Agyaat Sambandh - 25 books and stories free download online pdf in Gujarati

અજ્ઞાત સંબંધ - ૨૫

પ્રકરણ-૨૫

ભૂતકાળ

(ઈશાન અને કવિતા પ્રાચીન ભાષાઓના જાણકાર શાસ્ત્રીજી પાસે નક્શામાંની ભાષા ઉકેલાવા જાય છે, પરંતુ શાસ્ત્રીજી તેમને ખોટા માર્ગે દોરે છે અને તેઓ જંગલમાં એક કૂવા પાસે આવી પહોંચે છે. કૂવામાં જુએ છે તો જોરાવરસિંહની લાશ લટકતી હોય છે. ત્યાં જ વનરાજ, રતનસિંહ અને રિયા પણ ભેગા થઈ જાય છે. એટલામાં દિવાનસિંહ પણ ત્યાં આવી પહોંચે છે અને લોકેટ માટે કોઈ પણ બે વ્યક્તિઓને કૂવામાં જ રોકાવાની શરત મૂકે છે. રતનસિંહ અને ઈશાન કૂવામાં જ રોકાય છે. હવે આગળ...)

“તું મારી બહેન છે.” રતનસિંહના મોઢામાંથી નીકળેલા શબ્દોથી રિયા સ્તબ્ધ થઈ ગઈ. આ દુનિયામાં તેનું કોઈ પોતાનું છે એ વાત એના માન્યામાં નહોતી આવતી. ખબર પડી તો પણ કેવા વખતે ? જ્યારે ચારેતરફ મૃત્યુ ભરડો લઈ રહ્યું હતું !

“ભાગો, નીકળો અહીંથી !” ઈશાને રાડ પાડી.

વનરાજ અને કવિતાએ રિયાને ખેંચી. તેમનો હાથ છોડાવી રિયા રતનસિંહ તરફ જવા લાગી. પોતાના અસ્તિત્વ વિશે, રતનસિંહ વિશે અને પોતના માતા-પિતા વિશેના કેટલાય સવાલો એની આંખમાં ડોકાતા હતા. જો અત્યારે જવાબ નહીં મળે તો કદાચ ક્યારેય તે પોતના કુટુંબ વિશે જાણી નહીં શકે !

“તમારે ભાઈ-બહેને રક્ષાબંધન મનાવવી હોય તો હું રિયાને પણ મારવા તૈયાર છું. ધાનીનો વંશવેલો ખતમ કરવામાં મને બેહદ આનંદ થશે.” દિવાનસિંહે ક્રૂર અટ્ટહાસ્ય કર્યું.

ધાની... રિયા માટે પહેલીવાર સાંભળેલું નામ. એનો વંશવેલો ? કોણ હશે ? સવાલની વણઝારો તો અટકવાનું નામ જ નહોતી લેતી.

“જા બહેન જા ! મારા રહેતા હું તને કાંઈ જ નહીં થવા દઉં.” રતનસિંહના અવાજમાં લાગણી છલકતી હતી.

વનરાજ અને કવિતાએ ફરી રિયાને ખેંચી અને તેઓ કૂવાની બહાર નીકળી ગયાં. વનરાજ તે બંનેને કોઈ સુરક્ષિત જગ્યાએ મૂકી દેવા માંગતો હતો. જતાં-જતાં કવિતાએ દિવાનસિંહ તરફ જોયું અને દિવાનસિંહની નજર કવિતાના ગળાના કાપા ઉપર પડી અને તે ફરી હસ્યો.

“બોલ ઈશાન ! ક્યાં છે એ લોકેટ ? મને લોકેટ આપ. નહીંતર તારા અને તારા નાનાજીના હાલ પણ જોરાવરસિંહ જેવા જ થશે.” દિવાનસિંહે કૂવામાં ઊપરથી જ રાડ પાડી.

“દિવાનસિંહ ! મને ખબર છે, આમ પણ મને તો તું મારી જ નાખીશ, પણ મારા નાનાજીને અડીશ નહીં એની ખાતરી આપ તો જ હું તને જગ્યા બતાવું. આમ પણ દસ મિનિટમાં તો એ લોકેટ આગમાં ફેંકાઈ જશે.” ઈશાને બહુ સ્વસ્થતાથી કહ્યું.

“તું મને જલ્દી કહે. હું વચન આપું છું.” દિવાનસિંહ ગરજવાન બન્યો.

“ઠીક છે. એ લોકેટ અંબાની ઝૂંપડીમાં છે અને ત્યાં મારો એક મિત્ર છે. જલ્દી પહોંચ. બાકી હું તો તેને કહીને આવ્યો છું કે ચાર કલાકમાં પાછો ન આવું તો આગમાં ફેંકી દેજે અને ત્રણ કલાક અને પંચાવન મિનિટ વીતી ચુકી છે.”

ઈશાને બરોબરનો પાસો ફેંક્યો. અંબાની ઝૂંપડીમાં દિવાનસિંહ જઈ ન શકે અને અંદર કોઈ હોય તો બહાર આવે ને !

“જાઓ, આ બંનેના શરીરની ઉજાણી કરો !” પોતાના સાથીદારોને સૂચના આપી દિવાનસિંહ ઉડ્યો લોકેટની દિશામાં. અંબાની ઝૂંપડીમાં તો એ ઘુસી શકશે નહીં તેની એને ખબર હતી, પણ ઈશાનના મિત્રને બહાર બોલાવવો એના માટે સાવ સહેલું હતું. જેવી રીતે શાસ્રીના શરીરમાં ઘુસી બધાને ભટકાવ્યા હતા તેવી જ કોઈક રીતે !

પોતાના માલિકનો હુકમ થતા જ બન્ને પિશાચો પગથિયાં ઊતરવા લાગ્યા. રતનસિંહ ઈશાન તરફ ફર્યો.

“તારા જેવી બહાદુર વ્યક્તિને મળીને સાચે જ આનંદ થયો. તે મને તારી સાથે મરવા માટે કેમ પસંદ કર્યો ?” રતનસિંહે ઈશાનને પૂછ્યું.

બન્ને પિશાચો તેમની નજીક પહોંચી ગયા હતા. તેમના મોઢામાંથી લાળ ટપકી રહી હતી.

“મેં તમારા ચહેરા પર આત્મવિશ્વાસ જોયો. મને જાણે એમ લાગ્યું કે તમને મરવાની બીક નથી એટલે...” ઈશાનનું વાક્ય અધૂરું રહ્યું. તેની પાછળ એક પિશાચ પહોંચી ચુક્યો હતો. તેનો અવાજ ઈશાનને સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો.

રતનસિંહ હસ્યો.

“છોકરા ! તું સાચો છે. તને ખબર છે મને કેમ મરવાની બીક નથી લાગતી ? કેમ કે આજે આપણે મરવાના નથી. રતનસિંહ ક્યારેય ક્યાંય પણ તૈયારી વગર જતો નથી.” આટલું બોલીને રતનસિંહે પોતાના ખીસ્સામાંથી એક કાચની બોટલ કાઢી. એ બોટલ તેની ગુફામાં રાખેલી બોટલોમાંની એક હતી જેમાં એક ભૂત પૂરાયેલું હતું. એ બોટલ તેણે જમીન પર પછાડીને ફોડી નાખી. તેમાંથી સફેદ ધુમાડારૂપે એક ભૂત બહાર નીકળ્યું.

“જો તું એમને મારી દઈશ તો તું આજથી મુક્ત.” રતનસિંહ બોલ્યો. આટલાં વખતથી બોટલમાં કેદ થયેલાં ભૂતની મુક્ત થવાની ઈચ્છા એટલી તીવ્ર હતી કે તેણે પિશાચોને મારવામાં પોતાની તમામ તાકાત લગાવી દીધી.

પિશાચો ભૂતને જોઈ શકતા ન હતા તેનો ફાયદો ઉઠાવી ભૂતે બંને પિશાચોના હાથ-પગ મરોડી નાખ્યાં. તૂટેલાં હાડકાંની પીડાવાળા પિશાચોના ચિત્કારથી કૂવો ગુંજી ઉઠ્યો. તેનો લાભ ઉઠાવી રતનસિંહ અને ઈશાન ઉપર ચડવા માટે ભાગ્યા. ભૂતે પાસે પડેલાં અણીદાર પથ્થરોથી બંને પિશાચોના શરીર ચીરી કાઢ્યા. પિશાચોના માંસમાં મોટા મોટા ચિત્ર-વિચિત્ર કીડા હતાં. ચિરાયેલા શરીરે પણ પિશાચો ઈશાન અને રતનસિંહ તરફ જવાના હવાતીયાં મારી રહ્યા હતા, પણ ભૂત બંનેને છોડતું નહોતું. છેવટે બંને પિશાચો નર્કના દ્વારે પહોચ્યાં અને ભૂતે પણ ઘણાં સમયે આઝાદીની હવામાં શ્વાસ લીધો.

રતનસિંહ અને ઈશાન બહાર નીકળ્યાં. જોરાવરસિંહની લાશને સન્માન સાથે નીચે ઉતારી.

“ઈશાન, આપણે અંબાની ઝૂંપડીએ જલ્દી પહોંચવું જોઈએ.” રતનસિંહએ ઉતાવળ કરી.

“મેં ખોટું કહ્યું છે. લોકેટ મારી પાસે જ છે, મારી કારમાં.” ઈશાને આવા વાતાવરણમાં પણ આંખ મિચકારી. રતનસિંહને તેની ચાલાકી ઉપર માન થઈ આવ્યું. તે બંને વનરાજ-રિયા અને કવિતાને શોધવા જોરાવરસિંહની લાશ કારમાં નાખી, તેમની હવેલી તરફ નીકળ્યા.

***

દિવાનસિંહ અંબાની ઝૂંપડીએ પહોંચ્યો. બે પથ્થરથી આગળ વધવાની તેની તાકત નહોતી એટલે ઝૂંપડી આગળ તેણે પોતાની માયા રચવાની શરૂ કરી. જાત-જાતના બિહામણા અવાજો કર્યા. પોતાના પિશાચી જાનવરોને બોલાવ્યાં, પણ અંદર કોઈ હોય તો બહાર આવે ને ! દિવાનસિંહ બરોબરનો ધૂંધવાયો અને ઉડ્યો હવેલી તરફ...

***

અહીં હવેલીમાં જોરાવરસિંહની લાશ જોઈ તેમનાં પત્ની જડ જેવા થઈ ગયાં હતાં. આટલાં દિવસથી તેમની સાથે રહેતાં રિયા અને વનરાજ તેમના આપ્તજન બની ગયાં હતાં અને તેમને સાંત્વના આપી રહ્યાં હતાં. ઈશાને પોતાના નાનાજીને બોલાવી લીધા હતા. ગામવાળાઓ પણ જોરાવરસિંહને પૂજતા હતા એટલે ગણતરીની મિનિટોમાં તો ઘણાં ખરાં ગ્રામવાસીઓ હવેલીએ આવી ગયાં. જોરાવરસિંહની લાશ જોઈ દરેકના શરીરમાં ભયનું લખલખું પસાર થઈ જતું. રતનસિંહે ઝડપથી થોડાં મંત્ર બોલી હવેલીની આસપાસ લક્ષમણ રેખા ખેંચી જેથી દિવાનસિંહ અને તેના પિશાચોના પ્રકોપથી લોકોને બચાવી શકે. જો કે એ સમયે ઝાડ પર લાલ આંખોવાળું ઘુવડ તો બેઠું જ હતું.

રાત થઈ ગઈ હોવાથી જોરાવરસિંહની વિધિપૂર્વક અંતિમયાત્રા સવારે કાઢવાનું નક્કી કરવામાં આવ્યું.

રિયા, વનરાજ, કવિતા, ઈશાન અને રતનસિંહ અંદર એક ઓરડામાં ગયાં. કવિતાએ પોતે અહીં ઈશાનની મદદથી કેવી રીતે પહોંચી તે વાત કરી. રિયાએ ઈશાનનો આભાર માન્યો. ઈશાન અને વનરાજ પહેલીવાર રૂબરૂ મળી રહ્યા હતા.

“મેં તને સુરતની લાઇબ્રેરીમાં કેમેરામાં જોયો હતો. તું શું કામ આ મુસીબતમાં પડ્યો ? તારે લોકેટનું શું કામ હતું ?” વનરાજે ઈશાન ઉપર પ્રશ્નોનો મારો ચલાવ્યો.

“મારા નાનાજીને લોકેટ જોઈતું હતું. કહે છે કે દિવાનગઢનો જૂનો ખજાનાનો નકશો તેમાં છે. મારા નાનાજીને એ ખજાનો કોઈપણ ભોગે મેળવવો છે. એ નકશો તો મને મળી ગયો છે, પણ એને ઉકેલવો બહુ અઘરો છે.” ઈશાને સંપૂર્ણ સત્ય કહી દીધું.

“પણ એક પિશાચને ખજાનાની શું લાલચ ?” કવિતાએ પ્રશ્ન કર્યો.

“એ પિશાચ અહીંનો છેલ્લો રાજા દિવાનસિંહ છે. પોતાનો વારસો જોઈતો હશે એને.” વનરાજે પોતે લાઈબ્રેરીના પુસ્તક ‘દિવાનગઢનો ઇતિહાસ’માં વાંચેલી બધી વાત કરી.

“ના, એને ખજાના કરતાં તેની સાથે પડેલી એક સોનાની મુઠવાળી તલવારમાં રસ છે. કહેવાય છે કે એ તલવારથી દુનિયાની દરેક આસુરી શક્તિનો નાશ શક્ય છે અને એ જ પ્રમાણે જો એ તલવાર ખરાબ શક્તિના હાથમાં આવી જાય તો તે અજય-અમર બની જાય.” રતનસિંહે વાત કરી.

“તમે આટલું બધું કેવી રીતે જાણો છો, મારા ભાઈ !” ભાઈ બોલતાં તો રિયાની આંખો ભરાઈ આવી.

રતનસિંહે બધાંની સામે જ રિયાને વાત કહેવાની શરૂ કરી, “ધાની...! મારાં અને રિયાનાં દાદી ધાની દિવાનસિંહની બીજી પત્ની હતાં.”

“તો તમે બંને દિવાનસિંહના જ વારસ ન કહેવાઓ ?” કવિતાએ વચ્ચે પૂછ્યું.

“ના ! દિવાનસિંહ નિઃસંતાન હતો અને ધાની એને છોડી ભાગી ગઈ હતી. એવું મેં પુસ્તકમાં વાંચ્યું છે. તો શું પુસ્તકની તમામ વાતો સાચી છે ?” વનરાજે પૂછ્યું.

“હા, એ પુસ્તક અમારા પપ્પા ઉધમસિંહે લખેલું જેથી ભવિષ્યમાં કોઈ એનો ઉપયોગ કરી શકે અને... હવે હું એકલો બોલું ?” રતનસિંહે બધા સામે સૂચક નજરે જોયું.

વનરાજ અને કવિતાએ મોઢા પર આંગળી મૂકી અને રિયા પોતાના નામ પાછળ પિતાનું નામ લગાવવામાં વ્યસ્ત હતી. ઈશાન તો બધું જાણવા જ બેઠો હતો.

“દિવાનસિંહ સંતાન પામવાની ક્ષમતા ધરાવતો ન હતો. એ કારણે એ ધાની ઉપર બહુ અત્યાચાર ગુજારતો. રાજવી કુટુંબને વંશજ આપી શકતી નથી એવું કહીને ચાબુકથી ફટકારતો. આર્થિક પરિસ્થિતિ બગડી ગયેલી એટલે નોકરો કાઢી નાખ્યા હતા અને ધાની પાસે કારણ વગરના કામ કરાવતો. કોઈ સુંદર સ્ત્રી જુએ એટલે કાં તો રાજા હોવાના અધિકારે, નહીંતર બળજબરીપૂર્વક તેને ધાનીની નજર સામે જ ભોગવે. એ સ્ત્રીની આંખોમાંથી વરસતાં આંસુ ધાનીને દઝાડતાં. એ સમયે ગામમાં એક નવયુવાન આવ્યો. નામ એનું ભાણસિંહ. દિવાનસિંહને ખબર પડી કે ભાણસિંહ એક સારો તાંત્રિક છે અને ઘણીબધી પ્રાચીન ભાષા અને વિદ્યાનો જાણકાર છે. ભાણસિંહને પોતાના ઘરે બોલાવ્યો. થોડાં દિવસો મહેમાનગતિ કરી તેની નિયત પારખ્યાં બાદ તેની પાસે પોતાના ગળામાં પહેરેલાં લોકેટનો ભેદ જાણવો તેવું દિવાનસિંહે વિચાર્યું. ભાણસિંહ એક સુંદર અને મજબૂત યુવાન હતો. તેની કાળી ઝેબાણ આંખોમાં ભરપૂર આત્મવિશ્વાસ હતો. તે દિવાનસિંહ સાથે સમય વિતાવતો અને તેણે પોતાના યજમાનને એક-બે તાંત્રિકવિદ્યા પણ શીખવાડી, પરંતુ એ દિવસો દરમ્યાન ભાણસિંહે જોયું કે દિવાનસિંહ પોતાની સુંદર અને નાજુક પત્ની ઉપર ખૂબ અત્યાચાર કરે છે. પહેલાં તેને ધાની પ્રત્યે સહાનુભૂતિ થઈ અને ધીરે ધીરે એ પ્રેમમાં ફેરવાઈ. ધાનીને પણ પોતાની ઉંમરના સહૃદયી ભાણસિંહ સાથે પ્રીત બંધાઈ અને તે બંનેએ એક દિવસ દિવાનસિંહની પહોંચથી બહાર ભાગી જવાનું નક્કી કર્યું. ભાણસિંહને રૂપિયા-પૈસાની લાલચ નહોતી. તેને પોતાની જાત ઉપર ભરોસો હતો એટલે તેણે ધાનીને પહેર્યાં કપડે જ લઈ જવાનું નક્કી કર્યું, પણ ધાની લોકેટનું મહત્વ જાણી ચૂકી હતી અને દિવાનસિંહની ક્રુરતાનો પણ તેને પૂરેપૂરો પરિચય હતો એટલે તેણે એક રાત્રે દારૂના નશામાં ધૂત થયેલા ઊંઘતા દિવાનસિંહના ગળામાંથી આ લોકેટ સેરવી લીધું અને તે બંને ભાગી ગયાં. આ તરફ સવારે દિવાનસિંહે પોતાના ગળામાં લોકેટ ન જોતાં ધાનીના નામની બુમો પાડી. જવાબ ન મળતાં તેનો ચાબુક લઈ નીચે ઉતર્યો, પણ ધાની હોય તો મળે ને ! થોડી શોધખોળ પછી તેને સમજાયું કે ધાની અને ભાણસિંહ ભાગી ગયાં છે. નોકરો તો હતા નહીં. લોકો પણ એના અત્યાચારથી ત્રાસેલા હતા એટલે ધાની અને ભાણસિંહની શોધ દિવાનસિંહે એકલા હાથે આદરી. દિવાનગઢથી પશ્ચિમ દિશામાં ચાર ગામ દૂર ભાણસિંહ અને ધાનીએ પોતાનો સંસાર શરૂ કર્યો. પંચાવન વર્ષના થયેલા નશાખોર દિવાનસિંહને એકલા હાથે શોધ ચલાવતાં વર્ષો નીકળી ગયાં. ધાની એમને એમ ભાગી ગઈ હોત તો એ કદાચ તેની શોધખોળ છોડી દેત, પણ સાથે તેનું લોકેટ હતું જે એને કોઈપણ ભોગે જોઈતું હતું. આ તરફ ધાની અને ભાણસિંહને ત્યાં એક પુત્ર અવતર્યો. નામ રાખ્યું ઉદયસિંહ. એ ઉદયસિંહ અમારા પિતા અને આ પુસ્તકના લેખક. ઉદયસિંહ ચાર-પાંચ વર્ષના થયા તે સમયે દિવાનસિંહ એ ગામમાં આવી પહોંચ્યો. એકસઠ વર્ષનો દિવાનસિંહ હજુ પણ તાકત તો ધરાવતો જ હતો. તેણે ગામમાં પહોંચી સાધનામાં બેઠેલા ભાણસિંહનું માથું તલવારના એક ઝાટકે વાઢી નાખ્યું.” બોલતાં રતનસિંહની આંખોમાં રતાશ તરી આવી. રિયા વનરાજની છાતીમાં માથું છુપાવવા ગઈ, પણ વનરાજ સિફતથી દૂર થઈ ગયો. આ દૂરી કવિતાએ પણ નોંધી અને તેના મોંઢા પર એક વિચિત્ર સ્મિત ફરકી ગયું. ઈશાનને પણ આગળ જાણવાની તાલાવેલી જાગી.

(ક્રમશઃ)

પ્રકરણ લેખિકા: એકતા દોશી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED