Devil - EK Shaitan -17 books and stories free download online pdf in Gujarati

ડેવિલ એક શૈતાન-૧૭

ડેવિલ : એક શૈતાન

ભાગ-૧૭

આગળ ના પ્રકરણ માં તમે વાંચ્યું...રાધાનગર માં એક પછી એક હત્યાઓ ની સીલસીલો ચાલુ જ છે-હત્યા નો ભોગ બનેલા ભારતીબેન ના હાથ પર ના લખાણને અર્જુન સમજી શકતો નથી-નાયક અને અશોક દ્વારા પકડાયેલ યુવતી બિરવા ક્યારે અને ક્યાં હુમલો થશે એની પેટર્ન અર્જુન ને સમજાવે છે-અર્જુન નાયક નો જીવ બચાવવા નીકળી પડે છે-બિરવા મનોમન અર્જુન ને ચાહવા લાગે છે-નાયક ની મદદે પહોંચેલો અર્જુન પોતે પણ ઘવાય છે-અર્જુન રિવોલ્વર માંથી ત્રણ ગોળીઓ ચુડેલ ને મારે છે-હવે વાંચો આગળ...

અર્જુને છોડેલી ત્રણેય ગોળીઓ એ ચુડેલ ના હૃદય ના આરોપાર નીકળી જાય છે જેમાંથી ઉછળેલા કાળા રંગ નું લોહી થી અર્જુન નો ચહેરો ખરડાઈ જાય છે.એ ચુડેલ અર્જુનના પેટ પર થી ઉભી થઇ જાય છે અને કારમી ચીસો થી સન્નાટા નો ભંગ કરે છે.

એની ચીસો અને ગોળીઓ ના અવાજ સાંભળી ઘટનાસ્થળ થી થોડે દુર રહેતા લોકો પણ ઉંઘ માંથી ઉઠી ત્યાં આવી પહોંચે છે..એમની નજર સામે નું દ્રશ્ય જોઈ એ બધા ઘડીભર તો સ્તબ્ધ બની જાય છે.

એક ખુબજ બિહામણી લાગતી સ્ત્રી ના હૃદય ના ભાગમાંથી કાળુ પ્રવાહી નીકળી રહ્યું હોય છે અને એની દુઃખભરી ચીસો બંધ થવાનું નામ નહોતી લેતી..અર્જુને પણ પોતાની જગ્યા એ થી ઉભા થઇ એ ચુડેલ ની તરફ જોયું..!!

આહહહહ...હુઉઉ... ની જોરદાર તડપતી ચીસ સાથે એ ચુડેલ ના દેહ માંથી એક કાળા ધુમાડા જેવું કંઇક નીકળ્યું અને જોતજોતામાં આકાશ માં તેજ લીસોટા રૂપે વિલીન થઈ ગયું..ધુમાડો નીકળતા ની સાથે એ ચુડેલ નો દેહ જમીન પર ફસડાઈ પડ્યો..એના દેહ માં કોઈ હલચલ નહોતી થઈ રહી જેનો મતલબ અર્જુન સમજી ચુક્યો હતો કે આ કહાની નો અંત આવી ગયો.!

અર્જુન ની નજર હજુપણ જમીન પર પડેલી ચુડેલ પર મંડાયેલી હતી..એના દેહ માં અચાનક થોડા ફેરફારો થવાના શરૂ થઈ ગયા..સૌપ્રથમ તો એના ચહેરા નો રંગ કાળા અને સફેદ રંગ માંથી થોડો વ્યવસ્થિત થયો..ત્યારબાદ એની આંખો સામાન્ય મનુષ્ય જેવી થઈ..એના બહાર નીકળેલા દાંત પણ હવે નહોતા દેખાઈ રહ્યા..આ ઉપરાંત એના હાથ અને પગ નો જે ભાગ પુરુષો જેવો કસાયેલો લાગી રહ્યો હતો એ હવે સામાન્ય બની ગયો હતો..આવુંજ દ્રશ્ય અર્જુન નિખિલ ના દૈત્ય સ્વરૂપ ને માર્યો ત્યારે જોઈ ચુક્યો હતો એટલે એને વધુ અચરજ ના થયું.!!

સફળતા નો સ્વાદ ચાખો ત્યારે તમને સફળતા મેળવવા માટે જે પીડા ઉઠાવવી પડી હોય એના દર્દ નો અહેસાસ નથી થતો..અર્જુન પણ એક કર્તવ્યનિષ્ઠ અને હિંમતવાન પોલીસ ઓફિસર હતો..લોહી ટપકતા ખભા અને ઊંડે સુધી ઘા પામેલા પગ ને લઈને એ નાયક ની તરફ આગળ વધ્યો..અશોક ને પણ પગ માં વાગ્યું હતું..પણ વધુ ગંભીર ઇજા થઇ નહોતી એટલે એ પણ લંગડાતો લંગડાતો નાયક તરફ આગળ વધ્યો..!!

ત્યાં ઉપસ્થિત લોકો એ અર્જુન ને ઓળખી લીધો હતો..ચુડેલ ને મારવા માટે એને બતાવેલા અદભુત સાહસ અને પરાક્રમ ના તેઓ સાક્ષી બન્યા હતા..એ લોકો પણ મદદ માટે આગળ આવ્યા..અર્જુન ની હાલત જોઈ એમને અર્જુન ને એકબાજુ બેસવા કહ્યું પણ અર્જુને કહ્યું..

"તમે મારી ચીંતા ના કરો અને જલ્દી થી એમ્બ્યુલન્સ ને બોલાવો.."

અર્જુનની વાત સાંભળી એક વ્યક્તિ એ હોસ્પિટલમાં કોલ કરી એમ્બ્યુલન્સ મોકલવા જણાવી દીધું હતું..આ ઉપરાંત એમને ફટાફટ અર્જુન ને પણ ઘા પર પાટાપિંડી કરી પ્રાથમિક સારવાર આપી દીધી હતી.

અર્જુને નાયક નું માથું ખોળામાં મૂકી એના ધબકારા જોયા તો અશોક ના જેમ એને પણ નાયક જીવતો છે કે નહીં એની ખબર ના પડી..અચાનક સ્ત્રી વેશ માં પરિવર્તિત થયેલી ચુડેલ નો દેહ જોઈ રહેલા એક માણસે બુમ પાડી ને કહ્યું..

"અરે આતો ઝુબેર ની પત્ની આરઝુ છે..જેનું કરંટ લાગવાથી દોઢે મહિના પહેલા મૃત્યુ થયું હતું"

અર્જુને એની વાત સાંભળી લીધી અને એ બોલનારા વ્યક્તિ ને જોડે બોલાવી આરઝુ ની સંપૂર્ણ વિગત જાણી લીધી.. આ બધા વચ્ચે પણ અર્જુન નું સંપૂર્ણ ધ્યાન નાયક પર હતું..અર્જુને પાણી છાંટી,હાથ વડે પમ્પીંગ કરી,નાયક ના મોં માં પોતાના મોં થી હવા ભરી એને ભાન માં લાવવાના બધા પ્રયત્નો કરી જોયા હતા..!!પણ કોઈપણ પ્રયાસ કામ ન લાગ્યો તે ના જ લાગ્યો..આખરે થાકી હારી એ પણ એમ્બ્યુલન્સ ની રાહ જોઈ બેસી રહ્યો..!!

અશોકે કોલ કરી પોલીસ ની એક ટીમ ને ઘટનાસ્થળે બોલાવી લીધી હતી..જેથી પંચનામાં માં મદદ થઈ શકે..થોડીવાર માં તો જાની અને બીજા કોન્સ્ટેબલો ને લઈ ત્યાં પહોંચી ગયો..ત્યાં આવીને આજુબાજુ નજર કરતા તે બધા સમજી ગયા કે અહીંયા શું થયું હશે..અને પછી પોતપોતાના કામ માં લાગી ગયા..!!!બીજી પોલીસ ની ટીમો પણ આ ઘટના ની જાણ થતાં ત્યાં પહોંચી ગઇ હતી..બિરવા પણ એમની સાથે હતી..!

બિરવા એ આવીને જોયું તો અર્જુન અત્યારે એક જગ્યા એ બેઠો હતો અને બાજુમાં ઓટલા પર નાયક નો ઘવાયેલો દેહ પડ્યો હતો..પોલીસ ના લોકો જ્યાં પંચનામું કરતા હતા ત્યાં એક મૃત સ્ત્રી પણ બિરવા એ જોઈ એને જોઈ બિરવા સમજી ગઈ કે આ એજ ચુડેલ છે જે આ બધી બની રહેલી ઘટનાઓ માટે જવાબદાર છે..અર્જુન ને સહી સલામત જોઈ એના હૃદય માં હાશ થઈ.

