અધૂરી મિત્રતા Mamta shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરી મિત્રતા

          ઉમા, એક સરળ અને સુંદર છોકરી. સુંદર નહિ બહુ જ સુંદર. સુંદરતા ખાલી એના તનમાં નહીં એના મનમાં પણ. એટલી બધી ચંચળ, મસ્તીખોર અને હસમુખી. અમે કાંઈ બહુ જૂના મિત્રો નહોતા. અમે મળ્યા અમારા હનીમૂન ની કપલ ટુરમાં. એ ટુરમાં લગભગ દસેક કપલ હતાં. પણ તે બધામાં આ કપલ કાંઇક અલગ જ હતું. ઉમા અને હેમાંગ. બન્નેનો સ્વભાવ ખૂબ જ મળતાવડો. બન્ને ખૂબ જ હસમુખ પણ ખરા. બેઉ ને જોઇ ને જોનાર ને એમ જ લાગે કે જાણે બેઉ જણ એકબીજા માટે જ સર્જાયા છે. બંને ને વાતો કરવા પણ બહુ જ જોઈએ. અને એમ જ વાતો વાતોમાં તો જાણે કે અમે કેટલા વર્ષોથી એકબીજાને ઓળખતા હોઇએ એવી ગાઢ મૈત્રી થઈ ગઈ.

            એ દિવસો અમે એકબીજાની સાથે ખૂબ જ એન્જોય કર્યાં. પોતાના સપનાઓ ની વાતો, પોતાના પરિવારની વાતો, પોતાની લવ લાઇફ ની વાતો અને બીજી ઘણી ઘણી વાતો. ઉમા એના હસબંડ ને નામથી ના બોલાવે. એને જ્યારે બોલાવવા હોય ત્યારે એ 'જી' એટલું જ કહે. અને એની એ વાત માટે તો ટુર ના બધા કપલ એની મજાક પણ ઉડાવે. પણ તો પણ ઉમા ક્યારેય એનું નામ ના લે અને એ મજાક ને પણ હસવામાં કાઢી નાખે. અને હું એને પૂછું તો મને કહે કે, ના મારા સાસુએ ના પાડી છે, પતિનું નામ ના લેવાય. અને પછી પોતે પણ હસે, અને કહે કે હું પણ આવું બધું માનતી નથી, પણ એમણે ના પાડી છે એમને નથી ગમતું, એટલે નથી બોલતી. ત્યારે મને એના માટે એટલું માન થયું કે વાહ પોતે નથી માનતી તો પણ કોઈ ના ગમા-અણગમા માટે એ કરે છે. અને પછી ક્યારેક હું મારા હસબંડ ને મજાકમાં 'જી' કહું તો એ તો એટલું બધું ચિડાઈ જતા હતા ને! અને આવી તો કેટલીય વાતો અને મસ્તી અમે સાથે કરી હતી.

          જ્યારે ટુર નો છેલ્લો દિવસ હતો ત્યારે અમે એકબીજાના ફોન નંબર લઈને, જલ્દી ફરી મળવાના પ્રોમિસ સાથે છૂટા પડ્યાં.

           અમારા પ્રોમિસ પ્રમાણે પછીના લગભગ દરેક વીકેન્ડ અમે સાથે હર્યા ફર્યા.

           એક દિવસ ખૂબ જ ઉત્સાહથી એણે મને ફોન કર્યો, મને કહે, 'યાર, સખત વાત કહું?'

           હું એના અવાજ અને એનો ઉત્સાહ જોઈને સમજી ગઇ. મેં કીધું 'ચાલ એ સખત વાત હું જ તને કહી દઉં. ખૂબ ખૂબ અભિનંદન! તારા ગુડ ન્યૂઝ માટે.'

'યાર, તને કેવી રીતે ખબર પડી ગઈ?' ઉમા

મેં કીધું 'કેમ ના પડે, ડાર્લિંગ?'

'ઓકે. ચાલ તો હવે મને એ કહે કે તુ મને ક્યારે ગુડ ન્યૂઝ આપે છે?' ઉમા 

'હું પણ જલ્દી જ આપીશ હવે તો. કારણ કે આપણે તો આપણા બાળકોને એક સ્કૂલમાં મુકવાના છે ને! એટલે એ લોકો પણ આપણી જેમ બેસ્ટ ફ્રેન્ડ બની જાય! ' એવાં તો કેટલાયે સપનાઓ અમે જોયા હતા. એ લોકો એક જ સ્કૂલમાં હશે, એટલે એમના બહાને આપણે પણ રોજ મળશું.   એ લોકો સાથે ભણશે, રમશે અને એમનું પણ બોન્ડિંગ આપણા જેવુ હશે. એ તો કાયમ એવુ પણ કહેતી કે, મારે તો ત્રણ બાળકો જોઈએ અને એટલે તારે પણ ત્રણ લાવવા પડશે. અને અમે બહુ જ હસતાં, કારણ કે મારે તો એક જ બાળક જોઇતું હતું. અને પછી એ મને મસ્ત લેક્ચર પણ આપતી કે એક કરતા વધારે બાળક કેમ હોવા જોઈએ! આમ જ એકબીજા ને સમજતા સમજાવતા અમારી ફ્રેન્ડશીપ સ્ટ્રોંગ થતી ગઈ. 

           સમય જતા અમારા બેઉ ને ત્યાં ત્રણ મહિનાનાં અંતરે  પહેલી દિકરીનું આગમન થયુ. અમે ચારેય જણ બહુ જ ખુશ હતાં. કારણ કે, બન્ને કપલ ને પહેલી તો લક્ષ્મી જ જોઈતી હતી. હવે અમે અમારી દીકરીઓ સાથે મળતા થયા. 

          હજી તો એની દીકરી પાંચ મહિનાની થઈ હશે ને એક દિવસ એ મને કહે છે કે, યાર મને રોજ તાવ આવે છે. બહુ જ બધા ડોક્ટરને બતાવ્યું, બહુ જ બધા રિપોર્ટ કરાવ્યાં, બધુ જ નોર્મલ છે પણ મારી તબિયત સારી નથી રહેતી. હું એને મળવા ગઈ, એને જાણે આવનાર દિવસોની ખબર પડી ગઈ હોય એમ એના ચહેરા પરથી નૂર જ ઉડી ગયું હતું. બધાં એને સમજાવતા હતા કે કઈ નહિ થાય તને, મેં પણ એને સમજાવી. પણ કાંઈક તો હતું કે જે એને અંદરથી કોરી ખાતું હતું. કદાચ એની દીકરીની ચિંતા! પણ એ દિવસે એને જોઈ ને મને પણ ડર લાગ્યો, અને મનોમન ભગવાન ને પ્રાર્થના કરી, કે ભગવાન એને જલ્દી સાજી કરી દેજો. 

           ધીમે ધીમે અમે અમારા બાળકો માં વ્યસ્ત રહેવા માંડ્યાં એટલે અમારી રોજ થતી વાતો બંધ થઈ ગઈ. એક દિવસ એનો ફોન આવ્યો. હું કાંઇક કામમાં હતી એટલે ફોન ઉપાડી ના શકી. કોઈક કારણ સર તરત એને ફોન પણ ના કરી શકી અને પછી મેં એને વીસેક દિવસ પછી ફોન કર્યો. ફોન એના હસબંડે ઉપાડ્યો. અને મને કહે છે કે, 'ભાભી, મેં તમને ફોન કર્યો હતો, પણ આપણે વાત ના થઈ. પણ ઉમા હવે નથી રહી આપણી વચ્ચે!'

         'હેં!' મને એટલો બધો આઘાત લાગ્યો કે હું કાંઈ વાત જ ના કરી શકી એમની સાથે. અને ફોન મૂક્યા પછી એટલું બધું રડી! આજે પણ જ્યારે એની યાદ આવે છે ત્યારે એવું થાય છે કે કેમ અમારી વાત ના થઈ શકી? મેં કેમ એને તરત ફોન ના કર્યો, એનો વસવસો હજુ પણ એમ જ છે! 

          આજે પણ એ વાત મારા અંતર ને કોરી ખાય છે કે મેં એનો ફોન કેમ ના ઉપાડ્યો. આજે પણ હું મારી મોટી દીકરી ને જોઉં ત્યારે ઘણીવાર એની દીકરી અને એની વાતો યાદ આવી જાય છે. ક્યારેક ખરેખર ભગવાનનાં અસ્તિત્વ સામે શંકા ના કરવી હોય તો પણ થઈ જાય છે. શું વાંક હતો એ નાનકડી બાળાનો, કે એણે એની મમ્મી વગર મોટા થવું પડશે!!એના મૃત્યુ પછીની હરેક ક્ષણે હું એ વાતની પ્રતીતિ કરું છું કે 'જીવન આપણે વિચારી એ એટલું સરળ ક્યારેય નથી હોતું'. એ હસમુખી હતી, લાડકી હતી કદાચ ભગવાન ને પણ એટલે જ એની જરૂર હતી!!!