.......ને માનવરૂધિર ખાતર બન્યું.
પૂજન એન. જાની
કચ્છના અફાટ રણને કિનારે અલમસ્ત સાધુની જેમ ઊભેલો ઝારા ડુંગર પ્રથમ દ્રષ્ટીએ સામન્ય પથ્થરોથી શણગાર્યો હોય એવું લાગી આવે પણ એ પથ્થરો પાસે પોતાનો આગવો ઈતિહાસ છે જે લગભગ કોઈ ડુંગર પાસે નહી અઢી સદીના ઘાને વૃક્ષમાં પરિવર્તિત કર્યા છે. પોતાની જિંદગીના છ દિવસો ઝારાને કોઈ કાળે નહી ભૂલાય. સદીઓ વીતતી જશે પણ ઝારો એ દ્રશ્યો કોઈ દિવસ વીસરી નહી શકે. ગમે તેટલુ વૃદ્ધત્વ આવે પણ એ કારમી ચીસો ઝારો હંમેશને માટે સાંભળશે. કચ્છની ધરતી વીર વિહોણી થઇ એ વાતનો સાક્ષી ઝારો છે એ સાક્ષી હોવા પણા ઝારો પોતાને કોશતો હશે કારણ કે અત્યારની કચ્છમાં વસતી પ્રજા છે એ પ્રજા છે કે જેના પૂર્વજોએ કોઈ કારણોસર યુદ્ધમાં ભાગ લીધો ન હતો. વીર્યવાન યોદ્ધાઓના શરીર ઢગલો થઈને ઝારાના હ્દય પર પડ્યા હશે ત્યારે ઝારો રડ્યો હશે કે હસતા મોઢે એ વીર્યવાન પુરુષોને સ્વીકાર્યા હશે?
‘ઝારા’ આ ડુંગર કચ્છ જીલ્લામાં પશ્ચિમ દિશામાં આવેલો છે. આ ક્ષેત્રમાં થયેલું યુદ્ધ એટલું ભયંકર હતું કે ઝારાને કચ્છનું કુરુક્ષેત્ર કહેવાય છે. આ મહાયુદ્ધ વખતે અને હાલના કચ્છના નકશામાં જમીન આસમાનનો ફર્ક છે. યુદ્ધના સમયમાં એ પ્રદેશને સિંધુના મીઠા જળનું વરદાન હતું પરંતુ એક આ વરદાન કુદરતે શાપમાં પરિવર્તિત કરી દીધું અને જળ ત્યાં સ્થળ થઈ ગયું અને વહેણ હાલના પાકિસ્તાન તરફ ફંટાઈ ગયું.
કહેવાય છે કે પૂંજા શેઠ જ્યારે દીવાન પદે હતાં ત્યારે જીવણ તેની ચંપી કરતો હતો ત્યારે પૂંજા શેઠે પૂછ્યું કે “જીવણ જો તને કચ્છનો કામદાર બનાવવામાં આવે તો શું કરે?” આ પ્રશ્નના જવાબમાં જીવણે કહેલું કે “જો મને કચ્છનો કામદાર બનાવવામાં આવે તો પહેલા હું તમારા માલ મિલકત લૂંટી અને તમને હલકો કરી નાખું.” પૂંજા શેઠે એ વખતે વાત હસીને કાઢી નાખી હતી પણ જે થવાનું હતું એ કદાચ એ ઈશારો પૂંજો શેઠ સમજી શક્યો નહી.
પ્રજાપ્રેમી રાજા ગોડજીના સમયમાં કચ્છ સુખી-સમૃદ્ધ હતું. આ સમૃદ્ધીને જાણે નજર લાગી ગઈ હોય એમ રાજ્યમાં ખટપટ ઊભી થઈ. વર્ષોથી રાજપરંપરા અનુસાર કચ્છની દીવાનગીરી પૂંજા શેઠને મળે એમ હતી. આ સમયે શેઠ જુનાગઢમાં હતાં. પોતાને દીવાનગીરી મળશે એમ સમજીને એ કચ્છ તરફ નીકળી પડ્યા પરંતુ આ પદ જીવણ શેઠને મળ્યું અને જીવણ શેઠએ પૂંજા શેઠની રાજાથી મુલાકાત ન થાય એવું કાવતરું ઘડ્યું અને એમને નગરમાં પ્રવેશવા ન દીધા જેથી પૂંજા શેઠ અપમાનની આગથી સળગી ઉઠ્યા અને મહાયુદ્ધના બીજ રોપાઈ ગયા.
આ અપમાનની આગ લઈ એ કંથકોટ અને જાટાવાડ ગયા પણ કચ્છના મહારાવની ધાક તેમના પર હોવાથી ત્યાં આશ્રય ન મળ્યો. ત્યાંથી વીરવાવ ગયા અને વીરવાવને દેવકર્ણ શેઠથી સ્વાધીન કરાવી ત્યાંના સોઢાઓને પોતાના ઉપકાર નીચે દાબ્યા. સિંધપતિ ગુલામશાહ ક્લ્હોરાના દીવાન સાથે એમનો પત્રવ્યવહાર ચાલ્યો અને યોજનાને આકાર મળ્યો.
વેશ્યાના પેટે પ્રસવેલો પુત્ર મિયાં ગુલામશાહની સતાલાલશા દિન પ્રતિદિન વધતી હતી. પત્રવ્યવહારથી એણે જાણ્યું કે પૂંજો શેઠ કચ્છ અપાવી શકે એમ છે. કચ્છની સમૃદ્ધિના સપના જોવાના એણે ચાલુ કરી દીધા હતાં. પૂંજા શેઠ માટે ખાસ બક્ષિસો મૂકી, ખાસ પાલખી મોકલાવી અને બંને વચ્ચે સ્વાર્થની સગાઈ થઈ. પૂંજા શેઠે ગુલામશાહને કહ્યું કે “કચ્છ તમારા પાણીથી લીલાલહેર કરે છે અને ભવિષ્યમાં કદાચ સિંધ કરતા શક્તિશાળી બની કચ્છ તાબે કરશે” એવું કહી ગુલામશાહને ઉશ્કેર્યા આથી કચ્છને તાબે કરવા ગુલામશાહ લશ્કર એકઠું કરવા લાગ્યો. જોત-જોતામાં સિત્તેર હજારનું વિશાળ લશ્કર ભેગું કરી લીધું. આટલું મોટું સૈન્ય જોઈ કચ્છ ઘબરાઇ જશે અને કચ્છ તાબે થઈ જશે. પોતાને દીવાનપદ મળશે એ વિચારથી પૂંજો શેઠ અંદરોઅંદર મલકાતો હતો.
પણ કચ્છ હાર માને એમ ન હતું એ પૂંજા શેઠની આંખો જોઈ શકી નહી. લાલચ અને સ્વાર્થનો પડદો આંખમાં એટલી હદ સુધી છવાઈ ગયો કે કચ્છની ખડતલ અને બહાદુર પ્રજાનું ખમીર એ વીસરી ગયો.
સીમા પર યુદ્ધના ભણકારા વાગતા જ ગામોગામ મહારાજા ગોડજીએ ઘોડેસવારો અને ઊંટ સવારો મૂક્યા. યુદ્ધમાં ભાગ લેવા માટે આમંત્રણ પત્રિકાઓ છપાઈ. આ પત્રિકા વાંચીને અમૃત ઘાયલની પંક્તિ યાદ આવી જાય,
“રસ્તો નહી જડે તો રસ્તો કરી જવાના,
એમ થોડા અમે કઈ મૂંઝાઈને મરી જવાના?”
કચ્છના લોકોએ રસ્તો શોધ્યો એમ કહેવું કચ્છની ધરતીનું અપમાન ગણાશે, કચ્છના લોકોએ ઝારાના પથ્થરોમાંથી રસ્તો બનાવ્યો એમ કહેવું યથાર્થ ગણાશે.
એ કંકોત્ર કચ્છ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ છે,
‘લખવંત મહારાજધિરાજ મહારાઓ વિઝાણ શુભસ્થાને સરવે શુભોપમા લાયક ભાઈશ્રી લખાજીની ચિ.હોંજી. જત બીજું પૂંજાની આડોડાઈથી છારીઢંઢની પગ વાઢે સિંધવારો મીર કલોકો ગોલામછા પોતાના લાવ લશ્કરથી ચડી આવે છે. માટે ભાઈયુના નાતે તમે હિંગોરા મંધરા વિગેરે તમામ લાવ લશ્કરને લઈને ટાણે તૈયાર થઈ પરથમ ભુજ પોગી આવજો. ત્યાં થટ મેલાણ ઝારા ઝુમારમાં ભેગું થશે. વાસ્તે પરથમ ઈયા આવજો. લાજ બધાની એક છે.’
“મેરે હાથો કી ગરમી સે પિઘલ જાયેંગી જંઝીરે,
મેરે કદમો કી આહટ સે બદલ જાયેંગી તકદીરે!”
જો આ સમયે કચ્છ એક ન થયું હોત તો કચ્છનો ઈતિહાસ અલગ અક્ષરે લખાયો હોત. લાજ બધાની એક છે એ વાત સૌ એ સ્વીકારી લીધી. પરદેશી લાલચુ શાસક સામે નમવામાં દરરોજ મરવાનું હતું અને એક વખત લડીને સનાતન સમય માટે અમર થવાનું હતું. બે વિકલ્પ હતાં. કચ્છની ધરતી તરફનો મોહ કહીએ કે માતૃભક્તિ સૌ તૈયાર થયા. આવનારા દિવસો એમના અંતિમ દિવસો બની રહેશે એ જાણતા હોવા છતાં હોંશે હોંશે દરેક શૂરવીર નીકળી પડ્યો.
પરદેશી શાસનનો સામનો કરવા અને મા ભોમ ખાતર જીવ આપી દેવા ૧૮ થી ૮૦ વયજૂથના તમામે આ પત્રિકા સ્વીકારી. જે એક નોંધનીય બાબત હતી. કચ્છના તમામ કોમ અને તમામ વર્ગના લોકોના ધાડેધાડા ભુજ તરફ આવ્યા. ખેંગાર, રાયબ, સાહેબ, હાલા, હોથી, મોકલશી, બુટ્ટા, બરાચ, દેદા, આમર, મિયાણા, નોડે, નોતિયાર, સમા, સૂમરા ટેક સાચવવા રણમેદાનમાં આવી ગયા અને ૪૦, ૦૦૦ લોકોએ ઝારા તરફ કૂચ કરી. એ દ્રશ્યની કલ્પના કરવી પણ ગમે કે ભુજથી ઝારા તરફના માર્ગમાં માભોમનો હુંકાર કરીને જતું સૈન્ય કોઈ ઉત્સવ માટે જતું હોય એમ લાગતું. ન કોઈ ડર, ન કોઈ ભવિષ્યની ચિંતા બસ એક જ ધ્યેય -ફતેહ.
જેમાં કચ્છની સેનાના સરદાર તરીકે વિંઝાણના વીર ઠાકોર લખાજી અને દીવાન શેઠ જીવણ હતાં. આ ઉપરાંત નરાના ઠાકોર ભીમજી તથા વીસોજી, નળીઆના ધણી લખધીરજી, અકરીના ઠાકોર સંગ્રામજી તથા ઉમરોજી, ગુનેરીના હોથી શીવરાજજી, ગુંદીયાળીના જોશી મૂળજી લખાણી વગેરે સમસ્ત હતાં. ભાટચારણો કસુંબલ ગાઈ રહ્યા હતાં,
“સૂરે ઘરે ઘરે વધામણાં, કાયર પઈ ભંગાણ,
રાજ વજે સરણાઈયુ, પખરજે કેકાણ.”
અર્થાત- શૂરાઓના ઘરે વધામણી આવવા લાગી, કાયરોમાં ફૂટ પડવા લાગી. રોજ શરણાઈયુ વાગવા લાગી અને ઘોડા પર બખ્તર ચડવા લાગ્યા.
“સૂરેંકે સડ થેઆ, ઝારે ચડ્યા ઝૂંઝાર
ડે મલાયો પાણજો, અમર થઈ તલાવાર.”
અર્થાત- શૂરાઓને હાકલ પડી અને રણઝૂંઝરો ઝારા ડુંગર પર ચડવા લાગ્યા. તેમણે પોતાના દેશને દીપાવીને કચ્છની તલવાર અમર કરી.
ઝારા પર તોપ ગોઠવી દેવામાં આવ્યા. તોપનું મુખ ઉપર ચડી આવનારા સૈન્યની સામે રખાયું હતું જેથી ડુંગર ચડતા લશ્કરના કચ્ચરઘાણ વાળી નાખવાની યોજના પાર પડી શકે. આસપાસનાં કૂવા પૂરી દેવાયા જેથી દૂરથી આવેલ લશ્કર પાણી વિના તરફડીને મરી જાય. આ હોમવર્ક ખૂબ જ કામ આવ્યું. ખરેખર એવું જ થયું. લશ્કર દયનીય સ્થિતિએ હતું. સિંધથી સતત ચાલીને આવતું લશ્કર રઘવાયું થયું હતું. અન્ન અને પાણી ખૂટ્યા હતાં. સૈનિકો અન્ય સૈનિકોની ખાઈ જશે એ હદ સુધી ઉતરી આવત અને એવે ટાણે જો આક્રમણ કર્યું હોત તો ફતેહ જાન ગુમાવ્યા વિના મળી જાત પણ કુદરતને કરવું હોય ત્યારે આપણે તો નિમિત્ત માત્ર બની જો અને તો ની રમત રમનારા છીએ. એ રાત્રે કચ્છી સેનાએ આક્રમણ ન કર્યું. સૌ એ મીઠી નિદ્રા માણી. બીજા દિવસે પણ લશ્કરને આરામની જરૂરિયાત હતી આથી પૂંજા શેઠ અને ગુલામશાહએ ઉલટો કાન પકડાવવાનું વિચાર્યું. જીવણ શેઠ સાથે વિષ્ટિની વાતો ચલાવી. એ લોકો આક્રમણ નહી કરે એ વાત પર પૂરો વિશ્વાસ કરાવી દીધો જેથી સંકટનો સમય ટળી જાય. જીવણશેઠ આ ચાલાકી ન સમજી શક્યા. ‘ક્ષણનો ચૂક્યો સદીનો ચૂક્યો’ એ કહેવત અહી અક્ષરે અક્ષર સાચી પડે છે. કચ્છ અને આઝાદ ભારતનું ભવિષ્ય કઈક અલગ હોત છતાં જે થવાનું હશે એ ઈશ્વર ઈચ્છા હશે એમ સમજીને આગળ વધવું રહ્યું.
પૂંજા શેઠ અને ગુલામશાહે બીજો દિવસ પણ કાઢી નાખ્યો છતાં હજુ જીવણશેઠએ કઈ ન કર્યું. છેવટે યુદ્ધ માટે ખોરાક પાણી સિંધથી આવી ગયા. સેના તાજીમાજી થઈ ગઈ.‘ઘર કા ભેદી લંકા ઢાયે’ એ અહી પણ સાર્થક નીવડ્યું. પૂંજા શેઠને ખ્યાલ હતો કે જાડેજાઓ રાત્રે અફીણનું સેવન કરીને નિંદ્રાધીન થાય છે અને સવાર સુધી એની અસર ન થાય ત્યાં સુધી તેમને જોમ નથી ચડતું છે આથી વહેલી સવારે સૂરજ ઊગે એના પહેલા આક્રમણ કરી વિરોધીઓને નિંદ્રામાં ખતમ કરી નાખવાનો કારસો રચ્યો. આ યોજના સફળ રહી. સિંધીઓએ નગ્ન તલાવાર સાથે છાવણીમાં કુદી પડ્યા. કચ્છનું સૈન્ય સાવધાન એના પહેલા જ હોહા ફેલાઈ ગઈ અને દગાથી કચ્છનું કુરુક્ષેત્ર શરૂ થયું. તલાવરો મેદાનમાં આવી, મરણચીસો ગુંજી ઉઠી. કુદરત પણ કચ્છથી વિમુખ હતું સવારની ઝાકળમાં તોપનો દારૂગોળો હવાઈ ગયેલો અને ખરે ટાણે ભડકો ન થયો. એ દિવસ હતો માગસર સુદ પાંચમ અને વર્ષ હતું વિ.સં ૧૮૧૯
આ યુદ્ધની શરૂઆત અફીણ વાળો બનાવ એટલી હદે ગંભીર હતો કે કોણ દુશ્મન ને કોણ દોસ્ત એ પણ ખ્યાલ હતો નહી માત્ર તલાવરો ચાલતી હતી જે પણ યુદ્ધ મેદાનની એક અનોખી ઘટના છે. દિવસ ઉગતા જ યોદ્ધાઓ સામસામે આવી ગયા અને દારૂણ યુદ્ધ ખેલાયું. ‘હર હર મહાદેવ’ અને ‘અલ્લાહો અકબર’ના નાદ એક સાથે ગુંજવા લાગ્યા. શૂરવીરોનું ઝોમ જેમ જેમ ચડતું ગયું તેમ તેમ અને રક્તની છોળો ઉડતી ગઈ. ઝાકળનો કોપ આખો પ્રહર ચાલ્યો. અંધાધૂંધી તલાવરો ચાલતી હતી. વિકરાળ ચહેરાઓ જોઈને સામન્ય માણસ છળી મરે એવી સ્થિતિ સર્જાઈ હતી. છતાં ક્યાંય પણ અફસોસ કે નારાજગી ન હતી. કચ્છ તરફથી લડવૈયા પાગલ હાથીની જેમ લડ્યા. એકની સામે બે યોદ્ધા હોવા છતાં એક પણ લડવૈયો ગભરાયો નહી. ન એણે પગ પાછા લીધા. હર એક યોદ્ધાની સામે ત્રણ લક્ષ્ય હતાં માતૃભૂમિની રક્ષા કરવાની હતી, રાજ પરિવારનું નાક સાચવવાનું હતું અને પૂંજા શેઠના દગાનો જવાબ આપવાનો હતો.
બીજા પ્રહરથી તો કચ્છનું જોર વધ્યું હતું. સિંધીઓ કચ્છી ભાયાતો સામે વામણા પડતા હતાં. કદાચ એવું પણ હોઇ શકે કે ગુલામશાહનું સૈન્ય પૈસા ખાતર લડતું હોય અને કચ્છી સૈન્ય માતૃભૂમિ માટે! સૂરજના છેલ્લા કિરણ સુધી યુદ્ધ ખેલાયું હતું. આખી રાત ઘાયલોની સેવા સુશ્રુષા કરી યુદ્ધમાં ઊભી શકે એટલા સક્ષમ બનાવવામાં આવતા અને યોજનાઓનો દોર શરૂ થતો અને સવાર પડતા જ અગન વરસાવતા ગોળાઓ, બંદૂકની સણસણ કરતી ગોળીઓથી ઝારો ધ્રુજી ઉઠતો. તલવારની ઝડીઓ વરસવા લાગતી.
યુદ્ધ દિવસેને દિવસે ભયંકર સ્વરૂપ ધારણ કરતું હતું. લડવૈયા જીવ પર આવી ગયા હતાં તો મૃત્યુ દર સેકન્ડોમાં હતો. વિંઝાણાનાં વીર તો દુશ્મન દળને પીસતા હોય એમ રણમેદાનમાં તલવારો ચલાવતા હતાં. રણમેદાનમાંથી ઉત્પન્ન થતા વિકરાળ અવાજોથી ધરતી ધ્રુજી ઊઠી જતી. બંને પક્ષે ગજબનો સંહાર થયો. પૂંજા શેઠને કલ્પના પણ નહી હોય કે પોતાની લાલશા અને અપમાનવૃત્તિ વાળવા એણે ઉઠાવેલું કદમ આટલી હદે વિનાશ વેરશે.
શૂરવીરઓના માથા કપાણા પણ હાથ એટલી જ ગતિથી મા ભોમ ખાતર તલવાર ફેરવતા હતાં એવા અનેક દ્રશ્ય રણભૂમિમા સર્જાયા. તોપની ધ્રુજારી હજુ પણ ઝારો પોતાની અંદર લઈને બેઠો છે અને એ વખતે આકાશમાં જે ધુમાડા ઉઠ્યા હતાં એ દ્રશ્ય હજુ સુધી ઝારને રાત્રિના સપનામાં આવતું હશે. પ્રચંડ સંહાર થયો. માતૃભૂમિનું મસ્તક ઊંચું રાખવામાં અનેક જુવાનોએ પોતાનું શીર ન્યોછાવર કર્યું. આ યુદ્ધમાં એટલો ભયંકર સંહાર થયો હતો કે યુદ્ધના સમાચાર ભુજ પહોચાડવા કોઈ જીવિત ન હતું. સામે પક્ષે એનાથી પણ ભયંકર સ્થિતિ હતી. કચ્છના જાડેજાઓ આ યુદ્ધમાં જીવ પર આવી ગયા હતાં અને નવાઈની વાત એ છે કે યુદ્ધ પહેલા જ તેમની પત્નીઓએ કેસરિયા કરી લીધા હતાં. યુદ્ધમાં અપ્રતિમ બહાદુરી દેખાડનાર આજે પણ પીર તરીકે પૂજાય છે. કચ્છના લોકો ઝારો જીત્યા.
ડુંગર જાણે રક્તપીપાશુ રાક્ષસ બન્યો હોય એમ રક્તની ધારો એના પરથી વહી નીકળી હતી. એક તરફ ખળખળ વહેતું સિંધનો નિર્મળ પ્રવાહ અને બીજી તરફ શાંત પણ ગરમ રૂધિરનો પ્રવાહ વહેતો હતો. ઝારો રક્તથી સિંચાતો હતો. પાંચમા દિવસે યુદ્ધ પૂર્ણ થયું. યુદ્ધ પહેલાનો અંજપો સૌ કોઈ અનુભવી શકે છે પણ યુદ્ધ પછીની શાંતિની કલ્પના જ કરવી રહી. કચ્છના ખૂણે ખૂણે આવેલા સૌ કોઈ આ હવનમાં હોમાઈ ગયા, જીવણ શેઠ ખુદ પોતાનું અસ્તિત્વ ખોઇ બેઠા. યુદ્ધમાં વિજય કાળનો થાય છે એ અહી પણ સાબિત થયું. કચ્છમાં એ જ લોકો બાકી રહ્યા કે જેણે યુદ્ધમાં ભાગ લીધો ન હતો બાકી આખુય કચ્છ ચીરનિંદ્રામાં પોઢી ગયું હતું. કચ્છની વીરશ્રીનો અંત આવી ગયો. કચ્છની ધરતી નિવીર્ય બની, નિસ્તેજ થઈ ગઈ.
યુદ્ધ દરમિયાન લાલચથી પ્રેરાઈને ગુલામશાહ અબડાસા તરફના વિસ્તારને લૂંટવા માટે પણ નીકળ્યો હતો. ત્યાં તેણે શસ્ત્ર વિહોણી પ્રજા પર કેર વર્તાવ્યો હતો. પણ રાપર બાજુ વળ્યો ત્યારે તેને પરાજયનો સામનો કરવો પડ્યો.
બીજું પરિણામ એ આવ્યું કે જે જગ્યાએ યુદ્ધ ખેલાયું હતું એ જગ્યાએ મીઠો ગૂગળ ઉગવાની શરૂઆત થઈ. આ મીઠો ગૂગળ બીજી કોઈ જગ્યાએ ઉગતો નથી એ માત્ર કચ્છની સૂકી અને ઓછા વરસાદ વાળી ભૂમિ પર થાય છે કેમ કે એ ઝાડને વિસ્તરવા માટે ખાતર તરીકે માનવરૂધિરની જરૂર પડે છે. જે આ યુધ્ધે પૂરું પાડ્યું. એ દ્રશ્યની કલ્પના પર અત્યારે ડરાવી જાય છે કે ડુંગર પરથી લોહીની નદી વહેતી હોય એમ લોહી દરરોજ નીકળતું. યુદ્ધથી રક્તતૃત્પ થઈ ગયેલો આવો ડુંગર કે ભૂ-ભાગ બીજે ક્યાંય નથી. ભૂગોળની દ્રષ્ટિએ આ ગૂગળ વરદાન છે અને ઈતિહાસની દ્રષ્ટીએ આ ગૂગળ શાપ છે. મારી દ્રષ્ટીએ આ ગૂગળ એ સાક્ષી છે યુદ્ધ પછીની કચ્છની ધરતીની સૂની થઈ ગયેલી ‘ગોદ’નો.
“ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
અમે ભીંત ફાડીને ઊગી જવાના.”
-હર્ષ બ્રહ્મભટ્ટ
કુદરતે આ કચ્છની ધરતીને પાણી માટે તરસાવી જરૂર છે પણ આ ધરતીને એવા વીર આપ્યા છે જેના રુધિર જમીનમાં સિંચાયા હોય. કદાચ દુનિયાના ઈતિહાસમાં આવો બનાવ નહી બન્યો હોય જ્યાં પાણીની ગરજ રક્તે સારી હોય.