેજ લેવલે ટૂંકો પડ્યો. સગાં-વ્હાલાં જોડે શોપિંગ મેળાવડા,પ્રવાસો,રસોઈ નો મહાવરો બધું મળી ને રચના ને પછાડવા નું કારણ બન્યાં. ઉજાગરા ઓછા પડ્યા કે પછી નબળું પડ્યું નસીબ પણ રચના એ ફાઈનલ યર માં ફર્સ્ટ ક્લાસ ઘુમાવ્યો.

સેકન્ડ ક્લાસ રચના કરતાં ઘણી સામાન્ય છોકરીઓ ના માર્ક્સ વધુ હતા. તેને યુનિવર્સીટી ખાતે એમ.એ. માં એડમિશન ના મળ્યું. સ્વ-નિર્ભર એટલે કે સેલ્ફ-ફાઈનાન્સ કોલેજ માં પાંચ ઘણી ફી ભરવા નો વારો આવ્યો. પરિણામે જોષી પરિવાર પર જાણે વીજળી પડી. અને ઠપકા નો વરસાદ વરસાવ્યો જોષી સાહેબે રચના ઉપર. વર્ણન સંભાળનાર રોશની નક્કી જ ના કરી શકી કે રચના ના પપ્પા ને વધુ ગુસ્સો રચના ના નબળા પરિણામ નો આવ્યો છે કે સેલ્ફ ફાઈનાન્સ માં ભરવી પડેલી ફી નો. હોય, એકલે હાથે કમાતા શિક્ષક ને કરકસર તો કરવી પડેને? અને એમાં આવા અંણધાર્યા ખર્ચા ..માણસ અકળાય જ ને.

એમ.એ. ના ભણતર ની સાથે સાથે રચના ની સગાઈ નક્કી થઇ ગઈ. જોષી પરિવાર ને વર્ષો સુધી કેળવેલા સંબંધો,પ્રવાસો અને મેળાવડા કામ લાગેલા જણાયા. ધામધૂમ થી સગાઈ નો પસંગ ઉજવાઈ ગયો..

ભણી રહ્યા પછી એક ખાનગી સ્કૂલ માં શિક્ષક ના ઇન્ટરવ્યુ ના આગલા દિવસે તૈયારી કરવા ને બદલે રચના કલાકો સુધી તેના ભાવિ પતિ સાથે ફોન પર વાતો કરતી રહેલી. વર્ષો સુધી જે સાથે વાંચતી તે બહેનપણી રોશની એ ઘણાં વર્ષે તેને આજે ટોકી. પણ બિન્દાસ રચના એ કહી દીધું કે નોકરી મળે તો ય કોને અહી લાંબો ટાઈમ કરવી છે? આવતા વર્ષે તો લગ્ન છે. ફરી રોશની મનોમન બબડી ... કોણ કહે આ શિક્ષક ની દીકરી? પણ રચના નું નસીબ ઇન્ટરવ્યું માં જોર કરી ગયું. અને તેને નોકરી મળી પણ ગઈ. પણ નોકરી માં ય રચના નો એક જ સુર ‘મારે ક્યાં અહી લાંબી નોકરી કરવી છે’ એની બેદરકારી ધીમે ધીમે ડોકાવા લાગી. અને લગ્ન ના બે મહીના પહેલાં નોકરી છોડી રચના લગ્ન ની ખરીદી માં પરોવાઈ. રોશની નોકરી માં વ્યસ્તતા ને કારણે ખરીદી માં સાથે નહી રહી શકેલી.

વૈશાખી વાયરા વાયા ને રચના ના લગ્ન નો દિવસ આવી પહોંચ્યો. ખરીદી માં સાથે ન રહી શકેલી રોશની તેનું આણું પાથરેલું જોઈ છક થઇ ગઈ. અઢળક કપડાં-દાગીના-ઘર વખરી અને ઘણું બધું. ક્યાંય કરકસર નો ‘ક’ ના જડે. લગ્ન ની રાતે મોટા પાર્ટી પ્લોટ માં ઝગારા મારતી લાઈટો થી સજાવેલાં ઝાડ.... ભવ્ય ડીનર લઇ રહેલ મહેરામણ અને ઓર્કેસ્ટ્રા ના સુર થી રોશની જડવત થઇ ગઈ. બાપરે કેટલો ખર્ચ કર્યો છે? રોશની ને પાંચ-દસ રૂપિયા બચાવવા ક્ષેરોક્ષ ની દુકાન બદલતી રચના...નવલ કથા ન ખરીદતાં ક્ષેરોક્ષ કરાવતી રચના... વધુ ફી ને લીધે ઠપકા નો વરસાદ સહેતી રચના યાદ આવતી હતી. પાછળ અન્ય સ્ત્રીઓ નો બબડાટ કાને પડતો હતો પાછળ થી કોઈ બોલ્યું ‘અરે આટલો મોઘો પાર્ક તો બ્રાહ્મણ ની નાત માં ભાગ્યે જ કોઈ રાખે ’ અને જમવા માં ય આમણે તો બહુ ખર્ચ કર્યો છે ને” ‘નોકરિયાત માણસ ના ગજા બહાર ની વાત આવો ખર્ચ’ અને કોઈ અનાયાસે બોલ્યું,”કોઈ ને લાગે નહી આ શિક્ષક ની દિકરી છે.” અને રોશની વિચારી રહી ભરત ભાગ્ય વિધાતા ની હાલત જ્યાં વર્ષો સુધી અભ્યાસ ની કરકસર સામે એક દિવસ નો લગ્ન નો ખર્ચ જીતી જાય છે.