જાની ના આવ્યાની થોડી જ મિનિટો માં હોર્ન વગાડતી એમ્બ્યુલન્સ ત્યાં આવી પહોંચી..કોલ કરનારે પોલીસ પર હુમલો થયો છે એવી જાણ કરતાં અત્યારે જુનિયર ડોકટર પ્રસાદ પણ એમ્બ્યુલન્સ માં હાજર હતા.!

"ઓહહ.. એસીપી અર્જુન તમારા ખભા અને પગ ના ઘા ઘણા ઉંડા લાગે છે.."આજુબાજુ ભેગા થયેલા લોકો એ પાટાપિંડી કરી હોવા છતાં અર્જુન ના ઘા માંથી હજુ નીકળી રહેલા લોહી ને જોઈ ડો.પ્રસાદે કહ્યું.

"પ્રસાદ..આઈ એમ ઓલ રાઈટ..પણ કોન્સ્ટેબલ નાયક ની સ્થિતિ વધુ ગંભીર છે.."ચબૂતરા ના ઓટલા પર સુવડાવેલા નાયક તરફ આંગળી કરી અર્જુને કહ્યું.

અર્જુન ની વાત સાંભળી ડો.પ્રસાદે જોડે આવેલા હોસ્પિટલ સ્ટાફ ના લોકો ને નાયક ને સ્ટ્રેચર પર સુવડાવવા કહ્યું.હાથ અને હૃદય પર હાથ રાખી ડૉ.પ્રસાદે નાયક ની ધડકનો ચેક કરી જોઈ..

"નાયક બચી તો જશે ને પ્રસાદ??"અર્જુને ચિંતાયુક્ત સ્વરમાં કીધું.

"અર્જુન નાયક નું હૃદય ચાલે તો છે પણ વધુ સમય નહીં ચાલે..એના હૃદય ની ગતી ધીરે ધીરે મંદ પડતી જાય છે..મેડીકલ લેંગ્વેજ માં નાયક જીવતો છે પણ..એની બચવાની સંભાવના ઘણી ઓછી છે.."ડૉ. પ્રસાદે નાયક ની છાતી અને ગળા ના ઉંડા ઘા નું નિરીક્ષણ કરતાં કહ્યું.

"ડૉકટર કંઈપણ કરો પણ નાયક ને બચાવી લો.."અર્જુન ના અવાજ માં આજીજી નો સુર હતો..જે આજે પ્રથમવાર જ જોવા મળી રહ્યો હતો..

"એક ઉપાય છે..હું નાયક ને શોક ટ્રીટમેન્ટ આપી જોઉં..ભગવાન કરે ને એની હાર્ટબીટ પાછી સરખી થઈ જાય..ઘણીવાર એવું બન્યું છે કે શોક ટ્રીટમેન્ટ થી દર્દીઓ મોત ને હાથતાળી આપી પાછા આવ્યા હોય"ડૉ. પ્રસાદે કહ્યું.

"હા..તમને જે યોગ્ય લાગે એ કરો..પણ નાયક ને બચાવી લો.."અર્જુન ની આંખોમાંથી આ બોલતાં બોલતાં અશ્રુધારા વહેવા લાગી..નાયક પ્રત્યે નો અર્જુન નો પ્રેમ અને લાગણી જોઈ ત્યાં ઉપસ્થિત દરેક ના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ.

ડોકટર પ્રસાદે શોક ટ્રીટમેન્ટ આપવા માટે ની વ્યવસ્થા ત્યાં જ કરી દીધી..નાયક નો શર્ટ ઉતારવામાં આવ્યો અને એની ખુલ્લી છાતીમાં એક લિકવિડ લગાવવામાં આવ્યું..ડોકટર પ્રસાદે હાથ માં શોક આપવા માટે વપરાતા મેટલ બ્લોક પકડ્યા અને સ્ટાફ ના માણસ ને કરંટ ઓન કરવા કીધું..પ્રથમ પ્રયાસ ની કોઈ અસર ના થતાં ત્યાં ઉપસ્થિત સૌની ચિંતા માં વધારો થઈ રહ્યો હતો..!!

ડોકટર પ્રસાદે અર્જુન સામે જોયું અને આંખો થી બીજો પ્રયાસ કરવાની પરવાનગી માંગી..અર્જુન ની રજા મળતા ફરીથી શોકીંગ મેટલ બ્લોક નાયક ની છાતી પર રાખવામાં આવ્યા પણ બીજીવાર પણ પરિણામ શૂન્ય આવ્યું હોય એમ નાયક ના દેહ માં કોઈ અસર ના થઇ..નાયક ની બોડી જોડે અત્યારે કનેક્ટ કરેલા હાર્ટબીટ મશીન માં રેખાઓ ધીરે ધીરે સીધી થતી હતી..અને હાર્ટબીટ ધીરે ધીરે શૂન્ય.

પ્રસાદે આકાશ તરફ જોયું અને ભગવાન જોડે એના આ પ્રયાસ ને સફળ કરવાની મનોકામના કરી..અત્યારે પોલીસ સ્ટાફ,આજુ બાજુ ઉપસ્થિત જન મેદની,બિરવા અને અર્જુન ની નજર સ્ટ્રેચર પર મંડાયેલી હતી જ્યાં અત્યારે નાયક નો દેહ હતો..!!!

પ્રસાદે સ્ટાફ ના માણસ ને કરંટ ઓન કરવાનું કીધું અને છેલ્લા પ્રયત્ન રૂપે મેટલ બ્લોક નાયક ની છાતી પર રાખી દીધા..અને જાણે ચમત્કાર થયો હોય એમ નાયક નું શરીર છાતીના ભાગેથી સ્ટ્રેચર માંથી કરંટ ના ઝટકા સાથે ઊંચે ઉઠ્યું અને પાછું સ્ટ્રેચર માં પડ્યું.એક જોરદાર સિસકારી સાથે નાયક ના મોમાંથી અવાજ નીકળ્યો અને એનો શ્વાસ ચાલુ થઈ ગયો..બાજુમાં રાખેલા મશીન ની રેખાઓ પણ હવે સ્વસ્થ મનુષ્ય ની જેમ થઈ ગઈ અને હાર્ટબીટ ની સંખ્યા પણ હવે વધી રહી હતી..!!

"અર્જુન..ભગવાન નો ખુબ ખુબ આભાર કે નાયક બચી ગયો..બાકી એની આ હાલત માં બચવાની શકયતા મારે મન તો ૧૦% પણ ઓછી હતી..હજુ એ બેભાન છે..એને રિકવર થતા હજુ એકાદ અઠવાડીયું લાગશે પણ નાઉ હી ઇસ આઉટ ઓફ ડેન્જર"પ્રસાદે અર્જુન ની જોડે જઈ હાથ મિલાવતાં કહ્યું..

પ્રસાદ ની વાત સાંભળી અર્જુન ના ચહેરા પર ખુશી છવાઈ ગઈ..ત્યાં હાજર દરેક ની આંખો માં અત્યારે આંસુ હતા પણ હર્ષ ના..બિરવા પણ નાયક ના બચી જવાથી ખૂબ ખુશ જણાતી હતી..એ દોડીને અર્જુન ની જોડે આવી અને એને ભેટી પડી..

"અર્જુન સર..યુ આર ગ્રેટ.."અર્જુન ની તારીફ માં એના મોમાંથી શબ્દો સરી પડ્યા.

"આઉઉ..શું કરે છે તું..દુખે છે.."અર્જુને હસતા હસતા બિરવા ને દૂર કરતા કહ્યું.

"સોરી સોરી..મેં જોયું જ નહીં.."બિરવા એ અર્જુન ના ઘા તરફ જોતા કહ્યું.

"વાંધો નહીં.. પણ નાયક ની જીંદગી બચાવાનો અને આ શૈતાની ચુડેલ નો અંત થવાનો શ્રેય તને પણ આપવો જરૂરી છે..તારી મદદ વગર હું કંઈપણ કરી શકવા અસમર્થ હતો.."અર્જુને બિરવા ના માથા ટપલી મારી કહ્યું.

"Thanks.. સર.."બિરવા એ કહ્યું.

"હવે આ સર બોલવાનું બંધ કર..તું મને ખાલી અર્જુન કહી શકે છે"અર્જુને મિત્રતા ભર્યો હાથ લંબાવતા કહ્યું.

"એસ યોર વિશ.. અર્જુન"બિરવા એ હસી ને કહ્યું.

***

નાયક ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો..ધીરે ધીરે એની તબિયત સુધારા પર હતી.અર્જુન પણ ઘણીવાર કલાકો સુધી નાયક ના બેડ જોડે જ બેસી રહેતો.. નાયક ના પરિવાર ના લોકો અર્જુન જેવા મોટા ઓફિસર નો નાયક જેવા કોન્સ્ટેબલ માટે નો આ પ્રેમ જોઈ સમજી ગયા હતા કે કેમ નાયક અર્જુન ને આટલું માન આપતો હતો.

પીનલ પણ પોતાની જાત ને લાયબ્રેરી ના કામમાં ઢાળી ચુકી હતી..એની પહેલાં જેવી હાલત જોઈ અર્જુન ના દિલ ને ઘણી રાહત મળતી.. આ તરફ બિરવા અર્જુન ના મિત્રતા વાળા સ્વભાવ નો અલગ મતલબ સમજી અર્જુન ની વધુ ને વધુ નજીક આવવાના પ્રયાસ માં લાગી રહેતી હતી..ઘણીવાર એ અર્જુન માટે જમવાનું બનાવીને પોલીસ સ્ટેશન લઈને આવતી તો ઘણીવાર કોલ કરી અર્જુન ના ખબર અંતર પૂછી લેતી..અર્જુન બિરવા ના આ વ્યવહાર ને એક મિત્રતા જ સમજતો પણ બિરવા ના દિલ અને મગજ માં શું ચાલી રહ્યું છે એ વાત થી સાવ અજાણ જ હતો..!!

મૃત પામેલી એ સ્ત્રી નો રિપોર્ટ આવી ગયો હતો..એ ખરેખર દોઢેક મહિના પહેલા મૃત્યુ પામેલી આરઝુ નામની મુસ્લિમ મહિલા હતી જેની ડેડબોડી અત્યારે એને દફનાવવામાં આવી હતી ત્યાં હાજર નહોતી..પોલીસ ની હાજરી માં એના ઘરવાળા ની રજા લઈને એને છુપી જગ્યા એ દફનાવી દેવામાં આવી અને એના પર સિમેન્ટ ની કબર બનાવી દેવાઈ.

ફોરેન્સિક ડોકટર ની ટીમ દ્વારા એ સ્ત્રી ના બ્લડ સેમ્પલ અને DNA નો આધાર લઈ રિપોર્ટ તૈયાર કરાયો હતો..નિખિલ ના ફોરેન્સિક રિપોર્ટ સાથે આરઝુ નો રિપોર્ટ મેચ થતો હતો..બ્લડ સેમ્પલ માં લેવાયેલું કાળા રંગ નું લોહી અને DNA વિકૃત અવસ્થા માં હતા..DNA ના બંધારણ નું માળખું સામાન્ય મનુષ્ય ના DNA કરતા સાવ અલગ જ હતું..મેડિકલ ટર્મ ની ભાષા માં બાયોલોજીકલ ડિસઓર્ડર થી પીડાતા લોકો ના DNA જોડે આરઝુ નો રિપોર્ટ મેચ થતો હતો..!!

અર્જુન આ બધી વાત પરથી એતો સમજી જ ગયો હતો કે આ બધી ઘટનાઓ પાછળ કોઈક તો છે..જે બહુ શાતિર છે અને એની બુદ્ધિ ક્ષમતા ઘણી જ વધારે છે..પોતાને મળતા રહસ્યમયી લેટર અને દરેક વખતે થયેલા હુમલા ની પેટર્ન પરથી એતો પુરવાર થતું હતું કે કોઈ તો છે જે કંઈક સાબિત કરવા માંગે છે...પણ શું??આ ઉપરાંત નિખિલ ના હુમલા માં જેમ દરેક ભોગ બનનારી વ્યક્તિ ના સાથે ક્રૂરતા પૂર્વક વ્યવહાર થયો હતો એવું જ આરઝુ ના હુમલા માં હતું..આરઝુ ના હુમલા માં દરેક ભોગ બનનારા પુરુષ નું હૃદય અને સ્ત્રી હોય તો એના શરીર નું રક્ત ગાયબ હતું..આ પણ એક કોયડો જ હતો..જે ઉકેલવાનો બાકી હતો..!!

ભારતીબેન ના હાથ પરના લખાણ ને પણ અર્જુન સમજી નહોતો શક્યો અને આ વિશે એને બિરવા ને વાત પણ કરી હતી..બિરવા એ સંદર્ભ માં લાયબ્રેરી માં ઘણી વાર જઇ આવી હતી..જ્યાં એની મુલાકાત દરેક વખતે પીનલ જોડે થઈ..પીનલ ને બિરવા જ્યારે પણ મળતી ત્યારે એનો ચહેરો તો હસતો રહેતો પણ દિલ માં ઈર્ષ્યા અને ક્રોધ નો લાવા ભડકી ઉઠતો..!!

પીનલ ના ગર્ભવતી હોવાની જાણ જ્યારે બિરવા ને થઈ ત્યારે અર્જુન ની વધુ નજીક આવવાનો આ જ મોકો છે એવું બિરવા ને લાગ્યું કેમકે આ અવસ્થા માં પીનલ અને અર્જુન શારીરિક સુખ તો નહીં જ માણતા હોય અને લાંબા સમય સુધી કોઈપણ પુરુષ માટે પોતાના જાતીય આવેગો પર કન્ટ્રોલ રાખવો મુશ્કેલ તો બની જ જાય.

બિરવા હવે જ્યારે પણ અર્જુન ને મળતી ત્યારે એ વધુ ને વધુ તૈયાર થઈ ને જતી..બિરવા તૈયાર થતા એ વાત નું ધ્યાન રાખતી કે એના શરીર ના અંગ ની બનાવટ અર્જુન ના ધ્યાન માં આવે..એટલા માટે જ એ કપડાં પણ શોર્ટ પહેરતી અને એમાંથી એની બ્રેસિયર ની પટ્ટી પણ અર્જુન ના ધ્યાન માં આવે એ માટે થોડી બહાર જ રાખતી..કોઈ વાર નીચા ગળા ના પહેરવેશ માં એ પોતાના ઉન્નત ઉરોજ પ્રદેશ વચ્ચેની ક્લિવેજ ના પણ અર્જુન ને દર્શન કરાવતી.તો ક્યારેક કમર થી થોડી ઉંચી ટી શર્ટ માં નાભી દર્શન.!!

અર્જુન ઘણીવાર બિરવા ની આ હરકતો નોટિસ કરતો પણ એક કોલેજીયન ફેશનેબલ છોકરી આવા જ કપડાં પહેરે એમ વિચારી ધ્યાન બહાર કરી દેતો..અર્જુન તરફથી આવા સાવ નબળા પ્રતિસાદ ના લીધે બિરવા એને પામવા વધુ પ્રયત્ન કરવા લાગી..!!

***

સ્ત્રીમાંથી ચુડેલ બનેલી આરઝુ ને મોત ના અંજામ સુધી પહોંચાડ્યા ને લગભગ મહિનો થવા આવ્યો હતો..ઉનાળા ની શરૂવાત થઈ ચુકી હતી..લાંબા સમય થી રાધાનગર માં કોઈ અનિચ્છનીય ઘટના ના બનતા શહેર નું વાતાવરણ પૂર્વવત શાંત લાગી રહ્યું હતું.

અર્જુન અત્યારે પોતાની કેબીન માં બેઠો બેઠો સિગરેટ ના કસ ખેંચી રહ્યો હતો..ગરમી ની શરૂવાત હોવાથી ટેબલ ફેન પણ એના બાજુ ના ટેબલ પર ચાલુ હતો.સવારે હોસ્પિટલ માં નાયક ને મળીને આવ્યા પછી અર્જુન અત્યારે ખૂબ ખુશ હતો..કેમકે આજે નાયક સાથે એને વાતચીત પણ કરી અને નાયક હવે જાતે ચાલી પણ શકતો હતો.

ડોકટર ના કહ્યા મુજબ એકાદ અઠવાડિયામાં તો નાયક પહેલાં ના જેમ તંદુરસ્ત થઈ જશે..રોજ ની માફક બિરવા એ કોલ કરી અર્જુન ને ગુડ મોર્નિંગ વીશ કરી દીધું હતું.. પીનલ ને ચોથો મહીનો ચાલતો હતો એટલે અર્જુન એનું પૂરતું ધ્યાન રાખતો..આ તરફ પીનલ પણ લાયબ્રેરીયન ના કામ માં પોતાની જાત ને સંપૂર્ણ વ્યસ્ત રાખી રાહત મહેસુસ કરતી.

બધું સારી રીતે ચાલી રહ્યું હતું પણ અર્જુન જાણતો હતો કે જ્યાં સુધી આ બધી ઘટનાઓ પાછળ નો માસ્ટર માઈન્ડ નહીં પકડાય ત્યાં સુધી એ શાંતિ ની નીંદર તો ના જ લઈ શકે.અર્જુને ચુડેલ બનેલી આરઝુ નો અંત કર્યા પછી પણ પોલીસ સ્ટાફ ને સતર્ક રહેવા જણાવી રાખ્યું હતું.હજુપણ રાત્રે પોલીસ સ્ટાફ રાધાનગર ની રક્ષા માટે રાત્રી અને દિવસ દરમિયાન ખડે પગે રહેતો.

ઘણા સમય થી કોઈ લેટર પણ અર્જુન ને મળ્યો નહોતો.ભારતીબેન ના હાથ પરનું લખાણ હજુપણ એક મોટી પઝલ હોય એમ પજવી રહ્યું હતું.અર્જુન પોતાના મન ના વિચારો ને રોકવાનો વ્યર્થ પ્રયત્ન કરી રહ્યો હતો એવામાં એના મોબાઈલ ની રિંગ વાગી..

અર્જુને જોયું તો જાવેદ નો કોલ હતો..

"બોલ જાવેદ કેમ કોલ કર્યો?"કોલ રિસીવ કરતા ની સાથે અર્જુને સવાલ કર્યો.

"સર..શહેર ની બહાર જ્યાં જુનું દેરી જેવું ભવાની માં નું મંદિર છે ત્યાંથી જંગલ તરફ જતા રસ્તા પર એક બિનવારસી ગાડી મળી છે.."જાવેદે કહ્યું.

"બિનવારસી ગાડી..?ત્યાં કંઈ સંદિગ્ધ વસ્તુ મળી આવી ગાડી માં?"અર્જુને સવાલ કર્યો.

"ના સર..હજુ સુધી તો કંઈ મળ્યું નથી કેમકે કાર લોક છે..તમે આવો એટલે એનું લોક તોડીને ચેક કરી જોઈએ"જાવેદે કહ્યું.

"સારું જાવેદ હું હમણાં જ નીકળું છું..તમે એનું લોક તોડી અંદર શું છે એની તપાસ કરવાનું શરૂ કરો"અર્જુને જણાવ્યું.

"જી સર.."જાવેદે કહ્યું.

"તું ત્યાંજ હાજર રહેજે..અને થોડા કોન્સ્ટેબલો ને કહી આજુબાજુ ના વિસ્તાર માં પણ શોધખોળ કરાવ..શું ખબર કંઈક મળી જાય"અર્જુને કહ્યું.

"ઓકે સર..જય હિંદ"આટલું કહી જાવેદે કોલ કટ કરી દીધો.

***

To be continued........

કોની હતી એ બિનવારસી હાલત માં મળી આવેલી કાર? ભારતીબેન ના હાથ પર ના લખાણનો કોયડો અર્જુન ઉકેલી શકશે? બિરવા ના એકતરફી પ્રેમ નો શું અંજામ આવશે? આ બધી ઘટનાઓ નો માસ્ટર માઈન્ડ અર્જુન ની પકડમાં આવશે? કોણ છે ડેવિલ? આ બધા સવાલો ના જવાબ જાણવા વાંચતા રહો.. ડેવિલ એક શૈતાન. નવો ભાગ આવતા સપ્તાહે..આ નોવેલ અંગેનો આપનો અભિપ્રાય મારા whatsup નમ્બર 8733097096 પર પણ જણાવી શકો છો.

ઓથર:- જતીન. આર.પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED