અધિનાયક દ્રશ્ય 27 Political thriller vanraj bokhiriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધિનાયક દ્રશ્ય 27 Political thriller

દ્રશ્ય: - 27

- “પિન્ટુએ સરનામુ તો આ જ આપ્યું છે.” કાફેના પાર્કિંગ આગળ ઉભીને કાફેનું બોર્ડ વાંચવા સાગાએ મોપેડ અટકાવ્યું, બોર્ડ વાંચીને મોપેડથી ઉતરીને મોપેડને અન્ય વાહનો સાથે વચ્ચે પાર્ક કરીને કાફે તરફ ચાલવા લાગી. ત્યાં સામેથી નીચું જોઇને જતાં યુવક સાથે ભટકાઇ, “માફ કરજો, માફ કરજો!” સાગા હજુ તો બોલે ત્યાં એ યુવાને નજર ઊંચી કરીને હસવા લાગ્યો, “અરે! માધવ!” માધવનો ચહેરો જોતાં જ સાગરીકા ખુશ થઇને માધવને ભેટી પડી. માધવ સાનંદાશ્ચર્ય પામ્યો હોય તેમ મુર્તિની માફક ઊભો રહી ગયો. સાગાના વાળ મોઢે આવતા હતા, હાથ સાગાની પીઠ પર આવતા-આવતા અટકી ગયા. જોકે, સાગાને લાગ્યું કે તેણી વધારે પડતી ઉત્સાહમાં આવી ગઇ છે. માધવથી તરંત જ છુટ્ટી પડી, “માફ કરજો! વધારે પડતી ઉત્સાહમાં આવી ગઈ.”

“ કશો વાંધો નહીં. સાગારીકા! તમે મને શોધતા હતાને? જુઓ હું તમને વહેલો મળી ગયો!”

“વહેલા મળી ગયા એટલે?”

“જરાક વધારે મોડા પડ્યા હોત તો આ કાફે છોડીને જતો રહ્યો હોત.” માધવે મજાક કરી અને સાગા હસવા લાગી, “આમ પણ મને લાગે છે કે હું હવે સેલેબ્રિટી બની ગયો છું! બોલો કેમ?”

“કેમ?”

“કેમકે એક પત્રકાર હંમેશા સેલેબ્રિટીનું જ ઇન્ટરવ્યુ લે, એ જોતાં હું સેલેબ્રિટી જ ગણાઉને!”

“એવું નથી, હું ક્યારેય સેલેબ્રિટીનું રીપોર્ટીંગ કરતી નથી. બાકી તમને તો મળવું જ પડે, ખોટું જો બોલી છું,”

“કેમ? તમે મારા કારણે ખોટું બોલ્યા? આમ જોઇએ તો તમારે મારા કારણે ખોટું ન બોલવું જોઇએ..” માધવ વાતો કર્યે જતો હતો.

“બધી વાતો અંહીં કરી નાખવી છે? જુઓ તો ખરી, કેવો તડકો છે, ચાલો! અંદર!” સાગરીકાએ માધવને વચ્ચેથી બોલતા અટકાવીને ઉપર જોઇને બોલી ઉઠી.

“ઓહ્હ! માફ કરજો માફ કરજો! ચાલો! અંદર નહીં તો તમારી ગૌરો ચહેરો ઝાંખો પડી જશે.” માધવ બોલી ઉઠ્યો. સાગરીકા તેને જોઇ રહી, “કેમ મેં ખોટું કહ્યું..”

“વકીલ થઇને તમે ખોટું તો નથી બોલતા એ સારી વાત છે, પણ તમે મને આટલી નોટીસ કરશો એ મેં ક્યારેય વિચાર્યું નહોતું! મારો કહેવાનો અર્થ કે વકીલ આટલા સાદા અને ઠંડા મગજવાળા હોય તો એ સારી વાત છે. અસીલ પણ હળવો રહે!” સાગરીકાને ગમ્યું તો હતું, પણ સાવ ખુલ્લીને વાત ન કરી. માધવ એ સમજતો જ હતો. બન્ને કાફેમાં પ્રવેશ્યાં.

“એક મિનિટ, સાગરીકા!” માધવ અટક્યો, તેની સાથે સાગરીકા પણ અટકી, “તમે જે વાત કે કામે આવ્યા છો એ કેટલી ગભીર છે? મારો કહેવાનો અર્થ કે જાહેરમાં ચર્ચાય શકે તેમ છે? શું છે કે આજુબાજુ કોણ આપણી વાત સાંભળી રહ્યું છે એ કોણ જાણે? બાકી તો તમે જાણો જ છે.” માધવના શબ્દોમાં પરિપક્વતા દેખાય આવતી હતી, સાગરીકા એ અનુભવી શકી.

“વાત કોઇ અત્યારે તો ન જ જાણે એ જ સારુ છે. જો કોઇ એવી જગ્યાએ વાત થાય જ્યાં આપણને કોઇ ખલેલ ન આવે તો સારૂં!”

“ઓકે! તો ચાલ અહીંથી! હું તને મારા ઘરે લઇ જાવ!” માધવે વિચારીને જવાબ આપ્યો,

“ધેટ્સ ગ્રેટ!” સાગા બોલી ઉઠી, “તો-તો આજે મને વકીલસાહેબના પરીવાર સાથે વાતો કરવા મળશે.”

“હાં! એવું જ સમજી લે!” માધવ ધીમેથી હસ્યો, “તું જ્યુપીટર લઇને આગળ ચાલ, હું તારી પાછળ આવું છું.” માધવે નિર્દેશ કર્યો.

“અરે! માધવ! આ ટનાટન જ્યુપીટર છે જ ને, તું શું કામ મારી પાછળ સાયકલમાં આવીશ? ચાલ મારી પાછળ બેસી જા.” સાગા ઉત્સાહમાં આવી ગઇ હતી, “અને જો તને મારી પાછળ બેસવું ન ફાવે તો આ લે! ચાવી!” ચાવી માધવના હાથમા આપતાં.. “હંકાર તું!”

“અરે! ના! ના! એવો મને ઇગો નથી. મારે તો ભાગ્યની વાત છે કે તું મને મારા ઘરે લઇ જઇશ, મને દિશાં આપીશ.” માધવે જવાબ વાળ્યો, સાગરીકા જોઇ રહી હતી કે માધવના વિચારોમાં જરાય ખરાબી નથી. તેણી હસી, પાર્કિંગમાથી જ્યુપીટર કાઢ્યું, પોતે આગળ બેઠી, માધવ પાછલી સીટમાં! અલબત! સાગરીકાને ખભે હાથ ન મુકતાં સાઈડના હેન્ડલ્સ પર આધાર રાખ્યો. જ્યુપીટર ચાલુ થયું અને ચાલતું થયું. ગાંધિનગર તરફ ગયાં, અડાલજ ગામથી આગળ ગાંધિનગરના પ્રવેશદ્વાર જેવા તારાપુરગામની હદમાં આવતા જ એક વિશાળકાય મહેલ દેખાવા લાગ્યો. સાગરીકા તો જોઇ જ રહી, જ્યુપીટર પણ ધીમું પડી ગયું, મુખ્ય દરવાજા સુધી આવતાં તો રીતસર અટકી જ ગયું, ચોકીદાર આંગતુકને જોઇ પાસે આવ્યોં, માધવ ઉતરી ગયો.

“કેમ છો કે અનિલભઇ? કોઇ છે કે નઇ?” માધવે એક ચોકીદાર પાસે જઇને ખબર-અંતર પૂછ્યા. ભેટ્યો, ચોકીદારે પણ હસીને સંતોષકારક જવાબ આપ્યો. સાગરીકા દરવાજા પાસે જ્યુપીટર પાર્ક કરવા જઇ રહી હતી, “સાગા! અંદર પાર્ક કરી લેજે.” માધવ પાછો સાગા પાસે આવીને બેઠો, જ્યુપીટર હવે મુખ્ય દરવાજાની અંદર પ્રવેશ્યું, ચાર માળનો મોટો મહેલ અને તેની આજુબાજુ નયનરમ્ય બગીચો, બગીચામાં માણસો કામ કરતાં દેખાયાં, મુખ્ય દરવાજા પાસે જ પાર્કીંગ પ્લેસમાં જ્યુપીટર પાર્ક થયું, મુખ્ય દરવાજાથી મહેલ સુધીનો રસ્તો પેવર બ્લોકથી મંઢાયેલો હતો, માધવ-સાગરીકા ચાલવા લાગ્યાં. સાગરીકા તો સીધ્ધે-સીધ્ધી મહેલ પહેલા આવતાં ફુવારા તરફ આગળ વધવા લાગી. ફુવારાથી આગળ વિશાળ મહેલના પગથીયાઓ શરૂ થઇ જતાં હતા, ફુવારાથી આગળ પેવર બ્લોક પર લાલ જાજમ પાથરવામાં આવી હતી.

“આટલા વિશાળ મહેલમાં રહેનારો માધવ આટલો જમીન સાથે જોડાયેલો અને આટલો મળતાવડો કઇ રીતે હોઇ શકે? આટલાં મોટા ઘરનો ફરંજદ ધારત તો કોઇ મોટો અને સરળ કેસ લડીને નામના કમાવી શકે તેમ હોવા છતાં તેણે તસ્લિમાખાલાનો કોમી રમખાણ જેવા ચર્ચાસ્પદ અને મુશ્કેલ કેસ હાથમાં લીધો. ખરેખર માધવ કંઇક જુદી જ માટીનો બનેલો છે.” સાગરીકા વિચારોમાં ખોવાઇ ગઇ. અચાનક તેનો હાથ દબાયો. સાગાનો વિચારલય તુટ્યો.

“સાગા, એ બાજુ નહીં, આ બાજુ!” સાગા લાલ જાજમ પર પગ મુકવાની જ હતી કે માધવે મહેલની ડાબી બાજુ જવાનો ઇશારો કર્યો, સાગા તો માધવ દોરી જાય તેમ તેની પાછળ જતી રહી. મહેલની પાછળ એક નાનકડો દરવાજો દેખાયો, માધવે ચાવી લઇને દરવાજો ખોલ્યો. સાગા- માધવ સાથે બહારનો આવેલ સુર્યપ્રકાશે અંદર અંજવાળું કર્યું, ત્યારે સાગા લગભગ ખાલી ઓરડોને જોઇ રહી. એક પલંગ-ટેબલ-કબાટ-ખુરશી, 4-5 વાસણો સિવાય વધારે કાંઇ નહોતું, “સાગા! તને શું લાગ્યું? આ મહેલ મારો છે? તેતો ઘણુ વિચારી લીધું, જેમકે આટલા મોટા ઘરથી આવતો હોવા છતાં હું તસ્લિમાખાલાનો કેસ કેમ તૈયાર થઇ ગયો? હું તો કોઇ સામાન્ય કેસ લડીને નામના કમાવી શકત એમને?”

“બસ-બસ, યાર! તારો ઇરાદો મને શું આશ્ચર્યો પર આશ્ચર્યો આપવાનો છે?”સાગા પહેલેથી જ આશ્ચર્યચંકિત હતી. માધવે બે ખુરશી ખુલ્લી કરીને સામ-સામે ગોઠવી દિધી. સાગા તેમાની એક ખુરશી પર ગોઠવાઇ ગઇ. ત્યાં એક માણસ આવ્યો.

“માધવ! મહેમાન આવ્યા છે, તો તારા માટે લાવું કાઇં?” સજ્જન માણસે માધવને પૂછ્યુ, માધવે સાગરીકા સામે જોયુ.

“ચા-કોફી તો હું પીતી નથી, હાં! નાસ્તો ગમે તે ચાલશે.” સાગરીકાએ ફરમાન કર્યું, માધવ હસ્યો, માધવે એ સજ્જન સામે જોયું, એ સમજી ગયો અને હસતો-હસતો ચાલ્યો ગયો.

“બાપુના અમરીશભાઇ! રસોડું સંભાળે છે. બાપુના ઘરે કોઇપણ આવે એટલે પુછવા આવી જાય. એ નાસ્તો લઇ આવે એટલે પછી આપણે વાતો કરશું. બરાબરને?” માધવે પૂછ્યું, સાગાએ માત્ર સ્મિત કર્યું, “મારા ખ્યાલથી તને ખ્યાલ તો આવી ગયો હશે કે આ બંગલો કોનો છે?” જોકે, સાગાએ નકારમાં માથું હલાવ્યું, “આ બંગલો અખિલ ગુજરત સેવા પક્ષના પ્રમુખ હરીસિંહ ઠાકોરનો છે. તે અંહીં જ રહે છે. તેમનો દિકરો પરાક્રમસિંહ ઠાકોરે મને આ ઓરડો ભાડે આપ્યો છે.”

“ઓહ્હો! ખુબ સારી વાત કહેવાય.” સાગરીકા બોલી, “અને તારો પરીવાર? એ ક્યા છે?” સાગરીકાએ પૂછ્યું, ત્યાં અમરીશભાઇ નોકરો સાથે નાસ્તો લઇ આવ્યા, સાગા-માધવ ચુપ રહ્યાં, માધવે અમરીશભાઇનો આભાર માન્યો, સાગા તો નાસ્તો કરવા લાગી.

“હવે બોલ સાગારીકા! ક્યાં કામે આવી છો મારો કહેવાનો અર્થ કે મને તું ક્યા કારણે મળવા આવી હતી?” માધવે પૂછ્યુ, સાગાએ અધિવેશની વાત કરી, માધવ વિચારવા લાગ્યો.

“મારાથી તારું નામ લેવાઇ ગયું અને હવે જો તું ન મળ તો તેનું દિલ દૂભાઇ જશે, સાથે-સાથે હું ખોટી પડીશ એ અલગ! મારો કહેવું જોઈએ કે મારે તારી સાથે વાત કરી લેવી જોઇતી હતી. પણ..” સાગારીકા કારણો આપવા લાગી.

“કોઈ વાંધો નહીં! સાગારીકા, બોલવામાં ભુલ થઇ જાય, પણ મારી ચિંતા બીજી છે. તું તો જાણે છે કે હું તસ્લિમાખાલાનો કેસ લડી રહ્યો છું. તું આવી ન હોત તો હું અત્યારે ઉચ્ચ ન્યાયાલયમાં જ ગયો હોત. મારે અગાઉના ચોવીસ કેસનો અભ્યાસ કરવાનો છે અને ડાકોર હત્યાકાંડનો કેસ લડવાનો છે. તો એકસાથે બન્ને કેસ લડવા મારા માટે થોડુંક મુશ્કેલ છે. હા, હું જાણું છું કે યુવરાજભાઇ નિર્દોષ છે, પણ..” માધવ થોડો વિચારમાં પડ્યો, સાગરીકા જોઇ રહી. પછી વિચારીને માધવના હાથ પર હાથ મુક્યો. માધવ એ સમજી ન શક્યો.

“માધવ! આપણી આટલી મુલાકાત પછી તો મને લાગે છે કે તું અન્યથી જુદો છે. મતલબ તું બધું જ કરી શકે અને જે કરે તેમાં પુરૂ મન લગાવી દે. તારી પ્રામાણિકતા જ તારું સૌથી મોટું જમા પાસું છે. તારી હિંમત કોઇને પણ આકર્ષી જાય, મને તો લાગે છે કે તું આ બન્ને કેસ જીતી જઇશ અને તારા માટે જો મારે પણ કાંઇ કરવું પડે તો હું પણ તારી મદદ કરીશ, તારી મદદ કરવી મારા ભાગ્યની વાત હશે.” સાગરીકાએ સાથ આપવાની પુરી તૈયારી બતાવી, માધવ તેણીને જોઇ રહ્યો.

“તું સાથ આપીશ એથી મોટી વાત બીજી કઇ હોય?” ઊભો થઇને માધવ બોલ્યો, “હું અધિવેશને મળીશ, આજે સાંજે તું જ્યાં કહે ત્યાં.”

“હોસ્પીટલે આવજે. તારે અવનિને પણ મળાય જશે અને અધિવેશ સાથે પણ વાત થઇ જશે. નિત્યાને પણ મળાય જશે.” સાગરીકાએ જવાબ વાળ્યો, જોકે નિત્યાનું નામ મોઢે આવતા ચુપ થઇ ગઇ.

“સાગા! હજૂ કોઇ વાત છે? જે તારે મને કહેવી જોઈએ છે.”

“યાર, તને કહીશ તો તને લાગશે કે હું સમસ્યાઓનો પટારો લઇને આવી છું.” સાગરીકા સંકોચ રાખી રહી હતી. માધવ તેણીની પાસે આવ્યો, ઘુંટણે બેસીને સાગાના હાથ પર હાથ મુંક્યા. જે રીતે તેણીએ તેના હાથ પર હાથ રાખ્યા હતાં, સાગા સમજી તો ગઇ.

“જો તું મારી મદદ કરવા તૈયાર થતી હોય તો મારી ફરજ આવી જાય કે હું તારી મદદ કરું, મિત્ર માન્યો છે તો મિત્ર પાસે કોઇ વાત સંતાડવી જોઇએ નહીં!” માધવે સમજાવી, સાગા હસી.

“ઊભો થા! કોઇ આવશે તો કહેશે કે તું પ્રપોઝ કરી રહ્યો છે.” સાગા જોરથી હસી પડી, માધવના ચહેરા પર સ્મિત લહેરાવા લાગ્યું. જોકે પછી ઊભો થયો. સાગા પાછી ગંભીર થઇ ગઇ. માધવ પોતાની ખુરશી પર બેસી ગયો. સાગારીકાએ સવારે પિન્ટુ સાથે વાત કરી તે કહી.

“આ સ્વામી સત્યાનંદને કોમી રમખાણો સાથે કોઇ સંબંધ છે?” સંઘળુ સાંભળ્યા પછી માધવે પૂછ્યુ.

“માધવ! હું તને નિત્યાની વાત કરી રહી છું ને તું કોમી રમખાણોની વાત ક્યાં ઘુસાડી રહ્યો છે? નિત્યા પર હુમલા અને કોમી રમખાણોને શું સંબંધ?” સાગરીકા નારાજ થઇ.

“સંબંધ છે. સાગરીકા! પિન્ટુએ શું કહ્યુ? વિજય ગાયમોરે એ ફેક્ટરીનો માલિક હોવો જોઇએ અને સ્વામી સત્યાનંદને તો મુખ્યમંત્રી સાહેબ સાથે કેવા સંબંધ છે એ દુનિયા આખી જાણે છે. જો નિત્યા પરના હુમલામાં આ સાધુડાનો સાથ હોય તો કોમી રમખાણોમાં એનો હાથ ન હોય તો જ આશ્ચર્ય! બસ, મારુ આટલું જ કહેવું છે.” માધવની વાતે સાગરીકાને વિચારતી મુકી દિધી.

“માધવ! પહેલા દિવસથી મને આ સાધુડો શંકાસ્પદ લાગી રહ્યો છે, તે આજે મારી આ શંકા પર પેટ્રોલ નાખવાનું કામ કર્યું છે. હવે મારે એ દિશામાં તપાસ કરવી રહી.” સાગરીકા દરેક જવાબ ખુબ વિચારીને આપી રહી હતી.

“પત્રકાર રહીને! એટલે કોઇ પર જલ્દીથી વિશ્વાસ ન જ આવે, આ તારો ખુબ સારો ગુણ છે, ચાલ! સાગારીકા! હવે આપણે જઇએ. મારે ન્યાયાલયમાં ખુબ કામ છે.” માધવ ઊભો થયો, સાથે સાગરીકા પણ ઊભી થઇ, બન્ને ઓરડોની બહાર આવ્યાં. માધવે તાળુ માર્યું. સાગરીકા આગળ ચાલતી-ચાલતી મહેલની જોઇ જતી હતી. બન્ને ચાલ્યાં, જ્યુપીટર પાસે આવ્યાં. સાગારીકાએ માધવને આગળ બેસવાની પહેલ કરી, માધવ હસ્યો, માધવે જ જ્યુપીટર બહાર કાઢ્યું, ચાલુ કર્યું, સાગારીકાએ પાછળ બેસીને માધવના ખભે હાથ મુક્યો, માધવ એ જોઇ રહ્યો, સાગરીકા જોકે, કાંઇ ન બોલી, જ્યુપીટર ચાલતું કર્યુ, જોકે, પહેલાં કરતાં વધારે ઝડપી ચલાવીને ન્યાયાલય પહોંચવાનો માધવનો ઇરાદો હતો. ન્યાયાલય ધાર્યા કરતાં વહેલા પહોંચી ગયાં, માધવ ઉતર્યો. સાગાને મોપેડ સોપ્યું, બન્ને એકબીજાને બાય-બાય કરતાં દુર નિકળી ગયાં. જોકે, માધવના ગયાં પછી પણ સાગરીકાના ચહેરે સ્મિત અણનમ રહ્યું, જેનાં કારણથી પોતે પણ અજાણ હતી.

***

- “પ્રથ્વી! મગનને ખુલ્લો છોડ. તેને જ્યાં જવું હોય ત્યાં જવા દે. હેવ મને લાગે છે. મારે હેવ મારો પરચો દેખાડવો પડશે. આ નરૂભાની કિંમત કરાવવી પડશે. મને મગનની જાણકારી મળતી રેવી જોઇએ. ઇ કાં જાય સે, સું કરે સે ઇની મને ખબર રેવી જોઇએ, ચાલ! મુક.” પોતાના ધારાસભ્યબંગલાના બગીચામાં નશો કરતા-કરતા નરૂભા મોબાઇલ પર તળપદી ભાષામાં પ્રથ્વીને હુકમ દઇ રહ્યા હતા. તેમની આંખોમાં ખુન્નસ અને નશો બન્ને ચડી રહ્યા હતાં, “પરશોતમ રાવળ! તે મને હંમેશા પગની જૂતી જ સમજ્યો સેને, હેવ જો, આ પગની જુતી કેવી રીતે તારા માટે ખાહડાનો હાર બને સે, તારા કરતાં પણ સાલો (ગાળ) ગોરો ઇંગ્રેજ કેવીનીયાને સબક શીખવવાની જરૂર સે, આજ તારા કારણે મારો દિકરો જનમ-મરણ વચ્ચે ઝોલા ખાય રહ્યો સે, પણ, હેવ મારે દીકરાનો વિચાર કરવો નથી, હેવ મારે બદલો લેવો સે, સત્તર-સત્તર વરસથી ચુપ રહ્યો, ઇ માટે કે સત્તા હાથમાં આવી જાય તો આ બધાને તેની ઓકાત બતાવી દઉ, પણ હેવ લાગે સે કે સતા મેળવવા માટે હેવ બધાને ઓકાત બતાવવી પડશે, તો જ વર્ષો જુનું સપનું પુરૂં થશે.” નરૂભાના મનમાં બદલાની ભાવના જન્મી રહી હતી.

“હાં! હાં! મને ખબર સે કે તું અમદાવાદની ગલીએ ગલીયુ જાણે સે, પણ મને આ કુતરો જોઇએ સે, ઇ ક્યાં રહે સે ને કાં જાય સે એની મને જાણ કર, આજે તેની ખેર નથી,” વધું એક કોલ કરીને વધુ એકને કામે લગાડ્યો. “તારા કારણે આજે મારો દિકરો મરવાને વાંકે જીવે સે, વકીલ, હેવ તો તુ જીવનો ગયો સમજ!” નરૂભા હવે લડી લેવાની તૈયારી કરી રહ્યા હતા.

“બસ! એક માણસની નબળાઇ મને મળતી નથ, જો ઇ પકડાઇ જાય તો ગુજરાતનો રાજા બનતા મને કોઇ રોકી નઇ શકે! અંનતરાય મહેતા! તારી નબળાઇ તો હેવ ગોતવી રહી.” એક પછી એક દુશ્મનોને ખતમ કરવા વિચારી રહ્યાં હતાં નરૂભા!

***

- સાંજ થઇ. અધિવેશ હોસ્પીટલ આવ્યો, નિત્યાને જોવા માટે જઇ રહ્યો હતો, પહેલાં માળે આવ્યો, ત્યાં તેને યાદ આવ્યું કે અવનિને ભાન આવી ગઇ છે તો ચાલને મળતો જઉ. અવનિના ઓરડો પાસે તૈનાત બે જમાદારોને પોતાને અવનિનો મિત્ર અને પોતે અધિવેશ રાવળ છે એ ઓળખ આપી. જમાદારોએ જવા દિધો.

“મે આઈ કમ ઇન?” દરવાજો ખોલતા જ અવનિ પુસ્તક વાંચતી દેખાતા તેણીનું ધ્યાન દોરવા અધિવેશે રજા માંગી, અવનિએ પુસ્તકમાંથી નજર હટાવીને જોયું તો તેણી અધિવેશને ઓળખી ન શકી હોય તેમ જોઇ રહી, “હું અધિવેશ રાવળ! યાદ છે? આપણે એક વૃદ્ધને સિવિલ હોસ્પીટલ ગાંધિનગર લઇ ગયાં હતાં, પછી તમે મને..”

“હાં-હાં! યાદ આવ્યું.” અવનિ બેઠી થઇને અધિવેશની વાત કાપી નાખતાં બોલી, “આવો! આવો! બેસો!” અધિવેશ આવ્યો, અવનિના બેડ પાસેના સ્ટુલ પર બેઠો, “માફ કરજો! આ તમારી દાઢી-મુછો અને વાળને કારણે ઓળખી ન શકી. લાગે છે હજુ તમને કોઇ વકીલ મળ્યોં નથી લાગતો!”

“મારા સૌ નજીકના લોકો મને આ જ સવાલ કરે છે, ક્યારેક તો લાગે છે કે મારો પરીવાર પણ એક દિવસ મને આ જ સવાલ કરવાના છે.” અધિવેશે હસવાનો પ્રયત્ન કર્યો, પણ અવનિ તેના પર દયામણી નજરે જોઇ રહી.

“તે દિવસે પણ મેં તમને કહ્યું હતું કે તમે ચિંતા ન કરો, મમ્મીને પણ તમે ચિંતા વધારતા હશો. નહીં?” અવનિ ઠપકાના સ્વરે બોલી.

“અરે! ના! ના! એવું નથી, તમારી વાત તો માની જ છે, સાથે-સાથે વકીલને શોધવાની તૈયારી પુરજોરમાં મહેનત કરી. મમ્મીને સંભાળી છે, આજે સાગરીકાએ એક વકીલનું નામ આપ્યું છે. એને જ મળવા આવ્યો છું, બસ! એકવાર એ હાં પાડી દે!”

“કોણ છે એ? કદાંચ હું ઓળખતી હોઇશ.”

“સાગરીકા કોઇ માધવ નામના વકીલને મળવવાનું કહેતી હતી.” અધિવેશે જવાબ આપ્યો, જોકે માધવનું નામ આવતાં અવનિના ચહેરે ચમક આવી ગઇ.

“તો-તો યુવરાજભાઇ નિર્દોષ છુટી જ ગયાં સમજો!”

“તું ઓળખે છે માધવને?”

“હાસ્તો! એ મારો ભાઇ! ધર્મનો ભાઇ છે. એણે જ મને વિક્કી-રૂક્મીન-નકૂળથી બચાવી છે. મને જ નહીં, પણ નિત્યા પણ માધવને જ કારણે બચી છે. મને પુરો વિશ્વાસ છે કે એ તારો કેસ લડશે અને જીતશે પણ ખરી” અવનિ આત્મવિશ્વાસ સાથે બોલી, તેના કારણે અધિવેશના ચહેરે ચમક આવી ગઇ.

“અવનિ! તે મને ઉત્સાહિત કરી દિધો, હવે તો માધવને મળવાની ઇચ્છા વધી ગઇ છે.” અધિવેશ ઉત્સાહિત થઇને બોલ્યો.

“તો તારી ઇચ્છા પુરી થઇ. અધિવેશ!” પાછળથી અવાજ આવ્યો. અધિવેશ ફર્યો, દરવાજા પાસે સાગરીકા સાથે માધવ ઊભો હતો. અધિવેશ ઊભો થઇને બન્ને પાસે ઝડપથી ગયો, “અધિવેશ! આ માધવ. માધવ! આ અધિવેશ.” સાગરીકાએ બન્નેને એકબીજાની ઓળખાણ કરાવી. અધિવેશ માધવને અને માધવ અધિવેશને જોઇ રહ્યો.

“હાઈ માધવ!” અધિવેશે હાથ લંબાવ્યો, માધવ એ હાથને જોઇ રહ્યો. સાગારીકા-અવનિ માધવના વર્તાવને જોઇ રહી.

“અધિવેશ! મિત્રતામાં હાથ નહીં, ગળે મળવાનું હોય.” માધવે હાથ ફેલાવીને બોલ્યો. અધિવેશ તો તરંત જ ભેટી પડ્યો, માધવે અધિવેશની પીઠ પર મજબુત પકડ જમાવી, થોડીવાર બાદ બન્ને છુટ્ટા પડ્યાં. “અધિવેશ! હું તો પહેલાં પણ મળવા ઇચ્છતો હતો, મારે તારૂ જ કામ હતું.”

“હું કાઇં સમજ્યો નહીં,” અધિવેશ સાગરીકાને જોઇને બોલ્યો, સાગરીકા પણ માધવની વાત ન સમજી શકી હોય તેમ જોઇ રહી.

“બધી વાત અહિં જ કરવી છે?” માધવ અવનિને જોઇને બોલ્યો.

“કેમ મારી હાજરીમાં વાત નહીં થાય કે? મારી પાસે આવ્યા છો ને મારે જ અહીંથી જવું પડશે?” અવનિ બોલી ઉઠી. માધવને જોઈને તેણીમાં ઉત્સાહ આવી ગયો હતો જે તેણીના મજાકિયા સ્વરમાં સમજાઈ જતું હતું. માધવ તેની પાસે આવ્યો, અવનિ ઉભી થવા ગઇ.

“અરે તું આરામ કરને!” માધવ નજીક આવીને અવનિને છાતીએ લગાડી, થોડીવાર માહોલ લાગણીશીલ થઈ ગયો, “અમે બહાર ચાલ્યા જશું. બાકી બોલ કેમ છે તને?”

“મને તો સારુ જ છે પણ આ હોસ્પીટલ વાળાઓએ નાહકની સંઘરી રાખી છે.” અવનિ બોલી.

“બહાર તું એક દિવસ પણ આરામ કરે તેમ ક્યાં છો જ? પછી તો તને સંઘરી રાખવી પડેને!” માધવ અવનિથી છુટ્ટો થઈને બોલ્યો. “ચાલ! તું આરામ કર! અમે..”

“અરે! હું આરામ જ કરી રહી છું, તમારે જે વાત કરવી હોય તે કરો. મને કોઇ વાંધો નથી, આમ પણ એકલી બોર થઇ રહી છું!” અવનિએ સહમતિ આપી, માધવ હસ્યો. સાગરીકા બન્ને માટે વધારાનો સ્ટુલ લઇ આવી, માધવ-અધિવેશ પાસ-પાસે બેઠા અને સાગરીકા બન્નેની સામે પણ અવનિની ડાબી બાજુએ બેઠી. એકબીજાના હાલચાલ પુછ્યા.

“ઓકે! અધિવેશ! વાત શું છે એ તો મને ખ્યાલ છે, પણ છતાં હું તારા મોઢે સાંભળવા ઇચ્છું છું. શરૂઆતથી જ વાત કર!” માધવે અધિવેશને પુરી ઘટના જણાવવાનું કહ્યું. અધિવેશે અલ્પેશ દિવેટીયા યુવરાજને મળવા આવ્યો ત્યારથી લઇને નવિનભાઇના હત્યા ની રાતે શું-શું બન્યું? ત્યાં સુધીની સંઘળી વાત કહી. સાગરીકા-અવનિ પણ શાંતિથી સાંભળી રહી.

“ઓકે! તો મારા મગજમાં બધું સ્પષ્ટ થઇ ગયું છે.” માધવ ઘણું વિચારીને બોલ્યો, “મને આ રાધિકા શંકાસ્પદ લાગી રહી, તમે એ ઘટના પછી આ રાધિકા ક્યા છે એ તપાસ કરાવી?”

“તે દિવસે રાધિકા નવિનકાકાને મળી હતી તેવા કોઇ સાબિતી નથી, નવિનકાકા તો રાધિકા જેવી કોઇ વ્યક્તિ છે જ નહીં એ મૃત્યુ સુધી દાવો કરતાં હતા, પણ યુવરાજને રાધિકાએ એ ઘટનાની અને પોતાની ઓળખની સાબિતી મોટાભાઇને આપી હતી, એવું મોટાભાઇ કહેતા હતા.” અધિવેશે જવાબ વાળ્યો.

“તો-તો રાધીકાની સાબિતી મોટાભાઇ પાસે હોવી જોઇએને, તને ખબર છે એ સાબિતીઓ યુવરાજભાઇએ ક્યાં રાખી હશે?”

“જ્યારથી આ ઘટના બની છે, ત્યારથી આ દિશામાં અમારુ ધ્યાન ગયું જ નથી, યુવરાજભાઈ તો કશું બોલવા તૈયાર જ નથી, પણ યુવિકાને ખ્યાલ હોવો જોઇએ કે એ સાબિતી ક્યાં હતી અથવા હાલ ક્યા હોવી જોઇએ!”

“આ યુવિકા કોણ?”

“ડો. યુવિકા શાહ એ આમ તો પિડીઆટ્રીશીઅન એટલે કે બાળરોગ નિષ્ણાંત છે. પણ તેમના પપ્પા રમણ શાહ અમારા પારીવારિક ડોક્ટર છે. અમે જ્યારે દ્વારકા નરૂભાના ધારાસભ્ય બન્યાના અભિવાદન કાર્યક્રમમાં ગયા હતા, ત્યારે દાદાજી બીમાર થઇ ગયા હતા, ત્યારે રમણકાકા શહેરની બહાર હતા ત્યારે ડો. યુવિકાએ દાદાજીની સારવાર આપી હતી ત્યારથી એ પરીવારની સભ્ય જેવી થઇ ગઇ છે. મોટાભાઇની મિત્ર પણ છે એટલે મોટાભાઇ મને વાત કરે અથવા તો યુવિકાને! એટલે આ બાબતમાં પણ યુવિકાને મારા કરતાં વધારે ખબર હોઈ શકે.”

“અધિ! એવી કોઇ ઘટના કે જે તને શંકાસ્પદ લાગી હોય?”

“અમારા માટે તો હંમેશાં અભિનવનું વર્તન શંકાસ્પદ રહ્યું છે, મોટાભાઇ જ્યારે નવિનકાકાની હત્યામાં પકડાયા ત્યારે અભિનવ ત્યાં જ હતો. તેણે જ પુલીસ સ્ટેશન જઇને નાની-મોટી કાર્યવાહી કરાવી હતી, મોટાભાઇના હટવાથી સૌથી વધારે તો અભિનવને જ ફાયદો થવાનો છે. જોકે એ અલગ વાત છે કે હજુસુધી પક્ષની મિટીંગ બોલાવી શક્યા નથી.” અધિવેશને અભિનવ પર જ શંકા રહેવાની!

“અધિવેશ રાવળ! મેં તો અહીં આવ્યાં પહેલા જ નક્કી કરી રાખ્યું છે કે હું તમારો કેસ લડીશ.” માધવ હજુ વાત પુરી કરે તે પહેલાં જ સાગરીકા-અધિવેશ ઊભા થઇ એકબીજાને અભિનંદન આપવા લાગ્યા, ભેટવા લાગ્યાં, “અધિવેશ-સાગારીકા! હજુ મારી વાત પુરી નથી થઇ મારી વાત પુરી થયા બાદ તમારે જેટલી ઉજવણી કરવી હોય એટલી કરજો, પણ પહેલા મારી વાત પુરી કરવા દો.” માધવે બન્નેને રોક્યા. બન્ને પોતાના સ્થાને બેસી ગયાં, “જો, અધિવેશ! મારે તારી પાસેથી એક પૈસો પણ જોઇતો નથી અને મને વિશ્વાસ છે કે યુવરાજભાઇ નિર્દોષ છુટી જશે. પણ તારે મને પુરી મદદ કરવી પડશે, હું કહુ તે કરવું પડશે.” માધવે શરત મુકી.

“અરે! માધવ! એમાં શરત શું કામ? મોટાભાઇ માટે તો હું ગમે તે કરી શકું.” અધિવેશે નિશ્ચિત થતો બોલ્યો, પણ સાગારીકા-અવનિએ જોયુ કે માધવ ગંભીર હતો.

“માધવ! જે મનમાં હોય તે કહી નાખ, મને લાગે છે કે તું અચકાઇ રહ્યો છે. અધિવેશને આજે નહીં તો કાલે સત્યની જાણ કરવી જ રહી.” સાગરીકા જાણે આશ્ચર્ય ઊભુ કરતી હોય તે રીતે બોલી. અધિવેશ માધવને જોઇ રહ્યો, માધવે જોકે તેના ભાવ બદલ્યા ન હતા. માધવ ઊભો થયો, અધિ અને અવનિની વચ્ચે આવ્યો.

“અધિ! તને ખ્યાલ તો હશે કે હું તસ્લિમા જાફરીના કોમી રમખાણોને લગતાં સત્તાવીસ કેસોમાથી પચ્ચીસમો કેસ ડાકોર હત્યાંકાંડને લગતો કેસ લડી રહ્યો છું?” માધવે પૂછ્યું. અધિવેશને ખબર ન હોય તેમ જોઇ રહ્યો, “અવનિ આ પ્રશ્ન તો હું તને પણ પુછી રહ્યો છું, તમે બન્ને કોમી રમખાણો અંગે કેટલું જાણો છો?” આ વખતે અવનિ પણ અજાણ હોય તેમ જોઇ રહી, “તમે જેટલુ જાણતા હો એટલુ મને કહી શકો છો.”

“પણ આ વાતોનો મોટાભાઇ સાથેના કેસ સાથે શો સંબંધ? માધવ!”

“એ સવાલ પૂછીને જ તે મને જણાવી દિધું કે તું કોમી રમખાણો અંગે કાંઇ જ જાણતો નથી. અધિવેશ! ખરેખર તો જ્યાં સુધી કોમી રમખાણોનો નિવેડો નહીં આવે ત્યાં સુધી યુવરાજભાઇને એ લોકો કોઇને કોઇ વાતે ફંસાવતા જ રહેશે. આજે નવિન પટેલ હત્યા કેસમાં ફંસાવ્યા છે તો કાલે કોઇ બીજાના! તેની શું ખાતરી કે યુવરાજભાઇ જો નિર્દોષ છુટી ગયા તો લોકો તેમના પર કાદવ નહીં ઉછાળે? યુવરાજભાઇ સાથે એ જ થઇ રહ્યું છે જે આજથી વીસ વર્ષ પહેલાં 1994-95માં તારા પપ્પા દેવરાજ રાવળ સાથે થઇ રહ્યુ હતુ, એ જ કાવતરાં અને એ જ દગાઓ! દેવરાજ રાવળના શાસનમાં સૌથી વધારે કોમી એક્તા અને કોમી શાંતિ હતી અને એમના જ બીજી ટર્મમાં ઇતિહાસમાં ક્યારેય ન થયો હોય તેવો નરસંહાર આચરાયો, શા માટે? દેવરાજ રાવળને સત્તાથી હટાવવા માટે અને એ લોકો સફળ થયાં, એટલું જ નહીં દેવરાજકાકા તો અકસ્માતે અવસાન પામ્યા બાકી મને એ કહેવામાં જરાય અફસોસ નથી કે જો દેવરાજકાકા વધું જીવ્ય હોત તો તેઓએ..” માધવ બોલતાં-બોલતાં અટકી ગયો. અધિવેશ જોઇ રહ્યો.

“થોડા દિવસ પહેલાં તસ્લિમાખાલાનો કેસ લડવાનો નિર્ણય કર્યો, અધિવેશ! તસ્લિમાખાલા પણ એ લોકોના તરફથી કેસ લડી રહ્યા છે જેનો કેસ કોઇ મોટામાં મોટો વકીલ લડવા તૈયાર ન હતો, શા માટે? કારણકે એ લોકો પુરૂષોત્તમ રાવળ સામે પડવા તૈયાર ન હતાં, બિલકુલ તારી માફક! એ રીતે જોઇએ તો તું અને તસ્લિમાખાલા એકસમાન છો, જ્યારથી મેં આ કેસ લડવાનું નક્કી કર્યું છે, ત્યારથી મેં એક સાથે સત્તાવીસ કેસનો અભ્યાસ કરવાનુ શરૂ કર્યો છે અને મને અનેક સવાલોના જવાબ મળ્યા નથી. આ માટે મારે તમારી બન્નેની મદદની જરૂર પડશે. સાગરીકા તો હંમેશા મારી સાથે જ રહી છે.” માધવે બન્ને પાસે મદદ માંગી.

“માધવ! મને જ્યાં સુધી દાદાજી વાતો કરતાં ત્યાં સુધી ખ્યાલ છે કે આ કોમી રમખાણો પુર્વ નિયોજીત છે. તેઓ તો આજે પણ પુરૂષોત્તમકાકાને જ દોષી માને છે. તેઓએ તારી માફક જ મોટાભાઇને ફંસાવવામાં કેવિન બ્રોડ અને અભિનવને જ કારણ માન્યા છે. સાબિતી ન હોવાને કારણે તે પણ ચુપ રહ્યા છે, પણ માધવ આમાં અમે શું કરી શકીએ?”

“એ જ વિચારવાનું છે. કારણકે તને નરૂભાનો ખ્યાલ છે? એ સત્તર વર્ષ શા માટે ચુપ રહ્યા? અચાનક તેઓ અભિનવ ગુજરાત પક્ષ તરફથી જ ચુંટણી લડ્યા અને જીતી પણ ગયા. જ્યારે મને તસ્લિમાખાલાએ જણાવ્યું હતું કે નરૂભા અને કેવિન બ્રોડ પાકાં મિત્રો હતા, મેં વાચ્યું છે તેમ રાવળ પરીવાર પાસે આ નરૂભા સામે પણ કોઇ સાબિતી નથી. છતાં એ સત્તર વર્ષ દ્વારકા રહ્યા અને અચાનક કેમ આવી ગયા? તમને ક્યારેય શંકા ગઇ?” માધવે અધિવેશને વિચારતો કરી દિધો, “અને અવનિ! તને ખબર છે કે નરૂભા અને નદંના માણેક સાથે તારે શું સંબંધ છે?”

“નરૂભા અને મારે શો સંબંધ?” અવનિ બોલી ઉઠી. માધવ હસવા લાગ્યો, “હસ નઇ, યાર! ખબર ન હોય તો જ પૂછુંને?”

“હું તારા અજ્ઞાન પર નથી હસી રહ્યો, અવનિ! પણ આજે મારા કારણે તમારા બન્નેના ઘરમાં મહાભારત થવાનું છે, કારણકે જે પોતાનો ભુતકાળ નથી જાણતો એ શું ભવિષ્ય જાણવાના?”

“માધવ! મહેરબાની યાર! મજાક ન કર! હવે તો ડર લાગી રહ્યો છે.” અધિવેશ બોલી ઉઠ્યો.

“અવનિ! નંદના માણેક તારા ફોઇ છે અને અધિવેશ! અવનિના પપ્પા શ્રીમાન અનંતરાય મહેતા એ તારા પપ્પા દેવરાજ રાવળના જીગરી મિત્ર હતા, કોમી રમખાણોમાં એ અને ઇફ્તિખાર જાફરી! માત્ર બે જ વ્યક્તિ હતાં જે કોમી રમખાણો માટે તારા પપ્પાને જવાબદાર માનતા ન હતાં.” માધવે ધડાકો કર્યો, ત્રણેય ઊભા થઇ ગયાં.

***