આ મન તો પાગલ છે - 3 Prafull shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આ મન તો પાગલ છે - 3

કવિતા.. મે 2018

ટોળું જોઉં

હું અકળાઈ ઉઠતો

તારી યાદ જાણે

કીડીનો ચટકો!

રાતનો અંધકાર

ઘર લાગે ભયાનક

શ્વાસ રૂંધાય,બારી ખોલુ

તારી યાદ જાણે

કીડીનો ચટકો..

કાગળ જોઉં, વિચારું

શું લખું? લીટા પાડુ ..

ખોળ્યા કરું તસ્વીર

તારી યાદ જાણે

કીડીનો ચટકો!

જોયા કરતો મુંગી દિવાલો

જાય જે દઝાડતી

ચૂલે ભડભડ ઉછળે

ચા નું પાણી

તારી યાદ જાણે

કીડીનો ચટકો..

રોજ સવારે

ના સૂર્યોદય કે

ના કૂકડાનો કૂકડેકૂક

પણ તારો મીઠો

ટહુકો

ગૂંજે

ઓહ... ઊ..ઠો...

સવાર પડી...

***

મુઠ્ઠી ખૂલ્લી રાખી ને ચાલું છું.

તેથી સૌને ફકીર સમો લાગું છું.

ખૂલ્લાં રાખ્યાં છે ઘરનાં દરવાજા

ચકલાં ચકલીનો માળો બાધું છું.

આપે ઈશ્વર ખોબે ખોબે મુજને

મનને નાથી ચણ ચપટી નાખું છું.

ના ધન કે ના માન મને જોઈએ

પ્રેમ તણી બસ એક દુઆ માગું છું.

***

તેં મોકલાવ્યો કોરો કાગળ,

ભલે તું લખી ના શક્યો એકેય અક્ષર

પણ વંચાય છે તારી વેદના.. તારો પ્રેમ..

કાગળ સૂરજ સામે ધર્યો તો

વંચાય મારું નામ!

***

તારી પાંપણ પરનાં આંસુ

કે

ફૂલની પંખ પરનું ઝાકળ

ના કળાય

તે વેદના છે કે ખુશી..

અરે! સ્પર્શ કરવાં જાઉં તો

ટેરવાં થાય ભીનાં

મારા સવાલનો ના મળે જવાબ

આ વેદનાં છે કે ખુશી!

***

મા ઊભી છે

વૃક્ષ થઈને

જેમ જેમ પગલી પાડતો ગયો

આ કેડીઓ ફૂલની જેમ

વિસ્તરીને ખીલતી ગઈ.

આશાની જ્યોત પ્રગટાવતો ગયો

અંધકાર નિરાશાનો ઓગળતો ગયો

આંખોમાંની દષ્ટિ વિસ્તરથી ગઈ.

આ જગ નું અતુટ મૌન મને

પ્રભુનો સાક્ષાત્કાર કરાવતું ગયું

મૌનની વાંસળીમાંનું ગીત સમજાવતું ગયું.

મળ્યો મને રાધો શો વિશ્વાસ શ્વાસ

બાંધી ઝાંઝર નાચું ભૂલી મારી જાત

દેખાય મારી આસપાસ જગતનો નાથ!

***

વાહ ..

યાદ કર્યાં તમને

અને

આ ચમન હરખાઈ ગયું.

મારી આસપાસ

સ્મરણનાં ફૂલોથી

કુંડાળું રચાઈ ગયું.

***

ઊગે, આથમે

ઊગે, આથમે

સૂરજ.

ઊગે, આથમે

ઊગે, આથમે

ચાંદો, તારલાઓ.

ઊગે, આથમે

ઊગે, આથમે

પ્રકૃતિની રોનક..

ઊગે ,આથમે

ઊગે, આથમે

આપણા સૌની વસાહત..

ઊગે , આથમે

ઊગે, આથમે

પણ પડી જાય સોપો

જે દિ' આપણામાંથી કોઈ ના ઊઠે..

***

હું દોડી શક્યો નહીં

હું હસી શક્યો નહીં

કારણ થાકી જતો હતો

એનું કારણ પણ સમજાયું

વિતેલી ક્ષણો છોડી શક્યો નહીં.! .

માની મમતામાં ના આવે ઓટ.

એની આંખોમાં ના પ્રેમની ખોટ.

વહાલ ભર્યાં નયનો ના દે ચોટ

માની મમતાનું ના કરજો તોલમોલ.

છલકાતા જામ ને છલકાતી મમતા

જાણે વરસતાં રાતદિ અમી ઝરણાં.

પ્રભુને વહાલું છે રૂપ માની મમતાનું

શોધે નહીં જડે સ્વર્ગમાં માની મમતા.

એવાં માતપિતાને હો વંદન અમ બાળનાં

નમીએ નમીએ જ્યાં લગી શ્વાસ જીવતરનાં.

***

સૌ ચાલે છે.

સૌ હાલે છે.

સાંકડમાંકડ

પણ ફાવે છે.

પાર પડે તો

મન નાચે છે.

તનમન કેવળ

આ જાગે છે.

આનંદ માણે

જે જાણે છે.

ઉનાળે

આભેથી વરસે તડકો

ફેલાવે ચારેકોર ભડકો

આ બધાં વચ્ચે દીવાદાંડી સમો

ઊભો છે લીમડો

ફેલાવે મીઠો મધુરો વાયરો..

પાથરીને છાંયડો!

***

2

ગામને પાદરે વડલો

વડલે ઝૂલે હીંચકો

સામે તળાવે ભેંસો

માણે આનંદ મેળો

3

તાપે શેકાતો રોટલો

ભડભડ બાળતો ઉનાળો

મા ને ખોળે બાલુડો

મમતાની હૂંફે રમતો...

ના નડતો ઉનાળો...

4

ઉનાળે હું શેકાઈશ

તો

ઘરનાં ચૂલે

શેકાશે રોટલો

નહીં તો

ભાંગી નાખશે

ધણી મારો ,

મારો બરડો!

5

શહેરમાં ફ્રીજ છે

શહેરમાં એસી છે

ઉનાળો આંગણાની

બહાર છે.

***

આ ગ્રીષ્મનાં તાપને

ડૂબાડી દીધો

તળાવમાં.....

અને મારી એકલતાને

કોયલનાં ટહુકે

વીંટાળી દીધી.

પછી તો હું

પણ વડલાની વડવાઈને

વળગી ઝૂલવા લાગ્યો

પવન પેઠે મંદ મંદ લહેરે!

***

તારી ચાહતમા

હું; હું ના રહ્યો

બસ

ગુમનામ

રહ્યો. .

***

કવિતા એટલે

ધૂળ ખાતી સિતાર પર

ઝાકળ શી આંગળીઓનો સ્પર્શ..

***

પ્રણયમાં ડૂબ્યો છું

ખૂબ ખીલ્યો છું

છો રહ્યાં કંટકો આસપાસ

બસ ભાન ભૂલ્યો છું.

***

અટકળ કરવાનું છોડી દીધું છે.

શમણાં જોવાનું છોડી દીધું છે.

સરિતા થઈ ને વહેવાનું છે મારે.

પાછા વળવાનું છોડી દીધું છે.

ભૂલ તમારી જોઈ ના શકતી હું,

મૂંગા રેવાનું છોડી દીધું છે.

સંબંધોનાં વળગણમાં ડૂબ્યાં સૌ,

મેં છલકાવાનું છોડી દીધું છે.

આ તો કળયુગ છે એવું લાગે છે.

તેથી નમવાનું છોડી દીધું છે.

***

પ્રભુ હોય પથ્થર કે ચિત્રજીમાં

મસ્તક મારું ઝૂકી જાય છે.

હોય છલકાતી શ્રધ્ધા રુદિયામાં

વિપદા સધળી મારી ટળી જાય છે.

ભૂલે ભક્ત ભગવાનને ક્યારેક ક્યારેક

પણ દીનાનાથ સદા ભક્તને મળી જાય છે.

ના સુવાડે કોઈને ભૂખ્યા પ્રભુ દરબારમાં

છે વટનો કટકો જે પ્રભુને ભૂલી જાય છે.

માનો તો ઠીક ના માનો તો પણ ઠીક

કંઈક કંઠી બાંધીને પ્રભુને પણ છેતરી જાય છે.

***

કેડી તો સાવ સુંવાળી સીધી હતી.

પણ ચાલ અમારી વાંકી ચૂકી હતી.

આવતાં અવરોધોને લાત મારવાની

ટેવ પડી ગઈ હતી.

પરિણામ એ આવ્યું કે વચમાં પડેલા પથરાઓ

ના તૂટ્યાં પણ પગ મારા છોલાયા..

મળવા માટે કારણ જોઈએ છે.

હળવા થાવા આનંદ જોઈએ છે.

આ તો છે વરસાદ રહે ના છાનો

કોરા રે'વા પાલવ જોઈએ છે.

માથે આભ ના શોભે કોરું કોરું

રંગવા માટે વાદળ જોઈએ છે.

શું કરવું ઢગલો થઈ પડતાં જળને

પ્યાસ બુઝાવા ગાગર જોઈએ છે.

સીનને ઓકે કરવાં સૌ છે આતુર

નાજુક ઢળતી પાંપણ જોઈએ છે. ગા×10

***

અપેક્ષાઓ નું પડીકું પીઠ પાછળ બાંધી હું ચાલું છું ; ચાલું છું.

ઓહ જિંદગી તારી પાસેથી ના કશું માગું છું; માગું છું

ચાહે રાત હોય, ચાહે પ્રકાશ હોય,ચાહે ધુમ્મસિયું વાતાવરણ

સૌનો સાથ લઈ મારી કેડીએ આગળ વધું છું; આગળ વધું છું.

કામ ક્રોધ કકળાટનો કેડો મૂકી સીધી નજર રાખી અવરોધો પાર કરું છું

જાતને ભૂલી બ્રહ્માંડમાં વિલિન થવા વાંસળીનો સાથ શોધું છું; સાથ શોધું છું .

***

" બે અક્ષરો લખ્યાં તો તમે કવિ?"

" હા ભઈ હા અમે કવિ

માનીએ નિજાનંદ મસ્તી

પણ તમે શાને કરો ફીકર અમારી?

તમ તમારે લખોને બન્યા વગર કાજી!"

***

કરમાયેલા ફૂલો ખીલ્યા સવાર થતાં,

ફૂલડે ફૂલડે ભમર ગૂંજ્યા સવાર થતાં,

મંદ મંદ પવને વૃક્ષો ઝૂલ્યા સવાર થતાં

બંધ બારીબારણાં ખૂલ્યાં સવાર થતાં,

ચહેરો તમારો દેખાયો સવાર થતાં;

તમે જ મારા યાર તમે મારી સવાર, સવાર થતાં!

***

તારા ઝૂલ્ફોમાં

ફૂલો મોગરાનાં ટમટમે તારલીયા થઈને

ગોળમટોળ સફેદ ફૂલ ગુલાબનું ચાંદ થઈને મલકે

અને હું તને જોયા કરું એક પરી ખ્યાલોમાં તરી રહી છે

જાણે ફૂલ પર ઝાકળ

આ સૌંદર્ય ખરી ના પડે મારી નજરમાંથી

તે માટે હું મારાં ઘડકન રોકી મૌનમાં ઓગળી જાઉં છું

વિરહની ચાદર ઓઢીને!

સમી સાંજનો વાયરો

ગીત ગાય તારા.

ફૂલોની જેમ મ્હેંકી ઊઠે

અંગ અંગ મારા.

તારી યાદે ઝળહળી ઊઠ્યા

પાનિયારે ને તુલસીક્યારે

સૂનાં પડેલ દરવાજે

મારી આશાઓના દીવડા..

દર્પણ હરખાઈ ઊઠ્યું

જોઈને મારાં શૃંગાર.

રસોડાની રાણી હું

ગીત ગાતી તારા....

સમી સાંજનોવાયરો

ગીત ગાય તારા

***

હોય વરસાદ

તારી પાસે તો

થોડો આપી જજે.

ખેતરને ખૂણે

થાશે થોડું ઘાસ

થોડું ખાશે ઢોર

જરા જરા ખાશું અમે

એમ વરસ આખું નીકળી જશે

શમણાં જોતાં જોતાં

એકાદની કબર ખોદાઈ જશે

નીકળશે નિવિશ્વાસ

" સાલ્લો નીકળ્યો નશીબદાર

છૂટ્યો બચ્ચારો

અને અમારા ભાગ્યે

લખાયો છે હજુ ય ત્રાસ!"

***

માથે તડકો

શેકાઈ જાય રોટલો એવો..

ક્યાં ય દેખાય ના વિસામો.

ઉપર આભ, નીચે ધરતી

લાય લાય કરતી બાળતી..

પણ આંખમાં છે લક્ષ

માથે છે તડકો

ના હું મૂંઝાતો..

કપાતો જાય સસ્તો..

હળવે હળવે નીકળતો જાય સસ્તો!

***

આ ઈંતજાર પણ કેવો?

બરફ જેવો!

બસ મન થાય

ચૂસ્યા કરવાનું

ચૂસ્યા કરવાનું

ભલે ને પછી સળી હોય

કેવળ હાથે!

પશ્ચિમે સૂર્ય

ડૂબી રહ્યો છે

છતાં આશા રમતી

અંધકાર થવાને

વાર છે ...

જોયા કરતો દૂર દૂર

ઉડતી ધૂળને! - .

વરસો તો એવાં વરસો

ભીંજાવાની તક મળે.

વાદળ ગરજે,

મોરલા ગહેંકે

ને આભે વીજ ઝબકે..

વરસો તો એવાં વરસો..

ભીંજાવાની તક મળે.

કણ કણ મ્હેંકી ઊઠે

અંગ અંગ લહેરી ઊઠે

યાદ તમારી ટમટભી ઊઠે..

વરસો તો એવાં વરસો

ભીંજાવાની તક મળે.

***

દરવાજો ખોલી ઊભો છું.

લઈ ખાલી જોળી ઊભો છું.

આંખો ખોલી તો સૂર્યોદય

શમણાંઓ તોડી ઊભો છું.

સોનેરી મૃગ જોઈ દોડ્યો

થાક્યો હું, દોડી ઊભો છું.

ઈચ્છા તો 'તી ભીંજાવાની

છત્રીને ઓઢી ઊભો છું

પ્રભુ દરબારે શું હું માગું?

તૃષ્ણાઓ છોડી ઊભો છું. પ્રફુલ્લઆર શાહ

***

વૃક્ષોએ બતાવી

ઉદારતા

થયો વરસાદ પથ્થરોનો

થયો વરસાદ ફળફૂલોનો

નીચેથી!

ઉપરથી!

***

આપણું દોડવું

કારણ

મૃગજળ.

જે દિવસે

નહીં હોય મૃગજળ

તે દિવસે ના હશે

દોડ

ના હશે શોધ!

***

તું બધાની વચ્ચેથી

ઊડી ગઈ છે

છતાં આ મન

રોજ બારી દરવાજા

ખોલી તારી રાહ જુએ છે

કદાચ તું પાછી આવે.

છે ભરોસો મુજને મારી જાત પર.

ઊડવું છે આભ મારી પાંખ પર.

રાજનેતા તમે છો પણ હું પ્રજા,

બાંધું ના શમણાં પ્રજાની રાખ પર.

એક સાથે જીવતા ફૂલો ને કાંટા

છે ખુશી મુજને સદા એ વાત પર.

કાલ કેવી આવશે ના છે ફિકર

ગાવું મારે ગીત તારું આજ પર.

સાથ આપો ઠીક, ના આપો તો પણ,

જિંદગી જીવીશ મારી રાહ પર.

ગાલગાગા - ૨ ગાલગા.

***

સાંજે ઘર તરફ પાછા ફરતી વખતે

બસ એક જ ખયાલ હોય છે

જેમબને તેમ જલદી પહોંચવું.

મળે છે રસ્તામાં ધણાંબધાં ઓળખીતા પારખીતા,

સૌને ટુંકોટચ જવાબ આપી ઝડપ વધારુ છું.

પાનિયારે ઝબકતાં દીવા ઓલવાય તે પહેલાં,

પહોંચી જવાની છે એક તમન્ના.

કારણ

આંગણિયે તારા સિવાય બીજું કોઈ નહીં

ઊભું હોય મહેકતું

રાતરાણીની જેમ!

***

હતી લાકડી

પણ થયો સ્પર્શ

રસીલા અધરોનો

બની ગઈ વાંસળી!

***

માનવીએ ઝીંક્યા પથ્થરો

તો

વૃક્ષોએ પધરાવ્યો

ફળફૂલોનો ધોધ

પણ માનવી ભાગ્યે જ શીખે.

***

પાંખ વગર ઊડે

હલેસા વગર તરે

કારણ આ માનવી છે

બધું એના માટે શક્ય છે

જે ડાળે બેસે તેનેય કાપે!

***

એક ખયાલ આવી જાય

તું મને ચાહે છે

એ વાતે વસંત મારે ચહેરે

બેસી જાય કોયલનાં ટહુકે

અને હરખભેર દોડી તને

જોયા કરું ભ્રમર ગૂંજને

અને શરમાતી શરમાતી પૂછે

જાણે ખૂલતી કમળખાંખડી

તારા ચહેરાની

આમ શું જોઈ રહ્યા છો?

અને હું કહું મંદ સ્વરે

તને...

અને રચાઈ જાય

દિવાસ્વપ્ન આપણા આંખે.. ..

***

મારી વેદના, મારું મૌન

તમને મળ્યું ખૂલ્લું મેદાન

કરવાને મારી વાતો

અફવાનો લઈ સહારો!

***

સાંજનો પડછાયો લાંબો થતો જાય છે,

લાલચોળ સૂર્ય શીતળ શો લાગે છે સૂર્યાસ્ત વેળાએ,

ઊંચે આભમાં કતારબંધ પક્ષીઓનું ઘર તરફનું પ્રયાણ

વાતાવરણમાં અચાનક આવતી નિસ્તેજતા,

મારામા ઉદાસી લાવી દે છે.

અને હું સઘળું કામ બાજુએ હડસેલી

ઘર તરફ પાછો ફરું છું ..

મારી સાથે સૌ કોઈની

દિશા એક જ છે!

ઘર...

***

તમે વરસાદની જેમ

ઓચિંતા આવીને

જાવ પલાળી મને

એ ના ચાલે..

ધ્રૂજતી રહું રાત આખી

ભીનાં ભીનાં નીતરતે પાલવે

કોને કહું...તમે વરસાદની જેમ....

મીઠાં બોર જેવા શમણાં

હું મમરાવતી હોઉં નીંદરમાં..

ભ્રમરની જેમ ગૂંજી થઈ જાય તમે અલોપ

ને રાત આખી રહું હું આળોટતી

કોને કહું... તમે વરસાદની જેમ..

આવું છું કહીને તમે નીકળ્યા ઊભી વાટે

કર્યાં કરું ઇંતજાર સવારથી સાંજ

કોણીએ લગાવ્યો છે ગોળ એવો

કે ના ઓગળતો કે ના ચટાતો

કોને કહું... તમે વરસાદની જેમ..

***

વરસાદ મન મૂકીને વરસ્યો મારા શહેરમાં

પણ ક્ષોભીલો પડ્યો

સૌ ઘરમાં બેઠાં હતાં ભરાઈને!

જેઓ રાતદિ દુઆ કરતાં હતાં હરખાઈને.

***

ભૂખ લાગે ત્યારે

તૂટી પડીએ આપણે

એકબીજા પર ઝનૂનથી..

અને પછી

સરી પડીએ

એક મીઠી નીંદરમાં

તૃપ્તિ સાથે

એકબીજાને અવગણીને

અને

આંખો ઉઘડે ત્યારે

આપણી વચ્ચે

મધમધતું હોય છે

ગુલાબ!

તું

ક્યાં કશું માગે છે?

વૃક્ષ થઈ આપે છે.

તું

આવે નિરુત્તર થઈને

સહદેવની જેમ; બધું જાણે છે.

ભરતી ઓટ,ધૂપ છાવ તારું સર્જન

સુખદુખ પણ એવાં, તું સમજાવે છે.

તારી પટકથા, અમે નટ,તું જ પ્રેક્ષક

બેઠો બેઠો તું જ નિહાળે છે.

તું

કેવો છે કલાકાર ! થઈ મદારી

અમારી પાસે પૂછાવડાવે

" તું છે કોણ? “

***

ચાંદની રાત, સરોવર પાળ

છમછમ પડતો વરસાદ

જાણે તારા ઝાંઝરનો રણકાર.

***

ગાજ્યા પછી વરસ્યા નહીં.

વચનો દઈ પાળ્યાં નહીં.

થાતી મુલાકાતો છતાં

અંતે તમે ગમ્યા નહીં.

પાવન થયા સૌ, ના તમે

જમના તટે નમ્યા નહીં.

કિસ્મત બચારું શું કરે?

આખર તમે દોડ્યા નહીં.

અફસોસ રહ્યો છે મને

મળ્યા પછી બોલ્યા નહીં. ગા ગા લ ગા×2

***

મોરપીચ્છ જોયું ને શ્યામ તમે યાદ આવ્યાં.

મોરલાઓ ગહેક્યા ને શ્યામ તમે યાદ આવ્યાં.

સૂની સૂની કેડીએ જોઈ મેં તો વાંસળી

કલરવ સુણ્યો પારેવાનો ને શ્યામ તમે યાદ આવ્યાં.

આંખોમાં ઉમટ્યાં પૂર જાણે જમનાજીના નીર

કાજળ જાય પીગળતું મારું, શ્યામ તમે યાદ આવ્યાં.

સાદો શણગાર છે, ને છે ગોરું ગોરું મારું મુખડું

દર્પણમાં જોયું મારું રૂપ ને શ્યામ તમે યાદ આવ્યાં.

વરસે છે વરસાદ શ્રાવણિયો આજે ધોધમાર

એકલતાની બેડીએ બંધાણી છું,શ્યામ તમે યાદ આવો.

***

પ્રેમ એટલે સુવાસ જે સદા મહેંકતી હોય છે.

પ્રેમ એટલે કોયલનો ટહૂકો જે સતત ટહૂક્યા કરતો હોય છે.

પ્રેમ એટલે ગૂંજન જે સતત ગૂંજ્યા કરતો હોય છે.

પ્રેમ એટલે નદી જેવો સમર્પિત ભાવ જે ભળ્યા કરતો હોય છે.

પ્રેમ એટલે સમર્પણ જ્યાં કંઈ ક આપવાની વૃત્તિ હોય.

પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ,જ્યાં કેવળ ઈશારો હોય છે.

***

ઈશારો કાફી છે તને સમજવા.

ધણું મથ્યો હતો તને હું પામવા.

***

છે આ ચમન દોસ્ત, કંટક સમા ગમ ના લઈ જવાય.

શ્રધ્ધા તણી છાબડીમાં, ફૂલડાં સમું મન લઈ જવાય.

પ્ર ફુલ્લ આર શાહ

***

કોઈ વરસાદમાં ભીંજાય

કોઈ ઈંતજારમાં અટવાય

પણ હું ભીંજાયો તારા પ્રેમમાં,

ભલે ને સૌ કોઈ મુજને ખિજાય!

***

આ મંદિર છે.

મંદિરમાં ઈશ્વર છે.

ઈશ્વર પુજારીને આધીન છે.

પુજારી જાગે તો

ઈશ્વર જાગે

અન્યથા એક ખુણામાં પડ્યો રહે.

ભક્તો આતુર છે દર્શન કરવાને

પણ દર્શન કરાવાનો હક પુજારી પાસે છે!

પુજારી નજર ભક્તોના ગરમ ખિસ્સા તરફ છે.

આશા આકાંક્ષાનો પ્રસાદ ધરાય છે

આમ દર્શન કરાય છે.

પળબેપળની ધમાલ

ઈશ્વર એકલો પડી જાય છે

બંધ દરવાજે, જાણે કેદખાનું!

જાણે વિવશતાનો ભ્રમ!

***

બેડલું નહીં મારું હૈયું હરખાય છે.

હું નહીં મારો સાહેબો મલકાય છે.

***

આ મન તો સાવ પાગલ છે.

જે નથી તેને ઝંખે છે.

આ મન તો સાવ પાગલ છે

મૃગજળ પાછળ ભમે છે.

આ મન તો સાવ પાગલ છે

કારણ વિના રખડે છે.

આ મન તો સાવ પાગલ છે

ઠોકર ખાઈને પડે છે.

આ મન તો સાવ પાગલ છે જે કરે નફરત તેને ઝંખે છે.

***