સૌમ્ય પરી Mamta shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સૌમ્ય પરી

હું, માલતી. અંધજન શાળાની સંચાલિકા. આમ તો મારી પાસે કેટલાય અંધ બાળકો મોટા થયા, ભણ્યા, આ આશ્રમમાં રહ્યાં અને અહીંથી ગયા પણ ખરા. મારા માટે બધાં જ મારા બાળક જેવા. આ જ મારો પરિવાર. પણ એમાં એક છોકરી મારા માટે બહુ ખાસ. એને મારી મિત્ર કહો તો મિત્ર, વિદ્યાર્થી કહો તો વિદ્યાર્થી અને મારી દિકરી તો ખરી જ. એ મારા માટે ખાસ એટલા માટે, કારણ કે એ બધાં કરતા સાવ અલગ જ છે. ચાલો આજે એની વાત કરું તમને.

પરી એનું નામ. નામ જેટલી જ સુંદર પણ. સ્વભાવે ખૂબ જ પ્રેમાળ અને મિલનસાર. જ્યારે જોવો ત્યારે હસતી જ હોય. ઉંમર એની ચોવીસ વર્ષ. જ્યારે ચાર વર્ષની હતી ત્યારે મારી પાસે આવી હતી. મારી આંખ સામે જ મોટી થઈ. મને એ કહેતી પણ મા. આમ તો આશ્રમના બધા બાળકો મને મા કહેતા, પણ જ્યારે પરી મને મા કહેતી, કાંઈક અલગ જ લાગણી આવતી મને એના માટે. જાણે કે મારી જ દિકરી. એને જોઇને ખરેખર એમ થાય કે ભગવાનથી પણ ક્યારેક અન્યાય થઈ જતો હશે ? એને દ્રષ્ટિ નહિ આપીને શું મળ્યું હશે ભગવાનને? ઘણાં પ્રશ્નો થતાં મને. પણ પરી ને ક્યારેય એવું ન થતું. એને ક્યારેય એના નસીબ પર અફસોસ કરતી નહોતી જોઈ મેં. કે ક્યારેય ભગવાન ને ફરિયાદ કરતા પણ નહોતી જોઈ. અને કદાચ એટલે જ એ આશ્રમમાં બધાંને બહુ જ ગમતી. બધાં બાળકો દીદી-દીદી કરતા એની આગળ પાછળ ફરતાં. એ બધાને ભણાવે અને બધા સાથે રમે પણ ખરી. બધા બાળકો માટે એમની પરી દીદી એટલે જાણે એમની વાર્તા ની પરી.

એક દિવસ આશ્રમમાં એક છોકરો આવ્યો. સૌમ્ય એનું નામ. એકદમ સોહામણો અને શાંત. એ આશ્રમના બાળકો માટે ગિફ્ટ આપવા આવ્યો હતો. એને ખૂબ મજા પડી એ નાનાં નાનાં ભૂલકાઓ સાથે. એટલે એ આવીને મને મળ્યો. મને કહે છે કે શું હું આ બાળકોને મળવા અહીં આવી શકું ફરીથી? મને પણ એની આ વાત ગમી ગઈ. કે કેટલો સરળ છે!! મેં કીધું હા, શું કામ નહી? પછી એ મારી સાથે વાતો કરવા બેઠો. એને એક બાળકો કેવી રીતે રહે છે, કેવી રીતે ભણે છે એ બધુ જાણવામાં બહુ જ રસ પડ્યો. મને પણ સૌમ્ય બહુ પ્રેમાળ અને સેવાભાવી લાગ્યો. જેવો એ જવા માટે ઊભો થયો અને સામેથી પરી આવી. અને સૌમ્ય તો જાણે એને જોયા જ કરે.... કેટલી સુંદર!!!

પછી તો સૌમ્ય રેગ્યુલર આશ્રમ આવવા માંડ્યો. એ ના આવે તો અમને બધાને એની ગેરહાજરી વરતાય. ધીમે ધીમે એની અને પરી વચ્ચે પણ સરસ મિત્રતા થઈ ગઈ. અને એ મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં પરિણમી.

એક દિવસ મેં સૌમ્ય ને બોલાવી ને પૂછ્યું, 'સૌમ્ય, તને ખબર છે ને પરી વિશે બધુ જ?'

સૌમ્ય કહે છે 'હા, મા!' એ પણ પરી સાથે રહીને મને મા જ કહેતો. મેં એને પૂછ્યું, તેં ક્યારેય તારી લાગણીઓ વિષે પરી ને કહ્યું છે? તો કહે "ના". હજી સુધી મેં એને કઈ જ નથી કીધું. એટલે મને થોડો હાશકારો થયો. અને મેં મનોમન થોડા સખત થવાનો નિર્ણય લીધો. કારણ કે, મને પરી ની ચિંતા હતી. આપણો આ સમાજ થોડો એક અંધ કન્યા ને પુત્રવધૂ તરીકે સ્વીકારે? પણ હજી હું કાંઈ બોલું એ પહેલાં, સૌમ્ય એ જાતે જ કહી દીધુ, "મા, હું પહેલા મારા પરિવારને મનાવીશ, પરી સાથે લગ્ન કરવા માટે. એને સપના દેખાડીને મારે એ સપના નથી તોડવા. મારો પરિવાર માનશે પછી જ હું પરી ને કહીશ કે હું એને કેટલો પ્રેમ કરું છું." એની વાત સાંભળીને સાચે જ બે ઘડી મને મારા વિચારો ઉપર જ ગુસ્સો આવ્યો. આટલા સારા છોકરા માટે હું કેવી રીતે આવું વિચારી શકી? મને ખરેખર એના માટે ખૂબ માન થયું. અને મારી અંદરના માત્રૃ હ્રદયને એક સંતોષ.

પછી અમે વાતો એ લાગ્યા. મને કહે છે, તમને ખબર છે, મને પરી કેમ બહુ જ ગમે છે? અને પછી એ જ કે છે, એ તનથી તો સુંદર છે જ પણ એનાં કરતાં પણ વધારે એ મનથી સુંદર છે. આત્મવિશ્વાસથી ભરપૂર, ક્યારેય કોઇ ફરિયાદ નહી, હમેશાં હસતાં રહેવું, ક્યારેય કોઈ ફરિયાદ નહીં, આપણી પાસે બધું જ છે તો પણ આપણે આવી રીતે જીવી નથી શકતાં. અને જતાં જતાં મને કહે છે, તમે પ્લીઝ પરી ને હમણાં કાંઈ જ ના કહેતા. એને હું જ કહીશ કે હું એને કેટલો પ્રેમ કરું છું.

અરે ત્યાં જ પરી આવી! એને જોઈને સૌમ્ય કહે છે કે આજે તું આ ગુલાબી ડ્રેસ માં બહું જ સુંદર લાગે છે. પરી શરમાઈ ને કહે છે કે, મારા માટે તો બધાં જ રંગ સરખા છે. અને આવું કહેતા પણ એ દુખી નથી જણાતી. અને એક સરસ પ્રેમભર્યુ સ્મિત આપી ને ત્યાંથી જતી રહે છે.

પછી પંદરેક દિવસ સુધી સૌમ્ય નથી આવતો. એટલે મને અને પરી ને ચિંતા થઈ. મેં સૌમ્ય ને ફોન કર્યો અને એને મને મળવા માટે કહ્યું. તો એણે કીધું હમણાં એ કામમાં જરા વ્યસ્ત છે. એટલે થોડા દિવસ પછી આવશે.

થોડા દિવસ થયા એ વાતને. અને એક ફોન આવ્યો. અને ફોન પણ પાછો હોસ્પિટલથી હતો. પરી માટે કોઈક ચક્ષુદાતા એ એમની આંખો દાન કરી હતી. એટલે એના ઓપરેશન ની તારીખ નક્કી કરવાની હતી. પરી નું એની આંખોથી આ દુનિયા જોવાનું સ્વપ્ન પૂરું થશે, વિચારી હું ખૂબ ખુશ થઈ.

હોસ્પિટલમાં પરી ના ઓપરેશન પછી, જ્યારે પરી ની આંખોની પટ્ટી ખોલવાની હતી, ત્યારે ડોક્ટર એને પૂછે છે કે તું સૌથી પહેલાં કોને જોવા ઈચ્છે છે? તો પરી કહે છે કે મા અને સૌમ્ય.

હવે શું સમજાવુ હું એને? એટલે હું એની સામે ઊભી રહી અને મેં ડોક્ટર ને કીધું એની પટ્ટી ખોલવા માટે. મને જોઈ અને સૌમ્ય ત્યાં નહોતો એટલે એણે પૂછ્યું, કેમ મા, મારા આટલા સ્પેશિયલ દિવસે સૌમ્ય અહીં નથી?

"બેટા, હવે તું એની આંખો થી આ દુનિયા જો, એને જોવાનું તારા નસીબમાં નહોતું." બસ આટલું જ કહી શકી હું એને. આનાથી વધારે કોઈ શબ્દો ના નીકળી શક્યા!! બાકી નું કામ આંસુ ઓ એ જ કર્યું.

હા, એ દિવસે મેં સૌમ્ય ને ફોન કર્યો ત્યારે એ મને મળવા આવ્યો હતો. પણ એણે મને પરી ને કહેવાની ના પાડી હતી. એણે મને કીધું 'એ દિવસે હું તમને મળીને ગયો અને મને છાતીમાં દુખાવો થયો, અને ચક્કર આવીને પડી ગયો. પછી ડૉક્ટર પાસે ગયો, બધા રિપોર્ટ કરાયા, એ બધું જોઈ ને ડૉક્ટરે કહ્યું, મારા હ્રદય માં કાણું છે અને હવે મારી પાસે બહુ સમય નથી. અને એણે મને એના ચક્ષુદાન ની પણ વાત કરી. એણે મારી પાસેથી વચન લીધું કે, જ્યાં સુધી પરીનું ઓપરેશન ના થઈ જાય ત્યાં સુધી મારે એને કઈ જ નહીં કહેવાનું.

આ સાંભળીને પરી રડતાં રડતાં કહે છે કે "કેવું નસીબ મારું મા? હું મને આંખો મળ્યાની ખુશી મનાવું કે મારો પ્રેમ ગુમાવ્યા નું દુખ?"

મને થયું આને જ કહેવાય ને સાચો પ્રેમ!!