Agyaat Sambandh - 24 books and stories free download online pdf in Gujarati

અજ્ઞાત સંબંધ - ૨૪

પ્રકરણ-૨૪

અવાવરું કૂવો

સવારના ચાર વાગ્યાનો સમય હતો. વનરાજ રૂમમાં તેની ખુરશીથી દૂર સુતેલી રિયાને ચૂપચાપ જોઈ રહ્યો હતો. તેના ચહેરા પર દુઃખ હતું. તે ઊભો થયો અને રિયાની પથારીની નજીક પહોંચ્યો. તે ચુપચાપ રિયાના શાંત ચહેરાને જોઈ રહ્યો.

અચાનક વનરાજને એક અવાજ સંભળાયો. વનરાજ તરત જ એ અવાજની દિશામાં દોડ્યો. તેણે જોયું તો હવેલીનો મુખ્ય દરવાજો ખૂલ્લો હતો.

વનરાજ એ ખુલ્લા દરવાજાની બહાર દોડ્યો. તેને અંધકારમાં એક પડછાયો કોઈકને ખેંચી રહ્યો હોય તેમ લાગ્યું. તેને રતનસિંહને ઉઠાડવાની ઈચ્છા થઇ આવી, પણ તેને લાગ્યું કે સમય નથી. તે પેલા પડછાયાની પાછળ દોડવા લાગ્યો.

***

સવારે રિયા ચૂપચાપ પલંગ પરથી ઊભી થઈ. તેણે વનરાજને રૂમમાં ન જોયો. તેને લાગી રહ્યું હતું કે વનરાજ કોઈ કારણસર તેનાથી દૂર ભાગી રહ્યો હતો. પોતે આટલી ઘાયલ હોવા છતાં વનરાજ જાણે તેનાથી અતડું વર્તન કરી રહ્યો હતો. રિયા માટે આ વાત અસહ્ય હતી.

રિયા જ્યારે રૂમની બહાર નીકળી ત્યારે તેને સામે રતનસિંહ બેઠેલો દેખાયો. વનરાજ ત્યાં પણ નહોતો. રિયાને વનરાજ પર ગુસ્સો આવ્યો.

“વનરાજ ક્યાં છે ?” તેણે રતનસિંહને પૂછ્યું.

“એ બહાર ગયો લાગે છે કદાચ. હમણાં આવશે.” રતનસિંહ બોલ્યો.

ત્યાં અચાનક એક નોકર દોડતો આવ્યો અને બોલ્યો, “સાહેબ, જોરાવરસિંહ તેમના રૂમમાં નથી.”

રતનસિંહ પોતાની જગ્યા પરથી ઊભો થઈ ગયો, “વનરાજ અને જોરાવરસિંહ મુસીબતમાં લાગે છે.”

રિયાના ચહેરા પર ચિંતાનાં વાદળો ઘેરાયાં. હવેલીના મોભી અને તેનો પતિ બન્ને ગાયબ હતા.

***

ઈશાન અને કવિતા એક મકાન પાસે પહોંચ્યા. એ મકાન દિવાનગઢની મુખ્ય બજાર વચ્ચે હતું. મકાન સામાન્ય કક્ષાનું હતું. એ મકાનમાં જૂની ભાષાઓના જાણકાર શાસ્ત્રીજી રહેતા હતા. ઈશાને કવિતાને લૉકેટ અંગે વાત કરી દીધી હતી. તેને કવિતા પર વિશ્વાસ આવી ગયો હતો, તેમ છતાં તેણે લૉકેટ કઈ જગ્યાએ સંતાડ્યું છે એ નહોતું કહ્યું. લૉકેટ કઈ જગ્યાએ છે એ માત્ર તે પોતે જ જાણતો હતો. હવે લૉકેટ પણ ગળામાં પહેરી રાખવું તેને યોગ્ય નહોતું લાગ્યું એટલે તેણે લૉકેટને પણ નક્શાની જેમ ક્યાંક સુરક્ષિત રીતે સંતાડી દીધું હતું.

ઈશાને ઘરમાં પ્રવેશ કર્યો. એક જાજરમાન વૃદ્ધ દીવાનખંડમાં તેની રાહ જોઈને બેઠો હતો. તેણે ઈશાન અને કવિતાને આવકાર આપ્યો.

“શાસ્ત્રીજી ! મેં તમને જે લૉકેટની વાત ફોન પર કરી હતી એ આ લૉકેટ છે.” ઈશાન પોતાના મોબાઈલ ફોનમાં લૉકેટ અને પેલા કાગળનો ફોટો બતાવતાં બોલ્યો.

મોબાઈલમાં પાડેલો ફોટો જોઈને એક ક્ષણ માટે શાસ્ત્રીજીના ચહેરા પર ચમક આવી ગઈ. બીજી જ ક્ષણે તેમના ચહેરાના ભાવ સામાન્ય થઇ ગયા.

“બેટા ! આ આડીઅવળી રેખાઓ તો કોઈ જગ્યાએ પહોંચવાનો રસ્તો બતાવે છે. બાકી વાત રહી આ શબ્દોની, તો આ શબ્દો કોઈ પ્રાચીન મંત્રના લાગે છે. કોઈ જગ્યાએ પહોંચવા માટે ઉપયોગમાં લેવાય તેવો મંત્ર.” શાસ્ત્રીજી ઝીણી નજર કરીને બોલ્યા.

“પણ કઈ જગ્યાએ પહોંચવા માટે ?” ઈશાને પ્રશ્ન કર્યો.

“એ જગ્યાનો ઈશારો કદાચ આ દોરેલી આડીઅવળી રેખાઓ બતાવે છે.” શસ્ત્રીજી બોલ્યા.

ઈશાને એ રેખાઓને ઝૂમ કરીને જોઈ. તેને રેખાઓ શું કહેવા માંગે છે એ ન સમજાયું ! તેણે કવિતાને પણ મોબાઈલ આપ્યો. એને પણ રેખાઓની ભાષા ન સમજાઈ. શાસ્ત્રીજીએ થોડીવાર મોબાઈલ હાથમાં લીધો. તેમણે થોડીવાર સુધી નિરીક્ષણ કર્યું. અચાનક તેમની આંખોમાં ચમક આવી ગઈ.

“આ કોઈ નિશાન જેવું લાગે છે. આ નિશાન કોઈ રાજકીય ચિહ્ન છે. કોઈ રાજાનું ચિહ્ન... આ ચિહ્ન મેં ક્યાંક જોયેલું છે. પહેલાના જમાનામાં રાજાઓ મુશ્કેલીના સમયે છૂપવા માટે કેટલીક છૂપી જગ્યાઓ બનાવડાવતા. એવી જગ્યાઓની ઓળખ માટે આવા કોઈક નિશાન તેમની પર કોતરાવતા. આ દિવાનસિંહની છૂપવાની જગ્યાનું નિશાન છે. એવી એક જગ્યા જંગલમાં છે. મેં એ જગ્યા જોયેલી છે.” શાસ્ત્રીજી યાદ કરીને બોલ્યા.

“ક્યાં છે એ જગ્યા ?” કવિતા અને ઈશાન એકસાથે બોલી ઉઠ્યાં.

“એ એક પગથિયાંવાળો અવાવરું કૂવો છે. એ કૂવો જંગલની વચ્ચે આવેલો છે. મુખ્ય રસ્તાથી એક કેડી છૂટી પડે છે. એ કેડી અંતે એ કૂવા સુધી લંબાય છે. તમારે ગાડી મુખ્ય રસ્તા પર છોડીને જંગલમાં બે-એક કિલોમીટર જેટલું ચાલવું પડશે. એ કૂવા પર આવું જ નિશાન છે.” શાસ્ત્રીજીએ કહ્યું.

“આપનો ખૂબ ખૂબ આભાર, શાસ્ત્રીજી !” ઈશાન બોલ્યો અને ઊભો થયો.

ઈશાન અને કવિતાના ગયા પછી શાસ્ત્રીજીનું શરીર અચાનક ધ્રૂજવા લાગ્યું. તેમની આંખો સફેદ થઈ ગઈ. સફેદ ધુમાડો તેમના મોઢામાંથી બહાર નીકળ્યો અને તેમનું નિર્જીવ શરીર જમીન પર પડ્યું. એ સફેદ ધુમાડો બારીની બહાર નીકળી ગયો.

***

રિયાના ફોનમાં અચાનક મેસેજ ચમક્યો – ‘હું જંગલમાં એક અવાવરું કૂવા પાસે છું. એ લોકો જોરાવરસિંહને પકડીને અહીં લઈ આવ્યા છે. તમે લોકો જલદી અહીં પહોંચો.’ - મેસેજ વનરાજના મોબાઈલમાંથી હતો. રિયાએ તરત જ એ મેસેજ રતનસિંહને દેખાડ્યો.

“મને અંદાજો છે કે વનરાજ કયા અવાવરું કૂવાની વાત કરી રહ્યો છે. આપણે ઝડપથી ત્યાં પહોંચી જવું જોઈએ.” રતનસિંહ હવેલીની બહાર નીકળતાં બોલ્યો.

રિયા પણ તેની પાછળ ચાલી નીકળી. રિયા અને રતનસિંહ સિવાય બીજા ત્રણ નોકરો પણ તેમની સાથે થયા.

***

ઈશાન અને કવિતા ગાડી મુખ્ય રસ્તા પર છોડીને શાસ્ત્રીજીએ કહેલી જગ્યા પર પહોંચ્યાં. એ અવાવરું કૂવો બરાબર જંગલની વચ્ચે હતો. કૂવા પર નિશાન પણ કોતરેલું હતું. કૂવામાં એક ટીપું પણ પાણી નહોતું. કૂવો કરોળિયાનાં જાળાંથી ભરેલો હતો. કૂવામાં પાણીનું સ્તર નીચું જાય ત્યારે પાણી ભરવા માટે પગથિયાં હતાં. કૂવા પર એક લાકડાની ગરગડી પણ હતી.

કૂવાની આસપાસના વાતાવરણમાં નીરવ શાંતિ હતી. કૂવો જાણે વર્ષોથી કોઈની રાહ જોઈને બેઠો હોય તેમ લાગી રહ્યું હતું. ઈશાન અને કવિતા ગાડીમાંથી ઊતરીને લગભગ બે કિલોમીટર ચાલીને કૂવાના કાંઠે પહોંચ્યા. ઈશાને કૂવામાં ઊતરતાં પહેલાં એક નજર કૂવામાં નાખી.

બીજી જ ક્ષણે અંદરનું દ્રશ્ય જોઈને તે ત્યાં જ થીજી ગયો. કવિતાએ પણ અંદર નજર કરીને ચીસ પાડી. ગરગડી સાથે બાંધેલા દોરડા સાથે એક લાશ લટકી રહી હતી. લાશનો ચહેરો વિકૃત થઈ ગયેલો હતો. કોઈએ જાણે તેને બેરહેમીથી મારી નાખ્યો હતો. એ જોરાવરસિંહની લાશ હતી. એ કૂવાના તળિયે એક બીજી માનવઆકૃતિ પણ પડી હતી. એ વનરાજ હતો.

ઈશાન અને કવિતા તરત પગથિયાં ઊતરવા લાગ્યાં. કવિતા જોરાવરસિંહની લાશ પાસે પહોંચી ત્યારે લાશની નીચે રહેલા પગથિયા પર લોહીનું ખાબોચિયું ભરાયેલું હતું. ઈશાન અને કવિતાએ લાશ તરફ દ્રષ્ટિ ન પડે તેના ભરપૂર પ્રયત્નો કર્યા, તેમ છતાં લાશની છાતીમાં કોઈએ પાડેલું મોટું કાણું તેમના ધ્યાન બહાર ન રહ્યું.

કવિતાએ આ ભયાનક દ્રશ્ય જોઈને ઊલટી કરી. તે પગથિયા પર જ બેસી ગઈ. ઈશાન કૂવાના તળિયે પહોંચી ગયો હતો. તેણે વનરાજ તરફ નજર કરી. તે ધીરે ધીરે ભાનમાં આવી રહ્યો હતો.

અચાનક ઉપરથી તેમને બીજા લોકોના આવવાના અવાજો પણ સંભળાયા. કવિતાએ ઉપર જોયું. સૌ પ્રથમ તેને એક ઊંચો પહાડી માણસ દેખાયો. તેની બાજુમાં જ એક યુવતી હતી. એ યુવતીને તે ઓળખતી હતી. એ રિયા હતી. કવિતાએ રિયાને જોઈને બૂમ પાડી. રિયાનું ધ્યાન કૂવામાં પગથિયાં પર બેઠેલી કવિતા પર ગયું. તે કવિતાને જીવતી જોઈને ખુશ થઈ. તે ઝડપથી પગથિયાં ઊતરવા લાગી. કવિતા પાસે પહોંચીને તે પોતાની સખીને ભેટી પડી. રતનસિંહ પણ ત્રણેય નોકરો સાથે પગથિયાં ઊતરીને કૂવાના તળિયે પહોંચી ગયો. ત્રણેય નોકરો પોતાના માલિકની ક્ષત-વિક્ષત લાશ જોઈને હેબતાઈ ગયા.

રિયા, કવિતા અને રતનસિંહ કૂવાના તળિયે પહોંચ્યા ત્યારે વનરાજ ભાનમાં આવી ગયો હતો અને ઈશાન, રિયા અને રતનસિંહને આશ્ચર્યથી જોઈ રહ્યો હતો. રતનસિંહ ઇશાનને ઓળખતો હતો. ત્રણેય નોકરો પોતાના શેઠની લાશ ઉતારવા લાગ્યા.

“તેમણે... તેમણે જોરાવરસિંહની...” વનરાજનું વાક્ય અધૂરું રહ્યું.

કૂવાના મથાળેથી એક ભયાનક અટ્ટહાસ્ય સંભળાયું. બધાનું ધ્યાન ઉપર તરફ ગયું. ત્યાં ત્રણ પિશાચી વ્યક્તિઓ ઊભી હતી.

એકને તો બધા ઓળખતા જ હતા. તેની બાજુમાં તેના બે સાગરીતો પણ ઊભા હતા. તેના સાગરીતોના મોં લોહીથી ખરડાયેલા હતા. એ કદાચ જોરાવરસિંહના શરીરનું લોહી હતું. ત્રણેય નોકરો પણ પોતાનું કામ અટકાવીને આ ત્રણ પિશાચો તરફ જોવા લાગ્યા.

“આહા ! મારા બધા જ દુશ્મનો એક સાથે, એક જ જગ્યાએ. વાહ ! મારી યોજના સફળ રહી.” દિવાનસિંહ અટ્ટહાસ્ય કરતાં બોલ્યો.

કૂવામાં તેના હાસ્યના પડઘા પડ્યા. કૂવાના તળિયે ઉભેલા લોકો થથરી ગયા.

“મારું કામ ચાલુ કરતાં પહેલાં આ ત્રણ પ્યાદાઓને હટાવી દઈએ.” દિવાનસિંહ ત્રણેય નોકરો તરફ જોઈને બોલ્યો.

તેના બોલતાંની સાથે જ તેની સાથે રહેલા તેના બન્ને સાગરીતો પગથિયાં ઊતરવા લાગ્યા. પેલા ત્રણેય નોકરો ડરી ગયા. તેમને અંદાજ આવી ગયો કે તેમનો અંજામ પણ તેમના માલિક જેવો જ થવાનો હતો. તેઓ નીચેની તરફ પગથિયાં ઊતરવા લાગ્યા, પણ પેલા બન્ને પિશાચો તેમના કરતા ઝડપી નીકળ્યા. ત્રણેય નોકરોએ તે બન્નેનો સામનો કરવાનો નિષ્ફ્ળ પ્રયત્ન કર્યો. ત્રણેયના પેટમાં ગણતરીની સેકંડોમાં જ પેલા બન્ને પિશાચોના ધારદાર નખ ઘુસી ગયાં. બન્ને પિશાચોએ તેમને આસાનીથી ઊંચકીને પગથિયાં પર ફેંક્યા. એકની લાશ ત્રણેક પગથિયાં નીચે પછડાઈ. થોડીવારમાં જ કૂવાના પગથિયાં પર પાણીની જેમ લોહી વહેવા લાગ્યું.

રિયા અને કવિતા આ ત્રણેય કમભાગી નોકરોની દયનીય હાલત થતી જોઈને ચીસો પાડતી રહી. અંતે બન્નેથી એ બીભત્સ દ્રશ્યો ન જોવાતાં બન્ને આંખો બંધ કરીને એકબીજાને ચોંટીને ઊભી રહી ગઈ. બન્નેની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં.

ત્રણ લાશોને ખરાબ રીતે ચૂંથવાનું બન્ને પિશાચોએ શરૂ કર્યું. કૂવાના તળિયે ઊભેલા તેમના પ્રેક્ષકો તેમના આ ભયાનક ખેલને જોઈ રહ્યા હતા. થોડીવારમાં એ મડદાંઓની જયાફત પણ શરૂ થઇ ગઈ.

“મારા માણસોની ભૂખ તો તમે જોઈ જ રહ્યા છો. એ શમે નહીં એવી ભૂખ છે. તેઓ આ રીતે હજારો મડદાંઓ ખાઈ શકે તેમ છે. આ ત્રણ પછી તમારા બધાનો વારો છે.” દિવાનસિંહ બોલ્યો.

“તું અમને મારી શકે તેમ નથી. જ્યાં સુધી પેલું લૉકેટ મારી પાસે છે ત્યાં સુધી તો નહીં જ !” એ અવાજ ઈશાનનો હતો.

દિવાનસિંહ હસ્યો, “એ તારી ભૂલ છે છોકરા. હું એ લૉકેટ તો ગમે તે રીતે મેળવી લઈશ.”

“કેવી રીતે ? તારી શક્તિઓ કોઈની યાદશક્તિ પર અસર કરી શકતી નથી. તું કોઈના પણ શરીરમાં પ્રવેશી શકે છે, પણ તેની યાદશક્તિ કે વિચારો નથી વાંચી શકતો.” આ વખતે બોલનાર રતનસિંહ હતો.

ઈશાને રતનસિંહ સામે નજર કરી. રતનસિંહની આંખોમાં તેને આત્મવિશ્વાસ દેખાયો.

દિવાનસિંહ ફરી હસ્યો.

“રતનસિંહ ! તું મારા વિશે ઘણું જાણે છે. તને તો આ કૂવાામાંથી જીવતો હું કોઈ કાળે જવા નહીં દઉં.” દિવાનસિંહ ગુસ્સામાં બોલ્યો.

ઈશાને આ તક ઝડપી લીધી.

“તારે લૉકેટ જોઈએ છે અને હું નથી ઈચ્છતો કે મારા આ મિત્રોને કંઈ થાય. જો તું આ બધાને આ કૂવાામાંથી જીવતા જવા દે તો હું તને લૉકેટનું સરનામું બતાવું.” ઈશાન બોલ્યો. રતનસિંહને આ છોકરાની હિંમત પર માન થઈ આવ્યું. વનરાજ સહિત બાકીના બધાને પણ ઈશાનના આત્મવિશ્વાસ પર આશ્ચર્ય થયું.

“વાહ છોકરા ! મોતના મુખમાં પણ અકડ દેખાડવાની ? તને મારવાની મજા આવશે. ચાલ ત્યારે, તારી વાત હું માનું, પણ એક શરતે. કોઈપણ ત્રણ વ્યક્તિઓને હું આ કૂવાામાંથી જીવતી જવા દઈશ. તું કહીશ એ વ્યક્તિઓ જીવશે અને તું કહીશ એ મરશે. પસંદગી તારા હાથમાં છે.” દિવાનસિંહ બોલ્યો અને તેણે પોતાના પિશાચો તરફ ઈશારો કર્યો. બન્ને પિશાચ દિવાનસિંહના ઈશારે પગથિયાં ઉતરવા લાગ્યા.

ઈશાન થોડીવાર ખચકાયો. તેણે વિચાર્યું હતું તેના કરતા ઊંધું બન્યું હતું. તેને આ મોતના કૂવામાંથી નીકળવાનો કોઈ બીજો ઉપાય દેખાતો નહોતો. તેના સિવાયના ચાર લોકો તેની સામે જોઈ રહ્યાં હતાં. તેમના ભવિષ્ય ઈશાનના હાથમાં હતા. તેણે બધાનાં જીવન અને મૃત્યુનો નિર્ણય કરવાનો હતો. પેલા પિશાચો ઝડપથી તેમની નજીક આવી રહ્યા હતા.

“હું મારા અને રતનસિંહ સિવાય બીજા બધાને છોડી મૂકવાનું પસંદ કરું છું.” ઈશાન નિર્ણય કરીને બોલ્યો.

“મૂર્ખ છોકરો ! તું અને રતનસિંહ જ મારા મુખ્ય દુશ્મનો છો. તે તો મારું કામ સાવ આસાન કરી નાખ્યું. બાકીના ત્રણને તો હું ગમે ત્યારે મારી શકું છું.” દિવાનસિંહ ખુશ થઈને બોલ્યો.

બાકીના બધાં જ ઈશાન સામે જોઈ રહ્યાં. ઈશાન તેમના સૌના જીવન માટે પોતાનું જીવન દાવ પર લગાવી રહ્યો હતો. રિયા અને કવિતાની આંખોમાં આંસુ હતાં. વનરાજ ઈશાન તરફ ફર્યો.

“હું તને આમ અમારા જીવન બચાવવા કુરબાન નહીં થવા દઉં. હું પણ રોકાઈશ.” વનરાજ બોલ્યો.

“ગાંડપણ ન કર અને રિયાનો વિચાર કર.” ઈશાન બોલ્યો.

એકમાત્ર રતનસિંહ જ ચુપચાપ ઊભો હતો. તેને ક્યારેય મરવાનો ડર લાગ્યો નહોતો.

“રતનસિંહ ! તારે રિયાને પેલી વાત નથી કહેવી જે માત્ર આપણે બન્ને જ જાણીએ છીએ ? હવે તારો અંતિમ સમય નજીક આવી ગયો છે. તારી સાથે એ રહસ્ય પણ કાયમ માટે દફન થઈ જાય એ કરતાં તેને કહી દે.” દિવાનસિંહ હસીને બોલ્યો.

રિયાએ રતનસિંહ સામે પ્રશ્નાર્થભરી નજરે જોયું. રતનસિંહ થોડીવાર ગુંચવાયો. અંતે તે હિંમત કરીને બોલ્યો, “રિયા ! તું મારી બહેન છે.”

(ક્રમશઃ)

પ્રકરણ લેખક: નરેન્દ્રસિંહ રાણા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED