ડેવિલ એક શૈતાન-૧૮ Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડેવિલ એક શૈતાન-૧૮

ડેવિલ : એક શૈતાન

ભાગ-૧૮

આગળ ના પ્રકરણ માં તમે વાંચ્યું...રાધાનગર માં એક પછી એક હત્યાઓ ની સીલસીલો ચાલુ જ છે-હત્યા નો ભોગ બનેલા ભારતીબેન ના હાથ પર ના લખાણને અર્જુન સમજી શકતો નથી-શૈતાની ચુડેલ નો અંત કરી અર્જુન નાયક ને બચાવી લે છે-એ ચુડેલ આરઝુ નામ ની એક મૃત્યુ પામેલ સ્ત્રી હોય છે જેનું DNA નિખિલ નામ ના દૈત્ય ના DNA જોડે મળતું હોય છે-બિરવા અર્જુન ની વધુ નજીક આવવાના પ્રયત્નો કરે છે-રાધાનગર માં ફેલાયેલી શાંતિ વચ્ચે એક બિનવારસી હાલત માં કાર મળી આવે છે-હવે વાંચો આગળ...

અર્જુન ૨-૩ કોન્સ્ટેબલ સાથે જાવેદ એ બતાવેલી જગ્યાએ પહોંચી જાય છે.જીપ માંથી ઉતરી અર્જુન નજર કરે છે તો એક કાળા રંગ ની કાર ની અંદર જાવેદ અને એના સ્ટાફ ના થોડા પોલીસ કોન્સ્ટેબલ કંઈક શોધખોળ કરી રહ્યા હોય છે.!!

અર્જુન કાર ને નજીક થી નીરખીને જોવે છે તો આ કાર પર કોઈ કમ્પની નો લોગો નથી હોતો.. આ ઉપરાંત આ કાર માં કોઈ નમ્બર પણ નથી હોતો..!!આવી ડિઝાઇન ની કાર તો કોઈ બઝાર માં ઉપલબ્ધ નથી એ અર્જુન કાર ને જોતાવેંત જ સમજી જાય છે.આ કાર કોઈએ સ્પેશિયલ મોડીફાઈ કરી બનાવી હોય એવું અર્જુન ને લાગી રહ્યું હોય છે.

"જાવેદ ખબર પડી કે આ કાર કોની છે?"અર્જુને કાર માં શોધખોળ કરી રહેલા જાવેદ ને જોઈ કહ્યું.

"ના સર..આજુબાજુ પણ બધે શોધખોળ કરી પણ કોઈ એવી શંકાસ્પદ વસ્તુ મળી નથી..કાર નું બોનેટ ખોલી જોયું તો એવું લાગે છે કે એન્જીન ફેઈલ થઈ જવાથી કોઈ કાર ને આ રીતે લાવરીસ મૂકી ને જતું રહ્યું છે"જાવેદે કહ્યું.

અર્જુને આજુ બાજુ નજર કરી પછી એકાએક મગજ માં કંઈક ચમકારો થયો હોય એમ કહ્યું" તમે ડેકી માં જોયું"??

"ના સર..ડેકી માં જોવાનું તો રહી જ ગયું.."જાવેદે કહ્યું.

અર્જુને એક કોન્સ્ટેબલ જોડે જીપ માંથી સળિયો મંગાવ્યો અને સળિયાનો ઉપયોગ કરી ડેકી ખોલી દીધી..ડેકી ખોલતા જ એક વિચિત્ર પ્રકાર ની બદબુ થી ત્યાં હાજર બધા ના નાક ભરાઈ ગયા.ડેકી ની અંદર નજર પડતા જ બધા ચોંકી ગયા..!!

કાર ની ડેકી માં એક કાળા રંગ નો શ્વાન મૃત હાલત માં હતો..એ કૂતરા ના માથા ના ભાગ માંથી લોહી વહી રહ્યું હતું..માથા માં પડેલા ઘામાંથી માંસ ના લોચા બહાર નીકળી ગયા હતા અને ખોપરી પણ દેખાઈ રહી હતી.જોઈને એવું લાગતું હતું કે કોઈ ગાડી સાથે અથડાવવાથી આ શ્વાન નું મૃત્યુ થયું હોવું જોઈએ..વહી રહેલું લોહી કાર ની ડેકી માં પણ ધીરે ધીરે ફેલાઈ રહ્યું હતું જેના પરથી અર્જુને એવું અનુમાન લગાવ્યું કે આ કૂતરા નો અકસ્માત થયે ૧૦-૧૨ કલાક માંડ થયા હશે.

અર્જુને જેવો આ નજારો જોયો એવો જ એના મન માં એક વિચાર સ્ફુર્યો અને એ કાર ના બોનેટ ની નીચે ના ભાગ માં નમી ને જોવા લાગ્યો..ત્યાં અર્જુને જોયું તો લોહી ના ડાઘ હતા જેના પરથી અર્જુને એતો અંદાજો લગાવી લિધો કે આ કૂતરા નું મોત આ કાર જોડે જ અથડાવવાથી થયું હોવું જોઈએ.!

"જાવેદ..આ કાર સાથે જ અથડાવવાથી આ કુતરા નું મોત થયું છે..પણ આ કાર ના ચાલક દ્વારા પોતાની ભુલ ના લીધે મરેલા કુતરા ને આમ કાર ની ડેકી માં રાખવાની ઘટના ખુબ વિચિત્ર કહેવાય.."અર્જુને કહ્યું.

"હા જો તમારી ગણતરી સાચી હોય તો મને તો આ પ્રકારની ઘટના કોઈ વગર કારણે તો ના જ થઈ હોય..હા એવું પણ બને કે કોઈએ આ કુતરા ની મોત નો પસ્તાવો થતા એની દફનવિધી માટે એની લાશ ને ડેકી માં રાખી હોય" જાવેદે પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું.

"હા એવું બની શકે પણ કોઈ કાર ને આમ મૂકી ને જતું રહે એનો મતલબ શું સમજવો..અને રાધાનગર માં હમણાં થી બનતી ઘટનાઓ નો સંબંધ આ કાર ના માલિક જોડે હોઈ શકે..બાકી નમ્બર વગર ની આ રીતે સ્પેશિયલ ડિઝાઇન કરેલી કાર કોઈ કેમ રાખે..આ સિવાય આ રીતે મૃત હાલત માં કુતરા ની લાશ આ કાર ની ડેકી માં મળવાની ઘટના મારો શક મજબુત કરવા પુરતી છે"અર્જુને સિગરેટ સળગાવતા સળગાવતા કીધું.

"તમારી વાત આમતો વિચારવા જેવી છે..તો હવે આ કાર અને આ કુતરા ના મૃતદેહ નું શું કરીશું??"જાવેદે કહ્યું.

"આ કાર ને પોલીસ સ્ટેશનમાં લઈ જા અને આ કુતરાનો મૃતદેહ અત્યારે ફોરેન્સિક લેબ માં મોકલાવ..એના શરીર પર એને કાર માં મુકનારા ના ફિંગર પ્રિન્ટ હોઈ શકે છે..અને કાર માં પણ ક્યાંક તો એના ફિંગર પ્રિન્ટ મળી જ રહેશે" સિગરેટ ના ધુમાડા ને હવામાં છોડતા છોડતા અર્જુને કહ્યું.

"ઑકે.. સર.."જાવેદે અદબભેર કહ્યું.

***

જાવેદ ને આગળ ની પ્રોસેસર શું કરવાની એ સમજાવી અર્જુન પાછો પોલીસ સ્ટેશન આવી ને બેઠો...અર્જુન અત્યારે રાધાનગર માં બની રહેલી અગમ્ય ઘટનાઓ ના તાર એકબીજા સાથે જોડી રહ્યો હતો જે ઉપરથી એ એટલું તો તારવી શક્યો હતો કે આ બની રહેલી ઘટનાઓ કોઈ એવા માણસ દ્વારા થાય છે જે બહુ જ બુદ્ધિશાળી અને શાતિર છે..દરેક વખત બનતી ઘટના એક ચોક્કસ પેટર્ન મુજબ થાય અને લેટર મોકલાવી એ પોતાને પકડવાની કે પોતાના થકી ઘટનાઓ ને બનતી રોકવાની ખુલ્લી ચેલેન્જ આપતો હતો જે વાત અર્જુન ને અકળાવી મૂકતી હતી..!!

અચાનક અર્જુન ના મોબાઈલ ની રિંગ વાગી અર્જુને જોયું તો કોલ બિરવા નો હતો..અર્જુને ફોન રિસીવ કર્યો અને કહ્યું..

"બોલ..બિરવા કેમ અત્યારે યાદ કર્યો?"

"યાદ કરવા માટે પણ હવે મારે રજા લેવી પડશે.અત્યારે તું ક્યાં છે?"બિરવા હવે અર્જુન ને તુકારે જ બોલાવતી..

"અત્યારે તો પોલીસસ્ટેશન માં બેઠો છું..તારે કંઇ કામ હતું.?"અર્જુને કહ્યું..

"ના કામ તો કંઈ નહોતું પણ આજે મેં તારા માટે સ્પેશિયલ આલુ મટર ની સબ્જી બનાવી છે..લાસ્ટ ટાઈમ મેં ખવડાવી હતી તો તને બહુ પસંદ આવી હતી..પીનલ ભાભી તો અત્યારે લાયબ્રેરી માં હશે તો મને એમ કે તું બહાર નું જમી ને તબિયત બગાડે એના કરતાં તને જમવાનું આપી જઉં" બિરવા એ કહ્યું.

"હું ના પાડીશ તો પણ તું થોડી મારી વાત માનવાની છે ..અને આમ પણ આલુ મટર ની સબ્જી ને ના પાડવાનો સવાલ જ નથી આવતો મિસ બિરવા.."અર્જુને મજાકિયા મૂડ માં કીધું.

"સારું તો હું ૧૦-૧૫ માં પહોંચી"અર્જુન ની સહમતી મળતાં ખુશ થઈને બિરવા એ કહ્યું.

થોડીવાર માં તો પોતાની એક્ટિવા લઈને બિરવા પોલીસસ્ટેશન પહોંચી ગઈ..બધા કોન્સ્ટેબલ જાણતાં હતા કે બિરવા એસીપી અર્જુન ની ખાસ મિત્ર છે એટલે એ વગર રોકટોકે અર્જુન ની કેબીન સુધી આવી ગઈ.

"એસીપી સાહેબ કમ ઇન?"કેબીન ની અંદર આવ્યા પછી બિરવા એ અર્જુન ને પૂછ્યું.

"આખી અંદર આવી ગઈ અને પૂછે છે કમ ઇન..બેસ ખુરશી માં"અર્જુને મોં પર મોટું સ્મિત લાવી કહ્યું.

"એક દિવસ તારા દિલ માં ઇન ના થઉં તો મારું નામ બિરવા નહીં" મનમાં બિરવા બોલી.

બિરવા એ અર્જુન માટે નું જમવાનું પ્લેટ માં કાઢ્યું અને આગ્રહ કરી પોતાના હાથ થી અર્જુન ને ખવડાવ્યું.શાતિર માં શાતિર ગુનેગાર ની આંખો વાંચી એના દિલ ની વાત શું છે એ જાણનારા અર્જુન ને બિરવા ની આંખો માં પોતાના માટે શું ભાવ રહેલા છે એની ખબર ના પડી.

સામે પક્ષે બિરવા એવું સમજતી હતી કે અર્જુન ધીરે ધીરે એના પ્રેમ માં પડી રહ્યો છે..હા એને એ પણ ખબર હતી કે અર્જુન પોતાની પત્ની પીનલ ને ખુબ જ પ્રેમ કરે છે પણ પીનલ ની ગર્ભાવસ્થા નો ફાયદો ઉઠાવવા માટે બિરવા તૈયાર હતી.કોઈવાર પોતાના સ્પર્શ થી તો કોઈવાર પોતાના મરોડદાર અંગ ના દર્શન કરાવવી અર્જુન ને આકર્ષવાના પ્રયત્નો માં એ લાગી રહેતી.!!

અર્જુન ની કસાયેલી કાયા અને મોહક વ્યક્તિત્વ થી બિરવા અંજાઈ ગઈ હતી..કોઈપણ સંજોગો માં એકવાર અર્જુન ના પૂર્ણ પ્રેમ નો સ્વાદ ચાખવા એ અધુરી બની હતી..કોઈવાર વગર કારણે અર્જુન જોડે લિફ્ટ માંગવી.. અર્જુન ની પાછળ બેસવું અને પોતાના ઉભારો ના સ્પર્શ થકી એને ઉત્તેજિત કરવો આ બધી હરકતો એ વારંવાર કરતી પણ અર્જુન જાણે કોઈ સંત પુરુષ નો અવતાર હોય એમ બિરવા ની આ બધી હરકતો ની નોંધ જ લેતો નહોતો.

અર્જુન ના જમી રહ્યા બાદ બિરવા એ અર્જુન ના કેબીન માંજ બેસી અડધો કલાક વાતો ના વડા કર્યા પછી ત્યાંથી વિદાય લીધી..બિરવા અત્યારે યૌવન ના ઉંબરે ઉભી હતી..એના સ્ત્રીદેહ માં અત્યારે અર્જુન ને પામી લેવાની વાસના એ ઘર કરી દીધું હતું..એ કોઈપણ ભોગે અર્જુન ને પોતાનો બનાવી લેવા માંગતી હતી..!!!

***

બિરવા ના ગયા પછી અર્જુન કેબીન માં જ આંખો બંધ કરી ને ખુરશી માં બેઠો.. થોડીવાર માં એને ઊંઘ આવી ગઈ.આંખ ખુલી તો અર્જુને જોયું તો એ દોઢેક કલાક જેટલું સુઈ ગયો હતો..આંખ ખુલતા જ એને ઘંટડી વગાડી ચા લાવવા માટે એક કોન્સ્ટેબલ ને કીધું.

અર્જુન જાગી ગયો છે એ ખબર પડતાં જાવેદ પણ અર્જુન ની કેબીન માં આવ્યો અને કહ્યું.

"સર કાર ને જીપ સાથે ટોઇંગ કરી પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યો છું અને એ કુતરા ને મૃતદેહ ને પણ ફોરેન્સિક ટીમ જોડે મોકલાવી દીધો છે"

"ગુડ જોબ..જાવેદ..ફોરેન્સિક એક્સપર્ટ ને બોલાવી કારમાં પણ તપાસ કરાવજે.. એમાં પણ કારમાલિક ના ફિંગરપ્રિન્ટ મળવાની શક્યતા નકારી ના શકાય" અર્જુને ખિસ્સા માંથી સિગરેટ નું પેકેટ કાઢતા કાઢતા કહ્યું.

"હા સર એ માટે પણ મેં કહી દીધું છે કોલ કરીને"જાવેદે કહ્યું.

થોડીવાર માં એક છોકરો ચા ની કીટલી લઈને અર્જુન ની કેબીન માં આવ્યો અને ગ્લાસ ની પ્યાલી માં ૨ કટિંગ ચા મૂકીને નીકળી ગયો.

"જાવેદ સિગરેટ પીવે છે તું?" અર્જુને સિગરેટ નું પેકેટ જાવેદ તરફ લંબાવતા કહ્યું.

"ના સર..આદત નથી સિગરેટ ની..કોઇકોઈ વાર ગેસ થઈ જાય તો બીડી પી લઉં."જાવેદે ચા ની પ્યાલી હાથ માં લેતા કહ્યું.

"અમને તો આ ટેવ પડી છે કે જતી જ નથી..આતો તારા ભાભી ના આવ્યા પછી થોડી ઓછી થઈ નહીંતો રોજ નું એક પેકેટ પતાવી દેતો" અર્જુને સિગરેટ સળગાવીને કહ્યું.

ચા પીધા પછી જાવેદ રજા લઈને બહાર ગયો..અર્જુન પણ થોડીવાર બેઠો અને સાંજ ના ૫:૩૦ થતા પીનલ ને લાયબ્રેરી થી પિકઅપ કરવા માટે બુલેટ સ્ટાર્ટ કરી ને નીકળી પડ્યો લાયબ્રેરી તરફ.

પીનલ છ વાગે લાયબ્રેરી નો ટાઈમ પૂરો થતાં અર્જુન ની સાથે ઘરે આવવા માટે નીકળી પડી.ઘરે જઈ બંને એ સાથે મળી જમવાનું બનાવ્યું અને જમી ને ટીવી જોવા બેઠાં. થોડી ઘણી વાતો કર્યા પછી અર્જુને કહ્યું.

"પીનલ આજે તો રાતે ઘરે જ રહેવું છે..આમ પણ હમણાં થી શાંતિ છે..જાવેદ અને વાઘેલા મારી ગેરહાજરી માં પણ પોતાની ડ્યૂટી સારી રીતે નિભાવે છે એટલે મારે હવે બહુ ચિંતા નથી." અર્જુને પીનલ ના ગળા પર હાથ વીંટાળી કહ્યું.

"સારું આમ પણ તમે બહુ દિવસ થી મારા જોડે રોકાયા નથી..આજે તમારી ઈચ્છા તો રોકાઈ જાઓ.."પીનલે પણ પોતાના ગળા પર રાખેલા અર્જુન ના હાથ ને ચુમતા કહ્યું.

"સારું તો હું જાવેદ ને કોલ કરી કહી દઉં.." અર્જુને કહ્યું.

પોતે આજે રાતે ડ્યૂટી પર નથી આવવાનો એવું જાવેદ ને કોલ કરી જણાવી અર્જુન પીનલ ની સાથે બેડરૂમ માં સુવા માટે ગયો. ઘણા સમય થી એને પીનલ સાથે સહવાસ માણ્યો ન હોવાથી આજે એને મન તો ઘણું હતું પોતાની ઈચ્છાઓ તૃપ્ત કરવાનું પણ આ અવસ્થા માં એ બધું પોસીબલ નહોતું..એટલે એ પીનલ ને લપાઈને સુઈ ગયો.

પીનલ પણ જાણતી હતી કે અર્જુન પોતાની શારીરિક ઈચ્છાઓ ને કન્ટ્રોલ કરી રહ્યો છે એટલે એને કહ્યું.."અર્જુન બીજું ના થાય તો કંઈ નહીં પણ આતો થઈ શકે" એમ કહી પોતાના અધર ને અર્જુન ના અધર પર રાખી દીધા..ઘણા સમય સુધી અધરો નું રસપાન કર્યા બાદ બંને જાતીય આવેગો ને સંયમ આપી ઘસઘસાટ સુઈ ગયા.

***

સવારે પીનલ ને લાયબ્રેરી સુધી ડ્રોપ કરીને અર્જુન જેવો પોલીસ સ્ટેશન પહોંચ્યો એવો જ એના પર એક કોલ આવ્યો..

"હેલ્લો.. કોણ?"અર્જુને કોલ રિસીવ કરતા જ કહ્યું.

"હેલ્લો એસીપી અર્જુન હું ફોરેન્સિક એક્સપર્ટ વિનય કુમાર વાત કરું" સામેથી રુવાબદાર અવાજ સાંભળવા મળ્યો.

"બોલો ને શેઠ આજે સવાર સવાર માં અમને યાદ કર્યા"અર્જુને હસતા હસતા કીધું.

"અરે બન્યું જ એવું છે કે તમને યાદ કરવા પડ્યા.."વિનય કુમારે કહ્યું.

"શું બન્યું એવું કે અમારી મદદ ની જરૂર પડી?"અર્જુને પૂછ્યું.

"અર્જુન આજે સવારે હું અમારી ઓફિસે આવ્યો તો મેં જોયું તો અહીં રાતે હાજર ચોકીદાર ગંભીર રીતે ઘવાયેલો હતો અને કાલે જે તમે કુતરા નો મૃતદેહ આપી ગયા હતા એ પણ ગાયબ છે.." વિનય કુમારે ધ્રુજતા અવાજે કહ્યું.

"એનો મતલબ મારો શક સાચો હતો..આ કુતરા ની ડેડબોડી નો સંબંધ રાધાનગર માં બની રહેલી અઘટિત ઘટનાઓ સાથે જરૂર છે..તમે ત્યાં હાજર રહો હું હમણાં જ ત્યાં આવું છું" અર્જુને આટલું કહી કોલ કટ કરી દીધો.

રાતે વાઘેલા અને જાવેદ ડ્યૂટી પર હતા એટલે અત્યારે એ હાજર નહોતા..અર્જુને જાની ને અને બીજા ૨-૩ કોન્સ્ટેબલ ને જોડે આવવા કહી ને જીપ ને સ્ટાર્ટ કરી..આમતો બીજો કોઈ અર્જુન ના દરજ્જા નો ઓફિસર હોય તો જીપ પોતે ના ડ્રાઈવ કરે પણ અર્જુન ને શોખ હતો સ્પીડ અને ડ્રાઈવ નો એટલે એ પોતેજ અત્યારે જીપ ચલાવી રહ્યો હતો.

થોડીવાર માં તો અર્જુન ફોરેન્સિક લેબ પાસે લાવીને જીપ ને થોભાવે છે..અર્જુન ને જોઈ વિનયકુમાર અર્જુન ની તરફ આવી ને કહે છે..

"અર્જુન ચોકીદાર ને તો અમે હોસ્પિટલમાં એડમિટ કરાવી દીધો પણ એક કુતરા ની ડેડબોડી માટે કોઈ આવું કરે એ વાત મારા સમજ ની બહાર છે"

"એ વાત તમારી સાચી પણ આ શહેર માં અત્યાર સુધી બનેલી ઘટનાઓ જોયા પછી મને તો હવે કોઈપણ વાત નવાઈ ભરેલી લાગતી જ નથી..અને હવે એ ચોકીદાર ને કેમ છે?"અર્જુને લેબ તરફ ચાલતા ચાલતા પૂછ્યું.

"માથા માં કોઈએ કોઈ બોથડ વસ્તુ નો પ્રહાર કર્યો હોવાથી એ બેભાન થઈ ગયો હતો..એને માથામાં વીસ જેટલા ટાંકા આવ્યા છે પણ અત્યારે એ ની સ્થિતિ ખતરા ની બહાર છે"વિનયે કહ્યું.

અર્જુને લેબ માં જઈ જોયું તો દરવાજા નું લોક તોડ્યું નહોતું પણ ચોકીદાર જોડે રહેલી ચાવી થી ખોલવામાં આવ્યું હતું..ચોકીદાર રાતે જ્યાં બેસતો ત્યાં જમીન પર લોહીના ડાઘ હતા જેના પર થી અર્જુને અંદાજો લગાવ્યો કે કોઈએ જ્યારે ચોકીદાર સૂતો હશે ત્યારે એના પર પ્રહાર કરી એના જોડેથી ચાવી લઈ..ફોરેન્સિક લેબ નો દરવાજો ખોલ્યો અને અંદર રાખેલા કુતરા ના મૃતદેહ ને લઈને ફરાર થઈ ગયો..!!

વિનયકુમારે જણાવ્યું કે આ ઘટના દરમિયાન કોઈ પણ પ્રકારના ફિંગપ્રિન્ટ મળી આવ્યા નથી..જે આ બધી કરતૂતો કરનાર વ્યક્તિ ના બુદ્ધિ ચાતુર્ય દર્શાવતું હતું.

"કોઈ આટલું બધું શાતિર કઈ રીતે હોઈ શકે કે કોઈપણ પ્રકાર નો સબુત ના મળે..કંઈક તો એવું છે હજુ મારા ધ્યાન બહાર છે" મનમાં ને મનમાં અર્જુન બોલ્યો.

ત્યાં બીજી પોલીસ વિધિ પતાવી અર્જુન પાછો પોલીસ સ્ટેશન આવી ને બેસે છે".કુતરા ની ડેડબોડી ચોરી જનારી વ્યક્તિ ચોદીદારે જોઈ નહીં જ હોય કેમકે એના માથા ના પાછળ ના ભાગ માં ઘા થયેલો છે" આવું વિચારતા વિચારતા અર્જુન પોતાની તપાસ ને કઈ દિશા માં આગળ વધારવી એની કશમકશ માં લાગી જાય છે.!!!

થોડીવારમાં એક કોન્સ્ટેબલ હાંફતો હાંફતો અર્જુન ની કેબીન માં પ્રવેશે છે..એના હાથ માં અત્યારે એક કવર હોય છે જે જોઈ અર્જુન સમજી જાય છે કે કવર મળતાં ની સાથે જ આ કોન્સ્ટેબલ દોડીને મારી કેબીન માં આવ્યો છે.

"સાહેબ..આ કવર આવ્યું છે.."કવર અર્જુન ના હાથ માં આપતા એ કહે છે..જ્યારે જ્યારે આવું કવર મળતું ત્યારે ત્યારે કોઈ ભયાનક ઘટના બનતી જેની જાણ સમગ્ર પોલીસ સ્ટાફ ને થઈ ચુકી હોય છે..એટલે જ એ કોન્સ્ટેબલ કવર મળતાં ની સાથે અર્જુન ને આપવા આવ્યો હતો.

અર્જુને કવર હાથ માં લીધું અને એ કોન્સ્ટેબલ ને ત્યાંથી જવા માટે રજા આપી.અર્જુને જોયું તો પહેલા ના કવર ની માફક આ કવર પર પણ મોકલનાર નું નામ કે એડ્રેસ નહોતું.કવર ખોલીને અર્જુને અંદર રહેલો લેટર બહાર કાઢ્યો.આ વખતે લેટર માં શું લખેલું હશે એ વાંચવાની તાલાવેલી સાથે અર્જુને લેટર ખોલ્યો.. આગળ ના લેટર ની માફક આ વખતે પણ અંદર ની લખાવટ ટાઈપ કરેલી હતી.લેટર માં લખ્યું હતું..

"દ્વાપરયુગમાં કૌરવો હણાયા હતા પાંડવો ના હાથે..કળયુગમાં પાંડવો હણાશે ડેવિલ ના હાથે" - લી.ડેવિલ

નીચે પહેલા ની જેમ બનેલું ડેન્જર ની નિશાની વાળું રહસ્યમયી ખોપરી નું નિશાન..

***

To be continued......

શ્વાન ની ડેડબોડી ની ચોરી કોણે કરી હતી અને કેમ? આ વખતે મળેલા લેટર ના લખાણ નો શું અર્થ હતો? ભારતીબેન ના હાથ પર ના લખાણ નો અર્થ અર્જુન સમજી શકશે? કોણ હતો આ ડેવિલ? બિરવા ના અર્જુન તરફ ના પ્રેમ નો શું અંજામ આવશે?? આ બધા સવાલો ના જવાબ માટે વાંચતા રહો ડેવિલ એક શૈતાન. નવો ભાગ આવતા સપ્તાહે..આ નોવેલ અંગે નો આપનો અભિપ્રાય મારા whatsup નમ્બર 8733097096 પર જણાવી શકો છો..

ઓથર:- જતીન. આર.પટેલ