ડેવિલ : એક શૈતાન
ભાગ-૧૬
આગળ ના પ્રકરણ માં તમે વાંચ્યું...રાધાનગર માં એક પછી એક હત્યાઓ ની સીલસીલો ચાલુ જ છે-અર્જુન ની મદદ કરવા માંગતા ભારતીબેન નું પણ ખુન થઈ જાય છે-ભારતીબેન ના હાથ પર ના લખાણ અને મળેલા લેટર નું રહસ્ય અર્જુન સમજી શકતો નથી-ડ્યૂટી પર નાયક અને અશોક એક યુવતી ની ધરપકડ કરે છે-એ યુવતી બિરવા હોય છે જે ક્યારે અને ક્યાં હુમલો થશે એની પેટર્ન અર્જુન ને સમજાવે છે-અર્જુન નાયક નો જીવ બચાવવા નીકળી પડે છે-બિરવા મનોમન અર્જુન ને ચાહવા લાગે છે-હવે વાંચો આગળ...
બિરવા ની બતાવેલી પેટર્ન મુજબ આજે જ હુમલો થશે અને એ પણ મસ્જિદ ની આગળ ના ભાગ માં જ્યાં અત્યારે નાયક ડ્યૂટી કરી રહ્યો હતો..અર્જુન બિરવા ની વાત સાંભળ્યા પછી પોતાના ખાસ મિત્ર અને સાથીદાર નાયક ની મદદ કરવા જીપ લઈને નીકળી પડે છે.અર્જુન સાવચેતી રૂપે ચેતવવા નાયક ને કોલ કરવા ઇચ્છતો હતો..નાયક નો મોબાઈલ ફોન અત્યારે જીપ માં જ પડ્યો હતો એ જોઈ અર્જુન ની ચિંતા ઘણી વધી રહી હતી...!!
"રામાયણ માં જ્યારે જ્યારે શ્રીરામ સંકટ માં આવતા ત્યારે હનુમાનજી એમની વ્હારે આવતા..શું કળયુગમાં હનુમાનજી પર સંકટ આવશે તો શ્રીરામ એમની વ્હારે આવશે?" પોતાને મળેલા લેટર નો અર્થ હવે અર્જુન ને સમજાઈ રહ્યો હતો.
બિરવા એ બતાવ્યા મુજબ હુમલો આજે જ થશે અને એ પણ મસ્જિદ ની આગળ ના ભાગ માં પણ સાથે સાથે લેટર ના શબ્દો એ વાત ની સાબીતી આપી રહ્યા હતા કે હુમલો એમાંપણ નાયક ને ટારગેટ કરીને જ કરવામાં આવશે
નાયક ઘણીવાર બોલતો કે "જ્યાં જ્યાં એના રામ આવશે ત્યાં ત્યાં એનો આ દાસ હનુમાન આવશે"..નાયક સાચે જ અર્જુન માટે હનુમાન થી ઓછો નહોતો.જેમ હનુમાનજી પ્રભુ શ્રીરામ ને પોતાના હૃદય માં સ્થાન આપતા એમ નાયકે પણ અર્જુન ને પોતાના હૃદય માં સ્થાન આપ્યું હતું.એટલે જ સુરત માં પોતાની નોકરી મૂકી ને એ અર્જુન નું રાધાનગર માં ટ્રાન્સફર થતાં પોતે પણ રાધાનગર આવી ગયો હતો..!
એક સાચા મિત્ર,સાથીદાર,સેવક બની ને નાયક હંમેશા એની સાથે ઉભો હતો.લેટર ના શબ્દો મુજબ નાયકે તો એની ઘણી વાર મદદ કરી હતી..કતારગામ માં બનેલી એક ઘટના વખતે અર્જુન ને ટાર્ગેટ બનાવતી એક ગોળી ને પોતાના ખભા પર પણ ખાધી હતી..પણ એને નાયક માટે ક્યારેય જીવ પર લડવાનો મોકો આવ્યો નહોતો.લેટર મોકલનારે નાયક ને નુકશાન પહોંચાડવાનો ઈરાદો બનાવી જ દીધો હતો..અને અત્યારે નાયક નો જીવ સાચેજ જોખમ માં હતો.!!!
"ભલે આજે મારે મોત ને પણ માત આપવી પડે પણ હું નાયક ને કંઈપણ નહીં થવા જ દઉં" અર્જુને મનોમન વિચાર્યું અને જીપ ને વધુ ઝડપથી ભગાવવા એક્સીલેટર પર પગ દબાવી દીધો.
***
આ તરફ બિરવા ને અશોક જોડે મોકલ્યા પછી નાયકે મસ્જિદ ની સામે આવેલા ચબૂતરા ની નીચે આવેલા ઓટલા પર બેસી ને બુધાલાલ અને ચુના નું મિશ્રણ કરી મસળવાનું ચાલુ કર્યું.બરાબર મિશ્રણ થઈ ગયા પછી બુધાલાલ તમાકુ ને દાંત અને હોઠ વચ્ચે દબાવી ને નાયક શાંતી થી બેઠો.
"એકલા જ આવ્યા મનવા એકલા જવાના...
સાથી વિના સંગી વિના એકલા જવાના.."
બેઠા બેઠા ભજન ની પંક્તિઓ ગાતા ગાતા નાયક સમય પસાર કરી રહ્યો હતો.નાયક અત્યારે શાંત ચિત્તે બેઠો બેઠો અશોક અને બીજા કોન્સ્ટેબલ ના આવવાની રાહ જોઈ બેઠો હતો.અચાનક કોઈ એની નજર આગળ થી પસાર થયું હોય એવું એને લાગ્યું.નાયકે આજુ બાજુ જોયું તો કોઈ દેખાયું જ નહીં.
"લાગે છે મારા મન નો કોઈ વ્હેમ હોવો જોઈએ.."નાયકે મોંમાં રહેલી બુધાલાલ થૂંકતા થૂંકતા કહ્યું.
સ્થિર રહેલા પાણી માં કોઈ નાનો પથ્થર નાંખવાથી જેમ વમળો ઉભા થાય એવી જ સ્થિતિ અત્યારે નાયક મહેસુસ કરી રહ્યો હતો.આજુ બાજુ ના વૃક્ષો પર બેસેલા પક્ષીઓ એકાએક અવાજ કરવા લાગ્યા...કુતરાઓ જાણે અચાનક ઊંઘ માંથી જાગીને નાનું બાળક રડતું હોય એમ રડવા લાગ્યા..અમાસ ની આ શીતળ રાત માં નાયકને આજુબાજુ ગરમાવો ઉત્તપન્ન થયો હોય એવો અનુભવ થઈ રહ્યો હતો..!!
નાયક થોડીવાર તો પરિસ્થિતિ ને સમજી જ ન શકયો પણ કંઇક તો અઘટિત બનવાનું છે એ અણસાર તો પામી જ ગયો હતો..સાવધાની રૂપે એને પોલીસ રિવોલ્વર ને હાથ માં મજબૂત રીતે પકડી લીધી..!!
અચાનક પોતાની પાછળ કોઈ આવીને ઉભું છે એવું લાગતા નાયકે પાછા વળીને જોયું પણ કોઈ દેખાયું નહીં. પક્ષીઓ અને કુતરાઓ ના અવાજ શાંત થવાનું નામ ન્હોતા લેતા..!ફરીવાર એવું જ થયું જે પહેલાં બન્યું કોઈક ઝડપથી આંખો આગળ થી પસાર થઈ ગયું હોય એવું નાયક ને લાગ્યું..પણ આ ઘોર અંધકાર માં વધુ દુર જોવું અશક્ય સમાન હતું..!
નાયકે પોતાના હાથ માં રહેલી રિવોલ્વર ને કસીને પકડી હતી.આવનારી કોઈપણ પ્રકાર ની મોટી મુસીબત નો સામનો કરવા નાયકે પોતાની જાત ને સુસજ્જ કરી દીધી હતી. આમ પણ અર્જુન ના સાથે કામ કર્યા પછી નાયક ની સ્ફૂર્તિ અને હિંમત માં ઘણો વધારો થઈ ચૂક્યો હતો.!!
અચાનક નાયકે પોતાની પાછળ કોઈ એને જોઈ રહ્યું હોય એવું મહેસુસ કર્યું..રાત્રી ના અંધકાર માં એને ફરીને જોયું તો બે ચમકતી આંખો નાયક ને દ્રશ્યમાન થઈ.નિખિલ ના દૈત્ય સ્વરૂપ નો જ્યારે સામનો થયો ત્યારે પણ નાયકે આવી ચમકતી આંખો જોઈ હતી.નાયક સમજી ગયો કે આજે એનો સામનો કોઈ આદમ જાત ના મનુષ્ય સાથે નહીં પણ એક શૈતાની શક્તિ સાથે થવા જઈ રહ્યો હતો.
નાયકે પોતાના હાથ માં રહેલી રિવોલ્વર માંથી ધડાધડ ત્રણ ગોળીઓ ચમકતી આંખો નો આશરો લઈ ત્યાં હાજર શૈતાની શક્તિ ની છાતી ના ભાગ માં ધરબી દીધી.પણ થોડી જ સેકંડો માં નાયક સમજી ગયો કે એનો આ પ્રયાસ નિરર્થક છે.!!
નાયકે રિવોલ્વર ને પાછી પોતાના સ્થાને મુકી અને પવિત્ર જળ ની શીશી કાઢવા માટે હાથ ને ખિસ્સા માં નાખ્યો...પણ ત્યાં હાજર શૈતાન જે હકીકત માં એક સ્ત્રી હતી..એજ સ્ત્રી જેનું વર્ણન પૂર્વી એ કર્યું હતું એ નાયક ની ગોળીઓ ચલાવવા થી છંછેડાઈ ગઈ હતી.
નાયકે જેવો પવિત્ર જળ કાઢવા માટે હાથ ખિસ્સા માં નાંખ્યો એવો જ એ શૈતાની સ્ત્રી ને અતિ તીવ્રતા થી નાયક પર કુદકો મારી દીધો..એની આ પ્રકારની હરકત સામે લડવા નાયક અસમર્થ હતો..ખિસ્સામાંથી શીશી તો હાથ માં લઇ લીધી પણ ઢાંકણું ખોલે એ પહેલાં જ એ શૈતાની સ્ત્રી ના ઘાતકી હુમલા થી હાથમાંથી નીચે પડી ગઈ.!
નાયક અત્યારે જમીન પર પીઠ ના બળે પડ્યો હતો અને એ ચુડેલ અત્યારે નાયક ના શરીર પર ચડી બેઠી હતી.એની આંખો ની રોશની ના લીધે અત્યારે એનો ચહેરો નાયક ને થોડો થોડો દેખાઈ રહ્યો હતો..કોઈએ આગ લગાવીને સળગાવી મુક્યો હોય એવો વિકૃત ચેહરો છાતી ના પાટિયા હલાવી નાખવા કાફી હતો..એના હાથ ના મોટા નખ નાયક ને પોતાની છાતી માં ચુભતા હોય એવું લાગ્યું.નાયક માટે આ પીડા અસહ્ય હતી.
એક સ્ત્રી હોવાછતાં એના માં રહેલા બળ આગળ નાયક પોતાની જાત ને નિઃસહાય મહેસુસ કરી રહ્યો હતો.ધીરે ધીરે એના નખ નાયક ને વધુ ને વધુ પીડા આપતા એની છાતી માં વધુ ને વધુ ઉંડા ઉતરી રહ્યા હતા.!!
પીડા થાય ત્યારે માણસ ચીસો પાડે પણ જ્યારે પીડા અસહ્ય થાય ત્યારે એનો અવાજ ખરેખર ગળામાં જ ધરબાઈ જાય એવું નાયક ને લાગી રહ્યું હતું.મૌત જાણે માથે ચડી બેઠું હોય એવી દશા નાયક ની હતી.છૂટવા માટે તરફડીયા મારતાં નાયકે બચવા માટે એક ઘણા જુના અને જાણીતા આઈડિયા ને અપનાવવાનો વિચાર કર્યો. બંને હાથ માં માટી લઈને નાયકે એ શૈતાની સ્ત્રી ની આંખો માં નાંખી દીધી.!!
શોલે મુવી ની આ ટ્રીક નાયકને અત્યારે ફળી હતી..માટી નાંખવાની અસર તાત્કાલિક થઈ હોય એમ એ શૈતાની સ્ત્રી નાયક ના શરીર પર થી ઉભી થઇ અને આંખો ચોળવા લાગી.અમાસ ની રાત હોવાથી નાયક માટે અત્યારે પવિત્ર જળ ભરેલી શીશી શોધવાનો વ્યર્થ પ્રયત્ન કરી જોયો..પણ પોતાની આ કોશિશ કંઈ કામ આવવાની નથી એવું નાયક ને સમજતા વાર ના લાગી..!!
શૈતાની સ્ત્રી થોડી સ્વસ્થતા પ્રાપ્ત કરી રહી હોય એવું નાયક ને લાગતા એ હવે થોડીપણ રાહ જોવા માંગતો નહોતો..નીચે નમી ને હાથ ને આમ તેમ માટી માં ફેરવતાં નાયક ના હાથ માં એક મોટો પથ્થર આવી ગયો..નાયકે એ પથ્થર ઉઠાવ્યો અને એ ચુડેલ ના કણસવાના અવાજ ની દિશા માં દોટ મુકી.!!
નાયક લગભગ એકદમ નજીક પહોંચી ગયો હોય એવું એને લાગ્યું એટલે એને પથ્થર મારવા માટે હાથ ઉંચો કર્યો..પણ આ શું.. એ આંખો ની રોશની નાયક સામે આવી ગઈ..નાયક ને સમજતા વાર ના થઇ કે એ સ્ત્રી એ પોતાનું માથું ૧૮૦ ડિગ્રી એ ફેરવીને પીઠ તરફ કરી દીધું છે.ડર ના માર્યા નાયક ના હાથ માંથી પથ્થર છટકી ગયો..!!
ફરીથી એ ચુડેલે પોતાનું શરીર નાયક ની તરફ કર્યું અને માથું ઘુમાવીને મુળ જગ્યા એ કરી દીધું..એક અટ્ટહાસ્ય વાતાવરણ માં ગુંજી રહ્યું હતું જેનાથી નાયક ના લલાટ ઉપર આટલી ઠંડી માં પણ પ્રસ્વેદ બિંદુ ઓ ચમકી રહયા હતા..એ શૈતાની ચુડેલે પોતાના મજબુત હાથ વડે અત્યારે નાયક ને ગળાથી પકડીને હવામાં ઊંચો કરી દીધો.!!
હવે બચવું અશક્ય છે એવું નાયક ને લાગી રહ્યું હતું..એના પગ જમીન થી ૨-૩ ફૂટ ઉંચા હતા..એ ચીંગારી જેવી આંખો એની સામે જ તાકી રહી હતી.જીંદગી ની આખરી ક્ષણો હવે નજીક આવી ગઈ છે એવું નાયક સ્પષ્ટ પણે માની રહ્યો હતો.ધીરે ધીરે એ સ્ત્રી ના પંજા ની પકડ મજબૂત થઈ રહી હતી એમ એમ નાયક નો જીવ ગૂંગળાઈ રહ્યો હતો..થોડા સમય પહેલા છાતી માં ખુંપાયેલા નખ ના લીધે થઈ રહી બળતરા પણ સમાપ્ત થઈ ગઈ હતી..!!
આંખો આગળ હવે કાળાશ વ્યાપ્ત થઈ ગઈ હતી..યમરાજ ના દૂત જાણે સામે જ દેખાઈ રહ્યા હતા..પારાવાર પીડા ના લીધે નાયક અત્યારે લગભગ બેભાન થઈ ગયો હતો..હવે તો વધેલા બે ચાર શ્વાસ લેવાનો નાયક આખરી પ્રયત્ન કરી રહ્યો હોય એમ લાગી રહ્યું હતું.!!અત્યારે પોતાની ફેમીલી ના સભ્યો ની શકલ નાયક ના મગજ માં ચમકી ઉઠી..હવે તો એને કોઈ બચાવી શકે તો એ ઉપરવાળો સર્વશક્તિમાન ઈશ્વર જ હતો..!!
નાયક થોડી સેકંડો નો જ મહેમાન હતો..એ ચુડેલ ના હાથ ની મજબુત પકડ થી લગભગ એના રામ રમી જ ગયા હતા..પણ કહેવત છે ને રામ રાખે એને કોણ ચાખે?? અત્યારે નાયક જેને પોતાના શ્રીરામ માનતો હતો એ અર્જુન નાયક ની મદદે આવવા નીકળી પડ્યો હતો.
નાયક ને પોતાના હાથ થી હવામાં ઉંચો કરી એ ચુડેલ અત્યારે પોતાની શક્તિ ના જોર પર અટ્ટહાસ્ય કરી વાતાવરણ ને વધુ બિહામણું બનાવી રહી હતી..એના પંજા ની પકડ નાયક ના ગળા ફરતે વધુ કસાઈ રહી હતી એવામાં જીપ ના અવાજ ને લીધે એનું ધ્યાન એ તરફ ખેંચાયું...!!
રોડ ઉપર આવતી ફુલ સ્પીડ જીપ ની હેડલાઈટ ની તીવ્ર રોશની માં એ ચુડેલ થોડી અંજાઈ ગઈ..એ વધુ સમજે એ પહેલાં અર્જુને એના થી ૧૦-૧૫ ફૂટ અંતરે જીપ ને લાવી ને બ્રેક કરી ને ઉભી રાખી..જીપ ના એન્જીન અને બ્રેક ના લીધે ટાયર ના ઘસવાના અવાજે રાત્રી ના ઘોર અંધકાર ને જાણે ચીરી નાંખ્યો હતો.
અર્જુન શક્ય એટલી તીવ્રતા થી જીપ નું સ્ટેયરીંગ મૂકી નીચે ઉતર્યો..અર્જુન ની આંખો અત્યારે એ ચુડેલ ને ધુરી રહી હતી..અર્જુન ની આંખો ની રતાશ અને તાપ એ ચુડેલ ને અકળાવી રહ્યા હતા..અર્જુન ની આંખો માં કોઈપણ પ્રકાર નો ડર નહોતો કે એના ચહેરા પર નહોતી ભય ની પાતળી રેખા..અર્જુન ની આ હિંમત એ ચુડેલ ને જાણે દુઃસાહસ લાગી રહી હતી..અર્જુન ના આવવાથી એનું સંપૂર્ણ ધ્યાન નાયક પર થી હટી અત્યારે અર્જુન પર સ્થિર થઈ ગયું.!!
નાયકે પોતાની રિવોલ્વર કાઢી અને જીપ ની હેડલાઈટ ના પ્રકાશ નો ઉપયોગ કરી ને એમાંથી એક ગોળી ચુડેલ ના હાથ ઉપર છોડી દીધી..ગોળી વાગવાથી એ શૈતાની સ્ત્રી એ પીડા થી જોરદાર ચીસ પાડી અને પોતાના હાથ ની પકડ માંથી નાયક ને છોડી દીધો..નાયક અત્યારે નાજુક હાલત માં જમીન પર પડ્યો હતો..!!
"અશોક તું નાયક ને જો..હું આ શૈતાન ને એના અંજામ સુધી પહોંચાડું છું.."અર્જુને બુમ પાડીને જોડે આવેલા અશોક ને કહ્યું.
અશોક અત્યારે શું બની રહ્યું છે એ ફાટી આંખે જોવામાં વ્યસ્ત હતો..અર્જુન ની વાત સાંભળી અશોક જાણે ઝબકીને જાગ્યો હોય એવું એને લાગ્યો..એને તરત જ જીપ માંથી કુદકો મારી નાયક જ્યાં પડ્યો હતો એ તરફ દોટ મૂકી..!!
અર્જુન ના ગોળી ચલાવવા થી એ ચુડેલ નો હાથ અત્યારે કાળા રંગ ના લોહી થી ખરડાઈ ગયો હતો..આમતો એ ચુડેલ ને થતો કોઈપણ પ્રકાર નો ઘા આપમેળે ભરાઈ જતો પણ અર્જુન ની છોડલી ગોળી આટલી તકલીફ કેમ આપી રહી હતી એ વાત એની સમજ થી દુર હતી..હકીકત માં અર્જુન ની રિવોલ્વર માં જે બુલેટ હતી એ કોઈ સામાન્ય બુલેટ નહોતી પણ એના મિત્ર એ દિવ્ય પંચધાતુ નો ઉપયોગ કરી બનાવેલી ખાસ બુલેટ હતી..!!
અર્જુન પોતાની રિવોલ્વર એ ચુડેલ તરફ તાકી એની તરફ ધીમા પગલે ડગ માંડી રહ્યો હતો..એને હતું કે આ ચુડેલ હવે પોતાના કાબુમાં આવી ગઈ છે પણ આ સમજવું અર્જુન ની મોટી ભૂલ સાબિત થવાની હતી..!!
અર્જુન અત્યારે ધીરે ધીરે એ ચુડેલ ની નજીક પહોંચી ગયો હતો..હવે એ બંને વચ્ચે નું અંતર ૫-૬ ડગલાં જ હતું..અર્જુન ની રિવોલ્વર એ ચુડેલ ના ચહેરા પર મંડાયેલી હતી..અર્જુન ના ગોળી ચલાવવાના અવાજ થી નિશાચર પક્ષીઓ અને કુતરાઓ એકાએક શાંત થઈ ગયા પણ ઘડી બે ઘડી ની શાંતી પછી એમના અવાજ ની તીવ્રતા ઘણી વધી ગઈ..!
અર્જુન ને એમ હતું કે પોતાના હાથ પર ના ઘા ને જોવામાં મગ્ન ચુડેલ એના આ ઓચિંતા હુમલા થી ગભરાઈ ગઈ છે પણ અર્જુન ની ધારણા થી વિપરીત એ ચુડેલ અત્યારે ગુસ્સા ની અગ્નિ માં તપી રહી હતી..જેમ સાપ ની પૂંછડી પર પગ મુકવાથી એ છંછેડાઈ જાય એમ ગોળી ચલાવવાથી એ ચુડેલ નું મેલું રક્ત અત્યારે જાણે લાવા હોય એમ ધગી રહ્યું હતું..!!
એક પળ માં અર્જુન કંઈ સમજે એ પહેલાં એ ચુડેલ જાણે પવન નો સપાટો હોય એમ અર્જુન ની જોડે આવી ને ઉભી રહી ગઈ..અર્જુન રિવોલ્વર માંથી ફાયર કરે એ પહેલાં તો એ ચુડેલે જોરદાર તાકાત નો પરચો આપતા અર્જુન ના પેટ માં લાત મારી દીધી..એની તાકાત એટલી બધી હતી કે અર્જુન હવામાં ઉછળીને ૧૦ ફુટ જેટલો દૂર પડ્યો..નીચે પડેલા અર્જુન ને અત્યારે પોતાની કમર માં વેદના નો માર વર્તાઈ રહ્યો હતો.. એના હાથમાંની રિવોલ્વર અત્યારે ક્યાં હતી એની એને કંઈ ખબર નહોતી..!!
અર્જુન પર ઘા કર્યા પછી એ ચુડેલે જોરદાર હાસ્ય સાથે વાતાવરણ ને ઘમરોળી નાંખ્યું..અર્જુન અત્યારે પીડા નો માર્યો કણસી રહ્યો હતો..એ ચુડેલે પોતાના આખા શરીર ને વાળી દીધું..પીઠ નો ભાગ નીચે અને પેટ નો ભાગ ઉપર આવે એમ બે હાથ અને બે પગ નો ઉપયોગ કરી એ ક્રૂર ભાવ સાથે અર્જુન ની તરફ આગળ વધી રહી હતી..!!
અર્જુને પોતાના સ્થાન પરથી ઉભો થવાનો હજુ પ્રયત્ન જ કર્યો હતો એટલામાં તો એ ચુડેલે કુદકો મારી ને અર્જુન ને ફરીથી ભોંયભેગો કરી દીધો..એ ચુડેલ ના પોતાની પર કુદવાથી અર્જુન ને કાંડા ના ભાગ માં જોરદાર વાગ્યું હતું...અર્જુન એકવાર ફરી નિઃસહાય બની માટી માં પડ્યો હતો. એ ચુડેલ અર્જુન ની પાસે આવી અને પોતાની પુરી તાકાત થી પોતાના શરીર નું પૂરું વજન અર્જુન ના શરીર પર નાંખી દીધું..!!
એની આંખો ની ખુની ચમક અને હાસ્ય ધીરે ધીરે ભયાનકતા ની બધી હદ વટાવી રહ્યું હતું..એને અર્જુન સામે જોયું પણ અર્જુન ની આંખો માં હજુપણ થોડો એ ડર ના દેખાતા આવેશ માં આવી એને પોતાના રાક્ષસી દાંત અર્જુન ના ખભા માં ધરબી દીધા..અર્જુન ના મોંઢા માંથી અસહ્ય પીડા ની એક ચીસ નીકળી ગઈ..!!
ધીરે ધીરે એ ચુડેલ વધુ વેગે અર્જુનના ડાબા ખભામાં પોતાના આરી જેવા દાંત ઘુસેડી રહી હતી..અશોકે જોયું તો નાયક હજુ જીવતો હતો પણ કે નહીં એ સમજાયું નહોતું..અર્જુન ની બુમ સાંભળી અશોક નાયક ને ત્યાં મૂકી દોડીને અર્જુન ની મદદે આવ્યો.અશોકે આવીને પોતાના હાથ ને એ ચુડેલ ની ગરદન ફરતે વીંટાળી દીધા એ ચુડેલ અશોક ની આ હરકત ની અસર થી અર્જુન ના ખભા પર થી પોતાના દાંત બહાર કાઢી મુકે છે..અર્જુન તરત જ એના શરીર પરનું વજન ઓછું થતા પોતાની જાત ને ચુડેલની નીચે થી નીકાળી દે છે..આ સાથે એ ચુડેલ પોતાના હાથ થી અશોક ને ઉપાડી ને દુર ફેંકી દે છે.. પોતાના પર થયેલા હુમલાથી ઘવાયેલો અશોક હવે થોડો સમય ઉભો થાય એ શકયતા નહીવત હતી..!!
અર્જુન ના ડાબા ખભા માંથી ચામડી ને ચીરી ને લોહી વહી રહ્યું હતું..કોઈએ કોલસો મૂકી સળગાવ્યું હોય એવી પીડા અર્જુન ને થઈ રહી હતી..અર્જુન ની આંખે અંધારા આવી ગયા હતા.અશોક ની મદદ થી એ બચી તો ગયો હતો પણ હજુ મોત એની આંખો સામે હજુ મોજુદ જ હતું.
અર્જુન ની નજર અચાનક માટી માં થોડે દુર પડેલી પોતાની રિવોલ્વર પર પડી..રિવોલ્વર ને જોઈ અર્જુન એની બધી પીડા ને ભુલી એ તરફ ચિત્તા ની ગતીએ દોડ્યો..અર્જુન ની આ હરકત એ ચુડેલ ની આંખો માં આવી ગઈ..અર્જુન વધુ આગળ વધે એ પહેલાં એને અર્જુન ધક્કો મારી નીચે પાડી દીધો..પેટના બળે પડેલો અર્જુન આગળ વધી ના શકે એ હેતુ થી એ ચુડેલે અર્જુનના પગ ને પકડી લીધા..!!
એની પકડ માંથી છુટવું અર્જુન માટે અઘરું થઈ રહ્યું હતું..અર્જુન વધુ આગળ વધવામાં અસમર્થ હતો.. એ ચુડેલે પાછા પોતાના દાંત અર્જુન ના પગ માં ઘુસેડી દીધા..આ વખતે તો એના દાંત પગ ના હાડકા સુધી પહોંચી ગયા હોય એવી તકલીફ અર્જુન અત્યારે ભોગવી રહ્યો હતો.. રિવોલ્વર એની આંગળીઓ થી અડધો ફુટ જેટલી જ દુર હતી પણ આટલું અંતર પણ કાપવું એના માટે અત્યારે અશક્ય લાગી રહ્યું હતું..
પોતાના દુશમન ને પીડા નો પૂરતો ડોઝ આપ્યા પછી હવે એ ચુડેલ અંતિમ અંજામ આપવાની તૈયારી માં હતી.એને પોતાની તાકાત વડે અર્જુન ને પીઠ ના બળે કરી દીધો અને એનો પગ પડતો મૂકી સીધી એની છાતી પર આવીને બેસી ગઈ..સળગવાથી બળી ગયેલી ચામડી અને માથા ના આછા વાળ માં એ ચુડેલ ખૂબ વિચિત્ર દેખાઈ રહી હતી..એ હવે અર્જુન ને પરલોક પહોંચાડવાનું નક્કી કરી ચુકી હતી.
પોતાના બંને હાથ નો જોરદાર મુક્કો એને અર્જુન ની છાતી માં મારી દીધો..ઘા એટલો જોરદાર હતો કે અર્જુન ના મોમાંથી ચિત્કાર નીકળી ગયો..હવે એની આંખો માં અર્જુન પ્રત્યે લોહી ઉપસી આવ્યું હતું..એને હવે છેલ્લો ઘા કરવાનું મન બનાવી લીધું હતું.
આ બધી ધમાચકડી માં જ્યારે ચુડેલે અર્જુન ને પેટના બળે થી પીઠ ના બળે કર્યો ત્યારે રિવોલ્વર અર્જુન ની વેંત છેટી હતી..જ્યારે અર્જુન ની છાતી પર એ ચુડેલે મુક્કો માર્યો ત્યારે અજાણતા જ અર્જુન ના હાથ માં કંઇક વસ્તુ નો સ્પર્શ થયો..અર્જુન સમજી ગયો એ વસ્તુ શું હતી..!!
જેવી એ ચુડેલ અર્જુન ના ગળા પર બચકું ભરવા નીચી નમી એજ સમયે અર્જુને ચપળતા થી રિવોલ્વર હાથ માં લઇ લીધી અને ઉપરાઉપરી ત્રણ ગોળીઓ એ ચુડેલ ના હૃદય પર ધરબી દીધી..ગોળીઓ નો અવાજ અત્યારે વાતાવરણ માં પડઘાઇ રહ્યો હતો..ગોળીઓ ના અવાજ નો પડઘો શાંત થતા ની સાથે જ એ ચુડેલ ની કારમી ચીસ પણ નીકળી ગઈ.!!
***
To be continued......
શું એ ચુડેલ નો અંત થઈ ચૂક્યો હતો?નાયક નો જીવ બચી જશે કે નહીં? અર્જુન આ બધી ઘટનાઓ પાછળ કોણ છે એ શોધી શકશે?ભારતીબેન ના હાથ પર ના લખાણ નો અર્થ શું થતો હતો? ડેવિલ આખરે કોણ છે? શું અર્જુન રાધાનગર ના પહેલા જેવી શાંતિ સ્થાપી શકશે? બિરવા ના અર્જુન પ્રત્યે ના એક તરફી પ્રેમ નો શું અંજામ આવશે? જાણવા માટે વાંચતા રહો..ડેવિલ એક શૈતાન..નવો ભાગ આવતા સપ્તાહે..આપના આ નોવેલ અંગેના પ્રતિભાવ મારા whatsup નમ્બર 8733097096 પર આપવા વિનંતી.
ઓથર :- જતીન. આર.પટેલ