ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 28 Jules Verne દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 28

પ્રકરણ ૨૮

એક નવો સિતારો

એ જ રાત્રીએ જે આશ્ચર્યજનક સમાચારની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા રાષ્ટ્રમાં એક વિસ્ફોટની જેમ ફૂટ્યા અને ત્યારબાદ તે મહાસાગર પસાર કરીને સમગ્ર વિશ્વની ટેલિગ્રાફ ઓફિસોમાં પહોંચી ગયા. તોપનો ગોળો મળી ગયો હતો, જેના માટે લોંગ’ઝ પીકના રાક્ષસી રીફલેકટરનો આભાર માનવો જોઈએ! આ રહી એ ચિઠ્ઠી જે કેમ્બ્રિજ ઓબ્ઝરવેટરીના ડિરેક્ટરને મળી હતી. તેમાં ગન ક્લબ દ્વારા કરવામાં આવેલા આ મહાન સંશોધનનું વૈજ્ઞાનિક પરિણામ જણાવવામાં આવ્યું છે.

લોંગ’ઝ પીક, ૧૨ ડિસેમ્બર

પ્રતિ, કેમ્બ્રિજ ઓબ્ઝરવેટરીના અધિકારીઓ,

સ્ટોન્સ હિલ ખાતે કોલમ્બિયાડ દ્વારા છોડવામાં આવેલો ૧૨ ડિસેમ્બરે સાંજે ૮.૪૭ વાગ્યે સર્વશ્રી બેલફાસ્ટ અને જે.ટી મેટ્સનને મળી આવ્યો છે, ચન્દ્ર તેના છેલ્લા ચતુર્થાંશમાં પહોંચી ચુક્યો છે. ગોળો તેના ગંતવ્ય સ્થાને પહોંચ્યો નથી. તે નજીકથી પસાર થયો છે, પરંતુ વૈજ્ઞાનિક રીતે તે ચન્દ્રના વાતાવરણમાં મળવો જોઈતો હતો.

સીધી લીટીમાં થવાની પ્રક્રિયા બદલાઈને તેજગતિએ વર્તુળાકાર બની હતી અને હવે તે ચન્દ્રની આસપાસ અંડાકાર ભ્રમણકક્ષા તરફ જઈ રહ્યો છે અને તેથી તે એક ખરો ઉપગ્રહ બની ગયો છે.

આ નવા સિતારાના તત્વો હજી નક્કી થઇ શક્યા નથી; અમને હજી સુધી તેના રસ્તાની ગતિ વિષે જાણકારી નથી. ચન્દ્રની ધરતીથી તેને અલગ કરતું અંતર અંદાજે લગભગ ૨,૮૩૩ માઈલ્સ હોઈ શકે છે.

જો કે અમારા વિચારમાં બે અવધારણાઓ આવી છે.

એક, કાં તો તેમને પોતાની ધરી પર લાવ્યા બાદ ચન્દ્રનું આકર્ષણબળ ખતમ થયું છે, અને મુસાફરો પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી ગયા છે, અથવા

બે, ગોળો, નિર્વિકારના નિયમને અનુસરીને ચન્દ્રની આસપાસ અસીમિત સમય સુધી ફરતો રહેશે.

નજીકના ભવિષ્યમાં અમે આ મુદ્દા પર કોઈ નિર્ણય પર આવી શકીશું, પરંતુ ત્યાં સુધી ગન ક્લબના આ સંશોધન વિષે અમારી પાસે સૂર્યમંડળમાં એક નવા ગ્રહની ઉપસ્થિતિ સિવાય બીજું કોઈજ પરિણામ સૂચવી શકાય તેમ નથી.

જે. બેલફાસ્ટ.

આ અનપેક્ષિત ચિઠ્ઠીએ શું ઘણા બધા પ્રશ્નાર્થ ચિન્હો ઉભા કરી દીધા છે?

શા માટે વૈજ્ઞાનિક તપાસ માટે રહસ્યમયી પરિણામને ભવિષ્ય માટે આરક્ષિત કરી દેવામાં આવ્યું? ગમે તે થાય, નિકોલ, બાર્બીકેન અને માઈકલ આરડન ના નામો અવકાશશાસ્ત્રના વૃતાંતમાં ચોક્કસપણે અમર થઇ જવાના હતા.

જ્યારે લોંગ’ઝ પીક માંથી આવેલો સંદેશ બધાની જાણમાં આવી ગયો ત્યારે સાર્વત્રિક આશ્ચર્ય અને ભયમિશ્રિત લાગણી છવાઈ ગઈ હતી. શું એ શક્ય હતું કે એ વીર મુસાફરોની મદદ કરવા જઈ શકાય? ના! તેઓ માનવીયતાની હદ બહાર પહોંચી ગયા હતા જ્યારે તેઓએ આ પૃથ્વી પરના જીવજંતુઓના સર્જકે બનાવેલી હદ વટાવી દીધી હતી.

તેમની પાસે બે મહિના ચાલે તેટલી હવા હતી, તેઓ બાર મહિના ખાઈ શકે એટલા પદાર્થો તેમની પાસે હતા, પરંતુ બાદમાં? એક જ વ્યક્તિ એવો હતો જે એ સ્વિકારવાનો ન હતો કે પરિસ્થિતિ અત્યંત ગંભીર હતી – એ એકલા પાસે વિશ્વાસ હતો અને તે હતો તેમનો સંનિષ્ઠ મિત્ર જે.ટી.મેટ્સન.

આ ઉપરાંત તે તેમને પોતાની નજરોથી દૂર નહોતો થવા દેવાનો. આથી તેનું ઘર હવે લોંગ’ઝ પીક પર સ્થાપવામાં આવ્યું હતું; એ વિશાળ રીફલેકટરનો અરીસો તેની ક્ષિતિજ હતી. જેવો ચન્દ્ર એ ક્ષિતિજની પાર ઉંચો આવ્યો તેણે તરતજ તેને ટેલિસ્કોપ વડે જકડી લીધો અને એક મિનીટ પણ તેને પોતાની આંખોથી દૂર થવા ન દીધો અને સતત તેની પાછળ ફરતો રહ્યો. વગર થાકે તે એ ચાંદીની થાળીને ગોળાના જવાના રસ્તાને જોતો રહ્યો, ખરેખર એ સહુથી યોગ્ય વ્યક્તિ હતો જે પોતાના ત્રણેય મિત્રો સાથે શાશ્વત સંપર્કમાં રહેવા માંગતો હતો અને તેમને એક દિવસ મળવાની આશા તેણે છોડી ન હતી.

“એ ત્રણ લોકો” એ બોલ્યા, “પોતાની સાથે અવકાશમાં કળા, વિજ્ઞાન અને ઉદ્યોગના તમામ સ્ત્રોત લઇ ગયા છે. એ બધાની સાથે લોકો ગમેતે કરી શકે છે; અને તમે લોકો જો જો એક દિવસ તેઓ સાજા સમા પરત થશે.”

સંપૂર્ણ