Badhatika naam dadhi books and stories free download online pdf in Gujarati

બઢતીકા નામ દાઢી

મેરે સપનોકી ‘દાઢી’ કબ આયેગી તું.....!

એ તો જેને વીતી હોય એને જ ખબર પડે કે, દાઢી ‘ સપનોકી રાની ‘ છે કે, ડાકુરાણી ગંગા..?? સમીસુતરી પાર ઊતરી તો સવાર સુધરે, નહિ તો પછી, આખો દિવસ ઉભડક બેસીને હનુમાન ચાલીસા જ વાંચવાની.! કહેવાય છે ને કે, “સવાર બગડી એનો દહાડો બગડ્યો.” પણ આ મામલો સવારનો છે ખરો, પણ આપણે પાકટ થયેલી દાઢીનો નથી. જેને પહેલીવાર દાઢી ફૂટું ફૂટું થઈ રહી છે, એની કહાણી છે. એની કથા કરવી છે. આઈ નો.....વિષય વિચિત્ર છે, ને સંવેદનશીલ પણ છે. છતાં એ રોમાંચકારી કાળને પણ હસાવ્યા વગર પાણીના મોલે જવા દેવાય...? ફૂટતી કુંપણના સમયને એળે નહિ જવા દેવાની મારી જીદે, હું આ લેખ લખવાના રવાડે. બાળકની ઉગુ ઉગુ થતી દાઢીથી કેવાં ગલગલીયા થાય, એની ખબર મોટી ઉંમરનાને નહિ પડે. પાકા ઘડે કાંઠા ચઢાવવા જેવો મામલો બને. બસ...આ જ ખુમારી છે, એટલે યોધ્ધાની માફક લખવાના મેદાને નીકળ્યો. બોલો, શું કરું....?

આપણી દાઢી તો ‘સેવિંગક્રીમ’ ખાય ખાયને એવી પાકટ થઈ ગઈ કે, એના માટે હાયકુ, કવિતા કે ગઝલ નહિ લખાય. મસમોટા ગ્રંથોની માફક કાંડ જ લખાય. ગલગલીયા પણ થવા જોઈએ ને યાર....? દાઢી છોલતી વખતે મરશિયા સંભળાય, એમાં રોમાંચ આવે....! ત્યારે જેની દાઢી ઉગુ...ઉગુ થતી હોય, એ તો એવો શરમઘેલો થાય કે, કોઈની નજરે ચઢે તો માથે ઓઢણી રાખવાનું જ બાકી રાખે....! છોકરી જેવો....! એટલો શરમઘેલો થાય. દાઢી છોલવાનો પ્રથમ દિવસ, એટલે, કરોડોના ખર્ચે બનેલી ફિલમ રીલીઝ થવાનો જાણે પહેલો દિવસ. જાણે ભરબપોરે મેઘધનુષ નહિ દેખાવાનું હોય ? એ યાદગાર દિવસો. કેવાં અને કેટલાં રોમાંચક હોય, એ જાણવું હોય તો, એ અવસ્થાને આપણે પાછી તેડવી પડે. બાકી વર્ણન કરવું તો બિલકુલ અશક્ય....!

કલ્પના તો કરો કે, દાઢ ફૂટ્યા પછી લાંબા ગાળે દાઢી ફૂટે એ જોઈને યુવાન કેવાં વિચારે ચઢતો હશે ? ( આ દાઢ અને દાઢી શબ્દ આમ તો ભાઈ-બહેનના સંબંધ જેટલો નજીકનો લાગે. પણ ચોખવટ એ કરવાની કે, જેમ વાળનું સ્ત્રીલિંગ વાડી, બરફનું બરફી, કમરનું કમરી થતું નથી, એમ દાઢનું સ્ત્રીલિંગ દાઢી થતું નથી. જેની લાગતાં વળગતાએ નોંધ લેવી...! )

દાદુ....! યુવાનને પહેલો વિચાર તો એ આવે કે, આ ‘ દાઢી-કાપણી ‘ નો મામલો હું જાહેરમાં કેમનો પતાવીશ ? શરમાઈ તો ખરો જ ને બોસ...? આ ઘટનાને સાવ ‘અન્ડર એસ્ટીમેટ’ વાળી માનવા જેવી નથી. એવું તો માનવું જ નહિ કે, આવી અવસ્થામાં એને માત્ર ‘ ગર્લફ્રેન્ડ’ ના જ સ્વપ્ના આવાવાના. બનવાજોગ છે કે, એને અબ્રાહમ લિંકન, ચાર્લી ચેપ્લીન કે નરેન્દ્રભાઈ મોદીના પણ સ્વપ્ના આવે. કારણ કે આ બધાની દાઢીઓ ૧૦૦ ટકા નીવડેલી દાઢી કહેવાય. ( એ મનમોહનસિંહ નું નામ કોણ બોલ્યું....? ) આ બધાની દાઢી જોઈને એને પણ વિચાર તો આવે ને કે, કઈ ડીઝાઈનની દાઢી રાખું, તો આપણું પણ ભવિષ્ય બને...! મને શુકનિયાળ નીવડે....! જો મામૂ....! ઈચ્છા તો મોટી જ રાખવાની. ભોંય ઉપર જ સુવાનું હોય, પછી સંકડાશ શું ભોગવવાની....?

ઘણાને થશે કે, દાદુ આજે દાઢીના રવાડે કેમ ચઢ્યા...? એટલે ચોખવટ કરી જ લઉં કે, મને પોતાની દાઢી સિવાય, બીજાં કોઈની દાઢી મુંડતા આવડતી નથી. હું કોઈ નામાંકિત કેસ કર્તન કલાકાર પણ નથી. એટલે કોઈએ એવું અનુમાન નહિ કરવું કે, ‘ સુથારનું ચિત બાવળિયે ચોંટ્યું છે....! આ તો આ ઘટનાને સાવ હસી કાઢવા જેવી નથી. એ વ્યકત કરવા માટે હું દાઢીના માધ્યમથી હસાવવા આવ્યો છું. કેમ કે આ અવસ્થામાંથી આપણે બધાં જ પસાર થયેલાં. પણ આપણી પાસે કોઈ રેકોર્ડ નથી કે, પહેલી દાઢી ક્યાં અને ક્યારે બનાવેલી....? સો ટકા કહું તો કોઈને યાદ નહિ હોય....! સંવેદનશીલ મામલો છે યાર....? જમીનના બોજાની એન્ટ્રી થોડી છે કે, સરકારી દફતરે પડી જાય, ને માંગો ત્યારે દાખલો મળે. માટે સેલ્ફી લેતાં આવડતું હોય તો, જે સમયે દાઢી ‘ઉગુ...ઉગુ’ થતી હોય ત્યારે એકાદ સેલ્ફી લઇ જ લેવાની. વાઈફને બતાવવા તો થાય કે, ‘ ધીસ ઇઝ માય ફર્સ્ટ ‘બીયર્ડ-રાઈઝ’ ને ‘ બીયર્ડ કટિંગ’ પોઝ...!

મગજમાં ક્યારેય વિચાર આવ્યો છે ખરો કે, પ્રથમ વખત દાઢી છોલવા બેઠેલાં યુવાનની મનોવ્યથા કેવી હશે ? એ ઘડી એટલે યાદગાર ઘડી હોય. ‘ બીયર્ડ-કટિંગ ‘ વેળા ધ્યાનથી જોઈએ તો એમ જ લાગે કે, “ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ” નો આપણે જાણે શો નહિ માણતા હોય...? જિંદગીમાં પહેલીવાર પોતાની દાઢી કરતાં સાહસિક યુવાનને ક્યારેક જોજો તો ખરાં...? મૌજ નહિ આવે તો કહેજો મને....! એક તો એના મોઢાં ઉપર શરમનો શેરડો હોય. ચોરી-છુપીથી કોઈનો ખજાનો લુંટવા બેઠો હોય એમ, લપાતો-છુપાતો બાપાનું હથિયાર હાથમાં લઈને એકાદ નિર્જન ખૂણે એ ઉભડક બેસે. દુરથી જોનારને તો એમ જ લાગે કે, ભાઈ શૌચક્રિયામાં વ્યસ્ત છે. વળી એની સાથે સપોર્ટિંગ સ્ટાફમાં બીજું કોણ હોય...? એ પોતે, દાઢીનું પીંછું, સાબુ, અરીસો, વાડકી ને પાણી, બાકીનો સેવિંગનો સરસામાન...! દાઢી છોલતી વખતે સ્ટાઈલ તો એ ગજબની રાખે. બે પગની વચ્ચે અરીસો ફીટ કર્યો હોય. જાણે કે વાલીએ સુગ્રીવની ગરદનને બે પગની આંટીમાં કકડાવીને ફસાવી નહિ હોય ? ચકલી પાણીની વાડકીમાં સ્નાન કરતી હોય, એમ પીંછું પાણીમાં ઝબોળી, રોટલીમાં તેલ ચોપડતો હોય એમ, મોંઢા ઉપર સાબુ ઘસે. હવે રેઝર ચલાવવાના તાલીમી કોર્ષ તો હોય નહિ, એટલે વગર તાલીમે ખેતરમાં હળથી ચાસ પાડતો હોય, એમ રેઝર ફેરવવા માંડે. એમાં મોંઢા ઉપર ઉઝરડા તો એવાં પાડે કે, રણભૂમિમાંથી કોઈ ઘાયલ સૈનિક વિજય પ્રાપ્ત કરીને છાવણીમાં રીટર્ન નહિ થતો હોય ? લોહીના શેરડા ફૂટે....! તમને તો હસવું આવે, પણ ઘાયલકી ગત તો ઘાયલ જ જાણે મારા મામૂ.....! શું કરે યાર....? દાઢ દુખતી હોય તો ઘરનાને પણ કહેવાય, દાઢી કરવા માટે કંઈ બાપાને થોડુ કહેવાય કે, ડેડુ....જરા દાઢી છોલી આપો ને....?

સચ્ચી વાત કહું...? આ દાઢી પણ આતંકવાદી કરતાં કંઈ ઓછી નથી. માથે પડેલા કાયમી મહેમાન જેવી...! અલ્યા રોજની છોલવાની....? ઘણીવાર તો એમ થાય કે, લીમીટેડ ટાઈમમાં સવારના પ્રભાતિયાં ગાવા જઈએ કે દાઢી છોલવા...? દાઢી છોલતી વખતે એ કંઈ એવું નહિ ગાય કે, “મેરે સપ્નોકી દાઢી કબ આયેગી તું....! “ કદાચ એવું પણ લલકારે કે, ‘ ચલે જા,ચલે જા, ચલે જાઆઆઆ.....જહાં પ્યાર મિલે.....! ‘ સારું છે કે આ તો દાઢીનો મામલો છે. દાઢીની જગ્યાએ જો વાઈફ હોય, તો કદાચ એકાદવાર ‘ તલ્લાક… તલ્લાક… તલ્લાક ‘ પણ કરી નાંખે...!.

કોઈપણ કુંવારેશ, ઉમંગથી એકવાર ઘોડે તો ચઢે, પણ ઘરે આવ્યાં પછી ખબર પડે કે, આ પરણેતરનું પૈડું તો સાલું, જીવે ત્યાં સુધી ગળે લટકાવીને ફરવાનું છે...! પહેલી દાઢીનો રોમાંચ પણ એવો છે. રોમાંચ તો પહેલી દાઢી વખતે જ આવે ને...? પછી ખબર પડે કે, આ તો ‘ મરતે દમ તક ‘ નો મામલો છે. સાલું, ફર્નીચર હોય તો બદલી પણ કઢાય, દાઢી તો કંપની ફીટીંગમાં જ આવે. એટલે રેઢી પણ નહિ મુકાય....! દાઢી પણ એક જીવન સંગીની છે. જે લોકો માત્ર વાઈફને જ “જીવન સંગીની” માને છે, તેઓ એ નથી જાણતાં કે, વાઈફ તો ગમે ત્યારે છેડો ફાડીને પિયર કદાચ ચાલતી પણ પકડે. ત્યારે દાઢી એવું નહિ કરે....! આપણે એનો સાથ છોડીએ, પણ એ આપણો પીછો નહિ મૂકે. એની ખાનદાનીમા તો જાણે કહેવું નહિ પડે...! વાઈફને તો આપવા હોય તો, છૂટાછેડા પણ અપાય. દાઢીના છેડા તો છેલ્લા શ્વાસ સુધી મોંઢે વળગેલા હોય....! જાણે એમ ના કહેતી હોય કે, ‘ હમ તુમસે જુદાં હો કે, મર જાયેંગે રો રો કે...! ‘ એના કપાળમાં કાંદા ફોડું...!

દાઢીની આવી જાહોજલાલી હોવા છતાં, આપણે ત્યાં આપણા જનમ દિનની ઉજવણી જે જાહોજલાલીથી ઉજવાય છે, એટલી દાઢીની વર્ષગાંઠ ઉજવાતી નથી. માટે ‘ હેપ્પી બર્થ ડે ‘ ની માફક ‘ હેપ્પી બીયર્ડ ડે ‘ પણ ઉજવાવો જોઈએ....? મોટી ઉમરના જન્મદિન ઉજવાય, એની ‘ કેક-કાપણી ‘ નો પ્રસંગ પણ ધામધુમથી થાય. પણ પ્રથમવારની દાઢીનો ‘પ્રવેશોત્સવ ’ ઉજવવાના રીવાજ હજી આપણા સામાજિક વ્યવહારમાં આવ્યાં નથી. એવી માનસિકતા ક્યારે આવશે કે, પહેલી દાઢીની ઉજવણી કરવા ‘ ગ્રાંડ પાર્ટી ‘ નું આયોજન થાય. ફટાકડા ફોડીને આકાશમાં આતશબાજી થાય. ને વિવિધ ડીઝાઈનવાળા દાઢીધારકોને બોલાવી, એમની હાજરીમાં પહેલી દાઢીનું મુંડન થાય....! કમ સે કમ લોકોને ખબર તો પડે કે, ફલાણા ભાઈને ત્યાં કોઈ પુખ્તવયનું થયું લાગે છે ...! ને ખુદ દાઢીને પણ લાગે, કે આ લોકો મારી કેટલી ગરીમા જાળવે છે....?

સારું છે કે, થોડાંક અચ્છે દિન આવ્યાં. ઠેર ઠેર દાઢી રાખવાનો શોખ હવે ફાટતો ચાલ્યો. બાકી, એવી આશા તો રાખવી જ નહિ કે, દાઢી રાખવી, નહિ રાખવી, કેવી રાખવી, ક્યારે રાખવી કે કેમ રાખવી, ની ચર્ચા ધારાસભા, લોકસભા કે કોઈપણ મંચ ઉપરથી થવાની છે. એનો નિકાલ આપણે જ કરવાનો. આપણા બ્રાન્ડેડ બાપુઓ દાઢી રાખે છે, પણ ફોડ પાડતાં નથી, કે દાઢી રાખવાનું રહસ્ય શું છે...? એટલે આપણે જ એની ઈજ્જત વધારવાની....! અને દાઢી મહિમા વધારવાનો...! શું કહો છો દાદુ....?

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED