વિધી ની વક્રતા Nikunj Kantariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિધી ની વક્રતા

રક્ષાબા સ્કૂટી ઉપર બેઠાં, પુશબટન દબાવી સ્કૂટી સ્ટાર્ટ કરી. સ્કૂટી રસ્તા ઉપર દોડવા લાગી પણ રક્ષાબાનું હૈયું તો ફફડતું હતું – હૃદયના ધબકારા વધી ગયા હતા. એક તો આ વિસ્તાર જ મિની પાકિસ્તાન તરીકે ઓળખાતો હતો અને તેમાં વળી ભારત-પાકિસ્તાનની મેચ ! શહેર આખું કોમી-દાવાનળમાં ભડભડ ભડકે બળતું હતું. દીકરી નિશ્વા તો ના જ પાડતી હતી કે ‘મમ્મી, આજે તું છેલ્લું ટ્યુશન ભણાવવા એ વિસ્તારમાં અ જઈશ… તારા જીવને જોખમ છે …’ આમ તો નીશ્વાની વાત સાચી હતી, હોકારા-પડકારા સંભળાતા હતા, અને રાતના નવ વાગ્યે એકલાં જ આ વિસ્તારમાંથી નીકળવું એટલે ખરેખર સામે ચાલીને મોતને આમંત્રણ આપવા જેવું હતું. અને પાછી એકલી ઓરતજાત… પણ થાય શું ? છોકરાંઓની બોર્ડની પરીક્ષા માથા ઉપર હતી અને જો ટયુશનમાં રજા પાડે તો આવા તો બે ચાર દિવસ બગડે, અને રિવિઝન કરવાનું રહી જાય તો રિઝલ્ટ ઉપર અસર પડે, વાલીઓ નારાજ થાય અને લાંબા ગાળે ટ્યુશન આવતાં છોકરાં ઓછાં થઇ જાય તો પછી નિશ્વાનું લગ્ન …! ? !

રક્ષાબા ફફડી ઊઠ્યાં… ના… ના… મારી નિશ્વાનું લગ્ન તો મારે ધામધૂમથી જ કરવું છે – ભલે ને પાંચના બદલે સાત લાખ રૂપિયા ખર્ચ થાય… બે બેચ વધારે કરીશ – પણ મારી નિશ્વાને એમ ન લાગવું જોઈએ કે મારા બાપા નહોતા કે ભાઈ લડીને જુદો થઇ ગયો એટલે મમ્મીએ મને ગમે ત્યાં નાખી દીધી …

રક્ષાબાને હવે આ ઉંમરે કાંઈ ટ્યુશન કરવાનો શોખ નહોતો… પણ શું થાય ? મજબૂરી હતી … પતિ વિક્રમસિંહ પણ શિક્ષક જ હતા. નોન-ગ્રાન્ટેડ શાળામાં શિક્ષક હતા. પગાર ઓછો હતો – સરકારી શાળાના શિક્ષકો કરતાં ! સરકારી શાળાના શિક્ષકો માફક પેન્શન પણ મળવાનું નહોતું… તો પણ સિદ્ધાંતવાદી હતા, જીવ્યા ત્યાં સુધી ટયુશન કર્યા નહોતાં… ! જો કે એમનું ટીચિંગ જ એટલું બધું પાવરફૂલ હતું કે તેમના વર્ગમાં ભણતાં બાળકોને ક્યારેય ટ્યુશન રાખવાની જરૂર પડતી નહી ! ગણિત અને વિજ્ઞાનનો ગમે તેવો અઘરો ટોપિક હોય તો પણ વિક્રમસિંહ એવી અદ્દભુત રીતે સમજાવતા કે દરેક વિદ્યાર્થીને એ ટોપિક સમજાઈ પણ જાય અને યાદ પણ રહી જાય ! આમ છતાં પણ જો કોઈ વિદ્યાર્થીને એ ટોપિક ના સમજાયા હોય તો તેમનાં દ્વાર ચોવીસે કલાક ખુલ્લાં રહેતાં. બોર્ડની પરીક્ષાના દિવસોમાં તો એકલા તેમની શાળાના જ નહીં પણ બીજી શાળાના વિદ્યાર્થીઓ અઘરા પ્રશ્નોના જવાબ સમજવા માટે તેમના ઘેર આવતા, વિક્રમસિંહ હોંશે હોંશે તે સમજાવતા, રક્ષાબા એ વિદ્યાર્થીઓને ચા-પાણી પણ કરાવતાં…! જાણે કે બંને પતિ–પત્નીએ શિક્ષણસેવાનો ભેખ લીધો હતો … તેમનું એક જ ધ્યેય હતું કે તેમના વિદ્યાર્થીઓ પરીક્ષામાં સર્વોત્તમ દેખાવ કરે ..

જ્યારે તેમને ત્યાં પુત્રરત્નનો જન્મ થયો ત્યારે રક્ષાબાએ તો કહ્યું હતું કે ‘કેટલા બધા વિદ્યાર્થીઓના આપણને આશીર્વાદ મળે છે. એટલે પછી આપણે ત્યાં પુત્રનો જ જન્મ થાય ને ?’ હોંશે હોંશે તેમણે તેનું નામ વિદ્યેશ રાખ્યું હતું !

વિદ્યેશના જન્મ પછી ત્રીજા વર્ષે નિશ્વાનો જન્મ થયો … અને પછીના વર્ષે જ એમના કુટુંબ ઉપર પહાડ તૂટી પડ્યો … વિક્રમસિંહનું એક રોડ અકસ્માતમાં મૃત્યુ થયું અને રક્ષાબાની તકલીફો અને તપશ્ચર્યાની શરૂઆત થઇ … ! આમેય રક્ષાબા પાછાં પડે તેવાં નહોતાં જ ! અને ભણેલાં પણ હતાં. એક પ્રાથમિક શાળામાં જોડાયાં… અને બંને બાળકોનો ઉછેર કરવા માંડ્યાં … ગામડેથી વિધવા સાસુને પોતાની સાથે રહેવા બોલાવી લીધાં જેથી બાળકોની કાળજી રાખી શકાય.

તકલીફ તો માત્ર વિદ્યેશ ભણીગણીને તૈયાર થાય ત્યાં સુધીની જ હતી ને ? વિદ્યેશ ધંધે લાગી જશે પછી તો નિશ્વાની જવાબદારી તો તે સ્વીકારી જ લેશે ને …!? માત્ર બાવીસ-ચોવીસ વરસનો જ પ્રશ્ન હતો ને !?! રક્ષાબાએ વિદ્યેશને ઉછેરવામાં પોતાની જાત નિચોવી નાખી… શહેરની મોંઘામાં મોંઘી શાળામાં ભણાવ્યો, શહેરના સારામાં સારા શિક્ષકોનું ટ્યુશન રખાવ્યું … ખર્ચમાં નહોતું પહોંચી વળાતું એટલે સ્કૂલ ટાઈમ સિવાય ટ્યુશનો પણ કરતાં હતાં રક્શાબાનું એક જ ધ્યેય હતું કે કોઈ પણ હિસાબે મારો વિદ્યેશ ભણીગણીને મોટો માણસ બને. એક વાર વિદ્યેશ ભણીને ધંધે લાગી જાય પછી મારે કોઈ જ ચિંતા નહીં …

સારામાં સારા શિક્ષકોનું ટ્યુશન રાખ્યું હોવા છતાં પણ વિદ્યેશના બારમામાં થોડા ઓછા ટકા આવ્યા, પણ વિદ્યેશને એન્જિનિયર થવું હતું. અને રક્ષાબા પણ તેને એન્જિનિયર બનાવવા ઇચ્છતાં હતાં. એટલે તેમણે પોતાના બધા જ દાગીના વેચી દીધા પણ વિદ્યેશને સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં ભણવા મોકલ્યો, એક જ આશાએ કે વિદ્યેશ એન્જિનિયર થઇ જશે પછી સુખના દાહડા આવવાના જ છે ને ? નિશ્વાનું લગ્ન પણ એ ધામધૂમથી કરાવશે જ ને ?

પણ …

વિદ્યેશ ભણી રહ્યો એન્જિનિયર થયો. એક મોટી ઇન્ટરનેશનલ કંપનીમાં પચાસ હજાર રૂપિયાના માસિક પગારની નોકરી પણ મળી ગઈ… રક્ષાબાએ ધામધૂમથી તેનાં લગ્ન પણ કરાવ્યાં અને પછી રક્ષાબાએ હાશકારો અનુભવ્યો – હવે સુખના દિવસ આવ્યો – બધી જ ચિંતા દૂર થઇ ગઈ પણ ના … વિધિની વક્રતા તો વિચિત્ર હતી.

નિમિષાવહુ શરૂઆતમાં તો સારી લાગતી હતી. ‘મમ્મીજી મમ્મીજી … કે નિશ્વાબા નિશ્વાબા’ કરતાં તેનું મોઢું નહોતું સૂકાતું – બધાં કામ દોડીને કરતી હતી, રક્ષાબાની સેવા પણ કરતી હતી પણ …

ત્યાં જ નિમિષાવહુની મમ્મી થોઆદાક દિવસ રહેવા આવ્યાં. તેમણે જોયું કે ઘરમાં જુવાન નણંદ કુંવારી છે અને નિમિષાની સાસુ તો એક વરસ પછી રિટાયર્ડ થાય છે. એનો અર્થ એ થયો કે તેમના દીકરી – જમાઈના માથે જ નિશ્વાને પરણાવવાની જવાબદારી આવી જશે એટલે તેમણે નિમિષાના કાન ભંભેર્યા… એનું પરિણામ એ આવ્યું કે વિદ્યેશની સાસુના ગયા પછી બીજા જ મહીને નાની સરખી વાતમાં જ ઝઘડો કરીને નિમિષા વહુ અલગ થઇ ગઈ. અને પરિણામે રિટાયર્ડ થયા પછી પણ રક્ષાબાને ટ્યુશન કરવાના દિવસો આવ્યા. નિશ્વાને પરણાવવાની જવાબદારી બાકી હતી એટલે …!?!

નિમિષા તો પારકી હતી પણ વિદ્યેશ તો પોતાનો જ હતો ને ? તેણે તો વિચાર કરવો જોઈએ ને કે મારી માએ મારાં માટે કેટલી બધી તકલીફો સહન કરી છે અને કટલો બધો ભોગ આપ્યો છે !? પણ તેના બદલે તેણે તો રક્ષાબાને ફરિયાદ કરી કે, ‘તું આખો દિવસ નિમિષાને ટોર્ચર જ કર્યા કરે છે.’

વિચારમાં ને વિચારમાં રક્ષાબા ઊંધા માર્ગે ચઢી ગયાં. મિની પાકિસ્તાનમાંથી બહાર આવવાના બદલે અંદર આવી ગયાં … એ તો ‘મારો .. કાપો …’ ની બૂમો પાડતું, મશાલો અને હથિયારોથી સજ્જ ટોળું સામે આવ્યું ત્યારે ખબર પડી, રક્ષાબા ફફડી ઊઠ્યાં … ખેલ ખલાસ …!?! ‘અરે પકડો આ ઓરતને … કાફિર છે…’ ટોળામાંથી કોઈક બોલ્યું… ટોળાનો એક ભાગ રક્ષાબા તરફ આગળ વધ્યો ત્યાં જ …

‘ઠેહરો’ ટોળામાંથી જ એક પહાડી અવાજ આવ્યો. એક ઊંચો, પડછંદ, મોટી મોટી મૂછોવાળો આદમી આગળ આવ્યો રક્ષાબાને પગે લાગ્યો, ‘યે તો મેરી મા હૈ … ઉસકે ખાવિંદ મેરે ગુરુ થે .. મા’ … વિદ્યેશ કહાં હૈ ?

રક્ષાબા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં. આદમીએ કહ્યું,‘ગભરાઓ મત મા… આજસે મેં હી તુમ્હારા લડકા હૂં… ચલો મેં તુમ્હે ઘર છોડ દેતા હૂં. તુમ્હારી સભી જરૂરતોં કા બોજ અબ ઇસ મુસ્તાકકે સિર..’

રક્ષાબાના મોંમાંથી એક સાથે નીકળી ગયું, ‘હે મા … યા અલ્લાહ …’