Devil - EK Shaitan -15 books and stories free download online pdf in Gujarati

ડેવિલ એક શૈતાન-૧૫

ડેવિલ:એક શૈતાન

ભાગ-૧૫

આગળ ના પ્રકરણ માં તમે વાંચ્યું...રાધાનગર માં આરઝુ નામ ની મહિલાની લાશ ચોરાયા ના થોડા દિવસો પછી ફરીથી હત્યાઓ નો સિલસિલો ચાલુ થાય છે-અલગ અલગ ૨ ઘટનાઓમાં ૮ લોકો નો ભોગ લેવાય છે-પીનલ અર્જુન ને જણાવે છે કે લાયબ્રેરીયન ભારતીબેન એની મદદ કરવા માંગે છે-અર્જુન ના પહોંચ્યા પહેલા ભારતીબેન નું ખુન થઈ જાય છે-અર્જુન ને ભારતીબેન ના હાથ પર કંઈક ભેદી લખાણ મળે છે-અર્જુન ને ખબર મળે છે એ પિતા બનવાનો હોય છે-પીનલ લાયબ્રેરીમાં કામ પર જવા લાગે છે-અર્જુન ને નવો એક રહસ્યમયી લેટર મળે છે-હવે વાંચો આગળ...

રહસ્યમયી લેટર નો કોયડો ઉકેલવામાં અસમર્થ અર્જુન સાંજે પીનલ ને લાયબ્રેરી થી પિક અપ કરી ને ઘરે આવે છે.જમવાનું બનાવવામાં પીનલ ને હેલ્પ કરાવી ને એની સાથે જ રાતનું ભોજન લઈ પોતાની ડ્યૂટી કરવા પાછો પોલીસ સ્ટેશન જાય છે.

અર્જુન ના આવ્યા પહેલાં બધા પોલીસકર્મી ઓ નક્કી કરેલા આયોજન મુજબ પોતપોતાની રીતે અલગ અલગ ટીમ બનાવી જીપ માં ગોઠવાઈ ગયા હોય છે.

"નાયક બધા તૈયાર છે?"અર્જુને આવતા ની સાથે પૂછ્યું.

"હા સર..બધું રેડી છે..ઓલરાઇટ"નાયકે અદબ ભેર કહ્યું.

નાયક ના મોંઢે ઓલરાઇટ સાંભળી અર્જુન ના ચહેરા પર સ્મીત ફરી વળ્યું.નાયક ને પણ ખબર હતી કે એની ઓલરાઇટ બોલવાની સ્ટાયલ અર્જુન ને ખૂબ ગમે છે..એટલે વારંવાર એ વાતચીત માં અર્જુન ની સામે ઓલરાઇટ બોલતો.અર્જુન ક્યારેય કહેતો નહીં પણ નાયક રૂપે એને ખરેખર એક સાચા અને ઈમાનદાર દિલ નો સાથીદાર મળ્યો છે એવું એ માનતો હતો.

અર્જુન ના પોતાની જીપ માં ગોઠવતા ની સાથે જ બધી જ જીપો નીકળી પડી શહેર ની અલગ અલગ દિશા માં..અર્જુન અત્યારે પોસ્ટઓફિસ ની આજુબાજુ પોતાની ટીમ સાથે મોજુદ હતો.જાની પોતાની અલગ ટીમ સાથે અત્યારે સંકટમોચન હનુમાન ના મંદિર જોડે ચોકીપહેરો ભરી રહ્યો હતો.સુરેશ અને જાવેદ અત્યારે બીગ બેંગ મોલ જોડે ઉપસ્થિત હતા.

સંપૂર્ણ રિકવરી બાદ પાછા ફરેલા વાઘેલા અત્યારે શાક માર્કેટ ની આજુબાજુ ના વિસ્તાર ને સાંભળી રહ્યા હતા..નાયક અને અશોક અત્યારે મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તાર માં પોતાની બાજ નજર થી રક્ષણ આપી રહ્યા હતા.રાધાનગર શહેર ની ચારે દિશાઓ માં ઉપસ્થિત પોલીસ ની ટીમ અત્યારે આખા શહેર ને સુરક્ષા કવચ બક્ષી રહી હોય એવું લાગી રહ્યું હતું.

પોલીસકર્મી ઓ જોડે પૂરતા હથિયાર મોજુદ હતા.સાથેસાથે પવિત્ર જળ પણ દરેક ના ખિસ્સા માં શીશી ની અંદર બંધ કરેલું પડ્યું હતું.દરેક પોલીસકર્મી ને અર્જુન તરફથી થોડી સૂચનાઓ હતી.એ મુજબ જો કોઈ સંદિગ્ધ વ્યક્તિ જોવા મળે તો એને પહેલાં પકડવાનો પ્રયત્ન કરવો..પણ જો કોઈ શૈતાની શક્તિ ધરાવતી સ્ત્રી જોડે તમારો સામનો થાય તો તમારા જોડે રહેલા પવિત્ર જળ નો છંટકાવ કરી ને મારો સંપર્ક કરવો.

રાત ના ૧૨ ના ટકોરા વાગી ગયા હતા..અમાસ હોવાથી રાત્રી ના ઘોર અંધકાર નો માહોલ ખરેખર વધુ ભયંકર ભાસતો હતો.ક્યારેક ક્યારેક કુતરાઓની લવારી નો અવાજ તો ક્યારેક ઘુવડ કે ચિબરી નો અવાજ વાતાવરણ ની શાંતિ ને ભંગ કરતો અને થોડીવાર માં પાછી પૂર્વવત શાંતિ પથરાઈ જતી.

થોડા થોડા દિવસે થઈ રહેલી હત્યાઓ ના લીધે રાધાનગર શહેર પર જાણે ડર ની ચાદર પ્રસરાઈ ગઈ હોય એવું લાગતું હતું.કોઈ પણ રાત ના નવ વાગ્યા પછી ઘર ની બહાર આવવાનું ટાળતું હતું.થિયેટર માલિકને પણ રાતનો નવ થી બાર નો શો કેન્સલ કરવાની ફરજ પડી હતી.

રાત નો સમય ખુલ્લાં રહેતા ચા નાસ્તા વાળા એ સૂર્ય આથમતા જ પોતપોતાનો ધંધો સમેટી ઘર ભેગા થઈ જતા..રેલવેસ્ટેશન પર થોડી ઘણી ચહલપહલ જોવા મળતી એ પણ અઠવાડિયા માં એકાદ વાર જ્યારે કોઈ ટ્રેઈન રાત્રી ના સમયે આવતી ત્યારે.રેલવે પોલીસ નું એક નાનું દળ પણ અર્જુન ના કહેવાથી સાંજ ના સમય પછી રેલવે સ્ટેશન પર બનાવેલી રેલવે ઓફીસ માં હાજર રહેતું.

દર વખત ની જેમ આ વખતે પણ આગળ ની ઘટના ને ખાસો સમય વીતી ગયો હતો..પણ દૂધ નો દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકી ને પીવે એ મુજબ અર્જુન દ્વારા બધા પોલીસકર્મી ઓ ને કોઈપણ વાતે ગફલત માં નહીં રહેવા જણાવી દેવાયું હતું.

નાયક અને અશોક અત્યારે મુસ્લિમ ચાલી ની આગળ પહેરો આપી રહ્યા હતા..રાત ના ઘોર અંધકાર માં બધા ને વચ્ચે વચ્ચે બગાસાં પણ આવી જતા.બધા નો મૂડ ફ્રેશ રાખવા અશોકે પોતાના મોબાઈલ માં ફિલ્મી ગીતો ચાલુ રાખ્યા હતા.

અચાનક એક કોન્સ્ટેબલે બાજુ માં આવેલા મેદાન માં રહેલા લીમડાનાં મોટા ઝાડ ની પાછળ કંઈક હલચલ થતી જોઈ..એટલે એને ધીમા અવાજે કહ્યું..

"નાયક સર..ત્યાં કોઈ છે.."

નાયકે ત્યાં નજર કરી તો સાચેજ એને પણ કોઈ હોય એવું લાગ્યુ.. પાનખર ઋતુ હોવાથી લીમડાનાં નીચે પડેલા પાંદડા અને ડાળીઓમાં થતો સળવળાટ નાયક ના કાન ની છુપો ના રહ્યો..એને આંગળી ના ઈશારે બધાને કોઈપણ પ્રકાર નો અવાજ કરવાની ના કહી.

"હવે શું કરીશું?"દબાતા અવાજે અશોકે પૂછ્યું.

"અશોક તું એક કામ કર..બે કોન્સ્ટેબલ ને લઈ ચુપચાપ નીચે ઉતરી મસ્જિદ ની પાછળ થઈને મેદાન માં પહોંચ..જે પણ હોય ત્યાં એને તું પાછળ થી ઘેરી લે..જેવો તું ત્યાં નજીક પહોંચે એટલે મારા નમ્બર પર મેસેજ કરી દેજે એટલે હું તાબડતોડ બીજા કોન્સ્ટેબલ સાથે આગળ ની બાજુ થી એને ઘેરી લઈશું...હું પહેલાં એને તાબે થઈ જવા માટે કહીશ..જો એ માની જાય તો ઠીક નહીંતો.."નાયકે રિવોલ્વર પર હાથ રાખતાં આખો પ્લાન કહી સંભળાવ્યો.

અશોક ને પણ નાયક સાહેબ ની વાત યોગ્ય લાગતા એ બીજા બે કોન્સ્ટેબલો સાથે નીચે ઉતર્યો અને હું પેશાબ કરી આવું એવું મોટેથી બોલી મેદાન ની બાજુમાં આવેલી હજરત પીર ની મસ્જિદ ની તરફ ગયો.

સહેજ પણ અવાજ ના થાય એનું ધ્યાન રાખીને અશોક ચુપચાપ મેદાન માં પહોંચી ગયો.અશોકે ત્યાં પહોંચતા ની સાથે નાયક ને મેસેજ કરી જણાવી પણ દીધું.જેવો અશોક નો મેસેજ આવ્યો એવો તરત જ નાયક પોતાની જોડે રહેલા ચાર કોન્સ્ટેબલો સાથે ઝડપ થી લીમડા ના ઝાડ ની તરફ દોડ્યો.

કોન્સ્ટેબલ અને નાયક ના પગલાં નો અવાજ સાંભળી લીમડાની પાછળ છુપાયેલ વ્યક્તિ ને ભાગવાનો પ્રયત્ન કર્યો પણ પાછળ ની બાજુ હાથ માં રિવોલ્વર સાથે મોજુદ અશોક અને બીજા બે કોન્સ્ટેબલો ને જોઈ એના પગ ખોડાઈ જ ગયા.નાયક પણ ત્યાં આવી પહોંચ્યો અને છુપાયેલી એ વ્યક્તિ ને ચારેતરફ થી ઘેરી લીધી.

"હવે તારો બચવાનો કોઈ ચાન્સ નથી"નાયકે રિવોલ્વર એની સામે તાકતા કહ્યું.

"પણ સર..હું તો તમારી મદદ કરવા આવી હતી.."એક યુવતીનો સુમધુર અવાજ નાયક ના કાને પડ્યો.

"અમારે તારી કોઈ મદદ ની જરૂર નથી..ચૂપચાપ તારા હાથ ઊંચા કરી ને અમે કહીએ એમ કર એમાંજ તારી ભલાઈ છે .."નાયકે રુક્ષ સ્વરે કહ્યું.

"હા સર..તમે કહેશો એમ કરીશ.."એ યુવતી ના અવાજ માં મહેસુસ રિવોલ્વરનો થતો ડર વર્તાઈ રહ્યો હતો..

"અશોક આને હથકડી પહેરાવી..મોં પર ટેપ મારી જીપ માં બેસાડીને એસીપી અર્જુન જોડે લઈ જા..તમે પાછા આવો ત્યાં સુધી હું અહીં ડ્યૂટી નિભાવુ છું.

નાયક ની વાત સાંભળી એ યુવતી કંઈક કહેવા માંગતી હતી પણ અશોકે એના મોં પર ટેપ લગાવી એને બોલતી અટકાવી દીધી.ત્યારબાદ એને હથકડી પહેરાવી જીપ માં બેસાડી ને અર્જુનની પાસે લઈ જવા જીપ ને પોસ્ટઓફિસ ના રસ્તે દોડાવી મૂકી..!!

***

થોડીવાર માં તો અશોક જીપ ને લઈ ને અર્જુન જ્યાં મોજુદ હતો ત્યાં પહોંચી જાય છે..અશોક ના અહીં આવેલો જોઈ અર્જુન આશ્ચર્યચકિત થઈ જાય છે..

"અશોક કેમ તું અહીં?અને નાયક ક્યાં છે?"અર્જુને ઉતાવળા સ્વરે પૂછ્યું.

અર્જુન ની વાત સાંભળી અશોકે ત્યાં બનેલી ઘટના વિશે અર્જુન ને રજેરજ ની માહિતી આપી દીધી.અશોક ની વાત સાંભળી અર્જુન ને એ યુવતી કોણ છે એ જોવાની તાલાવેલી જાગતા એને એ યુવતી ને પોતાની સમક્ષ લઈ આવવા કહ્યું.

અશોકે કોન્સ્ટેબલ ને કહી જીપ ની પાછળ બેસેલી એ યુવતી ને અર્જુન ની જોડે લઈ આવવા કહ્યું..કોન્સ્ટેબલો એ યુવતી ને લઈ અર્જુન ની જોડે આવ્યા..અશોકે એના મોઢા પરની ટેપ દૂર કરી.જીપ ની હેડલાઈટ ના પ્રકાશ માં એ યુવતી નો ચહેરો જોઈ અર્જુન ને અત્યારે પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો.

"બિરવા તું..??આટલી મોડી રાતે બહાર શું કરે છે?અર્જુન એ યુવતી ને ઓળખી ગયો એ યુવતી બીજું કોઈ નહીં પણ બિરવા હતી..જેને અર્જુન બે-ત્રણ વાર મળી ચુક્યો હતો.

"નાયક સર ને બચાવી લો...એમનો જીવ જોખમ માં છે"બિરવા એ જેવી ટેપ દૂર થઈ એવી એક શ્વાસ માં બોલી ગઈ.

"અરે તું શું બોલી રહી છે એનું તને ભાન છે..અને તારું આવું કહેવા પાછળ નું કોઈ કારણ?"અર્જુને બિરવા ની સામે જોઈ ગુસ્સા માં કહ્યું.

"હા મારા જોડે કારણ છે આ વાત કહેવા માટે..અત્યારે જ્યાં નાયક સાહેબ ઉપસ્થિત છે ત્યાં ફરીથી ખુની ખેલ ને અંજામ આપવામાં આવશે"મક્કમતાથી બિરવા એ કહ્યું.

"તું કઈ રીતે કહી શકે કે આજે ફરીથી એ ઘટના બનશે અને એનો શિકાર નાયક જ હશે" અર્જુન નો અવાજ અત્યારે કડકાઈભર્યો હતો.

"એ માટે તમે પહેલાં મારી આ હથકડી ખોલો અને એક પેન અને એક કાગળ આપો..હું બધું તમને સમજાવું છું.."હથકડી બાંધેલા હાથ અર્જુન ને બતાવતા બિરવા એ કહ્યું.

અર્જુને ઈશારો કરી બિરવા કહે છે એમ કરવા અશોક ને કહ્યું.

"હા તો મિસ બિરવા હવે તમે મને જણાવશો કે તમારા મન માં શું ચાલી રહ્યું છે?"અર્જુને ધીમા પણ કડક સુર માં કહ્યું.

"તમે મને કહ્યું હતું કે પહેલાં થયેલા હત્યાકાંડ એક પેટર્ન મુજબ થયા હતા.બે ઘટનાઓ વચ્ચેના અંતર ના દિવસો કરતા નવી ઘટના માં બે દિવસ ઓછા કરી હુમલો કરવાની પેટર્ન"બિરવા એ બોલવાની શરૂવાત કરી.

"પણ આ વખતે એવી કોઇ પેટર્ન નથી..કે જેનાપરથી હુમલો ક્યારે થશે એની જાણ થઈ શકે.."અર્જુને કહ્યું.

"સાહેબ..આ વખતે એક નહીં પણ ત્રણ ત્રણ પેટર્ન ને હત્યારો ફોલો કરી રહ્યો છે..જેના પરથી હુમલો ક્યારે થશે એની તો ખબર પડી જશે પણ સાથે સાથે ક્યાં થશે એની પણ ખબર પડી જાય એમ છે"અર્જુન ની સામે જોઇ બિરવા એ કીધું.

"પણ તારી આ વાત માનવી કઈ રીતે..મેં તો ઘણા પ્રયત્નો કરી જોયા..ઘણી તરકીબો અજમાવી પણ હું તો આ હુમલાઓ વિશે વધુ કંઈ સમજી શક્યો નહીં.. અને તું કહે એક નહીં પણ ત્રણ પેટર્ન છે.."

"હા એટલે જ હું ત્યાં ઉપસ્થિત હતી..જ્યાં અત્યારે નાયક સાહેબ ઉભા છે.."બિરવા એ કહ્યું.

"હા તો મહેરબાની કરીશ તારા મગજ માં ચાલી રહેલા વિચારો ને અમારી સમક્ષ રજુ કરવાની"અર્જુને અધીરાઈ થી કહ્યું.

"આ વખતે પણ ખુની એ તારીખો ની પેટર્ન ફોલો કરી જ છે "બિરવા એ કહેવાનું શરૂ કર્યું.

"હું તારી આ વાત સાથે સહમત નથી..કેમ કે પ્રથમ ઘટના બની એ દિવસ વેલેન્ટાઈન ડે એટલે કે ૧૪ ફેબ્રુઆરી હતો,બીજો હુમલો થયો ૨૭ ફેબ્રુઆરી એટલે કે પહેલા હુમલાના તેર દિવસ પછી.ત્રીજો હુમલો એના સોળ દિવસ પછી એટલે કે ૧૫ માર્ચ ના રોજ અને આજે ૨૯ તારીખ થઈ એટલે ત્રીજો હુમલો થવાને ૧૪ દિવસ થયા..આમાં ક્યાં તારીખો અને દિવસો વચ્ચે તાલમેલ દેખાય છે."અર્જુને તારીખ અને હત્યાઓ થવાના દિવસો વચ્ચે ના અંતર વિશે જણાવતા કહ્યું.

"એજ તમારી સૌથી મોટી ભૂલ છે..કે તમે અંગ્રેજી કેલેન્ડર પર ધ્યાન આપ્યું..આ વખત ની પેટર્ન માં દરેક હુમલો વિક્રમ સંવત એટલે કે હિન્દુ રિતિરિવાજ ના કેલેન્ડર મુજબ કરવામાં આવ્યો છે"બિરવા એ કહ્યું.

"તું એવુ કઈ રીતે કહી શકે?"અર્જુને સવાલ કર્યો.

"પ્રથમ હુમલો થયો શ્રીજી ફાર્મહાઉસ માં ત્યારે શું હતું ગુજરાતી મહિના મુજબ..?"બિરવા એ અર્જુન ને પૂછ્યું.

અર્જુને થોડું વિચાર્યું તો વેલેન્ટાઈન ડે ના દિવસે રાત્રે પીનલ ને પુનમ નો ચાંદ બતાવી એના વખાણ કર્યા હતા એ વાત યાદ આવતા કહ્યું"એ દિવસે તો પૂનમ હતી.."

"ગુડ..પછી બીજો હુમલો એના ૧૩ દિવસ પછી..અમાસ ના દિવસે થયો..ગુજરાતી મહિનાઓ માં ક્યારેક કોઈ તિથિ ૨ વાર આવે અથવા ક્યારેક એક દિવસ માં ૨ તિથિ પણ હોય..એ પખવાડિયા માં પણ ચોથ અને પાંચમ, અગિયારસ અને બારસ ની તિથિ એક જ દિવસે હતી..માટે પૂનમ અને અમાસ વચ્ચે નો સમયગાળો ૨ દિવસ ઓછો એટલે કે ૧૩ દિવસ નો જ હતો.."કાગળ પર લખીને બિરવા એ અર્જુન ને બતાવ્યું.

"હા એ દિવસે લગભગ અમાસ જ હતી.."બાજુમાં ઉભેલા અશોકે કહ્યું.

"પછી સતનામ બિલ્ડર ની સાઈટ પર થયેલા હુમલા ના સોળ દિવસ પછી પૂનમ ની રાતે ત્રીજો હુમલો થયો એ પખવાડિયા માં તેરસ બે વખત આવતી હતી..અને લાયબ્રેરીમાં થયેલા ત્રીજા હુમલા ના આજે ૧૪ દિવસ પછી..આ વખતે આઠમ નોમ એક જ દિવસે આવી હોવાથી આજે અમાસ છે.."કાગળ પર ક્રમબદ્ધ લખેલું અર્જુન ને બતાવતા બિરવા એ કહ્યું.

"ઓહ..માય...ગોડ...ખૂબ સરસ...તારી બુધ્ધિ શક્તિ ને સલામ કરવી ઘટે"અર્જુને હાથ ને કપાળ પર રાખી સલામ કરતો હોય એમ બિરવા ને બતાવતા કહ્યું.

"કાતીલ આ વખતે પુનમ-અમાસ ની પેટર્ન ને અનુસરી રહ્યો છે.."બિરવા એ કહ્યું.

"યુ આર સો જીનિયસ.."અર્જુને આટલું કહી બિરવા ને ગળે લગાવી દીધી.

બિરવા ની ખુશી અર્જુને એને ગળે લગાવી જીનિયસ કહી એટલે સાતમા આસમાને પહોંચી ગઈ હતી.અત્યારે એના ચહેરા ની રોનક એ વાત ની ચાડી ખાતી હતી કે એ અત્યારે કેટલી રોમાંચિત અને ખુશ હતી.એસીપી અર્જુન તરફથી પોતાના માટે થયેલા વખાણ એના માટે કોલેજ ની ડિગ્રી કરતા એ વધુ મહત્વ ના હતા.

"હા બિરવા તો તે કહ્યું એ વાત પરથી હુમલો આજે થશે એ તો નક્કી થયું પણ ક્યાં થશે એ તે નક્કી કઈ રીતે કર્યું"અર્જુને બિરવા ને પૂછ્યું.

"એના માટે કાતિલ એ જોરદાર પદ્ધતિ અપનાવી છે..પ્રથમ હુમલો થયો એ શ્રીજી ફાર્મહાઉસ ક્યાં આવેલું છે...?"બિરવા એ પૂછ્યું.

"ગુરુદ્વારા ની પાછળ"અશોકે બિરવા ની વાત નો જવાબ આપ્યો.

"બીજો હુમલો થયો એ સતનામ બિલ્ડર ની સાઈટ ક્યાં છે" બિરવા એ સવાલો ચાલુ રાખ્યા.

"સેન્ટ લુઈસ ચર્ચ ની પાસે પસાર થતા રોડ ની એક બાજુ"અર્જુને આ વખતે જવાબ આપ્યો.

"અને ત્રીજો હુમલો થયો એ મહાત્મા ગાંધી લાયબ્રેરી મહાદેવ મંદિર ની પાસે છે..!"બિરવા એ જણાવ્યું.

"એના પર થી શું સાબિત થાય છે?"અર્જુન ને કાંઈ સ્પષ્ટ ખબર ના પડતા પૂછ્યું.

"પ્રથમ હુમલો ગુરુદ્વારા એટલે કે શીખ ધર્મ ના પવિત્ર સ્થાન ની પાછળ એટલે કે ઉત્તર દિશા માં..બીજી ઘટના બની સેન્ટ લુઈસ ચર્ચ એટલે કે ખ્રિસ્તી ધર્મ ના પવિત્ર સ્થાન ની જમણી બાજુ માં..ત્રીજી ઘટના ને અંજામ અપાયો હિન્દૂ ધર્મ ના પવિત્ર સ્થાન મહાદેવ મંદિર ની ડાબી બાજુ માં..એનો અર્થ.."બિરવા એ બધી ઘટનાઓ ને એક પછી એક કડી માં જોડતા કહ્યું.

"એનો અર્થ હવે પછીનો હુમલો મુસ્લિમો ના પવિત્ર સ્થાન ની દક્ષિણ દિશા માં થશે.."અર્જુને બિરવા ની વાત નો સંપૂર્ણ નિચોડ કાઢી કહ્યું.

"હા એમજ.."બિરવા એ એની આંખો માં ચમક લાવી કહ્યું.

"તો સર એનો અર્થ હવે પછી નો હુમલો હજરત પીર ની મસ્જિદ ના આગળ ના ભાગ માં થશે?"અશોકે કહ્યું.

"એટલે જ હું કહું છું કે નાયક સાહેબ નો જીવ જોખમ માં છે.."બિરવા એ કહ્યું.

"Thanks બિરવા...તું ચિંતા ના કરીશ જ્યાં સુધી આ અર્જુન છે ત્યાં સુધી નાયક નો વાળ પણ વાંકો નહીં થવા દે..હું નીકળું છું,તું અહીં જ રોકાજે..આ બધા કોન્સ્ટેબલ જોડે.."આટલું કહી અર્જુન જીપ માં બેસી ને નીકળી પડ્યો મસ્જિદ જવાના રસ્તા પર..અશોક પણ અર્જુન ની સાથે જીપ માં બેસી ગયો.અત્યારે જીપ ને ટોપ ગિયર માં ભગાવી ને અર્જુન બિરવા ની નજરો થી ઓઝલ થઈ રહ્યો હતો.!!

"મેડમ તમે જીપ માં બેસો.. ચીંતા ના કરશો અર્જુન સાહેબ નાયક સાહેબ ને કંઈપણ થવા નહીં દે.."ત્યાં અત્યારે ઉપસ્થિત એક કોન્સ્ટેબલ એ બિરવા ને કહ્યું.

"હા મેડમ એસીપી સાહેબ છે જ એવા કે કોઈ પણ હોય એમની હિંમત અને બુદ્ધિ સામે ટકી ના શકે..છે પાછા સ્ટ્રીક પણ છે દિલ ના રાજા...બધા સ્ટાફ નું પૂરતું ધ્યાન રાખે..એમાં નાયક સાહેબ તો એમના ખાસ છે..એટલે કોઈપણ હોય એને નાયક સાહેબ ને હાથ લગાડ્યા પહેલા એસીપી અર્જુન નામ ની ચટ્ટાન નો સામનો કરવા તૈયાર રહેવો પડશે"બીજા એક કોન્સ્ટેબલે અર્જુન ના વખાણ કરતા કહ્યું.

"હા તમારા સાહેબ છે જ એવા..કોઈ પણ હોય એમની સામે હારી જાય..હું પણ મારું દિલ એમની આગળ હારી જ ચુકી છું" બિરવા મનોમન બોલી.

એમની વાત સાંભળી બિરવા જીપ માં બેસી ગઈ.અત્યારે બિરવા ના મગજ માં જાણે વિચારો નો ઘૂઘવતો સમુદ્ર હિલોળા લઈ રહ્યો હતો.અર્જુન સાથે પ્રથમ મુલાકાત થયા બાદ જ બિરવા તો એના વ્યક્તિત્વ થી અંજાઈ ગઈ હતી.

આમ પણ અર્જુન નો સ્વભાવ અને દેખાવ કોઈને પણ આકર્ષે એવો હતો..બિરવા ઉંમર ની એ દહેલીઝ ઉપર ઉભી હતી જ્યાં વિજાતીય આકર્ષણ થાય એમાં કંઈ નવાઈ ન્હોતી. અર્જુને અજાણતા જ એને ગળે લગાવી ત્યારે અર્જુન ના પૌરુષ દેહ નો સ્પર્શ પામી એનું સ્ત્રી હૃદય પ્રેમ ના ફાગ રમવા આતુર બન્યું હતું.

અર્જુન પરણિત છે એ વાત જાણતી હોવા છતાં કેમ પોતે અત્યારે અર્જુન માટે આકર્ષણ અનુભવી રહી હતી એતો બિરવા માટે સમજ બહાર ની વાત હતી.બસ આ એકતરફી પ્રેમ નો અનુભવ બિરવા ના દિલ ની જમીન ઉપર એક કૂણી લાગણી નો છોડ રોપી ચુક્યો હતો..એનો અંજામ શું આવવાનો એ તો નિયતિ ને જ ખબર.

To be continued....

અર્જુન નાયક ની જીંદગી બચાવી શકશે? બિરવા ના અર્જુન પ્રત્યે ના એકતરફી પ્રેમ નો શું અંજામ આવશે?લેટર પર ના લખાણ નો અર્થ અર્જુન સમજી શકશે?ભારતીબેન ના હાથ પર લખેલા શબ્દો અને આંકડાનો શું અર્થ નીકળતો? આ બધા સવાલો ના જવાબ માટે વાંચતા રહો..ડેવિલ એક શૈતાન.! નવો ભાગ આવતા સપ્તાહે..આ નોવેલ અંગે આપનો અભિપ્રાય મારા whatsup નમ્બર 8733097096 પર આપવા વિનંતી.

ઓથર:- જતીન. આર.પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED